ગુજરાતમાંથી વિદાય લેતા પહેલાં સ્વામીજી વડોદરાના દીવાન શ્રી મણિભાઈ જશભાઈને પણ મળ્યા હતા. તેઓ પવિત્ર અને ઉમદા ચારિત્ર્યના માણસ હતા. આ પહેલાં કચ્છના દીવાનપદે રહીને તેમણે મહેસૂલ, કેળવણી, સાફસફાઈ અને જાહેર આરોગ્ય જેવા વિભાગોમાં લોકકલ્યાણનાં અનેક સુધારક કાર્યો કર્યાં હતાં. વડોદરા રાજ્યમાં પણ મણિભાઈએ ઘણો મોટો પુરુષાર્થ કર્યો હતો. પરિણામે વિશેષ કરીને શિક્ષણના ક્ષેત્રમાં આ રાજ્યે પ્રશંસનીય પ્રગતિ કરી હતી. જો કે સ્વામીજી વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડને ક્યાં અને ક્યારે મળ્યા એની કોઈ માહિતી મળતી નથી, છતાં પણ ત્રિવેન્દ્રમના રાજકુમાર મહેન્દ્ર વર્માને એમણે પાછળથી આમ કહ્યું હતું કે તેઓ જેટલા જેટલા શાસક રાજવીઓને મળ્યા હતા તેમાંથી પોતાનાં કાર્યક્ષમતા, દેશપ્રેમ, ધગશ અને દૂરંદેશીપણાથી વડોદરા રાજ્યના મહારાજા શ્રી ગાયકવાડથી અત્યંત પ્રભાવિત થયા હતા.

સ્વામીજી જૈન શાસ્ત્રના સુખ્યાત વિદ્વાન મહુવાના વીરચંદ રાઘવજી ગાંધી (૧૮૬૪-૧૯૦૧)ને પણ મળ્યા હતા. વીરચંદ ગાંધીએ શિકાગોની ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભાગ લીધો હતો. તેઓ જૈન દર્શન શાસ્ત્રના પ્રતિભાવાન વ્યાખ્યાતા અને તજ્‌જ્ઞ હતા. આમ છતાં પણ ભારતીય દર્શનશાસ્ત્રની વિવિધ શાખાઓ તેમજ ભારતીય પ્રાચીન સંસ્કૃતિના મહાન ચાહક અને પ્રચારક તરીકે જાણીતા બન્યા હતા. ૩૭ વર્ષની યુવાન વયે વીરચંદ ગાંધીનું અવસાન થયું. પોતાના આ અલ્પઆયુ કાળમાં એમણે પોતાની માતૃભૂમિની સક્રિય સેવા કરી હતી. એમણે ભારતના પ્રાચીન ધર્મ, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના ભવ્ય વારસાનો સંદેશ સર્વત્ર ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્વામીજીના વૈશ્વિક ધર્મ સમન્વયના વિચારો અદમ્ય આધ્યાત્મિક શક્તિથી ભરપૂર ભર્યા હતા. સ્વામીજીના આ અગ્નિમંત્રોનો પ્રભાવ વીરચંદ ગાંધીએ પણ ચોક્કસ ઝીલ્યો હશે અને એટલે જ એમણે પોતાના અલ્પઆયુકાળમાં આવું જ કાર્ય કરી બતાવ્યું.

પોતપોતાના ભારત પરિભ્રમણકાળમાં સ્વામીજીના ઘણા ગુરુબંધુઓએ પણ પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી હતી. સ્વામી બ્રહ્માનંદજી, સ્વામી શિવાનંદજી, સ્વામી તુરીયાનંદજી, સ્વામી સારદાનંદજી, સ્વામી અખંડાનંદજી, સ્વામી ત્રિગુણાતીતાનંદજી, સ્વામી અદ્વૈતાનંદજી, સ્વામી અભેદાનંદજી, સ્વામી સુબોધાનંદજી અને સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજની પાવન ચરણરજથી ગુજરાતની ભૂમિ પવિત્ર બની છે. આ બધા મહર્ષિઓએ ગુજરાતનાં અમદાવાદ, વઢવાણ, લીંબડી, ભાવનગર, શિહોર, જૂનાગઢ, ગિરનાર, ભૂજ, વેરાવળ-સોમનાથ, પોરબંદર, નડિયાદ, દ્વારકા, માંડવી, નારાયણ સરોવર, પાલીતાણા અને વડોદરા જેવાં અનેક સ્થળોની મુલાકાત લીધી હતી. સ્વામી વિવેકાનંદની જેમ શ્રીરામકૃષ્ણદેવના ઉપર્યુક્ત સાક્ષાત્‌ સંન્યાસી શિષ્યો ગુજરાતના રાજા-મહારાજાઓ, દીવાનો અને સુપ્રસિદ્ધ પ્રબુદ્ધજનોના નિકટના સંપર્કમાં આવ્યા હતા. એને લીધે એમની વચ્ચે એક આધ્યાત્મિક બંધન બંધાયું હતું. એટલે જ સમયે સમયે ગુજરાતના વિભિન્ન પ્રદેશોમાં રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ આવતા-જતા રહ્યા અને તેમણે આ પરંપરાનો દીપ જલતો રાખ્યો. 

આપણે આગળ જોયું તેમ સ્વામી બ્રહ્માનંદજી સ્વામી સુબોધાનંદજી સાથે વૃંદાવન જતા રસ્તામાં ૧૮૯૦ના પ્રારંભમાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. બ્રહ્માનંદજી પોતાના સંસ્મરણોમાં લખે છે :

‘દ્વારકા થઈને અમે ત્યાંથી ૧૪ માઈલ દૂર આવેલ બેટ દ્વારકા ગયા. બેટ દ્વારકાથી પાછા ફરીને અમે હોડીમાં સુદામાપુરી (પોરબંદર) પહોંચ્યા. ત્યાર પછી અમે જૂનાગઢ ગયા. પછી અમે જૂનાગઢથી સાત માઈલ દૂર આવેલ અને પવિત્ર ગિરનારની તળેટીની નજીકના સ્થળે ગયા. ત્યાં બે દિવસ રહ્યા. પછી અમે ગિરનાર પર્વત પર ચડ્યા અને મહાશિવરાત્રીની રાત ત્યાં વીતાવી. ત્યાંથી અમે સીધા અમદાવાદ ગયા. (બ્રહ્માનંદ ચરિત, બંગાળી, સ્વામી પ્રભાનંદ, ઉદ્‌બોધન, ૧૯૯૫, પૃ.૮૬)

ભાવાવસ્થામય અવસ્થામાં રહેવાની પ્રકૃતિમાં અને સામાન્ય યાત્રાળુથી વિલક્ષણ સ્વામી બ્રહ્માનંદજી યાત્રાસ્થાનની આજુબાજુના આધ્યાત્મિક વાતાવરણ સાથે એક બની જતા. અવારનવાર તેઓ ભીતરના આધ્યાત્મિક જગતમાં ડૂબી જતા. જો કે તેઓ બહુ ઓછું બોલતા પણ એમની મુખમુદ્રા જ એમની ભીતર રહેલ આધ્યાત્મિકતાના પ્રદીપ્ત અગ્નિનો સ્પષ્ટ નિર્દેશ કરી દેતી. ઘણા લોકો એમના પ્રત્યે આકર્ષાયા હતા અને એમની સેવા કરવામાં તેઓ ગર્વ અનુભવતા. એમનું મન ભાવાવસ્થાની ઉચ્ચભૂમિકાએ વિહરતું રહેતું. તેઓ ભૌતિક સુખચેનથી ઉદાસીન રહેતા. બ્રહ્માનંદજીને કોઈ પણ ભેટ સ્વીકારવા રાજી કરવા અત્યંત કઠિન હતું. જ્યારે તેઓ અને સ્વામી સુબોધાનંદજી દ્વારકા ગયા ત્યારે તેમણે જોયું કે યાત્રાળુઓને પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવા માટે મુંડકાવેરો આપવો પડે છે. આ બંને સંન્યાસી પાસે રાતી પાઈ પણ નથી એ જોઈને એક અમીર વેપારીએ એમનો વેરો આપવા સૂચવ્યું; પણ બ્રહ્માનંદજીએ એ સ્વીકારવાનો ઇન્કાર કર્યો અને નજીકના સાગરમાં સ્નાન કરવાનું પસંદ કર્યું. પેલા વેપારી પર આનો એટલો બધો પ્રભાવ પડ્યો કે એણે પણ મુંડકાવેરો આપવાનો ઇન્કાર કર્યો અને એ બંને સ્વામીજીઓ સાથે જઈને સ્નાન કર્યું. તેમણે બંને સ્વામીજીઓને પોતાને નિવાસ સ્થાને રહેવા આમંત્રણ આપ્યું અને ત્રણ દિવસ સુધી એમની મહેમાનગતિ કરી. જ્યારે પેલા વેપારીએ તેમને પોતાની આગળની યાત્રા માટે પૈસા આપવાનું કહ્યું ત્યારે બ્રહ્માનંદજીએ એ સહાય સ્વીકારવાનો ઇન્કાર કર્યો. પછી એ વેપારીએ દેશના જુદા જુદા વિભાગોમાં પોતાના એજન્ટ વેપારીઓ હોય એમને નામે ઓળખાણપત્રો લખી આપવા સૂચન કર્યું કે જેથી તેઓ જ્યાં જાય ત્યાં તેમની સુખસગવડતા જળવાઈ રહે. પરંતુ બ્રહ્માનંદજીએ આવી સહાયનો પણ ઇન્કાર કર્યો અને કહ્યું: ‘મને કોઈની પાસેથી કશુંયે ખપતું નથી. મારો નાથ જ મારો સાચો આશરો છે. તેઓ જ મારી સંભાળ લેશે.’ પછી વેપારીએ એમને ભગવદ્‌ ગીતાની એક નકલ આપી. આ પુસ્તકનો એમણે રાજી ખુશીથી સ્વીકાર કર્યો. (ધ ઈટરનલ કંપેનિયન, ૧૯૫૩, પૃ.૪૩-૪૪)

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ કરી રહ્યા હતા તે સમય દરમિયાન સ્વામી અભેદાનંદજી, સ્વામી અખંડાનંદજી અને સ્વામી ત્રિગુણાતીતાનંદજી અવારનવાર તેમને મળતા. પોતાના નેતા અને ગુરુભાઈની સાથે તેઓ સારો એવો સમય ગાળતા. રાજસ્થાનના જયપુર, ઉદયપુર, ખેતડી અને માઉન્ટ આબૂની મુલાકાત પછી ૧૮૯૧ના પશ્ચાદ્‌ભાગમાં અભેદાનંદજી ગુજરાતમાં પ્રવેશ્યા. ગુજરાતનાં કેટલાંક સ્થળોની યાત્રા પછી તેમણે દક્ષિણ ગુજરાતમાં વહેતી નર્મદા નદીને વટાવી. અંતે તેઓ સૌરાષ્ટ્રના પોરબંદર પહોંચ્યા અને પોરબંદર રાજ્યના વહીવટદાર શંકર પાંડુરંગ પંડિતના મહેમાન બન્યા. તેમણે શંકર પાંડુરંગ પાસેથી સાંભળ્યું કે અંગ્રેજી ભાષાના જાણકાર સચ્ચિદાનંદ નામના એક બંગાળી સંન્યાસી થોડા સમય પહેલાં એમના ઘરે આવ્યા હતા. સચ્ચિદાનંદના શરીરનાં બાંધા, બાહ્ય દેખાવ અને વર્તન-વર્તણૂક વિશે સાંભળતાં તેમને નરેન્દ્રનાથની યાદ આવી ગઈ. અભેદાનંદજીના શાસ્ત્રોના ગહન જ્ઞાનથી ખુશ થઈને શંકર પાંડુરંગ પંડિતે એમના ઘરમાં થોડો વખત રહેવા વિનંતી કરી. ગુરુભાઈ નરેન્દ્રનાથની સાથે મિલન થશે એવું ધારીને અભેદાનંદજી પણ તેમને ત્યાં રહેવા સહમત થયા. થોડા દિવસ પછી તેમણે પંડિતની વિદાય લીધી અને જૂનાગઢ જવા નીકળ્યા.

જૂનાગઢ આવીને તેમણે માહિતી મેળવી કે સ્વામીજી મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠીના ઘરે છે. મન:સુખરામની વાત આપણે આગળના લેખમાં કરી ગયા છીએ. ઓચિંતાના પોતાના ગુરુભાઈ અભેદાનંદજીને જોઈને સ્વામીજીનો ચહેરો આનંદથી ચમકી ઊઠ્યો. તેમનો શ્રી ત્રિપાઠી સાથે પરિચય કરાવતા સ્વામીજીએ કહ્યું: 

‘આ મારા આધ્યાત્મિક બંધુ છે અને અદ્વૈત વેદાંતના મહાન નિષ્ણાત છે. હવે તેઓ તમારી સાથે શાસ્ત્રોની ચર્ચા કરશે.’

સ્વામીજીના આ સૂચનથી શરૂઆતમાં તો અભેદાનંદજી થોડા આશ્ચર્યમાં પડી ગયા પણ પોતાના પ્રિય ગુરુભાઈની આજ્ઞા માનીને તેમણે મન:સુખરામ સાથે સંસ્કૃતમાં અદ્વૈત વેદાંતના કેટલાક મુદ્દાઓ વિશે ચર્ચા આરંભી. શ્રીમાન ત્રિપાઠી પૂર્વપક્ષ રૂપે એક પછી એક પ્રશ્ન પૂછવા માંડ્યા અને અભેદાનંદજીએ તે પ્રશ્નોના એક પછી એક સહજસરળ રીતે ઉત્તર આપી દીધા. પોતાના ગુરુબંધુની આ સફળતાથી સ્વામીજીનો ચહેરો આનંદ અને ગર્વથી ચમકી ઊઠ્યો. મન:સુખરામ ત્રિપાઠીની વિનંતીથી અભેદાનંદ એમના ઘરે ત્રણચાર દિવસ સ્વામીજીની સંગાથે રહ્યા અને પછી તેઓ દ્વારકા જવા ઊપડ્યા. દ્વારકાધીશના મંદિરમાં ભગવાન કૃષ્ણનાં દર્શન કર્યા અને એક રાત ત્યાં ગાળી. ત્યાર પછી તેઓ પ્રભાસતીર્થ (સોમનાથ) જવા નીકળ્યા. અહીં તેઓ એક દિવસ રહ્યા હતા. પછી એમણે ત્યાંથી મુંબઈ જવાનું નક્કી કર્યું. જ્યારે તેઓ સમુદ્ર માર્ગે જવાનું વિચારી રહ્યા હતા ત્યારે એક ગુજરાતી વેપારી એકાએક તેમની પાસે આવ્યો, એમને પ્રણામ કર્યા અને વિનમ્રતાપૂર્વકની થોડી પૂછપરછ કરી એમને માટે મુંબઈ જવાની વહાણની ટિકિટ ખરીદી આપવાનું સૂચન કર્યું. (ધ કંપ્લીટ વર્ક્સ ઑફ સ્વામી અભેદાનંદ, વૉ.૧૦, ૧૯૭૦, પૃ.૭૫૭-૭૬૧)

૧૮૯૧ના અંતિમ ભાગમાં સ્વામી ત્રિગુણાતીતાનંદજી દ્વારકા ગયા. ત્યાંથી તેઓ પોરબંદર – સુદામાપુરી હોડીમાં બેસીને ગયા. તેઓ હાટકેશ્વર શિવમંદિરમાં ઊતર્યા હતા. અહીં તેઓ કેટલાક સંન્યાસીઓને મળ્યા. આ સંન્યાસીઓ પશ્ચિમના રણપ્રદેશમાં આવેલ હીંગળાજ માતાની કઠિન યાત્રાએ જવાનું આયોજન કરતા હતા. આ સ્થળ અત્યારે પાકિસ્તાનમાં છે. સંન્યાસીઓના સમૂહે વિચાર્યું કે કરાંચી સુધી હોડીમાં બેસીને જવું વધારે સરળ રહેશે અને પછી હિંગળાજ માતાનાં દર્શનાર્થે ઊંટ પર જવું જોઈએ. પણ આટલો ખર્ચ કોણ ઉપાડે? તેમણે પોરબંદરના દીવાન સાથે રહેતા એક વિદ્વાન બંગાળી સંન્યાસી વિશે સાંભળ્યું હતું. તેમણે ત્રિગુણાતીતાનંદજી સાથે ત્યાં જવાનું નક્કી કર્યું. તેઓ બંગાળી હતા અને એમની પાસે આર્થિક સહાય માટે વિનંતી કરવાની હતી. આ બંગાળી સંન્યાસી તો સ્વામીજી પોતે નીકળ્યા! તેઓ ત્રિગુણાતીતાનંદને ત્યાં જોઈને આશ્ચર્યમાં પડી ગયા. જ્યારે સ્વામીજીએ એમની મુલાકાત માટે વિગત જાણી ત્યારે એમણે ત્રિગુણાતીતાનંદજીને કહ્યું: ‘ભાઈ, હું કોઈની પાસે પૈસા માગી શકું નહિ. તમારી પાસે જે હોય તે એમને આપી દો.’ જ્યારે દીવાને આ બધું સાંભળ્યું ત્યારે પેલા યાત્રાળુઓની ઇચ્છા એમણે પૂર્ણ કરી.

ત્રિગુણાતીતાનંદજીએ સ્વામીજી સાથે ઘણા લાંબા સમય સુધી વાતચીત કરી અને પછી તેઓ હાટકેશ્વર મંદિરમાં પાછા ફર્યા. બીજે દિવસે જ્યારે તેઓ બીજા સંન્યાસીઓ સાથે નીકળવાના હતા ત્યારે સ્વામીજી ત્યાં આવ્યા અને એમને પોતાના નિવાસસ્થાને લઈ ગયા. ત્રિગુણાતીતાનંદજી દીવાનજીના ઘરે સ્વામીજી સાથે બે-એક દિવસ રહ્યા અને પછી સ્વામીજીની વિનંતીથી તેઓ જૂનાગઢ ગયા. અહીં તેઓ દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈને ત્યાં કેટલાક દિવસો રહ્યા. ત્યાર પછી ગુજરાતનાં બીજાં કેટલાંક સ્થળોની મુલાકાત લઈને રામકૃષ્ણ મઠમાં પાછા ફર્યા. તે વખતે બારાનગરમાંથી આલમબજારમાં મઠનું સ્થળાંતર થયું હતું. (ગોડ લિવ્ડ વીથ ધેમ, પૃ.૪૯૭)

૧૮૯૧ના પ્રારંભમાં સ્વામીજીએ મેરઠમાંથી પોતાના સંન્યાસી ગુરુબંધુઓથી છૂટા પડ્યા અને એકલા પરિભ્રમણ કરવાનો નિર્ણય કર્યો. સ્વામીજીની આવી રીતે એકલા પરિભ્રમણ કરવાની ઇચ્છા પાછળ કોઈ મહાન હેતુ હશે જ, એમ બધા સંન્યાસી બંધુઓ જાણતા હતા. આમ છતાં પણ સપ્ટેમ્બર, ૧૮૯૧માં અખંડાનંદજી વૃંદાવનમાં હતા ત્યારે સ્વામીજીની મળવા આતુર બન્યા. તેઓ જયપુર ગયા, ત્યાં તેમને કહેવામાં આવ્યું કે સ્વામીજી તો અજમેર નીકળી ગયા છે. અજમેરમાં એમને જાણવા મળ્યું કે સ્વામીજી તો અમદાવાદ જવા નીકળી ગયા છે. હવે અખંડાનંદજી સ્વામીજીને પકડી પાડવા આતુર બની ગયા હતા. ગમે તેમ કરીને તેઓ બીયાવર અને માઉન્ટ આબૂ થઈને અમદાવાદ પહોંચ્યા. ત્યાં તેમને સમાચાર મળ્યા કે સ્વામીજી વઢવાણ જવા નીકળી ગયા છે. પછી તેઓ ડાકોર, વડોદરા, ભરૂચની મુલાકાત લઈને ખંભાતના અખાતમાં એક ડૂબકી લગાડવા ઉપડ્યા. અહીં નર્મદાનદી મહાસાગરમાં ભળી જાય છે. અહીં નજીકના ગામડાના એક મજાના કુટુંબનું આતિથ્ય તેમણે માણ્યું. અખંડાનંદજીને ભોજન અને રહેવા માટે સારો ઓરડો આપ્યો હતો. ત્યાર પછી ઘરના બધા એમને એકલા ઘરે રાખીને ખેતરમાં લણણી કરવા ગયા. અજાણ્યા સંન્યાસી પરના તેમના શ્રદ્ધા-વિશ્વાસને જોઈને અખંડાનંદજીએ આનંદ સાથે આશ્ચર્ય અનુભવ્યું. જો કે આ ગ્રામ્યજનો થોડા દિવસ પહેલાં આવા સાધુના વેશમાં આવેલ કોઈ વ્યક્તિથી છેતરાયા પણ હતા.

ખંભાતના અખાતથી વડોદરામાં એક પખવાડિયું રોકાઈને તેઓ અમદાવાદ પાછા આવ્યા. પછી તેઓ વઢવાણથી જૂનાગઢ ગયા. એ વખતે એમને જાણવા મળ્યું કે ચાર-પાંચ દિવસ પહેલાં સ્વામીજી પોરબંદર થઈને દ્વારકા જવા ઉપડ્યા હતા. એટલે તેઓ પવિત્ર તીર્થ પ્રભાસ (સોમનાથ) ગયા અને ત્યાંથી સ્ટિમરમાં દ્વારકા જવા નીકળ્યા. દ્વારકામાં એમને સાંભળવા મળ્યું કે સ્વામીજી બેટદ્વારકા ગયા છે. બેટદ્વારકા દ્વારકાની નજીક આવેલ છે. અખંડાનંદજીએ રાત્રી દ્વારકામાં ગાળી અને પછી બેટ દ્વારકા ગયા. અહીં તેમને ખબર મળ્યા કે સ્વામીજી કચ્છના મહારાજાના આમંત્રણથી કચ્છના માંડવી ગયા છે.

સ્વામીજીને મળવા માટેની આતુરતા અને ખંત અખંડાનંદજીમાં એટલા બધા હતા કે જે જે તીર્થસ્થળોમાંથી તેઓ પસાર થયા એ બધાને જોવાનો એમને ભાગ્યે જ સમય મળ્યો હતો. માંડવીમાં જ્યારે તેમને સમાચાર મળ્યા કે સ્વામીજી રાજાની ઘોડાગાડીમાં બેસીને માંડવીથી ૮૦ માઈલ દૂર નારાયણ સરોવર જવા નીકળા છે ત્યારે તેમણે ત્યાં પગે ચાલીને જવાનો નિર્ણય કર્યો. રસ્તામાં અનેક મુશ્કેલીઓ વેઠતાં વેઠતાં અને ડાકુઓનો પણ ભેટો થયો હોવા છતાં અખંડાનંદ નારાયણ સરોવર પહોંચ્યા. ત્યાં એમને સમાચાર મળ્યા કે સ્વામીજી તો આશાપુરા જવા ઉપડી ગયા છે. હતાશ અને અત્યંત થાકેલા અખંડાનંદજી એ જ રાતે ટટ્ટુ પર સવાર થઈને આશાપુરા જવા નીકળ્યા. તેઓ નારાયણ સરોવર જીવતા પહોંચવા સદ્‌ભાગી હતા એમ કહેનાર ત્યાંના મઠાધિપતિ એમની સાથે જવા એક સિપાહીની વ્યવસ્થા કરી દીધી. રસ્તામાં પશ્ચિમના દરિયાકિનારે આવેલા કોટેશ્વર મહાદેવનાં દર્શન કર્યા અને થોડા જ સમયમાં આશાપુરા પહોંચ્યા. ત્યાં એમને સાંભળવા મળ્યું કે અહીંથી સો-એક માઈલ દૂર માંડવીની નજીકમાં ક્યાંક સ્વામીજી છે. હવે દરેકેદરેક ગામડે એમને એક ટટ્ટુ અને માર્ગદર્શક સિપાહી પણ આપવામાં આવતા. રણપ્રદેશમાં દિવસો અત્યંત ગરમીવાળા હોય છે એટલે તેઓ રાતના ચંદ્રના પ્રકાશમાં મુસાફરી કરતા અને એ ઘણી વખત ડાકુઓ સાથે ભેટોય થઈ જતો. અંતે અખંડાનંદજીએ વિશાળ રણપ્રદેશ વટાવ્યો. મોટે ભાગે તેઓ ઘોડા પર કે ઊંટ સવારી કરતા. ઘણી નિદ્રાવિહીન રાત્રીઓ પછી તેઓ માંડવી પહોંચ્યા. ત્યાં તેમને સુખદ સમાચાર મળ્યા કે સ્વામીજી એક ભાટિયા શેઠના ઘરે ઊતર્યા છે. એક બીજી હકીકત એમ કહે છે કે એમને સ્વામીજી માંડવીના ગોકુલ ગોસ્વામીનાં શિષ્યા કેસરબાઈના ઘરે મળ્યા હતા. સ્વામીજી કૃષ્ણકથા સાંભળવા ત્યાં ગયા હતા. (‘સ્વામી અખંડાનંદ એઝ વી સો હીમ’ – ૨૦૦૪, પૃ.૪૯)

આપણે જોયું કે અખંડાનંદજીના માંડવીમાં આગમનના થોડા દિવસ પહેલાં અકસ્માતે સ્વામીજી ત્રિગુણાતીતાનંદને પોરબંદરમાં મળ્યા હતા. એ વખતે એમણે તેમને ખાસ ચેતવ્યા હતા કે પોતાના કોઈ પણ ગુરુબંધુઓને અને એમાંય વિશેષ કરીને ગંગાધર (અખંડાનંદ)ને પોતે ક્યાં છે એનો ઈશારો થવો ન જોઈએ. એક દિવસ સ્વામીજીએ સ્પષ્ટપણે કહી દીધું: ‘વારુ, ગંગા! મારી યોજના એવી છે કે એમાં તમારામાંના કોઈ પણ મારી સાથે હોય તો પાર નહિ પડે.’ બીજે જ દિવસે સ્વામીજી ભૂજ જવા ઉપડ્યા. અખંડાનંદજી એક દિવસ પછી ભૂજ જવા નીકળ્યા. સ્વામીજીને હવે ખાતરી થઈ કે અખંડાનંદજી એમના સ્વાતંત્ર્યમાં આડખીલીરૂપ નહિ બને એટલે એમણે બંનેએ ભૂજમાં બેએક દિવસ સાથે ગાળ્યા અને વળી પાછા માંડવીમાં મળ્યા.

એક દિવસ દક્ષિણેશ્વરમાં સ્વામીજીએ પોતાના ગુરુદેવના મુખેથી દિવ્યસંદેશના આ ઉદ્‌ગારો સાંભળ્યા હતા : ‘માનવ પ્રત્યે માત્ર દયા નહિ, પરંતુ માનવમાં રહેલા પ્રભુની સેવા.’ આ ઉદ્‌ગારોના ગહન મહત્ત્વ અને સંકેત સમજીને સ્વામીજીએ કહ્યું હતું: ‘જો પ્રભુ આવું ઇચ્છતા હશે તો મેં આજે જે કંઈ સાંભળ્યું છે તેનો સંદેશ સમગ્ર વિશ્વમાં વિદ્વાનોને અને અજ્ઞાનીઓને; અમીર અને ગરીબોને; બ્રાહ્મણોને અને ચાંડાલોને આપીશ.’ 

જ્યારે માંડવીમાં અખંડાનંદજીએ સ્વામીજીને જોયા ત્યારે તેમને સમજાઈ ગયું કે એ પવિત્ર દિવસ આવી ચૂક્યો છે. તેમણે સ્વામીજીમાં અનન્ય અને અપ્રતિરોધ્ય દિવ્ય શક્તિને આવિર્ભૂત થતી જોઈ, એ સાથે એમનું હૃદય આનંદથી છલકાઈ ગયું. સ્વામીજી માંડવીમાં પોતાના પ્રિય ગુરુબંધુ ગંગાધર સાથે એક પખવાડિયું રહ્યા. ત્યાર પછી તેઓ એકલા પોરબંદર જવા નીકળ્યા. અહીં પાંચ-છ દિવસ પછી વળી પાછા સ્વામી અખંડાનંદજી એમની સાથે થઈ ગયા. માંડવી, ભૂજ અને પોરબંદરમાં સ્વામીજી સાથેના પોતાના સમયગાળા દરમિયાન તેમણે એમની સાથે પોતાના દેશની હાલની પરિસ્થિતિ અને તેના ભવિષ્ય વિશે ચર્ચા કરી હતી. કદાચ અહીં જ શ્રીરામકૃષ્ણે નિર્દેશેલા અને સ્વામીજીએ વિકસિત કરેલા સેવાના નવા આદર્શને સાકાર કરવા અને તેને આદર્શરૂપ આપવાના કાર્યને અખંડાનંદજી નિહાળવા લાગ્યા હતા. પોરબંદરમાં એ બંનેએ થોડા દિવસો આવા આનંદમાં ગાળ્યા પછી સ્વામીજી જૂનાગઢ ગયા. પોરબંદરમાં સ્વામીજીથી જુદા પડીને અખંડાનંદજી જેતપુર, ગોંડલ અને રાજકોટ થઈને જામનગર જવા નીકળ્યા. ૧૮૯૨ના જૂનમાં તેઓ જામનગર પહોંચ્યા અને સુખ્યાત ઝંડુભટ્ટના મોટા ભાઈ વૈદ્યરાજ મણિશંકર વિઠ્ઠલજીના નિવાસસ્થાન ‘ધનવંતરી ધામ’ના મહેમાન બન્યા. અખંડાનંદજીએ ત્યાં ચાતુર્માસ ગાળવાનો ને ચરકસુશ્રૂતસંહિતા વાંચવાનો નિર્ણય કર્યો. એમને અહીં વૈદ્યરાજના ઘરની જોડે જ ચતુષ્પાઠીમાં કેટલાક આચાર્યો દ્વારા થતા ચાર વેદોના મંત્રોચ્ચાર સાંભળવાની તક મળી. ગહન-મધુર સ્વરે ગવાતા વૈદિક મંત્રઘોષ સાંભળીને એમણે ઘણો આનંદ અનુભવ્યો. એમણે વારાણસીના પ્રમદાબાબુને એ વિશે લખ્યું અને એમના ઉદાર પ્રતિભાવને લીધે ત્યાં ગરીબ બ્રાહ્મણોના વેદોના અભ્યાસ માટે એક નિ:શૂલ્ક પુસ્તકઘર ઊભું થયું. અખંડાનંદજી પોતે શુક્લ યજુર્વેદના વિદ્યાર્થી બન્યા અને તેમને ચંડીપાઠ પણ શીખવ્યો. જામનગરમાં જ ત્યાંના એક સ્થાનિક બ્રહ્મચારીએ આશ્રમની બધી અસ્ક્યામતો આપી દેવાનું સૂચન કર્યું, કારણ કે એમને કોઈ વારસદાર ન હતો. પરંતુ અખંડાનંદજીએ એ સ્વીકારવાનો ઇન્કાર કર્યો. પછી તેઓ દક્ષિણના એક પરમહંસ ટોકરા સ્વામીને મળ્યા. તેઓ આ વિસ્તારમાં વર્ષોથી રહેતા હતા. એ પરમહંસ અદ્વૈતવાદી હોવા છતાં પણ આખો દિવસ પોતે પૂજાપાઠમાં વ્યસ્ત રહેતા. તેમનો પ્રભાવ અખંડાનંદજી પર પડ્યો હતો. આ શહેરના બીજાં કેટલાંક મંદિરો જેવાં કે ભીડભંજન શિવ, બહુચરાદેવી, કલ્યાણજી વિષ્ણુ, સુખનાથ મહાદેવનાં દર્શને જતા. દેવીના મંદિરમાં ગવાતાં સ્તોત્રોની એમના હૃદય પર ઘણી અસર પડી હતી. અખંડાનંદજી માંદા પડ્યા અને કવિરાજ મણિશંકરની સારવાર હેઠળ એકાદ મહિના સુધી રહ્યા. આ સમયે તેઓ આયુર્વેદ ઔષધિની કેટલાક ગ્રંથો વાંચતાં. અહીંના સ્થાનિક બેંકર શ્રીશંકરજી શેઠ (માંકડ) સાથે તેઓ ઘનિષ્ઠ પરિચયમાં આવ્યા. જ્યારે તેઓ સાજા થયા ત્યારે શંકરજી શેઠ એમને પોતાને ઘરે લઈ ગયા. ત્યાં તેમણે ચાતુર્માસ ગાળ્યો. (ક્રમશ:)

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.