સ્વામી વિવેકાનંદે પશ્ચિમમાં નારીઓની સ્વતંત્રતા, સમાનતા, સમ્માનનીયતા, વ્યક્તિમત્તા વગેરે નિહાળ્યાં અને ભારતીય નારીઓની સ્થિતિ સાથે એના મનમાં સરખામણી કરવા લાગ્યા. એમના મનશ્ચક્ષુ આગળ વૈદિક સભ્યતાના કાળનો નારી સમાજ ખડો થયો. અને તે કાળની સ્ત્રીઓની ઉચ્ચતમ સ્થિતિ તેમણે નિહાળી પશ્ચિમની નારીઓની આજની સ્થિતિ કરતાં એ જરાપણ ઊતરતી ન હતી.

વૈદિકકાલીન સ્ત્રીઓની સ્થિતિ પુરુષો કરતાં જરાયે ઊતરતી ન હતી. ‘અર્ધાંગિની’ શબ્દ એનો મહિમા દર્શાવે છે. ‘દમ્પતી’ શબ્દ એક હોવા છતાં ‘પતિ-પત્ની’ બન્નેનો સમકક્ષ અર્થ બતાવે છે. ‘દમ’ શબ્દનો વૈદિક ભાષામાં ‘ઘર’ એવો અર્થ થાય છે અને એના ‘પતિ’ સ્વામી (માલિક) એ નર-નારી બન્ને છે એવો ફલિતાર્થ થાય છે. ‘ઘર’નો અર્થ ‘સમ્પત્તિ’ માનીએ તો પણ એનું ‘સ્વામિત્ત્વ’ બન્નેનું એકસમાન છે.

શતપથ બ્રાહ્મણ (૧૪, ૪, ૨, ૧, ૫)માં આવેલી નર-નારીની ઉત્પત્તિકથા પણ ઉપરની વાતની સાખ પૂરે છે. કથા કહે છે કે, ‘સૃષ્ટિને આરંભે ‘આત્મા’ જ હતો, એ ‘પુરુષ’ કહેવાતો ને સાવ એકલો હતો, તે બોલ્યો : ‘હું છું’ એટલે એનું નામ ‘અહમ્‌’ પડી ગયું. એને એકલતા અકારી લાગી એટલે એણે ‘બીજા’ની કામના કરી, એટલે એના પોતાના બે ટુકડા થયા અને એમ સ્ત્રી-પુરુષ બન્ને બન્યાં.’

આના કરતાં સમાનતાનો ભાવ અભિવ્યક્ત કરતો બીજો ક્યો અલંકાર હોઈ શકે? આ જ વૈદિક કથાનક સાંસ્કૃતિક આદાન-પ્રદાનને બળે બાઈબલમાં પણ પહોંચ્યું લાગે છે. એમાંયે ‘આદમ’ના એકલવાયા જીવનના અસંતોષથી ‘હવા (ઈવ)’ની ઉત્પત્તિ વર્ણવી છે.

આ વાત પ્રાચીનકાળની ભારતીય સ્ત્રીઓની ખૂબ ઊંચી સ્થિતિ હોવાનું સ્પષ્ટ પ્રમાણ છે. ભારતીય જીવનના આદર્શો સ્ત્રીરૂપે જ અભિવ્યક્ત થયા છે. વિદ્યાનો આદર્શ ‘સરસ્વતી’માં, સમ્પત્તિનો આદર્શ ‘લક્ષ્મી’માં, પરાક્રમનો આદર્શ ‘મહામાયા-દુર્ગા’માં, સૌન્દર્યનો આદર્શ ‘રતિ’માં, પવિત્રતાનો આદર્શ ‘ગંગા’માં, ઈશ્વરનો આદર્શ ‘જગદમ્બા’માં વ્યક્ત થયો છે. વેદકાલીન સ્ત્રીઓની આદરણીયતા, પૂજનીયતા અને પવિત્રતા આજે પણ ઠેકઠેકાણે દેવીપૂજાનાં રૂપમાં જોવા મળે છે. અને સ્ત્રીને ‘દેવી’નું સંબોધન અપાય છે.

