कृष्णास्तु कालिका साक्षात् राममूर्तिश्च तारिणी। वराहो भुवना प्रोक्ता नृसिंहो भैरवीश्वरी॥ धूमावती वामनः स्यात् छिन्ना भृगुकुलोद्भवः। कमलाव मत्स्यरूपः स्यात् कूर्मस्तु बगलामुखी॥ मातंगी बौद्ध इत्येषा षोडशी कल्किरूपिणी। (मुण्डमाला मंत्र)

પ્રાચીન શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ છે કે દસે દિશાઓમાં દસ મહાવિદ્યાઓ વિરાજમાન છે. પ્રત્યેક વિદ્યાને વિષ્ણુના અવતાર સાથે અનુબંધ છે.

(૧) ભગવતી કાલી : અજ્ઞાનના અંધકારને દૂર કરનાર આ પ્રથમ મહાવિદ્યા છે. કાલી કૃષ્ણમૂર્તિ છે. તંત્રોમાં એને પ્રાણવાયુ કહેવાય છે. (૨) તારા : આ મહાવિદ્યા નીલવર્ણા છે. તેઓ જ્ઞાન, અક્ષરબ્રહ્મના અધિષ્ઠાત્રી છે અને રામની સાથે તેમનો અનુબંધ છે. (૩) ત્રિપુરા સુંદરી : આ મહાવિદ્યાને મંગલ ગૌરિ પણ કહે છે. તેઓ જમદગ્નિ સાથે અનુબંધ ધરાવે છે. તેઓ ત્રિભુવન પર રાજ્ય કરે છે અને બ્રહ્માંડનું તથ્ય છે. (૪) ભુવનેશ્વરી : તેઓ વાક્‌દેવી છે. એમને રાજરાજેશ્વરી પણ કહેવાય છે. ભુવનેશ્વરી વરાહની સાથે અનુબંધ ધરાવે છે. (૫) ભૈરવી : તેઓ ક્રિયાશક્તિ છે. તેઓ રુદ્રની સંગિની અને તપસ્‌ની દેવી છે. તેઓ નરસિંહ ભગવાન સાથે અનુબંધ ધરાવે છે. (૬) છિન્ન મસ્તા : પોતાનું લોહી રેડીને સાધકની જ્ઞાન તૃષાને તૃપ્ત કરે છે. તેઓ બલિદાનનું રૂપ છે અને પરશુરામ સાથે અનુબંધ ધરાવે છે. (૭) ધૂમાવતિ : તેઓ શૂન્ય દર્શાવે છે અને આદિ શૂન્યનો અંધકાર છે. તેઓ વામન રૂપ સાથે અનુબંધ ધરાવે છે. છાંદોગ્ય ઉપનિષદ પ્રમાણે ભૂમ વિદ્યા સાથે અનુબંધ ધરાવે છે. (૮) બગલામુખી : વાક્‌-વાણીના દેવી છે. તેઓ આધ્યાત્મિક શક્તિને પ્રદર્શિત કરે છે. તેઓ સ્તંભકારિણી છે અને કચ્છપ સાથે અનુબંધ ધરાવે છે. (૯) માતંગી દેવી : પરાવાક્‌ શક્તિ છે. સાક્ષર, સંગીતજ્ઞ, કવિઓ માટે સાધ્ય છે. તેઓ ભગવાન બુદ્ધની સાથે અનુબંધ ધરાવે છે. (૧૦) કમલા : તેઓ સૌંદર્યની દેવી છે. તેઓ સાધકની નિર્ધનતાને દૂર કરે છે. તેઓ મત્સ્યરૂપ સાથે અનુબંધ ધરાવે છે. દૂર્ગા કલકીની સાથે અનુબંધ ધરાવે છે.

આ દશેય મહાવિદ્યા વિશે સંક્ષિપ્ત પરિચયાત્મક નોંધ ક્રમશ: આપીએ છીએ.

(૧) ભગવતી કાલી

કાલી પ્રથમ મહાવિદ્યા છે. ષડ્‌દર્શન એમને જાણી શકતાં નથી. તેઓ ઇચ્છામયી છે અને પોતાની ઇચ્છાથી ઘટઘટમાં રહેલાં છે. આ વિરાટ બ્રહ્માંડ કાલીના ઉદરમાં રહેલું છે. યોગીઓ એમનું ષડ્‌ચક્રમાં મનન કરે છે. કાલી પદ્મવનમાં હંસ સાથે હંસિનીરૂપે રહે છે. તેઓ શિવની શક્તિ, પુરુષની પ્રકૃતિ અને બ્રહ્મની માયા છે. અચેત, નિષ્ક્રિય બાહ્યજગતથી અનભિજ્ઞ એવા શિવજી કાલીના પગતળે છે. આ સૃષ્ટિ એની લીલા છે. મા કાલી જ બ્રહ્મ છે અને બ્રહ્મ જ મા કાલી છે. જ્યારે નિષ્ક્રિય બને છે ત્યારે બ્રહ્મ કહેવાય છે. જ્યારે સૃષ્ટિ-સ્થિતિ-લય કરે છે ત્યારે તેઓ શક્તિ કહેવાય છે. એક મત પ્રમાણે આરંભમાં જ્યારે બ્રહ્મની ચેતના જાગ્રત થઈ ત્યારે એમનો કાળ સાથે કોઈ સંદર્ભ-સંબંધ ન હતો. આ ચેતનાનો વિસ્તાર થયો અને એની સાથે સૃષ્ટિની રચના થઈ અને બ્રહ્મની શક્તિ અંતર્ભૂત થઈ. આ શક્તિ ચૈતન્યમાંથી સ્થૂળ દૃષ્ટિમાં પરિવર્તિત થાય છે અને કાળ કહેવાય છે. એ કાળમાં અંતે પ્રકૃતિ વિલીન થાય છે. 

દૈત્યનો વધ કર્યા પછી પણ દેવતાઓ દ્વારા પ્રાપ્ત તેજથી કાલીનું સંહારનૃત્ય ચાલુ રહ્યું. આ તેજ અને શક્તિને ક્ષીણ કરવા શિવજી કાલીની સામે આવી ગયા. કાલીનો એક પગ અજાણતાં જ શિવજીના વક્ષ:સ્થળ પર પડ્યો ત્યારે સંકોચ અને શરમના ભાવથી કાલીની જીભ બહાર નીકળી ગઈ. શિવજી કાલીના પગતળે છે અને એમની નજર કાલી પર મંડાયેલી છે. શિવજી પોતાની શક્તિના હિસાબે આ સૃષ્ટિની રચના કરે છે.

આકાશ જ કાલીનો પોશાક છે. અરે! શક્તિને વળી વસ્ત્રોની માયામાં કેવી રીતે બાંધી શકાય? એમનો કાળો વર્ણ જ બધા રંગને પોતાની ભીતર સમાવી લે છે. એ અપ્રત્યાસિત સૃષ્ટિના ગર્ભનું પ્રતીક છે. અહીંથી સંપૂર્ણ સૃષ્ટિનું ઉદ્‌ગમન થાય છે અને અંતે એમાં જ બધું સમાઈ જાય છે. કાળા રંગની છાયા કે નગ્નતા જીવના જીવનની વાસ્તવિક કડવાશોને પ્રદર્શિત કરે છે. આ કટુતા જીવના જીવનની સુંદરતા સાથે સદૈવ સંલગ્ન રહે છે. પરંતુ જીવ એને વારંવાર નકારવાનો પ્રયત્ન કરે છે. કાલીના કેશ અસીમિત સ્વતંત્રતાનું પ્રતીક છે. હવાની જેમ મુક્ત છે અને સમયકાળના બંધનથી પર છે. મા કાલીનો પ્રત્યેક કેશ જીવ છે અને એના આત્માનું મૂળિયું મા કાલીમાં છે.

તેઓ ત્રિનેત્રા છે. ત્રણ નેત્રો રૂપે તેઓ સૂર્ય, ચંદ્ર અને અગ્નિ અર્થાત્‌ બ્રહ્માંડને ધારણ કરી રહી છે. સાથે ને સાથે ભૂત-વર્તમાન અને ભવિષ્યના રૂપે કાળ પણ એમાં જ રહેલો છે. એમના ગળામાં એકાવન મુંડની માળા છે. એકાવન સંસ્કૃતના વર્ણોનું પ્રતીક છે. આ વર્ણોમાંથી શબ્દ નીકળે છે અને રૂપ પણ પ્રગટ્યું છે. જે નાદબ્રહ્મ કાલી ધારણ કરે છે તેને આ વર્ણો દર્શાવે છે. દેહત્યાગ પછી જીવ સૂક્ષ્મ શરીરમાં આવી જાય છે અને માના વિરાટ રૂપમાં જ વિલીન થઈ જાય છે. મા પોતાના સંતાનોને મુંડમાલા રૂપે પોતાના ગળે લગાવીને રાખે છે. જીવનાં કર્મો પ્રમાણે મા તેને પુનર્જન્મ અર્પે છે. 

