(ગતાંકથી આગળ)

માતૃપદની છાયા માટે

શ્રીમા કેવી રીતે શ્રીઠાકુરની તિથિપૂજા કરે છે, એ જોવા માટે મારા મનમાં પ્રબળ ઇચ્છા થઈ. પરંતુ તિથિપૂજાની કાર્યવ્યવસ્થા કે આયોજન કંઈ જોવા ન મળ્યું. એ ભલે ગમે તેમ હોય પણ, પૂજાના બે-એક દિવસ પહેલાં બાંકુડાના વિભૂતિબાબુ તિથિપૂજા માટે આવશ્યક સામાન લઈને આવ્યા. સર્વત્ર પ્રસન્નતા છવાઈ ગઈ.

શ્રીમાની ભાવભક્તિપૂર્વકની સેવા જોઈને અમે ધન્ય બન્યા. એમની પૂજાની વિશિષ્ટતા પ્રત્યક્ષ ન જોઈએ તો એ વિશે ધારણા કરવી અસંભવ છે. જેમને આ પૂજા જોવાનો અવસર સાંપડ્યો છે, તેઓ પોતાના પ્રાણપૂર્વક તેનો અનુભવ કરે છે.

એક નાની ઘટના મારા મનમાં આવે છે. એ સમયે સિલેટના સ્વામી જગદાનંદ (તે સમયે તેઓ પૂર્વાશ્રમમાં હતા.) કેટલાક ભક્તોને લઈને જયરામવાટી આવ્યા હતા. એક દિવસ રાતે ભોજનાદિ લીધા પછી રાસબિહારી મહારાજે આવીને કહ્યું : ‘મા આપને અને કેદારબાબુને બોલાવે છે.’ એ સમય અમારા માટે સૂવાનો સમય હતો. મા આવા કટાણે શા માટે અમને બોલાવે છે, તે વાત અમે સમજી ન શક્યા. અમે બંનેએ માના જૂના ઘરમાં જઈને જોયું તો તેઓ અમારા માટે બે હાથમાં બે ગ્લાસ દૂધ લઈને ઊભાં હતાં! એમની નજીક જતાં જ કહ્યું : ‘બાબા, તમે આ થોડું દૂધ પી લો. દૂધ એટલું ઓછું છે કે બધાને આપી શકું તેમ નથી. જે લોકો ઘરસંસારી છે એમને તો ખાવાનું મળશે. ભાઈ, તમને કોણ આપશે?’ શ્રીમાનો ઉષ્માભર્યો પ્રેમ જોઈને કેદારબાબા અભિભૂત થઈ ગયા. અમે દૂધના ગ્લાસ તો લીધા પણ હાથમાં લીધેલી વસ્તુ હાથમાં જ રહી ગઈ. કેદારબાબાનું મન ભક્તિપ્રધાન હતું, એટલે એમનો હાથ થરથર કાંપવા લાગ્યો. શ્રીમાએ ‘લો, ભાઈ, લો’ એમ બે-ત્રણ વાર કહ્યા પછી અમે દૂધ પીધું. દૂધ પીતાંની સાથે જ શ્રીમાએ અમારા હાથમાંથી બંને ગ્લાસ લઈ લીધા. થોડું પાણી નાખીને એ ગ્લાસ ધોવાનો અવસર પણ અમને ન મળ્યો. અહા! શ્રીમાનો ત્યાગી સંતાન પ્રત્યે કેવો અદ્‌ભુત પ્રેમભાવ! એ દિવસની વાત યાદ આવતાં આજે પણ અમે ભાવવિભોર બની જઈએ છીએ. (સેવાશ્રમ, કાશી, ૩.૧૧.૫૧)

પથસંકેત

ભક્તોને સંબોધીને મહારાજ (સ્વામી વિશુદ્ધાનંદજી) કહે છે: ‘શું આજે કઈ વાત થશે? શ્રીમાની વાત સાંભળવા ઇચ્છો છોને, સારું. પણ શ્રીમાની વાત કરતાં મારી વાત પણ થઈ જાય છે. વળી શ્રીમાની વાત કહેતી વખતે શ્રીઠાકુરની વાત પણ કરવી પડશે.’

૧૯૦૧માં બેંટ્રા હાઈસ્કૂલમાંથી મેં એંટ્રસની પરીક્ષા પાસ કરી હતી. થોડા દિવસથી મેં ઈમ્પિરિયલ લાઈબ્રેરીમાં આવવાજવાનું શરૂ કર્યું હતું. એ વખતે એ લાઈબ્રેરી હેય્‌ર સ્ટ્રીટ અને સ્ટેન્ડ રોડના વળાંક પર મેટકાફ હૉલમાં હતી.

