આદિ કાંડ: નારદ-વાલ્મીકિ સંવાદ

तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदां वरम् ।
नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम् ।।1.1.1।।

આ વાલ્મીકિ રામાયણનો પ્રથમ શ્લોક છે. આ શ્લોકથી જ મહામુનિ વાલ્મીકિ ચોવીસ હજાર શ્લોકી રામાયણની રચના કરી છે. તપસ્યા અને પઠન-પાઠનમાં મગ્ન વાગ્મિ શ્રેષ્ઠ દેવર્ષિ નારદને મહામુનિ વાલ્મીકિએ પ્રશ્નો પૂછયા હતા.

વાલ્મીકિએ ‘તપસ્યા અને સ્વાધ્યાય’ આ બે શબ્દો દ્વારા રામાયણ કથાનો આરંભ કર્યો છે. જે બધા કષ્ટમય કર્મ દ્વારા વિષયસુખનો ત્યાગ કરીને ભગવાનમાં મન સંલગ્ન કરે તેને તપસ્યા કહે છે; અને સાધારણ રીતે વેદ, શાસ્ત્ર અધ્યયનને સ્વાધ્યાય કહેવાય. પાતંજલ યોગ શાસ્ત્રના સાધન પથનું પ્રથમ સૂત્ર છે – 

तप: स्‍वाध्यायेश्वर प्राणिधानानि क्रियायोग:

તપસ્યા, સ્વાધ્યાય અને ઈશ્વર-પ્રણિધાનનું નામ ક્રિયાયોગ અર્થાત્‌ આ ત્રણ સાધન દ્વારા ભગવાન સાથે જોડાઈ શકાય. જોવા મળે છે કે વાલ્મીકિ તેમની રામાયણમાં સૌ પ્રથમ જ તપસ્યા અને સ્વાધ્યાયમાં મગ્ન નારદને રામરૂપી વિષ્ણુકથા વિષે પૂછે છે. વળી વાલ્મીકિ રામાયણના અંતિમ સર્ગમાં કહે છે – જેઓ રામાયણના એક શ્લોકનો અંશમાત્રનું પણ શ્રવણ ભક્તિભાવથી કરશે, તેઓ બ્રહ્મલોકમાં જશે અને બ્રહ્મા દ્વારા સમ્માનિત થશે. (ઉત્તર – ૧૧૧-૨૪) એટલે કે તપસ્યા, સ્વાધ્યાય અને રામચિંતનથી મનુષ્ય મુક્ત થઈ જાય; તદુપરાંત રામાયણનો મૂળ સૂર તપસ્યા, સ્વાધ્યાય અને રામનું ચિંતન છે. લંકાનો વિજય અને સીતાનો ઉદ્ધાર કર્યો અને રામ અયોધ્યાના રાજસિંહાસન પર વિરાજમાન થયા; ત્યારબાદ રામની સદ્‌ગુણાવલી કૌશલ રાજ્યમાં સર્વત્ર છવાઈ ગઈ અને તત્પશ્ચાત્‌ જનપદ સમૂહે પણ પરસ્પર રામની કથા થોડી થોડી પ્રચારિત કરી. એમ લાગે છે કે આ રીતે જ વાલ્મીકિએ પહેલીવાર રામ વિષે કંઈક જાણ્યું. રામાયણમાં જોવા મળ છે કે વાલ્મીકિએ પ્રથમ જ નારદજીને પૂછ્યું: ‘જે સર્વગુણસંપન્ન, સત્યાશ્રયી, અન્યના ઉપકારમાં નિત્યરત, પ્રબળ પરાક્રમી, અને જ્યારે ક્રોધિત થાય ત્યારે દેવતાઓ પણ ભયભીત થાય એવું આધુનિક યુગમાં પૃથ્વી પર કોણ છે?’ પ્રશ્નકર્તા  જ્યારે કોઈ પ્રશ્ન કરે ત્યારે તે પ્રશ્નના સંબંધમાં થોડુંય જ્ઞાન ન હોય તો પ્રશ્ન કરવો સંભવ નથી. વાલ્મીકિએ જનશ્રુતિરૂપ રામ વિષે સામાન્ય જ્ઞાન તો મેળવ્યું હતું તેથી હવે વિશેષપણે રામ વિષે જાણવા માટે સર્વજ્ઞ શિરોમણિ નારદને પૂછે છે. વાલ્મીકિએ નારદને પૂછેલા આ પ્રશ્નો જ રામાયણનો મુખ્ય વિષય છે.

વાલ્મીકિએ પ્રશ્ન કર્યો હતો:

कोन्वसमिन्साम्प्रतं लोके गुणवान्कश्च वीर्यवान् ।
धर्मज्ञश्च कृतज्ञ सत्यवाक्यो दृढव्रत॥1.1.2॥

(आदि १-२)

હે મુનિવર! પૃથ્વી પર અત્યારે એવા કોણ છે, જે સર્વગુણના આધાર, અમિત વિક્રમશાળી, ધર્મનું રહસ્ય જાણે છે. અન્યના ઉપકાર જે કયારેય વિસ્મૃત ન કરે, જે સત્ય વચન માટે તત્પર અને પોતાના સંકલ્પથી ચ્યુત ન થાય.

आत्मवान्को जितक्रोधो द्युतिमान्कोऽनसूयक: ।
कस्य बिभ्यति देवाश्च जातरोषस्य संयुगे ।।1.1.4॥

(आदि १-२)

હે મહામુનિ નારદ! આપ મને એવા માનવની કથા કહો કે જે જિતેન્દ્રિય, ક્રોધને જેણે જીત્યો છે, ઉજ્જવળ કાંતિમય જેનું શરીર છે, જે બીજાના દોષ પ્રતિ સર્વદા વિમુખ અને જેઓ ક્રોધિત થાય તો દેવતાઓ સુદ્ધાં ભયભીત થઈ જાય. આવા બધા સદ્‌ગુણો જે પુરુષમાં આશ્રય કરે છે, હું તેની કથા સાંભળવા વિશેષ આગ્રહ રાખું છું. ત્રિભુવનમાં બધું જ આપના નખદર્પણમાં જોઈ શકાય છે. તેથી મારી આ અભિલાષા આપ પૂર્ણ કરો. વાલ્મીકિના પ્રશ્ન દ્વારા સમજી શકાય છે કે રામના જીવંતકાળ દરમ્યાન જ રામાયણની રચના થઈ હતી.

વાલ્મીકિની વાત સાંભળીને નારદ અત્યંત પ્રસન્ન થયા અને બોલ્યા – હે મુનિવર! તમે જે આ બધા સદ્‌ગુણો કહ્યા, તે બધા ગુણ કોઈ એક જ વ્યક્તિમાં હોવા એક રીતે અસંભવ છે. છતાં ય હું તમને આ રીતના સર્વગુણ સંપન્ન પુરુષની કથા કહું છું. રવીન્દ્રનાથ ઠાકુરે તેમના ‘ભાષા અને છંદ’ વિષયક ગ્રંથમાં વાલ્મીકિના આ બધા પ્રશ્નો અતિ સુંદર રીતે વ્યક્ત કર્યા છે:

વાલ્મીકિએ પૂછ્યું એક દિન નારદજીને;
મહારાજ, કહો મને આટલું:
કેના શૌર્યે ક્ષમાને ન અતિક્રમી?
કોના ચારિત્ર્યબળે કઠિન ધર્મનીતિ
મણિ માણિક્ય શી સુંદર કાંતિ ધરે?
અને તેથી મહૈશ્વર્યે રહે વિનમ્ર,
અને મહાદૈન્યે રહે ઉન્નત શિરે?
સંપત્તિથી રહે ભયભીત,
વિપદે રહે સાવ નિર્ભિક.
બધા માનવથી કોને મળ્યું સવિશેષ?
એ સવિશેષથી કોણે અધિક આપિયું?
કોણ છે એવો મહામાનવ?
કોણે ધર્યાં નિજશિરે રાજમુકુટ શાં
સવિનય-ગૌરવે ધરા પરે દુ:ખ મહત્તર?
હે સર્વદર્શી દેવર્ષિ! કહો મને એ પુણ્યપુરુષનું નામ.
નારદ બોલ્યા ધીમે: ‘અયોધ્યાના રધુપતિ રામ.’

(રવીન્દ્ર રચનાવલી ૩જો ખંડ – કવિતા)

વાલ્મીકિ જાણતા હતા કે દેવર્ષિ નારદને સાધારણ જીવનનો સામાન્ય પ્રશ્ન પૂછવાથી કોઈ ફાયદો નથી; કેમકે નારદજી સર્વત્ર એકમાત્ર શ્રી ભગવાનની કથા સિવાય બીજી કોઈ કથા બોલે નહિ – શ્રી ભગવાનની કથામાં જ તેમને આનંદ છે. વક્તા જે વિષયમાં સારું જ્ઞાન ધરાવતાહોય અને બોલતા તેમને આનંદ થાય, તે વાત જ બીજા પાસે પણ આનંદદાયક અને કલ્યાણકારી હોય છે. એમ લાગે છે કે વાલ્મીકિએ પણ આ બધું વિચારીને જ જગત વિષયક કથાનું છળ કરીને શ્રીભગવાનની કથા જ તેમને કહેવા અનુરોધ કરે છે, કારણ કે મહાપ્રાજ્ઞ વાલ્મીકિ સારી રીતે સમજે છે કે તેઓ જે બધા સદ્‌ગુણો વિષે પ્રશ્ન પૂછે છે, તે બધા એકમાત્ર શ્રી ભગવાન સિવાય બીજા કોઈનામાં એકી સાથે જોવા ન મળે.

વાલ્મીકિના મનનો ભાવ સમજીને દેવર્ષિ નારદ અત્યંત આનંદિત થયા, તેમની જિજ્ઞાસાને અનુરૂપ રામની ભગવત-સત્ત્વની આડશ હેઠળ એક આદર્શ મનુષ્યનું રૂપ દેખાડવા પ્રયત્ન કરે છે. નારદની કથાની જેમ વાલ્મીકિ પણ રામાયણમાં રામને મુખ્યત: આદર્શ મનુષ્ય રૂપે દર્શાવે છે. અલબત્ત તેમનાં લખાણમાં કોઈક કોઈક જગ્યાએ રામનું વિષ્ણુત્વ પ્રસ્ફુટ થાય છે. વાલ્મીકિ રામને આદર્શ પુત્ર, આદર્શ ભાઈ, આદર્શ પતિ, આદર્શ પ્રજાપાલક રાજા, એટલું જ નહિ આદર્શ શત્રુરૂપે પણ દર્શાવે છે. મનુષ્યનું ચરિત્ર કેટલું મહાન હોઈ શકે, વાલ્મીકિ રામચરિત્રમાં એ જ દેખાડે છે. વળી આવું ચરિત્રનું અનુસરણ વર્તમાન યુગના મનુષ્યો માટે સૌથી વિશેષ આવશ્યક છે. વાલ્મીકિ રામને દેવ-માનવના એક એવા વિશેષ સંધિ સ્થળે પ્રતિષ્ઠિત કરે છે કે જ્યાં તેમની અતિ સહજતાથી દેવતા અથવા મનુષ્યરૂપે કલ્પના કરી શકાય.

એક દિવસ શ્યામપુકુરમાં, ૨૭ ઓકટોબર ૧૮૮૫ના રોજ ડોકટર મહેન્દ્રલાલ સરકારે કહ્યું હતું જે કરવું હોય તે બધું કરો – ‘But do not worship him as God’ (શ્રીરામકૃષ્ણની ઈશ્વર તરીકે પૂજા કરો નહિ) આવા સારા માણસનું માથું ખાવ છો? જવાબ આપતાં નરેન્દ્રનાથે કહ્યું હતું – આમને (શ્રીરામકૃષ્ણદેવને) અમે ઈશ્વરની જેમ જ માનીએ છીએ. કઈ રીતે ખબર છે? જેમ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની વચ્ચોવચ્ચ એક એવું સંગમસ્થાન છે – જ્યાં આ વનસ્પતિ કે પ્રાણી નક્કી કરી શકાય નહિ – તે રીતે નરલોક અને દેવલોકની વચ્ચે એક એવું સ્થાન છે જ્યાં કહેવું કઠણ છે કે આ વ્યક્તિ મનુષ્ય કે ઈશ્વર.

ઈશ્વર જ્યારે લોકકલ્યાણ માટે મનુષ્યરૂપમાં આ જગતમાં અવતાર ધારણ કરે ત્યારે તેઓ એવું વર્તન કરે કે સામાન્ય મનુષ્ય તેમને સોળ આના મનુષ્યરૂપે જ જોવે, દેવતા રૂપે ન જુએ. શ્રીરામકૃષ્ણદેવ કહેતા: અવતાર જ્યારે આવે ત્યારે સામાન્ય લોકો ઓળખી ન શકે. ગોપન ભાવે આવે – બે ચાર અંતરંગ ભક્ત ઓળખી શકે. રામ પૂર્ણબ્રહ્મ – પૂર્ણ અવતાર એ હકીકત કેવળ બાર ઋષિઓ જ જાણતા હતા. બીજા ઋષિઓ કહેતા – હે રામ, અમે તો તમને દશરથના પુત્ર તરીકે ઓળખીએ છીએ.

આ બધાં કારણોથી ભિન્ન ભિન્ન મનુષ્યો પોતપોતાના ભાવ પ્રમાણે કોઈ રામને દેવતા અથવા કોઈ તેમને આદર્શ માનવ રૂપે હૃદયની શ્રદ્ધાંજલિ અર્પે છે. સમય જતા પાછળથી રામના દેવત્વનો પ્રચાર બહોળા પ્રમાણમાં થયો હતો, ત્યારે પ્રાદેશિક કવિઓએ મોટે ભાગે પોતાની ભક્તિભાવના આધારે રામને લોકકલ્યાણ અર્થે અવતીર્ણ ભગવાન તરીકે દર્શાવ્યા છે. પ્રાદેશિક કવિઓએ વાલ્મીકિ રામાયણના માળખાને બાજુએ રાખીને, તેનો કોઈ કોઈ જગ્યાએ મનગમતી મુગ્ધ કથા અને વાર્તાઓ જોડી દીધી છે. આ રીતે ભારતમાં પ્રાય પ્રત્યેક પ્રાદેશિક ભાષામાં રામાયણની કથા લખાયેલી છે. અને અત્યારે તો એમ લાગે છે કે વર્તમાન સમયમાં તો હજાર કરતાં ય વધુ રામાયણ પ્રચલિત છે – પ્રથમ યુગમાં વાલ્મીકિ રામાયણે જનમાનસમાં એવું એક મંથન આણ્યું હતું, જેથી ભારતની બહાર પણ રામાયણની કથાનો બહોળો પ્રચાર થયો હતો અને હજુય બહુ દૂરના દેશોમાં – મલેશિયા વગેરે દેશોમાં કોઈ વિશેષ ઉત્સવમાં રામાયણની કથાની નૃત્ય નાટિકા દ્વારા અભિનય કરવામાં આવે છે. વર્તમાનમાં ધાર્મિક અને નૈતિક અવદશાના યુગમાં પણ ભારતનાં વિવિધ સ્થળોમાં રામાયણની કથા-કીર્તન થતું હોય છે અને એવી બધી જગ્યાઓમાં ક્યાંક ક્યાંક તો પચાસ હજારથી પણ વધારે લોકો મંત્રમુગ્ધ થઈને કલાકોના કલાકો સુધી રામાયણની કથા સાંભળે છે.

ભાગવત પ્રણેતા વ્યાસદેવ અને રામાયણ પ્રણેતા વાલ્મીકિ મુનિ, બંને એ પ્રાય એક સરખા ભાવથી ભાગવત અને રામાયણની રચના કરી હતી. દેવર્ષિ નારદના ઉપદેશથી વ્યાસદેવે ગોવિંદલીલાનું ધ્યાન ધર્યું, ધ્યાનમાં અનુભૂતિ પામીને ગોવિંદલીલાની કથા તેમણે ભાગવતમાં લખી છે; આ વખતે વાલ્મીકિ મુનિ નારદની પાસે રામની કથા સાંભળીને અને બ્રહ્માના આદેશથી રામાયણની રચનાનો સંકલ્પ કરીને ધ્યાન મગ્ન થયા હતા. મહાબુદ્ધિશાળી વાલ્મીકિએ ત્યારે યોગબળથી રામના જીવનની સમસ્ત ઘટનાઓ સ્પષ્ટભાવે આત્મસાત્‌ કરીને રામાયણની રચના કરી હતી. 

જે હોય તે, વાલ્મીકિનો પ્રશ્ન સાંભળીને નારદ બોલ્યા – ઈક્ષ્વાકુવંશમાં  જન્મ ગ્રહણ કરીને જેઓ રામ નામે વિખ્યાત થયા છે, તે જ તમારા પ્રશ્ન પ્રમાણેના સર્વગુણ સંપન્ન વ્યક્તિ છે. તેઓ નિયતાત્મા મહાવીર્યો દ્યુતિમાન, ધૃતિમાન વશી (આદિ ૧-૮) તેમણે સમસ્ત ઈંદ્રિયોને વશીભૂત કરી છે. महा बलवान, अति समुज्जवल તેમની અંગકાંતિ અને ધૈર્ય સર્વ જનસમુદાય વખાણે છે.

धर्मज्ञस्सत्यसन्धश्च प्रजानां च हिते रतः ।
मधुर ज्ञानसम्पन्नश्शुचिर्वश्यस्समाधिमान ।।

(आदि १-१२)

શ્રીરામ ધર્મનું ગૂઢ રહસ્ય જાણે છે, સત્ય સંકલ્પ અને સર્વદા પ્રજા વર્ગનું હિત સાધવામાં મગ્ન છે. લોકો તેમના ગુણગાન કરે છે, શુચિ સંપન્ન અને મનને સંયમમાં રાખે છે.

विष्णुना सदृशो वीर्ये सोमवत्प्रियदर्शनः ।
कालाग्निसदृशः क्रोधे क्षमया पृथिवीसमः ।।

(आदि १-१७)

તેઓ ભગવાન વિષ્ણુ જેવા પરાક્રમશાળી અને ચંદ્ર જેવા પ્રિયદર્શન, તેઓ ક્રોધે ભરાય તો પ્રલયાગ્નિની જેમ અતિ ભયંકર, અને ક્ષમાના ગુણમાં તો પૃથ્વી જેવા ક્ષમાશીલ છે.

નારદ બોલ્યા: એવા સર્વગુણ સંપન્ન સૌથી મોટા પુત્ર રામને દશરથ રાજાએ પ્રજાના કલ્યાણ માટે ઉત્તરાધિકારી રૂપે રાજસિંહાસન આપવા નક્કી કર્યું પરંતુ અગાઉ દશરથ રાજાએ પોતાની સૌથી નાની રાણી કૈકેયીને બે વરદાન આપવા માટે વચન આપ્યું હતું. રામનો આવતીકાલે રાજ્યાભિષેક થશે એ જાણીને તથા જે કંઈ આયોજન થઈ રહ્યું હતું તે જોઈને કૈકેયી દશરથ રાજા પાસે ગઈ અને તેમણે આપેલાં બે વરદાન માગવાની રજૂઆત કરી. કૈકેયીએ પ્રથમ વરદાન માગતાં કહ્યું કે રામને ચૌદ વરસનો વનવાસ અને બીજા વરદાનમાં માગ્યું કે પોતાનો પુત્ર ભરત અયોધ્યાના રાજસિંહાસન પર બેસીને રાજ કરશે.

સત્ય પ્રતિજ્ઞ દશરથ રાજાએ નિરુપાય થઈને પોતાના પ્રિય પુત્ર રામને વનમાં મોકલ્યા. અને પિતાના વચનના પાલન માટે સત્યની રક્ષા કરવા અને માતા કૈકેયીના પ્રેમ ખાતર રામ વનમાં ગયા. રામના અતિશય પ્રિય એવા અનુજ લક્ષ્મણ અને રઘુકૂળ વધૂ સીતા પણ રામની સાથે વનમાં ગયાં. સીતા અને લક્ષ્મણની સાથે રામ ઘણાં બધાં જંગલો, નદી-નાળાં પાર કરીને ચિત્રકૂટ પહોંચ્યાં અને ત્યાં વસવાટ કરવા લાગ્યા. ભરત રામને અયોધ્યા પાછા લઈ જવા મુખ્ય પૂજનીય ગુરુજનો અને વશિષ્ઠને સાથે લઈને ચિત્રકૂટ ગયા હતા. ત્યાં રામે ભરત પાસેથી દશરથ રાજાના મૃત્યુના સમાચાર સાંભળ્યા અને ભરતની રાજ્યગ્રહણની અનિચ્છા વિષે જાણ્યું. ભરત અને બીજા સર્વેનો આગ્રહ હતો કે રામ અયોધ્યાનો રાજ્યભાર ગ્રહણ કરે. તેઓએ વારંવાર રામને તે માટે વિનંતી કરી. પરંતુ રામ પોતાના સંકલ્પમાં અટલ હતા. તેઓ પિતાના વચન પાલનને જ કર્તવ્ય માનતા હતા. ભરતે ત્યારે રામની ચરણપાદુકા માથા પર લીધી અને અયોધ્યા પાછા ફર્યા. ભરતે રાજસિંહાસન પર રામની ચરણપાદુકા મૂકી અને પોતે રામના પ્રતિનિધિ તરીકે રાજ્યભાર સંભાળવા લાગ્યા.

ચિત્રકૂટથી રામ વિશાળ દંડકારણ્યમાં પ્રવેશ્યા અને ઋષિ મુનિઓ સાથે રહેવા લાગ્યા. દંડકારણ્યમાં કેટલાંક દુષ્ટ રાક્ષસો તપસ્વીઓ પર અત્યાચાર ગુજારતા હતા; તે સાંભળીને રામે તેમનો સંહાર કર્યો. લંકા નરેશ રાવણે દંડકારણ્યમાં રહેતા તેના જ્ઞાતિ-રાક્ષસોના નિધનના સમાચાર સાંભળ્યા ત્યારે તે ક્રોધથી ભડકો થઈ ગયો. તેણે પ્રતિશોધની આગમાં સીતાનું અપહરણ કર્યું અને લંકા લઈ ગયો. ત્યારબાદ રામે વાનરરાજ સુગ્રીવની સાથે મિત્રતા કરીને વાનર સૈન્યની સહાયથી રાવણનો અને તેના સમૂળગા વંશનો નાશ કર્યો તેમજ સીતાનો ઉદ્ધાર કર્યો. ત્યાં સીતાની અગ્નિ પરીક્ષા કર્યા બાદ રામે તેમને ગ્રહણ કર્યાં અને અયોધ્યા પાછા ફર્યા તેમજ ભરત પાસેથી રાજ્યભાર ગ્રહણ કર્યો.

આ રીતે અતિ સંક્ષેપમાં નારદે વાલ્મીકિને રામ ચરિત્ર સંભળાવ્યું અને કહ્યું, ‘આ રામચરિત અત્યંત પવિત્ર અને પાપનાશકારી, વેદો જેવું પુણ્યશાળી છે. જે આ રામચરિત પાઠ કરશે, તે સમસ્ત પાપોથી મુક્ત થશે.

Total Views: 31

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.