વર્ષો પહેલાંની વાત છે. યુગ વીત્યો. કન્યાકુમારીને કાંઠે મા ભારતી નિસ્તેજ અને નિરુત્સાહ બની ઊભી હતી. આ વખતે હિમાલયના ચંદનહારે માતા રીઝી ગયાં. અધર્મના કૌરવો મા ભારતીનાં વસ્ત્રો ખેંચી રહ્યા હતા. અધર્મના અંધકારમાં ભારતીને જરૂર હતી એક બત્રીસ લક્ષણાની જે વીર ગર્જનાથી કૌરવો સામે સુદર્શન ચક્ર ફે૨વી હણાઈ ગયેલા તેજને ફરી પ્રજ્વલિત કરી શકે. મા ભારતીની પુકાર… મા ભારતીની સાધનાને સફળતા સાંપડી. દૂર દૂર પડેલી છીપમાં રામકૃષ્ણનું સ્વાતિ બિન્દુ પડ્યું. એ બિન્દુ મોતી બન્યું. રત્ન બન્યું. એ રત્ન માતા ભુવનેશ્વરીનું નવરત્ન નરેન્દ્ર, પછીથી સ્વામી વિવેકાનંદ.

‘यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत’

ગીતામાં સ્વયં ભગવાને જ વચન આપેલું છે. જ્યારે જ્યારે આ ધરતી પર અધર્મની જ્વાળાઓ ફેલાશે ત્યારે – ત્યારે હું જન્મ લઈશ. ગીતાનું વચન યુગે – યુગે સાચું પડ્યું છે. કોઈ કાળે નરસિંહ, તો કોઈ કાળે મીરાં, તો વળી, કોઈ કાળે ઈસુ ખ્રિસ્ત યા મહમદ તો કોઈ કાળે બુદ્ધ, મહાવી૨. એ જ રીતે બહુરત્ના વસુંધરાને અવતાર રત્ન મળ્યું – સ્વામી વિવેકાનંદ. ભણતરના પહેલા પાઠ હંમેશા માતા જ આપે છે. આમ જ, અંગ્રેજી અને બંગાળી લિપિ એની માતાએ જ શિખવેલી, એના ખોળામાં જ બેસીને જ વિવેકાનંદે રામાયણ અને મહાભારતની કથાઓનું શ્રવણ કરેલું ને તેમાંથી પ્રેરણાનું પાન કરીને પોતાના ભવિષ્યના સાહસોત્સાહીને, ધીરવી૨ જીવનનાં મૂળ પોષેલાં. વાણી, વર્તન અને વિચાર, અરે જેની રગે રગમાં વિનયની સરવાણી વહેતી હતી. વિવેક જેનો આનંદ છે, એ જ વિવેકાનંદ. તેઓના પ્રિય વિષયો હતા : તત્ત્વજ્ઞાન અને પ્રાચીન-અર્વાચીન ઇતિહાસ. એમની વૃત્તિ જિજ્ઞાસુની હતી. તેમણે ન્યાયશાસ્ત્રના તમામ ગ્રંથોનો ખૂબ અભ્યાસ કર્યો હતો.

કોલકાતા યુનિવર્સિટીના સ્નાતક, ભારે કુશાગ્રબુદ્ધિ અને અદ્‌ભુત સ્મરણશક્તિવાળા પશ્ચિમી ફિલસૂફીના અભ્યાસી એવા આ યુવાનમાં આદર્શવાદ અને સત્યશોધકવૃત્તિ જન્મથી જ હતાં. આપણા પ્રાચીન સિદ્ધાર્થ બુદ્ધ પેઠે સંસારના પ્રશ્નો પર ચિંતન અને મનન કરતા. ‘ધર્મ વગરનું જીવન એ તો હલેસાં વિનાની નાવ સમું છે.’ માનવીનું અંતિમ ધ્યેય તો ઈશ્વરનું શરણ છે. માટે તો હોનહાર બેટડાના જીવનમાં ભુવનેશ્વરી માતાએ ધર્મનું બીજ વાવ્યું. આ બીજ પર રામાયણ મહાભારતના વાચનનું પાણી સીંચ્યું. આ બીજ અંધકાર અને અજ્ઞાનની ધરતીને ચીરીને બહાર નીકળ્યું. ધીરે ધીરે આ બીજ વિકાસ પામી વટવૃક્ષ બન્યું. તે વૃક્ષ પર ફળો આવ્યાં; માનવતાનાં, પ્રેમનાં, નીતિનાં અને શ્રદ્ધાનાં.

શિક્ષણના સાચા શિષ્ય એટલે સ્વામી વિવેકાનંદ.. કારણ કે, તેને તેનો પ્રચાર નો’તો કરવો. પરંતુ સમાજમાં મૂળ નાખી ગયેલાં અનર્થો, બેકારી, નિરક્ષરતા, કંગાલિયત સામે લડી આમૂલ પરિવર્તનની પ્રેરણા દેવાનું ભગીરથ કાર્ય કરવાનું હતું. તેમાં તેઓ સાંગોપાંગ સફળ થયા. સાધુ પ્રત્યે તેઓને બચપણથી અતિ પ્રેમ હતો. બારણે સાધુ આવે, એટલે તે તો રાજી રાજી થઈ જતા. બહેનોને એ ભારે પજવતા. આ નાનકડા નર શિષ્યમાંથી નરસિંહ સમા નરેન્દ્રને કેમ ભૂલાય ? જેણે ભારતના ઇતિહાસને ઢંઢોળ્યો, ભક્તિની અંજલિ છાંટી, ઇતિહાસને બેઠો કર્યો. આ બેઠેલા ઇતિહાસને આધ્યાત્મિકતાની મંઝીલ તરફ દોડાવ્યો. સો માઈલ લાંબા પ્રવાસની શરૂઆત માત્ર એક ડગલાથી જ થાય છે. તો ચાલો, મારા ભારતીય મિત્રો, આપણી દરિદ્રતા, કાયરતા અને નિરાશાને છોડી પ્રગતિની મંઝીલે એક દોટ ભરીએ. સાચો શિષ્ય એટલે શૂન્યમાંથી સર્જન કરી શકે. ભારતના આ નાનકડા ધર્મ પ્રતિનિધિએ શિકાગો ધર્મપરિષદમાં બધાંની આંખો ઉઘાડી નાખી. માત્ર એ જ ન હતું, એ આંખોમાં ભારતને નિહાળવાની નૂતન દૈષ્ટિ પણ બક્ષી. સારાયે અમેરિકાને વાણીના જાદુથી મુગ્ધ કરનાર વિવેકાનંદને અમેરિકાની ફૂટપાથ હોય કે સાંકડી શેરી હોય, ઘર હોય કે પેઢી હોય, કે કોલેજ, સર્વત્ર પવનની લહેરખી માફક તેમની વાણીનો પરિમલ પહોંચ્યો. તેમની વાણીની મુરલીનો પ્રધાન સૂર તો માનવતા જ હતો. માનવી જ આ જગતના મંદિરે ઈશ્વર છે. આમ, કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગની ત્રિમૂર્તિ એટલે જ સ્વામી વિવેકાનંદ. મદારીની મુરલી પાસે ઝેરી સાપ શા માટે ઝૂમે છે?

સંગીતના એક સૂરે નાનકડાં મૃગલાં શાને ઝૂમે છે? કારણ, એમાં પ્રેમનું સંગીત વહે છે. વિવેકાનંદે પ્રેમની મુરલીને માત્ર હિન્દુસ્તાનમાં જ વગાડી નથી. માત્ર અમેરિકામાં જ નહીં. આખીય આલમમાં વગાડી હતી. જે જ્ઞાન વ્યવહારમાં મૂકી ન શકાય, તે શા કામનું ? વિવેકાનંદ યુવાનોને સંબોધતા કે, ‘ચારિત્ર્ય મારી ડિગ્રી છે, જીવન મારી પરીક્ષા છે. સમગ્ર આલમ મારી યુનિવર્સિટી છે.’ તેઓ વધુમાં એમ પણ કહેતા : ‘ડિગ્રીના મોહમાં આંધળી દોટ ન મૂકો.’

વિવેકાનંદના વિચારો વિજ્ઞાને પોતાનામાં ઉતાર્યા છે. આજે વિજ્ઞાને પ્રગતિની દિશામાં હરણફાળ ભરી છે. ચંદ્ર સુધી પહોંચ્યું છે. પણ, તેનો શો અર્થ ? માનવહૃદયરૂપી ચંદ્ર સુધી પહોંચ્યું છે કોઈ ? કે જ્યાં દુઃખ, દર્દ અને નિરાશાના અનેક ડાઘા પડેલા છે. એ ચંદ્ર સુધી જનાર વધુ મહાન છે. વિવેકાનંદ ગરીબના આંસુ લૂછવાં માગતા હતા. એની સુવાસની ધૂપસળીમાંથી સુગંધ લઈને, અંધશ્રદ્ધા જેવા કદાવર પહાડો સામે બાથ ભીડી સાંગોપાંગ ઊતરવાનું છે. અસાધારણ પ્રતિભા વિવેકાનંદના ૧૫૦મા જન્મદિને શત શત વંદન.

Total Views: 63
By Published On: January 1, 2012Categories: Natvarlal Ahalpara0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram