(ગતાંકથી આગળ)

૫. સંસારી-વ્યવહારની ચાવીઓ

‘સંસારમાં તમે રહો, તમારામાં સંસાર ન રહે.’ ઠાકુરે આ વાત અનેક દષ્ટાંતો દ્વારા જુદી જુદી રીતે સમજાવી છે. જાગૃતિ, શરણાગતિ, અંદરની ભાવધારાને મજબૂત બનાવવાનાં છે. સંસાર છોડવાની વાત ઠાકુરે નથી કરી. ઊલટું કેશવચંદ્ર સેનને રમૂજમાં એક વાત કરી : એકવાર કેશવચંદ્ર સૈન ભાષણ કરતા હતા. રામકૃષ્ણદેવ ત્યાં હતા. ઘરની સ્ત્રીઓ પણ ભાષણ સાંભળવા ચકની પાછળ બેઠી હતી. કેશવ કહે : ૐ ઈશ્વર, તું એવા આશીવિંદ આપ કે અમે ભક્તિરૂપી નદીમાં ડૂબી જઈએ.’ આ સાંભળી ઠાકુર કહે : ‘ભક્તિરૂપી નદીમાં જો એક સામટા ડૂબી જશો તો પેલાં પાછળ બેઠાં છે તેમનું શું થશે ? માટે એક કામ કરી ડૂબકીઓ મારી અને પાછા વખતોવખત કિનારે પણ આવીને ઊભા રહો. સાવ તળિયે બેસતા નહીં!’ આ જ વાતને એમણે એક અન્ય વખતે કહેલી : ‘ભક્તિનું તેલ લગાડીને સંસારમાં રહો.’ ‘પ્રથમ હૃરદયમાં માધવને સ્થાપો, પછી તમને ફાવે તેટલાં ભાષણ આપો અને ફાવે તેટલો બોધ આપો.’

ઠાકુરને એક જણે પૂછ્યું : ‘મહારાજ, અમારે સંસારમાં કેમ રહેવું ?’ ઠાકુર કહે : ‘દાસીની જેમ. દાસી જેમ શેઠના દીકરાને રમાડે છે, મારો રામ; મારો મોહન એમ કહે છે, પણ તે સમજતી હોય છે કે એનો સાચો રામ તો તેને ઘરે છે, અહીં નથી.’ તેઓ કહેતા : ‘તમે ભલે ગૃહસ્થ જીવન જીવો પણ તમારું ચિત્ત ઈશ્વરમાં ચોંટેલું રાખો. એક હાથે તમારું કામ કરો, બીજો હાથ ઈશ્વરને ચરણે રાખો. સંસારનું કામ કાંઈ ન રહે ત્યારે પ્રભુનાં ચરણ તમારા હૈયે ધારણ કરી રાખો અને બેઉ હાથે પકડી રાખો.’ ‘થાંભલાને એક હાથે મજબૂત પકડીને કોઈ બાળક ડર વિના જેમ ગોળ ગોળ ફરે છે, તેમ ઈશ્વરને દૃઢપણે વળગીને તમારાં સાંસારિક કાર્યો કરો, પછી તમને કશો ભય નહીં રહે.

ઠાકુર કહેતા : ‘ઈશ્વર જ સાચો કર્તા છે અને પોતે કશું કરવા શક્તિમાન નથી એમ જાણે તે જ જબરો મુક્ત છે.’ એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો : ‘સંસારમાં મૂકાયા પછી અમારે શું કરવું ?’ ઠાકુર કહે : ‘બધું એને જ સોંપી દો. તમારી જાત એને સમર્પિત કરી દો. પછી તમારે કશી તકલીફ ઉઠાવવી નહીં પડે. પછી તમે સમજી શકશો કે બધું એની ઇચ્છા પર જ આધારિત છે.

સંસારમાં રહેવાની સાથે તત્ત્વાનુસંધાન રાખવાનું છે. અને એ અનુસંધાન રહે તો પૈસો, કીર્તિનાં રમકડાં તુચ્છ ભાસે છે . ઘરની ઓસરીમાં બાળકો ઢીંગલાથી મન ફાવે તેમ, કશી ચિંતા કે ભય વિના બેફિકર રમતાં હોય છે. પણ જેવી મા ઘરે આવે કે રમકડાં ફેંકી મા, મા કરતાં વળગી પડે છે. માનવી પણ સંસારમાં પૈસાનાં, માનનાં, કીર્તિનાં રમકડાં સાથે રમી રહ્યો છે. પણ જો એક વાર ભવતારિણી માનાં દર્શન પામે તો પછી આમાં કશામાં રસ રહે નહીં.’ એટલે તેમણે ખાતરી આપેલી : ‘આધ્યાત્મિકતા પ્રાપ્ત કર્યા પછી તમે સંસારી જીવન જીવો તો તમે મનની શાંતિ કદી નહીં ગુમાવો.’

આપણાં આત્મજ્ઞાની કવિયત્રી ગંગાસતીએ પણ ‘મનનું જ કારણ તેમ કહેલું અને પછી ‘મનને મારીને તમે આવો રે મેદાનમાં’ તેમ કહેલું . આ મનને મારવાનું એ ચીલાચાલુ ભાષામાં મનને દબાવવાની વાત નથી, પણ મનથી અમન તરફ જવા માટે જાગૃતિ રાખવાની જ વાત છે. ઠાકુરે આ સમજ વારંવાર આપી છે.

૬. ભીતર જાગ્યા તેની ભ્રાંતિ ભાંગી

જીવન્મુક્તિ માટે, ઈશ્વર પ્રાપ્તિ માટે, સંસારની શાંતિ માટેનો રસ્તો વ્યક્તિએ જાતે કાઢવાનો છે. ગુરુ, સત્સંગ, પ્રાર્થના આદિ મદદ કરે, પણ સ્વજાગૃતિ ન હોય તો સઘળું ધૂળ પરનું લીંપણ. ઠાકુર કહેતા : ‘માત્ર ઇચ્છા કરવાથી માછલી પકડી શકાતી નથી. તે માટે તળાવમાં માછલી છે કે નહીં તે જાણવું પડે, ગલને સ્થિર રાખવો પડે.’ તેઓ સમજાવતા: ‘દૂધમાં માખણ છે જ પરંતુ દૂધને માત્ર જોયા કરવાથી એની ખબર પડતી નથી. માખણ કાઢવું હોય તો દૂધને ગરમ કરીને એક શાંત સ્થળે રાખી, યોગ્ય સમયે જમાવી, દહીં બનાવી મંથન કરવું પડે છે. એ જ રીતે માત્ર સંકલ્પ કરવાથી ઈશ્વરનો સાક્ષાત્કાર ન થઈ શકે. તમારે એને માટે સાધના કરવી જોઈએ.

ઠાકુર સાધનાની વાત વારંવાર સમજાવે છે. ઈશ્વરનાં ચ૨ણકમળમાં ભક્તિ જાગે તે માટે સાધના કરવી જોઈએ. વ્યાકુળ હૃદયથી એને માટે રુદન કરવું જોઈએ. વિવિધ વસ્તુઓમાં ભટકતા મનને ત્યાંથી ઉઠાવી લઈ, સંપૂર્ણપણે ‘એનામાં’ કેન્દ્રિત કરવું જોઈએ. પ્રાણની વ્યાકુળતા વિના કશું પ્રાપ્ત કરી શકાતું નથી. તીવ્ર ભક્તિથી એને માટે પ્રાર્થના અને સાધના કરવાં જોઈએ.’ તીવ્રતા, વ્યાકુળતા, પ્રાર્થના, ધીરજ, ખંત વિના કંઈ મળે નહીં. તેઓ કહેતા : ‘દરિયામાં ઊંડે મોતી પડ્યાં છે, પણ એ મોતી મેળવવા માટે તમારે જાનનાં જોખમ ખેડવાં પડે. એક ડૂબકીમાં હાથ ન લાગે તો દરિયામાં મોતી નથી એમ નિર્ણય બાંધી ન લો. ફરી ફરી ડૂબકી મારો, અંતે તે પ્રાપ્ત કરશો જ. એ રીતે ઈશ્વરની ખોજમાં, એને જોવાનો પ્રયત્ન સફળ ન થાય તો હતાશ ન થતા. ખંતપૂર્વક કોશિશ કર્યે જાઓ, દર્શન થશે જ.’

અને છતાં સંસારી મનની વાસ કાઢવી સહેલી નથી ‘જે વાટકામાં લસણ વાટ્યું હોય તેને અનેકવાર ઉટકો તો ય ગંધ રહી જાય છે.’ એક વાર એક મારવાડી ગૃહસ્થ ઠાકુર પાસે આવ્યા અને કહે : ‘મહાશય, મેં બધું તજી દીધું છે તો પણ મને ભગવાન દેખાતા નથી.’ ઠાકુર કહેઃ ‘તેલ રાખવા માટેની ચામડાની બરણી તમે જોઈ છે? તમે એમાંથી ખાલી કરો તો ય તેલ અને ગંધ રહી જ જાય. એ જ રીતે તમારામાં થોડી સાંસારિકતા રહેલી છે અને એની ગંધ છે.’

અને આ ગંધ એટલે અહંકાર. માનવીને મોક્ષ ક્યારે મળે ? ઠાકુર કહેતા : ‘એનો અહંકાર મૃત્યુ પામે ત્યારે.’ ઠાકુરનો સંદેશ છે : ‘તમારું ‘હું પણું’ નાશ પામશે, પછી જ તમારી મુક્તિ આવશે અને તમે ભગવાનમાં ભળી જશો.’ ઠાકુર કહે છે : ‘હું’ અને ‘મારું’ એ અજ્ઞાન છે. ‘તું’ અને ‘તારું’ એ જ સત્ય-જ્ઞાન છે. સાચો ભક્ત હંમેશા કહેશે : ‘હે પ્રભુ, તું જ કર્તા છો, તું જ બધું કરે છે, હું તો તારા હાથનું સાધન છું.’

આ અહંકાર અને માયાનો ખેલ ઈશ્વરના માર્ગની અડચણો છે. અગાઉ કહ્યું છે કે પાણીના ઘડાના તળિયે નાનું છિદ્ર હોય તો બધું પાણી વહી જવાનું. એ જ રીતે સાધકમાં વિષયાસક્તિનો નાનો શો અંશ પણ નકામા કરે છે. માયાનું આવરણ સાધકને ભ્રમિત કરે છે. ‘આખા જગતને સૂર્ય પ્રકાશ અને ગરમી આપી શકે છે, પણ એનાં કિરણો આડાં વાદળો આવે ત્યારે એ એમ કરી શકતો નથી. એ જ રીતે હૃદય પર અહંકાર છવાઈ જાય ત્યારે ઈશ્વર ત્યાં પ્રકાશી શકતો નથી.’ એટલે ઠાકુર ચેતવે છે : ‘ઝેરી સર્પો ખૂબ હોય તેવા ઘરમાં રહેનારે સદા જાગૃત રહેવું જોઈએ. એ રીતે કામકાંચનથી ભરેલા સંસારમાં સૌએ સદા જાગૃત રહેવું જોઈએ.’ એક વખત કહેલું : ‘તમે માયાના સ્વરૂપને પીછાણી લો તો જેમ ચોર પોતે ઘૂસ્યાની ખબર પડી ગઈ છે તે જાણી નાસી જાય છે તેમ એ (માયા) સ્વયં નાસી જશે.’

જાગૃતિ મહત્ત્વની છે. ઠાકુરની આ બધી વાતો સાધક માટે નકશો દોરી આપે છે. માયા એટલે આધ્યાત્મિક વિકાસમાં આવતા અવરોધો. શેવાળ હોય તો પાણી નથી દેખાતું પણ શેવાળ ખસેડો એટલે પાણી દેખાશે. આંખો પર માયાનું પડે છે અને તમે ફરિયાદ કરો છો કે પ્રભુ દેખાતા નથી ! જ્યાં લગી અહંકાર છે ત્યાં લગી જ્ઞાન કે મોક્ષ શક્ય નથી. જીવનો અહંકાર પોતે જ માયા છે, પ્રકાશને ઢાંકી રાખનાર આવરણ છે જે જળ પરની શેવાળ છે. ‘હું’ના મરણની સાથે, પોતે ‘ક’ નથી એ શાન સાથે જીવનમુક્તિ તરફ આગળ વધાય છે. ઠાકુર મીઠાની પૂતળીનું ઉદાહરણ્ણ આપતા : ‘મીઠાની પૂતળી સમુદ્રનું માપ કાઢવા ગઈ. એમ કરવા જતાં મીઠાની પૂતળી ઓગળી જઈ પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે. એ જ રીતે ઈશ્વરને પામવા – ઓળખવા જતો જીવ પોતાનું જુદું અસ્તિત્વ ગુમાવી દે છે અને તેની સાથે એકરૂપ થઈ જાય છે.’

પણ આ જાગૃતિ કેમ આવે ? ઠાકુર તેનો રસ્તો ચીંધે છે : વ્યાકુળતા, પ્રાર્થના, સત્સંગ,બધા યત્નો મૌન, એકાંત જેવાં સાધનોનો નિત્યપ્રયોગ કામ લાગે.

Total Views: 210

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.