બેલુર મઠ, ૨૦-૪-૧૯૬૨
આજે ગુડફ્રાઈડેની રજા છે. સવારે લગભગ પચાસ દર્શનાર્થી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આજે બે વરિષ્ઠ સંન્યાસીઓની વિશેષ મુલાકાતને લીધે દર્શનનો સમય નિર્ધારિત સમય કરતાં એક કલાક પછી સવારે ૧૦ વાગ્યે શરૂ થયો. એક જૂના ભક્ત ( શ્રીશ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય શ્રી વિનોદેશ્વર દાસગુપ્તા મહાશય જેનું પૂર્વ નિવાસસ્થાન ઢાકાનું કલમા ગામ હતું.) ને જોઈને પરમાધ્યક્ષશ્રીએ પહેલાં કહ્યું: ‘વિનોદ, તું આટલે દૂર આવ્યો?’ એમણે ભક્તના પરિવારના કુશળ સમાચાર પણ પૂછ્યા. પરમાધ્યક્ષશ્રીની જમણી બાજુએ પુરુષો બેઠા હતા ત્યાંથી નાની ચપળ છોકરી ધીમે ધીમે ઊઠી અને એમની ચરણરજ લઈને એક નાનો એવો નિમંત્રણ પત્ર એમનાં કરકમલમાં અર્પણ કર્યો. પરમાધ્યક્ષના કહેવાથી એમના સેવકસાધુએ પત્ર વાંચી સંભળાવ્યો. એ પત્ર સાંભળીને બધા લોકોના મુખ પર કુતૂહલપૂર્વકનું હાસ્ય તરી વર્યું. અને એમાંય વિશેષ કરીને પોતાની ડાબી બાજુએ બેઠેલ મહિલા ભક્તોને ઉદ્દેશીને પરમાધ્યક્ષશ્રીએ કહ્યું: ‘ઢીંગલીના લગ્નના સમાચાર સાંભળીને તમે હસો છો, મનમાં એમ વિચારતા હશો કે આ વળી કેવી બાળકોની રમત! પરંતુ આ લોકો માટે એ જ વાત સાચી છે. તમે લોકો પણ જે વસ્તુને આજે સત્ય કહો છો, તેને જ્ઞાન થયા પછી જોશો તો એ પણ બાળકની ઢીંગલીની રમત જેવું છે. બાળકો પાસેથી આપણે ઘણું શીખવાનું છે. જાદુગર સાચો છે પણ એની જાદુગરી મિથ્યા છે, એક માત્ર એ જ (ભગવાન) સત્ય છે. આ પીસી સરકારનું જાદુ છે – બધા ભણેલાગણેલા લોકો પાસેથી કેવી રીતે પૈસા પડાવી લીધા! મારા તરફ જુઓ, આ વૃદ્ધ ઉંમરમાં પણ અહીં બેસીને અભિનય કરું છું.’ – આ શબ્દો બોલીને પરમાધ્યક્ષ મૌન બની ગયા.
