શ્રીરામકૃષ્ણદેવ વિદ્યાસંકુલ એ ભારતની પશ્ચિમી સીમા પર સ્થિત, ગુજરાત રાજ્યનો વિશાળ ભૂભાગ ધરાવતા કચ્છ જિલ્લાના અંતરિયાળ પ્રદેશમાં આવેલું છે. કચ્છની ઓળખ તેનું રણ છે. કચ્છનું રણ એટલે ચોમાસામાં વિશાળ જળરાશિ અને પાણી સુકાય એટલે ખારો પાટ. આ રણની વચ્ચે એક બેટ, તે પર થોડાં ગામો. આ ખડીર બેટના રતનપર ગામે શ્રીરામકૃષ્ણદેવ વિદ્યાસંકુલ આવેલું છે અને તે દ્વારા આ વિસ્તારનાં વંચિત, ગરીબ બાળકોને શિક્ષણ દ્વારા જીવન ઘડતરનો નાનો શો પ્રયાસ મા શારદા શિશુ શાળા અને હરિ ૐ જીવનશાળા દ્વારા થઈ રહ્યો છે.

અમારે ત્યાં આવતાં બાળકોનાં માતાપિતા બહુધા અશિક્ષિત હોય છે. બાળ ઉછેર, બાળમનોવિજ્ઞાન કે સંસ્કાર ઘડતર, નાગરિકત્વનું શિક્ષણ, સર્વાંગી વિકાસ જેવી વાતો તેમના માટે પોથીમાંનાં રીંગણાં જેવી છે. દરેક પરિવારમાં છ-સાત કે તેથી વધુ બાળકો હોય. એવું પણ બને છે કે અમારી શાળામાં એક જ પરિવારનાં ત્રણથી ચાર બાળકો ધો. ૧ થી ૭માં સાથે ભણતાં હોય! એટલે અમારે ત્યાં કહેવત કોળીભાઈનાં કચ્ચાં-બચ્ચાં જુવાર બંટી ખાય, અવાડાનું પાણી પીએ અને સહેજે મોટાં થાય!

વસ્તુત: બાલ્યાવસ્થા એ અત્યંત મહત્ત્વનો ગાળો છે. કારણ કે, જીવનનો પાયો અહીં જ બંધાય છે. બાળકો જે રીતે દોષો નાનપણથી શીખે છે, તેમ સારી વાતો પણ બાળપણથી જ શીખી શકે છે. આપણા વાલીઓ પાસે સમય જ ક્યાં છે? અને અમારાં માતાપિતાની વાત તો આગળ કરી જ – ગરીબી, નિરક્ષરતા, વહેમ, અંધશ્રદ્ધાઓ અને જીવવા માટે સંઘર્ષપૂર્ણ મહેનત. વાલીઓમાં વ્યસનો, કુટેવો, ઝઘડા, રાગદ્વેષ, સ્વાર્થાંધતા, જડતા પણ ખરાં. આ બધાં વચ્ચે અમારાં બાળકો ઉછરે છે! તેમનો કેવો પાયો બંધાય? પરિવારમાંથી જ અવળું શિક્ષણ મેળવીને આવ્યાં હોય. કેટલાંક ગૃહિતો – માન્યતાઓ તેમનામાં હોય છે. અસ્પૃશ્યતાની ભાવના, સ્વકેન્દ્રિયતા – સંકુચિતતા, ઝઘડાળુ સ્વભાવ – અસામાજિકતા, સ્વચ્છતા – સુઘડતાનો અભાવ આ બધું હોય છે. જીવન વ્યવહારની, દિનપ્રતિદિનની સુટેવોનું તેમને નથી હોતું સાચું – વ્યવસ્થિત જ્ઞાન કે ભાન, ખાવા કેમ બેસવું, કેટલું ખાવું, સ્વચ્છતા, વ્યવસ્થા, નિયમિતતા વગેરે અનેક બાબતો શીખવવી જ પડે.

