(ગતાંકથી ચાલું)

स्त्री-धन-नास्तिक-वैरि-चरित्रं न श्रवणीयम्॥६३॥

स्त्री, સ્ત્રીઓનું; धन, ધનનું; नास्तिक, ભગવાનને ન માનનારાઓનું; वैरि, શત્રુઓનું; चरित्रम्, જીવનકથાનું વર્ણન; न श्रवणीयम्, ન સાંભળવું જોઈએ. 

૬૩. સ્ત્રીઓ વિશેનું, ધનસંપત્તિ વિશેનું, ભગવાનને ન માનનારા મનુષ્યોનું અને શત્રુઓનું જીવનવર્ણન સાંભળવું ન જોઈએ.

પરાભક્તિની પ્રાપ્તિ આડેના અવરોધો કેટલાક છે. તેને ખરેખર જ હટાવી દેવા જોઈએ. અહીં નારદ દર્શાવે છે કે ભક્તે જાતીયતા, લૈંગિકતા, ધનસંપત્તિ, વૈરી લોકો અને ભગવાનમાં ન માનતા લોકો વિશેની વાતો કે વર્ણનો ન સાંભળવાં જોઈએ. આવાં વર્ણનો પ્રત્યે જરાપણ લક્ષ્ય ન આપવું જોઈએ. અહીં પહેલો મુદ્દો સ્ત્રીઓ સંબંધી છે. સ્વાભાવિક રીતે જ આધુનિક સમયમાં લોકો આ મુદ્દા ઉપર વિરોધ ઉઠાવશે. પણ એની પાછળ વિચાર એવો રહેલો છે કે એવું સ્ત્રીઓ વિશેનું વર્ણન એના સાંભળનારના મનમાં જાતીય સભાનતા જગાડી દેશે અને એને દૂર કરવાની વાત છે. એમાં કંઈ સ્ત્રીજાતિની ઉપેક્ષા કરવાની વાત નથી. સ્ત્રી પ્રત્યેનું વલણ જ એવું હોવું જોઈએ કે જેથી કામુકતાનો કોઈ ઉદય જ ન થાય અથવા તો જાતીયતાનો કશો વિચાર જ ન થાય.

આ બાબતમાં એક વાત ખાસ નોંધી રાખવાની જરૂર છે કે અહીં સ્ત્રીઓનો ઉલ્લેખ પુરુષોના સંદર્ભમાં કર્યો છે. એવી જ રીતે પુરુષોનો પણ ઉલ્લેખ સ્ત્રીઓના સંદર્ભમાં કરી શકાય છે. સ્ત્રીઓએ પણ જાતીય વૃત્તિઓ ઉશ્કેરી મૂકતા પુરુષોનાં વર્ણનથી દૂર રહેવું જોઈએ. જીવનમાં જેની (સ્ત્રી કે પુરુષ તરીકેની) સ્થિતિ હોય, તેના સંદર્ભમાં આ વાત લેવી જોઈએ. જો પોતે પુરુષ હોય તો એણે સ્ત્રીઓનાં વર્ણનથી દૂર રહેવું જોઈએ અને જો પોતે સ્ત્રી હોય તો એણે પુરુષનાં વર્ણનથી દૂર રહેવું જોઈએ.

એવી જ રીતે ધનનો વિચાર પણ સ્વાભાવિક રીતે એના તરફ આકર્ષણ ઊભું કરે છે. અને એ જ રીતે જે મનુષ્ય ભગવાનમાં માનતો નથી, નાસ્તિક છે, તેવા માણસનું જીવન, એની વાણી, એનું વર્તન વગેરે – સ્વાભાવિક રીતે જ આપણને શંકા કરવા તરફ દોરી જાય છે. એટલા માટે આવા વિચારોની સંગત છોડી દેવી જોઈએ. આવી જ બાબત શત્રુઓના વર્ણનની પણ છે. એવું વર્ણન મનુષ્યના મનમાં ક્રોધ ઉપજાવી મૂકે છે.

કહેવાનો ભાવાર્થ માત્ર એટલો જ છે કે ભગવત્‌-ચિંતનમાંથી જે કોઈ પણ વિચાર આપણને દૂર ખસેડી લેતો હોય, તે વિચારને દૂર કરી દેવો જોઈએ. એનું ચોખ્ખું જ કારણ એ છે કે આવા વિચારોમાં આપણી પરોવણી ધીરે ધીરે આપણા મનમાં ભગવાનથી દૂર ચાલ્યા જવાનું વલણ ઊભું કરી દેશે. આ કોઈ માત્ર સામાન્ય-સ્થૂળ વિચાર જ નથી, પણ આવી છૂટછાટો ભોગવનાર મનુષ્યમાં આસક્તિઓ ઉત્પન્ન કરે જ છે.

ગીતામાં એવું કહેવામાં આવ્યું છે કે આસક્તિ સંગથી-સોબતથી જન્મે છે. (ગીતા-૨.૬૨) આ સોબત બડી બુરી બલા છે. એ ભયંકર છે. શરૂઆતમાં તો માણસને કદાચ એવો એહસાસ થાય ખરો કે પોતે એનાથી નિરાળો રહી શકશે, પણ હકીકતમાં એવું બની શકતું નથી. આ બાબતમાં માણસે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. કારણ કે શરૂઆતમાં તો એવી સોબત કશી જ હાનિકારક દેખાતી નથી. એટલે માણસના મનમાં એવું થાય ખરું કે એ પોતે આ બધી વસ્તુથી નિર્લેપ છે. પણ આવી સોબતથી ધીરે ધીરે એના મનની સ્થિતિ નીચીથી વધારે નીચી કોટિએ જતી જ રહેવાની, ધીરે ધીરે એનું મન ભગવાન ઉપરથી અવળું ફંટાઈ જ જશે અને સાંસારિક વસ્તુઓ અને આનંદપ્રમોદો તરફ આસક્ત થઈ જશે. અહીં સાવધાનીનો સૂર સંભળાય છે – અને સખ્ત રીતે પડઘા પાડી રહ્યો છે કે આધ્યાત્મિક પંથે ચડેલા સાધકે એને અનુસરવું જ જોઈએ. દેખીતી રીતે જ આધુનિક સમાજમાં એ ઘણું કપરું લાગે છે, અશક્ય લાગે છે અને અસ્પષ્ટ પણ લાગે છે ખરું; પણ આધુનિક સમાજ ભલે ગમે તે કહે, પરંતુ ભક્તે તો એના કાળના- સમાજના કોઈ પણ અભિપ્રાયની કશી અસરમાં આવ્યા વગર પોતાના આદર્શને અનુસરવું જોઈએ.

બધાની સાથે છૂટથી હળવું મળવું એ આજના જમાનાની માગ છે અને અમુક હદ સુધી એ સ્વીકાર્ય પણ છે. પણ કેટલે સુધી ભક્તે એને અનુસરવું અને ક્યાં અટકી જવું, એ માટેની એક ચોક્કસ લક્ષ્મણરેખા આંકી દેવી જોઈએ. આ અત્યંત મહત્ત્વનો મુદ્દો મનમાં સંઘરી રાખવો જોઈએ. કારણ કે આ બધા વિચારો કંઈ દુનિયાદારીના લોકો માટેના નથી. આ વિચારો તો ભગવાનની પરાભક્તિને પ્રાપ્ત કરવા માગતા લોકો માટેના જ છે. જેઓ ભગવન્મય ચિત્તવાળા છે, તેમને માટેના છે. આવા લોકો માટે કેટલીક સાવચેતીઓ રાખવી ખૂબ જ જરૂરી છે. દુનિયાના લોકો ભલે ને એને માટે ગમે તેટલો વિરોધ કરે! કેટલાક લોકો તો કહેશે કે આ બધું એક પ્રકારનું પોતાનાં સ્વાભાવિક વલણોના દમન તરફ દોરી જનારું છે. પણ એ તો સંયમ શબ્દનો ખોટો અર્થ છે. કારણ કે માનસિક વલણોના દમનનો શો અર્થ છે? સભ્ય સમાજમાં પોતાના મન ઉપર કાબૂ મેળવવાની તાલીમ દરેક નાગરિકને અપાવી જોઈએ એવી અપેક્ષા રાખવામાં આવે છે. જો એને સ્વચ્છંદી વ્યવહાર કરવાની છૂટ આપવામાં આવે તો એ માનવસમાજ નહિ રહે પણ જાનવરોનું ટોળું જ બની જશે. એટલે સમાજના સુરક્ષાભર્યા સંચાલન માટે પણ મનના આવા સંયમની અનિવાર્ય આવશ્યકતા છે જ. તો પછી દિવ્ય પ્રેમની સાધના માટે સંયમિત મનની આવશ્યકતા હોય જ, એમાં શું કહેવાનું હોય? કોઈ પણ સમાજના શાંતિપૂર્ણ અસ્તિત્વ માટે સંયમ અનિવાર્ય રીતે આવશ્યક છે જ.

આધુનિક મનોવૈજ્ઞાનિકો આ વિષયમાં ‘સંયમ’ને બદલે ‘દમન’ શબ્દ વાપરીને ભારે ઉહાપોહ મચાવી રહ્યા છે! બધે ઠેકાણે આપણને સાંભળવા મળે છે કે ‘અરે, આપણે જો આવું કરીશું તો તો દમનખોરી ઉત્પન્ન થઈ જશે. અને એમાંથી પૂર્વગ્રહો પેદા થશે અને એને પરિણામે વળી માનસિક તણાવ ઊભો થશે.’ ઠીક છે, ધારો કે આપણે એ બાબતને એક દેખીતી જરૂરતવાળું મૂલ્ય ગણી લઈએ, અને આપણાં મનનાં બધાં જ વલણોને સ્વચ્છંદ રીતે વહેવા દઈએ, તો શું કોઈ માનવસમાજની હસ્તી રહેશે ખરી? આપણી બધી જ વૃત્તિઓને છૂટો દોર આપી દઈએ તો સમાજ જેવું કશું રહેશે જ નહિ. તો તો પછી એ જાનવરોનું ટોળું જ બની રહેશે. જાનવરોને તો કોઈ સંયમ હોતો નથી. અને ગમે તે વખતે ગમે તે વિચારો આવે કે તરત જ તેઓ તેમાં પ્રવૃત્ત થઈ જાય છે. એમનો આ સ્વેચ્છાચાર એમને પ્રાણીઓના સ્તરે જ રાખશે. એનાથી ઉચ્ચ સ્તરે એમને ક્યારેય જવા દેશે નહિ. પણ માનવસમાજ, પ્રાણીસમૂહ કરતાં અલગ વસ્તુ છે. સમાજનું અસ્તિત્વ જ ઇન્દ્રિયસંયમ પર અવલંબિત છે. એવા ઈંદ્રિયસંયમ સિવાય તો સંસારમાં વસવું જ વસમું થઈ પડે. શાંતિ અશક્ય થઈ જાય. એટલા માટે જ્યારે કોઈ માણસ હદ વટાવી જાય ત્યારે સમાજ એવા માણસ ઉપર વેરભાવથી તૂટી પડે છે.

સમાજના સ્વાસ્થ્ય માટે લોકોને આત્મસંયમ કેળવવાની તાલીમ આપવી આવશ્યક નથી શું? આવી તાલીમ કઈ સીમા સુધી આપવી એ એક જુદો જ સવાલ છે. અમુક હદ સુધી સંયમ આવશ્યક જ છે. અને જો એ ખરેખર સારી જ વસ્તુ હોય તો એની હદ બાંધવાની જરૂર શી? જે મનુષ્યોએ આ બાબતમાં વિચાર કર્યો છે, તેઓ કહેશે કે અમુક સીમા સુધી સંયમ આવશ્યક છે. પણ એ સંયમે સીમા ઓળંગવી ન જોઈએ. જો એ સંયમસીમા ઓળંગે તો કેટલાક પૂર્વગ્રહો અને ગ્રંથિઓ પેદા થઈ જાય. આમ કહેનારા લોકો અડધા સાચા છે અને અડધા ખોટા. કારણ કે ‘દમન’નો અર્થ તો એ થાય છે કે તમારી પાસે અમુક વલણો હોય છે એ વલણો પ્રમાણે વર્તન કરવાની તમે પોતાને છૂટ આપતા નથી! પણ અહીં તો તમે કશાય કોઈના ભય વગર માત્ર તમારા કોઈ ઉચ્ચ આદર્શને હાંસલ કરવા માટે તમારા જીવનને પવિત્ર રાખવા માટે બંધબેસતો સંયમ રાખી રહ્યા છો. આવો સંયમ અવશ્ય જ કોઈ ગ્રંથિઓ કે પૂર્વગ્રહો ઉત્પન્ન ન જ કરી શકે.

આવા સંયમને વૃત્તિઓનું ઊર્ધ્વીકરણ કહેવાય. ઇન્દ્રિયોનું દમન નહિ પણ એનું ઊર્ધ્વીકરણ – આ શબ્દ પેલા દમન શબ્દ કરતાં સાવ જુદો જ છે. કારણ કે બંને શબ્દોનાં કારણો જ જુદાં છે. એક લોકમતના ભયને લીધે ઉત્પન્ન થાય છે અને બીજું ઉચ્ચતર આદર્શ તરફના આકર્ષણને લીધે ઉત્પન્ન થાય છે. એટલે એ બંનેનાં પરિણામો પણ જુદાં જ હોવાનાં.

મારે આ મુદ્દો ઘણા ભારપૂર્વક સમજાવવો પડ્યો, કારણ કે અત્યારે સમાજમાં પરિવર્તન ઝડપથી ચાલી રહ્યું છે. સમાજ ગમે તે વાતને એકદમ જલદી સ્વીકારી લેવાની વૃત્તિવાળો જણાય છે, લોકોનાં ગૃહજીવનો ઘસાતાં અને છિન્નભિન્ન થયાં છે. અને છતાં તેઓ માની રહ્યા છે કે તેઓ પ્રગતિશીલ છે! જેમણે પરદેશોની ખૂબ ખૂબ યાત્રાઓ ખેડી છે તેવા લોકોને તો પ્રત્યક્ષ અનુભવ થઈ જ ગયો છે કે સહજ વૃત્તિઓને અને ઇન્દ્રિયોને છૂટો દોર આપવાથી માનવસમાજની શી દુર્દશા થાય છે. આવો સ્વચ્છંદ વ્યવહાર સમાજને સ્વતંત્રતા, સ્થાયી શાંતિ અથવા તો અસ્તિત્વની ઉચ્ચ ભૂમિકા તરફ કદાપિ દોરી શકે નહિ. સંયમ આવશ્યક છે. પણ એ કોઈ ભયથી કે સમાજના અભિપ્રાયના ડરમાંથી ઉત્પન્ન થયેલો ન જ હોવો જોઈએ. સંયમ જો કોઈ આદર્શ માટે સેવાતો હોય તો એ સંયમ ઈંદ્રિયોના દમનરૂપ નહિ હોય. ઉચ્ચતર સ્થિતિએ પહોંચવાના અને લક્ષ્યની પ્રાપ્તિના વિચાર મનમાં ઊગતાંની સાથે જ ઈંદ્રિયો એની મેળે જ શાંત થઈ જશે. આને જ ઊર્ધ્વીકરણ કહેવામાં આવે છે. આ વિષયને વધારે સ્પષ્ટ રીતે આગળ ઉપર ચર્ચવામાં આવશે. ત્યારે આપણે વધારે સમજીશું.

अभिमान दम्भादिकं त्याज्यम्॥६४॥

अभिमान, મોટાઈનો ખ્યાલ-અહંકાર; दम्भ, મિથ્યાડંબર; आदिकं, અને બીજા એવા; त्याज्यम्, છોડી દેવા જોઈએ.

૬૪. અહંકાર, મિથ્યાભિમાન અને એવાં બીજાં દૂષણો છોડી દેવાં જોઈએ.

મનુષ્યે અહંકાર, મિથ્યાડંબર અને એવા બીજા અવગુણોનો ત્યાગ કરી દેવો જોઈએ. શ્રીરામકૃષ્ણ વારંવાર કહેતા કે ‘દંભ અને અહંકારને છોડો’. અને અહંકારનો જરાતરા પણ અંશ હશે તો ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે નહિ, એમ મહાત્માઓ કહે છે. વળી શ્રીરામકૃષ્ણ એમ પણ કહ્યા કરતા કે ભગવાનના ભક્ત માટે નમ્રતાની જરૂર છે. એણે વિનયી બનવું જોઈએ, એણે શિષ્ટ રહેવું જોઈએ. એણે ઉદ્ધત ન બનવું જોઈએ; મિથ્યાવાદી ન બનવું જોઈએ, આ રીતે ભગવાન તરફ આગળ વધવાના માર્ગમાંથી અટકાવતા કોઈ પણ દોષને ભક્તે છોડી જ દેવો જોઈએ, એવો અહીં ભાવાર્થ છે.

માણસે પોતાની જાતે જ પ્રયોગ કરીને નક્કી કરી લેવું જોઈએ કે શું શું છોડી દેવા જેવું છે. ધારો કે સાચું બોલવું એવું નક્કી કર્યું એનો અર્થ સમાજમાં આદર્શ વ્યવહાર કરવો ફક્ત એટલો જ નથી. ઘણી વખત આપણે જ્યારે એકલા હોઈએ છીએ ત્યારે પણ પોતાને માટે અસત્યાચરણ કરતા હોઈએ છીએ! જ્યારે આપણે એકલા હોઈએ છીએ ત્યારે પણ આપણે પોતાને માટે સાચુકલા – બીજાને માટે જ ફક્ત નહિ પરંતુ પોતાની જાત પ્રત્યે સાચા થવું જ જોઈએ. આ એક મોટો સદ્‌ગુણ છે. એટલે મનુષ્યે કશાય સામાજિક મોભાની ખેવના રાખ્યા વગર એનું આચરણ કરવું જ જોઈએ; મનુષ્ય ગમે ત્યાં હોય, સમાજમાં ગમે તેવું તેનું સ્થાન હોય, એ સાધુ હોય કે ગૃહસ્થ હોય દરેકને માટે સચ્ચાઈનો ગુણ ખૂબ આવશ્યક છે. બીજાને છેતરવાનો પ્રયત્ન કરવો કે આપણે જેવા ન હોઈએ તેવા બીજાને બતાવવાનો દંભ કરવો એ ચાલશે જ નહિ. શ્રીરામકૃષ્ણ ઘણી વખત કહેતા કે આપણા વિચારો અને શબ્દો પરસ્પર મેળ ખાય એવા હોવા જોઈએ. ભાવ એ છે કે આપણું મન જે વિચારો કરતું હોય એને શબ્દોથી ઢાંકવું જોઈએ નહિ.

તો પછી આપણે સત્યાચરણ કરતાં જરૂર પડ્યે લોકો સાથે કઠોર વ્યવહાર પણ કરવો ખરો કે? શું એમના પ્રત્યે આપણે તોછડા થવું? ના, એમ કહેવાનું તાત્પર્ય નથી. પણ આપણે દંભી ન બનવું જોઈએ. આપણા વર્તનમાં કોઈ પણ જાતનો દંભ કર્યા વગર આપણે આપણા ખુદ તરફ સચ્ચાઈ આચરવી જોઈએ. આ વિચારોનો અહીં વિસ્તાર કરવો નથી. મનુષ્યે પોતાની મેળે જ પોતાનામાંથી જ વિચારોને ગ્રહણ કરવા જોઈએ. મનુષ્યના આધ્યાત્મિક જીવન માટે જે કોઈ વર્તન નુકશાનકારક હોય એને દૂર કરી દેવું જોઈએ. હવે આ તો વર્તન વિષયક નકારાત્મક બાબત થઈ. તો પછી વર્તન વિષયક વિધાનાત્મક બાબત શી છે? આ વાત હવે પછીના સૂત્રમાં કહેવામાં આવે છે.

(ક્રમશ:)

Total Views: 93

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.