(ગતાંકથી આગળ)

આપસ્તંબે આપેલી વેદની વ્યાખ્યા કરતાં વેદના વિષયને વધુ સ્પષ્ટ કરતી એક બીજી વ્યાખ્યા આ છે : ‘प्रत्यक्षेणानुमिल्या ना यस्तूपायो न बुध्यते। एतं विदन्ति वेदेन तस्माद् वेदस्य वेदता॥’ અર્થાત્‌, પ્રત્યક્ષ જ્ઞાન કે અનુમાનથી જે જાણી ન શકાય તે વસ્તુ વેદથી જાણી શકાય છે, વેદની એ જ ‘વેદતા’ છે. સ્વર્ગ, પુનર્જન્મ, આત્માની મરણોત્તર સ્થિતિ, મોક્ષ વગેરે આવા વિષયો છે. વેદ વગર એ જાણી શકાતા નથી. ઇચ્છિત વસ્તુ મેળવવા અને અનિચ્છનીય વસ્તુને દૂર કરવા આપણે ભૌતિક ઉપાયોની અજમાયશ કરીને સફળ થઈએ છીએ, પણ ધર્મ અને બ્રહ્મ જેવી વસ્તુઓ ભૌતિક ઉપાયોથી મળતી નથી. એ તો ફક્ત વેદમાંથી જ મળે.

પણ વેદ તો એ પરમધર્મ કે બ્રહ્મને મેળવવાનું સાધનમાત્ર જ છે. પરમની પ્રાપ્તિ એ જ ‘પરાવિદ્યા’ ઉચ્ચતમ વિદ્યા છે. બાકીનું બધું પરાવિદ્યાની પ્રાપ્તિનું સાધન સુદ્ધાં – ‘અપરાવિદ્યા’ જ છે. નિમ્નવિદ્યા છે. એવું મુંડકોપનિષદ સ્પષ્ટ કહે છે.

પણ અપરાવિદ્યામાં થઈને જ પરાવિદ્યામાં પ્રવેશાય છે. એ માટેના જીવનમાર્ગની ચાર કક્ષાઓ ઉત્તીર્ણ કરવી પડે. એને ચાર પુરુષાર્થ કહ્યા છે. ધનસંપદાને ‘અર્થ’ કહે છે, એના ભોગવટાને કે ઝંખનાને ‘કામ’ કહે છે, આ બંનેમાં પણ ‘કામ’નું મૂલ્ય મૂળગત છે. આ બંનેનું મૂલ્ય ‘ભૌતિક’ છે. જગતનાં મોટા ભાગનાં નરનારીઓ આ બે હાંસલ કરવા અનેક પ્રયત્નો કરે છે. પણ દિવ્ય સ્વર્ગ કે મોક્ષ એવા પ્રયત્નોથી મેળવી શકાતા નથી.

સત્કર્મોનાં અદૃશ્યફળોને ‘ધર્મ’ કહે છે. આ ધર્મથી માણસને અહીં કે સ્વર્ગમાં અનોખું સુખ તો મળે પણ ભારતીય સંસ્કૃતિએ એ સુખને શાશ્વત ગણ્યું નથી. સ્વર્ગમાંથી પણ કર્માનુસાર જન્મમરણના ફેરામાં પડવું પડે જ છે. ધર્માનુચરણનું વર્ચસ્‌ પણ એટલે સુધી જ છે. આમ, વૈદિક યજ્ઞો અને એની દેવપ્રાર્થનાઓ પણ સ્વર્ગ સુધી જ પહોંચાડે છે, પણ પેલો પરમ પુરુષાર્થ-મોક્ષ- તો પોતાના આત્માનું પરમાત્મા સાથે ‘અદ્વૈત’ સાધવાથી જ પ્રાપ્ત થાય છે. તમે તમારા આત્માને ઓળખો તો બધું જ ઓળખાઈ જશે. એ જ ‘મોક્ષ’ પ્રાપ્ત કરેલ જીવતો મનુષ્ય ગીતાનો ‘સ્થિતપ્રજ્ઞ’ કે ‘ગુણાતીત’ બની જાય છે.