ગ્રીષ્મકાળ ચાલે છે. એક દિવસ વધુ સમય પુસ્તકો વાંચવાથી મારા મસ્તિષ્કને થાક લાવવાથી હું હૉલમાં આમતેમ ટહેલતો હતો. ચારેબાજુએ પુસ્તકો અને માત્ર પુસ્તકો હતાં. દૈવવશાત્‌ મારી નજર એક કબાટમાંના એક પુસ્તક પર પડી. એ પુસ્તક હતું: ‘શ્રીરામકૃષ્ણ : હીઝ લાઈફ એન્ડ સેઈંગ્સ’. તરત જ એક સેવક દ્વારા એ ચોપડી કબાટમાંથી કાઢી. બે-એક દિવસમાં જ ખૂબ ધ્યાનપૂર્વક એ પુસ્તક હું વાંચી ગયો. એક નકલ ખરીદીને મારી પાસે રાખું એવા વિચારથી મેં એકેએક દુકાને તપાસ કરી પણ એ પુસ્તક મળ્યું નહિ. એટલે એ આખે આખું પુસ્તક મારા ચોપડામાં લખીને એ ચોપડો મારી પાસે રાખ્યો.

એ પુસ્તકમાંથી યુગતીર્થ દક્ષિણેશ્વરની વાત સૌ પ્રથમ જાણી શક્યો. એકવાર બગીમાં કોલકાતાથી બારાનગર ગયો અને ત્યાંથી પગે ચાલીને દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં પહોંચ્યો. સૌ પ્રથમ શ્રીઠાકુરના ઓરડામાં હું પ્રવેશ્યો. બધી ચીજવસ્તુઓ એમ ને એમ જ પડી છે, પણ શ્રીઠાકુર નથી, એ જાણીને મારું મન ખિન્ન બની ગયું. ત્યાંથી મા ભવતારિણીના મંદિરમાં જઈને સાંભળ્યું કે થોડીવાર પહેલાં જ મંદિરનાં દ્વાર બંધ થઈ ગયાં છે અને વળી ચાર વાગે પાછાં ખૂલશે! આટલે દૂર આવીને પણ દર્શન ન થયાં એ જાણીને ખિન્ન મને હું સામે આવેલા આંગણમાં જ બેસી ગયો. પરંતુ મારા પરમ આશ્ચર્યની વાત એ છે કે ભવતારિણી માએ તત્કાલ મારા મનની ઉદ્વિગ્નતા જાણી અને એમનાં જ્યોતિર્મયી રૂપનું દર્શન થયું! એ વખતે હું અત્યંત પ્રસન્ન થયો. આખો દિવસ હું ત્યાં જ હતો. અને ચાર વાગે શ્રીમંદિરમાં શ્રીમાની મૂર્તિ જોઈને હું અવાક્‌ બની ગયો. શ્રીમાની મંદિરની મૂર્તિ અને મને થયેલ જ્યોતિર્મયી રૂપનું દર્શન એ બંને અભિન્ન! એ દિવસે આનંદપૂર્ણ હૃદયે હું મારા નિવાસસ્થાને પાછો આવ્યો. આ વાત સંભવત: ૧૯૦૪ની વાત છે. દક્ષિણેશ્વર જવાનો આ મારા જીવનનો પ્રથમ દિવસ હતો. ત્યારથી સપ્તાહમાં બે વખત હું દક્ષિણેશ્વર જતો હતો. વચ્ચે વચ્ચે રાત્રીનિવાસ પણ કરતો. એ વખતે શ્રીરામલાલ દાદા હતા. એમની સાથે મારે ઓળખાણ થઈ ગઈ. તેઓ મને શ્રીમા કાલીનો પ્રસાદ આપતા. જે દિવસે હું રાત રહેતો તે દિવસે દક્ષિણેશ્વરની પંચવટીમાં રાતના અગિયાર-સાડા અગિયાર સુધી હું ધ્યાન કરતો. ઘણો આનંદ આવતો. રામલાલ દાદા ઘણો સ્નેહભાવ રાખતા. એમનાં છોકરાં માટે હું બિસ્કીટ અને ચોકલેટ લઈ જતો.

એક દિવસ પૂજનીય માસ્ટર મહાશય દક્ષિણેશ્વરમાં આવ્યા. હું દક્ષિણેશ્વરમાં આવ-જા કરું છું, એ સાંભળીને તેમણે ઘણી પ્રસન્નતા પ્રગટ કરી. પરંતુ કાલીવાડીનું બપોરનું અન્ન ખાવા માટે એમણે જરાય સમર્થન ન આપ્યું. ‘એ તો સાધુ-ફકીરનો અધિકાર છે’ એમ એમણે કહ્યું. એમનો આ ઉપદેશ સાંભળીને એ સમયથી હું બે પૈસાના પૌઆ, એક પૈસાની ખાંડ અને એક પૈસાનું લીંબું ખરીદીને બપોરનું ભોજન લેતો. માસ્ટર મહાશયે કહ્યું હતું: ‘છરી અને ગમછો સાથે રાખવાં.’ પૌઆ ગમછામાં બાંધીને ગંગાના પાણીમાં ડૂબાડી દેવા (અને છરી લીંબું કાપવા માટે). પૌઆમાં લીંબું અને ખાંડ નાખવાથી ખાવાનું બહુ સરસ થતું.

