(ગતાંકથી આગળ)

આજે બાળકોના વર્તન-વ્યવહાર માટે થોકબંધ પુસ્તકો મળે છે. પણ માબાપના વર્તન-વ્યવહાર વિશે કોઈ પુસ્તકો લખાતાં નથી. આમ છતાં પણ બાળકના સાર્વત્રિક વિકાસ માટે લખાયેલાં પુસ્તકો આપણને સતતપણે કહ્યે રાખે છે કે માતપિતાના વર્તનવ્યવહાર બાળક પર સીધેસીધી પ્રભાવક અસર પાડે છે. સુખ્યાત મનોવૈજ્ઞાનિક કાર્લ યુંગે આપેલ આ સલાહવચનો જો મા-બાપ કાને ધરતાં હોત તો બાળકનું કલ્યાણ એની મેળે થઈ જાત. એ શબ્દો છે: જો આપણે બાળકમાં કોઈ પરિવર્તન લાવવા ઇચ્છતા હોઈએ તો, સૌ પ્રથમ તો આપણે એ પરિવર્તનના સ્વરૂપનું પરીક્ષણ કરી લેવું જોઈએ; અને એ પણ જોઈ લેવું જોઈએ કે આપણા પોતાનામાં જ એવું પરિવર્તન લાવવું વધારે સારું ન ગણાય?

આ બધું કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? ચાલો, આપણે એક ઉદાહરણ જોઈએ. એક માતાને થયું કે એનું બાળક તોફાની અને અવજ્ઞા કરનારું છે. બાળકનાં તોફાન જ્યારે કાબૂ બહાર જતાં ત્યારે માતા એને ભંડારિયામાં બંધ કરી દેતી. આવી જ રીતે એક દિવસ જ્યારે મા પોતાના બાળકને ભંડારિયામાં પૂરવા લઈ જતી હતી ત્યાં એના મનમાં એક અજબની અનુભૂતિ જાગી ઊઠી. પોતાના બાળકને ભંડારિયામાં ધકેલી દેવાને બદલે તે પોતે જ તેની સાથે તેમાં પ્રવેશી. પછી માએ કહ્યું: બેટા, મારે તારી ઘણી ક્ષમાયાચના કરવાની છે. તું આવો તોફાની અને અવજ્ઞાકારી બન્યો છો એમાં મારો જ દોષ છે. બેટા, તું કંઈ આવો તોફાની જિદ્દી બનવા જન્મ્યો ન હતો. મેં જ તને એવી રીતે ઉછેર્યો કે તું આવો બની ગયો! બેટા, મને માફ કર. હવેથી હું તારા માટે સાચી અને વધારે સારી મા બનવાનો પ્રયત્ન કરીશ. અને મેં આપેલા વચનના પાલન માટે આજે આ ભંડારિયામાં હું તારી સાથે રહીશ. છોકરો તો આ સાંભળીને માને વળગી પડ્યો અને એણે રડમશ અવાજે કહ્યું: ના, મા; ના. એવું નથી. હું જ ખરાબ છું, દોષ મારો જ છે. મારામાં જ ખામી છે. પછી તો માતા અને બાળક બંને રડી પડ્યાં.

આવી જ રીતે કોઈ પણ માતા કે પિતા પોતાના બાળકના દોષ કે ખામી માટે પોતાના શિરે એની જવાબદારી લઈને જો બાળકની ખુલા દિલે માફી માગે તો એ ઘણું સુધરી શકે. અવારનવાર એવું જોવા મળે છે કે જેમ જેમ બાળક ઊછરતું રહે છે, વિકસતું રહે છે તેની સાથે માતપિતાએ અપનાવેલી ઉછેરની પદ્ધતિમાં વિકાસ થતો નથી. પરિણામે દસ વર્ષના બાળકને જાણે કે એ પાંચ વર્ષનું હોય એમ ‘ક્યારે સૂવું અને ક્યારે ઊઠવું, કેમ રહેવું’ જેવી બાબતોની વારંવાર સૂચના આપતાં રહે છે. જો માતપિતા પોતાનું બાળક સ્વતંત્ર અને સ્વાશ્રયી બને એમ ઇચ્છતાં હોય તો એને એ માટે તક પણ આપવી જોઈએ. આવી તક મળે તો જ બાળક સ્વતંત્ર અને સ્વાશ્રયી બની શકે. જો માતપિતા એમ ઇચ્છતાં હોય કે પોતાનું બાળક જવાબદારીની ભાવનાવાળું બને તો તેને પોતાનાં આરોગ્ય અને તંદુરસ્તી માટે એમણે જવાબદારીના પાઠ શીખવવા માટેની પરિસ્થિતિ ઉત્પન્ન કરવી જોઈએ. પોતાના દૈનંદિન કાર્યમાં, સૂવામાં – ઊઠવામાં નિયમિત બનાવવા માટે એને આવી જવાબદારી ઉપાડવાની તક આપવી જોઈએ. માતપિતા જો પોતાના બાળકને શાંત અને ધીર બનાવવા ઇચ્છતાં હોય તો તે બાળક જ્યારે ગળે ન ઊતરે એવી માગણીઓ કરે ત્યારે તેમણે જરાય ઉદ્વિગ્ન થયા વગર એને સમજાવવું જોઈએ.