પણ ભારતીય સંસ્કૃતિમાં ‘મોક્ષ’ સંબંધી આ એકમાત્ર ખ્યાલ જ નથી, બીજા પણ છે. ભગવાનના લોકમાં રહેવું (સાલોક્ય), ભગવાન જેવું સ્વરૂપ ધારણ કરવું (સારૂપ્ય), અથવા તો ભગવાનમાં મળી જવું (સાયુજ્ય) વગેરે ખ્યાલો પણ છે. આમ કક્ષા પ્રમાણે મોક્ષ કલ્પાયો છે. પણ એ બધા ખ્યાલોનાં મૂળ તો વૈદિક સાહિત્યમાં જ પડ્યાં છે.

વેદોએ યજ્ઞકર્મને નિત્ય (કર્તવ્યકર્મ), નૈમિત્તિક (કશા નિમિત્તને કારણે કરવું પડતું) અને કામ્ય (કોઈક ઇચ્છા પૂરી કરવા કરાતું) – એમ ત્રણ વિભાગમાં વહેંચ્યું છે. વેદકાલીન યજ્ઞપ્રધાન સંસ્કૃતિમાં યજ્ઞવિષયક જબરી સંકુલતા અને કંઈક નિયમોપનિયમો પ્રચલિત હતા. પણ કાળબળે ધીરે ધીરે એણે બદલવું જ પડ્યું અને છેવટે એ બધી આંટીઘૂંટીવાળી ઉપાસનાઓ અને યજ્ઞક્રિયાઓ દેશકાલાતીત શાશ્વત પરમ સત્તત્ત્વ બ્રહ્મ ઉપર જઈને જ ઠરી ઠામ થયાં – શમ્યાં. હવે તો એ વૈદિક કાળ કેવળ સાંસ્કૃતિક સાતત્ય સમજવા માટેનો ઇતિહાસ જ બની ચૂક્યો છે. એમાં આજે પરિવર્તન તો ઘણું આવ્યું છે, છતાં એની એ પ્રાચીન ચેતના તો એની એ – અકબંધ જ રહી છે. એ ખાસ નોંધપાત્ર છે. હજુ કેટલાય વૈદિક વિચારો અને આદર્શો ભારતીય જનજીવનમાં જુદી રીતે પણ પ્રસ્તુત રહ્યા છે. વેદોના જ કેટલાક વિચારોનો વિસ્તાર આપણા જ્ઞાનક્ષેત્ર અને જીવનમાં થયો છે. યજ્ઞોનું જ સ્થાન પૂજાઓએ લીધું છે. આપણી આજની પૂજામાં વૈદિક, પૌરાણિક અને તાંત્રિક પરંપરાનું મિશ્રણ થયેલું છે. આપણી વિવાહ વગેરે લગભગ બધી ધાર્મિક વિધિઓમાં વેદમંત્રો ઉચ્ચારાય છે.