એ નાની છોકરી પોતાની જગ્યાએ જઈને બેસી ગઈ અને થોડા સમય પછી મધુર અવાજે કહ્યું: ‘તમે આવશો ને, મહારાજ?’ પરમાધ્યક્ષશ્રીએ આશ્ચર્ય સાથે કહ્યું: ‘જો હું અહીંથી જ આશીર્વાદ આપી દઉં તો? તમારે ઢીંગલીના વિવાહ ક્યારે છે, રવિવારે છે ને? (પોતાના ગળે રહેલી માળા પર ડાબો હાથ રાખીને કહ્યું) ત્યાં સુધી તો આ માળા રહેશે નહિ.’ સેવક સંન્યાસીએ કહ્યું: ‘ફ્રિજમાં રાખવાથી બરાબર રહેશે.’ પરમાધ્યક્ષશ્રીએ ભક્તોએ આપેલી રજનીગંધા પુષ્પમાળા પોતાના ગળેથી કાઢીને બાલિકાના હાથમાં મૂકી દીધી. પરમાધ્યક્ષશ્રી બોલવા લાગ્યા : ‘અમારી સામે માયાનું આવરણ છે, એટલે જ મિથ્યા સાચું લાગે છે. અંધારાને લીધે દોરડામાં સાપનો ભ્રમ થાય છે તે રીતે – જો એ સમયે કોઈ દીવો ધરે તો આ ભ્રમ દૂર થઈ શકે. એક વાઘણે ઘેંટાનું ટોળું જઈ રહ્યું હતું તેના પરથી છલાંગ મારી. તે વાઘણ ગર્ભાવસ્થામાં હતી. કૂદકો મારીને જ્યારે તે માટીમાં પડી ત્યારે એની પ્રસૂતિ થઈ ગઈ અને એ વાઘણ મરી ગઈ. એ સમયથી જ પેલું નાનું વાઘનું બચ્ચું એ ઘેટાની સાથે હરતું-ફરતું રહેતું, બેં બેં કરતું અને ઘાસપાન ખાઈને મોટું થયું. એ પછી દૈવયોગે એક દિવસ સાચો વાઘ એની સામે આવી ચડ્યો. એણે એ ઘાસપાન ચરતાં વાઘના બચ્ચાને નદીને કિનારે લઈ ગયો અને કહ્યું: ‘આમાં જો, તારું અને મારું મોં એક સરખું જ છે. તો પછી તારી આવી દુર્દશા કેમ?’ એ સાંભળીને આ ઘાસપાન ખાતા વાઘના બચ્ચાએ પોતાનું અસલ સ્વરૂપ જાણી લીધું, એણે ભયંકર ત્રાડ મારી અને છલાંગ મારીને નીરવ જંગલમાં ચાલ્યો ગયો.
પરમાધ્યક્ષશ્રીને શાંત જોઈને એક ભક્ત મહિલાએ વિનમ્રશ્રદ્ધા સાથે પૂછ્યું: ‘અમારું અજ્ઞાન કેવી રીતે દૂર થશે?’ (આવો માર્મિક પ્રશ્ન સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા લોકો કૃતકૃત્ય બની ગયા.) પરમાધ્યક્ષશ્રીએ કહ્યું: ‘ભજનની જરૂર છે. –
તેષાં સતત યુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકં ।
દદામિ બુદ્ધિયોગં તં યેન મામુપયાન્તિ તે ॥ (૧૦.૧૦)
જે પ્રેમપ્રીતિથી મારું ભજન કરે, એ લોકોને હું સમ્યક બુદ્ધિ પ્રદાન કરું છું. જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે છે.
તેષામેવાનુકંપાર્થં અહમ્ જ્ઞાનજં તમ: ।
નાશયામ્યાત્મ ભાવસ્થો જ્ઞાન દીપેન ભાસ્વતા ॥ (૧૦.૧૧)
હું કૃપા કરીને લોકોની બુદ્ધિમાં ઉજ્જ્વળ વિવેક પ્રદીપ દ્વારા પ્રવેશીને એમના મહા-અંધકારને દૂર કરું છું.
એમની તરફ જુઓ, એમણે (ઈશ્વર) કેટલું કરી દીધું છે! શ્રીઠાકુરે કહ્યું છે – અગર કોઈ વ્યક્તિ એમના તરફ એક પગલું આગળ વધે તો તેઓ તેના તરફ દસ ડગલાં આગળ આવે છે. – હજારો હજારો વર્ષના અંધારાથી છવાયેલ ઘરમાં જો કોઈ એકાએક પ્રગટેલો દીવો લઈ જાય તો એ અંધારું પળવારમાં જ દૂર થઈ જાય છે, એ અંધારાને દૂર કરવા માટે પછી હજારો વર્ષની જરૂર રહેતી નથી.’
એક ભક્ત મહિલા (આર્તભાવે) : ‘મહારાજ, જપ કરતી વખતે મને કંઈ દેખાતું નથી.’ પરમાધ્યક્ષ (સ્નેહપૂર્વક) : ‘તમારું નામ શું છે?’ ભક્ત મહિલા : ‘આરતી દત્તગુપ્ત.’ પરમાધ્યક્ષ : ‘હવે આરત નીકળી છે. એ જ એક માત્ર વસ્તુ, બાકી બધી અવસ્તુ-વ્યર્થ. માયાના કારણે જ અત્યારે બધું બબ્બે જેવું દેખાય છે. પડછાયો પણ સાચો લાગે છે. પરંતુ દીવો આવે એટલે રજ્જૂસર્પ જેવો ભ્રમ દૂર થાય. દેહાત્મબુદ્ધિ ચાલી જવાથી બબ્બે દેખાવાનું બંધ થાય છે અને એક જ દેખાય છે.
પરમાધ્યક્ષે અતિપ્રિય પાળેલા નોળિયાનું ઉદાહરણ આપવાનું શરૂ કર્યું અને એ જ વખતે એમના સેવક સાધુએ સામે આવીને ઘડિયાળ બતાવી અને કહ્યું: ‘હવે તમે બધા મહારાજને પ્રણામ કરી લો, દસ વાગી ગયા છે.’
આજનું અનિશ્ચિત દર્શન ૩૦ મિનિટમાં જ પૂરું થઈ ગયું.
બેલુર મઠ, ૨૧-૪-૧૯૬૨
વરાહનગર મઠનાં ૭૫ વર્ષ પૂરાં થયાંનો મહોત્સવ નજીકમાં છે. ત્યાંના અધ્યક્ષે આવીને વિગતવાર વાત કરી અને ઉત્સવ સારી રીતે ઉજવાય એ માટે પરમાધ્યક્ષશ્રીના શુભાશિષ પ્રાર્થ્યા.
આજે પરમાધ્યક્ષશ્રીએ પ્રસંગકથા કરતાં કહ્યું: ‘આજે બધા લોકો ઉપદેશ આપવામાં મશગૂલ છે. ઉપદેશની સાથે એનો જીવનમાં કેવો સુમેળ થયો છે એ વિચારવાનો વખત જ નથી. આ ઉપદેશથી કંઈ કામ ન થાય. પહેલાં ધર્મજીવન જીવવું જોઈએ. જો વાણી અને વર્તનમાં સુમેળ રહે તો બીજા લોકો એ ઉપદેશને ગ્રહણ કરે, નહિ તો ન કરે.
બેલુર મઠ, ૨૨-૪-૧૯૬૨
સવારે નવ વાગ્યે દરરોજના નિયમ પ્રમાણે જાહેરમાં દર્શનલાભ આપવા લાગ્યા. આજે દક્ષિણના મહિલા ભક્તોને પહેલાં સંભાષણ આપ્યું: ‘આવો, સાવિત્રી, સરસ્વતી, બધું બરોબર ચાલે છે તો? સત્પથે સાચી દિશામાં ચાલો તો કોઈ ડર ન રહે.’ એક વરિષ્ઠ ભક્તે એક મહિલા તરફ અંગુલિનિર્દેશ કરીને કહ્યું: ‘આ મારાં ભાભી છે. કાશીથી આવ્યાં છે.’ પરમાધ્યક્ષ: ‘અરે, કાશીથી શું આવ્યાં? શેમાંથી શું થાય એનું કોઈ વર્ણન ન કરી શકે.’ કાશીવાસિની (ખચકાઈને): ‘એકવાર આ બાજુ ફરીને જોઈશ.’ પરમાધ્યક્ષ : ‘તો શું કાશી પ્રત્યે આટલું ખેંચાણ હજુ સુધી તમારામાં નથી આવ્યું? (પેલા વરિષ્ઠ ભક્તને સંબોધીને) વારુ, તમારાં પત્નીની તબિયત કેમ છે? સગાસંબંધીઓ પ્રત્યેનું આકર્ષણ થોડું ઓછું થયું કે નહિ?’ ઉલ્લેખ થયેલ ભક્ત મહિલા (એક બીજી બાજુએથી અપ્રત્યાસિત રૂપે ઊભાં થયાં) : ‘મહારાજ, આપ જેમ જુઓ છો, એમ જ છે.’ પરમાધ્યક્ષ: ‘જુઓ, હું તો બધું છોડીને કાશીમાં હતો. ઠાકુરે મારા ઉપર આ બધું લાદી દીધું.’ પેલી ભક્ત મહિલા : ‘જો ઠાકુરની ઇચ્છા હોય તો આપને પણ મુક્તિ મળે અને મને પણ મુક્તિ મળે.’ પરમાધ્યક્ષ (તેજોજ્વલભાવે) : ‘તમારા ઠાકુર અને મારા ઠાકુરમાં ઘણો મોટો ભેદ છે. (ત્યાર પછી એમણે પિતૃવત્સલભાવે મધુર સ્વરે કહ્યું) તમારા મૂળમાં જે છે એ જ મારા મૂળમાં છે. એમની ઇચ્છા સિવાય બીજો કોઈ ઉપાય નથી. વૃક્ષનું પાંદડુંયે ન હલે. જેમણે આ બંધનની સૃષ્ટિ રચી છે એ જ મુક્ત કરશે.’ સરસ્વતી : ‘આજે ….એ આવી ન શક્યા. એને ક્લબમાં મીટીંગ છે.’ પરમાધ્યક્ષ : ‘ત્યાં શું થાય છે? તેઓ શું એમાં પ્રમુખ છે?’ વરિષ્ઠ ભક્ત: ‘તે એક જાણીતું પ્રતિષ્ઠાન છે. કેટલીયે જગ્યાએ એમની શાખા પ્રશાખા છે. પરંતુ એમાં બહેનોને અધ્યક્ષ બનાવાતાં નથી. એનું કારણ એ છે કે ત્યાં મહિલાઓ અયોગ્ય છે એવું નથી પણ એમને માટે તે સ્થાન અજુગતું છે.’ પરમાધ્યક્ષ : ‘યાજ્ઞવલ્ક્યે મૈત્રેયીને કહ્યું – ન વિત્તેન અમૃતસ્ય આશા અસ્તિ કિંચન – ધનથી અમૃતની આશા રાખવી નિરર્થક છે. ઈશુ ખ્રિસ્તે પણ કહ્યું છે – You can not serve God and mammon. એમના (શ્રીઠાકુરના) સમયે પણ મહાભાવનું પૂર આવી ગયું. એટલે જ રોમાં રોલાં શ્રીઠાકુરને Younger brother of Christ (ઈશુ ખ્રિસ્તના લઘુબંધુ) કહે છે. તુલસીદાસે કહ્યું છે :
જહાઁ રામ તહાઁ કામ નહિ,
જહાઁ કામ તહાઁ નહિ રામ ।
દુહૂઁ એક સાથ મિલત નહિં,
રબ રજની એક ઠામ ॥
પશ્ચિમમાંથી જે કંઈ મળે છે તેને જ આપણે પકડી રાખીએ છીએ. હું એમ નથી કહેવા માગતો કે આ બધી ક્લબો સારી નથી. કેવળ દુ:ખ એટલું જ છે કે આપણું પોતાનું ઘણું સારું છે પણ આપણે એનું ધ્યાન રાખતા નથી. પશ્ચિમની સેવા અને ભારતના સેવાધર્મ વચ્ચે ઘણો મોટો ભેદ છે. શ્રીઠાકુરે બંકિમ બાબુને કહ્યું: ‘પરોપકાર નહિ, શિવજ્ઞાને જીવસેવા – ગૃહિતા નારાયણ સ્વયં’ આવો ભાવ આજના આધુનિક લોકોમાં ક્યાંથી મળે? એ લોકો તો કહે છે કે આને તોડી નાખો અને એને લાવો, ઘડો. ચૈતન્ય ચરિતામૃતમાં મહાપ્રભુની ઉક્તિ છે :
‘નામે રુચિ, જીવે દયા, વૈષ્ણવ સેવન.
એ સિવાય ધર્મ નથી, સુનો સનાતન.’
આ નામે રુચિ એ ઘણો સારો શબ્દ છે. જેને આવો થોડોઘણો ભાવ હોય તો તે ઘણું કરી શકે છે. વૈષ્ણવ સેવનનો અર્થ સાધુ અને ભક્તની સેવા. એમનામાં ભગવાનનો વિશેષ પ્રકાશ હોય છે, એટલે જ. જેટલા દિવસ સુધી એમને ન સ્પર્શી શકીએ તેટલા સમય સુધીનો ઉપાય છે સાધુ સેવા.
દક્ષિણેશ્વરમાં એક દિવસે સમાધિભાવમાંથી ઊતરીને શ્રીઠાકુરે કહ્યું: ‘નામમાં રુચિ એ સારું. વૈષ્ણવ સેવા પણ સારી છે. ભક્તની સેવામાં ભગવાનની સેવા થાય છે. પરંતુ જીવ પ્રત્યે દયા? છી, છી, તું દયા કરનારો કોણ? દયા નહિ, શિવજ્ઞાને જીવસેવા.’
તે દિવસે એ નાના ઓરડાની બહાર બેઠેલા બેક ગુરુબંધુઓને નરેન્દ્રે (સ્વામી વિવેકાનંદે) કહ્યું: ‘આજે એક નવો આલોક મળ્યો. જો ભગવાન સમય અને શક્તિ આપશે તો જગતમાં આ મહાન સત્યનો હું પ્રચાર કરીશ.’ તમારી આ ક્લબોમાં આ બધું મળશે? એમાં તો લક્ષ્ય હોય છે, નામ-યશ અને સામાજિક માનમોભો. આ નામ-યશની આકાંક્ષા ઘણી ભયંકર વસ્તુ છે. કેટલા મોટા માણસો પણ અહીં આવીને અટકી જાય છે. અરે! ત્યાગી-સંન્યાસીઓને પણ આવું થઈ જાય છે. કાગળમાં નામ ન છપાય તો એમને અશાંતિ થઈ જાય.
કેશવબાબુને શ્રીઠાકુરે કહ્યું હતું : ‘મારી વાતો કાગળમાં ન છાપતા. તમે વિજ્ઞાપન છાપીને મને મોટો બનાવશો?’ રામચંદ્ર દત્તે શ્રીઠાકુરને અવતાર કહીને સ્ટાર થિયેટરમાં સંબોધ્યા હતા. આ સાંભળીને શ્રીઠાકુરે એને ધમકાવીને કહ્યું: ‘આવું કરવાથી આ દેહ નહિ રહે.’ આ વાત રામચંદ્ર દત્તની ‘રચનાવલિ’માં છે. મહાસમાધિના ત્રણ-ચાર દિવસ પહેલાં સ્વામીજીને શ્રીઠાકુરે કહ્યું હતું : ‘આજે તને બધું આપીને હું ફકીર બની ગયો છું.’ ઉદ્બોધનના તંત્રીને એક દિવસ મેં પૂછ્યું: ‘શ્રીઠાકુરે એ દિવસે સ્વામીજીને શું આપ્યું?’ એમણે કહ્યું: ‘એ દિવસે શ્રીઠાકુરે સ્વામીજીને એ મહાભાવ આપ્યો હતો કે જે એમણે સમગ્ર વિશ્વમાં પ્રસરાવી દીધો.
Your Content Goes Here