આવી રીતે આપણને જોવા મળે છે કે ‘સુયોગ્ય વાતાવરણ’ એ બાળકના વિકાસ માટેનો અગત્યનો અભિગમ છે. દુર્ભાગ્ય એ છે કે વાસ્તવિક જીવનમાં બાળકોને વિષમ અને વિપરીત અનુભવો થાય છે. બાળકો એ પણ જુએ છે કે પોતાનાં માત-પિતા કેટકેટલીવાર પોતાનો પિત્તો ગુમાવે છે, હડહડતું જૂઠાણું ચલાવે છે, પોતાની જવાબદારીમાંથી સરકી જવાનો પ્રયત્ન કરે છે કે બીજા પ્રત્યેના વર્તનમાં બેકાળજી કે નિર્મમતા દાખવે છે. આ તો ટ્રાફિક સિગ્નલ પર લગાડેલા પોસ્ટરના લખાણ જેવી વાત છે. એ પોસ્ટરમાં આવું લખાણ હોય છે – જો તમે આ ટ્રાફિક સિગ્નલના નિયમોને ઉવેખીને જશો તો, આટલું ધ્યાન રાખજો કે તમારું બાળક તમારી પાછળ ઊભું રહીને તમારું એ વર્તન પોતાની નજરે જુએ છે. એટલે કે દરેક બાળક પોતાનાં માતપિતાનાં વર્તનવ્યવહારને નિરંતર જોતું રહે છે. ગાંધીજીએ કહ્યું છે : જો તમે વિશ્વમાં પરિવર્તન લાવવા માગતા હો તો તમારે પોતે બદલવું પડશે.

‘ભાઈ, તમારો આભાર’ એમ કહેવું અને સમજવું સારું છે; આપણી ચિંતા કરનારની કાળજી લેવી કે ચિંતા સેવવાની સમજણ કેળવવી એ પણ સારું છે. સમયસૂચકતા જાળવવી એ આપણને મદદરૂપ બને છે. એમ સમજવું એ પણ સારું છે. ક્યારેક કોઈએ ચુપકીદી સેવવી જોઈએ, તો વળી ક્યારેક બોલે તેનાં બોર વેંચાય, એમાં માનવું પણ આવશ્યક છે. જીવનના આ બધા બોધપાઠો અત્યંત મહત્ત્વના છે અને આચરણ દ્વારા એના પાઠ શીખવવા જોઈએ. પરંતુ ક્યારેક માતપિતા આવા બોધપાઠ શિખવવામાં કે ઉપદેશ આપવામાં થોડી ઉતાવળ કરી નાખે છે અને પોતાના ૮ વર્ષના બાળકને સંપૂર્ણ માનવ બનાવવાનો પ્રયત્ન કરી નાખે છે. એમને એ વખતે એનું પણ ભાન નથી હોતું કે જીવનના આવા કેટલાક બોધપાઠ શીખવી શકાતા નથી પરંતુ એ બધા તો અનુભવથી શીખવાના હોય છે. એટલે જ માબાપનું એક સાદુંસીધું કાર્ય તો આ છે કે એની પાસે લેક્ચરબાજી કરવાને બદલે બાળકો પોતે જ આવા બોધપાઠોનો અનુભવ કરે, એ માટે સુયોગ્ય પરિસ્થિતિ તેમણે ઊભી કરી દેવી જોઈએ. 

નોર્મલ ડગ્લાસે કહ્યું છે: કેટલીક વસ્તુઓ એવી છે કે જે તમે બીજા પાસેથી શીખી ન શકો. તમારે તો ભડભડતા અગ્નિમાંથી પસાર થઈને એ શીખવાનું છે. એટલે જ આવા બોધપાઠો શીખવામાં ભલે આપણે સતત નિષ્ફળ થતાં રહીએ તો પણ આપણા બાળકોને ફરી બેઠા થવાની ટેવ પાડવાની જરૂર છે. ‘હું કંઈ કરી ન શકું’ – આ સર્વ-સામાન્ય શબ્દો બાળકો પાસેથી સાંભળવા મળે છે. મોટા ભાગના લોકો સફળ હોતા નથી કે સિદ્ધિને વરેલા હોતા નથી; એનું કારણ એ નથી કે આવું મહાકાર્ય કરવાની એમનામાં ક્ષમતા હોતી નથી! નિષ્ફળતાના ભયે તેઓ પ્રયત્ન પણ નથી કરતા! એનું ખરું કારણ તો એ છે કે કોઈ પણ માબાપ પોતાનાં બાળકોને જીવનમાં નિષ્ફળ થયા છતાં પણ એ માટે નિષ્ફળતા પછી ફરીથી બેઠા થઈને અને આગળ વધવા પ્રેરતા નથી. માતપિતા બાળકોને નિષ્ફળતાને સફળતાના એક સફળ પ્રયાણ માટેનું પગલું માનવાની કેળવણી આપતા નથી. બાળકની નિષ્ફળતાને લીધે એની હાંસી ઉડાવવામાં આવે છે કે એમને ઉતારી પાડવામાં આવે છે. આ નિષ્ફળતાઓને જોતાંવેંત એમનો સામનો કરવા દેવાને બદલે માતપિતા ઉતાવળે બાળકની મદદ કરવા દોડી જાય છે. એને લીધે આવી લઘુતાગ્રંથિ બંધાય છે. જો કોઈએ હિમાલય કે કોઈ મહાન પર્વત પર ચઢવું હોય તો તળેટીના પહેલાં પગથિયેથી જાતે જ આરોહણનો આરંભ કરવો પડે છે. માતપિતાએ એમને હવામાં ઊંચકીને પહોંચાડવાના નથી! એટલે જ માતપિતાએ પોતાના બાળકને બધી બાબતો માટે પોતાના પર આધારિત ન બનાવવું જોઈએ; આટલી જાગ્રતિ રાખવી જોઈએ. 

પરાવલંબનમાંથી સ્વાવલંબન તરફ

આપણને જ્યારે માન-આદર મળે છે ત્યારે આપણે જવાબદારીને સમજતા થઈએ છીએ. આપણી સ્વતંત્રતા કે આપણા સ્વાવલંબનને જ્યારે સમાદર સાંપડે છે ત્યારે જ આપણે વાસ્તવિક રીતે સ્વતંત્ર અને સ્વાવલંબી બનીએ છીએ. બાળકો માતપિતા પાસેથી પ્રેમાદર વાંછે છે, એવી પ્રતીતિ દરેકેદરેક માબાપને થતી હોય છે. માતપિતાએ ભૂલી જાય છે કે બાળકનો સમાદર કરવો એ પણ એને ચાહવા જેટલું જ મહત્ત્વનું છે. માતપિતાએ બાળકોની મથામણો, એમનું ઝઝૂમવું અને એમનાં દુ:ખકષ્ટને સહન કરવાની ક્ષમતા – આ બધાનું બાળકોના જીવનઘડતરમાં મહત્ત્વ સમજવું જોઈએ. જીવનમાં દુ:ખકષ્ટ વિના કંઈ પ્રાપ્ત થતું નથી. જાણે કે બાળકને હંમેશાં મદદ કરતા રહેવું એ જ એમનું એકમાત્ર કર્તવ્ય હોય એમ દરેક વખતે માતપિતા સલાહ, મદદ કે બાળકના પ્રશ્નના ઉકેલ સાથે એમના જીવનમાં પળે પળે ઝંપલાવે છે. જ્યારે એમની ભૂમિકા તો ફક્ત તેમને માર્ગદર્શન આપવા પૂરતી જ છે. એવું માતપિતાને સમજાશે અને તેના પરિણામ સ્વરૂપ બાળકો વધારે જવાબદાર બનશે.બાળકને પોતાના પ્રયત્નોથી બધું કરવાની હિંમત કે સાહસ મેળવવામાં આ મથામણો કે મનોમુંઝવણો સહાયક બને છે; પછી ભલે ને એને લીધે ક્યારેક એમને નિષ્ફળતા મળે કે એ મથામણ થોડી વિઘાતક પણ બને.

બાળકોનાં સ્વપ્ન અને આકાંક્ષાઓ પ્રત્યે માતપિતાએ માન-આદરનો ભાવ રાખવો જોઈએ. પોતાના ધ્યેય તરફ આગેકૂચ કરવા માટે આ સ્વપ્ન અને આકાંક્ષાઓ પ્રથમ પગલું છે. ઉત્તરદાયિત્વના ભાવથી જવાબદારીની ભાવના ઉદ્‌ભવે છે. કોઈ પણ બાળકે કરેલાં કાર્યમાં એને મળેલી નિષ્ફળતા કે પીછેહઠની નાની એવી ટીકા પણ બાળકના જુસ્સાને હણી નાખવા પૂરતી બની જાય છે. ઘણી વખત બાળકને હતાશાઓથી દૂર રાખવા – સતત બચાવવા માટે માતપિતા ખોટી આશાઓ આપતા રહે છે. ખરેખર તો આમ કરીને તેઓ મદદ કરવાને બદલે તેના વિકાસમાં અવરોધ ઉત્પન્ન કરે છે અને બાળકોને ધ્યેયપ્રાપ્તિ કરવામાં હતોત્સાહી બનાવી દે છે.

માતપિતાએ બાળક દ્વારા એમના પર મુકાયેલી શ્રદ્ધાને આદરપૂર્વક લેવી જોઈએ. કારણ કે બાળક પોતાના માબાપને બધી જ બાબતોમાં ખૂલા મને ભાગીદાર બનાવે છે. જ્યારે માબાપ મુર્ખાઈભરી રીતે પોતાના બાળકોની નબળાઈઓ એની જ હાજરીમાં બીજા સમક્ષ ખૂલી મૂકે છે ત્યારે બાળકમાં માતપિતા પ્રત્યે અશ્રદ્ધા ઉદ્‌ભવે છે. આના પરિણામે બાળક પોતાની જાતમાં અવિશ્વાસ રાખવાનું શરૂ કરે છે! માતપિતાએ એટલે જ પોતાનાં બાળકોના નિર્ણયોનો સમાદર કરવો જોઈએ. જો માતપિતા પોતાનાં બાળકોના અભિગમને કે એમના નિર્ણયોને આવકારતાં ન હોય તો તેઓ એમનામાં સ્વતંત્ર વિચારશક્તિનો વિકાસ થાય એવી અપેક્ષા કેમ રાખી શકે? સાથે ને સાથે માતપિતાએ પોતાનાં બાળકોની પ્રતિભાવ આપવાની શક્તિ કે એની ખૂલા મનની વાત પ્રત્યે સમાદર રાખવો જોઈએ. અવારનવાર માતપિતા બાળકોને અમુક અગત્યના પ્રશ્નો પૂછવાનું ટાળે છે કારણ કે તેઓ બાળકોના સ્પષ્ટ પ્રતિભાવથી ડરતા હોય છે. આમ થવાના કારણ આવાં હોઈ શકે – માતપિતા એમ વિચારે છે કે આ બાળક હજી પ્રશ્નનો ઉકેલ લાવવા પૂરતો પુખ્ત નથી; કાં તો માબાપ પોતાની નબળાઈ પર ઢાંકપિછોડો કરવા માગતા હોય છે અથવા બાળકોના ઉત્તરથી તેઓ કદાચ મૂંઝાઈ જતાં હશે. ઘણી વખત માતપિતા આવું કાર્ય પોતાની આવી ટેવને કારણે પણ કરતા હોય છે. એક બાજુએ માબાપ પોતાના બાળકો આત્મવિશ્વાસુ અને વિલક્ષણ બને એમ ઇચ્છતા હોય છે; અને બીજી બાજુએ પોતાની બધી બાબતો કોઈ પણ જાતના પ્રશ્ન કે તર્ક કર્યા વગર સ્વીકારવા ફરજ પાડે છે.

સાવધાનીપૂર્વકની સ્વતંત્રતા

બધાં માબાપ પોતાનાં બાળકો વધુ બુદ્ધિશાળી, વધુ સારી રીતે વિચાર કરતાં અને સ્વતંત્ર મિજાજના બને એમ ઇચ્છે છે. જો કે ઘણાં માબાપ આવું ઇચ્છતા હોવા છતાં પણ એમને એવા બનવા દેતાં નથી. તો પછી માતપિતાએ કેવી રીતે અને શું કરવું જોઈએ? ઘણી વખત આપણે અત્યંત કુશળ પતંગ ઉડાવનારા જોઈએ છીએ, હા, એટલી વાત સાચી કે શરૂઆતમાં પતંગને ઉડાવવા માટે ઉડાવનારની કળા આવશ્યક છે. શરૂઆતમાં તો પતંગને ઉડાવનારો પતંગને થોડીક ખેંચ આપે છે અને પતંગને હવામાં એકલી છોડી દે છે અને ટીચકી મારે છે એટલે કે એને વારંવાર ઊંચીનીચી લઈને પતંગના શિરના ભાગને ઊંચે રાખે છે અને એને ગોથાં મારતી અટકાવે છે. પછી ધીમે ધીમે એ દોરને ઢીલ આપતો જાય છે અને પતંગ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડવા માંડે છે. જેવો આ પતંગ ઊંચે હવામાં ચગવા માંડે કે એને ઉડાવનારના કોઈ નિયમન અંકુશની જરૂર રહેતી નથી. એ તો પોતાની મેળે હવામાં ચગતી રહે છે. પતંગ ઉડાવનારની જેમ બધાં માતપિતાએ પણ પોતાનાં બાળક પર એક જાગ્રત નજર રાખવી જોઈએ. જો તે આડાઅવડાં ગોથાં ખાય તો એને માર્ગદર્શન આપવું. પરંતુ માતપિતાએ આટલું યાદ રાખવું અગત્યનું છે કે પેલો પતંગ ઊંચે ઊંચે જાય છે ત્યારે પતંગ ઉડાવનારે આપેલી દોરની ઢીલ પ્રમાણે તે હવામાં વધુ ઊંચે જઈ શકે છે. એવી જ રીતે માતપિતાએ પણ પોતાનાં બાળકોનાં આવાં ઉડ્ડયનો વખતે ઢીલ દેતાં શીખવું જોઈએ. આપેલી ઢીલના પ્રમાણમાં એ બાળક વધુ ઊંચું ઉડ્ડયન કરી શકે છે.

આ દોર એટલે શું? આ દોર એટલે ધૈર્ય પણ હોઈ શકે અને જવાબદારી પણ હોઈ શકે કે બંને પણ હોઈ શકે. આપણામાંથી કેટલાક ધારીએ છીએ એવું નિયમન પણ હોઈ શકે. હા એ વાત સાચી કે માતપિતા પોતાનાં બાળક રૂપી પતંગને અંકુશમાં કે નિયમનમાં રાખી શકે. પણ એ શું આવશ્યક છે ખરું? આ જ દોર નિયમન રૂપે કે જવાબદારીની વહેંચણી કરવા માટે ઉપયોગમાં લઈ શકાય. શું આ વાત તમને જરા વિચિત્ર નથી લાગતી! જો પતંગનો દોર તૂટી જાય એવો હોય તો આપણે એને વધુ મજબૂત અંકુશથી બદલવો જોઈએ કે મજબૂત ગાંઠથી? મોટા ભાગની પતંગ જ્યારે જમીનની નજીક હોય ત્યારે ગોથાં ખાતી ઊડતી હોય છે. શાંત અને ધીર પતંગ ઉડાવનારો જાણે છે કે એક વખત જેવી પતંગ હવામાં બરાબર તરતી થઈ જાય ત્યારે તે સ્થિરતા અને હળવેથી ઊડતી રહેશે. બાળઉછેર પણ આવો જ છે.

ઘણાં માબાપ એવું માને છે કે એમનું મુખ્યકાર્ય બાળકોને ભણાવવાનું કે શીખામણ આપવાનું જ છે. તેઓ એમ પણ માને છે કે એમની પાસે ઘણી ઉપયોગી માહિતી અને શાણપણનો તેમજ અનુભવોનો વિપુલ જથ્થો છે. આ જથ્થો બાળકોના વિકાસ માટે આવશ્યક છે. એટલે તેઓ આ બાળક રૂપી વાસણમાં બધું એમ ને એમ ઠોંસી દેવા મથતાં હોય છે. પણ બાળકનું મન કંઈ અનાજ કે ચીજવસ્તુ ભરવા માટેનું વાસણ નથી. એ મન તો અદ્‌ભુત ફળદ્રૂપ ભૂમિ જેવું છે. એટલે આપણે તો એને ખેડ-ખાતર અને પાણી આપવાં જોઈએ. જ્યારે આપણને બાળક પ્રશ્ન પૂછે છે ત્યારે એણે એ પ્રશ્નના શક્ય ઉત્તરો વિશે વિચાર નથી કર્યો હોતો શું? બાળકના એ બધા વિચારો માતપિતાના શાણપણભર્યા જવાબ કરતાં વધુ મૂલ્યવાન હોઈ શકે નહિ શું? જો બાળક એ પ્રશ્નનો ઉત્તર કે સમસ્યાનો ઉકેલ શોધી ન શકે તો જ માતપિતાએ એને માટે એનો ઉકેલ શોધી આપવો જોઈએ. ક્યારેક ક્યારેક બાળકને પ્રશ્નનો સાચો ઉકેલ શોધવા કોઈક બીજી રીત અપનાવવા કહી શકાય. શું માતપિતાએ પોતાનાં બાળકો માટે વિચારતાં રહેવું જોઈએ કે બાળકને પોતાની મેળે વિચાર કરતું કરવું જોઈએ?