સામાજિક, નૈતિક અને ધાર્મિક મૂલ્યોનો સરવાળો એટલે ‘ધર્મ’. આમ, ધર્મનો અર્થ ઘણો વ્યાપક છે. સંસ્કૃત ‘ધૃ’ ધાતુ પરથી નિષ્પન્ન થયેલ આ શબ્દનો અર્થ જાળવવું, જતન કરવું, ટકાવવું વગેરે થાય છે. એટલે જીવનને અને મૂલ્યોને જાળવનાર, ટકાવનાર, ધારણ કરનાર ધર્મ કહેવાય. એ માનવજીવનનો પાયો છે. વેદોએ સ્વીકારેલી માનવજીવનની ધર્મકેન્દ્રિતા ભારતીય જીવનમાં આજ સુધી ઊતરી આવી છે અને એના લોહીમાં વહી રહી છે. આ ધર્મનું મુખ્ય પાસું છે ‘સત્ય’. એ છેડેથી ખૂબ ઊંચે સુધી વિવિધ સ્તરનું છે. આંતરિક અને બાહ્ય વિશુદ્ધિ, સંવાદિતા, આતિથ્ય, આત્મસંયમ, ત્યાગ-તપ એ વૈદિક આદર્શો આજેય સંસ્કૃતિના આદર્શો રહ્યા છે. વેદો કહે છે કે જન્મતાં વેંત આપણે કુદરતના કરજદાર થઈએ છીએ, જ્ઞાનમાં પૂર્વજોના કરજદાર થઈએ છીએ. એ કરજમાંથી મુક્ત થવા માટે આપણે શું કરવું? પહેલાં યજ્ઞો દ્વારા કરજ ચૂકવાતું આજે હવે જ્ઞાનપ્રસાર-પ્રચાર, વિવાહ, સંતાનોત્પત્તિ, શ્રાદ્ધ, આતિથ્ય, દાન વગેરેથી એ જ કરજમુક્તિ કરવામાં આવે છે. રીતમાં પરિવર્તન છે પણ એ પ્રશક્ત વૈદિક જીવન મૂલ્યોમાં આજ લગી કશું જ પરિવર્તન થયું નથી.

વેદો અને ઉપનિષદોમાં નિર્દિષ્ટ ‘આત્મસંયમ’ના મૂલ્યની મહત્તા ફક્ત વ્યક્તિગત કે સામાજિક સ્વસ્થ જીવન માટે જ નહિ પણ ધાર્મિક અને આધ્યાત્મિક જીવન માટે પણ પૂર્વશરત છે. વેદોમાં તો બ્રહ્મચર્યાશ્રમથી જ એ પ્રારંભાય છે. એવું જ ‘તપ’નું પણ છે. આજે ભારતમાં પ્રચલિત બધા જ ધર્મો આ ‘તપ’ના વૈદિક મૂલ્યને ખૂબ મહત્ત્વ આપે છે. એને અંત:શક્તિ વધારનાર લેખે છે.

વેદના કર્મકાંડ અને જ્ઞાનકાંડ એવા બે વિભાગોમાંથી જ્ઞાનકાંડનું પ્રતિનિધિત્વ કરતા ઉપનિષદો જીવ-બ્રહ્મની એકતા પ્રબોધે છે. જ્ઞાનકાંડ માટે પરિચ્છિન્ન જીવ સાથે સર્વવ્યાપક બ્રહ્મની એકતાનો વિચાર નવો ન હતો. સંહિતાઓ અને બ્રાહ્મણોના અનેકવિધ દેવો અને એમને અપાતા અનેકવિધ બલિદાનો વચ્ચે આપણે આટલું તો ચોક્કસ કહી શકાય એમ છે કે એ એમની અંતિમ વિભાવના ન હતી. વૈવિધ્ય પાછળની એકતાના સૂચનો વેદોમાં ઘણે ઠેકાણે સાંપડે છે. દા.ત. ‘एकम् सत् विप्राः बहुधा वदन्ति’ – ‘એક જ પરમસત્‌ને વિપ્રો વિવિધ રૂપે કહે છે’. ‘અનેક’ની પાછળની ‘એકતા’ – એમ બંનેના સ્વીકારનું વેદોનું વલણ છે.

ઉપનિષદના કર્મના સિદ્ધાંતે ભારતીય જીવન પર ભારે અસર કરી છે. ‘વાવે તેવું લણે’ અને ‘ઇચ્છે તેવો થાય’ – આ કર્મ સિદ્ધાંતનો સાર છે.

