ડૂબકી મારો, ઈશ્વરને ચાહતાં શીખો, તેના પ્રેમમાં મગ્ન થાઓ. જુઓ, મેં તમારી ઉપાસના સાંભળી છે; પરંતુ તમારા બ્રાહ્મ-સમાજમાં ઈશ્વરના ઐશ્વર્યનું આટલું બધું વર્ણન કરો છો શા માટે ? – હે ઈશ્વર, તમે આકાશ બનાવ્યું છે, તમે મોટા મોટા દરિયા બનાવ્યા છે, ચંદ્ર-લોક, સૂર્ય લોક, નક્ષત્ર-લોક એ બધું બનાવ્યું છે ! એ બધી બાબતોની આપણને શી જરૂર ?
બધા માણસો શેઠનો બગીચો જોઈને જ ફિદા ! કેવાં મજાનાં ઝાડ, કેવાં ફૂલ, કેવું તળાવ, કેવું દીવાનખાનું, કેવી તેની અંદરની છબીઓ, એ બધું જોઈને જ નવાઈ પામે ! પરંતુ બગીચાના માલિકને શોધે કેટલા ? શેઠને શોધે એક બે જણ ! ઈશ્વરને વ્યાકુળ થઈને શોધવાથી તેમનાં દર્શન થાય, તેમની સાથે ઓળખાણ થાય, વાતચીત થાય, જેમ હું તમારી સાથે વાતચીત કરું છું તેમ, સાચું કહું છું દર્શન થાય.’
‘આ વાત કોને કહું છું ને કોણ એ માનશે ?’
‘શાસ્ત્રોમાંથી શું ઈશ્વરને મેળવી શકાય ? શાસ્ત્રો ભણીને બહુ બહુ તો ઈશ્વર છે એટલું સમજાય. પરંતુ પોતે ડૂબકી ન મારે તો ઈશ્વર દર્શન આપે નહિ. ડૂબકી માર્યા પછી એ પોતે જ પોતાનું સ્વરૂપ દેખાડી દે, ત્યારે સંદેહ દૂર થાય. ચોપડાં હજાર વાંચો, મોઢે હજાર શ્લોકો બોલો, પણ વ્યાકુળ થઈને ઈશ્વરમાં ડૂબકી માર્યા વિના તેને પકડી શકવાના નથી. એકલી પંડિતાઈથી માણસને છેતરી શકો, પણ ઈશ્વરને નહિ….
‘વાત એમ છે કે આને બરાબર સમજવા માટે સાધના જોઈએ. જો તાળાબંધ ઓરડાની અંદરનું રત્ન જોવાની અને મેળવવાની ઇચ્છા હોય તો મહેનત કરી ચાવી લાવીને બારણાનું તાળું ઉઘાડવું જોઈએ. ત્યાર પછી રત્ન બહાર કાઢવું જોઈએ. નહિ તો ઓરડો તાળાબંધ, તેના બારણાની બહાર ઊભા ઊભા વિચાર કરીએ, કે આ મેં બારણું ઉઘાડ્યું, આ પેટીનું તાળું ખોલ્યું, આ રત્ન બહાર કાઢ્યું; એમ માત્ર ઊભા ઊભા વિચાર કરવાથી કાંઈ વળે નહિ, સાધના કરવી જોઈએ….
સંસારમાં રહીને પણ ઈશ્વર-પ્રાપ્તિ થઈ શકે. પરંતુ શરૂઆતમાં કેટલાક દિવસ એકાંતમાં રહેવું પડે. એકાંતમાં રહીને ઈશ્વરની સાધના કરવી પડે. ઘરની નજીકમાં એકાદું એવું સ્થાન રાખવું, કે જ્યાંથી ઘેર આવીને જમી કરીને તુરત પાછા જઈ શકાય. કેશવ સેન, પ્રતાપ વગેરે કહેતા હતા કે મહાશય, અમારું તો જનક રાજાના જેવું ! મેં કહ્યું, જનક રાજા એમ મોઢે બોલવાથી જ થઈ જવાતું નથી. જનક રાજાએ શરૂઆતમાં નિર્જન સ્થાનમાં રહીને નીચે માથે, ઊંચે પગે કેટલીય તપસ્યા કરી હતી. તમે પણ કંઈક કરો, તો જ જનક-રાજા થઈ શકો….
પરંતુ પ્રથમ અવસ્થામાં સાવચેત રહેવું જોઈએ. ખૂબ એકાંતમાં રહીને સાધના કરવી જોઈએ. પીપળાનું ઝાડ જ્યારે નાનું હોય, ત્યારે ચારે બાજુ વાડ કરી લેવી જોઈએ; નહિતર ગાય, બકરું ખાઈ જાય. પરંતુ મોટું થયા પછી વાડની જરૂર રહે નહિ. પછી ભલે ને હાથી બાંધી દો, તોય તે ઝાડને કશું કરી શકે નહિ. જો એકાંત સ્થાનમાં સાધના કરી, ઈશ્વરનાં ચરણકમલમાં ભક્તિ પ્રાપ્ત કરી, બળ વધારી, પછી ઘે૨ જઈને સંસાર કરો તો કામ-કાંચન તમને કંઈ કરી શકવાનાં નથી.
Your Content Goes Here