અત્યારે વિશ્વના ધર્મચિંતકોમાં જોર પકડી રહેલી અભિનવ વિચારધારાના સુફલ રૂપ એવી એક ‘તુલનાત્મક ધર્મ’ને નામે ઓળખાતી, ધર્મોની ઐતિહાસિક – વૈજ્ઞાનિક અધ્યયન વૃત્તિને શરૂ થયે તો માંડ સોએક વરસો થયાં હશે. એટલે તે શબ્દના આવા પારિભાષિક અર્થ સાથે તો સ્વામી વિવેકાનંદનો સંબંધ ન જ હોય એ તો સ્વાભાવિક જ છે, આમ છતાં પણ શ્રીરામકૃષ્ણની ધાર્મિક વિચારો ઉ૫૨થી જન્મેલો આદર્શ, એ ભાવિ અધ્યયન પદ્ધતિની છડી પોકારી રહ્યો હોય એમ લાગે છે. અને સ્વામી વિવેકાનંદનાં બધાં પ્રવચનોમાં અત્ર-તત્ર-સર્વત્ર એ નાદની પેઠે પડઘાઈ રહ્યો છે.

મને લાગે છે કે સર્વપ્રથમ આ આદર્શ સને ૧૮૯૬માં તેમણે આપેલા ‘આત્મા, પરમાત્મા અને ધર્મ’ – એ શીર્ષકવાળા અને પછી ‘તુલનાત્મક – તત્ત્વજ્ઞાન’ – એવા શીર્ષકવાળા વ્યાખ્યાનમાં વધારે સ્પષ્ટ થયો છે. ત્યારે તો તેઓ શિકાગોની ધર્મમહાસભામાં સર્વધર્મોની એકતાના પુરસ્કર્તા તરીકે પંકાઈ ચૂક્યા હતા. ત્યારે અમેરિકાના સુપ્રસિદ્ધ દૈનિકમાં છપાઈ પણ ચૂક્યું હતું કે ‘ભારતનો હિન્દુ સંન્યાસી સર્વધર્મોની સચ્ચાઈનો સંદેશ લઈને આવ્યો છે !’

પૂર્વદર્શિત બે પ્રવચનો પૈકી પ્રથમ પ્રવચનમાં તેમણે કહ્યું : ‘સર્વધર્મનાં પવિત્ર નરનારીઓએ ગાઈ બજાવીને પોતાના અને બીજાના ધર્મમાં પણ શાંતિનો જ સંદેશ આપ્યો છે. આ એકતાનો ઉપદેશ છે, પરંતુ, ધર્મને કેવળ વાડાબંધી અને નિરર્થક કર્મકાંડ તરીકે જ માનનારાઓના ઘોંઘાટમાં શાંતિ ડૂબી ગઈ છે ! પરિણામે હવે તો કેટલાક લોકો ધર્મને અને એના હેતુને હતાશામાત્ર જ માનવા લાગ્યા છે ! તેઓ ધર્મને માત્ર ગઈ ગુજરી જ ગણે છે ! આમ છતાં આવી નિરાશાની ભીતર કોઈક ખૂણે તો વિવેકાનંદે પોતાના એ પ્રવચનમાં ‘બૌદ્ધિક જીવનનું પરિપોષક અને પ્રતીતિકર એવું સર્વધર્મસમન્વયનું નવું તત્ત્વ શોધી કાઢ્યું છે ! એમણે કહ્યું : ‘મેં ખ્રિસ્તી, ઈસ્લામ – બૌદ્ધ ધર્મ વગેરેનો અભ્યાસ કર્યો છે. અને આશ્ચર્ય સાથે જોયું છે કે જે મહાન સિદ્ધાંતો આ ધર્મમાં છે તે જ અન્ય ધર્મોમાં પણ છે.’ એમ કહીને તેમણે બધા ધર્મોની એકવાકયતા દર્શાવી છે. એમના સમગ્ર પ્રવચનના સારતત્ત્વરૂપ વાકય તો આ છે : ‘જો એક ધર્મ સાચો છે, તો બધા જ ધર્મો પણ સાચા જ છે !’

તુલનાત્મક ધર્મનું મહત્ત્વ દર્શાવતી સ્વામીજીની બીજી ઘોષણા આલાસિંગા પર તેમણે લખેલા પત્રમાં કરવામાં આવી છે. એમાં એમણે તુલનાત્મક ધર્મનું અધ્યાપન કરવા માટે મદ્રાસમાં એક કોલેજ સ્થાપવાની ઇચ્છા દર્શાવી છે. અને એના પછીના વરસે તેમના એ વિશેના વિચારો વ્યક્ત કરવા માટે લંડનના ‘ટાઈમ્સ’ પત્રના પ્રતિનિધિ સાથેની મુલાકાતનો મોકો તેમને મળ્યો ! ત્યારે તેમણે તે પ્રતિનિધિને તુલનાત્મક ધર્મનો આદર્શ, એનો મૂળ સ્રોત, એનો મર્મ – વગેરે બધું જ સમજાવ્યું; પ્રતિનિધિએ તેમને પૂછ્યું : ‘આપ તુલનાત્મક ધર્મ વિશે ઉપદેશ આપો છો ?’ ત્યારે તેમણે જવાબ આપ્યો : ‘એ ઉપદેશ સર્વે ધર્મોની વચ્ચે રહેલા ભાવાત્મક મધ્યબિન્દુને સમજાવી શકે છે, ધર્મની તાત્ત્વિક અને સંગ્રહણીય વસ્તુનું જતન કરીને બાકીની નકામી વસ્તુઓને ફેંકી દેવાની એ પ્રેરણા આપે છે.’ શ્રીરામકૃષ્ણના ‘સર્વના સ્વીકાર’ સાથે સુસંગત અને વિધાનાત્મક આ વિવેકવાણી છે. !

લંડનના એક બીજા સમાચારપત્ર સાથેની મુલાકાતમાં સ્વામી વિવેકાનંદે તુલનાત્મક ધર્મને ધર્મની ફિલસૂફી સાથે સરખાવ્યો હતો. દરેક ધર્મને બાહ્ય અને આંતરિક એમ બે બાજુઓ હોય છે. એમાંથી બાહ્ય બાજુને બાદ કરીને જો બધા ધર્મની આંતરિક બાજુ જ જોઈએ, તો માલૂમ પડશે કે તે તો એક જ છે ! આમ ધર્મનો સાચો પાયો જ બાહ્ય વિવિધતાના પાયામાં રહેલી એકતા છે.

ભારત પાછા ફરીને કુંભકોણમ્‌માં તેમણે તુલનાત્મક ધર્મને વૈશ્વિક ધર્મના છડીદાર તરીકે લેખ્યો હતો. તેમણે કહ્યું હતું કે પશ્ચિમના લોકોને એમનાં ભાષણોમાં વૈજ્ઞાનિક તારણોવાળાં વેદાંતવિષય ભાષણો વધારે આકર્ષક લાગ્યાં હતાં. તેમણે આગળ કહ્યું કે ‘એ વૈજ્ઞાનિક તારણોવાળાં મારાં ભાષણોમાંની બે બાબતો તરફ તમારું ધ્યાન ખેંચું છું. તેમાં એક તો એ છે કે એમાં ધર્મની વૈશ્વિકતા દર્શાવી છે. અને બીજી બાબત એ છે કે તેમાં એકતાનો આદર્શ દર્શાવ્યો છે.’ અદ્વૈત વેદાંતને તેઓ તુલનાત્મક ધર્મના પાયા તરીકે ખાતરીપૂર્વક માનતા હતા.

વિવેકાનંદે આવો તુલનાત્મક ધર્મનો ઉપદેશ આપ્યો, ત્યાં સુધી તો આ ક્ષેત્રનું શાસ્ત્રીય ખેડાણ કંઈ ઝાઝું થયું ન હતું. જૂના ગ્રીકોને તો પોતાના ધર્મ સિવાય બીજા ધર્મોની હસ્તીનું જ ભાન ન હતું. એટલે તુલનાત્મક ધર્મનો સવાલ જ ઊઠતો ન હતો. અને જૂના રોમનો તો ગ્રીકોના જ ધાર્મિક વાડામાં પુરાયેલા હતા ! એરિસ્ટોટલને ઉપનિષદોનું જ્ઞાન ન હતું ! હોત તો ઇતિહાસ જુદો લખાત ! કેટલાક વળી એવું કહે છે કે ‘રોમનોની સાંપ્રદાયિક સંકુચિતતા પર એશિયાના તત્ત્વજ્ઞાને એવો પ્રભાવ પાડ્યો કે જેથી યુરોપનું દિમાગ ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા તૈયાર થયું !’ પણ એ એશિયાના ધર્મમાં ભારતનું તત્ત્વજ્ઞાન તો ગેરહાજર જ રહે ! એના વગર તો તુલના શક્ય જ નથી ! એ વખતે ભારતના ભવ્ય તત્ત્વજ્ઞાનનું ભાન જ કોઈને ક્યાં હતું ? વળી આ વિધાનની પાછળ યુરોપના દિમાગમાં ખ્રિસ્તીધર્મના વિકાસ તરફ ખેંચવાનો ચોખ્ખો પ્રચારલક્ષી ઈરાદો હતો ! ત્યાં પણ – ખ્રિસ્તી ધર્મની એ જૂની સદીઓમાં પણ – ક્યાંય ભારતની હાજરી પામી શકતા નથી ! લેટીનોએ પણ ગ્રીક- ખ્રિસ્તી તત્ત્વજ્ઞાનોની કશી તુલના કર્યાનું જાણમાં નથી. એણે બસ ખ્રિસ્તી તત્ત્વજ્ઞાન અને સિદ્ધાંતોનાં પ્રતિવાદનો જ કર્યે રાખ્યાં ! તત્કાલીન વિદ્વાનોએ પણ બીજું કશું ધ્યાનમાં ન લીધું. ખ્રિસ્તી ધર્મ સિવાય બીજા કોઈ ધર્મની તે લોકોને કશી ખબર જ ન હતી ! પછી તુલનાની શી વાત ?