દક્ષિણેશ્વરમાં જ શ્રીમાનું નામ મેં પ્રથમ વખત સાંભળ્યું. સ્વામીજીના મંત્રદીક્ષિત શિષ્ય શ્રી શરતચંદ્ર ચક્રવર્તીએ આવીને એક દિવસ રામલાલ દાદાને પૂછ્યું: ‘શ્રીમાને કેમ છે?’ એ દિવસે એમને મુખે શ્રીમાનું નામ સાંભળીને મારી ભીતર જાણે કે કેવો અનન્ય ભાવ જાગી ઊઠ્યો! મેં મનોમન વિચાર્યું: ‘શ્રીમા હજુ હયાત છે, એમનાં દર્શન કરવાં પડશે. એમાં વાર લગાડવી સારી નહિ.’ શ્રીમાના આશીર્વાદ મેળવવા માટે મારાં મનપ્રાણ આકુળવ્યાકુળ થવાં લાગ્યાં. કેવી રીતે અને કયે રસ્તે શ્રીમા પાસે પહોંચી શકાય એ વાત રામલાલ દાદાને પૂછીને જાણી લીધી. એમણે કામારપુકુરમાં એક વ્યક્તિ પર ચીઠ્ઠી લખીને મને આપી.

શ્રીઠાકુરના સંતાનો બેલૂર મઠમાં રહે છે અને તેઓ ઉચ્ચ આધ્યાત્મિક શક્તિસંપન્ન છે, એ વાત મેં પહેલાં સાંભળી હતી. પરંતુ એમની નિકટ જવાની હિંમત ન થઈ. (હું તો) નગણ્ય છોકરો, એમની પાસે કેવી રીતે જાઉં? પણ, શ્રીમાની પાસે જવામાં ભય-શંકા કંઈ ન રહે.

ગમે તેમ કરીને હું રસ્તાનો સંકેત મેળવીને રેલવે માર્ગે વર્ધમાન સુધી ગયો. એક પરિચિત મ્યુનિસિપલ ઓવરસિયરની સહાયથી એમના એક ઓળખીતાનું બળદગાડું ભાડે કર્યું અને અજાણ્યા રસ્તે ચાલી નીકળ્યો. વર્ધમાનથી શ્રીમા માટે પાંચશેર બુંદી લીધી. ઉચ્ચાલનના ખેતરે પહોંચતાં જ સાંજ પડી ગઈ. પહેલાં આ નિર્જન વિસ્તારમાં ધોળે દિવસે પણ કેટલાયને લૂંટારાઓ લૂટી લેતા. ડાકુઓના હાથે કેટકેટલાએ જાન ગુમાવ્યા છે એ વિશે અત્યારે પણ ઘણું ઘણું સાંભળવા મળે છે. ઘણો પ્રયત્ન કરવા છતાં પણ સાંજ પહેલાં આ ઉચ્ચાલનનું ખેતર પસાર ન થઈ શક્યું. અસહાય બનીને એક દુકાનમાં રાતવાસો કરવો પડ્યો. વહેલી સવારે ઊઠીને રવાના થયો અને સૂર્યોદય થતાં કામારપુકુર પહોંચ્યો. રામલાલ દાદાનો પત્ર સાથે હતો એટલે કંઈ અગવડતા ન પડી. પરંતુ એક ઘટનાથી મારા મનમાં ઘણું દુ:ખ થયું. શ્રીઠાકુરના ગૃહદેવતા રઘુવીરજીની સેવા માટે થોડી બુંદી કાઢીને થાળીમાં રાખતો હતો, ત્યારે રામલાલ દાદાના એક સગાએ મને બોલાવ્યો અને હું ઘરમાં ગયો. બે મિનિટ પછી પાછા ફરીને જોયું તો એક કૂતરો હાંડીમાં મોઢું રાખીને બુંદી ખાતો હતો. એ વખતે મને જે દુ:ખ થયું એની શું વાત કરું! કેટલી સાવચેતીથી આ મીઠાઈની હાંડી સાથે લઈને આખે રસ્તે હું આવ્યો અને એ જ વસ્તુ અહીં આટલી નિકટમાં આવીને નષ્ટ થઈ ગઈ! હવે કરવુંયે શું? કામારપુકુરથી શ્રીમા માટે થોડી જલેબી ખરીદીને જયરામવાટી તરફ જવા નીકળી પડ્યો. જતાં જતાં હું મનોમન વિચારતો હતો : ‘કોણ જાણે મા મને કેવી રીતે સ્વીકારશે! સાથે ચિઠ્ઠી કે પત્ર કંઈ નથી. કોઈની સાથે એવો પરિચય પણ નથી કે જે શ્રીમા સાથે મેળાપ કે ઓળખાણ કરાવી દે.’ ગમે તેમ કરીને જયરામવાટી તો પહોંચી ગયો.

