(રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજીએ ‘ધ સ્ટોરી ઑફ રામકૃષ્ણ મિશન – સ્વામી વિવેકાનંદ્‌સ વિઝન એન્ડ ફુલફિલમેન્ટ’ નામના પુસ્તકમાં મૂળ અંગ્રેજીમાં લખેલ લેખ ‘The First Phase of Ramakrishna Movement’ (1872-1905) – Laying the foundation’ નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ધારાવાહિક રૂપે ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.)

પ્રથમ તબક્કો – આધારશિલા (૧૮૭૨-૧૯૦૫)

સમગ્ર ભારતમાં અને વિદેશમાં ૧૯૯૭માં વર્ષભર ઉજવાયેલ રામકૃષ્ણ મિશન શતાબ્દિ મહોત્સવથી લોકો ‘ધ રામકૃષ્ણ મિશન એશોસિયેશન’ (ટૂંકમાં – રામકૃષ્ણ મિશન)ની સ્થાપના વિશે પૂરેપૂરા માહિતગાર બન્યા. રામકૃષ્ણ મિશનની સ્થાપના ૧લી, મે, ૧૮૯૭ના રોજ થઈ હતી. સ્વામી વિવેકાનંદના ચેતનવંતા નેતૃત્વ હેઠળ આ સંસ્થાના શુભેચ્છક સહાયકોએ ‘પરમહંસદેવના વિચારો, સંદેશ અને આદર્શોને ચોતરફ વ્યાપક પ્રચારિત કરવાના ભાવ-આંદોલનની વિસ્તૃતિ અને રસરુચિમાં વૃદ્ધિ કરવાના હેતુથી’ એક સંસ્થા રચવાનો નિર્ણય કર્યો. ૫ મેના રોજ એમણે એમના હેતુઓ નક્કી કર્યા. એ હેતુઓ આ છે :

‘આ સંસ્થાનો હેતુ શ્રીરામકૃષ્ણે ઉપદેશેલ અને પોતાના જીવનમાં જીવી બતાવેલ આદર્શોને માનવજાતિના કલ્યાણ માટે અને એમની બુદ્ધિપ્રતિભા અને આધ્યાત્મિક જીજ્ઞાસામાં માનવજાતને આ આદર્શોનું આચરણ કરવામાં સહાય કરવી.’ (૫ મે, ૧૮૯૭ના રોજ મળેલી સભાની કાર્યવાહીની નોંધમાંથી)

એટલે જ રામકૃષ્ણ મિશનની સંરચના થવી એ શ્રીરામકૃષ્ણે ચીંધેલ ‘ભાવધારા’થી વાસ્તવિક રીતે ભિન્ન ન હતી.

પહેલી બે સભાઓની કાર્યવાહી અને ત્યાર પછીની બનેલી ઘટનાઓ દર્શાવે છે કે ધ મિશન એસોશિયેશન એટલે કે રામકૃષ્ણ મિશન ‘અત્યંત પ્રેરક અને આકર્ષક કાર્યને પદ્ધતિસર ચાલુ રાખવા’ રચાયું હતું. રામકૃષ્ણ મઠ, રામકૃષ્ણ મિશન, અદ્વૈત આશ્રમ, વેદાંત સોસાયટી અને એવાં વિવિધ નામવાળા એક સ્તરનાં સ્થપાયેલાં કેન્દ્રો છે; જેનું મુખ્ય કેન્દ્ર બેલૂરમાં છે. પરંતુ આ બધાંને ૨૫ ઓગસ્ટ, ૧૯૧૦ના રોજ સત્તાવાહકોએ બે કક્ષામાં વહેંચ્યાં – રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન. ૬ ફેબ્રુઆરી, ૧૯૦૧ અને ૪ મે, ૧૯૦૯ થી અનુક્રમે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન – બે અલગ વૈધાનિક એકમો બન્યાં. અલબત્ત, શ્રીરામકૃષ્ણદેવે ૧૮૮૬માં સ્થાપેલ રામકૃષ્ણ સંન્યાસી સંઘ પર આ બંનેનાં વ્યવસ્થાપનનો ભારે બોજ આવી પડ્યો. મિશનની સંવાહક સમિતિ અને મઠના ટ્રસ્ટીઓની સમિતિ એક જ એટલે કે રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓની બનેલી હોવા છતાં પણ ‘મઠ’ અને ‘મિશન’ આ બંને શબ્દો થોડા દસકાઓ સુધી તો અર્થ અને વ્યાખ્યાની બાબતમાં ઠીક ઠીક પ્રમાણમાં સંદિગ્ધ રહ્યા. આ ટ્રસ્ટીઓ અને સલાહકાર સમિતિએ મઠ-મિશનના માળખાકીય, કાર્યપ્રવૃત્તિ અંગેના તેમજ વૈધાનિક પાસાં પર વધુ ભાર દેવાને બદલે એમણે આદર્શોને વધુ મહત્ત્વ આપ્યું. આ બધું હોવા છતાં પણ મઠ અને મિશન ગંગાયમુનાની જેમ આજુ બાજુએ વિકસતા રહ્યા છે. વિવેકાનંદ સોસાયટી, શારદામઠ, રામકૃષ્ણ શારદા મિશન, રામકૃષ્ણ વેદાંત મઠ, રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ, શારદાસંઘ અને પશ્ચિમની વેદાંત સોસાયટી જેવી વિવિધ નામે જાણીતી બીજી શાખાઓનો રામકૃષ્ણ ભાવ આંદોલનમાં સમાવેશ થાય છે.

સ્વામી વિવેકાનંદની ૧૯૬૩ની જન્મ શતાબ્દિથી માંડીને કેટલાક વિદ્વાનોએ આ ભાવ આંદોલનને ‘ધ રામકૃષ્ણ-વિવેકાનંદ મુવમેન્ટ’ને નામે ઓળખાવ્યું. અલબત્ત, સ્વામી ગંભીરાનંદજીએ અત્યંત મહત્ત્વનું અને સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું છે તેને કોઈએ ભૂલવું ન જોઈએ. તેમણે કહ્યું છે કે ભલે સ્વામી વિવેકાનંદે પોતાની ચેતનવંતી ક્રિયાશીલતા દ્વારા આ ભાવધારાને સમગ્ર જગતમાં સુખ્યાત બનાવી હોય અને એ બધા આદર્શોને કેવી રીતે વ્યવહારુ બનાવી શકાય એ પણ બતાવ્યું હોય છતાં પણ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાની વિચારસરણી શ્રીરામકૃષ્ણમાંથી ઉદ્‌ભવી હતી. (રામકૃષ્ણ મઠ-મિશન કન્વેન્શનનો અહેવાલ, ૧૯૭૯-૮૦) એટલે નિ:શંક રીતે શ્રીરામકૃષ્ણદેવ જ આ ભાવધારાનું મૂળ સ્રોત છે. 

ઇતિહાસના એક સંક્રામક કાળમાં શ્રીરામકૃષ્ણ અવતર્યા હતા. ઉત્તર દિશાથી આવેલા જંગલી જાતિના એક પછી એક થયેલા આક્રમણોએ પાંગળા હિંદુ સમાજને અસ્તવ્યસ્ત કરી નાખ્યો. આ હિંદુસમાજ ફરી પાછો અવનત બૌદ્ધ સંસ્કૃતિને લીધે વધુ નિર્બળ બન્યો. આ હિંદુસમાજ આવા અત્યંત આઘાતક અનુભવોમાંથી ઊગરી શકે તે પહેલાં યુરોપનાં ઘણાં રાષ્ટ્રોના વેપારીઓએ અહીંનાં બજારને હાથ કરવાનો પ્રયત્ન કર્યો. આ બધા યુરોપના વેપારીઓમાં અંગ્રેજ વેપારીઓ ચડિયાતા નિવડ્યા અને અંતે એમણે પોતાની રાજકીય મહત્ત્વકાંક્ષા પૂર્ણ કરી. હવે ભારત બ્રિટનનું એક સંસ્થાન બન્યું. અધમ પ્રકારના શોષણે રાષ્ટ્રના હીરને હણી નાખ્યું. એ અંધારયુગમાં ધર્મ પણ પોતાનાં કાર્ય-ફરજ ચૂકી ગયો અને નીચલીજાતિના લોકોનું દમન કરવા માટેનું એક ક્રૂર સાધન બની ગયો. રામકૃષ્ણ ભાવ આંદોલન તો ભારતને અને એના પ્રજાજનોને બચાવી લેવા તરતું મૂકવામાં આવ્યું અને એણે ઘણી ઘણી આશાઓ બંધાવી છે. 

૧૯૩૭માં પ્રો. વિલિયમ અરર્નેસ્ટ હોકિંગે રામકૃષ્ણ ભાવધારાને મહામાનવ શ્રીરામકૃષ્ણનો ‘વિસ્તૃત પડછાયો’ કહ્યો છે. (ધ રિલિજિયન્સ ઓફ ધ વર્લ્ડ, રામકૃષ્ણ મિશન ઇન્ટિટ્યૂટ ઑફ કલ્ચર, ૧૯૩૮, ભાગ-૧, પૃ.૮૨) 

એ જ વર્ષે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને પોતાનાં લખાણોમાં ‘મહાન સંદેશવાહક શ્રીરામકૃષ્ણની પ્રેરણા હેઠળ સામાજિક કરુણાનું અત્યંત શક્તિશાળી પુન: જીવન’ એ શબ્દોથી ઉચ્ચમૂલ્યાંકન કર્યું છે. ૨૦ વર્ષ પછી અંગ્રેજ લેખક ક્રિસ્ટોફર ઈશરવૂડે જોયું કે રામકૃષ્ણ ભાવધારા એક અનન્ય ભાવધારા છે; કારણ કે એના સ્થાપક રામકૃષ્ણ વિલક્ષણ પુરુષ હતા. (હિસ્ટ્રી ઑફ રામકૃષ્ણ મઠ એન્ડ મિશન, સ્વામી ગંભીરાનંદનું આમુખ) એમનું મંતવ્ય હતું કે શ્રીરામકૃષ્ણ ‘ગત બે સદીઓમાં માનવજાતિએ આપેલા શ્રેષ્ઠ આધ્યાત્મિક નેતાઓમાં વિલક્ષણ’ નેતા હતા.

ત્યાર પછીના ૪૦ વર્ષ પછી ૧૯૯૭માં હેન્સ ટોરવેસ્ટને એમનામાં ‘બીજી બધી વસ્તુઓ ઉપરાંત જેમાં બીજું કશુંય વાસ્તવિક રીતે ઉમેરી ન શકાય તેવા ‘પ્લેરોમા’ સંપૂર્ણ પૂર્ણતા’ જોઈ. (હેન્સ ટોરવેસ્ટન કૃત ‘રામકૃષ્ણ એન્ડ ક્રાઈસ્ટ’, અંગ્રેજી અનુવાદ જ્હોન ફિલિપ્સ, ૧૯૯૭, પૃ.૨૦૯)

દરેકે દરેક જ્ઞાની વ્યક્તિ દૃઢપણે માને છે કે વ્યક્તિ અને આદર્શ રૂપે શ્રીરામકૃષ્ણ આ ભાવધારાનું મૂળ ઉદ્‌ભવ સ્થાન છે. સ્વામી વિવેકાનંદે જે દાર્શનિક તત્ત્વો ઠાકુરના સંદેશ કે ઉપદેશમાંથી પ્રગટે છે તેના પર ભાર દીધો હતો, જ્યારે સારદાદેવીએ શ્રીઠાકુરના વ્યક્તિત્વને મહત્ત્વ આપ્યું હતું કારણ કે સામાન્ય માણસને પૂજા કે પ્રાર્થના કરવા માટે કોઈ નક્કર પ્રતીકની આવશ્યકતા રહે છે. વળી શ્રીરામકૃષ્ણે પોતાના જીવનના આદર્શોને ‘સાગરથીયે વધુ ગહન અને આકાશથીયે વધુ વિશાળ’ રાખ્યા હતા. જે આદર્શ શ્રીરામકૃષ્ણ રજૂ કરે છે તે કોઈ એક વ્યક્તિ ભાગ્યે જ અનુભવી શકે. એટલે જ સ્વામી વિવેકાનંદે એવી હિમાયત કરી હતી કે રામકૃષ્ણ સંઘના સંન્યાસી સભ્યોએ આ આદર્શોને ઘણે અંશે ચરિતાર્થ કરવા સાથે કામ કરવું જોઈએ. રામકૃષ્ણના જીવનના બે વિલક્ષણ તબક્કા છે અને એ બંને દેખીતી રીતે એક બીજાના વિરોધી પણ છે. એમાંનો પ્રથમ દર્શાવે છે કે શ્રીરામકૃષ્ણ સંપૂર્ણ રીતે ભગવન્મય હતા. જ્યારે બીજામાં માનવીઓ માટે ચિંતા-વ્યથા સેવવાનો હતો. દુ:ખી પીડિત માનવજાતના કરુણા પ્રવાહે રામકૃષ્ણનું હૃદય એટલું ભરી દીધું કે તેઓ નરેન્દ્રને પોતાને નિર્વિકલ્પ સમાધિમાં ડૂબાડી રાખવાની ઉત્કટ ઇચ્છાને પણ રોકી રાખવા અને એને બદલે પોતાના ગુરુદેવના જીવનસંદેશકાર્યને પોતાના ખભે જવાબદારી ઉપાડી લેવા વીનવી શક્યા. પરિણામે સ્વામીજીએ ‘બહુજન હિતાય, બહુ જન સુખાય’(અનેકના કલ્યાણ માટે અને અનેકની સુખાકારી માટે) પોતાનાં હૃદયપ્રાણ સમર્પિત કરી દીધાં.

પ્રબળ અને પવિત્ર ગંગાની જેમ રામકૃષ્ણરૂપી હીમનદીમાંથી ઉદ્‌ભવેલ અને ભારતના આધ્યાત્મિક જીવનના ૩૦૦૦ વર્ષના ઘનીભૂત સ્વરૂપ રામકૃષ્ણ ભાવધારા ભારતીય મનરૂપી પર્વતો, ખીણોમાંથી માનવ જીવોના ભલા માટેના ઉચ્ચાલનબળ રૂપે વહી રહી છે. અસંખ્ય પ્રખર વિચારોથી અને આધ્યાત્મિક ઊર્જાના વિસ્તૃત અને વિપુલ જથ્થાથી સુદૃઢ બનેલ એવી આ ભાવધારાનું મુખ્ય અને અંતિમ લક્ષ્ય તો આ પૃથ્વી પરના જીવનના ર્જીણોદ્ધારથી જરાય ઓછું નથી.

રામકૃષ્ણના કેટલાક પ્રતિભાવાન સાથીઓએ એમના જીવંતકાળ દરમિયાન પણ આ ભાવધારાની અપેક્ષા સેવી હતી. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી ‘મ’એ શ્રીરામકૃષ્ણમાંથી આવો ભાવપ્રવાહ વહેશે એવી ઇચ્છા સેવી હતી. તેમણે એવી અપેક્ષા રાખી હતી કે દરેકેદરેક વસ્તુ એના બળથી જ સંક્રમિત થવાની છે અને તેઓ એ પણ જાણતા હતા કે એમનામાંથી આવતું કોઈ પણ તત્ત્વ નિરસ અને વૈવિધ્યવિહોણું નહીં હોય. ૧૮૮૮માં કામારપુકુરમાં શ્રીમા સારદાદેવીએ શ્રીઠાકુરનાં ચરણોમાંથી ઉદ્‌ભવતાં અને વહેતાં પાણીના ઝરણાનું દર્શન કર્યું હતું. શ્રીમાને તો એ પાવનકારી અને મોક્ષદાતા ગંગાસમું જ લાગ્યું. ૧૦ વર્ષ પછી સ્વામી વિવેકાનંદે મહાકાય મોજાંની ટોચ પર શ્રીરામકૃષ્ણનાં દર્શન કર્યાં, એ જ મહાકાય મોજું નવયુગમાં ઉત્સ્ફૂર્જ થવાનું હતું. એ બધાએ અગાઉથી જોઈ લીધું હતું કે એક આધ્યાત્મિક ભાવ આંદોલન સમગ્ર માનવજાત પર છવાઈ જશે અને માનવજાતને ઉચ્ચતર ચૈતન્યની કક્ષાએ લઈ જશે. 

કેટલીક વિચિત્ર માન્યતાઓ ધરાવતા લોકોએ કહ્યું છે તેમ, સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુદેવની ભાવધારા સિવાય બીજી ભાવધારાનો પ્રારંભ કર્યો હોય એવો ક્યારેય દાવો કર્યો નથી. પોતાની વિશાળ અને ઉદાત્ત કેળવણી અને બુદ્ધિ પ્રતિભા, પોતાના ગુરુદેવ પ્રત્યેની ઉત્કટ પ્રેમભક્તિ, પોતાના દેશબંધુઓની ગરીબી માટેની ઊંડી ચિંતાએ પોતાના ગુરુદેવના જીવનકાર્યને અમલમાં મૂકવા માટેનું એમને અપ્રતિરોધ્ય યંત્ર બનાવી દીધા એ વાત નિ:શંક છે. બ્રિટિશ શાસન હેઠળના ભારતના વતની અને લગભગ સાવ અજાણ્યા હિંદુ સંન્યાસી સ્વામી વિવેકાનંદે ૧૮૯૩માં પશ્ચિમની નવી દુનિયાના દૂર્ગને હચમચાવી મૂક્યો અને એના પર વેદાંતનો ધ્વજ ફરકાવી દીધો. એ વિશે ત્યાંના સમાચાર પત્રોએ આમ લખ્યું હતું:

‘વિશ્વધર્મ પરિષદમાં સૌથી વધુ પ્રભાવક વ્યક્તિત્વરૂપે ઊભરી આવનાર સ્વામી વિવેકાનંદે અમેરિકન સમાજ પર જબરો પ્રભાવ પાડ્યો. આ પહેલાં કોઈ પણ પૂર્વના પુરુષે આવો પ્રભાવ પાડ્યો ન હતો.’ 

(સ્વામી વિવેકાનંદે આલાસિંગા પેરુમલને ૨ નવેમ્બર, ૧૮૯૩ના રોજ લખેલ પત્ર, કં.વ.સ્વા.વિ., વૉ.૫, પૃ.૨૧) 

એમણે ઉત્તર અમેરિકા, ઈંગ્લેન્ડ અને ઉપખંડમાં વેદાંતનાં બીજ વાવવા એક પયગંબરી અદાથી ભાવ આંદોલન ઉપાડ્યું. એમની ભીતરી આત્મશ્રદ્ધાએ એમની પાસે આ ઉદ્‌ગારો કઢાવ્યા : ‘જેમ બુદ્ધ પાસે પૂર્વના દેશો માટે સંદેશ હતો તેમ મારી પાસે પશ્ચિમને માટે સંદેશ છે.’ એને લીધે સારી એવી સુખ્યાતિ સાથે એમને નાનું પણ ઊભરતું ભક્તવર્તુળ પણ મળી ગયું. 

આ મહાવિજય પછી પોતાના માદરે વતન પાછા ફરતાં પહેલાંના થોડા મહિના પૂર્વે સ્વામી વિવેકાનંદ ડેટ્રોઈટમાં હતા ત્યારે એક દિવસ એમના મુખેથી ભાવાવસ્થાભર્યા આ અદ્‌ભુત ઉદ્‌ગારો સરી પડ્યા: 

‘ભારતવર્ષે મારી વાત કાને ધરવી પડશે! હું ભારતને પાયાથી હચમચાવી મૂકીશ. હું એની રાષ્ટ્રિય નાડીઓ દ્વારા એક વિદ્યુત ઝંકૃતિ લાવી મૂકીશ.’

 (ધ લાઈફ ઑફ સ્વામી વિવેકાનંદ બાય હીઝ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડિસાયપલ્સ, વૉ.૨, પૃ.૧૬૬)

પંડિત જવાહરલાલે દૃઢ શ્રદ્ધા સાથે આ શબ્દો ઉચ્ચાર્યા હતા : ‘સ્વામી વિવેકાનંદે ભારતના પ્રાણને હચમચાવી મૂક્યો અને ભારતીયોના મનવિચારોને સુયોગ્ય ઘાટ આપ્યો.’ (અમૃતબજાર પત્રિકા, ૨૬-૧૧-૫૨) 

પોતાની માતૃભૂમિ ભારતમાં એમને મળેલ અનન્ય અને ઉષ્માભર્યા આવકારનો અણસારો ઓળખીને સ્વામીજીએ ઊંઘી ગયેલા રાષ્ટ્રને પોતાના બે તબક્કાના અગ્નિવર્ષા સમા સંભાષણોથી જાણે કે જાગ્રત કર્યો છે. એમાંનો એક તબક્કો કોલંબોથી કોલકાતા સુધી આપેલાં વ્યાખ્યાનોનો હતો અને બીજો હતો કોલકાતાથી લાહોર સુધીનો. સાથે ને સાથે એમણે મદ્રાસમાં ‘મારી ભાવિ યોજના’ વિશે ઉદ્‌ગારો કાઢ્યા અને કોલકાતામાં સ્પષ્ટ નિર્દેશ સાથે પોતાના દેશબાંધવોને કહ્યું: ‘આ જ ભગીરથ કાર્ય આપની સમક્ષ છે.’ સંક્ષેપમાં કહીએ તો એમની યોજના પ્રમાણે પશ્ચિમના દેશોમાં ભારતની આધ્યાત્મિકતાને ધોધમાર વરસાવવી અને એના બદલામાં આ અત્યંત પ્રમાદી બનેલા ભારતીય સમાજનું પુનર્જાગરણ કરવા પશ્ચિમનાં વિજ્ઞાન અને ટેક્નોલોજી, એમની કાર્યનિષ્ઠા, એમનું વ્યવસ્થાપન કૌશલ્ય લાવવાનાં હતાં.

પોતાના દેશબાંધવોના ઓચિંતાના જાગેલા ઉત્સાહથી જો કે સ્વામીજીનું હૃદય હલી તો ગયું પણ આ પ્રજાની ચંચળ પ્રકૃતિ સ્વામીજીની નજર બહાર ગઈ ન હતી. જે જે ગુડવીન જેવા એક વિદેશીને પણ તે પ્રકૃતિ સ્પષ્ટપણે દેખાઈ હતી. તેમના ૧૪ એપ્રિલ, ૧૮૯૭ના રોજ શ્રીમતી ઓલી બુલને લખેલા પત્રમાં છે : 

‘(પશ્ચિમમાં) એમણે મેળવેલી પ્રત્યેક સફળતાનો પ્રવાહ અહીં ૧૦ ગણો જોવા મળે છે. પરંતુ જ્યારે તેઓ (સ્વામીજી) પોતાના લોકોની વચ્ચે હોય છે ત્યારે ‘આ પયગંબરને પોતાના દેશમાં માન-આદર નથી’ એવું નગ્ન સત્ય કથન એમના મુખેથી નીકળતું; (ભારતીય) લોકોના સક્રિય સહકારની વાતને લાગે વળગે છે ત્યાં સુધી એ કથનની ખાતરી થઈ જાય છે.’ 

(મેરી લૂઈ બર્ક કૃત – સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ : ન્યૂ ડિસ્કવરિઝ, વૉ.૪, પૃ.૪૯૦)

પોતાના દેશબાંધવોમાંથી હતોત્સાહ ભર્યા પ્રતિભાવ મળવા છતાં સ્વામી વિવેકાનંદ હંમેશની જેમ અડગ રહ્યા અને ૧લી મે, ૧૮૯૭ના રોજ ‘રામકૃષ્ણ મિશન’નામનું કાર્યયંત્ર સ્થાપ્યું. (સ્વામીજીએ મેરી હેઈલને લખ્યું હતું : ‘મારા મસ્તિષ્કમાં ભારતીય સામાન્ય જનસમૂહોની ઉત્ક્રાંતિ માટે કોઈ કાર્યયંત્ર શરૂ કરવાનો એક જ વિચાર સતત સળગતો હતો.’ કં.વ. સ્વા.વિ., વૉ.૫, પૃ.૧૩૬) સ્વામીજીએ જે કંઈ કર્યું તે ટૂંકમાં કહીએ તો પોતાના ગુરુદેવના સંદેશનું સવિસ્તાર વર્ણન, અર્થઘટન અને અમલીકરણ જ હતું.

મઠ-મિશનની શાખા-પ્રશાખામાં વિભાગીકરણ કરવાની વાતને એક બાજુએ મૂકીએ તો પણ આ ઇતિવૃત્ત એના બહુ ઓછા જાણીતા પ્રારંભિક અને અત્યંત કટોકટીભર્યા કાળ જેટલો જ અજાણ છે. ટૂંકમાં પરંપરિત બનાવોની ઓછી જાણીતી વાત આ છે : રામકૃષ્ણની બાર વર્ષની અત્યંત કઠિન આધ્યાત્મિક સાધનાઓ ૧૮૭૨માં એની ચરમસીમાએ પહોંચી ગઈ. એના દ્વારા પોતાને માટે અને પોતાના જીવનકાર્ય માટે અનેક દિવ્યાનુભૂતિ પણ થઈ. એમાંની એક હતી – ‘મા જગદંબાના હાથના યંત્ર રૂપે પોતાના જીવનમાં અભિવ્યક્ત થયેલી ઉદાર અને સર્વ સંવાદી શ્રદ્ધાને માટે વિશેષ રૂપે એક નવા સમાજને શોધવો પડશે.’ (સ્વામી સારદાનંદ કૃત – શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર, પૃ.૩૪૫) 

દિવ્ય ચૈતન્યભાવથી તરબોળ એવા શ્રીરામકૃષ્ણ પોતાના આ ભવ્ય જીવનકાર્યના અમલીકરણ માટે આગળ ધપ્યા. જેમ પૂરેપૂરું ખીલેલ કમળ મધમાખીઓને આકર્ષે છે તેમ એ દિવસોમાં સુખ્યાત બનેલા પરમહંસદેવ ભક્તજનો અને પ્રશંસકોના વર્તુળનું કેન્દ્ર બની ગયા. 

૧૮૭૫ના માર્ચમાં બ્રાહ્મોસમાજના નેતા કેશવચંદ્ર સેને શ્રીરામકૃષ્ણમાં એક ભવ્ય આધ્યાત્મિક વિભૂતિનાં દર્શન કર્યા હતા. પોતાની આ વાતમાં સૌને ભાગીદાર બનાવવા એમણે પોતાનાં વ્યાખ્યાનોમાં અને સામયિકોનાં પોતાનાં લખાણોમાં પરમહંસદેવને રજૂ કર્યા. બ્રાહ્મો સમાજની વિવિધ શાખાઓના અનુયાયીઓ, જુદા જુદા ભારતીય ધર્મ-સંપ્રદાયના લોકો, અન્ય વિવિધ ધર્મના અનુયાયીઓ, ગૃહસ્થ ભક્તો, અપરિણિત યુવાનો, સમાજના ભિન્ન ભિન્ન સ્તરમાંથી લોકો શ્રીઠાકુરના દક્ષિણેશ્વરના ઓરડામાં ઊમટતા. એમાંય અઠવાડિયાના અંતે કે રજાના દિવસે વધુ લોકો આવતા. વળી બ્રાહ્મોસમાજના લોકો અને હિંદુઓ એમને પોતપોતાનાં ઘર-મંદિર કે ઘરે આવવા નિમંત્રણ પણ આપતા. એમની આવી દરેક મુલાકાત પાવનકારી મહોત્સવ બની જતો. બધા લોકોનું મુખ્ય આકર્ષણ હતા ‘પરમહંસ’ – એમની મજાની વાતો, એમનાં ભક્તિભાવભર્યાં ભજનગીતો અને દિવ્યાનંદની મસ્તીમાં થતું એમનું નૃત્ય, અને વારે વારે એમનું સમાધિમાં ડૂબી જવું. એમના આવા પુન: પુન: થતા આગમન વખતે જાણે કે એક આનંદહાટ સર્જાઈ જતી. ભક્તજનો તેમજ સમાનગુણશીલવાળા ભદ્રજનો સાથે મળતા. એમના પરસ્પરના વાર્તાલાપ તેમજ એમના મુખ્ય ધ્રુવતારા રામકૃષ્ણે આ બધા જૂથોને એક રાગે જોડી દીધાં. દક્ષિણેશ્વરમાં એમની જન્મજયંતીની ઉજવણીએ આ બધાને વધુ નજીક લાવી દીધા. આવા આ આધ્યાત્મિક મિલનોમાંથી ઝરતા ભૌતિક સુખોના આનંદથી વિલક્ષણ દિવ્યાનંદને શ્રીઠાકુરના જીવનચરિત્રકાર સ્વામી સારદાનંદજીએ આ રીતે વર્ણવ્યો છે : 

‘આમ, સમય વહેતો રહ્યો. તેની સાથે સૌના આકર્ષણનું કેન્દ્ર એવા શ્રીઠાકુરના ભક્તોનું વૃંદ પણ વધુ ને વધુ વિસ્તૃત બનતું ગયું.’ (સ્વામી સારદાનંદ કૃત શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર, પૃ.૮૧૫) 

એમના વર્તુળની ત્રિજ્યામાં રહેતા લોકો એમની અસરને લીધે તેઓ પોતાના ઐહિક જીવનમાં અને આધ્યાત્મિક જીવનમાં દિવ્યાનુભૂતિ કરતા બની ગયા. આ રીતે રામકૃષ્ણ ભાવધારાનો વિનમ્રભાવે પ્રારંભ થયો. આ પ્રવાહને ભાગ્યે જ દૃષ્ટિગોચર કરી શકાય કે સમજી શકાય તેવો હતો, પણ તેનો પ્રભાવ તો ખરેખર ગણનાપાત્ર અને મહત્ત્વનો હતો. શ્રીરામકૃષ્ણે પોતાનાં એક સ્ત્રીભક્તને કહ્યું હતું: 

‘દરેકેદરેક નિશ્ચેતન હતા, પરંતુ જ્યારથી આ (પોતાના દેહ તરફ આંગળી ચીંધીને) આવ્યો ત્યારથી એ બધા સચેતન બની ગયા છે અને ધર્મનો એ પ્રવાહ સપાટીથી જરાક નીચે અત્યારે વહી રહ્યો છે.’ (સ્વામી સારદાનંદ કૃત – શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર, પૃ.૬૧૯)

(ક્રમશ:)

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.