કમરમાં હાથનો કમરબંધ પહેર્યો છે. જ્યાં સુધી જીવને કર્તાનો બોધ રહે છે ત્યાં સુધી તે અહં ભાવથી મુક્ત થતો નથી. કાલી જીવને કર્મ, અહંભાવ, દેહબોધથી મુક્ત કરી દે છે. સૃષ્ટિનો પ્રલય થયે પણ બધાં કર્મો એમનામાં જ લીન થઈ જાય છે. મહાપ્રલયના સમયે મા સૃષ્ટિરચનાનાં બીજ એકઠાં કરી લે છે. વળી તે સમય આવ્યે સંસારને જન્મ આપે છે. વેદોમાં ઊર્ણનાભની વાત આવે છે. ઊર્ણનાભ એટલે કે કરોડિયો પોતાની ભીતરથી જ જાળની લાળ કાઢે છે અને એની ઉપર રહે પણ છે. એવી જ રીતે મા કાલી સૃષ્ટિની રચના કરે છે અને એમાં જ રહે છે. તેઓ સંસારના આધાર અને આધેય બંને છે.

દેવીના એક હાથમાં કટાર અને બીજા હાથમાં રક્તબીજ નામના રાક્ષસનું કપાયેલું માથું છે. આ એ દર્શાવે છે કે મા કાલી જીવની આસુરી પ્રકૃતિઓનો નાશ કરે છે. લાલ જીભ રજોગુણનું પ્રતીક છે. પોતાની લાલ જીભને મા કાલીએ સફેદ દાંતે દબાવી રાખી છે. સફેદ રંગ સત્ત્વગુણનું પ્રતીક છે, અર્થાત્‌ દેવી રજોગુણને સત્ત્વગુણથી નિયંત્રિત કરે છે. બાળકોનાં મુંડ કર્ણકુંડળના રૂપે જોવા મળે છે. તે એ દર્શાવે છે કે બાળક જેવા સરળ સહજ કૃતઘ્ન અને નિર્વિકાર સાધક દેવીને પ્રિય છે. માનું વક્ષ:સ્થળ અનાવૃત્ત છે અને તે વિશ્વ માતૃત્વના સ્નેહામૃતથી સૃષ્ટિનું પોષણ કરે છે. એમના સ્તનની અમૃતધારાનું પાન કરાવીને મા કાલી સાધકને તત્ત્વજ્ઞાન પ્રદાન કરે છે. અને એટલે જ તેઓ વિશ્વજનની કહેવાય છે. 

મા કાલીનું નિવાસસ્થાન સ્મશાન છે. સ્મશાન એટલે શવનું શય્યાસન. પંચભૌતિક રૂપ વિનાશશીલ છે અને કર્માશ્રિત છે, એ તેનો નિર્દેશ કરે છે. જીવે જગતની કામના અને વાસનાઓને છોડીને વૈરાગ્યનું અનુશીલન કરવું જોઈએ. બ્રહ્મજ્ઞાન માટે સાધકે પોતાના દેહ અને અહંનું બલિદાન આપવું જોઈએ. એટલે જ કાળ કે મૃત્યુ અવશ્યંભાવિ અને ન્યાયોચિત છે. કાળ જીવનાં શરીર અને અહંને નષ્ટ કરે છે અને તેને પરાધીનતા તેમજ દબાણથી ઉગારે છે. સાધકને આધ્યાત્મિક વિકાસ તેમજ વિસ્તાર તરફ લઈ જાય છે. આ કાળની શક્તિ છે અને તંત્રશાસ્ત્રની કાલી છે. એ કાળ એક નિશ્ચિત સંકલ્પ માટે નિર્માયાં છે. આ કાળ પછી જ શુભ સૃષ્ટિની રચના થાય છે અને આનંદ, પરમસુખ અને અંતે પરમમોક્ષનાં દ્વાર ખૂલી જાય છે. આને જ સંસાર મા કહીને પોકારે છે. એની સાધનાથી આત્મા અને પરમાત્માનું મિલન થઈ જાય છે.

(ક્રમશ:)

Total Views: 52

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.