પ્રથમ દર્શન : શ્રીમા એમના જૂના ઘરની ઓસરીમાં બેસીને શાકભાજી સુધારતાં હતાં. ‘કેમ છો, બેટા! રસ્તામાં કંઈ મુશ્કેલી તો નથી પડી ને?’ આ હતું શ્રીમાનું પહેલું (મારી સાથેનું) સંભાષણ. જાણે કે પોતાના પેટના સંતાનને કહેતાં હોય તેમ. મેં બાળપણથી જ મારાં માતાને ગુમાવ્યાં હતાં. માતૃપ્રેમનો આસ્વાદ વિસ્મૃતિના અતલ તળિયે ગયો હતો! એટલે જ આજે મારા અંતરતમના એ શૂન્યભાવને ભરપૂર ભરી દીધો. માના આ વક્તવ્યથી હું ભાવવિભોર બની ગયો. એમની ચરણધૂલિ લીધી. માએ મને બેસવાનું કહીને મારાં ખબર-અંતર પૂછ્યાં. ક્યારે રવાના થયો હતો? કયે રસ્તે આવ્યો હતો? આવું બધું પૂછ્યું. કામારપુકુરની એ દુર્ઘટનાને લીધે મારા મનમાં થોડું દુ:ખ હતું. એટલે મેં પૂછ્યું: ‘મા, એમ કેમ થયું?’ ગાડીવાળો કોણ હતો, એ મને પૂછ્યું. એ ભિન્ન ધર્માવલંબી હતો એ સાંભળીને એમણે કહ્યું: ‘ખબર છે ને, શ્રીઠાકુરના પિતાજી કેવા નિષ્ઠાવાન બ્રાહ્મણ હતા; એમના આરાધ્ય દેવતાની સેવાપૂજામાં આ ન ચાલે – એટલે જ એ મીઠાઈ નકામી ગઈ.’

બીજે દિવસે માએ મને ‘શ્રીઠાકુર વિશે હું કેવી રીતે પ્રથમ વખત જાણી શક્યો’ એ વિશે પૂછ્યું. મેં બધી વાત કરી. એ પછી જયરામવાટી આવવાના હેતુની વાત કરીને વ્યાકુળભાવે કહ્યું: ‘મા, આપ મારા માથા પર એકવાર હાથ ફેરવો તો મને ભગવાનલાભ મળી જાય.’ શ્રીમાએ પૂછ્યું: ‘શ્રીઠાકુરના સંતાનોમાંથી કોઈની પાસેથી મંત્રદીક્ષા લીધી છે?’ એવી મંત્રદીક્ષા લીધી નથી એ સાંભળીને પોતે જ દીક્ષા આપશે એમ શ્રીમાએ કહ્યું. ત્યારે શ્રીમાનાં ચરણોમાં પડીને વારંવાર પ્રણામ કર્યા.

૧૬ ડિસેમ્બર, ૧૯૦૬, રવિવાર – મારા જીવનનો પરમ શુભ દિવસ. સવારે આમોદર નદીમાં સ્નાન કરીને આવીને જોયું તો શ્રીમા પૂજામાં બેઠાં હતાં. બાજુમાં એક આસન રાખ્યું હતું. બેસવા માટેનો ઈશારો કર્યો. દીક્ષા પણ આપી અને કહ્યું: ‘આજે તને શ્રીઠાકુરનો સિદ્ધ બીજમંત્ર આપું છું.’ ક્યારે, કેવા ભાવે અને કેવી રીતે જપ કરવો તે પણ કહ્યું. મહામંત્ર મેળવીને મને એટલો બધો આનંદ થયો કે આમોદર નદીના નિર્જન કિનારે જઈને હું એકલો એકલો નાચવા મંડ્યો. સ્વામી શાંતાનંદજી પણ મારી સાથે જયરામવાટી આવ્યા હતા. એ દિવસે શ્રીમાએ એમને પણ દીક્ષા આપી હતી. (સેવાશ્રમ, કાશી, ૪.૧૧.૧૯૫૧)

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.