બાળકને સ્વયં વિચારવા દેવાની તક આપ્યા સિવાય જ માબાપ તેને તુરત જવાબ આપવા માટે ટેવાયેલા હોય છે. આમ કરીને તેઓ વાસ્તવિક રીતે પોતાનાં બાળકોમાં રહેલી વિચારવાની, ઉકેલ શોધવાની, કાર્ય કરી બતાવવાની કે સ્વાવલંબી અને સ્વતંત્ર બનવાની તકોને માબાપ ઝૂંટવી લે છે. પછી એવું પણ બને કે બાળક કંઈક કામ કરી શકતું નથી કે કોઈ વિષય પર મૂંઝાઈ જાય છે કે ક્યારેક કોઈ બાબતથી મુશ્કેલીમાં પડી જાય છે. ત્યારે જરા આટલું વિચારી જોજો, વિચારવાનું કાર્ય કોણ કરે છે, માતપિતા કે બાળક?

શું માતપિતાએ પોતે પતંગ ઉડાવવી જોઈએ કે ઢીલ મૂકીને એને પોતાની મેળે ઉડવા દેવી જોઈએ? આ બંને વચ્ચે ઘણો સૂક્ષ્મ ભેદ છે. અને બીજો વિકલ્પ એ બાળકના પૂર્ણ વિકાસ માટેનો એક ઉપાય છે.

માતપિતાને બાળકોને વધુ પડતું આરક્ષણ દેવાનું વલણ હોય છે – ‘ચાલ, હું તને આનાથી મદદ કરું’ કે ‘ચાલ, હું તારા માટે આ કરી આપું’, વગેરે. આવું માબાપની માન્યતામાં ઘૂસી ગયું છે કે બાળકો નાનાં છે અને એટલે જ એમને માતપિતાના આરક્ષણની આવશ્યકતા રહે છે કે દરેક બાબતમાં સહાય કરવાની જરૂર રહે છે. અને તેઓ માને છે કે આ આપણી મુખ્ય ભૂમિકા છે. ‘મને તમારી જરૂર છે’, એમ કહેવાને બદલે ‘તમે મને સ્વાવલંબી બનાવ્યો છે’ એવું બાળકે અનુભવવું જોઈએ. માતપિતાએ પેલા ભરવાડ પાસેથી શીખવું જોઈએ. જેવી રીતે ભરવાડ પોતાના વિશિષ્ટ ઉચ્ચારણો કે ડચકારાથી ઘેટાંબકરાંને દિશાસૂચન કરી દે છે; તેવી જ રીતે માતપિતાએ બાળકોને દિશાસૂચન કરવું જોઈએ. કેટલું-કયું-ઘાસ ખાવું અને કઈ તરફ જવું એ માટે ભરવાડ આજ્ઞા કરતો નથી.

વળી એક બીજું માબાપનું સામાન્ય વલણ એવું હોય છે કે પોતાનું બાળક વર્ગમાં કે શાળામાં સારા ગુણ મેળવે અને વર્ગમાં કે સમૂહમાં ઉચ્ચકક્ષાએ રહે એ જ સર્વોત્તમ છે. આને લીધે માબાપ બાળકો પર વધુ ને વધુ ગુણ મેળવવા સતત દબાણ લાવતાં હોય છે. આને લીધે પરીક્ષા પહેલાં બાળકોના મનમાં એક માનસિક તણાવ ઊભો કરે છે અને રમત-ગમત અને બીજી કેટલીક પ્રવૃત્તિઓ પર અત્યંત નિયમન મૂકીને ટ્યૂશન ક્લાસ દ્વારા એનું જીવન વધારે તાણવાળું બનાવી દે છે. આપણી એવી માન્યતા છે કે જીવનમાં સુખી અને સફળ થવા માટે આપણે બીજા કરતાં વધારે ચડિયાતા થવું જોઈએ. પરિણામે માતપિતા સતતપણે પોતાનાં બાળકોની બીજા સાથે સરખામણી કરતાં રહે છે અને જીવનની સિદ્ધિના દરેક તબક્કે એને ધક્કા મારતા રહે છે. પરિણામે બાળકો કાં તો પોતે પીછેહઠ કરે છે કે બળવાખોર બનીને અવળચંડાઈ કરે છે અને આમાં કંઈ ફાયદો થતો નથી.

શ્રેષ્ઠતાને ટેવ રૂપે કેવી રીતે કેળવી શકાય?

આપણે એક ટેવની માફક વારંવાર કાર્ય કરીને આપણી જાતને ઘડીએ છીએ. તો પછી શ્રેષ્ઠતા એ ટેવવાળા કાર્ય સિવાય બીજું શું છે?, એમ એરિસ્ટોટલ કહે છે. આપણે ઇચ્છીએ છીએ કે બાળક આત્મશ્રદ્ધાવાળું હોય, ખંતીલું હોય, એનામાં નેતૃત્વના ગુણો હોય તેમજ તે સ્વાવલંબી અને જવાબદાર પણ હોય. સમસ્યાઓનો ઉકેલ શોધવામાં કે નિર્ણય લેવામાં પણ એ સારી ગુણવત્તા ધરાવે. બીજાઓને સમજવામાં તે સમસંવેદના રાખનારું હોય. તે પરાકાષ્ઠાએ પહોંચાડનાર વિચારો કરનાર તેમજ વિચારોની આપલે કરવામાં ઘણી શક્તિમત્તા ધરાવે. એનામાં ઘણી સંનિષ્ઠા અને નૈતિક ગુણવત્તા પણ હોય. પરંતુ માત્ર આવી ઇચ્છાઓ રાખવી બધું થઈ જતું નથી. પોતાના વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં એને સિદ્ધ કરવા માતપિતાએ કેવા પ્રયત્ન કરવા જોઈએ? 

(૧) સર્વ પ્રથમ તો માતપિતાએ ઉપર્યુક્ત બાબતોના શક્ય તેટલા અનુભવોની તક બાળકોને આપવી જોઈએ. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. ગમે તેટલાં ભાષણો આપવા, બોધકથા કે વાર્તાઓ કહેવાથી ઉપર્યુક્ત શક્તિઓનો વિકાસ થશે નહિ. પરંતુ બાળક જો એને પોતાના વાસ્તવિક જીવનની પરિસ્થિતિમાં અનુભવે તો એ શક્તિનો વિકાસ થશે.

(૨) પોતાનાં બાળકો સ્કૂલનો થેલો, નાસ્તાપેટી, વગેરે તૈયાર કરે, પોતાનાં પુસ્તકો, રમકડાંને વ્યવસ્થિત ગોઠવે, પછીના દિવસના અભ્યાસપાઠનાં આયોજન અને પૂર્વેતૈયારી કરે – આવી દૈનંદિન પ્રવૃત્તિઓમાં ગોઠવીને માતપિતા એમનો વિકાસ સાધી શકે.

(૩) ચારથી પાંચ વર્ષનાં બાળકો જન્મદિવસ જેવા વિશેષ પ્રસંગે વ્યક્તિગત રીતે પોતાના બાળમિત્રોને ટેલીફોન દ્વારા નિમંત્રણ આપે, આવી વ્યવસ્થા ગોઠવીને માતપિતા સફળતાના અનુભવ સાથેનો બોધપાઠ એમને આપી શકે. આમ કરવા જતાં કદાચ બાળકો ભૂલથી વધારે ફોન કરી નાખે, પછી થોડો વધારે સમય પણ લે અને થોડી ભૂલભાલો પણ એનાથી ભલે થઈ જાય પણ આના દ્વારા તેઓ લોકો સાથેના વ્યવહાર અને સંદેશો આપવાનું કૌશલ્ય કેળવશે.

(૪) પોતાનાં ૭-૮ વર્ષથી મોટાં બાળકો પોતાનાં જીવનધ્યેય ઉચ્ચ રાખતાં થાય તેવો પ્રયત્ન માતપિતાએ કરવો જોઈએ. વધુ ને વધુ ઉચ્ચ સ્વપ્ન સેવવાથી તે સાકાર કરવા માટેના કૌશલ્ય અને ક્ષમતાનો વિકાસ કરવા માંડે છે. કોને ખબર છે કે બાળકોનાં આવાં સ્વપ્ન અને એને સાકાર કરવાના પ્રયત્નો એને ક્યાંના ક્યાં સુધી લઈ જાય!

(૫) સૌથી શ્રેષ્ઠ વાત તો એ છે કે માતપિતાએ પોતાનાં બાળકો સમક્ષ આચરણનાં ઉદાહરણો મૂકવાં જોઈએ. એના દ્વારા બાળકોને જીવનો સાચો સંદેશ મળી રહે છે. 

સામાન્ય રીતે બાળકોને કામ કરવાનું, ક્રિયા દ્વારા શીખવાનું ગમે છે. કાર્ય કે ક્રિયા એ બધાથી પાયાની આવશ્યકતા છે. આમ છતાં પણ સૌ કોઈએ એટલું સમજી લેવું જોઈએ કે કાર્ય એ સાધન છે સાધ્ય નહિ. જ્યારે માતપિતા પોતાના બાળકને પોતાનું શાળાનું ગૃહકાર્ય સારી રીતે કરવાની કોરી સલાહ આપવા કરતાં એનાથી શો ફાયદો થાય અને પોતાનું જીવનધ્યેય સિદ્ધ થાય છે એમ સમજાવીને આ કાર્ય કરાવવું જોઈએ. દા.ત. જો માબાપ પોતાના બાળકની સમક્ષ વૈજ્ઞાનિક બનવાનું ધ્યેય રાખે તો તે વિજ્ઞાનનું ગૃહકાર્ય રસપૂર્વક કરશે અને ઘણી સારી રીતે પણ કરશે. એટલે કે ગૃહકાર્ય કરવું એ એક સાધન છે પણ સાધ્ય નથી, એ વાત બાળકના મનમાં સ્પષ્ટ થવી જોઈએ.

શહેરી વિસ્તારોમાં અને હવે ગ્રામ્ય વિસ્તારોમાંય ટીવીના કાર્યક્રમો બાળકો માટે એક મોટી મૂંઝવતી સમસ્યા બની ગયા છે. બાળકો પાસે આના કરતાં વધારે સારું જ્ઞાનમનોરંજન આપી શકે એવું કોઈ સાધન કે કોઈ વ્યવસ્થા માબાપ કે શાળા આપી શકતાં નથી. એટલે જ બાળકોને ટીવીની શરણાગતિ સ્વીકારવી પડે છે. આનો અર્થ એ થયો કે બાળકોનાં રસરુચિને સંતોષે, એના જીવન ધ્યેય માટેનાં કૌશલ્યો કેળવે એવા સાર્થક સાધનો બાળકો સમક્ષ મૂકવાં જોઈએ; જે ટીવી કરતાં આ બધાં વધુ આકર્ષક અને પ્રેરણાદાયી પણ બની શકે. જે સાર્થક હોય એ પ્રેરક પણ હોવું જોઈએ અને પડકાર ફેંકનારું પણ હોવું જોઈએ. જે પડકાર કરી શકે, જે પ્રેરક બને, જે પ્રાપ્ત કરી શકાય એવું પણ હોવું જોઈએ.

જે આપણા હૃદયમનને ગમતું હોય એવું કાર્ય ઉદ્દીપક કે પ્રેરક પણ હોય છે. આ બાજુએ માતપિતાએ પોતાનાં કાર્યમાં કે નોકરીમાં જોતરાવું પડે છે. ક્યારેક ક્યારેક તો રજાના દિવસે પણ કામ કરવું પડે છે. પ્રેરણ તો આપણને સાંપડે છે આપણા સુનિશ્ચિત ધ્યેયમાંથી. આપણે જે ધ્યેયની પ્રાપ્તિ માટે નીકળી પડ્યા હોઈએ તેને પ્રાપ્ત કરવાની ક્ષમતા કે ભાવના પણ એમાંથી મળી રહે છે. એટલે જ બાળકોની સમક્ષ પડકાર ફેંકતા ધ્યેય અને વળી પાછા મેળવી શકાય તેવાં સાર્થક ધ્યેય મૂકવાનું જ કાર્ય માતાપિતાએ કરવાનું છે. પછી બાળકોને પોતાની આગવી સૂઝસમજ પ્રમાણે એ ધ્યેયને પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરવા દેવા જોઈએ.

ધ્યેયલક્ષી અભિપ્રેરણાની કેટલીક માર્ગદર્શક સૂચનાઓ :

બાળકોનાં ધ્યેય સાર્થક હોવાં જોઈએ. બાળકો કેવી રીતે અનાયાસે પોતાની માતૃભાષાને શીખી જાય છે અને કેવી રીતે હાલતાં ચાલતાં શીખે છે એ આપણે દરરોજના જીવનમાં જોઈએ છીએ. એનું કારણ એ છે કે આ બધું એમને આવશ્યક લાગે છે. ઘણાં ધ્યેય બાળકોને કૃત્રિમ લાગે છે, વિશેષ કરીને ‘આમ કરવું જોઈએ’ કે ‘ન કરવું જોઈએ’ની વાતો માતપિતા બાળકો સમક્ષ મૂકે ત્યારે એ સહજ બનતાં નથી. ઉદાહરણ તરીકે જ્યારે માબાપ પોતાના બાળકોને ‘તારે ઇતિહાસ શીખવો જ જોઈએ’ એવી વાત કોઈ પણ જાતના પ્રેરણ કે ઉદ્દીપક પૂરું પાડ્યા વિના કરે તો તે વ્યર્થ અને કંટાળાજનક વિષય બની જાય. આમ છતાં પણ આજે બાળકો ટીવીના માધ્યમ દ્વારા દરરોજ જુએ છે એવા હાલના સમયના વડાપ્રધાન કે મુખ્યપ્રધાન બનીને એની સરખામણી કરવાનું કહેવાય તો બાળકો એને પોતાના જીવન સાથે જોડે છે; સાથે ને સાથે એમને રાજાઓ સામ્રાજ્યો વગેરે વિશે વધુ જાણવાની ઇચ્છા થશે અને એમને આ બધું સમગ્રતયા ગમવાનું જ. 

બાળકોનાં ધ્યેય ચિત્તાકર્ષક કે ઉત્પ્રેરક હોવાં જોઈએ. બાળકો પોતે જ જ્યારે પોતાનાં ધ્યેય નક્કી કરે છે ત્યારે તે એમને માટે ઘણાં ચિત્તાકર્ષક અને ઉત્પ્રેરક બની રહે છે. એનો અર્થ એ થયો કે બાળકોને જ પોતાનાં ધ્યેય નક્કી કરવા દેવાં જોઈએ; આ દ્વારા એમને એક પસંદગી કરવાની તક મળે છે. દા.ત. જો માતપિતા પોતાનું બાળક સત્યવાદી કે સત્યનિષ્ઠ બને એમ ઇચ્છતા હોય તો એના વિશે ઉપદેશ કે વ્યાખ્યાન આપવા કરતાં એમને હરિશ્ચંદ્ર, મહાત્મા ગાંધી જેવા સત્યનિષ્ઠ મહાપુરુષોના જીવનપ્રસંગો પર વાચન કરીને એના પર પોતાના મિત્રો સાથે નાટ્યાભિનય કરવાનું કાર્ય સોંપી શકાય. આવી જ રીતે બીજા કોઈ પણ વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને આવા પ્રયોગો કરી શકાય. આ ઉત્પ્રેરણા એક પ્રકારના સંક્રામક ચેપીરોગ જેવી છે. જો માતપિતા પણ એને વધુ ઉત્પ્રેરક બનાવે તો ધ્યેયને વધુ સારી રીતે સફળ કરવામાં સહાયક નીવડે છે.

ધ્યેય પડકાર ફેંકનારા અને પ્રાપ્ય પણ હોવાં જોઈએ. આ માટે ‘લાગે તો બાણ નહિ તો થોથાં’ એવો અભિગમ રાખવો જોઈએ. એટલે કે એ અભિગમમાં થોડી આમતેમ જવાની મોકળાશ હોવી જોઈએ. એનું કારણ એ છે કે કોઈ એક વસ્તુ બાળક સરળતાથી કરી શકે પણ એ બીજા બાળક માટે વધુ પડકાર રૂપ હોઈ શકે. નિયમ એવો છે કે બાળક જે કંઈ પણ અપેક્ષા કે આકાંક્ષા રાખે તે એને સ્પષ્ટપણે લખવાનું કહેવું જોઈએ. આમ કરવાથી એના માર્ગદર્શક એટલે કે માતપિતા અને એ કાર્ય કરનાર એટલે કે બાળક વચ્ચે સ્પષ્ટ સમજણ ઊભી થાય છે. આમ જોતાં તો આ ઉપાય સાવ સરળ અને સાદો લાગે, પણ આની મોટે ભાગે અવગણના થાય છે. કોઈ ત્રણ વિદ્યાર્થીઓને પૂછો અને એને પોતાની આકાંક્ષાને સ્પષ્ટ શબ્દોમાં લખવાનું કહો તો તેમાંથી એક લખશે કે હું ધો.૮માં ૮૦% ગુણ મેળવીશ; બીજો લખશે કે અંગ્રેજી અને વિજ્ઞાનમાં ૯૦ કરતાં વધારે ગુણ મેળવીશ પણ ગણિતમાં ૮૦ અને ભાષા કે સમાજવિદ્યામાં ૭૦ જેટલા ગુણ મળશે. ત્રીજો એમ લખશે કે હું ટેકનિકલના વિષયોમાં ૯૦ થી વધારે ગુણ મેળવીશ પણ ભાષાઓમાં ૫૦ થી વધારે મેળવી નહિ શકું.