એટલે અમે છાત્રાલય નિવાસ અનિવાર્ય માન્યો છે. પ્રત્યેક બાળક અમારા છાત્રાલયમાં જ રહે અને સાથે જ ભોજન, શિક્ષણ તેમજ સઘળી પ્રવૃત્તિઓ કરે. અમે માનીએ છીએ કે શિક્ષણ એ કેવળ કેટલાક વિષયોનો સમૂહ નથી અને કેવળ પરીક્ષાઓ પાસ કરવી તે તેનું લક્ષ્ય નથી. આજની આપણી કેળવણીમાં પરીક્ષાઓ પાસ કરવી અને તેમાંય બીજાને પછાડીને આગળ નીકળી જવું તે જ જીવનધ્યેય બની ગયું છે! પ્રત્યેક બાળકમાં તેનું એક નિજી વ્યક્તિત્વ અને તેની મુખ-આભા છે. પ્રત્યેક શિશુ નવો સંદેશ લઈને આવે છે. તેનામાં રહેલા આગવા ગુણો અને તેનાં લક્ષણો, તેનાં કૌશલ્યો અને આવડત, તેનાં રસ અને રુચિ પ્રત્યે ધ્યાન જ નથી અપાતું. તેને પરખતાં – પારખતાં આવડવું જોઈએ અને પછી તે મુજબ જરૂરી પ્રવૃત્તિઓ ગોઠવવી જોઈએ. ખરેખર તો શિક્ષણ એ નિરંતર ચાલતી ઘડતરલક્ષી પ્રક્રિયા છે. આખરે જીવન એ કેન્દ્રમાં છે. બાળકે આ જગતમાં જીવવાનું છે અને સાર્થકતાભર્યું જીવન જીવવાનું છે. વ્યક્તિગત અને સામૂહિક રીતે પ્રસન્નતાથી જીવવાનું છે. અને એવી રીતે જીવે, જેથી તે મુક્તિનો અનુભવ કરી શકે – सा विद्या या विमुक्तये। એ મંત્ર સાર્થક કરવો એ શિક્ષણ અને વ્યાપક અર્થમાં જીવનની દિશા. એ દિશામાં ન જઈએ તો વ્યર્થનો વેપાર.

અમારાં બાળકોને વિવિધ હુન્નર શિક્ષણ પણ આપીએ છીએ. બાળાઓને ભરત, ગૂંથણ, સિવણ, રસોઈ આદિની તાલીમ મળે અને છોકરાઓને વેલ્ડિંગ, મોટર રિવાઈડિંગ, સાબુ ઉદ્યોગ, ઈલેક્ટ્રીક વાયરિંગ – રિપેરિંગ જેવી તાલીમ મળે તેવી વ્યવસ્થા અમે કરી છે. હાથ-પગ, દિલ-હૃદય અને મસ્તિષ્ક – દિમાગની કેળવણી જેમાં ન થાય તે અધૂરી અને વાંઝણી વિદ્યા.

છાત્રાલયની દિનચર્યા મુજબ વ્યવસ્થા, નિરંતરતા રહે, પરસ્પરનો સહયોગ હોય તો જ સંવાદિતા રહે. પ્રકૃતિ સાથે પણ લય કેળવવાનો છે અને તેનુંય શોષણ નથી કરવાનું. પ્રકૃતિ જ આપણું પોષણ કરે છે. જીવનમાં પણ શોષણ નહીં, સહયોગ જોઈએ. આ માટે પ્રત્યેક બાળક માટે આપણે આદર-સન્માન કેળવવાં પડશે. પ્રત્યેક બાળકનું આગવું નિજી વ્યક્તિત્વ છે અને સ્વમાન છે. ભય, ડર, સજા, સ્પર્ધા, સરખામણી એ બધું નહીં ચાલી શકે. જો બાળકમાં દિવ્યતાનું, પૂર્ણતાનું, સાર્થકતાનું પ્રગટીકરણ કરવાનું હોય તો મોકળાશ અને મૌલિકતા, લય અને સંવાદિતા, ભાગીદારી અને સહકર્તૃત્વ જોઈશે.

બાળકમાં કેવી તો અંતર્નિહિત શક્તિ પડેલી હોય છે! અમારી મા શારદા શિશુશાળાની એક બાળાની વાત કરીએ. ગીતા ભૂપત ભીલ ધો.૧માં દાખલ થઈ હતી. સુંદર કંઠ. ધો. ૪માં આવી ત્યારે જિલ્લા કક્ષાના એક વિશાળ કાર્યક્રમમાં પોતાનાં ગીતથી ખૂબ પ્રશંસા પામી. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તેમાં ઉપસ્થિત હતા અને તેઓ ખૂબ પ્રસન્ન થયા. ગીતાને ધન્યવાદ, શુભેચ્છાઓ, ઈનામ આપ્યાં અને પછી તો અમદાવાદ અને દિલ્હીના પણ એક કાર્યક્રમમાં તે ખૂબ સુંદર ગાઈ આવી. શાળાના શિક્ષકોએ આ બાળાને તૈયાર કરી તો તદ્દન ખૂણા (અંતરિયાળ) ના ગામની આ બાળા રાષ્ટ્ર કક્ષાએ ઝળકી.

