(ગતાંકથી આગળ)

પૈસા રળવાની હાયહોયમાં કુટુંબ માટે સમય મળતો નથી.

પશ્ચિમની જીવનશૈલીના ચીલે ચાલવા જતાં આપણો સમાજ પૈસા રળીને એને ખર્ચી નાખવાના અને વળી કમાવાની દોડની ચરમસીમાએ પહોંચી ગયો છે. આવી જીવનપ્રણાલીથી મોટી હાની થાય છે. માતા અને પિતા બંનેને પૈસા રળવાની હાયહોયમાં મથ્યા રહેવું પડે છે. ગુણવત્તાભર્યા કુટુંબને જાળવવાનો, એનું સંપોષણ કરવાનો તેમજ પોતાના ઘરમાં ઉછરતાં બાળકોને સુયોગ્ય તાલીમ આપવાનો એમને નહિવત્‌ સમય મળે છે. આવાં નાનાં સંતાનોને બાળઘર-ઘોડિયાઘરમાં મા-બાપની સાચી હૂંફ વિનાના વાતાવરણમાં મૂકવા પડે છે. તરુણ-તરુણીઓને ટીવી જેવાં દૃશ્યશ્રાવ્ય સાધનો અને કચરા જેવાં પુસ્તકોના સહારે ઘરે એકલાં રેઢાં જ છોડી દેવાં પડે છે. ઉછરતાં સંતાનો આ રીતે પોતાના ચારિત્ર્ય ઘડતરના અત્યંત મહત્ત્વના કાળે માત-પિતાનાં કાળજીપૂર્વકની સંભાળ અને માર્ગદર્શનથી વંચિત રહે છે. 

૩. શાળામાં

શાળામાં શિક્ષકો, વિદ્યાર્થીને મળતું શિક્ષણ અને તેમનાં મિત્રો પાસેથી વિદ્યાર્થીઓ મૂલ્યો ગ્રહણ કરે છે. 

શિક્ષકની ગુણવત્તા અને નિષ્ઠા ઘટતી જાય છે

સમાજમાં શિક્ષક પાસે મહત્ત્વનો વ્યવસાય છે. તે વિદ્યાર્થીઓના કોમળ નિર્મળ મનને ઘાટ આપે છે. એ દ્વારા વ્યક્તિનું અને રાષ્ટ્રનું ઘડતર કરે છે. શિક્ષક દેશનો ‘મૂક ઘડવૈયો’ છે. આદર્શ શિક્ષક પોતાના વિષયનો નિષ્ણાત ને ચાહક હોય છે. તે યુવા મનોને પ્રદીપ્ત કરવા પૂરેપૂરા કેળવાયેલા હોય છે. સાથે ને સાથે વિદ્યાર્થી માટે હૃદયપૂર્વકની ખેવના સાથેની ચિંતા પણ સેવે છે. આવા નિષ્ઠાને વરેલા અધ્યયનપૂત શિક્ષકો આજનાં ઉછરતાં ઊગતાં બાળકો માટે મૂલ્યોનો પ્રભાવક સ્રોત બને છે.

અલબત્ત, આજના શિક્ષકો માટે શિક્ષણ એકમાત્ર ‘ધંધો’ બની ગયું છે. એમાં વિદ્યાર્થી માટેની ખેવના, ચિંતા કે પ્રેમ ક્યાંય જોવા મળતાં નથી. આજનું શિક્ષણ તો માત્ર ધનોપાર્જનનો ધંધો બની ગયું છે. શિક્ષક પસંદગીના માપદંડમાં પણ ઘણી તડજોડ અને બાંધછોડ થવા લાગી છે. પરિણામે કાર્યદક્ષતા વિનાના શિક્ષકો મધ્યમકક્ષાના વિદ્યાર્થીઓને ઘડે છે અને આવા વિદ્યાર્થીઓ વળી પાછા કાર્યક્ષમતા વિહોણા શિક્ષકો બની જાય છે! આવું વિષચક્ર આજે શિક્ષણજગતમાં ચાલી રહ્યું છે. પરિણામે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ના ‘શિક્ષકો તો રાષ્ટ્રના સર્વશ્રેષ્ઠ બુદ્ધિધન જેવા હોવા જોઈએ’ એ આદર્શને આજે નજરંદાજ કરવામાં આવે છે. શિક્ષણ તો એક સતત અને અનંત ચાલતી પ્રક્રિયા છે. શ્રીરામકૃષ્ણદેવ અવારનવાર કહેતા: ‘જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી શીખતો રહીશ.’ એમાંય વિશેષ કરીને જે સેંકડો – હજારો વિદ્યાર્થીઓના શિક્ષણનું માધ્યમ બને છે એવા શિક્ષકે તો સતતપણે પોતાની જાતને અભ્યાસમાં ડૂબાડી દેવી જોઈએ. આવી અભ્યાસનિષ્ઠા ઐહિક સુખોનાં ઘણાં બલિદાનો પણ માગી લે છે. શિષ્ય અને ગુરુ (શિક્ષક) સાથેની ચાલતી આદાન-પ્રદાન રૂપી શિક્ષણ પ્રક્રિયા એક મોટું તપ છે. આ શિક્ષણ પ્રક્રિયા વિશે તૈતિરીય ઉપનિષદના નાક્‌ મૌદગાલય ભારપૂર્વક કહે છે: ‘શીખવું અને શિખવવું એ એક મોટું તપ છે, એ એક તપ છે.’ દુર્ભાગ્યની વાત તો એ છે કે આજે શિક્ષકોને પોતાના વિષયને ‘તરોતાજો’ રાખવા માટે આર્થિક લાભો આપવા પડે છે. જો શિક્ષકો પણ પોતાના આ જીવનનિર્વાહ અને પ્રવાહ માટે આવો હિતસંબંધ રાખતા હોય તો તેઓ પોતાના વિદ્યાર્થીઓમાં મૂલ્યો કેળવવાની શક્તિ પણ ગુમાવી બેસે છે.

પ્રાચીન ભારતમાં કેળવણી

(Formal Education) ઔપચારિક શિક્ષણથી જ કેટકેટલી સદીઓથી હજારો-હજારો લોકોએ મેળવેલી સિદ્ધિઓ સમયના ટૂંકા ફલકમાં અસંખ્ય યુવાનોમાં સંક્રાંત કરી દીધી, આ બધું એમણે જ કર્યું છે. આમ, સમાજના સાંસ્કૃતિક વારસાને સંક્રાંત કરવા આવું ઔપચારિક શિક્ષણ પણ એક પાયાનું સાધન બની રહે છે, એટલે જ આપણી વર્તમાન શિક્ષણ પદ્ધતિના પ્રભાવને આપણા પરંપરાગત – જૂની શિક્ષણ પદ્ધતિના પરિપ્રેક્ષ્યમાં સમજવો અને જોવો જોઈએ. ગુરુના આશ્રમને કેન્દ્રમાં રાખીને અપાતું કઠોર શિસ્તબદ્ધ શિક્ષણ એ પ્રાચીન ભારતની ગૌરવ-ગરીમાનું ચાવીરૂપ પાસું હતું. આ કેળવણીનું અગત્યનું પાસું એ હતું કે એમાં મૂલ્યોને મજબૂત આધારભૂમિકા મળી રહેતી. એનાથી વ્યક્તિનું તેમજ સમાજનું યોગક્ષેમ સુનિશ્ચિત થઈ જતું. મૂલ્યનિષ્ઠ કેળવણીને ધરી કે કેન્દ્રબિંદુ રૂપે રાખીને બીજું વૈશ્વિક જ્ઞાન અપાતું.

આમ છતાં પણ વિદ્યાર્થીની નૈતિક ઉન્નતિ એ પોતે સાધ્ય ન હતી. એ તો વધારે ઉચ્ચતર ગતિ માટેની પૂર્વ તૈયારી માત્ર હતી. વિદ્યાર્થીએ સ્વીકારેલી આ ઉચ્ચતર ગતિને મુંડકોપનિષદમાં આવી રીતે વર્ણવી છે : ‘એ તત્ત્વ કયું છે કે જેને એકને જ જાણીને કોઈ પણ સાધક આ સમગ્ર બ્રહ્માંડમાં વિલસી રહેલને જાણી શકે?’ આ અતિ કઠિન અને સાહસભરેલી સાધનાનું ધ્યેય એ જ સર્વોત્કૃષ્ટ સત્ય.

શિક્ષણની ઢબ-છબમાં ક્રમશ: પરિવર્તન

ત્યાગ અને સાચા જ્ઞાનના ભાવથી ગુરુકુળમાં વિદ્યાર્થીઓ કેળવાતા. પછીના તબક્કે પાઠશાળાઓ ચલાવતા પંડિતો આની જવાબદારી લેતા. પરંતુ ભારતમાં અંગ્રેજી શાસનના આગમન સાથે આ શિક્ષણ પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન આવ્યું. ૧૮૧૩ના ચાર્ટર એક્ટમાં એજ્યુકેશનલ ક્લોઝને સામેલ કરાતા ઈસ્ટઈંડિયા કંપનીએ જાહેર અને સામાન્ય શિક્ષણની જવાબદારી લીધી. પરિણામે જૂની પાઠશાળાઓને બદલે ક્રમશ: પશ્ચિમના ઢબે ચાલતી જાહેર શાળાઓ ચાલવા માંડી. પશ્ચિમી વિજ્ઞાન અને અંગ્રેજી કેળવણીએ આપણા પ્રણાલીગત શિક્ષણવિષયોને વિસારે પાડી દીધા. આ નવી કેળવણીએ મુખ્યત્વે તો અહીંના નિવાસીઓના એક વર્ગને સંતુષ્ટ કર્યો. આ વર્ગ અહીંના અંગ્રેજ શાસકોના શાસનકાર્યમાં નોકર બનીને સહાયરૂપ થતો. વળી આ કેળવણી અહીંના સ્થાનિક શિક્ષણ કે જ્ઞાન કરતાં પશ્ચિમનું જ્ઞાનશિક્ષણ ચડિયાતું છે એવી શાહી ધારણાઓ પર રચાયેલી હતી. પરિણામે ભારત પર બદદાનતથી ઠોકી બેસાડેલી આ શિક્ષણપ્રણાલી દ્વારા ભારતીય પ્રજાની એકતા સ્થપાય કે રચાય તેવાં આધ્યાત્મિક મૂલ્યો કેળવાયાં નહિ. સાથે ને સાથે ભારતીયોની સમસ્યાઓ અને આવશ્યકતાઓની પૂર્તિ કરવામાં સહાયરૂપ પણ ન બની.

પૂર્વેના પરતંત્ર ભારત પર સંસ્થાનવાદી શિક્ષણનો પ્રભાવ

બ્રિટિશરોની સંસ્થાનવાદી કેળવણી પશ્ચિમની સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે એક પ્રબળ સાધન બની ગઈ. લોર્ડ મેકોલેએ કહ્યું હતું તે પ્રમાણે : ‘ભારતીયોના એક વર્ગને રંગેરૂપે ભારતીય રહેવા દેવા, પરંતુ રસરુચિ, મતાભિપ્રાય, નૈતિકતા અને બુદ્ધિમત્તામાં અંગ્રેજો જેવા રાખવા’ નું વાતાવરણ સર્જી દીધું. ભારતની પોતાની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક શૃંખલાઓને છિન્નભિન્ન કરીને ભારતીયોની રાષ્ટ્રિયતાનું સાર્વત્રિક હનન કરવાની આ એક પ્રક્રિયા હતી. ૨જી ફેબ્રુઆરી, ૧૮૩૫ના રોજ બ્રિટનની પાર્લામેન્ટમાં પોતાના વક્તવ્યમાં લોર્ડ મેકોલે કહે છે: ‘મેં ભારતના દૂરસુદૂર પ્રદેશોનો પ્રવાસ ખેડ્યો છે અને મેં એકેય એવો માણસ ન જોયો કે જે ચોરવૃત્તિનો હોય. મેં આ દેશમાં એવી સંપત્તિ-સમૃદ્ધિ, ઉચ્ચ નૈતિક મૂલ્યો, બુદ્ધિશક્તિ અને નૈતિકતાના ઉચ્ચ આદર્શવાળા લોકો જોયા છે. એટલે જ આ રાષ્ટ્રની કરોડરજ્જૂને જો આપણે નહિ તોડીએ તો એ દેશને આપણે ક્યારેય જીતી શકીશું, એમ હું ધારતો નથી. અને એ કરોડરજ્જૂ છે તેનો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો. એટલે જ હું ભારતની જૂની પ્રાચીન કેળવણી પ્રથા, તેની સંસ્કૃતિ-સભ્યતાને બદલવા માગું છું. એનું કારણ એ છે કે વિદેશને નામે સર્વ કંઈ અને વળી અંગ્રેજી ભાષા વધુ સારી છે અને આપણા પોતાના કરતાં પણ વધારે મહાન છે, એમ ભારતીયો ધારતા થાય તો તેઓ પોતાનાં ગર્વગરિમા, પોતાની રાષ્ટ્રિય સ્વસંસ્કૃતિ કે સભ્યતા ગુમાવશે અને તો જ તેઓ આપણે જેમ ઇચ્છીએ તેવા બનશે અને એ રાષ્ટ્ર પર આપણે વાસ્તવિક રીતે સત્તા જમાવીશું.’

અંગ્રેજી કેળવણી પામેલા ઘણા ભારતીયો વિવેક વિહોણા બનીને પોતાની ધર્મપ્રણાલીઓ, સામાજિક પરંપરાઓને વખોડવા માંડ્યા, એમાં નવાઈ જેવું ન હતું.

હાલની શિક્ષણપ્રણાલીમાં સાંસ્કૃતિક મૂલ્યો અવગણાય છે

આપણા દેશને આર્થિક ક્ષેત્રે સ્વાવલંબીના માર્ગે દોરી જવા આપણી કેળવણીની નીતિએ ટેકનિકલ શિક્ષણ પર વધારે ભાર મૂકવાનું નક્કી કર્યું, જેથી કુશળ કારીગરો, યંત્રાંગનિષ્ણાતો વધુને વધુ સંખ્યામાં બહાર આવી શકે. આ પ્રક્રિયામાં એક પછી એક આવેલા શિક્ષણ કમિશનોની રાષ્ટ્રિય કેળવણી ને નૈતિક અને આધ્યાત્મિક અભ્યાસ દ્વારા પુન: પ્રબળ ભૂમિકા પર મૂકવા માટેની ભલામણો ઉવેખાઈ. પ્રૉ. ડી.એસ. કોઠારીના નેતૃત્વ હેઠળ ૧૯૬૪-૬૬નું એજ્યુકેશન કમિશન કહે છે: ‘આવશ્યક નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો તેમજ સ્વનિયમનને મનમાં ઠસાવવા કે એના મહત્ત્વને સમજવા-જાણવાનો ઇન્કાર કરવો એવો આધુનિકતાનો અર્થ નથી થતો.

પરંતુ જૂની સંસ્થાનવાદી શૈક્ષણિક નીતિ આઝાદી પછી પણ થોડાં ઘણાં પરિવર્તનો સાથે ચાલુ જ રહી. બ્રિટિશરોએ પોતાની જાત વિશેની ઉચ્ચતાના ખોટા ખ્યાલને લીધે આપણી પરંપરાગત મૂલ્યલક્ષી શિક્ષણ પ્રણાલીના પ્રદાનને સાવ નકારી દીધું હતું; અને સ્વતંત્ર ભારતે પણ સેક્યુલરિઝમ-બિનસાંપ્રદાયિકતાના નામે એવું જ કાર્ય કર્યું છે. પરિણામે સદીઓથી આપણા સમાજે જાળવી રાખેલ અને સંવર્ધિત કરેલ સાંસ્કૃતિક શાણપણ અને આધ્યાત્મિક વિષયોથી શિક્ષણને ફારગતિ આપીને છેલ્લી બે કરતાં વધારે પેઢીથી આપણા રાષ્ટ્રનું ઘડતર થયું છે. 

હાલની આપણી કેળવણી મુખ્યત્વે ધન રળવાનું, જીવનના સુખચેન મેળવવાનું, સત્તા અને સામાજિક પ્રતિષ્ઠા પામવાનું સાધન બની ગઈ છે

આવી કેળવણી ખરેખર તો ભયની સાથે ખેલ માંડવા જેવું છે. સ્વામી વિવેકાનંદ ચેતવણી આપતાં કહે છે: ‘આ જિંદગી માટેની એકેએક વસ્તુ – સુખ, ભોગ, વૈભવ, પુષ્કળ ખાદ્યસામગ્રી પ્રથમ મેળવી આપે એવું શિક્ષણ બહુ જ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે અને એ અધોગતિ પામે છે અને સડી જાય છે. વૈભવની સાથે સાથે માનવજાતની જન્મજાત ઇર્ષ્યાઓ અને દ્વેષો પૂરજોશમાં પ્રજળી ઊઠે છે તથા હરિફાઈ અને નિર્દય ક્રૂરતા એ જમાનાનો મૂળમંત્ર થઈ પડે છે.’ (૪.૪૭)

વાસ્તવિક રીતે વધારે પડતી સ્પર્ધાની ભાવના આપણી શિક્ષણ પ્રણાલી પર પ્રભુત્વ ધરાવે છે. જો કે સ્પર્ધા શ્રેષ્ઠ ગુણવત્તા માટે પ્રેરણારૂપ છે, પણ જ્યારે એમાં અતિપણું આવે ત્યારે તે સૌને માટે સમાન તકની તંદુરસ્તીભરી વાતનો ઇન્કાર કરીને એક સામાજિક અનિષ્ટ ઊભું કરે છે. એને લીધે સ્વાર્થલોભ, સંદેહશંકા, ઈર્ષ્યા, જૂથવાદ અને ચડસાચડસી તરફ આપણને દોરી જાય છે. આલ્બર્ટ આઈસ્ટાઈને યોગ્ય રીતે આ શબ્દો ઉચ્ચાર્યા છે: ‘સ્પર્ધાત્મકતાનું અતિમહત્ત્વ.. સાંસ્કૃતિક જીવનના બધા આધાર માટેના જુસ્સાને હણી નાખે છે. આ સ્પર્ધાત્મક પ્રણાલીને એક મોટો પ્રશ્ન ગણીને ‘લર્નિંગ ધ ટ્રેઝર વિધિન’ – ‘ભીતરના ખજાનાને જાણવો-ઓળખવો’ એ શીર્ષક હેઠળના ૨૧મી સદીના શિક્ષણ પરનો યુનેસ્કોનો પ્રભાવક રિપોર્ટ આ સ્પર્ધાને સહકાર અને હિતસંબંધના ઐક્ય સાથે જોડવાનું કહે છે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ૨૦૦૫નો ‘ધ પોઝીશન પેપર – પરિસ્થિતિનો અહેવાલ’ સાચી જ વાત કરે છે : ‘અતિ સ્પર્ધાત્મકતાની સર્વવ્યાપકતામાં વિદ્યાકીય ગુણવત્તા પ્રાપ્તિની અતિઆક્રમકતા કે લાલસા માત-પિતા અને બાળક વચ્ચેના પારસ્પરિક પ્રભાવને વાંઝિયો કે લગામ વિનાના ઘોડા જેવો નિરર્થક બનાવી દે છે. બાળકોને વાસ્તવિકતાના સ્પર્શવિહોણા અને તેમની ચોતરફના જીવનના પ્રવાહમાં સામેલ થયા વિનાના કૃત્રિમ રીતે મરઘીના ઈંડા સેવવા જેવા વિદ્યાકીય જીવન જીવવા ફરજ પાડે છે. ગળાકાપ હરિફાઈનું એક વધુ નિષ્પન્ન થતું દુષ્પરિણામ એ છે કે વિદ્યાર્થીઓએ પોતાના માતપિતા અને શિક્ષકો દ્વારા પરીક્ષામાં પોતાની ગુણવત્તા, સિદ્ધિ, મહાનતા વગેરે માટે સતત દોષારોપણનો સામનો કરવો પડે છે. આને કારણે વિદ્યાર્થીઓમાં અતિ વ્યગ્રતા, હતાશા-નિરાશા, ખોટું-ભ્રામક અનુકૂલન જેવી માનસિક સમસ્યાઓ કે ગ્રંથિઓ ઉદ્‌ભવે છે. આના પરિણામે બાળક કે તરુણોમાં જોવા મળતી ગુન્હાખોરી, આપઘાત કે અતિલઘુતાગ્રંથિ જેવાં અનિષ્ટો જન્મે છે. 

માહિતી શિક્ષણ સમોવડી ગણાય છે

માહિતી અને જ્ઞાનપ્રૌદ્યોગિકીના આ યુગમાં માહિતીને વિદ્વત્તા સમોવડી ગણવામાં આવે છે. તત્કાલ પ્રશ્નોત્તરી અને હેતુ લક્ષી પ્રશ્નોનું પરીક્ષામાં વધતું જતું પ્રમાણ આ વાતનું સૂચક છે. આવી કેળવણીપદ્ધતિને વખોડતા સ્વામી વિવેકાનંદ કહે છે: ‘શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી, આખી જિંદગી સુધી પચ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહિ. આપણે તો જીવન ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં ઊતાર્યા હોય તો, જે માણસે આખી લાઈબ્રેરી ગોખી લીધી છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો.. જો શિક્ષણ અને માહિતી એક જ વસ્તુ હોય તો લાઈબ્રેરીઓ દુનિયામાં મોટામાં મોટા જ્ઞાનીઓ હોત અને વિશ્વકોશો મહાન ઋષિઓ થઈ ગયા હોત.’ (૪.૧૭૩)

અર્થપૂર્ણ અને સાર્વત્રિક સંતોષ સાથેનું જીવન જીવવા માટે આપણા વિદ્યાર્થીઓને પોતાના વિચારો, ઊર્મિઓ અને સંબંધો પર સંયમપૂર્વકનું નિયમન કરવું આવશ્યક છે. માત્ર માહિતીના જ પોટલાં ભરવાનું આપણે ચાલું રાખીએ તો આ બાબત સિદ્ધ ન થઈ શકે. ડૂબતી નાવમાં તરવાનું ન જાણતા વિદ્વાન પંડિતથી આવા વિદ્યાર્થીઓ વધારે સારી ગુણવત્તાવાળા ન હોઈ શકે.

પ્રકરણ-૧માંના પાંચ અભ્યાસ અવલોકનોને સમજીએ

હવે આપણે પ્રકરણ-૧માં વર્ણવેલાં અભિષેક, લતા, રાહુલ, સંદીપ અને વિવેકના વર્તનને સહાનુભૂતિપૂર્વક સમજી શકીશું. પ્રતિભાવાન વિદ્યાર્થી હોવા છતાં અભિષેક પોતાના શિક્ષણ દ્વારા પોતાની જાતને લાલચ-લોભ, મુશ્કેલીઓ અને જીવનના પડકારોને ઝીલવા જીરવવાની તાલીમ આપવામાં નિષ્ફળ ગયો. વળી એમનાં માતપિતા પણ બેંગલોર જઈને પોતાના પુત્ર અભિષેકના નિવાસસ્થાન, મિત્રો અને શિક્ષકોને જોવા-મળવાના મહત્ત્વના કાર્યમાં પણ નિષ્ફળ નીવડ્યાં. લતાનું સ્વકેન્દ્રી જીવન પોતાનાં માતપિતામાં સામાજિક જવાબદારીના ભાનનો અભાવ દર્શાવે છે. એમણે બીજાની આવશ્યકતાઓ વિશે વિચારવાનું શીખવ્યું નહિ અને પોતાની મનની ધારેલી અસુવિધાઓ કે દુ:ખનું જ ચિંતન-મનન લતાએ કર્યે રાખ્યું. ટીવીની સિરિયલોને લીધે લતામાં રંગીન જીવનની લાલસા વધુ પ્રદીપ્ત બની અને રાજેશના વિશ્વાસઘાતથી એનો દુ:ખદ અંત આવ્યો.

જે સમયે તરુણ રાહુલે જિંદગીમાં કેવી રીતે ચાલવું-વર્તવું એ જાણવાની જરૂર હતી ત્યારે એની માતાએ કુબુદ્ધિથી એને માટે કંઈ પણ કરવાનો નિર્ણય લઈને રાહુલને માનસિક રીતે લૂલો-લંગડો બનાવી દીધો. એની માતા એ ભૂલી ગઈ કે એણે તો રાહુલને માર્ગદર્શન આપવાનું હતું અને એ ભૂલો કરતાં કરતાં પણ શીખતો થાય એમ કરવાનું હતું. રાહુલે અંતર્મુખી બનીને એનો વિરોધ કર્યો. સંદીપના પિતા એટલું સમજવાનું ભૂલી ગયા કે તેનો પુત્ર જ્ઞાન મેળવવા ઇચ્છતો હતો અને એને માટે એને જરૂર હતી કઠિન અભ્યાસની અને નહિ કે પૈસાની. એની દિશાવિહોણી સહાનુભૂતિ દ્વારા તેણે સંદીપને એક ગુન્હેગારવૃત્તિનો બનાવવામાં સહાય કરી. શિક્ષકની લોભ-લાલસા અને વર્ગખંડમાં તેની અનિષ્ઠાએ વિવેકની શિક્ષક પરની શ્રદ્ધા તૂટી ગઈ. 

આટલું તો સ્પષ્ટ છે કે આપણાં બાળકો સુકાન વિનાના વહાણની જેમ આધુનિકતાના ઝડપથી પરિવર્તન પામતા જળપ્રવાહમાં આમથી તેમ ફેંકાય છે. અને આપણે સૌ વડીલો એના માટે પૂર્ણપણે જવાબદાર છીએ. કારણ કે એમને નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનો મજબૂત આધારસ્તંભ આપવામાં નિષ્ફળ જઈએ છીએ. નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોની આધારભૂમિકા એમને આ ઉમદા જીવનમાં કઈ કઈ વસ્તુઓ આવશ્યક છે અને કેટલી કેટલી બીનજરૂરી છે એ બંને વચ્ચેનો ભેદ સમજવા સમર્થ બનાવે છે. 

(ક્રમશ:)

Total Views: 95

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.