કેવળ ભાવનામાં નહિ, વ્યવહારમાં પણ વૈદિક સ્ત્રી પુરુષ સમોવડી હતી. વિવાહ વખતે કુલવધૂને સંબોધી કહેવાયું છે (જુઓ અથર્વવેદ ૧૪.૧૪) ‘જે નવે ઘરે તું જાય છે, ત્યાંની તું સામ્ર્રાજ્ઞી છે, એ તારું રાજ્ય છે. તારા સસરા-નણંદ-દિયર-સાસુ-બધાં તને સામ્ર્રાજ્ઞી સમજીને આનંદ કરે.’ એ વખતે પડદાનો કે લાજ-ઘૂંઘટા કાઢવાનો રિવાજ ન હતો. વિવાહ પછી વડીલોને કુલવધૂનું મુખ નીરખવાનો વેદોમાં (અથર્વ ૧૪.૨૬) ચોખ્ખો આદેશ દેવાયો છે. બૃહદારણ્યકોપનિષદમાં ગાર્ગી વાચક્‌નવીની કથા છે. સર્વોત્તમ જ્ઞાનીની ખોજમાં રાજા જનકે સોનેરી શીંગડાંવાળી હજાર ગાયોને જે સર્વોત્તમ જ્ઞાની સાબિત થાય એને આપવાની ઘોષણા કરી ત્યારે યાજ્ઞવલ્કયે પોતાના એક શિષ્યને એ ગાયો પોતાને ત્યાં હંકારી જવાનો હુકમ કર્યો. એ વખતે ભરી સભામાં ગાર્ગી વાચક્‌નવીએ પુરુષોની વચ્ચે ખડી થઈને યાજ્ઞવલ્કયના જ્ઞાનની કસોટી કરવા ઘણા સવાલો પૂછ્યા હતા. પરદા કે ઘૂંઘટની પ્રથા મહાભારતકાળ સુધીમાં તો ક્યાંય દેખાતી નથી. શ્રીકૃષ્ણ સાથે લડાઈ ન કરવા માટે દુર્યોધનને ભીષ્મ, દ્રોણ વગેરેએ ખૂબ સમજાવ્યો પણ સફળ ન થયા ત્યારે ગાંધારીને રાજસભામાં બોલાવવાની વાત લખી છે, આ બધાં ઉદાહરણો ઘૂંઘટપ્રથાનો લેશ પણ બતાવતાં નથી.

વૈદિક સ્ત્રીઓનો સમ્પત્તિમાં પણ પુરુષ સમાન જ હક્ક હતો. એ વાત આપણે ‘દમ્પતી’ શબ્દના અર્થમાં કહી ગયા છીએ. તદુપરાંત સ્ત્રી માટેનો ‘સામ્ર્રાજ્ઞી’ શબ્દ પણ એ જ સૂચવે છે. તૈતરીય સંહિતામાં સ્ત્રીને માટે ‘પારિણાહ્ય’ શબ્દ છે. ‘પારિણાહ્ય’ એટલે ‘પરણતી વખતે સ્ત્રીને મળેલી સંપત્તિ’, એને ‘સ્ત્રીધન’ પણ કહેવામાં આવે છે. યાજ્ઞવલ્ક્યે સંન્યાસ લેતી વખતે પોતાની પત્નીઓ -મૈત્રેયી અને કાત્યાયની એ બંને વચ્ચે સંપત્તિના વિભાગ કરી દેવાનો પ્રસ્તાવ કર્યો હતો એવી વાત બૃહદારણ્યકમાં લખી છે.

શિક્ષણ ક્ષેત્રે પણ વૈદિકકાલીન સ્ત્રીઓ પાછળ ન હતી. યજુર્વેદ (૧૪/૪) પ્રમાણે તેઓ ઉચ્ચતમ શિક્ષણ મેળવતી હતી. ત્યાં સ્ત્રીને ‘સ્તોમ પૃષ્ઠા’ કહી છે એ શબ્દ સ્ત્રીઓની વેદસમ્બન્ધી જિજ્ઞાસા સૂચવે છે. વેદકાલીન સુલભા તો સુવિખ્યાત છે, સુલભાનો ‘એને શાસ્ત્રાર્થમાં હરાવનાર સાથે જ એ લગ્ન કરશે.’ – એવો સંકલ્પ હતો! કેટલું બધું એનું પાંડિત્ય હશે? સ્ત્રીઓના સર્વાંગીણ વિકાસનું વિવરણ વેદોમાંથી મળે છે. વેદમંત્રોના દ્રષ્ટા જેમ ‘ઋષિઓ’ હતા તેમ ‘ઋષિકાઓ પણ હતી. લોપામુદ્રા, સરમા, શ્રદ્ધા, રોમશા, વિશ્વવારા, અપાલા, યમી, ઘોષા વગેરે આવી ઋષિકાઓ હતી. એમણે વેદોનાં ગૂઢ રહસ્યોનો સાક્ષાત્કાર કર્યો હતો. શિક્ષારંભે કરાતો યજ્ઞોપવીત સંસ્કાર પુરુષોની પેઠે જ સ્ત્રીઓને પણ કરવામાં આવતો. પણ પછીના સ્ત્રીઓની અવનતિના દુર્ભાગ્યપૂર્ણ કાળમાં સ્ત્રીઓને અપાતો યજ્ઞોપવીત સંસ્કાર બંધ થઈ ગયો. એટલે જ તો કહ્યું છે કે ‘ब्रह्मचर्येण कन्या युवानं विन्दते पतिम्’ ‘બ્રહ્મચર્ય પછી કન્યા યુવાન પતિ મેળવે.’ હારિત કહે છે કે આવી બ્રહ્મચારિણીઓના બે ભાગ હતા : (૧) બ્રહ્મવાદિની અને (૨) સદ્યોવધૂ. બ્રહ્મવાદિની જીવનભર બ્રહ્મચર્ય પાલન કરતી અને અધ્યયન-અધ્યાપનમાં જીવન પસાર કરતી. જ્યારે ‘સદ્યોવધૂ’ પાકટ વયે બ્રહ્મચર્ય પછી વિવાહ કરતી. બધી કન્યાઓના ઉપવીત સંસ્કાર માટે પ્રસિદ્ધ શ્લોક આ છે : पुरा कल्पे तु नारीणां मौजीबन्धनमिष्यते। अध्ययनं च वेदानां सावित्री वाचनं तथा॥ અર્થાત્‌ – ‘પ્રાચીન સ્ત્રીઓ ઉપવીત ધારણા કરતી અને વેદાધ્યયન કરતી.’

આથી સ્વાભાવિક રીતે જ ફલિત થાય છે કે બ્રહ્મચર્ય સેવ્યા પછી ભણીગણીને પાકટ વયે જ સ્ત્રીઓ વિવાહ કરતી. આમ સ્ત્રી-પુરુષ વયમાં આવ્યા પછી પૂરી સમજણે પરણતાં. બાળલગ્નનું કલંક ત્યારે સમાજમાં ન હતું. ઋગ્વેદ (૧૦/૮૫/૪૦) સ્પષ્ટ રીતે કહે છે કે કન્યા સોમરૂપી વનસ્પતિરૂપ પ્રથમ પતિથી પહેલાં શરીરવૃદ્ધિ કરે, પછી ગંધર્વરૂપી લલિતકલારૂપ બીજા પતિથી કલાપ્રવીણ બને. ત્યાર પછી કન્યા અગ્નિરૂપી પ્રેમાત્મક – ભાવાત્મક પતિ દ્વારા લાગણીઓની કેળવણી પામે અને ત્યાર પછી છેલ્લે પુરુષરૂપ પતિને પરણે – આમાં કન્યાની સર્વાંગીણ વિકાસની અપેક્ષા રખાઈ છે અને એ માટે પાકટ ઉંમર સહજ સિદ્ધ થાય છે. આમાં બાલવિવાહ સંભવિત જ નથી.

વેદકાલીન નારીઓ આધ્યાત્મિક ક્ષેત્રે પણ ઘણી આગળ વધી હતી. બધી સંપત્તિ કાત્યાયનીને આપીને મૈત્રેયીએ યાજ્ઞવલ્કય પાસેથી ઊંચી આધ્યાત્મિકતા પ્રાપ્ત કર્યાની બૃહદારણ્યકોપનિષદની કથા તો ઘણી પ્રસિદ્ધ છે. ઐતરેય બ્રાહ્મણમાં સ્ત્રીને ‘સખા’ કહી છે અને યાજ્ઞવલ્કયની આ મૈત્રેયી (મિત્ર) એ બન્ને શબ્દો સ્ત્રીનું પુરુષ સમાનપણું સૂચવે છે.

કોઈપણ ધાર્મિક કાર્ય એ કાળે સ્ત્રી વગર અધૂરું જ ગણાતું. સૌ જાણે છે જ સીતા પરિત્યાગ પછી રાજસૂય યજ્ઞમાં શ્રીરામને સીતાની સોનાની મૂર્તિ રાખવી જ પડી હતી! રાજ્યાભિષેક વખતે પણ રાજા સાથે એની રાણી અવશ્ય બેસતી, વિવાહ વખતે પણ કન્યાનાં માતાપિતા સાથે જ કન્યાદાન કરતાં. જીવનનાં બધાં ક્ષેત્રોમાં નારીઓને પુરુષો જેટલી જ વિકાસની તકો મળતી. અલતેકર કહે છે કે બીજા બધા દેશોના પ્રાચીનકાળમાં સ્ત્રીઓની સ્થિતિ નિમ્નકોટિની હતી; પણ ભારતમાં તેથી સાવ ઊલટું, સ્ત્રીઓની સ્થિતિ ઉચ્ચતમ હતી.

ઘણા કાળ સુધી નારીઓની એવી ઉચ્ચતમ સ્થિતિ ભારતમાં રહ્યા પછી મધ્યકાળમાં ધીરે ધીરે એ સ્થિતિ નીચે ઊતરવા લાગી. મધ્યકાળમાં પુરુષોની નારી તરફની દૃષ્ટિ બદલવા લાગી. અને એની સાથોસાથ સમાજની અવદશા પણ શરૂ થઈ. મધ્યયુગે એક યુગાન્તર સર્જી દીધો. એનાં કારણ સ્ત્રીની શરીરરચના, પુરુષ કરતાં ઓછું શારીરિક બળ, સંતતિની ઉત્પત્તિ થવાથી રહેતી દૈહિક ક્ષીણતા, સગર્ભાવસ્થા અને પ્રસૂતિ વખતની એની પરાવલમ્બિતા વગેરે છે. પહેલાં એ કારણો સહજ અને તેથી ઉપેક્ષ્ય અને સહ્ય જ નહિ સન્માન્ય પણ ગણાતાં. પણ હવે મધ્યકાળના પૂર્વભાગમાં દુર્ભાગ્યે પુરુષની સ્ત્રી તરફની દૃષ્ટિ બદલાઈ ગઈ. હવે પુરુષ સ્ત્રીના રક્ષણના વળતર રૂપે એની પાસેથી અધિકારો છિનવવા લાગ્યો, એને પોતાની આશ્રિત માનવા લાગ્યો, ગૃહલક્ષ્મી યાચિકા બની ગઈ, સામ્ર્રાજ્ઞી આશ્રિતા બની ગઈ, સન્તાનોત્પત્તિનું યંત્ર બની ગઈ, માતા નોકરાણી બની ગઈ, શક્તિરૂપા અબલા થઈ ગઈ, કમાનાર મુખ્ય અને વ્યવસ્થાપક ગૌણ બની ગયાં. સમાજ પુરુષપ્રધાન બની ગયો. આમ સ્ત્રીના વિનિપાતનાં મંડાણ થયાં અને ધીરે ધીરે સ્ત્રીઓ ઉપર પુરુષોનો પૂરો અધિકાર થઈ ગયો. એનું સ્વાતંત્ર્ય, એનું વ્યક્તિત્વ બધું વિલુપ્ત થઈ ગયું. પુરુષોએ સ્ત્રીઓ માટે નવા આદર્શો, નવાં મૂલ્યો, સ્થાપિત કર્યાં અને આવી રીતે સ્ત્રીની સામાજિક અને પારિવારિક દશા અતિહીન થઈ ગઈ. મધ્યયુગની સ્ત્રીઓની આ અવદશાનો આલેખ મનુસ્મૃતિમાં ૯/૨-૩માં મળે છે. એમાં સ્ત્રીઓને પરતંત્ર રાખવાની, પુરુષોના તાબામાં રાખવાની વાત કરી છે. સ્ત્રીને કુમારાવસ્થામાં પિતા, યુવાવસ્થામાં પતિ અને વૃદ્ધાવસ્થામાં પુત્રના રક્ષણ તળે રહેવાની સલાહ અપાઈ છે.

સ્મૃતિઓ તો માત્ર પોતપોતાના જમાનાની સ્થિતિનું પ્રતિબિંબ પાડે છે અને જેમ જેમ સમાજમાં પરિવર્તન થતું રહે છે તેમ તેમ નવી નવી સ્મૃતિઓ ભારતમાં લખાતી આવી છે. મનુ પછી યાજ્ઞવલ્ક્ય, પરાશર, નારદ વગેરેની સ્મૃતિઓ આ જ રીતે અલગ અલગ દેખાતા તે તે કાળનું પ્રતિબિંબ છે એટલે સ્મૃતિઓનું મૂલ્ય તત્કાળ પૂરતું જ છે તે યાદ રાખવું. એ મધ્યકાલીન મનુસ્મૃતિમાં બતાવ્યા પ્રમાણે સ્ત્રીઓ અને શૂદ્રોને અધ્યયન પર પ્રતિબંધ ફરમાવ્યો. વિવાહોના વર્ગીકરણની માન્યતાએ તો સ્ત્રીઓને સાવ ભોગ્ય અને તુચ્છ બનાવી દીધી. બૌદ્ધધર્મે સ્ત્રીઓને ભિક્ષુણી બનાવવાની મનાઈ પછી માંડમાંડ જ્યારે અનુમતિ આપી, ત્યારે પણ પુરુષો કરતાં સ્ત્રીઓ ઉપર ઘણા ભારે નિયમો લદાયા હતા. ખુદ બુદ્ધની માતા મહાપ્રજાપતિ ગૌતમીએ ત્રણ ત્રણવાર સંઘપ્રવેશની આજ્ઞા માગી, પણ ત્રણેય વાર એ ઠુકરાવવામાં આવી હતી. પછી માંડ માંડ જ્યારે આજ્ઞા મળી ત્યારે પણ કડકમાં કડક આઠ નિયમો તેના પર લદાયા હતા! એમાં ગર્હિત પુરુષ-પ્રાધાન્ય સ્પષ્ટ જ છે બુદ્ધ પોતે પણ સ્ત્રીઓના એવા અધિકારમાં પરાણે સહમત થયા હતા! એમણે સ્ત્રીઓને રોગ સાથે સરખાવી છે. મધ્યકાલીન સાહિત્ય પણ એની સાખ પૂરે છે. સમાજમાં બહુપત્નીત્વની ઘૃણિત પ્રથા ચાલુ થઈ ગઈ હતી.

આમ હોવા છતાં ક્યાંક ક્યાંક ખારાપાટમાં વીરડીની માફક સ્ત્રીઓની ઉચ્ચતાનાં મૂલ્યો ઝબકતાં દેખાય છે. સ્ત્રીઓ વિષે ખૂબ ઘસાતું બોલનાર મનુને પણ કહેવું પડ્યું છે કે ‘જ્યાં નારીઓ પૂજાય છે, ત્યાં દેવતાઓ રમણ કરે છે.’ (૩/૫૬) – મધ્યકાલીન અર્ધનારીશ્વરની સંકલ્પના – શિવપાર્વતીના યુગલની ધારણા વૈદિક વિચારનું જ ફળ છે- ભલે પ્રતિબિંબ માત્ર રૂપે હોય. મધ્યકાલીન બૌદ્ધગ્રંથોમાં યે વૈદિક આદર્શના ચમકારા ક્યાંક ક્યાંક દેખાય છે ખરા! બૌદ્ધકાળમાં પણ સ્ત્રીઓ સંઘમાં પ્રવેશ કરવાનો પોતાનો હક્ક દાવો રજૂ કરી તો શકતી હતી જ! એ વખતે પાંચસો સ્ત્રીઓએ ભિક્ષુણી બનીને ધર્મક્ષેત્રે પોતાનું પુરુષોની સમાન જ પૂરેપૂરું સામર્થ્ય બતાવ્યું હતું. સુક્કા નામની નારીએ રાજગૃહમાં છટાદાર પ્રવચન કરીને અમૃતવર્ષા કરી હતી. તદુપરાંત, શ્રદ્ધા, ખેમા, વિશાલા, વગેરે ઉલ્લેખનીય છે આ જ કાળમાં મંડનમિશ્રની પત્ની વિદ્યાધરી (સરસ્વતી) શાસ્ત્રાર્થની મધ્યસ્થી કરે, શંકરાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કરે, એ તત્કાલીન મહિલાઓની પ્રતિભા દર્શાવે છે.

આ પ્રકારની સ્થિતિ ત્યાર પછીના રાજપૂત કાળ સુધી ટકી તો રહી પણ એનું જતન સ્ત્રીઓએ પોતાને એકલે હાથે જ કર્યું હતું. એટલે બહુધા સ્ત્રીઓની સર્વાંગીણ અવનતિના એ કાળે પણ પેલા વૈદિક આદર્શનાં અંતિમ કિરણો દેખા દે છે. અસ્ત તો સમીપ આવતો જતો હતો જ. આ અંતિમ કિરણોનું તેજ રાજપૂતાણીઓના દેશપ્રેમ, શ્રદ્ધાભક્તિ અને વીરતામાં વરતાય છે. રાણી દુર્ગાવતીનું દૃષ્ટાંત જગમશહૂર છે. ગઢપ્રદેશની એ નાનકડી રાણીના પુત્ર પર અકબરે હુમલો કર્યો. પોતાના બાળપુત્રને બચાવવા રાણીએ સેના તૈયાર કરી, સેનાપતિ બની, સમ્ર્રાટની સાથે આ નાનકડી રાણીએ યુદ્ધ કર્યું. એણે પરાજ્ય પામીને પણ આપઘાત કરીને વિજય મેળવ્યો. સ્ત્રી જાતિની અવનતિના સમયે પણ આવાં ખુમારીવાળાં વ્યક્તિત્વો જોવા મળે છે. એ જ રીતે થાણેશ્વર યુદ્ધમાં ચિત્તોડગઢની લડાઈમાં કિલ્લાના પતનના સમાચાર સાંભળી પાંચસો રજપૂતાણીઓએ જૌહર કરી આત્મબલિદાન આપ્યાની વાત સૌ જાણે છે. પોતાના પતિ-પુત્રને રણવાટ મોકલવા, હારતા સૈનિકોને ઉત્સાહ આપવા રાજપૂતાણીઓ તત્પર રહેતી. આમ છતાં સ્ત્રીઓની અવનતિ ઉત્તરોત્તર વધુને વધુ થતી જ જતી હતી. આ બધાં ઉદાહરણો તો ઉચ્ચ વૈદિક આદર્શનો ખંડેરો હતાં. આ ખંડેરો કેવળ ખંડેરો જ હતાં. સમયના વંટોળમાં એ છિન્નભિન્ન થઈ ગયાં. મધ્યકાળના ઉત્તરાર્ધમાં તો સ્ત્રીઓની અધોગતિનો અંધકાર એની ચરમસીમાએ પહોંચી ગયો! આમેય મધ્યયુગનો આ ઉત્તરાર્ધ સમાજ માટે કાળો યુગ જ હતો. સ્ત્રીઓ પરના અત્યાચારો વધ્યા. હવે સ્ત્રીઓની મનુષ્યમાં પણ ગણતરી કરવામાં નહોતી આવતી. બાલવિવાહ અને બહુપત્નીત્વ વધ્યાં. વૈદિક પ્રાચીન નારી અને ઉત્તરમધ્યયુગની નારીમાં આસમાન-જમીનનો ફરક પડી ગયો! બાલિકાઓનાં યુવાનો સાથે વિવાહ થતાં વિધવાઓની સંખ્યા વધી. વિધવાઓને પરાણે જીવતાં બળી સતી કરવાની પ્રથાઓ ચાલી, પરદો આવ્યો, ઘૂંમટો આવ્યો. સ્ત્રીઓ બધી રીતે અધમાધમ સ્થિતિમાં મુકાઈ ગઈ.

કોઈપણ વસ્તુ ચરમસીમાએ પહોંચે છે, તો ત્યાંથી એની પ્રતિક્રિયા, વિસંવાદ જન્મ લે છે. એટલે ઓગણીસમી સદીમાં સ્ત્રીજાતિએ પડખું બદલ્યું અને વીસમી સદીમાં પૂર્ણ પુનર્જાગરણ થયું. વહેમો, લાદેલા ખોટા રિવાજો, બાલવિવાહ, વૃદ્ધ વિવાહ, સતી પ્રથા, પરાણે પળાવાતા વૈધવ્યના કઠોર પ્રતિબંધો, બહુપત્નીત્વ, ઠોકી બેસાડેલી દાસ્યવૃત્તિ, બાલિકાને દૂધ પીતી કરવાની કુપ્રથા, ઘૂંઘટ-પરદાપ્રથા, વગેરેમાં સબડતી રીબાતી સ્ત્રીઓ ૧૯મી સદીના પ્રારંભ પૂર્વે અને પછીનાં થોડાં વરસો સુધી અકથ્ય વેદનાઓ વેઠતી રહી. તે કાળમાં પરિવારમાં એનું કશું મહત્ત્વ ન હતું; અનુલોમ લગ્ન કરવાની છૂટને લીધે અને પ્રતિલોમ લગ્નના પ્રતિષેધને લીધે ઉચ્ચવર્ણના પુરુષ માટે વિવાહક્ષેત્ર વ્યાપક બન્યું અને ઉચ્ચવર્ણની કન્યા માટે અત્યન્ત સાંકડું બની ગયું, વળી આર્થિક ઉત્પાદનના ક્ષેત્રમાં સ્ત્રીનું યોગદાન શૂન્ય થઈ ગયું. અને કુટુંબ પિતૃપ્રધાન હોવાથી સ્ત્રીઓને વિકાસની એક પણ તક મળતી ન હતી.

પણ ત્યાર પછી વીસમી સદીમાં સ્ત્રીઓની આ અવદશા સામે પ્રતિક્રિયા ઊભી થવા લાગી. એનું બાહ્ય કારણ ભારતીય લોકોનો પશ્ચિમી સંસ્કૃતિ સાથેનો સંપર્ક જણાય છે અને આંતરિક કારણ સમાજ સુધારકોનું આંદોલન. પંદરમી અને સોળમી સદીમાં આવેલા નવજાગરણના કાળમાં મધ્યયુગીન યુરોપનો સામાજિક ચહેરો અન્ય ક્ષેત્રોની સાથો સાથ બદલી નાખ્યો હતો. એવી જ રીતે એ જાગતી પ્રજાના સંપર્કે ભારતમાં પણ બધે એવું જ પરિવર્તન થવા લાગ્યું. આન્તરિક કારણમાં ૧૯મી સદીમાં ભારતમાં પણ સામાજિક સળવળાટ ઊભો થયો અને જાગૃતિ આવવા લાગી. અને સ્ત્રીઓમાં પણ આત્મસન્માનની ભાવનાનાં બીજો રોપાયાં. રાજા રામમોહન રાય, સ્વામી દયાનંદ સરસ્વતી વગેરેએ નારી જાગ્રતિમાં મહત્ત્વનો ફાળો આપ્યો. બાલવિવાહ, સતીપ્રથા, સામાજિક ઉત્પીડન દૂર થવા લાગ્યાં. કેશવચન્દ્ર સેન, ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર આદિનાં નામો પણ ઉલ્લેખનીય છે.

સ્વામી વિવેકાનંદે ભારતીય નારી વિષયમાં ખૂબ મનન અને મંથન કર્યું અને નારી ઉન્નતિનો એક રામબાણ ઉપાય શોધી કાઢ્યો. એ છે ‘શિક્ષણ’. એમણે પોતાનાં વિદેશી શિષ્યા ભગિની નિવેદિતાને સ્ત્રીઓ માટે શાળા સ્થાપવાનું કહ્યું. એણે ઘણાં નારીરત્નો ઉત્પન્ન કર્યાં – ઘરની ચાર દીવાલોમાંથી નીકળીને સ્ત્રીઓ સમાજનાં બહારનાં ક્ષેત્રોમાં આવી અને એનો જબરો ફાલ મહાત્મા ગાંધીજીએ ચલાવેલી સ્વાતંત્ર્ય ચળવળ અને રચનાત્મક કાર્યક્રમોમાં જોવા મળ્યો.

વીસમી સદીમાં મહિલાઓના કલ્યાણ માટે કેટલીક સંસ્થાઓ પણ રચાઈ. એમાં અખિલ ભારતીય મહિલા સમ્મેલન (૧૯૨૯), ભારતીય મહિલા રાષ્ટ્રીય સમિતિ (૧૮૭૫), વિશ્વ વિદ્યાલય મહિલા સંઘ (૧૯૪૯), ભારતીય ઈસાઈ મહિલા મંડળ (૧૮૭૫), શારદા મઠ (૧૯૫૯), કસ્તુરબા રાષ્ટ્રીય સ્મારક નિધિ (૧૯૪૫), અખિલ ભારતીય શિક્ષા ફંડ સંસ્થા (૧૯૨૯) વગેરેનો સમાવેશ થાય છે.

સરકારે પણ હવે સ્ત્રીઓને કાનૂની રક્ષણ આપ્યું છે. વૈધાનિક સમાનતા, સમાન મતાધિકાર, બાલવિવાહ નિષેધ, હિન્દુ વિવાહ કાનૂન, ઉત્તરાધિકાર, છૂટાછેડાનો કાનૂન, પૈતૃક વારસામાં પુત્રીનો અધિકાર વગેરે કાયદાઓ દ્વારા સ્ત્રીઓની સ્થિતિનું જતન કરવા પ્રયત્નો કર્યા છે.

આ રીતે સ્ત્રીઓ માટે વીસમી સદીમાં ઘણું ઘણું થયા છતાં હજુએ શા માટે આપણને અધિકાંશ સમાજમાં મધ્યયુગની અવનત દશાનાં જ દર્શન થાય છે? શા માટે આજેય ભૃણહત્યા જેવા ગુનાઓ સમાજમાં જોવા મળે છે? શા માટે સ્ત્રીઓમાં હજુએ વહેમો, રૂઢિવાદીપણું, સંકુચિતતા, વગેરે નજરે પડે છે? શા માટે આપણને બધાં જ સામાજિક ક્ષેત્રોમાં સ્ત્રીઓની અપેક્ષિત ભાગીદારી દેખાતી નથી? શા માટે સમાજમાં હજુ પણ કન્યાનો જન્મ અળખામણો લાગે છે? શા માટે કહેવાતું શિક્ષણ પામેલી કન્યાઓમાં લોકો સ્વચ્છંદીપણું જુએ છે?

આ બધા પ્રશ્નોના જવાબો શોધવા જરૂરી છે. એનો ઉકેલ પ્રમાણમાં ઠીક ઠીક રૂપે સ્વામી વિવેકાનંદના નારીઓને આપવા જોઈતા શિક્ષણ વિષયક વિચારોથી મળી શકે તેમ છે. કેવળ કાનૂનોથી કે ઉપરછલ્લા બાહ્ય સુધારાઓથી સ્ત્રીઓની ટકાઉ ઉન્નતિ થઈ શકે નહિ. એ માટે ‘શિક્ષણ’ – કેળવણીની જરૂર છે. પણ એ કેળવણી જે રીતની અપાવી જોઈએ તે રીતની સ્ત્રીઓ કે પુરુષોને આજે અપાતી નથી એ કોઈપણ સમાજ માટે મુખ્ય મુદ્દો છે. સ્વામીજી વિદેશમાં ગયા, ત્યાં તેમણે સ્ત્રીઓની સ્વતંત્રતા, ઓજસ્વિતા વગેરે જોયાં અને તત્કાલીન ભારતીય નારીની અવનત સ્થિતિને એની સાથે સરખાવી અને પછી ભારતીય નારીની ભૂતકાળની ભવ્ય સ્થિતિ પણ તપાસી. ક્રિસ્ટીન નોંધે છે કે તે વખતે સ્વામીજી ભારતીય નારી વિશે ખૂબ ચિંતન કરતા. એ ચિંતનની ફલશ્રુતિરૂપે એમણે કેટલાક ઉપાયો શોધ્યા તે આજે ઘણા જ પ્રસ્તુત લાગે છે. એમની સામે પૂર્વ-પશ્ચિમનાં બે વિરોધી સ્વરૂપો ખડાં હતાં. એનો સમન્વય થઈ શકે ખરો? એનો જવાબ સ્વામીજીના મનને અને મંથને ‘હકાર’માં આપ્યો. એ સમન્વયની ચાવી એમને ‘શિક્ષણ’માં મળી. આંતરિક જીવનને સમૃદ્ધ બનાવવું, મનને અને હૃદયને સુસંસ્કૃત અને સુસમૃદ્ધ બનાવવાં અને માનવને ‘પૂર્ણ માનવ’ બનાવવો એ જ ખરી કેળવણીનું લક્ષ્ય છે. આજે કેવળ માહિતી આપનારા કહેવાતા શિક્ષણમાં આવું કશું થતું નથી. મન-હૃદય-દેહનું સર્વાંગીણ શિક્ષણ આજે અપાતું નથી.

એ સર્વાંગીણ વિકાસનું સ્વરૂપ સાધતું શિક્ષણ પોતપોતાના દેશની સભ્યતા અને સાંસ્કૃતિક પરંપરાના પાયા ઉપર ચણાયેલું હોવું જોઈએ અર્થાત્‌ સ્ત્રીઓનું વ્યક્તિત્વ, એનું ઓજસ્‌, એની ખુમારી, એની શક્તિ એ બધાનો વિકાસ ભારતીય સંસ્કૃતિના પાયા પર અધિષ્ઠિત હોવો જોઈએ. આ રીતે ગુણોની ઓળખ એક જ હોવા છતાં દેશે દેશે એના સ્વરૂપમાં ફરક હોય છે. ભારતીય નારીનાં ઓજસ્‌, વ્યક્તિત્વ, સ્વાતંત્ર્ય વગેરે ગુણોનો, પશ્ચિમની નારીઓમાં રહેલા એ જ ગુણો કરતાં સ્વરૂપમાં તફાવત હોય છે અને કેટલીક વાર વિકાસ યોગ્ય ગુણોમાં પણ તફાવત પડે છે સ્વામીજીની નજરે ત્યાગ, પવિત્રતા, ધૈર્ય, દયા, સંતોષ અને સેવા જેવા આંતરિક ગુણોનો નારીના શિક્ષણમાં અનિવાર્ય વિકાસ કરવો જોઈએ.

