ભારતની સંસ્કૃતિ વ્યક્તિનિરપેક્ષ હોવા છતાં એની ગોદમાં કેટકેટલાં અદ્‌ભુત-રમણીય વ્યક્તિત્વો પાંગર્યાં છે! વ્યક્તિત્વોની એ નક્ષત્રમાળામાં રામ અને કૃષ્ણ ભારતીય જનતાનાં હૈયામાં જડાયેલાં છે. હજારો વર્ષોથી ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાતાં આવતાં આ જનકલ્યાણકારી વ્યક્તિત્વ ભારતીય જનજીવનના આદર્શરૂપ રહ્યાં છે.

આ બંન્નેમાં પણ કૃષ્ણે તો ભારતીય વિચારો, જીવન અને સંસ્કૃતિ ઉપર ઘણી ઘેરી અસર કરી છે. ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં જ નહિ, રહસ્યવાદમાં, કવિતામાં, શિલ્પમાં, સંગીતમાં, નૃત્યમાં અને ગ્રામજીવનનાં દરેકે દરેક પાસાંમાં એ પ્રવેશી ચૂક્યા છે. એણે ભારતની પેઢી દર પેઢી પર પોતાનો જાદુ પાથરી દીધો છે.

નવાઈ તો એ છે કે આવું અદ્‌ભુત રમણીય ચરિત્ર ધરાવતા પુરુષોત્તમ શ્રીકૃષ્ણ પર પણ એના અજ્ઞાન કે અધૂરી સમજણને કારણે આક્ષેપો અને કપરી આલોચનાઓ મૂર્ખોએ કરી છે. આપણે અતિઉત્સાહભરી પ્રશંસાઓ અને કપરી આલોચનાઓની વચ્ચેનો સંતુલિત માર્ગ શોધવાનો અહીં પ્રયત્ન કરવાનો છે.

આપણે અહીં જે કૃષ્ણની વાત કરવાના છીએ, તે કંઈ ઋગ્વેદના (પ્રથમ અને દસમા મંડલના) વિશ્વકાયના પિતા ‘કૃષ્ણ’ નથી કે કૌષિતકી બ્રાહ્મણ (૩૦/૯)ના આંગિરસ ‘કૃષ્ણ’ પણ નથી. તેમજ એ ઐતરેય આરણ્યક (૩/૨૬)ના હારિત ‘કૃષ્ણ’ પણ નથી અને મહાભારતકાર ‘કૃષ્ણ’ દ્વૈપાયન પણ નથી.

આપણા કૃષ્ણ તો એ છે કે જે કંસના કારાવાસમાં જન્મ્યા હતા; જેમણે શૈશવમાં નિર્દોષ અને નિર્દંશ લીલાઓ કરી; બંસીનાદથી ગોપીઓને ગાંડી કરી; જેમણે ભરયુવાનીમાં ભૂમિને ભારરૂપ ત્રાસવાદી કંસ અને કેશી જેવા કેટલાયને મોતને ઘાટ ઉતારી દીધા હતા; જેમણે મથુરા છોડીને દ્વારકા અને ખાંડવપ્રસ્થનાં જંગલો બાળીને નવી વસાહતો સ્થાપી હતી; જેમણે રુક્મિ, શિશુપાલ અને જરાસંઘ જેવા અનેક જુલ્મીઓના જુલ્મમાંથી રાજા-પ્રજાને છોડાવ્યાં હતાં; જેમણે છેક મોટી ઉંમરે પણ ઘોર આંગિરસ પાસેથી વિદ્યા મેળવી હતી; જે અર્જુનના રથના યુદ્ધ સમયે સારથી બન્યા હતા; જેમણે પાંડવોને વિજય અપાવ્યો હતો; જેમણે બાળસખા સુદામાનું દારિદ્ય્ર ખેંચ્યું હતું; અને જેઓ અંતે અકળ રહસ્યસંકેતને અનુસરીને, બાજીગર જેમ પોતાની બાજીને સંકેલી લે, તેમ પોતાની જીવનલીલાને સંકેલીને ચાલ્યા ગયા! આ મહામાનવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ વિશે થોડીક વાત કરવી છે.

