મામા શાઈસ્ત ખાન પુનાથી ભાગીને દિલ્હી આવી ગયો. ઔરંગઝેબને લાલ મહેલ પર શિવાજીના આક્રમણની ઘટના કહી. પોતાનો કપાયેલો જમણો હાથ પણ બતાવ્યો. આ મહાન સેનાપતિ ખૂબ ગમગીન હતો. એટલામાં સુરતની લૂંટના સમાચાર આવ્યા. ઔરંગઝેબના ક્રોધનો પારો ચડી ગયો. વીસ હજારનું સામાન્ય માળવાઓનું નાનું સૈન્ય ધરાવનાર શિવાજી એક લાખની મોટી ફોજ સાથે હિંમતથી લડી રહ્યા છે. આ વાત પર વિશ્વાસ ન આવે એવું હતું પરંતુ હતી સોળ આના સાચી વાત. ઔરંગઝેબ અદ્ભુત કૂટનીતિજ્ઞ હતો. એણે વિચાર્યું કે આ વખતે હિંદુઓનું મોટું સૈન્ય દક્ષિણમાં મોકલવું. મરે તો બંને બાજુ હિંદુ જ મરે ને! આમેરના મિરઝા રાજા જયસિંહને આ જવાબદારી સોંપી. તેઓ મોગલોના મોટા સેનાપતિ હતા. પાંચ પેઢીથી મોગલોની ગુલામી કરતા રહ્યા હતા. સૂઝબૂઝ અને રણયુદ્ધમાં તેઓ અનુપમ સેનાપતિ ગણાતા.

ઔરંગઝેબ એક નંબરનો ધૂર્ત અને વહેમી હતો. સાવચેતી માટે એણે એક બીજા સેનાપતિ દિલેરખાઁને રાજાની સાથે રાખ્યો. મોટા ભાગનું લશ્કર હિંદુઓનું હતું. ૧૬૬૫ના ફેબ્રુઆરીમાં મોગલ લશ્કર બુરહાનપુર પહોંચી ગયું. આને દક્ષિણનો દરવાજો ગણવામાં આવતો. રાજા જયસિંહ શિવાજી સાથે મેદાનમાં લડવા ઇચ્છતા હતા. શિવાજી તો એનાથીયે વધારે બુદ્ધિમાન હતા. તેઓ પોતાની મર્યાદિત શક્તિને બરાબર ઓળખતા હતા. એકબાજુએ બીજાપુરનો ભય તો હતો જ; ક્યાંક આવા બે લશ્કરો વચ્ચે ફસાઈ ન જવાય એની એમને ચિંતા હતી.

એમને સૂચના પણ મળી ગઈ કે આ વખતે લશ્કરમાં મોટા ભાગના હિંદુઓ જ છે. પોતાની પાસે એ સમયે વીસ હજારનું લશ્કર હતું. ઉત્તમ હથિયારોની ઊણપ હતી. મોગલો પાસે હાથી, ઘોડા, ઊંટ, નાની મોટી તોપ, બંદૂક બહોળા પ્રમાણમાં હતાં. તેઓ રાજા જયસિંહ લાંબા સમય સુધી ફાંફાં મારતો રહે એમ ઇચ્છતા હતા. તેઓ એ પણ જાણતા હતા કે જયસિંહ એ કટ્ટર ધર્મભાવનાવાળા છે, નિત્યપૂજાપાઠ કરે છે અને ભગવાન ગોવિંદદેવના ભક્ત છે. ઔરંગઝેબે આ પહેલાંનાં વર્ષોમાં મથુરા, કાશી તથા વિશેષ કરીને જયપુરનાં ઘણાં મંદિર તોડ્યાં છે, એટલે એ મનમાં ને મનમાં દુ:ખી તો હતા જ.

શિવાજી તેમની હિંદુત્વની ભાવનાને જાગ્રત કરીને એક મોટો સંયુક્ત મોરચો રચવા ઇચ્છતા હતા. પોતે એમના નેતા બને એવી એની આકાંક્ષા ન હતી. મેવાડના રાણા જયસિંહ, રાજા જયસિંહ કે જોધપુરના રાજા જશવંતસિંહમાંથી કોઈ એકને તેઓ નેતા બનાવવા તૈયાર હતા. એમનું એકમાત્ર લક્ષ્ય હતું, કોઈ પણ રીતે આગળ વધતી આ વિદેશી મોગલ શક્તિને છિન્ન ભિન્ન કરી નાખવી. એને લીધે હિંદુધર્મ મજબૂત બને અને દેશમાં આર્યસંસ્કૃતિનો વિકાસ થાય. શિવાજીએ મનમાં વિચાર્યું કે એક વખત રાજા જયસિંહને મળીને આ બાબતની સ્પષ્ટતા કરી લઈએ તો કેવું! એ લોકો પણ દેશ અને ધર્મની સારી માઠી અવસ્થા વિશે વિચારતા તો હશે જ. એમના મનમાં પણ પોતાના ઈષ્ટદેવતાના મંદિર તૂટવાની ગ્લાનિ તો હોય જ. છેવટે એમણે જયસિંહને એક સુપ્રસિદ્ધ ઐતિહાસિક પત્ર લખ્યો. આ પત્ર અત્યારે રાષ્ટ્રિય સંગ્રહાલયમાં રાખવામાં આવ્યો છે. એને વાંચવાથી આપણને ખ્યાલ આવે છે કે શિવાજીના મનમાં ધર્મ પ્રત્યે કેટલી મોટી શ્રદ્ધા અને મહાન ભક્તિ હતાં.

રાયગઢ, ફેબ્રુઆરી, ૧૬૬૫

હે રામચંદ્રના હૃદયાંશ! તમારાથી રાજપૂતોનું માથું ઊંચું રહે છે. બુદ્ધિમાન જયશાહ! શિવાના પ્રણામ સ્વીકારજો. જગતના સર્જક તમને ધર્મન્યાયનો માર્ગ બતાવે એમ ઇચ્છું છું.

મેં સાંભળ્યું છે કે તું મારા પર આક્રમણ કરવા તેમજ દક્ષિણ પ્રાંત પર વિજય મેળવવા આવ્યો છો. હિંદુઓનાં હૃદય તથા આંખોનાં રક્તથી તું સંસારમાં યશસ્વી બનવા ઇચ્છે છે. પરંતુ તને આટલી ખબર નથી કે આનાથી તારા મોઢા પર કલંકની કાલિમા લાગી રહી છે, કારણ કે આ દેશ તથા ધર્મ એને લીધે આપત્તિમાં પડી જશે. જો તું પોતે દક્ષિણ પર વિજય મેળવવા આવત તો મારા મસ્તક અને આંખને તારા રસ્તાની પથારી બનાવી દેત. તો તો પછી હુંયે તારો સહસાથી બનીને મોટું સૈન્ય લઈને સાથે નીકળી પડત અને આ ભૂમિના એક છેડાથી બીજા છેડા સુધી તને વિજય અપાવી દેત. પરંતુ તું તો ઔરંગઝેબ વતી આવ્યો છે. હવે મને એ ખબર નથી કે હું તારી સાથે કેવી યુક્તિપ્રયુક્તિ કરું. હું તારી સાથે મળી જાઉં તો એમાં પુરુષત્વ નથી, કારણ કે પુરુષો સમયની સેવા કરતા નથી; સિંહ ક્યારેય શિયાળની સેવા ન કરે. અને જો હું તલવાર તથા કુઠારાઘાતથી કામ લઉં તો બંને બાજુએ હિંદુઓને જ નુકશાન થવાનું. એ ન્યાય તથા ધર્મથી વંચિત પાપી કે જે મનુષ્ય રૂપે રાક્ષસ છે તેણે અફઝલ ખાઁમાં કોઈ શ્રેષ્ઠતા પ્રગટ થતી ન જોઈ, શાઈસ્ત ખાઁમાં કોઈ યોગ્યતા એને ન દેખાણી ત્યારે તેણે તને અમારી સામે યુદ્ધ માટે મોકલ્યો છે. એ પોતે તો અમારા આક્રમણને સહન કરવાની ક્ષમતા ધરાવતો નથી. તે એટલું જ ઇચ્છે છે કે હિંદુઓના સમૂહમાં કોઈ બળવાન પુરુષ સંસારમાં શેષ ન રહી જાય. સિંહ, સિંહ અંદરો-અંદર લડીને ઘાયલ થાય અને શાંત થઈ જાય. આ ગુપ્તભેદ તારા મગજમાં કેમ નથી ઊતરતો!

આ જગતમાં ઘણું સારું નરસું જોયું છે. તારે અમારી સાથે યુદ્ધ ન કરવું જોઈએ અને હિંદુઓનાં મસ્તકોને ધૂળમાં રગદોળવા ન જોઈએ. વાઘ મૃગલાં વગેરે પર આક્રમણ કરે છે પણ તે સિંહની સાથે ગૃહયુદ્ધ કરવા તૈયાર નથી હોતો. જો તારી આ કાપનારી તલવારમાં પાણી હોય તો તારે તો ધર્મના શત્રુ પર આક્રમણ કરવું જોઈએ. તેં રાજા જશવંતસિંહને દગો દીધો તેમજ હૃદયમાં ઊંચનીચનોયે વિચાર ન કર્યો. વરુના જેવા ખેલ ખેલીને તું પૂરો ધરાયો નથી અને સિંહો સાથે યુદ્ધના બહાને આ ઠેકડી ઉડાવવા આવ્યો છે. તને આ દોડધામમાં શું મળે છે! તું આ નીચની કૃપાનું અભિમાન શા માટે કરે છે? તું એ પણ જાણે છે કે કુમાર છત્રશાલ પર એ દુષ્ટ કેવી રીતે મુશ્કેલીના પહાડ પાડવા માગે છે. તું એ પણ જાણે છે કે બીજા હિંદુઓ પર પણ એ દુષ્ટના હાથે કેટકેટલી મુસીબતો આવી છે. હું માનું છું કે તેં એની સાથે સંબંધ જોડ્યો છે. પરંતુ એ રાક્ષસ માટે આ બંધન તકલાદી છે અને દૃઢ નથી. એ તો પોતાના ઈષ્ટસાધન માટે ભાઈનું લોહી રેડવાથી તથા બાપના પ્રાણ લેવાથીયે ડરતો નથી. જો તું પૌરુષ તથા મોટાઈનાં બણગાં ફૂંકતો હોય તો તું પોતાની જન્મભૂમિના સંતાપથી તારી તલવારને તપાવી લે તેમજ અત્યાચારથી દુ:ખી સંતપ્ત લોકોનાં આંસુંને ઠાર. આ અવસર આપણા લોકો માટે અંદરોઅંદર લડી મરવાનો નથી, કારણ કે હિંદુઓ પર આ સમયે ઘણું મોટું કઠિન કાર્ય આવી પડ્યું છે. આપણાં છોકરાં, દેશ, ધન, દેવ, દેવાલય તથા પવિત્ર દેવપૂજક પૂજારી, આ બધા પર આપત્તિ તૂટી પડી છે. એમનાં દુ:ખની હવે મર્યાદા આવી ગઈ છે. જો કેટલાક સમય સુધી એનું આવું જ કામ ચાલતું રહેશે તો આપણા લોકોની નિશાની પણ પૃથ્વી પર રહેશે નહિ. મોટી નવાઈની વાત તો એ છે કે મુઠ્ઠીભર મુસલમાન આપણા આટલા મોટા દેશ પર પ્રભુત્વ જમાવે છે. જો તારામાં સમજબુદ્ધિ હોય તો એટલું તો જો કે તે (ઔરંગઝેબ) આપણી સાથે કેવી દગાબાજીના ખેલ કરે છે, તેમજ આપણાં મસ્તકોને આપણી જ તલવારોથી કાપે છે.

આપણે લોકોએ હિંદુસ્તાન તથા હિંદુધર્મ માટે વધારેમાં વધારે પ્રયત્ન કરવા જોઈએ. જો તું જશવંત સિંહ સાથે મળી જાય અને રાણા સાથે પણ એકતાનો વ્યવહાર સાધી લે તો મને આશા છે કે મોટું કામ પાર પડી જશે. ચારે બાજુએથી આક્રમણ કરીને તમે લોકો યુદ્ધ કરો. એ સાપની ફેણને પથ્થરની નીચે દબાવી દો. હું આ બાજુએ ભાલા ચલાવનારા વીરોની સાથે એ બંને બાદશાહોનું ભેજું પણ કાઢી નાખું. મેઘની જેમ ગર્જના કરનારી સેના દ્વારા મુગલો પર તલવારના પાણીનો વરસાદ વરસાવી દઉં. ત્યાર પછી કાર્યદક્ષ શુરવીરોની સાથે લહેરો લેતી તેમજ કોલાહલ મચાવી દેતી નદીની જેમ દક્ષિણના પહાડોમાંથી નીકળીને મેદાનના પ્રદેશમાં આવી જઉં. સાથે ને સાથે અત્યંત શીઘ્ર તમારા લોકોની સેવામાં હાજર થઈ જઉં. આપણે આપણી સેનાઓના તરંગોને દિલ્હીના એ જર્જરિત ઘર સુધી પહોંચાડી દઈએ. પછી તો એની એ અત્યાચારી તલવારેય ન રહે અને કપટજાળ પણ દૂર થાય. આ કામ અતિ કઠિન નથી, એને માટે કેવળ યથોચિત હૃદય, હાથ અને આંખની આવશ્યકતા છે. બે હૃદય એક થઈ જાય તો કઠિનતમ પહાડને તોડી શકે છે અને વિશાળ સમૂહના સમૂહોને પણ વેરવિખેર કરી શકે છે. જે બાબતો પત્રમાં લખવી સંભવ નથી એને વિશે હું ઇચ્છું છું કે આપણે બધા પરસ્પર વાતચીત કરી લઈએ જેથી નિરર્થક દુ:ખ અને શ્રમથી દૂર રહીએ. જો તું ઇચ્છે તો હું તારી સાથે પ્રત્યક્ષ વાતચીત કરવા આવી જઉં અને તારી વાતોને પણ સાંભળું.

તલવારની તથા ધર્મની સોગંદ ખાઈને કહું છું કે એનાથી તારા પર ક્યારેય આપત્તિ નહિ આવે. અફઝલ ખાઁને પરિણામે તું શંકાશીલ ન બનતો, કારણ કે એમાં સચ્ચાઈ જ નથી. મારા માટે તે ઘાત લગાવીને બેઠો હતો. જો હું પહેલેથી જ એના પર હાથ ન ફેરવત તો આ સમયે આ પત્ર તને કોણ લખત? જો હું તારો યથેષ્ટ ઉત્તર પામીશ તો તારી સામે જ રાતના એકલો આવીશ. હું તને એ ગુપ્ત પત્રો બતાવીશ કે જે મેં શાઈસ્ત ખાનના ખિસ્સામાંથી કાઢી લીધા હતા. જો એ પત્ર તારા મનને અનુકૂળ ન લાગે તો પછી હું છું અને મારી કાપનારી તલવાર તથા તારી સેના. કાલે જ્યારે સૂર્ય પોતાનું મોં સંધ્યામાં છુપાવી લેશે એ સમયે મારું ખડગ મ્યાનને ફેંકી દેશે.                                       –  શિવાજી

શિવાજીનો પત્ર વાંચીને જયસિંહના મનમાં એમના પ્રત્યેનો આદરભાવ વધી ગયો. મનમાં ને મનમાં એને સમજાઈ ગયું કે વાસ્તવિક રીતે એ એકલો વીર યુવક જ મોગલોની મોટી હસ્તી સાથે હિંદુધર્મની રક્ષા માટે લડી રહ્યો છે, પરંતુ ઔરંગઝેબથી અલગ થઈ જાય એવી હિંમત જયસિંહમાં ન હતી. નવી સંધિ પ્રમાણે શિવાજી પોતાના લશ્કર સાથે જયસિંહની સાથે આવી ગયા પરંતુ એનો સહાયક સેનાપતિ દિલેરખાઁ હંમેશાં એની ચાળીચુગલી કર્યા કરતો, મનમાં વેર રાખતો અને મોકો મળે તો એને મારી નાખવા ઇચ્છતો હતો.

એક દિવસ બાદશાહનો પત્ર આવ્યો કે શિવાજી અને એમના પુત્રને આગ્રા મોકલી દો. અમે એમને મળવા ઇચ્છીએ છીએ. એમને માન-ઇજ્જત અને ભેટસોગાદ પણ આપીશું.

જીજાબાઈ આગ્રા મોકલવાના પક્ષમાં ન હતાં, પરંતુ મહારાજે કહ્યું કે મા ભવાની રક્ષા કરશે, તમે ડરો નહિ. અમને ઉત્તરના હિંદુ સરદારોના મનોભાવને જાણવાનો મોકો પણ મળી રહેશે. રાજા જયસિંહે પોતાના ઈષ્ટદેવ ગોવિંદદેવની સોગંદ ખાઈને એમની (શિવાજીની) રક્ષા કરવાનું વચન આપ્યું છે. પોતાના પુત્ર રામસિંહને બધી વાતો લખીને મોકલી દીધી. ૫ માર્ચ, ૧૬૬૬ના રોજ પોતાના ૩૫૦ સાથીઓ સાથે મહારાજા અને નવવર્ષનો બાળક સંભાજી રાયગઢથી આગ્રા જવા રવાના થયા. ૧૧ મેના રોજ તેઓ બધા આગ્રા પહોંચી ગયા. બીજે દિવસે બાદશાહના ૫૦મા જન્મદિવસનો જલસો હતો. શિવાજી પુત્ર સાથે દરબારે આમમાં ગયા. શહેરના રસ્તામાં લોકો એમની જયજયકાર કરી રહ્યા હતા. એમની સાથે રહેલા મુસલમાન સિપાઈઓને આ ગમતું ન હતું.

દરબારમાં એમને ત્રણ હજારી સરદારોની પંક્તિમાં ઊભા રાખ્યા. ઔરંગઝેબે આ અદબનો જવાબ પણ ન દીધો. તે ગુસ્સામાં કંપવા લાગ્યો. નજીકમાં જ ઊભેલા રામસિંહને ઘણું સંભળાવ્યું અને જલદી કોઈ પણ જાતની સલામ કર્યા વગર દરબારમાંથી બહાર નીકળી ગયા.

આ બાદશાહનું કરેલું સરાસર અપમાન હતું. તેઓ પોતાના મુકામ પર આવ્યા. થોડીવારમાં ચારે-તરફથી મોગલ સૈનિકોએ તેઓને ઘેરી લીધા. શિવાજીને માતા જીજાબાઈની ચેતવણીના શબ્દો યાદ આવ્યા, પણ આવે સમયે કરી પણ શું શકાય. અત્યારે તો એ પાંજરામાં કેદ હતા.

આમ છતાં પણ ઔરંગઝેબ પોતે પણ ઝઘડો વધારવા ઇચ્છતો ન હતો. પરંતુ એમના વજીર ઝાફર ખાઁ, જોધપુરના રાજા જશવંત સિંહ અને શાહજાદી જહાઁનઆરા, એ બધાં શિવાજીને ખતમ કરી નાખવા ઇચ્છતા હતા. એટલે એમની સલાહ માનીને ઔરંગઝેબે આગ્રાના કોટવાલ અંદાજખાઁની જવાબદારી નીચે શિવાજીને સોંપી દીધા. પાંચ હજાર પઠાણ સિપાઈ રાત દિવસ ચારે તરફ પહેરો ભરવા લાગ્યા.

આ બાજુ રામસિંહને ખ્યાલ આવ્યો કે શિવાજીની અને સંભાજીની થોડા વખતમાં જ હત્યા થશે. તેણે પોતાના પિતાને એમણે આપેલાં વચનોની યાદ અપાવી. એણે પોતાના કેટલાક વિશ્વાસુ સૈનિકો શિવાજીના રહેઠાણ પર રાખી દીધા. આમ તો શિવાજીને મારી નખાયા હોત પરંતુ ઔરંગઝેબ રાજા જયસિંહને નારાજ કરવા ઇચ્છતા ન હતા. આગ્રામાં હિંદુસૈન્ય પણ શિવાજીનો આદર-માન જાળવતું. એટલે એ મોકો શોધતો હતો. રામસિંહ શિવાજી સાથે બરાબર મળતો રહેતો. મનમાં ખૂબ દુ:ખી હતો પણ સામે કોઈ ઉપાય ન હતો. એક મહિનો એમને કેદમાં વીતી ગયો. ચારે તરફ સખત ફોજી પહેરો, ક્યાંયે નજર નાખ્યે રસ્તો મળતો ન હતો. પરંતુ સંકટના સમયે તેઓ હિંમત હારનારા માનવી ન હતા.

૧ જૂનના રોજ એમણે પોતાની સાથેના ૩૫૦ સૈનિકોને દક્ષિણમાં મોકલવાની રજા માગી. ઔરંગઝેબને આ જ જોતું હતું. બધા મરાઠા સૈનિકો દક્ષિણમાં ન ગયા પણ યોજના પ્રમાણે આગ્રાની પાસે છુપાઈને અહીં તહીં જુદા જુદા વિસ્તારમાં ફેલાઈ ગયા. આ બાજુએ શિવાજીની હત્યાની બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. એમને દફનાવી દેવાની વ્યવસ્થા પણ થઈ ગઈ.

રામસિંહના ગુપ્તચરો દ્વારા આ બધી વાતનો ખ્યાલ આવી ગયો. એણે પોતાના પિતાને બાદશાહના વિશ્વાસઘાત વિશે વિગતવાર સમાચાર મોકલ્યા. એક દિવસ શિવાજીએ એને બોલાવીને કહ્યું: ‘તમે તો મારા નાના ભાઈ જેવા છો. હું કોઈ પણ રીતે તમને આ મુગલશાહીમાં રાખવા ઇચ્છતો નથી. બાદશાહ પાસેથી તમે મારી રક્ષાની જવાબદારીમાંથી રજા લઈ લો. પછી મને જે ઠીક લાગશે એવું હું કરીશ.’ વર્ષા ઋતુ શરૂ થઈ ગઈ. જેલમાં અઢી મહિના પસાર થઈ ગયા. શિવાજી સમજી વિચારીને અસ્વસ્થ રહેવા લાગ્યા. દિવસરાત માથે ચાદર ઓઢીને સૂતા રહેતા. વૈદ્ય અને હકીમ આવવા લાગ્યા. બાદશાહ અને ઉમરા ખુશ હતા. કદાચ થોડા જ દિવસોમાં શિવાજી એની મેળે મરી જશે, એની હત્યા કરવાનો બખેડોયે નહિ કરવો પડે.

શ્રાવણવદી આઠમ, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. એટલે મહારાજનું સ્વાસ્થ્ય સારું થાય એટલા માટે હિંદુ, મુસલમાન બધાને પુષ્કળ માત્રામાં અન્ન, ફળ દાન રૂપે અપાવાં લાગ્યાં. શરૂઆતમાં તો ટોપલાઓ ખોલીને બધું ચકાસ્યું. પણ આ ટોપલાનો તો કોઈ અંત જ આવતો ન હતો. એક પછી એક સતત આવતા રહેતા હતા. એટલે એ લોકો પણ થાકીને બેસી ગયા. આવા બે પટારામાં શિવાજી અને સંભાજી બેસી ગયા અને વાત વાતમાં જ મોગલ સૈનિકોના સખત પહેરામાંથી બહાર નીકળી ગયા.

ઘનઘોર વરસાદ વરસે છે. અંધારી રાત છે. તેઓ ઔરંગઝેબ જેવા કંસના કેદખાનામાંથી નીકળીને પોતાના સૈનિકો પાસે સહીસલામત પહોંચી ગયા. શિવાજીની જગ્યાએ એના જેવા જ ચહેરા વાળો હિરોજી ફરજંદે ચાદર ઓઢીને સૂઈ ગયો. બહાર નીકળીને ટહેલતાં પહેરેદારો કહેવા લાગ્યા: ‘ભાઈ, મહારાજ તો ભાગ્યે જ આજની રાત કાઢી શકે.’

મુસલમાન સરદાર અને પહેરેદાર ખુશખુશાલ હતા. એમને મન તો એમ કે આ રોજની બલા દૂર થઈ. બીજે દિવસે સવારે દરરોજની જેમ ફૌલાદખાઁ જ્યારે શિવાજી મહારાજના ઓરડામાં ગયો તો પલંગ ખાલી હતો. ઉપર નીચે ચારે તરફ જોયું પણ શિવાજી અને સંભાજી બંને ક્યાંય ન મળ્યા. ભયમાં ને ભયમાં ઔરંગઝેબની પાસે જઈને આ બધી વાત કરી. બાદશાહે માથું કૂટીને કહ્યું: ‘અરે મૂર્ખાઓ, નમકહરામ! તમે લોકોએ આ શું કરી નાખ્યું! શું એ કમબખ્ત જમીનમાં ઊંડે ઊતરી ગયો કે આસમાનમાં ઊડી ગયો? જ્યાં સુધી એને પકડીને નહિ લાવો ત્યાં સુધી તમારું કાળું મોં મને ન બતાવતા.’

જો કે રામસિંહની મનસબદારી છીનવાઈ ગઈ. પણ મનમાં ને મનમાં એ રાજી હતો, કારણ કે એના પિતાએ આપેલ વચન એણે પાળી બતાવ્યું. ચારે તરફ મોગલ સૈનિકો ઘોડા પર સવાર થઈને શિવાજીને પકડવા નીકળી પડ્યા. આ બાજુ શિવાજીએ દાઢીમૂંછ મુંડાવીને સાધુનો વેશ ધારણ કરી લીધો. સંભાજીને એક વિશ્વાસુ મરાઠા પરિવારમાં મથુરામાં જ રાખીને તેઓ કાશી તરફ રવાના થઈ ગયા. રસ્તામાં ક્યાંય આરામ કર્યા વિના લગાતાર પચ્ચીસ દિવસ પગે ચાલીને તેઓ રાયગઢ પહોંચ્યા. માતા જીજાબાઈને સૂચના મોકલી કે કાશીના કેટલાક સાધુ મહાત્માઓ આવ્યા છે અને મા સાહેબને મળવાની હઠ લઈને બેઠા છે.

મહેલની ભીતર આવીને એમાંનો એક સાધુ મા જીજાબાઈનાં ચરણોમાં પડી ગયો. જીજાભાઈ તો મોટા ધર્મસંકટમાં પડી ગયાં. ગમે તે વેશમાં હોય પણ મા પુત્રને ઓળખી જ લે. બંને તરફ હર્ષાશ્રુ વહેતાં થયાં. સંભાજીને પણ થોડા દિવસો પછી એક વિશ્વાસુ વ્યક્તિ સાથે રાયગઢ બોલાવી લીધા. ઔરંગઝેબના મનમાં મરતાં સુધી આ વાતનો ભયંકર પસ્તાવો રહેલો કે આ સિંહ પાંજરામાંથી છટકીને ભાગી ગયો.

Total Views: 23

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.