(ગતાંકથી આગળ)

અમેરિકા જવાનો સંકલ્પ
ત્રિવેન્દ્રમ્‌ થી મદ્રાસ તરફ

એ વખતે અમેરિકાના શિકાગો શહેરમાં એક સુખ્યાત વિશ્વમેળો ચાલતો હતો. એના એક અંગ રૂપે વિશ્વધર્મપરિષદ યોજાવાની હતી. ભારતમાં અનેક સ્થળે એને માટે આમંત્રણ પત્ર મોકલવામાં આવ્યા હતા. તત્કાલીન હિંદુ સમાજમાં સમુદ્ર પાર કરીને જવું એ અક્ષમ્ય અપરાધ ગણાતો. એટલે કોઈ પણ પ્રભાવક હિંદુધર્માચાર્ય આટલી લાંબી સમુદ્રયાત્રા કરીને એ વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા જવા તૈયાર ન હતા. મદ્રાસના કેટલાક યુવકો આ વિશે ઘણી ગંભીરતાથી વિચાર કરી રહ્યા હતા અને એને માટે કોઈ સુયોગ્ય વિદ્વાનની શોધમાં હતા. મદ્રાસના પ્રોફેસર રંગાચાર્ય પણ એ યુવકોમાંના એક હતા. તેઓ એ દિવસોમાં ત્રિવેન્દ્રમ્‌ના મહારાજાની કોલેજમાં રસાયણ શાસ્ત્રના પ્રાધ્યાપક રૂપે કાર્ય કરતા હતા. ડિસેમ્બર ૧૮૯૨ના ઉત્તરાર્ધમાં જ્યારે સ્વામીજી ત્રિવેન્દ્રમ્‌ પહોંચ્યા ત્યારે એમને જોતાં જ પ્રોફેસર રંગાચાર્ય સમજી ગયા કે શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં પ્રતિનિધિ રૂપે મોકલવા માટે આમનાથી વધારે યોગ્ય બીજો પાત્ર જ નથી. અને ત્યાં મદ્રાસના ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ મન્મથનાથ ભટ્ટાચાર્ય પણ આવી પહોંચ્યા. સંભવત: બંનેના અનુરોધને લીધે સ્વામીજી મદ્રાસ જવા રાજી થયા. પરંતુ એના પહેલાં તેઓ કન્યાકુમારીમાં માતા ભગવતીનાં અને રામેશ્વરમાં ભગવાન આશુતોષ શિવનાં દર્શન કરી લેવા ઇચ્છતા હતા.

કન્યાકુમારીમાં ધ્યાન

ત્રિવેન્દ્રમથી ચાલીને સ્વામીજી કન્યાકુમારી પહોંચ્યા. દરિયાકિનારે આવેલ મંદિરમાં દેવીની પૂજા કરીને તેઓ સમુદ્રમાં તરીને એક શિલા પર પહોંચ્યા. એ શિલા પર બેસીને તેઓ ઊંડા ધ્યાનમાં લીન થઈ ગયા. એમના ધ્યાનનો વિષય કોઈ દેવીદેવતા ન હતાં પરંતુ પોતાના પ્રાણથીયે પ્રિય એવી ભારતમાતા હતાં. આ ધ્યાન દરમિયાન દેશનું સમગ્ર ચિત્ર, તેનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એમનાં મન:ચક્ષુ સમક્ષ એક ચલચિત્રની જેમ પસાર થયાં. એક ઋષિ જેવી અંતરદૃષ્ટિથી તેઓ સમજી ગયા કે ભૂતકાળમાં કોઈ એક સમયે ગૌરવના શિખર પર વિરાજેલો આ દેશ આજે પતનની ઊંડી ખીણમાં શા માટે અને કેવી રીતે ગબડી પડ્યો છે! એમણે ભારતીય સંસ્કૃતિનાં મૂળ તત્ત્વો તેમજ એની સંભાવનાઓ પર વિચાર કર્યો. તેમને એ સ્પષ્ટ ખ્યાલ આવી ગયો કે વીતી ગયેલાં હજારો વર્ષથી ધર્મ જ કરોડો ભારતવાસીઓનો પ્રાણ કે આત્મા રહેલો છે અને ભવિષ્યમાં પણ એ જ રહેશે. આ ક્ષેત્રમાં ભારત ઘણા સુદીર્ઘકાળથી સમગ્ર વિશ્વનું શિક્ષણકેન્દ્ર રહ્યું છે. સાથે ને સાથે ધર્મના ઉદ્ધારથી ભારતનું પુનરુત્થાન થશે. એક રાષ્ટ્રના રૂપે આપણે આપણું આગવું વ્યક્તિત્વ ગુમાવી બેઠા છીએ, આ વ્યક્તિત્વને પાછું મેળવવું જ રહ્યું; ઋષિઓની સંસ્કૃતિ અને પરંપરાને પુન:સ્થાપિત કરવી પડશે; ભારતના અધ:પતનનું કારણ ધર્મ નથી પણ તેનું સમુચિત રૂપે પાલન કે આચરણ ન કરવામાં રહ્યું છે; આ બધું તેમણે જોયું જાણ્યું હતું.

ભારતની નિર્ધનતાનો વિચાર આવતાં જ એમનું કોમળ હૃદય રડી ઊઠતું. એમણે વિચાર્યું કે જેમાં સામાન્ય જનસમુદાય માટે કોઈ સ્થાન ન હોય એવા ધર્મની શી જરૂર છે? એમણે એ પણ વિચારી જોયું હતું કે ભારતમાં શાસક ભલે ગમે તે રહ્યા હોય પણ સર્વદા અને સર્વત્ર નિર્ધનોને જ સતાવવામાં આવ્યા છે. પુરોહિત પ્રથાનું પ્રબળ વર્ચસ્વ, જાતિવાદના અત્યાચાર તેમજ સમાજના નિષ્ઠુર શ્રેણી-વર્ગવિભાજને મોટા ભાગના લોકોને ધર્મથી વંચિત કરી દીધા હતા. સાથે ને સાથે ભારતીય રાષ્ટ્રના વિકાસ માટે એમને આ બધું અનુલંઘનીય આડખીલીઓ રૂપ જણાયું હતું.

એમનું હૃદય ભારતના કરોડો દીનદુ:ખીઓ માટે સ્પંદિત થઈ રહ્યું હતું. જાણે કે તેઓ પોતે સહાનુભૂતિના કોઈ એવા ઉચ્ચસ્તરે ઉન્નત થયા હતા કે જ્યાં એ બધા લોકોની પીડામાં તેઓ પણ ભાગીદાર બની જતા અને એમના અધ:પતનમાં પોતાની જાતને અપમાનિત થયાનો ભાવ અનુભવતા હતા. તેઓ પોતે પોતાને એ બધા અસહાય લોકોની સાથે જોડી દેવા ઇચ્છતા હતા. ધર્મના રક્ષકના રૂપે ગર્વ કરનારા લોકો કેવી રીતે યુગો યુગોથી સામાન્ય જનસમુહને ધર્મથી વંચિત કરતા રહ્યા હતા, એ વિચારતાં જ એમના હૃદયમાં ચિત્કાર ઊઠતો. 

પછીથી ૧૯ માર્ચ, ૧૮૯૪ના રોજ શિકાગોથી પોતાના એક ગુરુભાઈ સ્વામી રામકૃષ્ણાનંદજીના નામે લખેલ સ્વામીજીના એક પત્રમાંથી એમને કન્યાકુમારીની શિલા પર થયેલા જ્ઞાનબોધની થોડીઘણી ઝલક મળે છે. એમણે એ પત્રમાં લખ્યું છે : 

‘‘જે ધર્મ ગરીબોનાં દુ:ખ દૂર ન કરે અને માનવને દેવ ન બનાવે તે શું ધર્મ કહેવાય? તમે માનો છો કે આપણો ધર્મ ‘ધર્મ’ના નામને લાયક છે? આપણો ધર્મ એટલે કેવળ ‘અડશો નહિ,’ ‘અડશો નહિ’ છે. અરે ભગવાન! જે દેશના નેતાઓ છેલ્લાં બે હજાર વર્ષથી ‘જમણા હાથે જમવું કે ડાબા હાથે,’ ‘જમણી બાજુથી પાણી લેવું કે ડાબી બાજુથી,’ એવી બાબતોની ચર્ચા કરતા આવ્યા છે તે દેશનો વિનાશ ન થાય તો કોનો થાય? कालः सुप्तेषु जागर्ति कालो ही दुरतित्रमः। ‘બધા સૂતા હોય ત્યારે પણ કાળ જાગતો હોય છે; ખરેખર કાળ અજેય છે!’ ઈશ્વર બધું જાણે છે. 

મિત્ર! તેની આંખમાં ધૂળ કોણ નાખી શકશે?

જે દેશમાં લાખો લોકો મહુડાનાં ફૂલ ખાઈને જીવે છે અને દશ-વીસ લાખ સાધુઓ અને એકાદ કરોડ બ્રાહ્મણો આ ગરીબ લોકોનું લોહી ચૂસે છે અને તેમની ઉન્નતિનો લેશ પણ પ્રયત્ન કરતા નથી, તેને દેશ કહેવો કે નરક? આ તે ધર્મ કહેવાય કે પિશાચનું તાંડવ! ભાઈ, અહીં એક વાત પૂરી સમજી લેશો. મેં આખા હિંદની મુસાફરી કરી છે, અને અમેરિકા પણ જોયો છે. કારણ વિના શું કાર્ય સંભવે ખરું? શું પાપ વિના શિક્ષા થઈ શકે ખરી?

सर्व शास्त्रपुराणेषु व्यासस्य वचनद्वयम्।
परोपकारः पुण्याय पापाय परपीडनम्॥

‘બધાં શાસ્ત્રો અને પુરાણોમાં વ્યાસનાં આ બે વચનો છે – બીજાનું ભલું કરવું તે પુણ્ય છે, બીજાને સંતાપવા તે પાપ છે.’ 

આ બધાનો તેમજ ગરીબાઈનો અને અજ્ઞાનનો વિચાર કરતાં હું ઊંઘી શકતો નહિ. કેપકેમોરીનમાં ભારતના છેલ્લા ભૂમિપ્રદેશ પર મા-કન્યાકુમારીના મંદિરમાં બેસીને મેં એક યોજના વિચારી. આપણે કેટલાય સંન્યાસીઓ ભટકીએ છીએ અને લોકોને અધ્યાત્મવિદ્યા શીખવીએ છીએ – પણ આ બધું ગાંડપણ છે. આપણા ગુરુદેવ કહેતા કે, ‘ભૂખ્યે પેટે ધર્મ ન થાય!’ આ ગરીબ માણસો પશુ જેવું જીવન ગાળે છે તે કેવળ અજ્ઞાનને લીધે જ. દરેક યુગમાં આપણે તેમનું લોહી ચૂસ્યું છે અને તેમને પગ તળે છૂંદ્યા છે.

… કેટલાક પરહિતકારી નિ:સ્વાર્થી સંન્યાસીઓ ગામડે ગામડે જાય અને કેળવણી ફેલાવે, ચાંડાલ સુધીના તમામ વર્ગોની સ્થિતિ સુધારવા મૌખિક શિક્ષણ, નક્શા, ચિત્રો આદિ સાધનો વડે શિક્ષણ ફેલાવવા પ્રયાસ કરે, તો શું સમય જતાં કંઈ સારું પરિણામ ન આવે? યોજનાની વિગતો આ નાના પત્રોમાં ન લખી શકાય, ટૂંકમાં અર્થ એ છે કે ‘પર્વત મહંમદ પાસે ન જાય, તો મહંમદે પર્વત પાસે જવું.’ લોકો એટલા બધા ગરીબ છે કે શાળા-પાઠશાળાઓમાં જઈ ન શકે. વળી ફક્ત કાવ્યો વગેરે વંચાવવાથી તેમને કંઈ ફાયદો થશે નહિ. રાષ્ટ્ર તરીકે આપણે આપણું વ્યક્તિત્વ ગુમાવ્યું છે, અને ભારતનાં બધાં દુ:ખોનું એ જ કારણ છે. દેશની અદૃશ્ય થઈ ગયેલી વિશિષ્ટતા આપણે દેશને પાછી મેળવી આપવાની છે અને પ્રજાને ઊંચે લાવવાની છે. હિંદુઓ, મુસલમાનો અને ખ્ર્રિસ્તીઓએ શૂદ્રોને પગ તળે કચડ્યા છે. તેમને ઊંચા લાવવાનું બળ દેશમાંથી એટલે રૂઢિચુસ્ત હિંદુઓમાંથી આવવું જોઈએ. દરેક દેશોમાં અનિષ્ટો તો હોય છે પણ તે ધર્મને લીધે નહિ, પરંતુ ધર્મ ન હોવાને લીધે. તેથી દોષ ધર્મનો નહિ પણ લોકોનો છે.

આ વસ્તુને અમલમાં મૂકવા પ્રથમ માણસોની જરૂર છે, અને પછી દ્રવ્યની. ગુરુદેવની કૃપાથી દરેક શહેરમાંથી દસથી પંદર માણસો જરૂર મળશે. ફંડ મેળવવા મેં આપણા આખા દેશમાં મુસાફરી કરી, પરંતુ તમે માનો છો કે ભારતના લોકો પૈસો આપે?’’

ભારે હૃદય સાથે તેમણે સમુદ્ર તરફ જોયું અને એમનાં નેત્રોમાં આશા-પ્રકાશનું એક કિરણ ચમકી ઊઠ્યું. એમણે વિચાર્યું કે ભારતના કરોડ લોકોને નામે તેઓ અમેરિકા જશે અને ત્યાં પોતાના પરિશ્રમથી ધન કમાશે. ત્યાર પછી તેઓ દેશમાં પાછા ફરીને પોતાનું જીવન ભારતના ઉદ્ધાર માટે અર્પણ કરી દેશે. બીજું કંઈ ન થઈ શકે તો પણ એ પ્રયાસમાં તેઓ પોતાના પ્રાણ અર્પી દેશે. વસ્તુત: કન્યાકુમારીમાં સ્વામીજી એકસાથે જ એક ઋષિ અને દેશભક્ત બંને બની ગયા હતા. ત્યાર પછી એમણે પોતાના એક પાશ્ચાત્ય શિષ્યને જણાવ્યું હતું કે ત્યાં તેઓ ઘનીભૂત ભારત બની ગયા હતા. આ શિલા પર ધ્યાન કરતી વખતે એમને ભારતના ઉદ્ધારનો પથ મળ્યો અને એ જ શિલા પર એક સંન્યાસીનું રાષ્ટ્રનિર્માણકાર અને વિશ્વનિર્માતામાં રૂપાંતરણ થયું. 

અનુમાનત: ૨૪ થી ૨૬ ડિસેમ્બર, ૧૮૯૨ આ ત્રણ દિવસ કન્યાકુમારીની એ શિલા પર વિતાવ્યા પછી સ્વામીજી સાગરમાં તરીને મુખ્યભૂમિ પર પાછા ફર્યા. ત્યાર પછી તેઓ પોતાના મૂળ ગંતવ્ય સ્થાન રામેશ્વર તરફ આગળ વધ્યા.

રામનદમાં રાજા સેતુપતિ સાથે મુલાકાત

કન્યાકુમારીમાં સ્વામીજી ધ્યાનમાંથી બહાર આવ્યા પછી હાથમાં દંડ-કમંડલ લઈને પગે ચાલીને જ રામનદ તરફ ઉપડ્યા. ત્યાં એમની મુલાકાત રામનદ (રામનાથપુરમ્‌)ના રાજા ભાસ્કર સેતુપતિ સાથે થઈ. (એક બીજો મત છે કે આ રાજા સાથે એમની મુલાકાત મદુરામાં થઈ હતી.) સ્વામીજી એમને નામે એક પરિચય પત્ર પણ લાવ્યા હતા. ભારતીય રાજાઓમાં તેઓ ખૂબ વિદ્વાન, બુદ્ધિમાન તેમજ ધર્મવૃત્તિવાળા હતા. સ્વામીજીના ગુણોથી મુગ્ધ બનીને એમણે તેમનું શિષ્યત્વ ગ્રહણ કર્યું. સ્વામીજીએ અત્યાર સુધી અનેક રાજા-મહારાજાઓ સાથે સામાન્ય જનસમુદાયનાં શિક્ષણ, ખેતીની ઉન્નતિ, ભારતીય જીવનની તત્કાલીન સમસ્યાઓ અને તેના ઉકેલ જેવા વિષયો પર ચર્ચા કરી હતી. એ ઉપરાંત ભારતીય ધર્મજીવન, ભારતીય જીવનનો મહિમા તથા પાશ્ચાત્ય દેશોમાં એના પ્રચાર-પ્રસારની સંભાવના જેવા વિષયો વિશે વાતો પણ થઈ હતી.

‘આ બધું સાંભળીને સેતુપતિએ એમને શિકાગો ધર્મસભામાં સામેલ થવા માટે વારંવાર અનુરોધ કર્યો. સાથે ને સાથે તેઓ યથાશક્ય આર્થિક સહાય પણ કરવા તૈયાર હતા એ પણ બતાવ્યું. એમણે સ્વામીજીને એકવાર સમજાવવાનું ઇચ્છ્યું કે શિકાગો ધર્મસભામાં એમની ઉપસ્થિતિના પરિણામે સંપૂર્ણ વિશ્વની દૃષ્ટિ ભારતીય આધ્યાત્મિકતા તરફ સહજ રીતે આકર્ષાશે અને અને પરિણામે એમના ભારત-કલ્યાણનાં કાર્યોનો માર્ગ પણ સુગમ બની જશે. આવો સુયોગ સહજ રીતે સાંપડતો નથી અને એને સ્વીકારવો એ સાર્વત્રિક રીતે અત્યંત જરૂરી છે. પરંતુ સ્વામીજી એ સમયે રામેશ્વરનાં દર્શન માટે આતુર હતા એટલે રાજા પાસેથી વિદાય લઈને તેઓ રામેશ્વર તરફ ચાલી નીકળ્યા.(યુગનાયક વિવેકાનંદ, ખંડ-૧, પૃ.૩૩૪)

સ્વામી શિવાનંદજીના એક વાર્તાલાપમાં પણ આ પ્રસંગ જોવા મળે છે. એમણે દર્શાવ્યું છે : ‘ગોવા વગેરે સ્થળે પરિભ્રમણ કરતાં કરતાં સ્વામીજી રામનદ પહોંચ્યા. રામનદના રાજા એક સારા વિદ્વાન અને મદ્રાસ વિશ્વવિદ્યાલયના ગ્રેજ્યુએટ હતા. તેઓ ઘણાં પત્રપત્રિકાઓ વાંચતા રહેતા. એમણે જ સમાચાર પત્રમાં જોઈને કહ્યું: ‘સ્વામીજી, અમેરિકામાં એક ઘણું મોટું કામ થઈ રહ્યું છે. ભિન્ન ભિન્ન દેશોના વિદ્વાન અને ધર્માચાર્ય વિભિન્ન સંપ્રદાયોના પ્રતિનિધિ રૂપે ધર્મસભામાં ભાગ લેવા શિકાગો જઈ રહ્યા છે. જો હિંદુધર્મના પ્રતિનિધિ રૂપે આપના જેવી વિદ્વાન વ્યક્તિ ત્યાં જાય તો ઘણું સારું થશે.’ સ્વામીજીએ કહ્યું: ‘વાત તો સારી છે, પણ હું તો રહ્યો સંન્યાસી. મારા માટે આ દેશ શું અને પેલો દેશ શું! પૈસા મળશે તો ચાલ્યો જઈશ.’ આ સાંભળીને રાજા એમને દસ હજાર રૂપિયા દેવા માટે રાજી થયા.’ (સ્વામી શિવાનંદ સે વાર્તાલાપ, વિવેકજ્યોતિ, જાન્યુઆરી, ૧૯૯૪, પૃ.૧૧૫-૧૭)

રામેશ્વરમાં શિવદર્શન

સ્વામીજી દિલ્હીથી એકલા જે યાત્રાએ નીકળ્યા હતા તે યાત્રાનું પ્રથમ લક્ષ્ય હતું રામેશ્વર. ૧૮૯૨ના જૂન તથા ઓગસ્ટમાં પુના અને મુંબઈથી જૂનાગઢના દિવાનને લખેલા પત્રોમાં તેઓ રામેશ્વર જવાનો સંકલ્પ જ વ્યક્ત કરે છે. સાથે ને સાથે ખંડવાના હરિદાસ ચેટર્જી, મુંબઈના બેરિસ્ટર રામદાસ છબિલદાસ, બેલગામના હરિપદ મિત્ર, મૈસૂરમાં ત્યાંના મહારાજા વગેરે અનેક લોકો પાસેથી તેઓ ‘મારે જેટલું બને તેટલું જલદી રામેશ્વર પહોંચવાનું છે’ આટલું જ કહીને વિદાય લેતા. જેમ ભગવાન રામે સમુદ્ર પાર કરતાં પહેલાં ત્યાં મહાદેવ શિવની પૂજા કરી હતી એવી જ રીતે વિશ્વવિજય માટે નીકળતા પહેલાં સ્વામીજી પણ સર્વપ્રથમ રામેશ્વર શિવનાં દર્શન કરવા ઇચ્છતા હતા.

રામેશ્વર ભારતનું એક મુખ્ય તીર્થક્ષેત્ર છે. ૧૨ જ્યોતિર્લિંગમાંનું એક અને ચાર ધામોમાંનું એક ધામ ગણાય છે. તેનું માહાત્મ્ય કાશી જેટલું જ છે. રામેશ્વર તામીલનાડુના રામનદ કે રામનાથપુરમ્‌ જિલ્લામાં આવેલ પંબન નામના એક દ્વીપ પર આવેલું છે. આ દ્વીપ ૧૬ માઈલ લાંબો અને ૧ થી ૯ માઈલ પહોળો છે. એક સાંકડા પુલ દ્વારા એ મુખ્યભૂમિ સાથે જોડાયેલ છે. એના એક છેડે પંબન અને ધનુષ્કોટિ છે. રામેશ્વરનું આ મંદિર કેટલીયે મહત્ત્વપૂર્ણ વિશેષતાઓ ધરાવે છે. એ ૧૦૦૦ ફૂટ લાંબુ અને ૬૫૦ ફૂટ પહોળું છે. એનું મુખ્યદ્વાર ૧૦૦ ફૂટ ઊંચું છે. મંદિરની ગલીઓ અત્યંત ભવ્ય છે, એ એટલી પહોળી અને વિશાળ છે કે હાથી પણ એમાં પ્રવેશી શકે છે.

પ્રચલિત ધારણા પ્રમાણે ભગવાન શ્રીરામે લંકા પર આક્રમણ કરવાના હેતુ સાથે સમુદ્ર પર સેતુ બનાવતાં પહેલાં આ સ્થળે ભગવાન શિવના પ્રતીકની સ્થાપના કરીને શિવની પૂજા અર્ચના કરી હતી. એક બીજો મત પણ પ્રચલિત છે કે ભગવાને લંકામાંથી પાછા ફર્યા પછી આ દેવસ્થાનની સ્થાપના કરી હતી. એ વિશેની કથા આવી છે :

પ્રાચીન કાળમાં આ ક્ષેત્ર ગંધમાદનના નામે જાણીતું હતું. શ્રીરામચંદ્રજીએ લંકા પર આક્રમણ કરીને રાવણનો વધ કર્યો. ત્યાર પછી થોડો સમય વિશ્રામ લેવાની ઇચ્છાથી તેઓ આ ગંધમાદન પર્વત પર આવ્યા. અહીં અગત્સ્ય જેવા ઋષિઓએ એમનું આનંદપૂર્વક સ્વાગત કર્યું. એ લોકોને ભગવાનના મુખ પર રહેલી ખિન્નતા જોવા મળી. એમણે એનું કારણ પૂછ્યું એટલે શ્રીરામે કહ્યું કે લંકા પર વિજય તો મળી ગયો પણ રાવણ એક બ્રાહ્મણ હતો અને એને મારવાથી મારાથી એક બ્રહ્મહત્યાનું પાપ થઈ ગયું છે, એવું મને લાગે છે. આ એમના ખેદનું કારણ હતું. આ રીતે એ પાપના પ્રતિકાર માટે ઋષિ અગત્સ્યે શ્રીરામને સાગરતટ પર શિવલિંગની સ્થાપના કરવાની સલાહ આપી. એમણે એ માટે મુહૂર્ત પણ કાઢી આપ્યું. શિવનું દિવ્યલિંગ લાવવા માટે શ્રીરામે હનુમાનજીને કૈલાસ પર્વત પર મોકલ્યા. તેઓ કૈલાસ પહોંચ્યા પરંતુ એમને શિવજીનાં દર્શન ન થયાં. તેઓ તો એ દર્શન માટે તપસ્યા કરવા લાગ્યા. આખરે મહાદેવ પ્રસન્ન થયા અને પ્રકટ થઈને હનુમાનજીને દિવ્યલિંગ આપ્યું. આ સમય સુધીમાં અગત્સ્યે આપેલું મુહૂર્ત તો વીતી જતું હતું એટલે સીતાજીએ રેતીથી એક શિવલિંગ બનાવ્યું. ઋષિના નિર્દેશ પ્રમાણે શ્રીરામે એની સ્થાપના કરી. આ લિંગને રામેશ્વર કે રામનાથ કહે છે. હનુમાનજી જ્યારે કૈલાસથી પાછા ફર્યા અને શિવજીની સ્થાપના તો થઈ ચૂકી છે એ જોતાં એમને ઘણું દુ:ખ થયું. શ્રીરામે હનુમાનજીને સાંત્વના આપતાં એની નજીકમાં જ એ દિવ્યલિંગની સ્થાપના કરવા કહ્યું. એમના દ્વારા સ્થાપિત આ લિંગનાં દર્શન કર્યા વિના યાત્રીઓને રામેશ્વર દર્શનનું ફળ મળતું નથી.

ધનુષ્કોટિ સાથે સંબંધિત એક ઘણી રોચક કથા પણ છે, રાવણના વધ પછી ભગવાને વિભીષણને લંકાની ગાદી પર બેસાડ્યા. વિભીષણે કહ્યું: ‘આપે સમુદ્ર પર જે સેતુ બનાવ્યો છે, એનાથી લંકાની સુરક્ષાને ભય રહે છે. એટલે ભારતના રાજાઓ અહીં વારંવાર આક્રમણ કરતા રહેશે. ભગવાને પોતાના ધનુષ્યની કોટિથી સેતુનો એક કિનારો તોડી નાખ્યો અને સમુદ્રમાં ડૂબાડી દીધો એટલે એને ધનુષ્કોટિ કહે છે. (કલ્યાણ તીર્થાંક, પૃ.૩૭૪-૮૦)

રામેશ્વરદર્શનની ઇચ્છા સાથે સ્વામીજી ઘણી લાંબી યાત્રા કરી રહ્યા હતા. એટલે સ્વાભાવિક છે કે મહાદેવજીના આ વિશાળ મંદિરનાં દર્શન કરીને સ્વામીજી ભાવવિભોર બની ગયા. અહીં દેવદર્શન અને પૂજાધ્યાન વગેરે કર્યાં પછી એમણે પોંડિચેરીના માર્ગથી મદ્રાસ તરફ પ્રસ્થાન કર્યું. 

મદ્રાસનો સુદીર્ઘ પ્રવાસ

સંભવત: ૧૮૯૩ની ૧ જાન્યુઆરીએ તેના બે-એક દિવસ પહેલાં કે પછી સ્વામીજી મદ્રાસ પહોંચ્યા. એમના આગમનની સૂચના સાંભળીને મદ્રાસના નવયુવકોનું એક વૃંદ પહેલેથી જ એમનું સ્વાગત કરવા તૈયાર હતું. સંભવત: ત્રિવેન્દ્રમ્‌માં જ પ્રોફેસર રંગાચાર્યે અમેરિકામાં હિંદુધર્મના પ્રતિનિધિ રૂપે મોકલવા માટે સ્વામીજી પર પસંદગી ઉતારી હતી. ત્યાંથી મદ્રાસ તરફ આવતી વખતે રસ્તામાં રામનદ કે રામેશ્વરના રાજા ભાસ્કર સેતુપતિએ પોતાના ખર્ચે સ્વામીજી સમક્ષ અમેરિકા જવાનો પ્રસ્તાવ મૂક્યો. સ્વામીજીએ એનો સ્વીકાર પણ કરી લીધો હતો. સ્વામીજી પોંડિચેરીથી મન્મથનાથ ભટ્ટાચાર્યના અતિથિ રૂપે એમની સાથે મદ્રાસમાં પહોંચ્યા. એમના બંગલા પર જ એમણે જાણે કે કાયમી પડાવ નાખ્યો. થોડા જ સમયમાં એમની ખ્યાતિ ત્યાંના બુદ્ધિજીવીઓમાં ફેલાઈ અને દરરોજ સંધ્યા સમયે નગરના ખૂણે ખૂણેથી અસંખ્ય લોકો એમને મળવા તથા એમની સાથે પરિચર્ચા કરવા આવવા લાગ્યા. સ્વામીજીની શક્તિ, એમની પવિત્રતા અને એમનું તેજ ક્રમશ: વધુ ને વધુ પ્રમાણમાં અભિવ્યક્ત થવા લાગ્યાં. એમનાં વ્યક્તિત્વ તથા બુદ્ધિપ્રતિભાથી લોકો મંત્રમુગ્ધ બની જતા. એ દિવસોમાં સ્વામીજીએ મદ્રાસના નવયુવકોમાં જે પ્રભાવ વિસ્તાર કર્યો એનું સ્મરણ કરતાં શ્રી કે. વ્યાસરાવે આમ લખ્યું છે: ‘આ સંન્યાસી કોલકાતા વિશ્વવિદ્યાલયના ગ્રેજ્યુએટ હતા. તેમણે માથે મુંડન કર્યું હતું, તેઓ સુંદર અને રૂપાળા હતા, એમનો પોષાક ત્યાગના પ્રતીક સમું ભગવું વસ્ત્ર હતું, તેઓ અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં અસ્ખલિત બોલી શકતા હતા, એમની હાજર-જવાબીની ક્ષમતા અજબની હતી. જ્યારે તેઓ મુક્ત કંઠે કોઈ ભજનગીત ગાતા ત્યારે જાણે કે તેઓ વિશ્વાત્મા સાથે સૂર મિલાવી રહ્યા હોય એવું લાગતું હતું. સાથે ને સાથે તેઓ એક વિશ્વ ભ્રમણકારી પર્યટક પણ હતા. એમનું શરીર સ્વસ્થ અને સુગઠિત હતું. તેઓ સજીવ વ્યંગવિનોદથી પરિપૂર્ણ હતા અને ચમત્કારની શોધમાં રહેતી સંસ્થાઓ પ્રત્યે તેઓ અત્યંત તુચ્છતાનો ભાવ રાખતા હતા, તેઓ સારાભોજનના પ્રેમી હતા; હુક્કા અને તમાકુનું રસાસ્વાદન પણ કરતા. એમ છતાં પણ એમની કુશળતા અને સરળતાની સાથે ત્યાગ વૈરાગ્યની વાતો એવી રીતે કરતા કે કોઈ પણ વ્યક્તિ પ્રશંસા અને શ્રદ્ધાથી અવનત થયા વિના રહી ન શકે. આવા અદ્‌ભુત વ્યક્તિને જોઈને બી.એ. અને એમ.એ. પાસ થયેલા લોકો કિંકર્તવ્યવિમૂઢ બની જતા. ત્યાં તેઓએ એક એવી વ્યક્તિને જોઈ કે જે આત્માના ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિનો સામનો કરવા સમર્થ હોય. ગહનગંભીર ચર્ચા પછી જ્યારે હળવી ક્ષણો આવતી ત્યારે લોકો એ પણ જોઈ શકતા કે તેઓ હાસ્યવિનોદમાં પણ ડૂબકી મારી શકતા. કોઈ પણ જાતના સમાધાન વિના તેઓ ભર્ત્સના કરી શકતા અને પોતાની ઉક્તિઓથી સમગ્ર વાતાવરણને સજીવ બનાવી શકતા. 

પરંતુ આ બધા ઉપરાંત એમની સ્વાભાવિક દેશભક્તિના ભાવે એમને બધાના પ્રિય માનવ બનાવી દીધા. જે યુવકોએ સાંસારિક સંબંધોને ત્યજીને પોતાની જાતને બંધનોથી મુક્ત કરી દીધી હતી, છતાં એમના પ્રેમનું કેવળ એક જ પાત્ર હતું – પોતાનો દેશ. અને એમને એક જ વાતનું દુ:ખ હતું, પોતાના દેશનું પતન. આ વાતો પર ચર્ચા કરતા તેઓ તન્મય બની જતા અને શ્રોતાસમૂહ મંત્રમુગ્ધ બનીને સાંભળતો રહેતો. તેઓ એક એવી વ્યક્તિ હતી કે જેમણે હુગલીથી તામ્રપર્ણી નદી સુધીની યાત્રા કરી હતી. તેઓ આપણા નવયુવકોની દુર્બળતા પર અજસ્ર ખેદ અને તિરસ્કારની વૃષ્ટિ કરતા રહેતા. એમના શબ્દો વીજળીની જેમ ચમકતા અને લોખંડની જેમ કાપી પણ નાખતા. કેટલાકમાં પોતાના ઉત્સાહનો સંચાર કરી દેતા અને ગણ્યાગાંઠ્યા લોકોમાં પોતાની અટલશ્રદ્ધાની ચિનગારી પણ પ્રગટાવી દેતા.’

પશ્ચિમના દેશોમાં જવાની તૈયારી

શ્રીરામકૃષ્ણે પોતાના દેહત્યાગના થોડા સમય પૂર્વે એક કાગળ પર ‘નરેન શિક્ષા આપશે, જ્યારે તે દેશવિદેશમાં પોતાનો અવાજ સંભળાવશે’ લખ્યું. આ વાંચીને નરેન્દ્રે કહ્યું: ‘આ બધું મારાથી નહિ થાય.’ તરત જ શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘તારાં હાડકાંયે કરશે.’ ત્યાર પછી પોતાના ભારત પરિભ્રમણના સમય દરમિયાન ગાજીપુર, પોરબંદર, ખંડવા, બેલગામ, મૈસૂર વગેરે અનેક સ્થળોએ સ્વામીજીને પશ્ચિમના દેશોમાં જવા અને ત્યાં ભારતીય સંસ્કૃતિની ગૌરવધ્વજા ફરકાવવાનો અનુરોધ થતો રહ્યો. કેટલાક લોકોએ તો એ હેતુ માટે ધન પણ એકઠું કરવાનો કે પોતે જ એ ધનની વ્યવસ્થા કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો. આમ છતાં પણ સ્વામીજી સર્વ પ્રથમ તો રામેશ્વર જવાના પોતાના સંકલ્પની વાત વારંવાર દોહરાવતા રહ્યા અને કહેતા રહ્યા: ત્યાર પછી જો ઈશ્વરની ઇચ્છા હશે તો આ વિષયમાં અંતિમ નિર્ણય લેશે અને તેઓ યુરોપ-અમેરિકા જશે.

હવે રામનદના રાજા ભાસ્કર સેતુપતિના પ્રસ્તાવનો સ્વીકાર કરીને સ્વામીજી પશ્ચિમના દેશોમાં જવાનો નિર્ણય કરી ચૂક્યા હતા. વિશ્વધર્મ પરિષદના પ્રારંભમાં હજુ વાર હતી એટલે સ્વામીજીએ વિચાર્યું કે પહેલાં ઈંગ્લેન્ડ જઈને પોતાનું કાર્ય શરૂ કરશે અને ત્યાર પછી ત્યાંથી અમેરિકાની યાત્રા કરશે. (આગળ ઉદ્ધૃત થનાર મદ્રાસથી લખેલા સ્વામીજીના ૧૫ ફેબ્રુઆરીના પત્રમાં એમના ઈંગ્લેન્ડ જવાની વાતનો ઉલ્લેખ છે.) એમના અનુરાગી તથા ભક્તગણ પૂરેપૂરો પ્રાણ રેડીને આ યાત્રાની તૈયારીમાં લાગી ગયા. એ લોકોએ વિચાર્યું કે ઈંગ્લેન્ડ કે અમેરિકા સ્વામીજી માટે અજાણ્યા દેશ છે એટલે ત્યાં જવા માટે એમની પાસે કેટલાક પરિચય પત્રો પણ હોવા જોઈએ. એમાંથી કેટલાક લોકો તત્કાલીન વિશ્વવ્યાપી સંગઠન થિયોસોફીકલ સોસાયટી સાથે જોડાયેલા હતા. એમણે વિચાર્યું કે ત્યાંથી કેટલાક પત્ર મેળવીએ. સ્વામીજી પોતાના અનુરાગીઓ સાથે અડિયારમાં આવેલા એમના મુખ્ય કાર્યાલયમાં ગયા. પરંતુ સંસ્થાના અધ્યક્ષ કર્નલ અલ્કાટ એ સમયે ક્યાંક યાત્રાએ ગયા હતા.

જાન્યુઆરીના મધ્યમાં ‘ટ્રિપ્લીકેન લિટરરી સોસાયટી’એ એક સભાનું આયોજન કર્યું. આ સભામાં સ્વામીજીએ વૈદિક ધર્મ તથા હિંદુસમાજ વિશે એક સુંદર વ્યાખ્યાન આપ્યું. આ વ્યાખ્યાન ત્યાંના એક સમાચાર પત્રમાં પણ પ્રકાશિત થયું હતું.

(ક્રમશ:)

Total Views: 58

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.