કર્મકાંડથી કંટાળેલા લોકોએ યજ્ઞોની જાળમાંથી છૂટવા કરેલા બળવા રૂપે જ્ઞાનકાંડ ઊભો થયો છે, એવું કહેવાય છે. ઉપનિષદમાં પણ યજ્ઞોને ‘અદૃષ્ટ્‌વા: પ્લવા:’ કહીને ઉતારી પાડ્યા છે. આમ છતાં કર્મકાંડને સાવ હલકું પાડી દેવામાં તે સફળ થયા નથી. ઊલટું ઉપનિષદોમાં પણ ઘણે ઠેકાણે ઉપાસના વિધિઓ દેખા દે છે, પણ ધીરે ધીરે વૈદિક યજ્ઞો જગતનાં તત્ત્વોનાં પ્રતીકરૂપ બનીને ઘસાતાં ચાલ્યાં અને ઉપનિષદોનો અદ્વૈતનો સિદ્ધાંત આગળ આવ્યો.

યાજ્ઞવલ્ક્ય જેવા ઘણા દૃષ્ટાએ જ્ઞાનકાંડ અને કર્મકાંડ બંનેમાં પરમવિદ્વાન હોઈને કર્મકાંડનાં ઘણાં પ્રતીકોનો આવા ઋષિઓ દ્વારા જ્ઞાનકાંડમાં પણ ઉપયોગ થયો છે. આ જ્ઞાનકાંડ અને કર્મકાંડના વેદ વિભાગો મનુષ્યોના માનસિક બંધારણની – એના રસરુચિ વલણની યોગ્યતાનુસાર પડાયા છે. વેદાંત શ્રવણ માટે સાધન ચતુષ્ટયની આવશ્યકતા પણ એ સૂચવે છે.

‘વૈદિક અને દેવવાદમાંથી ધીરે ધીરે ઘટતાં છેવટે એક સર્વોચ્ચ દેવમાં બધાનું પર્યવસાન થયું’ – એમ કહી દેવું એ એક સાપેક્ષ વિધાન છે. એ વિધાનમાં અન્ય દેવોનો નિરાદર નથી, પણ પરમોચ્ચ જ્ઞાનનો મહિમા છે. કોઈના નિરાદરને અન્યની પ્રશંસા ગણવાનું સૂત્ર અહીં પ્રયોજાયું છે. એવી જ રીતે અહીં કર્મકાંડનો નિરાદર એટલે જ્ઞાનની પ્રશંસા જ સમજાય છે. કારણ કે કામના પૂરક કર્મકાંડથી સ્વર્ગ વગેરે અને પછી પાછાં જન્મમરણનાં ચક્રો શરૂ થાય છે અને જ્ઞાનોપાસનાથી અનંત મોક્ષ મળે છે. પણ જન સાધારણની સહજવૃત્તિઓને અનુલક્ષીને અર્થ અને કામને પણ ઇચ્છનીય ગણીને એને જીવનના પુરુષાર્થનું પદ અપાયું છે. શરત એ છે કે અર્થ અને કામભોગને ધર્મની, માનવીય મૂલ્યોની લગામ હોવી જોઈએ તો જ એ ‘પુરુષાર્થ’નું પદ પામે. સ્વસ્થ સમાજ માટે આ શાશ્વત મૂલ્ય વૈદિક દેન છે.

ભારતીય સંસ્કૃતિએ પરમપુરુષાર્થ તરીકે વેદકાળથી માંડીને આજ સુધી અસ્થાયી ‘પ્રેયસ્‌’ કરતાં શાશ્વત ‘શ્રેયસ્‌’ને જ ઉચ્ચતર ગણ્યું છે અને ‘પ્રેયસ્‌’ને નકાર્યા વગર એના યોગ્ય સ્થાને બેસાડ્યું છે.

સર્વજન માટે તો શ્રેયસ્‌ સાધ્ય નથી, એમને માટે તો પ્રેયસ્‌ (કર્મકાંડ) જ યોગ્ય છે. તેઓ કર્મ કરતાં કરતાં ધીરે ધીરે ચિત્તશુદ્ધિ થતાં પગથિયે પગથિયે ઉચ્ચતર સત્યને પામતા જશે. આ પગથિયાં છે : (૧) શ્રવણ – શાસ્ત્રનું શ્રવણ (૨) મનન – સાંભળેલનું બૌદ્ધિક આલોચન અને (૩) એ બૌદ્ધિક તારણો પર મનની એકાગ્રતા (નિદિધ્યાસન).

જીવનની અને વિચારની આ વૈદિક પદ્ધતિએ ભારતીય સંસ્કૃતિ ઉપર ખૂબ મોટી અસર કરી છે. ભારતની વિવિધ બૌદ્ધિક પરંપરાઓનાં મૂળ વેદોમાં છે. ઉચ્ચારણની અકબંધ જાળવણી, વેદાર્થની સમજ અને વૈદિક વિધિઓની પ્રણાલી સૂચવતાં છ વેદાંગો પાછળથી સર્જાયાં. શિક્ષા (ઉચ્ચારણ શાસ્ત્ર), કલ્પ (યજ્ઞવિધિ), વ્યાકરણ, છંદ (વૈદિક મંત્રોના છંદો), નિરુક્ત (વ્યુત્પત્તિશાસ્ત્ર) અને જ્યોતિષ (ખગોળ વિજ્ઞાન). આ વેદાંગો બહુધા સૂત્ર શૈલીમાં લખાયેલાં છે. છ અંગોમાંથી ઉચ્ચારણ, છંદ અને વ્યાકરણનાં અંગોને વર્ણવતા ગ્રંથો પ્રાતિશાખ્ય કહેવાય છે. વેદોના શાખાભેદે આ પ્રાતિશાખ્યો પણ ઘણાં છે, ઘણાં લુપ્ત થઈ ગયાં છે. સામાન્ય રીતે સંસ્કૃતનો સાહિત્યરાશિ પદ્યબદ્ધ છે. પછીથી લખાયેલ શિક્ષાગ્રંથો પદ્યમાં જ છે. નિરુક્ત (વેદાંગ)નો એક માત્ર ગ્રંથ ચરકનું નિરુક્ત જ મળે છે. બાકીના તદ્‌વિષયક ગ્રંથો મળતા નથી. જ્યોતિષ વેદાંગ મોડું વિકસ્યું, એ નાનું છે. વેદના ‘કલ્પ’અંગની ચાર પ્રકારની કૃતિઓ મળે છે : શ્રૌતસૂત્રો, ગૃહ્યસૂત્રો, ધર્મસૂત્રો અને શુલ્બસૂત્રો – આ ગ્રંથો અનુક્રમે યજ્ઞવિધિઓનું સ્પષ્ટીકરણ, ગૃહસ્થીઓનાં સંસ્કારો અને નૈમિત્તિક ક્રિયાઓ, વર્ણાશ્રમધર્મો અને યજ્ઞ ભૂમિની રચનાની સમજૂતી આપે છે. વિવિધ શાસ્ત્રોની ગંગોત્રી તરીકે વેદોને માનવાનું વલણ આપણે ત્યાં પહેલેથી જ ચાલ્યું આવે છે. ઉપવેદોનાં નામ – આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ અને સ્થાપત્યવેદ પણ એ સૂચિત કરે છે. તત્ત્વજ્ઞાનની કોઈ નિશ્ચિત પદ્ધતિ વેદોમાં દેખાતી ન હોવા છતાં તત્ત્વજ્ઞાનના વિચારો તો એમાં છે. એ વિચારો ‘દર્શન’ કહેવાય છે. વિવિધ દૃષ્ટાઓનાં એ વિવિધ ‘દર્શનો’ છે. પણ એ ‘દર્શનો’ બૌદ્ધિક કવાયત માટે નહિ પણ મોક્ષના હેતુ માટે થયેલાં છે. આગળ બતાવેલા ધર્મ-અર્થ-કામ-મોક્ષ એ પુરુષાર્થોમાં મોક્ષ જ પરમપુરુષાર્થ છે. બધાં જ ભારતીય દર્શનોનો હેતુ આ ‘મોક્ષ’ છે. દ્વૈત-અદ્વૈત-ન્યાય-વૈશેષિક વગેરેમાં તર્કપદ્ધતિ અને વિચારોનું સ્વાભાવિક વૈવિધ્ય હોવા છતાં આ બધાં જ આસ્તિક દર્શનો વેદને જ દૃઢ રીતે પોતાનો મૂળ સ્રોત માને છે.

વેદની સાથે સીધાં સંકળાયેલાં પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા એ બંને દર્શનોએ તો વેદનું પ્રામાણ્ય સાબિત કરવાનો ભારે તાર્કિક પરિશ્રમ કર્યો છે.

વેદો માટે વિશ્વ અને માનવજીવન ખૂબ મહત્ત્વ ધરાવે છે. વિશ્વનાં નિયમન, નૈતિક નિયમ અને યજ્ઞ સંકલ્પના માટે વેદની ‘ઋત’ની વિભાવના ભારતીય સંસ્કૃતિનો એક અમર વારસો ગણી શકાય. આ ત્રણ ‘ઋત’ – સત્યો, સનાતન, અફર અને સ્વત: પ્રમાણ છે. આ ‘ઋત’ના જ પર્યાયો પાછળના સાહિત્યમાં ‘ધર્મ’, ‘સત્ય’ વગેરેમાં જોવા મળે છે.

ભારતનું પ્રાચીન સમાજજીવન ઋગ્વેદના દસમા મંડળમાં સર્વપ્રથમ બતાવ્યા પ્રમાણે ચાર વર્ણોની વ્યવસ્થાથી પ્રભાવિત હતું, પણ એ વર્ણો વ્યક્તિના ગુણો અને એના વ્યવસાય પર આધારિત હતા. એમાં પહેલાં વંશીયતા ન હતી. એ વખતે એ લોકાચારના આદર્શરૂપ હતા – બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ વ્યવસ્થાને એની પાછળથી થયેલી સ્થાપિત હિતોવાળી અવનતિ અને વિકૃત જ્ઞાતિવાદી નકલખોરીથી માપી જ ન શકાય. મૂળ વર્ણવ્યવસ્થા તો જીવનનાં સ્થાયી મૂલ્યોને રક્ષવા માટે હતી.

પ્રાચીન ઋષિઓએ વ્યક્તિગત માનવજીવનને પણ ચાર આશ્રમો – બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ -માં વહેંચ્યું હતું. આ ચારેયનાં કર્તવ્યો જુદાં જુદાં છે. વ્યક્તિગત જીવનની દોરેલી આ રૂપરેખા તપ:પૂત, વિશુદ્ધ અને ઉમદા એવી સ્વાભાવિક તાલીમ હતી. પણ પછી એણે ધીરે ધીરે પોતાનું સત્ત્વ ગુમાવી દીધું હોવા છતાં હજીયે એની ઘણી અસર, ઘણું બળ, એનું સ્વરૂપ ટકી રહેલાં વરતાય છે.

આપણા પુરાણો અને મહાકાવ્યોમાં બહુધા વેદોના ઉપદેશો જ બેવડાવાયા છે, એને પુરાકલ્પનો કે કિંવદન્તીઓમાં ગૂંથ્યા છે. વેદોએ બતાવેલાં જીવનના પાયાનાં મૂલ્યોને જ એ પોષે છે.

વેદકાલીન લોકોનો પશુપાલન અને ખેતીનો વ્યવસાય હજુયે ભારતમાં ઘણું મહત્ત્વ ધરાવે છે અને ત્યારથી ગાયનું પૂજનીયત્વ હજુ સુધી ચાલ્યું જ આવે છે. વૈદિક લોકોની સુવર્ણપ્રિયતા પણ ભારતમાં ઓછી નથી. વૈદિક કાળના વ્યવસાયો, વ્યાપારો વગેરેના ઠીક ઠીક અવશેષો હજીયે ભારતીય જનસમાજમાં જોવા મળે છે.

વેદકાળમાં સૌંદર્ય દૃષ્ટિ પોષાઈ છે. કંઠ્ય-વાદ્ય સંગીત, વીણા વગેરે વિવિધવાદ્યો, સામગાન, નાટક વગેરેની લોકોની અભિમુખતા દેખાય છે. ભારત નાટ્યશાસ્ત્રે નાટકનાં બીજ વેદોમાં જોયાં છે. વેદનું સંવાદશાસ્ત્ર સાહિત્ય નાટ્યકલાનો મૂળ સ્રોત ગણાયો છે. ઘણી લલિતકળામાં વૈદિક લોકોની સૌંદર્યરુચિનું સંવર્ધન કરતી હતી પણ એની શરત એ કે એ બધી લલિતકળાઓ આધ્યાત્મિકતાની પીઠ પર ચણાઈ હતી અને ધાર્મિક ક્રિયાઓ સાથે સંકળાયેલી હતી. ભારતીય જીવનના કેન્દ્રસ્થાને આ આધ્યાત્મિકતા અને ધર્મ જ રહ્યાં હતાં અને હજુ એ વલણ બહુધા જોવા મળે છે. વેદકાળ પછી પ્રશિષ્ટ સંસ્કૃતમાં લખાયેલ પુરાણો-મહાકાવ્યો, નાટકો, ફિલસૂફી સ્થાપત્ય વગેરે જીવનનાં વિવિધ ક્ષેત્રો પરત્વેનું બધું જ સાહિત્ય, કથાઓ, રીતરિવાજો અને શૈલી તથા જીવનની અન્ય બાબતોમાં આ વેદોનું ઋણી છે, એમાં શક નથી. અને એ અવશેષો હજુયે જીવતા છે એમ કોઈ પણ દૃષ્ટિસંપન્ન મનુષ્ય છાતી ઠોકીને કહી શકે તેમ છે.

ભારતીય સંસ્કૃતિનો મુખ્ય વ્યાપાર પૂર્વોક્ત ચારેય પુરુષાર્થોને પોષવાનો, સંરક્ષવાનો અને એનું સંવર્ધન કરવાનો છે, એ ચારેય વચ્ચે સુમેળ સાધવાનો છે અને એમ કરીને જીવનને પૂર્ણ બનાવવાનો છે. પહેલા ત્રણ પુરુષાર્થો મૂલ્યનિષ્ઠ જીવન (ધર્મ) દ્વારા એ પૂર્ણ તરફ ગતિ કરે છે. અને પ્રકૃતિ, પૂર્વજો, સમાજ વગેરે પ્રત્યે પોતાનું ઋણ ચૂકવતાં ચૂકવતાં આગળ વધ્યે જાય છે. પ્રવૃત્તિપરાયણ ‘પ્રેયસ્‌’ના પ્રેમી લોકો ભોગ અને અભ્યુદય સાધે છે અને નિવૃત્તિપરાયણ શ્રેયોમાર્ગી લોકો અધ્યાત્મવિકાસ કરી મોક્ષ પામે છે. વેદોમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બંને માર્ગો સ્વીકારાયા છે. પછી સાહિત્યમાં સારી રીતે ખેડાયા છે અને લોકો દ્વારા અનુસરાયા છે. વેદોમાંયે એ ખેડાણ ઓછું નથી. પુરુષાર્થોના ક્રમમાં પહેલાં ‘ધર્મ’ (જીવનનાં મૂલ્યો)ને સૂત્ર રૂપે મૂકીને પછી એમાં ‘અર્થ’ અને ‘કામ’ને પરોવીને અને મોક્ષને – પરમને – આંબવાની પ્રક્રિયા, પુરુષાર્થોના વિશિષ્ટ ક્રમ આપીને કરવામાં આવી છે. આ આદર્શ ભારત માટે જ નહિ, વિશ્વ માટે અપનાવવા યોગ્ય છે.

ઉપનિષદોનો કર્મનો સિદ્ધાંત મનુષ્યને કર્મસ્વાતંત્ર્ય આપીને એને પોતાને જ પોતાના ભાગ્યનો ઘડવૈયો બનાવે છે. અને એ રીતે એને સત્કર્મો તરફ પ્રેરે છે. વેદરાશિના આવા પાયાના ઉપદેશો, પછીનાં મહાકાવ્યો, પુરાણો અને પ્રશિષ્ટ સાહિત્યમાં પણ ચાલુ જ રહ્યા છે. પ્રશિષ્ટ સાહિત્યમાં મહાકાવ્યો, પુરાણો, વેદરાશિ વગેરેમાંથી બહુધા વિષયવસ્તુ લેવામાં આવ્યું છે. આ વિશાળ સાહિત્ય જીવનાભિમુખી રહ્યું છે. કાલિદાસની પ્રૌઢ રચના ‘શાકુંતલ’ના અંતિમ શ્લોકમાં રાજા પ્રજાકલ્યાણ કરે, અધ્યયનનો મહિમા વધે અને કવિ જન્મમરણથી મુક્ત થાય એવું ઇચ્છ્યું છે. એમાં ‘પ્રેયસ્‌’ અને ‘શ્રેયસ્‌’નો સુંદર સંવાદ અને પરમલક્ષ્યનો મહિમા શોભે છે.

વેદો અને ઉપનિષદોના પાયાના ઉપદેશોએ જ તો ભારતીય સંસ્કૃતિનું ઘડતર કર્યું છે. સમયનાં બદલાતાં વહેણોમાં પણ આ પાયાના આદર્શો ટકી રહ્યાં છે. એટલે અનેક પરિવર્તનો વચ્ચે પણ વિચાર સાતત્ય ચાલુ રહ્યું છે. જેમ કે, જગતના અસ્તિત્વની પેલી પારનું દિવ્ય અસ્તિત્વ, આત્માની અજરામરતા, કર્મફળની અવશ્યંભાવિતા, કર્માનુસાર પુનર્જન્મ, સ્વર્ગીય દેવો સાથે વૈચારિક અને અન્ય આદાનપ્રદાન, દેવોનું અસ્તિત્વ, સ્વર્ગમાં નિવાસની સંભાવના, દેખાતી વિવિધતા પાછળ રહેલી એકતા, જીવ-બ્રહ્મની એકતા રૂપ મોક્ષની પ્રાપ્તિ અને જીવન્મુક્તિ રૂપ જીવનનું પરમ લક્ષ્ય – વગેરે વેદો અને વેદોત્તર સાહિત્યમાં વારંવાર વાગોળાયેલા આ વિચારો ભારતીય જનજીવનમાં જીવતા જ છે.

ચાલો એ આદર્શોને આપણે સંજીવની આપતા રહીએ, આપણી જીવનરીતિમાં એનો પ્રભાવ ઝીલતા રહીએ, ભલે આજે આપણી પ્રાર્થનાની પદ્ધતિ બદલી ગઈ હોય, ભલે ભારતમાં અનેક સંતો, અનેક સંપ્રદાયો અને અનેક માર્ગો પ્રવર્તતા હોય, ભલે મુક્તિના ઘણા માર્ગો વિદ્યમાન હોય, પણ વેદોનાં પ્રામાણિત, સનાતન સત્યો તો શાશ્વત અને સર્વમાન્ય જ રહ્યાં છે. એ સત્યોએ સમગ્ર ભારતીય સમાજને એકસૂત્રે બાંધી રાખ્યો છે. પેલાં પરિવર્તનો તો સમયની માગને જ આભારી છે. એની પાછળનું મૂળ સત્ય તો અકબંધ જ રહ્યું છે. વિશ્લેષણ તો ઘણાં થયાં, હવે સંશ્લેષણનો સમય પાકી ગયો છે. આ સંશ્લેષણની – સંવાદિતાની-શરૂઆત શ્રીરામકૃષ્ણદેવે કરી દીધી છે. હવે એમના વિચારોને આગળ વધારવાનું આપણું સૌનું પરમ કર્તવ્ય છે.

Total Views: 83

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.