અજમેરમાં બીજીવાર

ખેતડીના વાકયાત રજિસ્ટરમાં ૨૭ ઓક્ટોબર, ૧૮૯૧ સુધીના સ્વામીજીના નામ વિશેના ઉલ્લેખનું ઉદ્ધરણ આપણે આ પહેલાં જોઈ ગયા છીએ. ત્યાર પછી એકાએક એમના નામનો ઉલ્લેખ મળતો અટકી જાય છે. એટલે આપણે સ્વાભાવિક રીતે અનુમાન કરી શકીએ કે આ પછીના એક બે દિવસ પછી જ એટલે કે ૨૮ કે ૨૯ ઓક્ટોબરના રોજ સ્વામીજી ખેતડીથી વિદાય થયા અને સંભવત: જયપુર થઈને અજમેર પહોંચ્યા. એવું બની શકે કે માર્ગમાં તેઓ ક્યાંક બીજે પણ રોકાયા હોય. પરંતુ લગભગ ૧૫ દિવસ પછી આપણને એમના અજમેરમાં હોવાનું નિશ્ચિત પ્રમાણ મળે છે. શ્રી હરવિલાસ સારડાની ડાયરી પ્રમાણે આ વખતે તેઓ ૧૩મી નવેમ્બર ૧૮૯૧ના રોજ અજમેર પહોંચ્યા. ‘એક અવિસ્મરણીય ઘટના’ એ શીર્ષક હેઠળ આ પહેલાં ઉદ્ધૃત લેખમાં શ્રીમતી નંદિતા ભાર્ગવ આ પ્રમાણે કહે છે: ‘૧૮૯૧ના નવેમ્બર મહિનામાં જ્યારે સ્વામીજી બીજીવાર અજમેર આવ્યા અને દીવાન હરવિલાસ સારડા નામના પ્રસિદ્ધ સમાજસેવકની હવેલીમાં ઉતર્યા હતા, ત્યારે એ સમયે ઘોષી મહોલ્લા તથા તેની આસપાસના રહેવાસીઓને એમનાં દર્શન કરવાનું સદ્‌ભાગ્ય સાંપડ્યું હતું.’ (‘વિવેકશિખા’ માસિક, છપરા, માર્ચ-૯૧, પૃ.૨૬-૨૮)

હરવિલાસ સારડા – એક પરિચય

હરવિલાસ સારડા (૧૮૬૭-૧૯૫૫) અર્વાચીન ભારતીય ઇતિહાસના એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ છે. અત: એમની ડાયરીના પૃષ્ઠોને ઉદ્ધૃત કરતાં પહેલાં આપણે એમના જીવન તથા કાર્યનો સંક્ષિપ્ત પરિચય મેળવી લઈએ. એ પરિચય આવો છે : શતાબ્દીઓથી બાલવિવાહની પ્રથા હિંદુ સમાજ માટે અભિશાપ બની રહી હતી અને એના પરિણામે અનેક પ્રકારની સમસ્યાઓ પણ ઊભી થઈ છે. જો કોઈ એક વ્યક્તિએ એના નિવારણ માટે સર્વાધિક પ્રયાસ કર્યો હોય તો તે હતા શ્રી હરવિલાસ સારડા. સેન્ટ્રલ જેલ લેજિસ્લેટિવ એસેમ્લીના સભ્યના રૂપે એમણે કરેલ અથાક્‌ પ્રયત્નોને પરિણામે સપ્ટેમ્બર, ૧૯૨૯માં બાલ વિવાહ નિરોધક અધિનિયમ પસાર થયો. સાથે ને સાથે ૧ એપ્રિલ, ૧૯૩૦થી એ અધિનિયમનો અમલ પણ થયો. એમનું નામ આ અધિનિયમ સાથે એવું જોડાઈ ગયું છે કે ત્યારથી જ એ કાયદો ‘સારડા એક્ટ’ના નામે પ્રસિદ્ધ થયો.

શ્રી સારડાનો જન્મ ૩ જૂન, ૧૮૬૭ના રોજ અજમેરમાં થયો હતો. ૧૮૮૮માં કોલકાતા વિશ્વ-વિદ્યાલયમાંથી બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી પોતાની યુવાવસ્થામાં જ એમણે શાળાના શિક્ષકનો વ્યવસાય અપનાવ્યો. એમની અભિરુચિ બહુમુખી હતી. તરુણાવસ્થામાં જ તેઓ આર્યસમાજ તથા તેમના મહાન નેતાઓના સંપર્કમાં આવ્યા અને આજીવન એ આંદોલનમાં જોડાયેલા રહ્યા. ૧૮૮૩ થી માંડીને પોતાના મૃત્યુ (૧૯૫૫) સુધી તેઓ આર્યસમાજની ‘પરોપકારિણી સભા’ ના સચિવ પદે રહ્યા. એમના સુદીર્ઘ જીવનકાળ દરમિયાન તેઓ સમાજ-સુધારણા, રાજનીતિ, શિક્ષણ તથા દર્શન શાસ્ત્રનાં ક્ષેત્રોમાં સક્રિય રહ્યા. રાજસ્થાનના ઇતિહાસકારોમાં એમનું વિશેષ સ્થાન છે. એમણે વિવિધ વિષયો પર અનેક ગ્રંથ લખ્યા છે. એ ગ્રંથોમાં ૧૯૦૫માં પ્રકાશિત ‘હિંદુ સુપિરિયારિટી’ (હિંદુ જાતિની ઉત્કૃષ્ટતા) ઘણો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. ૧૯૨૧માં એમણે ‘ભારતીય રાષ્ટ્રિય સામાજિક સભા’ની અધ્યક્ષતા કરી હતી. પોતાની દેશભક્તિ તથા વિદ્વત્તાને લીધે વીસમી શતાબ્દીના પૂર્વાર્ધમાં તેઓ સમગ્ર ભારતમાં સુપ્રસિદ્ધ વ્યક્તિ બની રહ્યા. તેઓ ડી.એ.વી. કોલેજ, અજમેરના સંસ્થાપક હતા. એક સામાન્ય શિક્ષકપણાથી આરંભ કરીને પછીથી અનેક મોટાં મોટાં સ્થાનોએ કાર્ય કર્યા બાદ અંતે તેઓ જોધપુર ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ પણ બન્યા.

સ્વામીજીના રાજસ્થાન ભ્રમણ દરમિયાન યુવક હરવિલાસ સારડા કેટલીયે વાર એમના નિકટ સંપર્કમાં આવ્યા હતા. માઉન્ટ આબૂ તથા અજમેરમાં ત્રણ-ચારવાર એમને સ્વામીજી સાથે હળવા-મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આ રીતે લગભગ ૪૦ દિવસ સુધી સ્વામીજીનું સાંનિધ્ય એમને સાંપડ્યું હતું, એનો શ્રી સારડાના વ્યક્તિત્વ તથા ભાવિ જીવન પર જે કંઈ પ્રભાવ પડ્યો હશે એનું સહજ અનુમાન કરી શકાય. આ સંપર્કના પરિણામે એટલું તો ચોક્કસ કે એમના વિચાર ઠીક ઠીક પ્રમાણમાં પરિપક્વ તથા ઉદાર બન્યા.

જ્યાં સુધી અમને માહિતી છે ત્યાં સુધી સ્વામીજી વિશેનાં એમનાં સંસ્મરણ સર્વપ્રથમ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના ફેબ્રુઆરી ૧૯૪૬ના (પૃ.૮૨) અંકમાં પ્રકાશિત થયાં હતાં. તદુપરાંત એમણે ૧૯૫૧માં પ્રકાશિત પોતાના ‘રિકલેક્શન્સ એન્ડ રેમિનિસેન્સિસ’ (સ્મૃતિઓ અને સંસ્મરણો) પુસ્તકમાં પોતાની રોજનીશીના આધારે સ્વામીજી વિશે પોતાની સ્મૃતિઓ લિપિબદ્ધ કરી છે. અહીં એ જ ‘રિકલેક્શન્સ એન્ડ રેમિનિસેન્સિસ’ ગ્રંથના આધારે અમે એમનાં તત્કાલીન સ્મરણોનો અનુવાદ પ્રસ્તુત કરીએ છીએ. શ્રી સારડાની સ્વામીજી સાથે આબૂમાં પહેલી મુલાકાતના લગભગ પાંચ મહિના બાદ એમની અજમેરમાં સ્વામીજી સાથે બીજી મુલાકાત થઈ. એનું વર્ણન કરતાં એમણે પોતાની રોજનીશીમાં આવી નોંધ લખી છે:

‘કોલકાતાના શ્રીરામકૃષ્ણ પરમહંસના સુપ્રસિદ્ધ શિષ્ય સ્વામી વિવેકાનંદ ૧૩ નવેમ્બર, ૧૮૯૧ના રોજ અજમેર પધાર્યા હતા. ૨૫ નવેમ્બર સુધી અહીં રોકાયા અને પછી બિયાવર ચાલ્યા ગયા. પહેલા બે દિવસ મારું આતિથ્ય સ્વીકાર્યા પછી તેઓ છાલેસર (અલીગઢ)ના ઠાકુર મુકુંદસિંહજી પાસે ચાલ્યા ગયા. ઠાકુર એ દિવસોમાં અજમેરમાં જ રહેતા હતા. એટલું યાદ આવે છે કે મેં એમને જ્યારે પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે શ્રીરામકૃષ્ણ પરમહંસ પાસેથી સંન્યાસની દીક્ષા લેતા પહેલાં એમનું નામ મન્મથનાથ (નરેન્દ્રનાથ?) દત્ત હતું. મારા પિતાની ચિકિત્સા વિશે એમણે કોલકાતાના એક આયુર્વેદિક ચિકિત્સકનું નામ મને આપ્યું હતું. 

નવેમ્બર-ડિસેમ્બર, ૧૮૯૧ની મારી રોજનીશીમાં લખેલ ટિપ્પણીઓમાંથી આટલું જાણવા મળે છે કે એ દિવસોમાં હું પ્રાય: દરરોજ સ્વામીજીને મળતો અને એમની સાથે ધર્મ, સમાજશાસ્ત્ર, રાજનીતિ, સાહિત્ય, તત્ત્વજ્ઞાન વગેરે ભિન્ન ભિન્ન બધા વિષયો પર ચર્ચા કરી હતી. એમનું કહેવું છે કે તેઓ યુક્તિથી પર જઈ ચૂક્યા છે. એમની વાતો મારા માટે અત્યંત રુચિકર બની છે અને એ મારા માટે પરમપ્રિય વ્યક્તિ છે. તેઓ એક પરમ આનંદમય સંગાથી છે. જો હું ભૂલ ન કરતો હોઉં તો તેઓ આ દુનિયામાં સમર્થ બનીને જ રહેશે. 

સ્વામી વિવેકાનંદ આવ્યા અને મારા પિતા સાથે બે કલાક સુધી વાતો કરી. એ ઉપરાંત અમે બધાએ રાતનું ભોજન પણ લીધું. તેઓ વેદાંતવાદી છે એમ એમનું કહેવું છે. એમનું ગીતગાન ઘણું મધુર છે.’

૨૪ નવેમ્બર, ૧૮૯૧ની પ્રવિષ્ટિમાં આવો ઉલ્લેખ છે: ‘સ્વામીજીએ મને હર્બર્ટ સ્પેન્સરનો ‘પ્રથમ સિદ્ધાંત’, કાંટ, હેગન, કામ્પ્ટે, બૌદ્ધ સાહિત્ય, ટિંડલનું પુસ્તક અને ટોમ્સને લખેલ ઉત્તર – આ પુસ્તકો વાંચવાની સલાહ આપી.’ 

આગલી પ્રવિષ્ટિમાં આવું લખાણ છે: ‘સ્વામીજીની પાસે ગયા અને એમની સાથે વાતો કરી. નિર્વાણ વિશે અને યશોધરાને પહેલીવાર જોઈને તેમજ ત્યારબાદ કાળા અને સોનેરી અવગુંઠનમાં જોઈને બુદ્ધ પર જે પ્રભાવ પડ્યો અને બુદ્ધે એની જે વ્યાખ્યા કે ચર્ચા કરી હતી, એ વિષય પર ચર્ચા થઈ. આ વ્યાખ્યા ‘આત્મા’ની સ્વકીય સત્તા એક એકમના રૂપે જીવાત્માના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. નિર્વાણના સિદ્ધાંતથી એ વિરુદ્ધ છે. સ્વામીજીએ એની યથાસંભવ બહુ સારી વ્યાખ્યા કરી, પણ મને સંતોષ ન થયો. સંભવ છે કે ધ્યાન દ્વારા આ સમસ્યાનો ઉકેલ આવી જાય. એમણે કેટલાંક ભજન પણ ગાયાં.’

૨૫ નવેમ્બરના રોજ એમણે પોતાની રોજનીશીમાં આ પ્રમાણે લખ્યું છે: ‘સવારે ૮ વાગ્યે સ્વામી વિવેકાનંદ મારા ઘરે આવ્યા. અમે જલપાન લીધું, વાતો કરી, પછી ઠાકુર મુકુંદસિંહને ત્યાં ગયા. બપોરના સવાબાર વાગ્યે હું સ્વામીજીને વિદાય આપવા રેલવે સ્ટેશને ગયો. તેઓ બિયાવર ચાલ્યા ગયા અને પછી તેઓ ત્યાંથી ગુજરાત તરફ જવા નીકળશે.’

આ રીતે આપણને જોવા મળે છે કે સ્વામીજી અજમેરથી બિયાવર ગયા પરંતુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની વિનંતીથી એમને ફરી એકવાર પાછા ફરીને અજમેર આવવું પડ્યું.

શ્યામજી કૃષ્ણ વર્મા : એક પરિચય

અનોખી પ્રતિભા ધરાવતા શ્યામજી કૃષ્ણ વર્માનો પરિચય આવો છે : ‘એમનો જન્મ ગુજરાતના કચ્છ રાજ્યના માંડવી શહેરમાં ૪ ઓક્ટોબર, ૧૮૫૭ના રોજ થયો હતો. એમના પિતા કરશનજી ભણશાળી જાતિના વૈશ્ય હતા. તેઓ એટલા બધા ગરીબ હતા કે મુંબઈમાં રહીને ઘણી મુશ્કેલીઓ સાથે પોતાનું ભરણપોષણ કરતા. બાળકનો જન્મ મોસાળમાં થયો હતો અને ત્યાં જ પ્રારંભિક શિક્ષણ વગેરે મળ્યાં. ત્યાર પછી તેઓ ભૂજ શહેરના અંગ્રેજી વિદ્યાલયમાં દાખલ થયા. તદુપરાંત મુંબઈ આવીને વિલ્સન હાઈસ્કૂલમાં પણ ભણવા લાગ્યા. સવારે ત્યાં વાંચતા અને બપોરે કે ક્યારેક ક્યારેક સંધ્યા સમયે પંડિત વિશ્વનાથ શાસ્ત્રીની પાઠશાળામાં જઈને સંસ્કૃતનો અભ્યાસ કરતા. હાઈસ્કૂલની પરીક્ષામાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું એને કારણે એને શિષ્યવૃત્તિ તથા નગરની સર્વશ્રેષ્ઠ ‘એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલ’માં પ્રવેશ મળ્યો. મુંબઈના ધનવાન શેઠ છબીલદાસ લલ્લુભાઈના જ્યેષ્ઠ પુત્ર રામદાસભાઈ શ્યામજી કૃષ્ણ વર્માના સહાધ્યાયી હતા. શેઠ છબીલદાસે માંચેસ્ટરનો માલ મુંબઈમાં વેંચીને પુષ્કળ ધન એકત્ર કર્યું હતું. એક દિવસ એમણે પોતાના પુત્રને એની શાળામાં એના ધોરણમાં સર્વાધિક પ્રતિભાશાળી વિદ્યાર્થી કોણ છે એવું પૂછ્યું. સ્વાભાવિક રીતે રામદાસના મુખેથી શ્યામજી કૃષ્ણ વર્માનું નામ નીકળ્યું. હવે શેઠે પુત્રને કોઈક દિવસ શ્યામજીને ઘરે લાવવાનું કહ્યું. શ્યામજી પોતાના સહાધ્યાયી રામદાસના આગ્રહનો સ્વીકાર કરીને એમના ઘરે આવ્યા. શેઠ છબીલદાસ સાથે પણ એમની મુલાકાત થઈ અને આ પરિવારમાં એમનું આવવા જવાનું વધતું ગયું. થોડા સમય પછી શેઠ છબીલદાસના મનમાં પોતાની પુત્રી ભાનુમતિનો વિવાહ શ્યામજી કૃષ્ણ વર્મા સાથે કરવાનો એક વિચાર ઉદ્‌ભવ્યો અને ૧૮૭૫માં એમના વિવાહ થઈ ગયા.

એ વર્ષ શ્યામજી કૃષ્ણ વર્માના જીવનમાં બીજી દૃષ્ટિએ પણ મહત્ત્વનું છે. એ જ વર્ષે એપ્રિલમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી. એ વખતે શ્યામજી કૃષ્ણ વર્મા એમના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા તથા આર્યસમાજના સંસ્થાપક સભ્યોમાંના એક સભ્ય પણ બન્યા. ત્રીજી ઘટના એ હતી કે એ જ વર્ષે ‘ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલય’ના સંસ્કૃતના પ્રાધ્યાપક તથા સુવિખ્યાત કોશકાર મોનિયર વિલિયમ્સ સાથે એમની મુલાકાત થઈ. શ્યામજીની સંસ્કૃત ભાષામાં અસાધારણ યોગ્યતાથી મોનિયર ઘણા પ્રભાવિત થયા અને બે વર્ષ પછી એમણે ઈંગ્લેન્ડમાં એમના સહાયક રૂપે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં આવી જાય એવો પ્રસ્તાવ પણ શ્યામજીને મોકલ્યો.

૨૧ વર્ષની ઉંમરમાં આર્યસમાજના પ્રચારક રૂપે એમણે કેટલાંય સ્થળોએ સંસ્કૃતમાં વ્યાખ્યાન આપ્યાં હતાં. ૧૮૭૯ના માર્ચમાં તેઓ ઈંગ્લેન્ડ ગયા. ત્યાં પ્રોફેસર વિલિયમ્સના સહાયક રૂપે કામ કરતાં કરતાં કાયદા શાખાનો અભ્યાસ કરવા લાગ્યા. દયાનંદ સરસ્વતી સાથે એમને સંસ્કૃતમાં પત્ર વ્યવહાર થતો રહેતો. ૧૮૮૫માં તેઓ ભારત પાછા ફર્યા. ૨૮ વર્ષની ઉંમરે તેઓ રતલામ રાજ્યના દીવાન બન્યા. ત્યાં એમનું સ્વાસ્થ્ય બગડી જવાથી ૧૮૮૮માં એમણે અજમેર જઈને વકીલાત શરૂ કરી. સાથે જ એમણે આજુબાજુના ગામોમાં સૂતર કાંતવાના ત્રણ કારખાના પણ શરૂ કર્યાં. એ દરમિયાન ૧૮૯૧ના નવેમ્બર-ડિસેમ્બરમાં એમને પરિવ્રાજક સ્વામી વિવેકાનંદ સાથે સંપર્ક-સંબંધ થયો. પછીથી એમણે ઉદયપુર તથા જુનાગઢના દીવાનનું કાર્ય પણ કર્યું. તદુપરાંત ૧૮૯૭માં તેઓ પત્ની સાથે ફરીથી ઈંગ્લેન્ડ ગયા. ત્યાં રહેતી વખતે એમણે અભ્યાસાર્થે આવનારા ભારતીય વિદ્યાર્થીઓ માટે કેટલીક શિષ્યવૃત્તિઓ આપવાની શરૂઆત કરી. ત્યાંથી જ તેઓ ભારતના સ્વાતંત્ર્ય આંદોલનનું કાર્ય કરવા લાગ્યા. ૧૯૦૫માં એમણે ‘હોમરૂલ સોસાયટી’ની સ્થાપના કરી અને લંડનમાં એક બંગલો પણ બનાવ્યો, એનું નામ ‘ઈંડિયા હાઉસ’ આપ્યું. પછીથી અંગ્રેજ સરકારનું દબાણ વધી જવાથી તેઓ ફ્રાંસ અને સ્વીટ્‌ઝર્લેન્ડ ચાલ્યા ગયા. ૧૯૩૦માં એમનું અવસાન થયું.’

બિયાવરથી ફરી પાછા અજમેર

આપણે જોઈ ગયા તેમ સ્વામીજી ૨૫ નવેમ્બરની ટ્રેનમાં બિયાવર ચાલ્યા ગયા હતા. એના બે દિવસ પછી પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મુંબઈથી અજમેર પાછા ફર્યા. એ વિશે સારડા લખે છે: ‘હું જેમના સંપર્કમાં આવ્યો એવા મહાનતમ વિદ્વાનોમાંના એક શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા એ દિવસોમાં અજમેરમાં જ રહેતા હતા. પરંતુ સ્વામીજીના આગમન સમયે તેઓ મુંબઈ ગયા હતા. તેઓ પાછા આવ્યા ત્યારે મેં એમને સ્વામી વિવેકાનંદની વિદ્વત્તા, વાગ્વિદગ્ધતા તથા દેશભક્તિથી પરિચય કરાવતાં કહ્યું કે તેઓશ્રી બે ત્રણ દિવસ પહેલાં જ અહીંથી ગયા છે અને આ સમયે બિયાવરમાં છે. પછીના દિવસે જ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને બિયાવર જવાનું હતું અને એમણે પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું કે સ્વામીજીને પોતાની સાથે લઈને જ અજમેર પાછા ફરશે. સ્વામી વિવેકાનંદ ૧૪ -૧૫ દિવસ સુધી એમના મહેમાન બનીને રહ્યા. હું દરરોજ શ્યામજી કૃષ્ણ વર્માના બંગલે એમને મળવા જતો. સાંજના સમયે અમે ત્રણેય એકીસાથે ફરવા નીકળતા. આ બંને વિદ્વાનોના સાંનિધ્યમાં મારા જીવનનો સર્વાધિક આનંદમય કાળ પસાર થયો… મને બરાબર યાદ છે કે સ્વામીજીની સાથેની અમારી વાતો અત્યંત રોચક બની રહેતી. એમનાં વાગ્મિતા, રાષ્ટ્રિયતાવાદી દૃષ્ટિકોણ તથા આનંદમય સ્વભાવે મને ઘણો પ્રભાવિત અને હર્ષોન્મિત કર્યો હતો. જ્યારે શ્યામજી તથા સ્વામીજી સંસ્કૃત સાહિત્ય તથા દર્શન શાસ્ત્રના કોઈ પણ વિષય પર ચર્ચા કરતા ત્યારે હું પ્રાય: મૌન શ્રોતા બની રહેતો.’ (પ્રબુદ્ધ ભારત, ફેબ્રુ., ૪૬, પૃ.૮૨)

૧૨ ડિસેમ્બર, ૧૮૯૧ ના રોજ સારડાએ પોતાની ડાયરીમાં આવી નોંધ લખી છે: ‘શ્યામજી કૃષ્ણ વર્માના ઘરે ગયા પછી એમની તથા સ્વામી વિવેકાનંદની સાથે હું પણ દૂર સુધી ફરવા નીકળી પડ્યો; વિવિધ વિષયો પર અને એમાંય ખાસ કરીને માલ્થસના સિદ્ધાંત તથા સંન્યાસી દ્વારા ધન સ્વીકાર ન કરવાની પ્રથા પર ચર્ચા ચાલી. પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા એના વિરોધી હતા અને સ્વામીજી એના પક્ષમાં બોલી રહ્યા હતા. શ્યામજી કૃષ્ણ વર્માએ કહ્યું કે સ્વામી દયાનંદે આ પ્રથામાં સુધારો કરીને એને વધુ દૃઢ ભૂમિ પર સ્થાપી છે. રાતનું ભોજન થઈ ગયા પછી વેદાંત, વસતી અને કારણવાદ તથા સ્વાધીન ઇચ્છાના સિદ્ધાંત પર વાતો થઈ. ‘શું મનુષ્ય પોતાની પરિસ્થિતિઓને અધીન છે?’ અને ‘મનુષ્યના જીવનમાં ભાગ્યનું કેવું સ્થાન છે?’ સ્વામીજીએ કહ્યું: ‘જગત એમના દ્વારા જ નિયંત્રિત થઈ રહ્યું છે.’ શ્યામજી કૃષ્ણ વર્માએ એનો વિરોધ કર્યો.

જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી હું એકવાર વધુ વખત એમને અજમેરમાં જ મળ્યો હતો. ત્યારે બે-એક દિવસ માટે અજમેર આવ્યા હતા. એ સમયમાં શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં જવાની તૈયારીમાં સ્વામી પડ્યા હતા અને ખેતડી નરેશ પાસેથી આર્થિક મદદની અપેક્ષા રાખતા હતા. (એપ્રિલ, ’૯૩માં મદ્રાસથી ખેતડી જતી વખતે સંભવ છે કે તેઓ બે-એક દિવસ અજમેર રોકાયા હોય, પરંતુ તેઓ કોઈ પણ પ્રકારની આર્થિક મદદની અપેક્ષા રાખતા ન હતા) થોડા દિવસો પછી મેં સાંભળ્યું કે તેઓ તો અમેરિકા ચાલ્યા ગયા છે. ત્યાર પછી મારી એમની સાથે કોઈ મુલાકાત ન થઈ શકી. પરંતુ જ્યારે મેં ‘પાયોનિયર’માં વાંચ્યું કે એમણે શિકાગોના બધા પ્રતિનિધિઓ પર અદ્‌ભુત પ્રભાવ પાડ્યો છે ત્યારે મેં ઘણો ગર્વ અનુભવ્યો. જ્યારે તેઓ અજમેરમાં મારા કે શ્યામજીના અતિથિ રૂપે રહ્યા હતા ત્યારે અતિ અલ્પકાળમાં જ એક વિશ્વવિખ્યાત વ્યક્તિના રૂપે એમનો ઉદય થશે, એવું મેં સ્વપ્નમાંયે વિચાર્યું ન હતું… એ દિવસોમાં પણ હું એમને એક અસાધારણ વ્યક્તિના રૂપે જોતો પરંતુ વિભિન્ન વિષયો પર એમનાં વાર્તાલાપો તથા વિદગ્ધતાપૂર્ણ વ્યાખ્યાઓને મેં લખી ન રાખ્યાં. એમના વ્યક્તિત્વનાં સહજ સ્વભાવ, મધુર સંગીત તેમજ સ્વાધીન અને નિર્ભય ચારિત્ર્ય – આ ત્રણેય તત્ત્વોએ મને સર્વાધિક પ્રભાવિત કર્યો છે. (‘વિવેક જ્યોતિ’ ૧૯૯૬, અંક-૧, પૃ.૬૩-૬૮)

શ્રી હરવિલાસ સારડાનાં ઉપર્યુક્ત સંસ્મરણ લગભગ અડધી શતાબ્દી પછી લિપિબદ્ધ થયાં હતાં. એટલે એમાં તથ્યો તેમજ તિથિઓની કેટલીક ભૂલો સ્વાભાવિક છે. પરંતુ એમાંથી સ્વામીજીના પરિવ્રાજક કાળની એક દુર્લભ ઝાંખી મળી રહે છે.

અને શ્યામજી કૃષ્ણ વર્મા પર સ્વામીજીની આ મુલાકાતનું કેવું પરિણામ આવ્યું? શ્યામજી સંસ્કૃત ભાષા તથા વેદોના એક મહાન પંડિત હતા. તેઓ સ્વામી દયાનંદ સરસ્વતીના એક પ્રધાન સહયોગી પણ હતા. પરંતુ સ્વામીજી તથા શ્યામજી કૃષ્ણ વર્માની વિચારધારા વચ્ચે જમીન-આસમાનનો ભેદ હતો. શ્યામજી સનાતન હિંદુધર્મ તથા અન્ય ધર્મોની અધિકાંશ માન્યતાઓમાં વિશ્વાસ ધરાવતા ન હતા. આ બાજુએ સ્વામીજીનું વેદાંત સર્વમતગ્રાહી તેમજ પ્રત્યેક આધ્યાત્મિક ભાવને અંગીકાર કરનાર હતું. અને વળી સ્વામીજીની સાથે શાસ્ત્રાર્થ કરીને યુક્તિતર્ક દ્વારા એમને પરાજિત કરવા કોઈ પણ વ્યક્તિ માટે સરળ વાત ન હતી. એટલે એવું લાગે છે કે સ્વામીજી સાથેની આ ચર્ચાઓનું પરિણામ શ્યામજી કૃષ્ણ વર્મા માટે વિશેષ સુખદ ન રહ્યું. એટલે જ સ્વામીજી સાથેની પોતાની આ મુલાકાતની વાતને એમણે લગભગ વિસારે પાડી દીધી હતી. એમના સાહિત્યમાં સ્વામીજી સાથેની એમની મુલાકાતનો એક પણ પ્રસંગ જોવા મળતો નથી. ૧૯૦૩માં મુંબઈમાં એક વેદાંત અનુરાગી શ્રીમુકુંદરાય જયકર [શ્રીમુકુંદ રામરાવ જયકર (૧૮૭૩ થી ૧૯૫૯) એક પ્રસિદ્ધ બેરિસ્ટર, વક્તા તથા રાષ્ટ્રિય નેતા હતા. પૂણે વિશ્વ વિદ્યાલયના સંસ્થાપક તથા પ્રથમ કુલપતિ પણ હતા. (મરાઠી વિશ્વકોશ, ખંડ-૬, પૃ.૧૮૯-૯૦) વિશ્વવિદ્યાલયનું ગ્રંથાલય એમની સ્મૃતિમાં બાંધવામાં આવ્યું છે.] જ્યારે ઉચ્ચ શિક્ષણ મેળવવા લંડન ગયા ત્યારે સુપ્રસિદ્ધ દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્માને મળવા ગયા હતા અને એમની સમક્ષ તેમણે પોતાના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદનો એક પ્રસંગ ઉપાડ્યો. ત્યારે સ્વામીજી વિશે એમણે કરેલી ટિપ્પણી કંઈ મધુભાષી ન હતી. (‘ધ સ્ટોરી ઑફ માય લાઈફ’, એમ. આર. જયકર, ૧૯૫૮, મુંબઈ, વૉ.૧, પૃ.૪૪-૪૮)

રેલવેની બે ઘટનાઓ

જ્યારે સ્વામીજી અજમેરથી વિદાય થઈને ગાડીમાં બેસીને અમદાવાદ (૪૯૨ કી.મી.) તરફ નીકળ્યા ત્યારે એક રોચક ઘટના ઘટી. (સ્વામીજીના વચેટ ભાઈ મહેન્દ્રનાથ દત્ત દ્વારા લિખિત બંગાળી ગ્રંથ ‘લંદને સ્વામી વિવેકાનંદ’ દ્વિ.સં., ભાગ-૧, પૃ.૫૩-૫૪ – માં પણ આ ઘટના એમની અમદાવાદની યાત્રાને સમયે બનેલી એવું વર્ણવ્યું છે.) એમની નજીકની સીટ પર બેઠેલા થિયોસોફિસ્ટ સહયાત્રી વિદ્વાન હોવા છતાં પણ અલૌકિકતામાં દૃઢ શ્રદ્ધા ધરાવતા હતા. અવસર મળતાં જ એમણે સ્વામીજી સમક્ષ પ્રશ્નોનો વરસાદ વરસાવ્યો. શું આપ હિમાલય ગયા છો? શું આપને ત્યાં અલૌકિક શક્તિસંપન્ન મહાત્માઓનાં દર્શન થયાં છે? વગેરે. સ્વામીજીએ એને બોધપાઠ આપવા માટે એને પોતાની વાતો કહેતા રહેવા પ્રોત્સાહિત કર્યો. ત્યાર પછી સ્વામીજીએ પોતે જ એ મહાત્માઓના ચમત્કારોનું એવું મોહક વર્ણન કર્યું કે એને સાંભળનારા વિસ્મય વિમૂઢ બની ગયાં. એણે પૂછ્યું : ‘શું તેમણે વર્તમાન યુગની સમાપ્તિ વિશે કંઈ કહ્યું હતું?’ સ્વામીજીએ કહ્યું હતું કે હા, આ વિશે એમને એ મહાત્માઓ સાથે વિસ્તારપૂર્વક વાતચીત થઈ હતી. એ લોકોએ એમને આ યુગના નજીક આવેલા અંત અને સતયુગની સ્થાપના તથા માનવતાના પુનરુત્થાનમાં પોતાની ભૂમિકા વિશે પણ એમણે વાત કરી હતી, વગેરે, વગેરે. પેલા થિયોસોફિસ્ટ સહયાત્રી તો સ્વામીજીના હોઠેથી નીકળતા પ્રત્યેક શબ્દને ખૂબ ધ્યાન આપીને સાંભળતા હતા. પોતાના આ નવીન જ્ઞાન ઉપાર્જનથી આનંદવિભોર બનીને એણે સ્વામીજીને ભોજન માટે આમંત્રણ આપ્યું. સ્વામીજીએ આખો દિવસ કંઈ ખાધું ન હતું એટલે તેઓ ભોજન માટે રાજી થયા. એમના અનુરાગીઓએ સેકન્ડ ક્લાસની એક ટિકિટ ખરીદી આપી હતી. પરંતુ પોતાની પાસેથી પૈસા કે ભોજન લેવા માટે સ્વામીજીને સંમત કરી શક્યા ન હતા. એનું કારણ એ હતું કે એ દિવસોમાં સ્વામીજીએ કશાનોયે સંચય-સંગ્રહ ન કરવાનું વ્રત લીધું હતું. એમણે જોયું કે તે એક સારા દિલની વ્યક્તિ છે પરંતુ પોતાના સહજ શ્રદ્ધાળુ સ્વભાવને કારણે મિથ્યા રહસ્યવાદમાં ફસાઈ ગયો છે. એટલે ભોજન પૂરું થયા પછી સ્વામીજીએ તેને સ્પષ્ટ અને કઠોર શબ્દોમાં કહ્યું: ‘તમે જે પોતાનાં આટલાં જ્ઞાન અને વિદ્વત્તાનો દાવો કરો છો, તો પછી કોઈ પણ જાતના ખચકાટ વિના આવી અદ્‌ભુત શિંગડાં-પૂછડાં વિનાની વાતો કેમ ગળે ઊતારી દીધી?’ એ વ્યક્તિ પોતાનું માથું નમાવીને મૌન જ રહી. સ્વામીજીએ વળી પાછું કહ્યું: ‘મિત્ર, તમે બુદ્ધિમાન તો લાગો છો. તમારા જેવી વ્યક્તિ માટે પોતાની જ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો ઉત્તમ ગણાશે. અલૌકિક શક્તિઓને આધ્યાત્મિકતા સાથે કોઈ સંબંધ નથી અને વિશ્લેષણ કરતાં ખ્યાલ આવે છે કે કામનાઓના દાસ તથા અહંકારી લોકો જ આ ચમત્કારોના ચકરાવામાં ફસાય છે. આધ્યાત્મિકતાથી જ ચરિત્ર નામની સાચી શક્તિ આવે છે અને એ બધી કામનાઓ અને વાસનાઓને જડમૂળથી ઉખેડી નાખ્યા પછી જ તે ચરિત્રશક્તિ વિકસિત થાય છે. આ ચમત્કારિક સિદ્ધિઓને જીવનની મહાન સમસ્યાઓ સાથે કોઈ પણ સંબંધ નથી અને એની પાછળ દોડવાથી ઊર્જાનો નિરર્થક અપવ્યય થાય છે. આ સિદ્ધિઓ સ્વાર્થપરાયણતાનું ચરમ રૂપ છે અને તે મનને અધ:પતન તરફ દોરી જાય છે. આવી નિરર્થક વસ્તુઓ આપણા દેશને બરબાદ કરી રહી છે. આજે આપણને જરૂર છે – સુદૃઢ વ્યાવહારિક બુદ્ધિની, નાગરિકતાના બોધની અને આપણને મનુષ્ય બનાવનાર દર્શન તેમજ ધર્મની.’ આ વાતો સાંભળીને એ ભાઈ લજ્જિત થઈ ગયા અને સ્વામીજીના દૃષ્ટિકોણની સત્યતાને માની લીધી. એમણે વચન આપ્યું કે ભવિષ્યમાં તે સ્વામીજીના ઉપદેશોનું અનુસરણ કરશે.’ (ઉપર્યુક્ત વિવરણ અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત સ્વામીજીની અંગ્રેજી જીવન કથા, સંવત ૧૯૯૫, ખંડ-૧, પૃ.૩૫૦-૧માંથી લીધું છે. એ ઉપરાંત શ્રીમહેન્દ્રનાથ દત્તે પોતાની પૂર્વોક્ત બંગાળી પુસ્તક ‘લંદને સ્વામી વિવેકાનંદ’ ભાગ-૧, પૃ.૫૩-૫૪; દ્વિ.સં., તેમજ ‘શ્રીમત્‌ વિવેકાનંદ સ્વામીજીર જીવનેર ઘટનાવલિ’ ખંડ-૨, તૃ.સં., પૃ.૧૯૧-૯૨માં આ ઘટના વિશે એક બીજું આવું વિવરણ મળે છે : ‘‘ટ્રેનમાં એમની મુલાકાત એક નહિ પણ કેટલાક થિયોસોફિસ્ટો સાથે થઈ હતી. સ્વામીજી ભૂખની પીડા અનુભવતા બેઠા હતા. પેલા લોકો અરસપરસ હિમાલયમાં રહેતા મહાત્માઓ વિશે જાતજાતની ચિત્ર-વિચિત્ર વાતો કરવા લાગ્યા. સ્વામીજીએ ઘણી મુશ્કેલી સાથે પોતાનું હાસ્ય રોકી રાખ્યું. થોડી વાર પછી એ લોકો સ્વામીજી તરફ ઉન્મુખ બનીને કહેવા લાગ્યા: ‘બાબાજી, તમે ક્યાંથી આવો છો?’ સ્વામીજીએ કહ્યું: ‘હું તો રમતારામ સાધુ છું. અને હરિદ્વારથી આવું છું.’ પેલા લોકોએ કહ્યું: ‘તો તો આપશ્રીએ મહાત્મા કુતમીલાનને જરૂર જોયા હશે.’ સ્વામીજીએ કહ્યું: ‘અરે, ભાઈ કુતમીલાનની તો શું વાત કરો છો? હમણાં થોડાં દિવસો પહેલાં જ એમના એક ભંડારામાં ગયો હતો. ઘણો અદ્‌ભુત ભંડારો હતો! આટલા મોટા મોટા (પોતાની હથેળીઓ ફેલાવીને) લાડુ ખવડાવ્યા અને કેટલા સાધુ ભોજનાર્થે આવ્યા હતા એની તો ગણતરી જ ન કરી શકાય. એ બધું હું આપ લોકોને કેવી રીતે બતાવું!’ પેલા સમજ્યા નહિ કે સ્વામીજી એમને કોઈ બોધપાઠ દેવા માટે આવી ઉપહાસજનક વાત કરે છે. ત્યાર પછી ભોજનાદિ પતી ગયા બાદ એ બધાને સમજાવતાં સ્વામીજીએ કહ્યું: ‘તમે આટલા બધા ભણેલા-ગણેલાં હોવા છતાં પણ આ થિયોસોફિસ્ટ પર શ્રદ્ધા રાખો છો? એ બધા રહસ્ય તથા ચમત્કારો ખોળનારાનું ટોળું છે.’’) રાજસ્થાનમાં જ ક્યાંક યાત્રા કરતી વખતે એક બીજી ઘટના કહીને આપણે સ્વામીજીના આ પ્રથમ રાજસ્થાન ભ્રમણના વર્ણન પર પડદો પાડીશું. એકવાર તેઓ આ પ્રાંતમાં ક્યાંક જઈ રહ્યા હતા. ટ્રેઈનના એ જ ડબ્બામાં બે અંગ્રેજો પણ બેઠા હતા. પેલા બેયે વિચાર્યું કે આ કોઈ અભણ સાધુ છે અને તેઓ સ્વામીજીને તાકીને અંગ્રેજીમાં જાતજાતના વ્યંગવિનોદ કરવા લાગ્યા. પોતે જાણે કંઈ સમજી ન શકતા હોય એવી મુખમુદ્રામાં સ્વામીજી તો બેઠા રહ્યા. જ્યારે આગળ કોઈ સ્ટેશને ગાડી ઊભી રહી ત્યારે સ્વામીજીએ સ્ટેશન માસ્ટર પાસેથી એક ગ્લાસ પાણી મોકલવા અંગ્રેજીમાં કહ્યું. પછી એમના અંગ્રેજ સહયાત્રીઓને ખ્યાલ આવ્યો કે સ્વામીજી તો અંગ્રેજી જાણે છે અને એમની બધી વાતો તેઓ સમજી ગયા હતા. એ લોકો પોતાના અભદ્ર વ્યવહારથી ઘણા લજ્જિત થયા અને સ્વામીજીને પૂછવા લાગ્યા કે એમણે આવી ઘોર ટીકાનિંદા પર પોતાનો કોઈ વિરોધ કેમ ન દર્શાવ્યો! સ્વામીજીએ ઉત્તરમાં કહ્યું: ‘મિત્ર, આ પહેલાં પણ હું કેટલીયે વાર મૂર્ખાઓના સંપર્કમાં આવી ચૂક્યો છું.’ આ સાંભળીને અંગ્રેજો તો મારપીટ કરવા તત્પર થઈ ગયા પણ સ્વામીજીનું સુગ્રથિત શરીર તથા અદમ્ય નિર્ભયતા જોઈને છાનામાના રહેવામાં જ સાર છે, એમ માનીને એમણે સ્વામીજીની ક્ષમાયાચના માગી.’ (ધ લાઈફ ઑફ સ્વામી વિવેકાનંદ, અદ્વૈત આશ્રમ, ૧૯૯૫, વૉ.૧, પૃ.૩૫૦-૫૧)

(ક્રમશ:)

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.