ત્રણેય એમ જ લખવાના કે હું મારી ઉપર્યુક્ત ગુણવત્તા બધી પરીક્ષામાં જાળવી રાખવાનો પ્રયત્ન કરીશ અને મારા અભ્યાસના નબળા વિષયો પર વધારે ધ્યાન આપીશ.

જીવનમાં સફળ રહેનારા લોકો વધુ ફક્ત ઉદ્યમશીલ હોતા નથી પરંતુ તેઓ પોતે કેવા હેતુ સાથે આ કાર્ય કરે છે એના વિશે પૂરેપૂરા સભાન હોય છે. એટલે જ આવા લોકોનાં ધ્યેય વધુ સ્પષ્ટ હોય છે, તેઓ વધારે ખંતીલા હોય છે, અને પડીને પાછા બેઠા થઈને ચાલી શકનારા અને ચોક્કસ ધ્યેયનિષ્ઠાવાળા હોય છે. વળી તેઓ જે કંઈ કરી રહ્યા છે તેમને સૌથી વધુ માનનારા હોય છે, એમને માટે એ કાર્ય ફક્ત કાર્ય નથી પણ આનંદ છે. વળી પ્રગતિની ગતિની કરતાં એની દિશા વધારે મહત્ત્વની હોવી જોઈએ, આટલું પણ યાદ રાખવું જોઈએ. બાળકને આ જ વાત નાનપણથી જ શીખવવી જોઈએ.

ભાવાત્મક માનસિક વલણ :

હાથીના બચ્ચાને એક સાંકળથી થાંભલા સાથે બાંધવામાં આવે છે. એ ઉંમરે સાંકળથી જકડી રાખવા એ પૂરતું બની રહે છે. જ્યારે હાથી પુખ્તવયનો બને છે ત્યારે પણ એને એ જ સાંકળથી બાંધી રાખવામાં આવે છે. આ સાંકળ હવે હાથી તોડી શકે તેમ છે; પણ હજી એના મનમાં આવો વિચાર આવ્યો નથી અને એટલે જ એને મહાવત એને અંકુશમાં રાખી શકે છે.

‘હું આ કરી ન શકું’ આ શબ્દો આપણે ઊછરતાં બાળકો પાસેથી સાંભળીએ છીએ. વિશ્વમાં અસંખ્ય લોકો એવા છે કે જેઓ પોતાની ક્ષમતા કરતાં ઘણું ઓછું કરે છે કે મેળવે છે. એનું કારણ એ છે કે એમણે પોતાની ક્ષમતા કરતાં ઘણી નાની મર્યાદા રેખા બાંધી લીધી હોય છે. બાળપણથી જ આવી મર્યાદાઓ અને સીમાઓ બાળકો બાંધી લે છે અને એને માટે જવાબદાર એમનાં માતપિતા છે. માતપિતા અજાણપણે અજાગ્રતપણે આવું કાર્ય કરી નાખે છે અને પછી પેલા નાના હાથીના બચ્ચાની જેમ બાળકો પણ આ મર્યાદા-રેખાની સાંકળમાં બંધાયેલા રહે છે. ક્યારેક તો આ મર્યાદા-રેખા રૂપી સાંકળ ન હોય તોયે બાળકો એમને એમ જીવ્યે રાખે છે. કેવી દુ:ખદાયી અને કમભાગી દશા! બાળકો આ સાંકળને તોડી ન શકે એવું નથી. એમાંથી કેટલાંક તો એને તોડી પણ નાખે છે. એને આ સાંકળ તોડવા માટે ગમે ત્યાંથી પ્રેરણા મળી રહે છે. કોઈ આદર્શ જીવનઘટના, જીવન, પ્રેરણાદાયી પ્રસંગ કે કોઈ ઉત્કૃષ્ણ પુસ્તક કે વિચાર એ સાંકળને તોડવા બાળકને સક્ષમ બનાવી શકે છે. બાળક બહારથી આવી પ્રેરણા મેળવે અને પોતાની મર્યાદાની સાંકળને તોડે એ પહેલાં માબાપે આવું શા માટે ન કરવું જોઈએ? ખરેખર તો માબાપે જ પહેલ કરીને બાળકમાં રહેલી સુષુપ્ત ક્ષમતા અને શક્તિને બહાર લાવવા એમને પ્રેરવાં જોઈએ. 

‘તું હજુ નાનો બાળક છો અને તારાથી આ ન થઈ શકે’, માબાપના આવા ઉદ્‌ગારો બાળકને મર્યાદાની સાંકળમાં બંધાવાની ફરજ પાડે છે. બાળકો પણ આવા ઉદ્‌ગારોને વગરવિચાર્યે પોતાના મનમાં ‘હું તો એક સામાન્ય નાનો માણસ છું’, ‘હું તો એક માત્ર સ્ત્રી છું’, ‘હું તો ગામડિયો છું’, ‘હું અત્યંત સામાન્ય ભારતીય નાગરિક છું’ ઘુસાડી દે છે. અને આવા વિચારો એમના મનમાં ઘર કરી લે છે.

બાળકોની આસપાસ આવી મર્યાદાની વાડ માતપિતા કેવી રીતે બાંધે છે, એની છ રીતની વાત આપણે હવે પછીના સંપાદકીયમાં કરીશું.

Total Views: 84

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.