સ્વામી વિવેકાનંદને અવારનવાર ભારતના આત્મારૂપે વર્ણવવામાં આવ્યા છે. તેઓ પીડિત અને દુઃખી માનવીનું ક્ષેમકલ્યાણ કરવા માટે અવતર્યા હતા. કન્યાકુમારીની શિલા પર ભારતના ગરીબ અને કચડાયેલા પીડિત લોકો પર ધ્યાનમાં લીન થતા પહેલા તેઓ એક પરિવ્રાજક સંન્યાસીરૂપે સમગ્ર ભારતવર્ષમાં લગભગ પગપાળા ફરી વળ્યા હતા. પોતાની માતૃભૂમિ ભારતના સામાન્યજન સમૂહમાં આપણા પ્રાચીન સનાતન સત્ય પર આધારિત માનવના સર્વાંગીણ વિકાસ વિશેના સંદેશને સમગ્ર ભારતમાં ફેલાવવા માટે એમન્ને પોતાના જીવનને સમર્પિત કરવાનો નિર્ણય કર્યો હતો.

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવને ધ્યાનમાં રાખીને રામકૃષ્ણ મઠ- મિશને સુદીર્ઘકાળના મૂલ્યલક્ષી શિક્ષા, વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને અન્ય કાર્યક્રમો – પ્રવૃત્તિઓ સમગ્ર ભારતવર્ષમાં ૨૦૧૦ના ઓકટોબરથી શરૂ કરી દીધી છે. આ ઉજવણીના ઉપલક્ષ્યમાં એક અગત્યનો કાર્યક્રમ છે, ‘માર્ગદર્શન એકમ’ અને ‘સ્વામી વિવેકાનંદ ભાવાત્મક વિચારકેન્દ્ર’ એ યોજના હેઠળ વિશેષ યુવા કાર્યક્રમો શરૂ કરવા. આવાં કેન્દ્રો ‘સ્વામી વિવેકાનંદ ભાવાત્મક વિચારકેન્દ્ર’ના નામે ઓળખાશે. એનું કારણ એ છે કે રોમાં રોલાંને રવીન્દ્રનાથ ટાગોરે સૂચન કરતાં આમ કહ્યું હતું: ‘જો તમે ભારતને જાણવા માગતા હો તો સ્વામી વિવેકાનંદના સાહિત્યને વાંચો. એમનામાં બધું ભાવાત્મક છે, કશુંયે અભાવાત્મક નથી.’

આપણાં આજનાં યુવાન ભાઈ-બહેનો આવા ભાવાત્મક વિચારો ઉન્નત કરીને પોતાના જીવનમાં ઉતારે એ આવશ્યક છે. તેમણે પોતાની ભીતરની ક્ષમતાઓ વિશે ઉજ્વળ આદર્શો અને વિચારો, ઓજસ્વી અને ભવ્ય પ્રતિભા તેમજ ભારતનું ભાવિદર્શન કેળવવું જોઈએ. આપણી આજની કેળવણીની સંસ્થાઓને પોતાનાથી નીચલી કક્ષામાં ભણતા વિદ્યાર્થીઓ પરના શારીરિક, માનસિક ત્રાસ અને ગુંડાગીરી, કાર્યમાંથી છટકબારી, અતિ પ્રમાદ, નિરર્થક ગપ્પાં, અભ્યાસ કે વર્ગમાં ભાગેડુવૃત્તિ જેવાં અનિષ્ટોનો પ્લેગ લાગ્યો છે.

યુવાનોના મનને નિઃસ્વાર્થ સેવાભાવના અને પોતાની જાતને ઉન્નતિના માર્ગે દોરી જનાર વિચારો અને આદર્શોમાં પ્રવૃત્ત કરવાથી આ બધાં અનિષ્ટોનો સામનો કરી શકાય.

યુવાનો માટે સૌથી વધારે પ્રે૨ક અને પ્રભાવક વીર નાયકોમાંના એક સ્વામી વિવેકાનંદ તેમજ સમાજસેવા, વિજ્ઞાન, અને રમતગમતના ક્ષેત્રના મહાનુભાવોને કેન્દ્રમાં રાખીને આ યુવાનોના મનને સર્જનાત્મક અને ઉપયોગી કાર્યપ્રવાહ સ્રોતોમાં વાળી શકાય. યુવાનોની મનોવૈજ્ઞાનિક આકાંક્ષાઓ અને આવશ્યકતાઓ, એમનાં ભચિંતાઓ, હતાશા-નિરાશા અને ઉત્પીડનને ઓળખવાં એ આવાં કેન્દ્રોનું વધુ મહત્ત્વનું એક પાસું બનવું જોઈએ.

તદુપરાંત યુવાનોને સર્જનાત્મક અને ભાવાત્મક, સેવાલક્ષી, સમા કલ્યાણ કરનારાં કાર્યોમાં પ્રવૃત્ત રાખવા જોઈએ. આવાં ભાવાત્મક આદર્શવાળા અને ધ્યેયલક્ષી તેમજ નૈતિક મૂલ્યોની આધારભૂમિવાળા વૃંદો આપણી શૈક્ષણિક સંસ્થાઓ અને યુવા મંડળોમાં ‘વિવેકાનંદ સર્વિસ કોર્પ્સ’ (સ્વામી વિવેકાનંદ સેવા વૃંદ)ના નામે ઓળખાય. સાથે ને સાથે આવાં વૃંદો આજના યુવાનો ગ્રસી જતા અભાવાત્મક વિચારોનો સામનો કરે અને સ્વામી વિવેકાનંદ જેને ‘માનવના ક્ષેમકલ્યાણનું ચાલક બળ’ કહેતા તેનું નિર્માણ કરી શકે.

આ ઉમદા કાર્યમાં સહાયભૂત થવા વરિષ્ઠ શિક્ષકો, સંન્યાસીઓ, પરિપક્વ માતપિતા કે વાલીઓ, વિવિધ ક્ષેત્રમાં પોતાની રીતે સફળ થયેલ વ્યાવસાયિકોને તજજ્ઞ રૂપે જોડવાં જોઈએ. આ ઉપરાંત પ્રશિક્ષિત મનોચિકિત્સકો અને વ્યાવસાયિક શૈક્ષણિક માર્ગદર્શકોને પણ આમાં જોડવા જોઈએ. ચેતવણીની ઘંટડી મોટેથી અને વારંવાર વાગ્યે જ રાખે એવી રીઢી કે મુડદાલ પરિસ્થિતિ ન આવવી જોઈએ. આપણે વિદ્યાર્થીઓને સાવ બેદરકાર પરિસ્થિતિમાં છોડી ન શકીએ અને એમને દિશા અને હેતુવિહોણી પરિસ્થિતિમાં તણાતા ન કરીએ એ આ સંસ્થાઓનો હેતુ છે.

આપણા યુવાનો બાળપણથી જ એક પ્રશ્નનો વારેઘડીએ સામનો કરતો રહ્યો છે – જ્યારે તમે મોટા થાઓ ત્યારે તમે શું બનવા ઇચ્છો છો ?’ વિદ્યાર્થી તરીકે મોટા થતા આ યુવાનોએ ઘણાં શારીરિક, માનસિક, સાંવેગિક પરિવર્તનોનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત યુવાનોના પોતાના સભાનપણામાં પણ ધરખમ પરિવર્તન આવે છે. તેઓ પોતાની આસપાસના લોકોની સાથે સરખામણી કરતા થાય છે અને બધા એમના વિચારો અને એમને સ્વીકારે એવું ઇચ્છે છે પણ ખરા. એક યુવાન તરીકે એમને બે અવરોધોનો સામનો કરવો પડે છે – ૧. પોતાની ઓળખ સમાજમાં પ્રસ્થાપિત કરવી અને પોતાનું આત્મગૌરવ ઊભું કરવું. વળી યુવાનોના મનમાં આવો પ્રશ્ન ઊભો થાય છે – મારે શું બનવું છે ? મારામાં કેવી કેવી આવડત છે ? કારકિર્દીરૂપે મારે શું પસંદ કરવું જોઈએ ? મારા જીવનમાં મારે શું શું કરવાનું છે ? મારા સિદ્ધાંતો અને મૂલ્યો આદર્શો શા હશે ?

મોટાભાગના યુવાનો જે વિશ્વમાં પ્રવેશવાના છે એની મૂળ હકીકતથી કે વાસ્તવિકતાથી તે વાકેફ નથી હોતા. એમને પોતાનામાં વિશ્વાસ પણ નથી હોતો અને પોતાના જીવનને પોતે જ નિયંત્રિત કરી શકે એવું પણ માનતા નથી. સ્વામી વિવેકાનંદે આવા યુવાનો માટે એક પ્રભાવક અને પ્રેરક સંદેશો આપ્યો છેઃ ‘તમે સર્વ કંઈ કરી શકો છો. જે યુવાનો ભાવિ શક્યતાઓના અને નવા વિશ્વનાં દ્વાર ખોલે છે, તેઓ એવું ઇચ્છતા હતા કે દરેક યુવાન સિંહ સમી છે. એમનું અભિયાન હતું કે ભારતના યુવાનોને જાગ્રત કરવા.

સ્વામી વિવેકાનંદે પણ યુવાનોમાં અપાર શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ હતો. એમણે કહ્યું છે ઃ

‘નવયુવકો પર, અત્યારની પેઢી પર મને શ્રદ્ધા છે; તેમનામાંથી જ મારા કાર્યકરો આવશે. સિંહની શક્તિથી તેઓ આખા પ્રશ્નને હલ કરશે… જો તમારામાં મારું કહ્યું માનવાની હિંમત હોય તો તમારામાંના એકેએકનું ભાવિ ઊજળું છે, જેમ મને બચપણમાં શ્રદ્ધા હતી અને જેનો ઉપયોગ અત્યારે કરી રહ્યો છું, તેવી બળવાન શ્રદ્ધા તમારી જાતમાં રાખો. (ભારતમાં આપેલા ભાષણો પૃ. ૧૭૫)

૧. ગહન ચિંતનની ક્ષમતા કેળવવી અને એના અમલીકરણ પર ધ્યાન-કેન્દ્રિત કરવું.

સ્વામી વિવેકાનંદમાં ગહન-ચિંતન કરવાની અપાર ક્ષમતા હતી અને પોતાના વિચારોને અમલમાં મૂકવા પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરતા. એમની પાસે એક ભવ્ય અભિગમ હતો. અને એ અભિગમને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાની અજોડ ક્ષમતા એમનામાં હતી.

એમનો અભિગમ હતો- ‘ભારતના લોકોને ઉન્નત કરવા.’ ભારતની અત્યંત નિર્બળ પરિસ્થિતિનું મુખ્ય કારણ શોધવા એમણે સમગ્ર ભારતમાં પરિવ્રાજકરૂપે પરિભ્રમણ કર્યું હતું. લોકોની ગરીબી અને અવદશા જોઈને એમનું હૃદય રડી ઊઠ્યું. પોતાની આંખના આંસુઓ તેઓ રોકી ન શક્યા. એમને પાકી ધારણા થઈ કે સર્વપ્રથમ તો લોકોની ગરીબી દૂર કરવી પડે. એ સિવાય એમને ધર્મનો ઉપદેશ આપવો વ્યર્થ છે.

એમણે અમેરિકા જવાનો સંકલ્પ પણ કર્યો. અમેરિકનોમાં આધ્યાત્મિકતા જગાડી અને એના બદલામાં ભારતમાંથી ગરીબી દૂર કરવા અને સામાન્ય જનસમૂહને ઉન્નત બનાવવા ઘણા સ્રોત લાવવા ઇચ્છતા હતા.

અમલીક૨ણ ૫૨ એમનુ કેન્દ્રિત ધ્યાન પણ આશ્ચર્યજનક હતું. એમના જીવનમાં અદમ્ય પુરુષાર્થ અને સંઘર્ષ હતા. ઘણા લોકો તેમને શરૂઆતમાં અવગણતા પણ ખરા અને એમનામાં શ્રદ્ધાવિશ્વાસ પણ ન રાખતા. આમ છતાં પણ એમનો આત્મવિશ્વાસ ક્યારેય ડગુમગુ ન થયો. કરુણાસભર હૃદયને સાથે રાખીને એમણે વિશ્વભરનો પ્રવાસ કર્યો.

એમના સંપર્કમાં આવનારા લોકોમાં એમણે અદ્‌ભુત અનન્ય ચેતના જગાડી. એમણે અથાક પુરુષાર્થ કર્યો જો એમ ન હોત તો લાખો લોકોની કલ્પનાઓ અને આકાંક્ષાઓને એક વ્યક્તિ કઈ રીતે સમજી શકે ?

સ્વામી વિવેકાનંદમાં દૂરદર્શિતાવાળા એ અભિગમને વાસ્તવિકતામાં પરિવર્તિત અભિગમ, આયોજન અને અમલ પર ધ્યાન કેન્દ્રિત ક૨વાનો સુભગ સમન્વય આપણે જોઈ શકીએ છીએ.

એમના પગલે ચાલીને યુવાનો પોતાના જીવનમાં વધુ ને વધુ ઉન્નત બની શકે અને પોતાના જીવનમાં નવા નવા રંગો ભરી શકે. દૂરદર્શિતાવાળા અભિગમ, આયોજન અને અમલીકરણ માટે યુવાનોને આપેલા ત્રણ મંત્ર :

સ્વામી વિવેકાનંદના જીવન પરથી આપણે આટલું જોઈ શકીએ છીએ કે આપણા જીવનમાં સફળ થવા માટે યુવાનોને અને સૌને ત્રણ બાબતોની જરૂર છે દૂરદર્શિતાવાળો અભિગમ તેનું આયોજન અને તેનું અમલીકરણ. દૂરદર્શિતાવાળા અભિગમથી યુવાનોને દિશાનિર્દેશ મળે છે. એની સાથે યુવાનોમાં આત્મવિશ્વાસ જાગે છે હવે પોતાના અભિગમને ચરિતાર્થ કરવા યુવાનો માટે જરૂરી છે. યોગ્ય આયોજનની અને એના અવિરત અમલીકરણની.

સ્વામી વિવેકાનંદે આ માટે કહ્યું છે કે એક આદર્શ સાથે રાખીને માણસ એક હજાર ભૂલ કરે તો મને ખાતરી છે કે આદર્શ વિહોણો માણસ પચ્ચાસ હજાર ભૂલો કરવાનો.

સ્વામીજીનો આ સંદેશ એ વાતની યાદ અપાવે છે કે, સફળતા પ્રાપ્ત કરવા માટે આપણી પાસે ચોક્કસ અને પાકું આયોજન હોવું જોઈએ . દરેક યુવાન પોતાના જીવનની સફળતા માટે સ્વામી વિવેકાનંદને એમના આદર્શરૂપે લઈ શકે.

Total Views: 228

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.