ઈશ્વરીભાવની ખેંચતાણ, વલોવાઈ જતા માહ્યલાનું મનોમંથન કે હૃદયની આરપાર ઊતરી જતી ચેતનાની ક્ષણોની કટારી અને એમાંથી ઊઠતો આર્તનાદ,

કલેજા કટારી રે, રૂદિયાં કટારી રે,
માડી ! મુને માવે લઈને મારી…
વાભું ભરી મુજને મારી, વાલે મને બહુ બળકારી,
હાથુની હલાવી રે માડી મને માવે મારી…

અને આવી વિહ્વળ અવસ્થામાં બ્હાવરા બનીને ભટકતા વિરહીના વેણ ગોકુળની ગલીએ ગૂંજી ઊઠે.

કાનુડાને કોઈએ ભાળેલ રે બાયું,
દેખેલ રે બેની ! ગોકુળ ગામનો ગારુડી.…

વ્રજ કે મધુવનના મારગેથી વિખૂટી પડેલી, ભટકેલ એક ગોપી સૌરાષ્ટ્રની ભૂમિમાં ભૂલી પડે. ઈ.સ. ૧૭૫૦ના ઉત્તરાર્ધમાં ગોંડલની ઉગમણી દિશાએ દડવા ગામની સડકે આવેલ ખોબા જેવડા ઘોઘાવદર ગામના એક ચમાર જગા દાફડા અને સમધારણા સેવતી સામબાઈની કૂખે એક દીકરાનો જન્મ થાય. જગત એને દાસી જીવણ તરીકે જાણે છે.

જગા દાફડાનું ઘર સંતોના ઉતારા સમાન હતું. મારગે નીકળેલા સંતો, ભગત કે અભ્યાગતોની ગજા મુજબ આગતા-સ્વાગતા થતી. અંતરના આંસુઓનો અભિષેક અને ગત ગંગાના પાવન નીરે નાહેલા સંતોએ આભડછેટ અને ઊંચ-નીચની રેખાઓ તો ક્યારનીય ભૂંસી નાખી’તી. સંત મો૨ા૨ સાહેબ, ખીમ સાહેબ અને ભાણ સાહેબ એક ભાણે બેસીને હરિહર કરતા, સંધ્યાના ઓળા ધરતી પર ઉતરી આવતા, ખીંટીએ ટાંગેલો રામસાગર સંતોની સાથે સૂરતા સાધવા અધીરો બનતો. ભેદુના ભરમ માહ્યલાની મૂંઝવણ, સાધના પથે થયેલા અલૌકિક, પારલૌકિક અનુભવો, શબ્દે પરોવાઈને, માળા બનીને શામળાના કંઠે આરોપાઈ જતી. મંજીરા, ઢોલક, એકતારાનો તાર અને સંતોની વાણીને સથવારે જીવણ મોટો થયો. બાપનો સંસ્કાર વારસો અને માનો મોટો રોટલો જીવણે જાળવ્યો. આ બધા પારકે પૈસે તાગડધિન્ના કરનારા ક્યાં હતા ? કાંડાની કમાણીએ, બટકુ રોટલાની એમની અમીરાત હતી. કહેવાતું શિક્ષણ કોઈએ નહોતું લીધું. પરંતુ પરંપરાની પ્રજ્ઞા દ્વારા આ કેળવાયેલા કર્મઠો હતા.

ગામના મરેલાં ઢોરની ભામનો ઈજારો હતો. બાપીકો ધંધો હતો. ગંધ-સુગંધ, ગમા-અણગમાને આઘા હડસેલીને સ્થિતપ્રજ્ઞતાની પાઠશાળાનો પ્રથમ એકડો જીવણે ઘૂંટ્યો. જેમ મરેલા ઢોરના ચામડા ઝાઝા કમાવાથી કૂણા રહે એ રીતે આ દેહને સેવા કાર્ય, સબૂરી અને સાધનાથી કૂણો કરવો રહ્યો. અક્કડ લાકડા વે’લા ભાંગે ઈ વાતનું દર્શન દાસી જીવનને થઈ ચૂક્યું હતું. જીવણને થઈ ચૂક્યું હતું.

પાતળી કાઠીનો રૂપાળો દેહ, ઓડિયાં વાળ, ભક્તિના આંજણથી આંજેલી આંખો, સાફસૂથરો પહેરવેશ અને ચિત્તથી વૃંદાવન અને ગોકુળની શેરીએ ઝપાટા લેતી માનસિકતા, આ અનુભૂતિથી ભીસાતા હૃદયના કપાટો અને ટપકતાં શબ્દો.

બેની મને ભીતર સદ્‌ગુરુ મળ્યા,

સાધક અવસ્થાના અનુભવો, અનાહત નાદ કે સહસ્ત્રદલ પાંખડી પર બીરાજતા, મહાપ્રાણની વાત, સરળ બાનીમાં જીવણ વ્યક્ત કરતા રહ્યા. જીવણની ખ્યાતિ, વટેમાર્ગુઓ વહેતી કરવા લાગ્યા. ક્યાં ક્યાંથી વિભૂતિઓ આ અનુભવ વાણીમાં ગોતા ખાવા ઘોઘાવદરને આંગણે આવવા લાગ્યા. સંતોની સેવામાં રત રહેનાર, દાસી જીવણે ઈજારો તો રાખેલ પણ ભામની કોરિયું (ચલણ) ચૂકવવાની ચૂકી ગયા.

તે દિ’ ગોંડલની ગાદીએ ભા કુંભાજીના તેજ તપતા હતા. કચેરીમાં ફરિયાદ પહોંચી, વળતે દિ’એ કામદાર ઉઘરાણીએ આવ્યા. પણ કોરિયું ક્યાં હતી. રાજના સિપાઈ, જીવણને કેદ કરીને, ગોંડલની હેડ્ય (જેલ) માં લાવ્યા. એક દિ’, બે દિ’… ત્રણ દિ’… જીવણની આરદાશ અને લાંઘણ લંબાતી ગઈ. ભા કુંભાજીએ કેણ મોકલ્યા કે દાસી જીવણને કચેરીમાં હાજર કરો, એનો ન્યાય થશે. વળતે દિ’એ ગોંડલની હકડેઠઠ્ઠ કચેરીમાં, અંતરના ઉજાસથી ઓપતું વદન અને ભગવાનને ભરોસે મક્કમ પગલા ભરતા દાસી જીવણને કચેરી જોઈ રહી.

આવો ભગત ! આવો આવો ! કંઈ મહર (મશ્કરી) અને ઉપાલંભ ભર્યો આવકારો આપતા ભા કુંભાજીની મૂછોમાં મરકાટ હતો.

ભગત ! સાંભળ્યું છે કે તમારી માયાજાળમાં મલક અંજાણો છે ? ભા કુંભાની પરીક્ષાનો પહેલો પ્રશ્ન પૂછાણો. હા ! જીવણના હોંકારામાં ધરતીનો માણેકથંભ રોપાઈ ગયો.

હા ! ભા કુંભા ! જદુરાય તો જાડેજાઓનો પણ પૂર્વજ જ ને ? વળતા જવાબથી ભા’કુંભા ઝંખવાઈ ગયા. હું તો જદુરાય કૃષ્ણની ‘દાસી’, એ બોલાવે ઈ બોલું, ઈ ખવડાવે ઈ હું ખાઉં, ઈ જીવાડે તો જીવું, ઈ નચાવે તો હું નાચું, ઈ તારે કે મારે ઈ હંધુય મારે કબૂલ. ૨’ઈ વાત માયાજાળ અને મલકની. ભા’કુંભા ! ઈ માયાજાળને ધૂણી ધખાવીને બેઠેલા જોગંદરો’ય ક્યાં ભેદી શક્યા છે. હું તો અભણ, અદનો ચાકર, શામળિયાનો ટેલટપોરો કરનાર ટેલિયો, વધુ તો શું કહું બાપ? ગીતાજીના ૭૦૦ શ્લોક તો બધા’યને કંઠે છે, પણ એમાં કેટલાયે માયાના પડળ ભેદવા ?

દાસી જીવણના શૂળ જેવા સામા પૂછેલા સવાલોથી પડઘાતી ગોંડલની કચેરીમાં સોપો પડી ગયો.

‘ભગત, આટલો બધો ભરોસો શામળા પર હોય તો તમારા શામળાને કહો કે ગોંડલ રાજના કરજની કોરિયું ચૂકવી આપે.’ ભા’કુંભાજીએ વળ ખાઈને કહ્યુંઃ

‘ભલું કીધું મોળા બાપ ! ભલું કીધું !’ મીરાના ઝેર, બીલાડીના બચલા, નરસિંહની લોપાતી લાજ સાટુ એને જ હડિયું કાઢવી પડે છે, હું તો ચામડા ચૂંથતો ચમાર, એના આંગણાની ઢાઢણ, મા૨ા વાલાની મરજીમાં હું વસી હઈશ, તો ઈ પણ થાશે. ભરોસાના ભારથી ન્યાયના ત્રાજવા જીવણભેર ઝૂકી ગયા.

બીજા દિ’ના પ્રાગટના દોર ફૂટે ઈ પહેલાં. ભા’કુંભાજીના ખંધા કામદારની ડેલીની સાંકળો ખખડી. આંગણે ઊભેલા દેદિપ્યમાન પ્રભાવશાળી પુરુષે કેચે બાંધેલી કોથળી છોડીને ગોંડલની ટંકશાળમાંથી સીધી આવતી હોય તેવી કોરિયું કામદારની હથેળીમાં ધરબી દીધી, ગણી લ્યો પૂરી પાંચસો છે અને ઝટ કરો ! અમે પરદેશી પ્રવાસી છીએ. જીવણ ભગતનાં દર્શન કરવા આવ્યા છીએ અને સાંભળ્યું છે કે જીવણદાસ રાજના મહેમાન છે.

આગંતુકના પ્રભાવમાં આવી ગયેલ કામદારની થોથવાયેલી જીભ ઉત્તર ન વાળી શકી. દાસી જીવણને માનભેર મુક્ત કરાયા. આજે પણ એ કોરિયું ગોંડલ રાજમાં સચવાયેલી છે અને દિવાળી વખતે તેનું પૂજન થાય છે.

દાસીજીવણનો સખીભાવ, વિરહ અને વેદના એના ભજનમાં ઊતરી આવે છે. અન્ય ભક્તોની સરખામણીએ દાસી જીવણનાં ભજનોની ગેયતા જુદી તરી આવે છે. કાળજા સોંસરી ઊતરતી ‘કટારી’ કે મધ્યરાત્રિએ ગવાતા પરજ’ના વેણ ભલભલાની આંખો ભીંની કરી જાય છે.

સૌરાષ્ટ્રમાં સૂફી પરંપરાના વાહક દાસીજીવણ બન્યા. ૨૦૦ વર્ષનાં વહાણાં વીત્યા પછી પણ તેમનાં ભજનો ભક્તોને ભીંજવતા રહ્યા છે.

સંવત ૧૮૮૧ એટલે કે ઈ.સ. ૧૮૨૫માં ભગતે દિવાળીને દિવસે જીવતા સમાધિ લીધી. દાસીજીવણની આસપાસ ચમત્કારો કે અન્ય આવરણો ન વીંટીએ તો પણ ચીંથરામાંથી ગળાઈને આવતો આ રત્નનો પ્રકાશ આજે પણ ઝળહળે છે. ઘોઘાવદર ગામની મધ્યમાં ભગતની સમાધિ છે. દિવાળીને દિવસે સૌરાષ્ટ્રમાંથી યાત્રાળુઓ, સંતો, મહંતો અને ભજનિકો અહીં શ્રદ્ધાસુમન અર્પણ કરવા આવે છે.

Total Views: 230
By Published On: January 1, 2012Categories: Ghanashyam Gadhavi0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram