એક સદી ઉપર થોડાં વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદે ભારતના દરેક નાગરિકને આહ્‌વાન કર્યું હતું કે : ‘ઓ વીર ! તું ભારતમાતાનો પુત્ર છો, એ બદલ હિંમતવાન થા અને બહાદુર બન. અને ગૌરવપૂર્વક કહે કે, ‘હું ભારતીય નાગરિક છું અને દરેક ભારતવાસી મારો ભાઈ છે. અભણ ભારતવાસી, રાંક ભારતવાસી, પીડિત ભારતવાસી, અસ્પૃષ્ય ભારતવાસી, પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે.’ તને ઢાંકવા માટે ભલે તારી કમ્મરે માત્ર લંગોટી હોય તે છતાં, પોકાર કે, ‘દરેક ભારતવાસી મારો ભાઈ છે.’

સ્વામીજીના આ બોલ બોલાયા તે પછી ટૂંક સમયમાં જ એ બોલે નક્કર સ્વરૂપ લીધું હતું. પોતાની કમ્મરે માત્ર પોતડી વીંટીને, આખા દેશમાં ઘૂમતો એક આદમી પોકારતો હતો કે, ‘દરેક ભારતવાસી મારો ભાઈ છે.’ એ પોકાર સાથે ઘૂમનાર હતા મહાત્મા ગાંધી, આપણા રાષ્ટ્રપિતા. ભારતમાતાના આ બે પનોતા પુત્રોની જીવનકથાના તથા ફિલસૂફીના તુલનાત્મક અધ્યયનને હાથ ધરનાર વ્યક્તિ તરત જ એ તારણ ઉપર આવશે કે, સ્વામીજીના રાષ્ટ્રવાદી ચિંતનનું મૂર્ત સ્વરૂપ ગાંધીજીનું જીવન હતું.

બંને નેતાઓ સમકાલીન હોવા છતાં (સ્વામીજીના કરતાં, ૧૮૬૯માં જન્મેલા ગાંધીજી છ વર્ષ નાના હતા) એ બંને એકમેકને મળી શકયા ન હતા. દક્ષિણ આફ્રિકા આવી સાચા ધર્મનો પ્રચાર કરવા માટે સ્વામીજીને ગાંધીજીએ નિમંત્ર્યા હતા પણ તેમ કરવું સ્વામીજી માટે શકય બન્યું ન હતું. એટલે ભારતીય રાષ્ટ્રીય મહાસભા (ઇંડિયન નેશનલ કોંગ્રેસ)ના ૧૯૦૨ના અધિવેશનમાં ભાગ લેવા ગાંધીજી કોલકાતા ગયા હતા ત્યારે, બેલુડ મઠમાં ગયા હોવા છતાં તેઓ સ્વામીજીને મળી શકયા ન હતા. નાદુરસ્ત તબિયત અંગે સ્વામીજી કોલકાતા શહે૨માં ગયા હતા એટલે ગાંધીજીને નિરાશ વદને પાછા ફરવું પડયું હતું. અને તે પછી છ મહિને તો સ્વામીજીએ મહાસમાધિ લીધી હતી.

એ બે વિભૂતિઓના આદર્શોમાં અને ચિંતનવ્યાપારમાં ઘણું મળતાપણું હતું. સ્વાતંત્ર્યના, લોકજાગૃતિના, રીજાગૃતિના, ધર્મસમન્વયના, ભારતના સનાતન ધર્મની પુનઃસ્થાપનાના, ગરીબોની સેવાના, અસ્પૃશ્યતા નિવારણના… સ્વામીજીના જે આદર્શો હતા તેમનો અમલ કરવા માટે, જાણે કે, ગાંધીજી અવતર્યા હતા.

બે મહાન દેશ ભકતો

સને ૧૮૯૭માં અમેરિકાથી પાછા આવ્યા પછી તરત જ મદ્રાસમાં આપેલા પોતાના પ્રખ્યાત પ્રવચન ‘મારી સમર યોજના’ માં, ભવિષ્યના દેશભકતોને અને સુધારકોને સંબોધન કરતાં સ્વામીજીએ કહ્યું હતું કે : ‘મારા ભાવિ દેશપ્રેમીઓ! લાગણી કેળવતાં શીખો. તમને લોકો માટે લાગણી છે ? આ કરોડોની સંખ્યામાં રહેલા આપણા દેવીના અને ઋષિઓના વંશજો પશુત્વની નજીક પહોંચી ગયા છે. તમને એ માટે જરાય દિલમાં લાગી આવે છે ? આજે લાખો લોકો ભૂખે મરી રહ્યા છે અને લાખો લોકો યુગો થયાં ભૂખમરો સહન કરતા આવ્યા છે. તેને માટે તમારા દિલમાં કાંઈ થાય છે ? તમને કદી એમ થાય છે કે આ અજ્ઞાનનો અંધકાર આપણા દેશ પર ઘનઘોર વાદળાંની પેઠે છવાઈ ગયો છે ? તમને એ હલાવી નાખે છે ? તમારી ઊંઘ એનાથી ઊડી જાય છે ખરી ? એ તમારા રક્તમાં પ્રવેશીને તમારા હૃદયના ધબકારાની સાથે તાલ પુરાવે છે ખરી ? એણે તમને પાગલ કરી મૂકયા છે ખરા ? એ સર્વનાશી દુઃખના એકમાત્ર ખ્યાલે તમને ભરખી લીધા છે ખરા ? આને માટે તમારું નામ, તમારો યશ, તમારી સ્ત્રી, તમારાં બાળકો, તમારી સંપત્તિ, તમારી માલમિલકત, અરે તમારો દેહ સુદ્ધાં, વીસરી બેઠા છો ખરા ? તમે એવું કંઈ અનુભવ્યું છે ? દેશપ્રેમી થવાનું પહેલું જ પગથિયું આ છે. તમારામાંના ઘણા લોકોને ખબર છે કે હું અમેરિકા ગયો તે પેલી વિશ્વધર્મપરિષદ માટે નહીં, પણ લોકો પ્રત્યેની આ કરુણતાનું ભૂત મારા અંતરમાં ભરાઈ બેઠું હતું તેથી હું ભારતભરમાં બાર બાર વરસસુધી ભટકયો હતો, પણ મારા દેશબાંધવોમાટે કાર્ય કરવાનો કોઈ રસ્તો મને મળતો ન હતો; એ કારણસર હું અમેરિકા ગયેલો. એ વખતે મને પિછાનનારા તમારામાંના ઘણા ખરા એ બાબત જાણો છો. એ વિશ્વ ધર્મ પરિષદની કોને પરવા હતી ? અહીં તો મારું પોતાનું જ લોહી ને માંસ, મારાં ભાંડુઓ રોજ ને રોજ ખલાસ થયે જતાં હતાં, પણ એની કોને પડી હતી ? મારું એ પહેલું કાર્ય હતું.’

