૧૭મી શતાબ્દિમાં રાજસ્થાનનાં વિભિન્ન રાજ્યમાં કેટલાક અદ્‌ભુત પ્રતિભાશાળી અને વીરરાજા થઈ ગયા છે. તેમાં મેવાડના રાણા રાજસિંહ, જોધપુરના જશવંતસિંહ અને જયપુરના મિર્ઝા રાજા જયસિંહનું નામ લઈ શકાય. જશવંતસિંહ અને જયસિંહ શાહજહાઁ અને ઔરંગઝેબના મુખ્ય સેનાપતિઓ હતા.

૧૪૦ની વાત છે. ઔરંગઝેબ ૨૨ વર્ષનો યુવાન હતો. દક્ષિણની કેટલીક મોટી લડાઈઓ જીતીને આવ્યો હતો. મુલ્લા અને મોલવી એની બહાદુરી અને ઈસ્લામ પરસ્તીનો પ્રચાર લોકોમાં કરતા હતા. એ દિવસોમાં જોધપુરના યુવક રાજા જશવંતસિંહ મોગલ દરબારમાં રહેવા આગ્રા આવ્યા.

આ એક પ્રકારનો રિવાજ હતો કે રિયાસતોના રાજા કે યુવરાજમાંથી કોઈ એક બાદશાહની સેવામાં રહેતો. મહારાજા સાથે એમની રાણીઓ, અધિકારીઓ તથા કેટલાક જાગીરદાર પણ આવ્યા હતા. આ જાગીરદારોમાં આસોપના યુવક ઠાકુર મુકુંદદાસ પણ હતા. જોધપુરમાં જ નહિ પણ આગ્રા સુધી એમની બહાદુરીની વાતો ફેલાઈ ગઈ હતી. બાદશાહ શાહજહાઁનો દરબાર ભરાયો. સલ્તનતના અમીર ઉમરાઓ પોતપોતાની જગ્યાએ બેઠા હતા અને કેટલાક ઊભા હતા. બાદશાહની જમણી બાજુએ યુવરાજ દારાશિકોહ હતા અને ડાબી બાજુએ ઔરંગઝેબ.

મહારાજા જશવંતસિંહ પોતાના સરદારો સાથે દરબારમાં આવ્યા. લોકોએ જોયું તો એક વિશાળ કદનો લાંબો યુવાન સિંહ જેવી મસ્તાની ચાલથી આવતો હતો. પહોળી છાતી, લાંબા હાથ અને ઊંચું વિશાળ કપાળ. બધાંની આંખો જશવંતસિંહ તરફથી હટીને એ યુવક પર મંડાઈ. નવા શાહી દરબારમાં એ આવ્યો હતો. દરબારના રીતરિવાજને તે જાણતો ન હતો. બાદશાહને જોઈને પીઠ ફેરવીને પાછો આવી ગયો. બાદશાહ એના શક્તિશાળી શરીર સૌષ્ઠવ પર એટલા બધા મુગ્ધ થઈ ગયા કે આ ઘટના પર તેનું ધ્યાન જ ન ગયું. ઔરંગઝેબે એ દિવસોમાં એક મદમસ્ત હાથીને વશમાં લીધો હતો. એ પોતાને અનુપમ બહાદુર માનતો. પરંતુ મુકુંદદાસને જોઈને એના મનમાં આઘાત લાગ્યો. કારણ વિના ઈર્ષ્યા જાગી. ધીમે ધીમે બાદશાહના કાનમાં ઝેર રેડવા લાગ્યોઃ ‘અબ્બા હજૂર ! આ નવો રાજપૂત ઉખડ અને મૂરખ છે. એને પોતાની શક્તિનું અભિમાન પણ છે. કોઈક દિવસ રાજ્યને એનાથી ભય ઊભો થઈ શકે ખરો. એટલે સમય મળે તો એને કચડી નાખવો જોઈએ.’

થોડા દિવસો સુધી તો બાદશાહે એની વાત કાને ન ધરી. પણ એની પ્રિય પુત્રી રોશન-આરાએ પણ ઔરંગઝેબના કહેવાથી પિતાના કાન ફૂંકવા શરૂ કરી દીધા. એક દિવસ ભર્યા દરબારમાં બાદશાહે મહારાજા જશવંતસિંહને કહ્યું: ‘આપના યુવક સરદાર મુકુંદદાસની બહાદુરી અને શરીરની શક્તિ વિશે ઘણું ઘણું સાંભળ્યું છે. હવે એની કસોટી કરવાની ઇચ્છા થઈ છે. અમારી ઇચ્છા એવી છે કે શાહી સિંહ સાથે તે કુસ્તી કરે.’

મહારાજ તો મૂંઝવણમાં પડી ગયા. કહેવા લાગ્યા: ‘હજુર, કદાચ એની બેજવાબદારીથી તમે નારાજ થઈ ગયા લાગો છો. એને આ વખતે માફ કરી દો. હવે પછી ફરિયાદ કરવાનો મોકો નહિ મળે.’ એટલામાં શાહજાદા ઔરંગઝેબે કહ્યું: ‘મહારાજ જશવંતસિંહજી, સાંભળ્યું છે કે એને કોઈ હિંદુ દેવી પ્રત્યે ઈષ્ટભાવના છે અને એની સવારી સિંહ છે. તો પછી તમે શા માટે ડરો છો? દેવી પોતે જ એના જીવની રક્ષા અમારા આ સિંહ સામે કરશે.’

જશવંતસિંહને કાવતરાનો ખ્યાલ આવી ગયો. અને બરાબર સમજાઈ ગયું. કે શાહજાદા ઔરંગઝેબ મુકુંદદાસને મારી નાખવા ઇચ્છે છે. બચાવવાનો કોઈ ઉપાય ન હતો. એટલે એણે બાદશાહની આ શરતને મંજૂર રાખવી પડી. આ મુકુંદદાસને મહારાણી મહામાયા તથા બીજા લોકો ખૂબ ચાહતા. એ બધાંને એમના શૌર્ય માટે ગર્વ હતું. આખા હિંદુસ્તાનમાં એની શક્તિની કોઈ જોડ ન હતી. મહારાજાએ સ્વીકૃતિ આપી દીધી. હવે સિંહ સાથે લડવાનું ચોક્કસ બની ગયું.

આગ્રા અને દિલ્હીમાં ઢંઢેરો પીટાવ્યો : ‘અમુક તારીખે જોધપુરના મુકુંદદાસ કુંપાવત સાથે બાદશાહના જંગલી સિંહનું યુદ્ધ થશે. આ દ્વન્દ્વયુદ્ધ જોવા માટે આગ્રાના કિલ્લાની ચારે તરફ હજારોની સંખ્યામાં સ્ત્રીપુરુષો એકઠાં થયાં. હિંદુઓ હબકી ગયા અને દુઃખી દુઃખી થઈ ગયા. મોટા ભાગના મુસલમાનો રાજી રાજી હતા. બાદશાહ અને શાહજાદા કિલ્લાની ઉપરની ઓસરીમાં બેઠા હતા. પડદાની પાછળ બેગમો અને શાહજાદીઓ હતાં. ખાઈની ચારેતરફ જનતાની જબરી ભીડ હતી. એવી મેદની આગ્રામાં આજ સુધી કોઈએ જોઈ ન હતી.

જ્યારે મુકુંદદાસ કટાર અને તલવાર સાથે સજ્જ થઈને કિલ્લાની ખાઈમાં આવ્યા ત્યારે લોકો એની નિર્ભયતાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. સામે આવેલા મૃત્યુને જોઈને પણ તે વીર યુવક નિડર બનીને માથું ઊંચું રાખીને મસ્ત હાથીની ચાલે આવી રહ્યો હતો. આ સિંહને કેટલાય દિવસથી ભૂખ્યો રાખ્યો હતો. એના પિંજરાને ખાઈમાં લાવવામાં આવ્યું. સિંહ મોટેથી ત્રાડો નાખતો હતો. મુકુંદદાસ પિંજરા પાસે પહોંચ્યો. એટલામાં શાહજાદા ઔરંગઝેબે કહ્યું: ‘અમારો સિંહ તો શસ્ત્રવિહોણો છે જ્યારે તમારા સિંહ પાસે તલવાર અને કટાર છે. આ યુદ્ધના નિયમની વિરુદ્ધ છે. મુકુંદદાસ હથિયાર વિના લડે એમાં જ સાચી બહાદુરી છે.’ મહારાજાએ ઈશારો કર્યો અને મુકુંદદાસે પોતાની તલવાર અને કટાર દૂર ફેંકી દીધાં. પાંજરાનો દરવાજો ખુલ્લો થયો. લોકો ભયભીત બનીને આ ભયંકર અને ઘૃણાસ્પદ દૃશ્ય જોવાની તૈયારીમાં હતા.

મુકુંદદાસ જાંઘ પર વીરતાથી હાથ ફટકારીને સિંહની સામે ઊભો રહ્યો અને એને પડકારવા લાગ્યો. એની આંખોમાં આગ જેવી ચમક હતી. અત્યંત ઝડપથી ડણકતો એ સિંહ બહાર આવ્યો. પણ મુકુંદદાસ જરાય ખચકાયો નહિ. સ્ફૂર્તિ સાથે એના બંને પંજા પકડીને પિંજરામાં ફેંકી દીધો. સંજોગવશાત્ સિંહનું માથું લોઢાની મોટી છડ સાથે ભટકાયું અને ભીડાયું. થોડીવાર માટે એ બેભાન થઈ ગયો. ત્યાર પછી કેટલીયેવાર મુકુંદદાસે એ સિંહને બહાર લાવવા માટે પડકાર્યો પરંતુ શિયાળની જેમ તે પૂંછડી વાળીને નીચે બેસી ગયો .

બાદશાહને આમાં પોતાનું અપમાન થતું હોય એવું લાગ્યું. એણે પોતાના માણસોને સિંહને બહાર કાઢવા હુકમ કર્યો પણ કોઈ રીતે એ સિંહ પિંજરામાંથી બહાર ન નીકળે. લોકોની મેદનીમાં વીર મુકુંદદાસનો જયનાદ ગુંજી ઊઠ્યો.

લોકોનું વલણ જોઈને બાદશાહે આ સિંહ અને મુકુંદદાસની લડાઈ બંધ કરવાનો આદેશ આપ્યો.

મુકુંદદાસને પાસે બોલાવીને પોતાના ગળાનો મોતીનો હાર પહેરાવ્યો. બીજે દિવસે દરબારમાં આવી ઘોષણા થઈ : ‘મહારાજા જશવંતસિંહ ! આપનો સિંહ ખરેખર ઘણો બહાદુર છે. મોગલ સલ્તનત આવા જવામર્દ માટે ગર્વ અનુભવે છે. અમે એમને નાહરસિંહ નરસિંહ’નો ઈલકાબ આપીએ છીએ.’ જશવંતસિંહને મનમાં શંકા હતી કે ભલે આ વખતે મુકુંદદાસ બચી ગયો પણ આ નરાધમ ઔરંગઝેબ દગાફટકાથી ક્યારેક એનું ખૂન કરી નાખશે. થોડા દિવસો પછી મુકુંદદાસને જોધપુર પાછો મોકલી દીધો.

Total Views: 264

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.