ગામડાંનાં બાળકો સંકોચશીલ, શરમાળ, અનિયમિત હોય છે. અમારી એક બાળા કમળા, ધોળાવીરા ગામની. ખૂબ ગેરહાજર રહે. પણ અમે નિરાશ ન થયા. તેના વાલીને સમજાવીએ, અમારા શિક્ષકો તેને ઘેર જઈ સમજાવે અને આજે તે બિલકુલ નિયમિત થઈ ગઈ છે. નીતા પરબત નામની બાળાનું પણ એવું જ. નાના એવા મેરશીવાંઢ ગામની તે બાળા. આજે તે નિયમિત બની છે એટલું જ નહીં પણ સંસ્કાર કાર્યક્રમોમાં, મહેમાનોને આવકારવામાં તે આગળ હોય છે!

અમારી હરિ ૐ જીવનશાળાનો એક વિદ્યાર્થી. નાના એવા ગામનો. નાના રામજી. વાતવાતમાં ગાળો બોલે. એક દિવસ શાળાના શિક્ષક મોહનભાઈ હાજર છે તે ખબર નહીં અને ગાળોનો વરસાદ વરસાવે! પછી ખબર પડી કે, અરે! મોહનભાઈ તો સાંભળે છે અને પછી જે ભોંઠો પડ્યો છે! પણ મોહનભાઈએ એ વખતે કંઈ જ પ્રતિક્રિયા કરી નહીં, સ્મિત કરતા નીકળી ગયા. પણ એ વિદ્યાર્થીને જ મનમાં એવો પશ્ચતાપ થયો કે હવે કદી ગાળો નહીં બોલું તેવી પ્રતિજ્ઞા લીધી. બાળકના સંસ્કાર ઘડતર માટે આ મોટી વાત.

હવે તો ગુટકા-તમાકુ ગામે ગામ બેસી ગયાં છે. અરે! દારૂ, જુગાર, માંસાહાર પણ નાનપણથી જ ક્યાંક જોવા મળે છે. અમારા વિસ્તારમાં આ બધી બદીઓ છે. બીડી, ગુટકા જેવાં વ્યસનો બાળકો ઘેરથી લઈને જ આવે. તમે ગમે તેટલું સમજાવો પણ ટેવ તો કેમ છૂટે? પણ સતત સંપર્ક અને સ્નેહથી જ તે છૂટે છે.

ખડીર એટલે રણ વિસ્તાર સૂકોભઠ્ઠ. પાણીની કારમી ખેંચવાળો. વરસાદનું મીઠું પાણી સંઘરવા માટે અમે ટાંકીઓ કરી છે અને પરિસરમાં એક નાની તલાવડી કરી છે. તલાવડીમાં પાણી હોય ત્યારે તેમાંથી ભરીને વૃક્ષોને પાય. પ્રત્યક્ષ કાર્ય, ફળ સાથે જ્ઞાન અને વિજ્ઞાનને જોડવાનું અને તે જ અનુબંધ ગણાય. બાળકો પાણી વૃક્ષોને પાય ત્યારે રેંકડીમાં વાસણો મૂકી લઈ આવે અને પાણી છલકાય. પણ એ પાણી છલકાઈને બગડે નહીં તે માટે બાળકોએ જ ઉપાય શોધી કાઢ્યો! ઝાંખરાં મૂકીને તેને છલકાતું અટકાવ્યું.

શ્રીરામકૃષ્ણદેવ વિદ્યાસંકુલ પર વિવેક મ્યુઝિયમ ચાલું કર્યું છે. આ મ્યુઝિયમમાં જ્ઞાન-વિજ્ઞાનની સામગ્રી રજૂ થતી રહે છે અને બાળકો પણ તેમાં ઉમેરો કરતાં રહે! ફોસિલ્સ, સિક્કાઓ, પુરાતન વસ્તુઓ શોધી લાવે અને તેમાં પ્રદર્શિત કરે. શિક્ષક સુનિલભાઈ તે માટે પ્રેરણા અને માર્ગદર્શન આપે. એક વખત મધપૂડાના મીણમાંથી પગના ચીરા માટે સુંદર મલમ બાળકોએ બનાવ્યો! નહાવાના સાબુ તો ખૂબ સરસ બનાવે છે. કેટલાંક બાળકો ચડ્ડી, થેલી અને સાદી વસ્તુઓની વ્યવસ્થિત સિલાઈ કરે છે. મોટર રિવાઈડિંગનું શીખનાર બાળકો પંખા અને એવી નાની નાની સીંગલ ફેઝની મોટર બાંધી લે છે. વેલ્ડિંગ કરી લે છે. લાઈટ રિપેર પણ કરી લે છે.

વાંચન શોખ પણ વિકસ્યો છે. પશુ-પક્ષી અને વનસ્પતિ માટે સંવેદના વિકસી છે. બાળક શીખે છે વાતાવરણમાંથી. શિક્ષકનો સહાનુભૂતિવાળો, પ્રેમભર્યો, માર્ગદર્શનપૂર્ણ વ્યવહાર બાળકોને પ્રોત્સાહન આપી રહે છે.

અમારો આ પ્રયોગ હજુ તો તેના પ્રારંભે છે. પણ અમને તેનાં પરિણામો આનંદપ્રદ – સુખદ લાગે છે. અમારાં નાનાં બાળકો કડુ-કરિયાતું જેવો કડવો ઉકાળો પણ સ્વાસ્થ્યની પૂર્વકાળજી રૂપે લહેરથી પી જાય છે. હવે તો પ્રાણાયામ અને થોડો વ્યાયામ પણ કરે છે. બાળકો જે વસ્તુ બનાવે, જેને ઉછેરે, જે ક્રિયા રસથી કરે તે પ્રત્યે તેનો સુંદર લગાવ હોય છે. બાળકો જે નમૂના બનાવે તેને અમે પોતાને ઘેર પણ લઈ જવા દઈએ છીએ. અમારે ત્યાં બાળકોને મારવાની વાત નહીં. તેને પૂરી દેવાની કે ભૂખ્યા રાખવાની સજા નહીં. આપણે ધીરજ અને સમજપૂર્વક જો ગોઠવીશું તો કેળવણી અદ્‌ભુત પરિણામો આપે છે. શિક્ષકમાં આર્જવતા અને વાત્સલ્ય, નિષ્ઠા અને સમજ હોવાં જોઈએ. શાળાનું વાતાવરણ કંટાળાભર્યું નહીં પણ મોકળું હોય, પ્રયોગશીલ હોય. અમારાં બાળકોનાં માતાપિતાને કેળવણીની કોઈ સમજ નથી, અમારા પ્રયોગો સાથે કોઈ નિસબત નથી અને તેની ઉપયોગિતા અંગે તેમની કશી ભાગીદારી કે સભાનતા નથી. પણ અમારો આ નાનો શો પ્રયાસ ઘણી મુશ્કેલીઓ વચ્ચે ચાલી રહ્યો છે! શિક્ષણ પાઠ્યપુસ્તક આધારિત ન બને, પરીક્ષાલક્ષી ન રહે અને પ્રકૃતિ સાથે, જીવન સાથે જોડાયેલું રહે, પ્રવૃત્તિલક્ષી બની જીવન વિકાસશીલ બનતું રહે. પગથિયાં ચડીએ તેમ ઊંડાણ અને ઊંચાઈ બંનેનો અહેસાસ થાય અને જેમ વધારે પગથિયાં ચડીએ ત્યારે સીમાઓ ઓગળતી જાય અને માર્ગ લંબાતો જાય! પણ એ પ્રક્રિયાની જ મજા છે અને સાર્થકતા છે.

૨૦૦૧ના ભૂકંપ પછી રાજકોટ આશ્રમના તત્કાલિન અધ્યક્ષ રતનપરની મુલાકાતે આવ્યા, પ્રવૃત્તિ પ્રશંસા પામી. પછી તો આશ્રમના અનેક સંન્યાસીઓ સાનુકૂળતાએ આ સંકુલની મુલાકાતે આવવા લાગ્યા, અને ત્યારે બાળકો માટે તો જાણે ઉત્સવ! આશ્રમ દ્વારા થોડી ઘણી સહાયતા મળવા લાગી. શ્રીરામકૃષ્ણ વિદ્યાસંકુલના બાળકો પણ ક્યારેક ક્યારેક ઉનાળા અથવા શિયાળા કેમ્પમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે જાય છે. સંકુલના પ્રાર્થનામંદિરમાં શ્રીરામકૃષ્ણદેવની મૂર્તિની પણ પધરામણી કરવામાં આવી છે.

Total Views: 57

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.