‘વારું, ત્યારે તમને કદાચ લાગણી તો થઈ. પણ કેવળ મોંએથી થૂક ઉડાવવામાં તમારી શક્તિનો વ્યય કરવા કરતાં, તમે કોઈ ઉપાય શોધી કાઢયો છે ? તિરસ્કારને બદલે કંઈક સહાય, લોકોનાં દુઃખો હળવાં કરવા માટે મીઠાશભર્યાં વચનો, આ જીવતા નર્કમાંથી તેમને બહાર કાઢવા માટેનો કોઈ વ્યવહારુ ઉકેલ તમને જડયો છે ? અને છતાંય, એ કંઈ સર્વસ્વ નથી. તમારામાં પર્વતપ્રાય મુશ્કેલીઓને પાર કરવાની ઇચ્છાશક્તિ છે ? દુનિયા આખી જો તમારી સામે હાથમાં તલવાર લઈને ખડી થઈ જાય, તો પણ તમે જે સાચું માનો છો તે કરવાની તમારામાં હિંમત છે ? તમારાં સ્ત્રીપુત્રાદિ તમારી વિરુદ્ધમાં હોય, તમારો પૈસો બધો ખલાસ થઈ જાય, તમારી કીર્તિને માથે પાણી ફરી વળે, તમારી સંપત્તિ સાફ થઈ જાય, તે છતાં તમે તમારી માન્યતાને વળગી રહો ખરા ? તે છતાં તમે તેની પાછળ પડીને તમારા ધ્યેય પ્રતિ મક્કમતાથી આગળ વધ્યે જાઓ ખરા?’ (સ્વામી વિવેકાનંદ શતાબ્દિ ગ્રંથમાળા- ૪. ભાષણો અને લેખો, પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, આ. ૧લી, ૧૯૬૨, પૃ. ૧૪૫-૧૪૬).

આ પ્રમાણે સાચા દેશ ભક્ત માટે સ્વામીજીએ ત્રણ શરતો મૂકી હતી : (૧) દેશજનો માટે લાગણી, (૨) એમની પીડાઓ દૂર કરવા માટેનો વ્યવહારુ માર્ગ, અને (૩) દૈઢ મનોબળ, આ ત્રણ શરતો અનુસાર, સ્વામીજી પછી કોઈ બીજો મહાન દેશપ્રેમી થયો હોય તો તે મહાત્મા ગાંધી હતા. સ્વામીજીને વાંચ્યા પછી મારી દેશપ્રીતિ હજારગણી વધી છે તેમ ગાંધીજીએ જણાવ્યું છે.

દક્ષિણ આફ્રિકા વિશે સ્વામીજી

પરદેશી રાજ્યરામાંથી દેશને મુક્ત કરવા, વિદેશી સંસ્કૃતિના બંધનમાંથી દેશને છોડાવવા અને બાહ્ય ધર્મનાં બંધનમાંથી દેશને મુક્ત કરવાના હેતુથી દૈવ ભારતમાતાના બે સપુતોને દેશમાંથી બહાર લઈ ગયું. આ અનન્ય સંજોગ જ કહેવો પડે. વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા જવા માટે અને ભારતીય સંસ્કૃતિનો તથા ભારતીય ધર્મનો ધ્વજ ઊંચો ફરકાવવા સ્વામીજી સને ૧૮૯૩માં અમેરિકા ગયા હતા. અને તે જ વર્ષમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા હતા અને ત્યાં, બ્રિટીશ સત્તા સામે અસહકારનું બીજ રોપ્યું હતું. પોતાનું દક્ષિણ આફ્રિકાનું કાર્ય ભારતની સ્વતંત્રતા માટેના જંગમાં પરિણમશે તે, કદાચ, ગાંધીજી જાણતા ન હતા. સ્વામીજી આ જોઈ શક્યા હતા તે નવાઈ જેવું છે. દક્ષિણ આફ્રિકાનું ગાંધીજીનું કાર્ય ભારતને માટે ખૂબ લાભકારક થશે તે સ્વામીજી, આશ્ચર્યકારક રીતે, જોઈ શક્યા હતા અને તેમણે પોતાના ગુરુભાઈ સ્વામી શિવાનંદને દક્ષિણ આફ્રિકા જવા કહ્યું હતું. પણ એ બની શકયું ન હતું. જયપુરથી સને ૧૮૯૭ના ડિસેમ્બરની ૨૭મીએ લખેલા પત્રમાં સ્વામી શિવાનંદને સ્વામીજીએ લખ્યું હતું કે, ‘તમે જેમને સારી રીતે જાણો છો તે મિ. મેકસમુલરે મને લખ્યું છે કે, ‘આફ્રિકા ગયેલા ભારતવાસીઓની ધાર્મિક જરૂરિયાત પૂરી પાડવા માટે કોઈ વ્યક્તિને મોકલવી.’ બધો ખર્ચ એ પૂરો પાડશે.

‘હાલ તુરત એ કાર્ય બહુ આવકારદાયક નહીં હોય એવો મને ડર છે, પણ પૂર્ણ માનવ માટેનું એ કાર્ય છે. ત્યાંની ગોરી પ્રજાને અહીંથી ત્યાં ગયેલા લોકો જરા પણ ગમતા નથી તે તમે જાણો છો. ભારતવાસીઓની સેવા કરવી અને સાથોસાથ, ઠંડો દિમાગ રાખવો જેથી વધારે બખેડો ન થાય એ ત્યાંનું કામ છે. કશા તરત પરિણામની આશા ના રાખવી પણ, લાંબે ગાળે ભારત માટે એ કાર્ય ધાર્યા કરતાં ક્યાંય વધારે ઉપયોગી થશે. આ બાબત તમે ભાગ્ય અજમાવો એમ હું ઇચ્છું છું.’ સ્વામીજીના આ ભવિષ્ય કથનનો સાક્ષી ઇતિહાસ છે. દક્ષિણ આફ્રિકાનું કાર્ય સત્યાગ્રહના પાયારૂપ બન્યું અને એ ભારતને સ્વતંત્રતા તરફ દોરી ગયું – અને આ અદ્‌ભુત કાર્ય માટે પૂર્ણપણે તૈયાર જે એક વ્યક્તિ હતી, તેણે મહાત્મા ગાંધીએ પાર પાડયું હતું. ગાંધીજીની નવીન શક્તિ વિશે સ્વામીજી અજાણતાં જ જાણવા પામ્યા હતા તે રીતે, સ્વામીજીની અદ્‌ભુત મહત્તા વિશે ગાંધીજી પણ અજાણતાં જ જાણવા પામ્યા હતા. સ્વામીજી દક્ષિણ આફ્રિકાની મુલાકાત લે તેવું ગાંધીજી ખૂબ ઇચ્છતા હતા. ૧૮૯૮ના ફેબ્રુઆરીની ૨૩મીના મુંબઈના બી. વી. ભાજેકટ પરના પોતાના પત્રમાં ગાંધીજીએ આ ઇચ્છા વ્યક્ત કરી હતી : ‘પાશ્ચાત્ય પદ્ધતિ પ્રમાણે કામ કરતો કોઈ પ્રચારક અહીં સફળ નહીં થાય..… સ્વામીજીને પોતાને જ અહીં આવવા ન સમજાવી શકાય? એમના કાર્યની ફત્તેહ માટે મારાથી બનતું સઘળું હું કરી છૂટીશ. ભારતવાસીઓ સાથે તેમજ યુરોપવાસીઓ જોડે સ્વામીજી કાર્ય કરી શકશે. અધમમાં અધમથી માંડીને ઉચ્ચતમ ભારતવાસીઓમાં સ્વામીજી છૂટથી હળેમળે છે તેમ હું માનું છું. સ્વામીજી અહીં આવશે તો એક બાબત ચોક્કસ થશે જ, પોતાના અદ્‌ભુત વક્તૃત્વથી યુરોપિયનો પર એ પ્રભાવ પાડી શકશે અને પોતાનો જાદુ પ્રસારીને, યુરોપવાસીઓને કુલીઓને ચાહતા પણ એ કદાચ કરી શકે… તમને યોગ્ય લાગે તો આ પત્ર તમે તેમની સમક્ષ મૂકજો.’ આ પત્ર ભાજેકરને મળ્યો ત્યારે, સ્વામીજી કાશ્મીરમાં હતા. પોતાની ઇચ્છા છતાં સ્વામીજી દક્ષિણ આફ્રિકા જઈ શકયા ન હતા.

Total Views: 54
By Published On: January 1, 2012Categories: Dushyant Pandya0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram