૧૯૬૯નું વર્ષ છે. સૂરત શહેરના વરાચ્છા રોડ પર આવેલા એક અવાવરા જૂના જર્જરિત ભૂતિયા બંગલાના મોટા ઓરડામાં રાત્રે સૂવા માટે પાંચ-સાત ખાટલા ગોઠવ્યા છે. આ ખાટલા વચ્ચેની જગ્યામાં ભગવાં ધારણ કરેલ સાધુઓ શ્રીરામચંદ્રજીની છબિ સામે લયબદ્ધ રીતે કંઈક ભગવદ્‌ ગાન કરી રહ્યા હતા. આ દૃશ્ય ખરેખર અદ્‌ભુત હતું. તાપી નદીના વિનાશક પૂરમાં તારાજ થઈ ગયેલા ગરીબો માટે પદ્ધતિસર અને આયોજનબદ્ધ મકાનોનું બાંધકામ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ચાલતું હતું. તે દિવસનું પોતાનું કાર્ય પૂરું કર્યા પછી પોતાનાં મનહૃદયને આ રામનામ સંકીર્તન દ્વારા પ્રભુ સાથે જોડી રહ્યા હતા. તાપીના ભયાનક પૂરથી પીડિત લોકો પ્રત્યેની કરુણા, આજુબાજુના સમાજનો રામકૃષ્ણ મિશનના રાહતકાર્યમાં મળેલો જબરો પ્રતિસાદ, ગામના લોકોને પોતાનું પાકું ઘર મળી રહે તે માટે થયેલું પદ્ધતિસરનું આયોજન, રાહતસેવાપ્રવૃત્તિ દરમિયાન સુરતમાં નિવાસ કરતી વખતે અનેક અગવડો વચ્ચે પણ પ્રભુનું સતત ચિંતન – આવાં એક પછી એક અનેક ચિત્ર અમારા માનસપટ પર ઊભરી આવ્યાં. ડૉક્ટરી અભ્યાસ ક્રમ પછીના અનુસ્નાતક અભ્યાસક્રમ દરમિયાન અમદાવાદથી સુરત આવીને રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમનું રાહતકાર્ય સેવાકાર્ય જોવા ગયા ત્યારે આ બધાં દૃશ્યો અમે નજરે નિહાળેલાં. સુરતની એક દિવસની મુલાકાત દરમિયાન રાહતકામ બતાવીને તે સાંજે શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે અજાણતાં જ અમારા મનમાં અમારા સમગ્ર જીવનના સુખદ સ્વપ્નની જાણે કે એક લકીર દોરી આપી. અમને જીવનનું અનેરું ભાથું સાંપડ્યું.

જો કે આ પહેલાં રાજકોટમાં ૧૯૬૫ના વર્ષમાં શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજને એકવાર મળ્યા હતા અને ૧૯૬૬-૬૭ના વર્ષમાં લખનૌમાં સ્વામી શ્રીધરાનંદજી મહારાજ અને અન્ય સંન્યાસીઓને અનેકવાર મળ્યા હતા. સ્વામી વિવેકાનંદના આદર્શ પ્રમાણે લખનૌમાં બંધાઈ રહેલ વિવેકાનંદ પોલિક્લિનિક, મોબાઈલ મેડિકલવાન અને રોગીદેવોભવની ભાવનાથી રોગીનારાયણની સેવા કરવાની વાત સાંભળીને અમારા મનમાં સામાન્ય જનોના કલ્યાણ કરવાની મનીષાનાં અંકુર ફૂટી નીકળ્યાં. ત્યાર પછી અમારા સૌના અમેરિકાના નિવાસ દરમિયાન ન્યૂયોર્ક, શિકાગો જેવા શહેરોના રામકૃષ્ણ મિશનનાં વેદાંત કેન્દ્રોના અધ્યક્ષ સ્થાને રહેલ અનેક વરિષ્ઠ સંન્યાસીઓ સાથે અમે ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા અને એમની પાસેથી અમને ઘણું જાણવા-શીખવા પણ મળ્યું. અમારા મનમાં જાણે કે રામકૃષ્ણ મિશન અમારું બીજું ઘર છે અને રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા એ અમારી ભાવના છે, અમારો અભિગમ છે, એવું થઈ ગયું. આ જ ભાવે અમારા જીવનની વિભાવના અને જીવનનાં કાર્યોનું સિંચન કર્યું.

રામકૃષ્ણ મઠ-મિશનનાં અનેક કેન્દ્રો સાથેના તેમજ સંન્યાસીઓ સાથેના આવા અનેક પ્રસંગોએ અને અનુભવોએ સેવારુરલ-ઝઘડિયાના અમારા ભાવિ કાર્યના ખેતરમાં જાણે કે ખાતર પૂરું પાડ્યું. આ જ રીતે મહાત્મા ગાંધીજીના જીવનસંદેશ અને સાહિત્યમાંથી અમારા વિચારો, અમારી ભાવના અને અમારા અભિગમમાં અમને સ્પષ્ટતા અને દૃઢતા સાંપડ્યાં. સ્વામી વિવેકાનંદના વિચારોથી બીજારોપણ થઈને રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા, રામકૃષ્ણ મિશનની મુલાકાતો, પ્રવચનો અને પ્રેરક ઘટના-પ્રસંગોએ અમારા સેવાકાર્યમાં અનન્ય પ્રોત્સાહન અને સહાય આપ્યાં છે અને આજે પણ આપે છે.

‘ગરીબને, અભણને, અજ્ઞાનીને, દુ:ખીને ઈશ્વર માનો; આવા લોકોની સેવા એ જ પરમ ધર્મ છે’ સ્વામી વિવેકાનંદના આ અમર-સંદેશ અને ગાંધીજીના દરિદ્ર નારાયણની સેવાની વાતથી પ્રેરાઈને અમે અમારા જીવનમાં ઘણા અગત્યના નિર્ણયો લીધા. પરદેશમાંથી પોતાના માદરેવતનમાં પાછું ફરવું, સામાન્ય અને ગરીબ લોકોની સેવામાં જીવનભર લાગી જવું. અમેરિકામાં સ્થિર થઈને અઢળક ધન રળવાની તકને અમે અને અમારા કેટલાક સાથીદારોએ જતી કરી અને સેવારુરલના કાર્યમાં સૌ સહભાગી બન્યા. પરિણામે આજનું સેવારુરલનું વ્યાપક સંસ્થાકીય કાર્યક્ષેત્ર વિકસ્યું છે. આ સેવાકાર્યમાં સમાન વિચારસરણી ધરાવતા, બીજા કેટલાક તજજ્ઞો સમયે સમયે જોડાયા અને અત્યારે પણ જોડાય છે. આજે સેવારુરલ ઝઘડિયા આસપાસના આદિવાસી વિસ્તારના ગરીબ કુટુંબીજનો માટે હોસ્પિટલ, ગામડામાં ઘર આંગણે આરોગ્ય સેવાઓ, નેત્રરક્ષા કાર્યક્રમો, ગરીબ યુવાનો માટે વ્યાવસાયિક તાલીમ, મહિલા વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ સમાજના વંચિતો માટે કામ કરતી અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો માટે તાલીમ વર્ગો જેવી અનેક સેવાઓ કરે છે.

ભારતના નવનિર્માણ માટે સ્વામીજીએ મદ્રાસમાં આ વાણી ઉચ્ચારી હતી : ‘આજે લાખો લોકો ભૂખે મરી રહ્યા છે અને લાખો લોકો યુગોથી ભૂખમરો સહન કરે છે, એમને માટે તમારા દિલમાં કંઈ થાય છે?.. તમને બેચેન બનાવી દે છે? તેનાથી તમારી ઊંઘ હરામ થઈ ગઈ છે?… તમે કોઈ ઉપાય શોધી કાઢ્યો છે? આ જીવતા નરકમાંથી તેમને બહાર કાઢવાનો કોઈ વ્યવહારુ ઉકેલ તમને જડ્યો છે? હજુય આ પૂરતું નથી. મુશ્કેલીઓના પર્વતોને પાર કરવાની અદમ્ય ઇચ્છા તમારામાં છે? હાથમાં તલવાર લઈને આખી દુનિયા તમારી સામે ઊભી રહે તોયે તમને સાચું લાગે તે કરવાની હિંમત તમારામાં છે?’ આ વીરવાણીએ અને એના વ્યવહારુ ઉકેલ માટેની કાર્યયોજનાએ અમને પ્રેરણા આપી.

ગાંધીજી કહેતા: ‘મારું જીવન એ જ મારો સંદેશ’. તેઓ માનતા અને સમજાવતા કે મણ ઉપદેશ આપવા કરતા અધોળ આચરણ શ્રેષ્ઠ છે. ગાંધીજીના જીવનપ્રસંગો, વિચારો અને સ્વામીજીના જીવનની અનેક ઘટનાઓ અને આદર્શો અમારાં કાર્યમાં કેન્દ્રસ્થાને રહ્યાં છે. આ બંને મહાપુરુષોએ દેશ અને સમાજ માટે ચિંધેલા રાહ પ્રમાણે સેવારુરલનાં અનેકવિધ કાર્યોને આકાર સાંપડ્યો છે.

આ સેવારુરલનાં ત્રણ મિશન છે. (૧) વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો દ્વારા ગરીબોનું કાર્ય. (૨) મૂલ્યનિષ્ઠ કાર્યપ્રણાલી અનુસરવી. (૩) કાર્ય કરતાં કરતાં કાર્યકરોનો વ્યાપક અર્થમાં સ્વવિકાસ થાય તે જોવું.

ગરીબોના સાર્વત્રિક કલ્યાણ માટે સતત ઝઝૂમવાના અભિગમ સાથે આજે આ દેશમાં અનેક વ્યક્તિઓ અને સંગઠનો પોતપોતાની રીતે કાર્ય કરી રહ્યા છે. આ માટેના અભિગમનાં પ્રેરણાસ્રોત, આદર્શ અને વિચારસરણી ભિન્ન ભિન્ન હોય એ સ્વાભાવિક છે. આમ હોવા છતાં પણ આવાં કલ્યાણકાર્યો સતત ચાલુ રહેવાં જોઈએ. સમાજમાં જે કંઈ સારું પરિવર્તન આવે છે તે પ્રમાણમાં ઘણું ધીમું હોય છે. આ ધીમી ગતિ ઘણી વખત વ્યક્તિ, સમૂહ કે સંગઠનને થકવી પણ દે છે, હતોત્સાહ કરી નાખે છે. અમને રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાએ અમારા સર્વજન કલ્યાણના કાર્યયજ્ઞમાં જબરી શ્રદ્ધા, ધીરજ, દૃઢતા અને ખંતનું ભાથું પૂરું પાડ્યું છે.

૨૭ વર્ષ સુધી સતત કામ કરતાં કરતાં અમારે પણ ઘણા અવરોધો, અડચણો, મુશ્કેલીઓ અને આકરી કસોટીઓમાંથી પસાર થવું પડ્યું છે. એવામાં એક ઘટના ઘટી. ૧૯૯૬ના એક દિવસની બપોરે અચાનક બેલૂર મઠથી તત્કાલીન જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનો ફોન આવ્યો. એમણે અમારા સેવારુરલના ત્રિમાસિક ‘સેવાસુવાસ’ વાંચીને અમારી સાથે વાત કરી. છેલ્લા કેટલાક સમયથી સેવારુરલમાં ગેરમાર્ગે દોરાયેલા અમુક જૂથના લોકોની થોડી રંજાડની વાત પણ વાંચી હશે. તેમણે અમને ફોન પર સંદેશ આપતાં કહ્યું: ‘હવે તમારું સેવાકાર્ય બરાબર થઈ રહ્યું છે. તમે લોકો સૌ ત્યાંના સ્થાનિક લોકો માટે સર્વકંઈ કરી છૂટવાની ભાવનાથી પૂરતી તૈયારી કરીને આ કામ કરી રહ્યા છો. આવા મહાન સેવાકાર્ય કરતી વખતે તમને કોઈ ધિક્કારે કે તમને કોઈ પજવે એવું પણ બને. પરંતુ તમે તમારું શિવજ્ઞાને જીવસેવાનું કાર્ય ચાલુ જ રાખજો.’ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના આ શબ્દો એ અને ત્યાર પછી સ્વામી વિવેકાનંદના જીવનપ્રસંગો પરથી અમે એટલું તો સમજી ગયા કે સારા કામને આવા તબક્કામાંથી પણ પસાર થવાનું હોય છે. 

પશ્ચિમના દેશોના થોડાઘણા પ્રભાવને કારણે અમારામાં સ્વતંત્ર રીતે નિરીક્ષણ કરવાની અને સતત અભ્યાસ કરવાની ટેવ પડી હતી. આ બધી બાબતો પછીથી અમને સ્વામીજીના અનેક જીવનપ્રસંગોમાં અને ગાંધીજીની અનેક જીવનઘટના અને લખાણોમાં નજરે પડી હતી. આ બંને મહાપુરુષોના આદર્શો અને વિચારોથી પ્રેરાઈને આર્થિક રીતે પછાત એવા અનેક ગરીબ વિસ્તારો અને લોકોની અમે મુલાકાત લીધી. એમની સાથે ગરીબોની ઉન્નતિ માટે મથામણ કરતી અનેક સંસ્થાઓનો પરિચય પણ મેળવ્યો. એમના મુખ્ય કાર્યકરોને મળ્યા અને એમની પાસેથી કંઈક શીખવા-સમજવાનો પ્રયત્ન પણ કર્યો. આવી મહાન સેવાપ્રવૃત્તિઓ કરતા રામકૃષ્ણ મિશનનાં ઘણાં કેન્દ્રો અને કેટકેટલાય સંન્યાસીઓના સંપર્કમાં પણ અમે આવ્યા. કાર્યક્ષેત્રમાં ઝૂકાવીશું એટલે સહાય અવશ્ય સાંપડશે જ, એવી આત્મશ્રદ્ધા સાથે અમે ૧૯૮૦માં આ સેવાકાર્યનો શુભારંભ કર્યો. અમારા આ સેવાકાર્યમાં સમાજના સામાન્ય લોકો, સરકારી અધિકારીઓ, શિક્ષણ સંસ્થાના સંચાલકો, સમાજના મહાજનો, ઉદ્યોગપતિઓ, સન્મિત્રો – સૌનો સાથ સહકાર સાંપડતો રહ્યો.

સમાજનાં વિવિધ ક્ષેત્રોનો સહકાર મેળવીને લોકોપયોગી જાહેર કાર્ય કરતાં કરતાં કોઈ એક રાજકીય પક્ષ કે જૂથ સાથે ભળી ગયા હોઈએ એવા દેખાવથી પણ દૂર રહેવાનો જાગ્રત પ્રયાસ કર્યો છે. લોકકલ્યાણના અમારા કાર્ય માટે પ્રધાનો, રાજકીય મોભો ધરાવતી વ્યક્તિઓને પણ મળ્યા છીએ; પણ સેવારુરલના વિવિધ જાહેર કાર્યક્રમો વખતે અમે અને અમારી સંસ્થાએ એ મહાનુભાવોથી ધર્મ્યઅંતર જાળવ્યું છે. આમ જોઈએ તો આ મહાન કાર્ય અમારા એકલાથી પાર પડી ન શકે, એ સ્વાભાવિક છે. પ્રભુકૃપા ઉપરાંત અનેક સુહૃદજનોનાં માર્ગદર્શન, સહાય, આવશ્યક સલાહસૂચન, ભાવાત્મક અભિગમ સાથેની સહાય અને પ્રેરણાપ્રોત્સાહનથી આ કાર્ય શક્ય બન્યું છે અને કાર્યયાત્રા સરળ પણ બની છે. ધીમે ધીમે અમારા આ અભિગમથી ગરીબોનાં કાર્યો સામેની સમસ્યાઓનો ઉકેલ સાંપડતો રહે છે. આધુનિક વ્યવસ્થાપન તંત્રના સિદ્ધાંતો પ્રમાણેનું માર્ગદર્શન, સંસ્થાનો આંતરિક વિકાસ, સહકાર્યકરો અને શુભેચ્છકોનો અપાર પ્રેમ આ કાર્યને વધુ સારી રીતે સમન્વિત કરવામાં અને સૌની સાથે સુમેળ સાધવામાં સહાયરૂપ બન્યા છે.

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે અમારા જીવનમાં અને અમારા આ કાર્યમાં સૌથી વધારે અગત્યનો ભાગ ભજવ્યો છે. તેઓશ્રી અમારા આંતરિક આધ્યાત્મિક જીવનના રાહબર તો હતા જ, સાથે ને સાથે અમારા કાર્યની દિશાપદ્ધતિ માટેના સાચા માર્ગદર્શક, પ્રોત્સાહક અને સમીક્ષક પણ હતા. અમારું ઝઘડિયાનું આ સેવાકાર્ય તેઓ પોતાની નજરે નિહાળે એવી અમારી મનીષા પાર ન પડી. આમ છતાં પણ તેમણે અમારું કાર્ય જોયું હોય અને અમારા કાર્યના પ્રત્યક્ષ સહભાગી બન્યા હોય તે રીતે સતત પ્રેરતા રહ્યા. આ અદ્‌ભુત પ્રેરણાએ અમારા કાર્યને સહજસરળ બનાવી દીધું. કર્મયોગના ઘણા બોધપાઠ અમે એમની પાસેથી શીખ્યા. શરૂઆતનાં વર્ષોમાં સંસ્થાની કેટલીયે સમસ્યાઓના ઉકેલ માટે અમે એમને પૂછતા રહેતા અને એમની સ્પષ્ટ સમજણ આ સમસ્યાઓને ઉકેલી દેતી.

એક વખત રામકૃષ્ણ આશ્રમ, મુંબઈમાં એમની સાથેની એક મુલાકાત દરમિયાન અમે અમારાં મનોમૂંઝવણ અને પ્રશ્નો એમની સમક્ષ રજૂ કર્યાં. એ વખતે શાંતિ અને ધૈર્ય સાથે અમને કહ્યું: ‘દરેક કાર્યકર્તાની કે સંસ્થાના મુખ્ય વ્યક્તિની કામ કરવાની અને બીજા પાસેથી કામ લેવાની રીત જુદી જુદી હોઈ શકે. સહકાર્યકર્તાઓ સાથે કામ કરતાં હોઈએ ત્યારે ઊંચા અવાજે કે ગુસ્સે થઈને કે સત્તાના ભાવથી કામ ન લેવું જોઈએ. આ જ વસ્તુ જે તે વ્યક્તિને બરાબર સમજાવીને અને સામી વ્યક્તિની વાત સાંભળીને વિનમ્રતા સાથે પણ વાત કરી શકાય અને એમની પાસેથી સહજભાવે કાર્ય કરાવી શકાય.’

આવા જ ગુણો અને આવી જ લાક્ષણિકતા શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજમાં ભારોભાર ભર્યાં હતાં. એનાથી ઘણા ભક્તો પરિચિત છે. અમારાં પ્રશ્ન અને મુંઝવણના ઉત્તરમાં અમારે કેવો અભિગમ રાખવો એ વિશે એમણે વાત શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના આ બે શ્લોક ટાંકીને સમજાવી હતી :

‘यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत्।
यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम्॥

હે કુન્તીપુત્ર! તું જે કરે, જે ખાય, જે હોમે, જે આપે, જે તપ કરે, તે બધું મને અર્પણ કર. (૯.૨૭)

कार्पण्यदोषोपहतस्वभावः
पृच्छामि त्वां धर्मसम्मुढचेताः।
यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे
शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्॥

દીનતાના દોષથી નષ્ટ સ્વભાવવાળો અને ધર્મમાં મૂઢચિત્તવાળો હું આપને પૂછું છું, મારે માટે જે નક્કી કલ્યાણકારી પથ હોય, તે મને કહો. હું તમારો શિષ્ય છું, શરણે આવેલા મને ઉપદેશ આપો. (૨.૭)

એટલે સંસ્થામાં દૈનંદિન જે ગરીબોનું કાર્ય કરો છો તે તમારા ઈષ્ટપ્રભુને અર્પણ કરતા રહો. બીજા શ્લોકનો ભાવ મનમાં રાખીને પ્રાર્થનામય બનીને ઈશ્વર જે રસ્તો સુઝાડે તે પ્રકારે નિર્ણય કરવો.’

સાધકે નાના મોટા દરેક કાર્ય આવી પૂજાભાવના રાખીને કરવું જોઈએ, એમ સ્વામીજીના કર્મયોગમાં વાંચેલું. કર્મયોગનું જીવતું જાગતું ઉદાહરણ શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે એક ઘટના-પ્રસંગમાં પૂરું પાડ્યું હતું :

અમે બધા બેલૂર મઠના એમના નિવાસ સ્થાને બેઠા હતા. ઓચિંતાની વીજળી ગઈ, અંધારું થયું. અમારા ત્રણેક વર્ષના પુત્રના નાકમાં આ અંધારામાં ગફલતથી ખારીશિંગનો દાણો જવાથી તેને તકલીફ થવા લાગી. એક તો અંધારું અને વળી એમની દૃષ્ટિ થોડી નબળી પણ ખરી. થોડા સમય પહેલાં એક ભક્તે પ્રાથમિક સારવારનાં સાધનોની પેટી આપી હતી. એ પેટી અંધારામાં જઈને લઈ આવ્યા. આ પેટીમાંના ચિપિયાની મદદથી શિંગદાણો બહાર કાઢ્યો અને બાળકને પીડામુક્ત કર્યો. પહેલી નજરે તો આ નાનું અને ક્ષુલ્લક કામ લાગે. પણ આવા નાના કામમાં પણ પૂરતી ચોક્કસાઈ રાખીને કરીએ અને એ બધું ઈશ્વરને અર્પણ કરી દઈએ એવો ભાવ રાખવો એ કોઈ પણ સેવાકાર્યમાં કેટલો મહત્ત્વનો છે એ વાત અમને ત્યારે સમજાઈ.

એક બીજા પ્રસંગમાં એમની નિર્લેપતા અને ઉદારતાનાં દર્શન અમને થયાં. અમે સહકુટુંબ બેલૂર મઠમાં હતા. અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં રામકૃષ્ણ મિશનની નવી શરૂ થયેલ હોસ્પિટલમાં અગાઉથી નક્કી કર્યા મુજબ ત્યાં રહીને અમારે સેવાકાર્ય કરવાનું હતું. વહેલી સવારે નીકળવાનું હતું પણ આગલી રાત્રે સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે ઈટાનગરની શાળામાં તોફાન થયું એવા સમાચાર રેડિયો પર સાંભળ્યા. મોડી રાત્રે એમણે નિર્ણય કર્યો કે બાળકો અને કુટુંબ સાથે ઈટાનગર જવું હિતાવહ નથી; એટલે ત્યાં જવાનું માંડી વાળવું. મિશનનું હિત હૈયે હોવા છતાં હોસ્પિટલમાં કામ કરનારની ચિંતા તેમનાં પત્ની અને બાળકોની સચિંત કાળજીને લીધે એમણે આ નિર્ણય લીધો. આ પ્રસંગ પરથી અમે આટલો બોધપાઠ લીધો કે કોઈ પણ સેવાકાર્યમાં જોડાયેલા અને એ કાર્યમાં મગ્ન રહીને કામ કરતા કાર્યકરોની કૌટુંબિક આવશ્યકતાઓ, સમસ્યાઓ પ્રત્યે પણ ધ્યાન રાખવું જરૂરી છે. સંસ્થાનાં વિવિધ કાર્યોમાં આદર્શ અને વ્યવહાર વચ્ચે સમુચિત સમતોલન પણ જાળવવું જોઈએ. આને લીધે સમયે સમયે સામાન્ય જનોનાં કલ્યાણ કાર્યોમાં નવી પેઢી જોડાતી રહે છે.

આવી રીતે શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે આ ભાવધારાને વ્યાપક રૂપ અને એને અનુરૂપ અભિવ્યક્તિ આપી. આને લીધે ઘણાં ખાનગી કેન્દ્રો, સેવારુરલ જેવી સંસ્થાઓ વધારે સ્પષ્ટતા અને દૃઢતાથી આ પ્રવાહમાં ભળ્યાં. સ્વામીજીના વ્યાપક અને દૂરંદેશી રાષ્ટ્ર જાગરણના સ્વપ્નમાં બીજા અનેક રંગો પૂરવાની તક પણ મળી. ગરીબો, આદિવાસીઓ અને મહિલાઓની આર્થિક ઉન્નતિના પલ્લીમંગલ યોજના હેઠળ પશ્ચિમ બંગાળમાં ચાલતા મઠ-મિશનના કાર્યક્રમોમાં સ્વામીજીના ઉપર્યુક્ત આદર્શનું આપણને દર્શન થાય છે. શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ અને રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસીઓના પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ અમે સૌ કાર્યકરો સાથે મળીને પોતપોતાની સમજશક્તિ પ્રમાણે સામાન્ય જનોનાં કલ્યાણ કાર્યો કરીને ધન્યતા અનુભવીએ છીએ.

સેવારુરલનું એક બીજું મિશન પણ છે, કાર્યપ્રણાલીમાં મૂલ્યનિષ્ઠાનો આદર્શ. આ કાર્ય સરળ નથી, પણ શ્રીરામકૃષ્ણદેવે કહ્યું છે તેમ સત્ય એ જ કળિયુગની તપસ્યા છે. એમ માનીને અમે ચાલીએ છીએ. આવી મૂલ્યનિષ્ઠાને કારણે ક્યારેક લોકો અમને અવ્યવહારુ પણ ગણે છે, એમનાં વ્યંગ, હાંસી કે મીઠી ટકોર પણ સાંભળવાં પડે છે. અન્યની સહાયથી થતાં આવાં કાર્યોમાં મૂલ્યનિષ્ઠાનો આગ્રહ કાર્યોને વિલંબમાં પાડે છે કે અશક્ય પણ બનાવી દે છે. પણ ક્યારેય અમે બાંધછોડ કરી નથી. અમારો આદર્શ એ હતો કે જો અભિગમ અને સાધનો સુયોગ્ય હશે તો ધ્યેય તો પ્રાપ્ત થવાનું જ છે. આવી સમજ અને શ્રદ્ધા સાથે અમે ૨૭ વર્ષથી પ્રયત્ન કરતાં રહ્યા છીએ. ક્યાંય આદર્શમાં બાંધછોડ કરીને અસત્યનો આશરો લીધો નથી એ અમારા માટે આનંદ અને ધન્યતાની વાત છે. ક્યારેક વણનોતરી મુસીબત આવી પડે તો એનો સામનો અમે સૌએ સાથે મળીને કર્યો છે.

આને લીધે સેવારુરલનાં કાર્યો અને એની કાર્યપ્રણાલીની ઉજળી છાપ સમાજમાં જળવાઈ રહી છે. જ્યારે જ્યારે રામકૃષ્ણ મિશનનાં બધાં સેવાકાર્યોની ઉજળી છાપની વાત સમાજમાં સાંભળીએ છીએ ત્યારે અમે પણ આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. મૂલ્યનિષ્ઠા જાળવવાના અમારા આગ્રહભર્યા વલણને આ રીતે આડકતરી રીતે પુષ્ટિ મળે છે.

સેવારુરલમાં વૈષ્ણવ, શૈવ, જૈન, સ્વામી નારાયણ ઉપરાંત ઈસ્લામ અને ખ્રિસ્તીધર્મના વિવિધ ઉત્સવો આનંદથી ઉજવાય છે. સર્વધર્મ સમન્વયની ભાવનાને ચરિતાર્થ કરવાનો અમારો આ નાનો એવો પ્રયાસ છે.

સ્વામીજીએ અમેરિકાથી લખેલા એક પત્રમાં ભાવાત્મક અભિગમ દ્વારા પ્રત્યેક રાષ્ટ્રમાં આ ત્રણ વસ્તુની આવશ્યકતા છે, એમ જણાવ્યું છે. (૧) શુભની શક્તિ વિશે સંપૂર્ણ પ્રતીતિ. (૨) ઈર્ષ્યા અને શંકાનો અભાવ. (૩) જે લોકો ભલા થવા કે ભલું કરવા પ્રયત્ન કરતા હોય તે સૌને સહાય કરવી. એક બીજે સ્થળે સ્વામીજીએ આમ કહ્યું છે : ‘… અને કદાચ આપણામાંથી દરેક વ્યક્તિગત રીતે ભલે પૂર્ણતા પ્રાપ્ત ન કરી શકે, પરંતુ સમૂહમાં, ખભેખભા મીલાવીને એકબીજાને સાનુકુળ તથા પૂરક બનીને જરૂર પડે ત્યારે એક બીજાનો પ્રતિકાર કરીને પણ પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય છે; અને એ જે હશે તે અનેક વ્યક્તિઓએ સામૂહિક રીતે હાંસલ કરેલ એકરાગિતા.’

સ્વામીજીએ અમેરિકામાં સંગઠિત બનીને પદ્ધતિસર કામ કરવાની વ્યવસ્થા જોઈ હતી અને તેનાથી ખૂબ પ્રભાવિત થયા હતા. સો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં એમણે સ્થાપેલ રામકૃષ્ણ મઠ-મિશનની ઉજળી છાપ એવી ને એવી આજે જળવાઈ રહી છે. અમે પણ સ્વામીજીના આ ઉદાત્ત વિચારોને ધ્યાનમાં રાખીને અને વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની કાર્યશક્તિની ભિન્નતા, એમનાં રુચિવલણને જાળવીને એક સહિયારો યજ્ઞ સેવારુરલનાં વિવિધ કાર્યો દ્વારા કરી રહ્યા છીએ. સૌને સાથે રાખીને, સૌનાં મન જાળવીને અમારું કાર્ય થાય છે. અને એટલે જ એ કાર્ય ક્યારેય મૃત:પ્રાય બનવાનું નથી. સૌનાં કૌશલ્ય, સૌનો સાથ-સહકાર સૌની ક્ષમતાનો સદુપયોગ કરીને અમે આ સેવાકાર્ય ચલાવી શકીએ છીએ. અમને ક્યારેય માન-અકરામ પુરસ્કાર કે એવૉર્ડ મળે તો એ પણ સંસ્થાને નામે જ સ્વીકારીએ છીએ. વિશ્વ આરોગ્ય સંસ્થાના સાસાકાવા અને અમેરિકાના મેકાર્થર એવૉર્ડ સેવારુરલને મળ્યા છે. રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કોલકાતા દ્વારા ૨૦૦૭માં વિવેકાનંદ મેડલ પણ અમારી સંસ્થાને મળ્યો છે. એના પ્રશસ્તિપત્રમાંના સ્વામીજીના વિચારો અને આદર્શો પ્રમાણે સેવારુરલે પોતાનું કાર્ય કર્યું છે અને એ કાર્યને આગળ ધપાવ્યું છે. સ્વામીજીએ કહ્યું છે: ‘સેવાભાવી સંસ્થાઓએ ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે છે – પહેલું, સૌથી પહેલાં વિરોધ થશે, બીજું, પછી લોકો તમારી ઉપેક્ષા કરશે, ત્રીજું, સ્વીકાર, તમારા કામનો સ્વીકાર કરીને તેની પ્રશંસા કરશે. આ ત્રીજા તબક્કામાં જ સૌથી વધારે સાચવવાનું છે.’ આ શબ્દો અમે હંમેશાં અમારી નજર સમક્ષ રાખીએ છીએ.

સંસ્થામાં કાર્યરત વ્યક્તિઓનો વ્યાપક અર્થમાં સ્વવિકાસ એ સેવારુરલનું મિશન છે. આ બધું અમે જાણ્યે અજાણ્યે રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાંથી શીખ્યા છીએ અને શીખતા રહ્યા છીએ. ‘આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ’ના આદર્શને અમારા જીવનમાં સાંકળવાનો પ્રયત્ન કરીએ છીએ. સ્વવિકાસ એટલે સશક્તિકરણ. સશક્તિકરણ એટલે દરેક વ્યક્તિની ભીતર સુષુપ્ત પડેલી શક્તિને ઢંઢોળીને, જગાડીને તેને પોતાના કુટુંબના, સમાજનાં હિત-કલ્યાણ અને શાંતિ માટે કાર્યાન્વિત કરવી. સ્વામીજીએ કહ્યું છે : શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી, આપણો દેશ બધા દેશથી નબળો અને પાછળ શા માટે છે? કારણ કે અહીં શક્તિનું અપમાન થાય છે; નારીઓની સ્થિતિ સુધરે નહિ ત્યાં સુધી જગતના કલ્યાણની કોઈ સંભાવના નથી, પંખી કંઈ એક જ પાંખે ઊડી શકે નહિ.’ સ્વામી વિવેકાનંદના આ આદર્શને અનુસરીને સેવારુરુલમાં છેલ્લાં પાંચેક વર્ષથી શારદા મહિલા વિકાસ સોસાયટીના નામ હેઠળ મહિલા વિકાસની પ્રવૃત્તિઓ ચાલે છે. સ્વામીજી અને ગાંધીજીના જીવનસંદેશને ધ્યાનમાં રાખીને બહેનો પોતે જ પોતાની રીતે અનુકૂળ કામનું માળખું બનાવીને પોતાના મૂળ ધ્યેયની દિશામાં આગેકૂચ કરતી રહે એવું વાતાવરણ ઊભું કરવાનો અમે પ્રયત્ન કર્યો છે.

અમારા સ્વવિકાસની વાત કરીએ ત્યારે આજે પણ એક વાત યાદ આવે છે. ૭૦ના દાયકામાં અમે જ્યારે ન્યુયોર્કમાં હતા ત્યારે ઝઘડિયાના સેવારુરલના કાર્યની કોઈ રૂપરેખા પણ અમારા મનમાં ન હતી. ન્યુયોર્કમાં રામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સેન્ટરના દર રવિવારે યોજાતા કાર્યક્રમમાં અમે ભાગ લેતા. એ રીતે ત્યાંના સ્વામી આદિશ્વરાનંદજી મહારાજના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા. તેઓ અમને વારંવાર કહેતા: ‘ભારતમાં જઈને કામની વણસમજી દોડમાં તમે તમારા જીવનધ્યેયને ચૂકી ન જતા. તમે કરેલાં કાર્યના પરિણામે મળેલ પ્રસિદ્ધિમાં ખોવાઈ ન જતા. જે કંઈ કરો તે બધું શક્ય તેટલું સારી રીતે કરવાનો પ્રયત્ન કરજો. તમે પહોંચી ન શકો અને તમારા આધ્યાત્મિક ધ્યેય માટે સમય ન રહે એ રીતે કામનો વધારે પડતો વિસ્તાર ન કરતા.’ આ વાત આજે યાદ કરીએ છીએ તો વિસ્તારની બાબતમાં અમે કદાચ કંઈક ચૂકી ગયા હોઈએ એવું લાગે છે. સેવારુરલના કામનો વિસ્તાર છેલ્લા ૨૭ વર્ષોમાં થોડો વધારે પડતો થઈ ગયો છે.

રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના અભિગમને કાર્યાન્વિત કરવાના અમારા સતત પ્રયત્નો છતાં પણ જાણે કે અમે હજી પાપા-પગલી કરી રહ્યા હોય એવું લાગે છે. અલબત્ત, આ ભાવધારાના વ્યાપક અને ગહન અર્થને અને એના મર્મને સમજવા-જોવા અને જાણવાની તેમજ એનાથી આકર્ષિત થવાની અને એના અનુસંધાને થોડા પ્રયોગો કરવાની અમને તક મળી એ અમારું ધનભાગ્ય છે.

છેલ્લા ત્રણ દાયકાથી પણ વધારે સમય દરમિયાન સેવેલાં સ્વપ્નો અને વિચારેલ આયોજન, તેમજ સેવાનાં અનેકવિધ કાર્યો અને કાર્યક્રમો કરતા રહીએ છીએ અને વીતેલા સમય તરફ એક નજર માંડી લઈએ છીએ; એ સમયે અનેક વિચારો આદર્શો અને ભાવો મનહૃદયમાં ઊભરી આવે છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને પ્રાધાન્ય આપીને કામ કરવાનાં પ્રેરણા, તક, સામર્થ્ય મળવાથી અમે ભારોભાર ધન્યતા અનુભવીએ છીએ. સ્વામીજીએ કરેલી કર્મયોગની આ વાત – ‘આ જગત કૂતરાની વાંકી પૂછડી જેવું છે. સેંકડો વર્ષ થયા લોકો એને સીધું કરવાની મથામણ કરી રહ્યા છે પણ જ્યારે એ એને છૂટું મૂકે છે ત્યારે એ પાછું વાંકુ થાય છે. એથી બીજું થાય પણ શું? માણસે અનાસક્ત રહીને કામ કરવાનું શીખવું જોઈએ. આપણે એ સમજવાનું છે કે આપણે સૌ જગતના દેણદાર છીએ, લેણદાર નથી. જગત માટે કંઈક કરી છૂટવાની તક મળી તે આપણને મળેલી વિશેષ તક છે. જગતને સહાય કરીને આપણે પોતાની જાતને જ સહાય કરીએ છીએ. જગત મોટી નૈતિક વ્યાયામ શાળા છે. આ વ્યાયામ શાળામાં આપણે સૌએ વ્યાયામ કરવાનો છે, જેથી આધ્યાત્મિક રીતે આપણે સબળ અને વધુ સબળ બનીએ.’

સેવારુરલમાં કામ કરતાં કરતાં આ મહાન સત્યનાં પારખાં અમે અનુભવીએ છીએ. ઘણા કાર્યકરો અને સમાજના ઘણા લોકોને સાથે રાખીને કામ કરતાં કરતાં સ્વામીજીના કર્મયોગનો સંદેશ અને રામકૃષ્ણના ‘જીવ્યે ત્યાં સુધી શીખતાં રહીએ’ને સતત નજરસમક્ષ રાખીએ છીએ.

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.