આ કૃષ્ણકથા મુખ્યત્વે મહાભારત, ભાગવત, હરિવંશ અને વિષ્ણુપુરાણમાં અને સામાન્ય રીતે બીજાં પુરાણોમાં પણ પથરાયેલી છે. એક બીજામાં અન્યની પૂર્તિ કરી પૂર્ણ કથા પ્રાપ્ત થાય છે. આમ તો આ કૃષ્ણકથા ભારતનાં આબાલવૃદ્ધમાં અત્યંત જાણીતી છે જ, જીવન સાથે જડાઈ છે.

આ કૃષ્ણ વાસુદેવ કોઈ મહામાનવ છે કે કોઈ દિવ્ય અવતાર છે, એની વાયકાઓને એક બાજુએ મૂકીએ, તોયે એટલું તો સુનિશ્ચિત જ છે કે ત્રણેક હજાર વર્ષથી હજારો-લાખો-કરોડો હિંદુઓનાં હૃદયમાં એ શાસન ચલાવી રહ્યા છે. અને જો એ મહામાનવ સમગ્ર હિંદુવંશ ઉપર આટલી બધી ઊંડી અસર પાડી શક્યા હોય અને હજારો વર્ષોથી હિંદુજીવનનાં માનસિક, સામાજિક અને નૈતિક પાસાંઓ પર ભારે પ્રભુત્વ જમાવી શક્યા હોય તો એ ભગવાન સ્વયં સિવાય બીજો કોઈ જ ન હોઈ શકે! માનવજાતિના ઉદ્ધાર માટે – ધર્મસંસ્થાપન માટે ભગવાન જ ભૂમિ પર અવતર્યા એવી હિંદુઓની શ્રદ્ધા સ્વાભાવિક જ છે.

ઇતિહાસ ઈશ્વરાવતાર સર્જતો નથી. પણ ઈશ્વરાવતાર જ ઇતિહાસને સર્જીને એને ઘડે છે. અવતારનો પ્રાથમિક હેતુ ધર્મસંસ્થાપન હોય છે. આ હેતુની સિદ્ધિ માટે તત્કાલીન ધર્માચારી સજ્જનોના હાથ મજબૂત કરવા અને જરૂર પડ્યે દુરાચારીઓને દબાવવા કે એમનો ધ્વંશ કરવાની આવશ્યક્તા હોય છે. આ માટે તે અવતાર પોતાની સઘળી સત્તા અને તત્કાલીન સહાયક સ્રોતોનો ઉપયોગ કરે છે પણ આ પ્રક્રિયામાં તે પોતાનાં માનવસહજ લક્ષણોને છોડી નહિ દે, છોડવાં જોઈએ પણ નહિ જ. હા, કોઈક વખત પોતાની માનવાતીત ઉચ્ચતર સ્તરે જવાની ક્ષમતા અને સંભાવનાને લોકો આગળ રજૂ કરે છે ખરો! અને એવી રજૂઆતો આપોઆપ જ થઈ જાય છે. અવતાર એને માટે સભાન હોતો નથી.

આ દૃષ્ટિથી કૃષ્ણચરિતનું અધ્યયન કરતાં એનું વ્યક્તિત્વ કેટલું પ્રેરક છે? માનવ માટે કેટલું ઉપયોગી છે? કૃષ્ણનું સમગ્ર જીવન ‘ધર્મકેન્દ્રી’ હતું : ધર્મધારણ, ધર્મરક્ષણ ધર્મનું પુન:સ્થાપન અને ધર્મની સમસ્યાઓનું સમાધાન – આ બધાં કૃષ્ણજીવનનાં મૂળતત્ત્વો હતાં.

જો આ ધર્મ માનવોનાં મન અને હૈયાંમાં વસતો ન હોય, અને એમનાં કાર્યોમાં એ અભિવ્યક્તિ પામતો ન હોય તો તો એ ખાલી સૂકો ખ્યાલમાત્ર જ છે. એટલે જ કૃષ્ણે સૌ પ્રથમ માનવીય સંબંધોને પોતાના જીવનમાં મહત્ત્વ આપ્યું. અને એમાં પણ વંચિતો, દીનહીનો, દુર્બળો, સમાજે હીન ગણેલાઓ અને સ્ત્રીઓ સાથેના કૃષ્ણના માનવીય સંબંધો મોખરે છે. વૃંદાવન ગોવાળિયાઓની એમણે કેવી કાળજી લીધી! કુબ્જાની કુરૂપતાને કેવી દૂર કરી! કપરે કાળે દ્રૌપદીની કેવી લાજ રાખી! ગરીબ કુપેલાને કેવું સ્વાસ્થ્ય આપ્યું. અને આવાં આવાં તો કેટલાંય ઉદાહરણો કૃષ્ણના વ્યક્તિત્વને અજવાળી રહ્યાં છે.

કમળથીયે કોમળ હૈયું ધરાવતા કૃષ્ણ જરૂર પડ્યે ધર્મરક્ષણાર્થે અને ધાર્મિકજનોના રક્ષણાર્થે વજ્રથીય કઠોર- અચલ ઇચ્છાશક્તિ ભય કે પરાજયને એ ઓળખતા ન હતા. તેમણે મારેલા રાક્ષસો અને દબાવી દીધેલા અસુરઓ અસંખ્ય હતા. તેમનું યુદ્ધકૌશલ અનુપમ હતું. આમ છતાં એ ‘યુદ્ધખોર’ ન હતા. એ અનન્ય રાજપુરુષ અને શાંતિદૂત તરીકે પણ ઘણા પ્રવીણ હતા. કૃષ્ણમાં ‘મગજ’ અને ‘મસલ્સ’ની શક્તિઓનો દુર્લભ સંયોગ હતો. વૈદિકજ્ઞાન, ભૌતિકજ્ઞાન, કલા વગેરેમાં તેઓ પાવરધા હતા. ભગવદ્‌ગીતા, અનુગીતા અને ઉદ્ધવગીતા એનાં જ્વલંત ઉદાહરણો છે. પ્રખર બુદ્ધિશક્તિ, આંતરસૂઝ અને વ્યવહારુ ડહાપણના તેઓ ભંડાર હતા. એથી તેઓ કેટલીય અટપટી આટીઘૂંટીઓને આસાનીથી ઉકેલી શક્યા હતા. એમનું હસ્તિનાપુરનું દૂતકાર્ય, કર્ણને પાંડવોના પક્ષમાં લાવવાનો તેમનો પ્રયત્ન, કુરુક્ષેત્રની યુદ્ધમાં તેમણે કરેલી વિવાદાસ્પદ બનેલી વ્યૂહરચનાઓ – વગેરે આ વાતની સાખ પૂરે છે.

બુદ્ધિ અને વિદ્વત્તા ઘણી વખત સભ્યતા અને શિષ્ટતાને બદલે માણસમાં અહંકાર અને લુચ્ચાઈ ઉત્પન્ન કરી દે છે. પણ કૃષ્ણ તો પૂર્ણ નમ્ર માનવ જ હતા. કંસને માર્યા પછી કે જરાસંધને મરાવ્યા પછી એ પોતે રાજગાદી પર ન બેઠા અને ઉગ્રસેન તેમજ સહદેવને ગાદી પર બેસાડ્યા! વૃદ્ધો, બ્રાહ્મણો, ઋષિઓને તેમણે યથોચિત સમ્માન્યા હતા. ગંભીર ઉદ્વેગકારી પ્રસંગોએ પણ એ શાંત અને સ્વસ્થ રહ્યા હતા. ગંદી ગાળો વરસાવતા શિશુપાલ સામે તેમણે અનન્ય સહિષ્ણુતા દાખવી હતી – એ એનો દાખલો છે.