નારીના શિક્ષણમાં પારિવારિક જીવન અને માતૃત્વનો મહિમા એ બન્નેને ભારતીય સંસ્કૃતિમાં મુખ્ય પાયા ગણવામાં આવે છે. આજે કહેવાતી શિક્ષિત નારીઓમાં ઉપરના બે પાયાનું ગંભીર શિક્ષણ અપાતું નથી અને એટલે જ બહુ શિક્ષિત ગણાતી આજની સ્ત્રીમાં ઘણી મોટી સમસ્યાઓ ઊભી થાય છે. આ સમસ્યાઓનો ઉકેલ ઉપરના બે પાયાઓની ભાવનાત્મક શિક્ષાથી નારીઓમાં લાવી શકાય, એમ સ્વામીજી માને છે. સ્વામીજી કહે છે :

‘મારા વિચારમાં પૂર્ણ બ્રહ્મચર્યનો આદર્શ પ્રાપ્ત કરવા દરેક જાતિએ માતૃત્વને ખૂબ આદર આપવાનો ખ્યાલ દૃઢ કરવો જોઈએ… માતાના રૂપમાં અમેરિકન સ્ત્રી ક્યાં છે? આપણને જન્મ દેનારી તપસ્વી-ઓજસ્વી એ માતાને તમે શું સન્માન આપ્યું છે? જરૂર પડ્યે સંતાનો માટે પ્રાણની આહુતિ આપનારી માતા ક્યાં છે? માતૃરૂપે સ્ત્રીનું હોવું અને એ રીતે પુરુષોની આંખે એનું દેખાવું એ ભારતની સંસ્કૃતિનું પ્રાણતત્ત્વ છે. ભારતની નારીઓ અને પુરુષોએ – બંનેએ જાણવાની અને જોગવવાની વાત છે.

અમેરિકામાં સ્વામીજી શિક્ષિત, સાહસી, દયાળુ અને પંખીની પેઠે સ્વતંત્ર સ્ત્રીઓને જોઈ દંગ થઈ ગયા હતા અને સાથોસાથ સ્ત્રીઓ પ્રત્યેની પોતાની જવાબદારીને નિષ્ઠાથી નિભાવતા પુરુષોને પણ એમણે જોયા હતા. એટલે ભારતમાં જ્યારે તેઓ નારી-ઉન્નતિની વાત કરે છે ત્યારે તે સ્ત્રી-પુરુષ બન્ને માટે મહત્ત્વ રાખે છે.

ભારતીય સ્ત્રીઓના મનમાં પોતે અસહાય – અબળા – પરાવલમ્બી હોવાની ગ્રંથિને સ્વામીજી ભારે શબ્દોમાં વખોડે છે અને એને દૂર કરવા ઇચ્છે છે. વાતવાતમાં આંસુ સારતી સ્ત્રીઓને તેઓ ઠમઠોરે છે છતાં ભારતીય નારીના મનના એક ખૂણે બેઠેલી નૈતિકતાને અને આધ્યાત્મિકતાને તેઓ વખાણે છે અને આધ્યાત્મિકતાહીન, નૈતિકતાવિહોણી પશ્ચિમી નારીઓની કેવળ બૌદ્ધિકતાને નિંદે છે. અને નારીઓની ઉન્નતિમાં આ બંનેનો સમન્વય ઇચ્છે છે.

ભારતીય નારીજીવનનાં પારંપરિક સાંસ્કૃતિક મૂલ્યોનો નાશ કર્યા વગર એ જ મૂલ્યોનો પરિષ્કાર, (કાલાનુરૂપ સ્વરૂપાન્તર) કરીને એ આદર્શો કાયમ રાખવાનું સ્વામીજી સૂચવે છે. પ્રાચીન મૂલ્યોનો સંશોધિત ઉપયોગ કરવાનો એમનો ઉપદેશ ભગિની નિવેદિતા આમ સ્પષ્ટ કહે છે :

‘મહિલાઓ આધુનિક વિજ્ઞાન અવશ્ય શીખે, પણ પ્રાચીન આધ્યાત્મિકતાનો નાશ કરીને નહિ,’ આ વિભાવના શ્રીશ્રીમાનાં દર્શન અને અનુગ્રહનું ફળ હતી.

સ્વામીજીના મતે સ્ત્રીઓ પોતાની સમસ્યાઓને સમજે, એનો ઉકેલ પુરુષોની મદદ વગર પોતે કરે, સંસ્થા સંચાલન અને પરિવાર સંચાલનમાં પાવરધી બને, પુરુષાવલમ્બી ન બને અને ભારતીય પરંપરિત સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરે અને પુરુષો સ્વેચ્છાથી કશીય શરત વગર એના સલાહ સહાય કરનાર બનશે. તે દિવસે ભારતીય સમાજમાં સોનાનો સૂરજ ઊગશે. ભારતીય નારીના આદર્શ સમાં શ્રીશ્રીમાના આશીર્વાદ નારીઓ ઉપર ઊતરો એવી પ્રાર્થના કરીએ.

Total Views: 157

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.