કૃષ્ણ તત્ત્વજ્ઞાની અને સાથો સાથ એક સિદ્ધ યોગી પણ હતા. તેથી તેઓ ‘યોગેશ્વર’ તરીકે સર્વત્ર જાણીતા છે. યોગબળથી એમણે અક્રૂરને વિષ્ણુદર્શન કરાવ્યાં, કુબ્જાને રૂપ બક્ષ્યું. શ્રીકૃષ્ણમાં રહસ્યમયતા અને પ્રવૃત્તિશીલતા સમાંતરે ચાલતાં. શ્રીકૃષ્ણ લોક-કલ્યાણાર્થે બાળપણથી મરણ સુધી સતત પ્રવૃત્તિશીલ રહ્યા. એમનું આખુંયે જીવન લોક કલ્યાણ માટે સમર્પિત હતું. શરીરયાત્રા સિવાયનું એમનું કોઈ પણ કાર્ય પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે થયું નથી. એમના કોઈ પણ કાર્યમાં વ્યક્તિગત સ્વાર્થની લેશમાત્ર પણ ગંધ નહિ મળે! ‘પારકી છઠ્ઠીના જાગતલ’નું જીવતું જાગતું રૂપ એટલે શ્રીકૃષ્ણ!

શ્રીકૃષ્ણ સામાન્ય રીતે પરંપરાગત રીતરિવાજો માનતા. પણ એ પ્રત્યે આંધળાં પૂજ્યભાવ ન રાખતા. એમની ન્યાયબુદ્ધિએ જો કોઈ રિવાજ ફેરફાર માગતો હોય, છોડવો પડતો હોય, નવો રિવાજ દાખલ કરવો હોય, તો જરાય ખચકાયા વિના તેઓ કરતા. વૃંદાવનની ઈંદ્રપૂજા બંધ કરાવીને ગાય અને ગોવર્ધનની પૂજા એમણે દાખલ કરી હતી. એ જ ગ્રામસમાજ માટે ઉપયોગી હતી. એમણે અર્જુનનું સારથિપણું સ્વીકાર્યું. એ તો શ્રમજીવી હલકી ગણાતી જાતિનું કામ હતું. પણ તેઓ જાણતા હતા કે પાંડવોને કરેલી મદદ ધર્મસહાય જ છે.

કૃષ્ણ પૂર્ણ માનવ હતા. એમણે બધી જ માનવીય લાગણીઓનો યોગ્ય પ્રતિભાવ આપ્યો છે. એમની સાથે સંબંધ રાખતા સૌ કોઈને તેઓ સ્વજન જ જણાતા, એટલું જ નહિ એમનો સંગ સૌને અનિવાર્ય લાગતો. એમનાં માબાપ-વસુદેવદેવકી, પાલક માબાપ-નંદયશોદા, એમના સખા ગોકુળ-વૃંદાવનના ગોવાળિયાઓ, ગોપીઓ, એમની પત્નીઓ – રુક્મિણી, સત્યભામા વગેરે; વડીલ યાદવો, પાંડવો, હસ્તિનાપુરના વડીલો, અરે! ગાયો, વાનરો અને અશ્વો પણ – એ સૌનાં હૃદયને તે એટલા તો સ્પર્શી ચૂક્યા હતા કે એક જ જાદુઈ સ્પર્શથી તેઓ એ બધાંનાં હૃદયના સ્વામી બની જતા, પોતિકા બની જતા. પછી ક્યારેય ‘પારકા થતા નહિ. એમની મોહકમૂર્તિ, બંસીમાંથી નીતરતું મંજુલ સંગીત અને મધઝરતી અને અકાટ્ય તર્કથી સ્પષ્ટ થયેલી વાણી, ગમે તેને, અરે! દેવોને પણ તેમના દાસ બનાવી દે તેવી હતી, તો બિચારા માનવપ્રાણીનું તો શું ગજું? ‘પુરુષોત્તમ’ નામની તેઓ પૂરેપૂરી અન્વર્થકતા ધરાવતા હતા.

શ્રીકૃષ્ણ સુદીર્ઘ સમય જીવ્યા. જે બીજા માટે જીવે છે, તેઓ જ ખરેખર જીવે છે. શ્રીકૃષ્ણ આવું જ જીવ્યા. તેઓ લાંબું જીવ્યા, અન્યને માટે જ જીવ્યા અને તેથી સુંદર રીતે જીવ્યા. શ્રીકૃષ્ણની જીવન ફિલસૂફી એમના જીવનમાંથી જ તારવી શકાય તેવી છે. તેમના જીવન-સંગીતનો મુખ્ય સૂર હતો ‘ધર્મ’. કેવો હતો કૃષ્ણનો એ ધર્મ? ‘જે વ્યક્તિ અને સમાજનું શ્રેય-કલ્યાણ કરે તે ધર્મ, વ્યક્તિ અને સમાજની પરસ્પરની સંવાદિતા સાધે તે ધર્મ; વ્યક્તિ અને સમાજ વચ્ચે સંઘર્ષ સર્જાય, તો સામાજિક કલ્યાણને (શ્રેયને) પ્રથમ પસંદગી આપે તે ધર્મ.’ આ હતો શ્રીકૃષ્ણનો ધર્મ. શ્રીકૃષ્ણનાં બધાં કાર્યો ધર્મના આ માપદંડથી મપાવા માટે સજ્જ જ છે. આલોચકોને મહાભારતમાંનાં અનૈતિક લાગતાં વિવાદાસ્પદ કાર્યોનું સમાધાન શ્રીકૃષ્ણનો ધર્મનો આ માપદંડ કરી આપે છે.

શાસ્ત્રો, ઋષિમુનિસ્થાપિત પરંપરાઓ અને વ્યક્તિનું વિશુદ્ધ મન- આ ત્રણ ધર્મના માન્ય સ્રોતો છે. શ્રીકૃષ્ણ આ ત્રણેયને અનુસર્યા છે. એમણે પોતાના જીવન દરમિયાન શાસ્ત્રવિહિત વિધિવિધાનો કર્યાં છે, ફરજો બધી બજાવી છે, વડીલોને, બ્રાહ્મણોને અને ઋષિઓને આદર આપ્યો છે અને આશ્રિતોની કાળજી લીધી છે.

એમણે ઉપર્યુક્ત ધર્મ સદૈવ કહ્યો છે અને પોષ્યો છે. ધર્મસંસ્થાઓ અને એના અનુયાયીઓ – સંચાલકો વચ્ચે સુમેળ હોય, ત્યારે કૃષ્ણ સદાયે તે બન્નેને રક્ષવા તૈયાર રહેતા. પણ બન્ને વચ્ચે વિખવાદ થાય, તો જે પક્ષે ધર્મ હોય, તે જ પક્ષે તેઓ ઊભા રહેતા.

ભાગવત કૃષ્ણને ‘સ્વયં ભગવાન’ જ કહે છે. ગીતાના તેઓ પુરુષોત્તમ છે. એને કર્મ કરવા ન કરવા સાથે કશો સંબંધ નથી, કર્મથી એને કશું મેળવવું કારવવું યે નથી છતાં લોકસંગ્રહાર્થે – બહુ જનહિતાય અવિશ્રાન્ત રીતે, પૂર્ણ નિ:સ્વાર્થભાવે આખી જિંદગી તેઓ કાર્ય કરતા જ રહ્યા છે. જેમાં વૈયક્તિક સ્વાર્થની લેશમાત્ર છાયા પણ પડી નથી. વળી, એવાં બધાં જ કાર્યો પૂર્ણ રીતે કરાયાં છે, જરા પણ અધૂરપ એમણે ચલાવી નથી. કુશળતાથી, પ્રેમથી, નિષ્ઠાથી બધાં કાર્યો કર્યાં છે.

કૃષ્ણ પ્રેમકળા અને યુદ્ધકળા – બન્નેમાં પારંગત હતા, તેઓ દીન હીનોને આશ્વાસનની મધમીઠી વાણી પણ બોલી શકતા અને ધર્મત્યાગીને ધમકી પણ આપી શકતા; તેઓ પ્રેમને વશ હતા પણ છેતરપિંડી અને દંભ સામે ખડકની જેમ ઝીક ઝીલી શકતા; જીવનની સમસ્યાઓ ઉકેલવા તેઓ સદા તત્પર રહેતા; પ્રતિકૂળ પરિસ્થિતિ ગૂંચવાડો ઊભો કરે, તે પહેલાં જ એને દૂર કરી દેતા; અને સૌથી વધારે તો તેઓ સાવ જ નિષ્કામ હતા. ઉચ્ચતમ અનાસક્તિની તેઓ મૂર્તિ હતા; તેઓ ‘યોગેશ્વર’ પણ હતા અને ‘યોગીશ્વર’ પણ હતા. જિજ્ઞાસુને ઉચ્ચતમ આધ્યાત્મિક વૈવિધ્ય સમજાવવામાં તેઓ ક્યારેય થાક્યા નથી. તો આપણને એમણે ઉન્નતિ કરવા શો સંદેશ આપ્યો છે?

તે આ છે : ‘ધર્મ માટે – અન્યના શ્રેય માટે સદા તત્પર રહો, ક્યારેય સ્વાર્થી બનશો નહિ; કોઈપણ કામ નિષ્ઠાથી યથાશક્તિ કરો; દૃઢ શ્રદ્ધા રાખી ધર્મને અનુસરો; આવો ધર્મ તમને રક્ષશે. જીવનની સમસ્યાઓથી ભાગો નહિ, બહાદુરીથી એનો સામનો કરો; ભગવાનને પ્રાર્થના કરો, તે તમને જીવનસમસ્યાઓને પાર કરવાનું બળ આપશે; ક્યારેય ભૂલશો નહિ કે જીવનનું પરમલક્ષ્ય મોક્ષ જ છે જ્ઞાન-ભક્તિ કે કર્મ દ્વારા મોક્ષપ્રાપ્તિ માટે મંડ્યા જ રહો.’

હજારો વર્ષોથી માનવમનમાં કૃષ્ણ એક કોયડા સમાન રહ્યા છે; એણે હજારો લોકોને મોહક નશામાં મગ્ન કરી દીધા છે; એમાં નવાઈ નથી. એનું ‘કૃષ્ણવાસુદેવ’ એવું નામ જ આ કોયડો ઉકેલી આપે છે ‘કૃષ્ણ’ નામનો વ્યુત્પત્તિલભ્ય અર્થ જ ‘આકર્ષક’ – બીજાને પોતાની તરફ ખેંચનાર’- એવો થાય છે. અને ‘વાસુદેવ’નો અર્થ ‘સર્વવ્યાપક દિવ્યતા’ – એવો થાય છે. (જુઓ વિષ્ણુસહસ્રનામ) એટલે કૃષ્ણ માનવ તરીકે અતિસુંદર છે અને આંતરિક રીતે સ્નેહભાજન છે, ભક્તોને તેઓ આનંદ આપે છે, પણ ભગવાનરૂપે કે ધરતી પર અવતરેલા અવતારરૂપે તે અનિર્વચનીય – અવ્યાખ્યે જ રહ્યા છે.

‘કૃષ્ણ’નો બીજો અર્થ ‘કાળો’ કે ‘રહસ્યમય’ એવો થાય છે. તેઓ શ્યામવરણ હતા અને તેમની જીવનરીતિ રહસ્યમય હતી દૂરથી કાળો દેખાતો સાગર નજીક જઈ અંજલિમાં પાણી લેતાં તો એ જળ-સાગર-વર્ણહીન જ લાગે છે. એમ જ કૃષ્ણ દૂરથી જોતાં સમસ્યાભર્યા લાગે છે. શ્રદ્ધાપૂર્વક એની સમીપ જાઓ, તો એ અજ્ઞાનની કાળપ દૂર થઈને સ્ફટિક સમાન સ્વચ્છરૂપે, દિવ્યાનંદ રૂપે અને હંમેશા હાજરાહજૂર રૂપે અનુભવાશે.

કૃષ્ણનું વચન છે : ‘જે ભાવે તમે એને ભજો, તે ભાવે એ પ્રતિસાદ આપશે.’ તમે એને કોયડારૂપ કૃષ્ણરૂપે ભજશો, તો એ વધુ કોયડારૂપે તમારી સામે હાજર થશે. અને જો તમે એને ‘માનવરૂપધારી દિવ્યતા’ના રૂપે ભજશો, તો એ તમારી બધી સમસ્યાઓ હલ કરનાર દયાળુ ઈશ્વરરૂપે દેખાશે; ત્યારે તમારી બધી સમસ્યાઓ ઉકલી જશે. આ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ વિશ્વના અસંખ્ય રહસ્યવાદી કૃષ્ણભક્તો સેંકડો સદીઓથી પૂરું પાડતા આવ્યા છે.

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.