પછી પંદરમી સદીમાં નીકોલસે ઉઠાવેલો ધર્મસમન્વયનો અવાજ ત્યારની નવજાગ્રત યુરોપીય પ્રજાના ધાર્મિક વલણ પર કંઈ બહુ અસ૨કા૨ક તો ન નીવડી શક્યો ! ઈલિઝાબેથના ઇંગ્લેન્ડમાં હાર્બર્ટનો પરધર્મસમભાવ’નો અવાજ લોકોના કાનમાં અથડાયો તો ખરો, પણ સત્તરમી સદીના એ મધ્યકાળમાં પણ તે હાર્બર્ટેય ગ્રીક-રોમ-આરબ અને પારસી ધર્મોથી આગળ જઈ ન શક્યો ! વિશ્વના બે મહાન ધર્મો – હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મ – એના ધ્યાનમાં જ ન આવ્યા ! આમ છતાં સાંપ્રદાયિકતાની વાડાબંધીમાંથી બહાર નીકળી જવાનું ઊંચે અવાજે જે લોકોને આહ્વાન કર્યું, એને લીધે ધર્મોના તુલનાત્મક અભ્યાસનો પાયો તો અવશ્ય નંખાયો ! હાર્બટ જેવું સ્થાન લોક (Lock)નું પણ છે. એણેય ઉદારતા દાખવી. અલબત્ત, બંનેને પોતાની સીમાઓ હતી.

પરંતુ સૌથી નવાઈની વાત તો એ છે કે અઢારમી સદીમાં યુરોપના નેતાઓની જબરી જાગ્રતિ થયા છતાં પણ ધર્મના તુલનાત્મક અધ્યયન પર અસર પડી જ નહિ! તે સદીનાં મહાન બૌદ્ધિક આંદોલનને ધર્મ સાથે કશી જ લેવાદેવા ન રહી ! પણ સદ્ભાગ્યે સદીના અંતભાગે પશ્ચિમે સર્વપ્રથમ વખત પૂર્વની સંસ્કૃતિ અને પૂર્વના ધર્મ તરફ નજર કરી. સર વિલિયમ જેમ્સે કોલકાતામાં એશિયાટીક સોસાયટીની સ્થાપના કરી (૧૭૮૪), ત્યારથી પૂર્વ પશ્ચિમના બૌદ્ધિક આદાનપ્રદાનના શ્રીગણેશ મંડાયા ! વિલિયમ જોન્સ ભારતીય વિદ્યાના જ્ઞાતા, અધ્યાત્મિક રસરુચિવાળા સજ્જન હતા. તેમણે અભિજ્ઞાન શાકુન્તલમ્નો અંગ્રેજી અનુવાદ કર્યો, તે અન્વયે ભગવદ્ ગીતાનું અંગ્રેજી ભાષાંતર પણ થયું અને એ રીતે ભારતની સંસ્કૃતિ અને ધર્મની જાણકારી વિશ્વમાં ફેલાવા લાગી, એનું તત્ત્વજ્ઞાન પ્રશંસા પામતું ચાલ્યું અને આ રીતે યુરોપના લોકોને ભારતીય સંસ્કૃતિ અને ધર્મની ભવ્યતાની ધીરે પિછાણ થઈ. એમાંયે આર્થર શોપનહોરની ઉપનિષદોની પ્રશંસાએ તો એક સીમાચિહ્ન ઊભું કરી દીધું. એણે તો દારા શિરોહના ફારસી અનુવાદનો એ લેટિનમાં થયેલો ઉપનિષદોનો અનુવાદ માત્ર જ વાંચ્યો હતો (૧૮૦૧). એણે એટલામાત્રથી જ ઉપનિષદો વિશે કહ્યું : ‘ભારતનું તત્ત્વજ્ઞાન યુરોપમાં પ્રવાહિત થઈ રહ્યું છે, અને તે આપણા જ્ઞાન અને વિચારોમાં ધરમૂળથી ફેરફાર કરી દેશે.’ જીવનના અંત ભાગમાં શોપનહોર લખી ગયા કે ‘ઉપનિષદો ઘણાં જ કલ્યાણકારી અને અત્યંત પ્રકાશ પાથરનાર વૈશ્વિક વાચન છે. મારા જીવનનું અને મરણનું તે આશ્વાસન છે.’ સ્વામી વિવેકાનંદે તેની આ સ્થિતિને ભારતીય આધ્યાત્મિક વિચારોનું વિશ્વ વ્યાપી ઘોડાપૂર’ તરીકે ઓળખાવી છે. સ્વામીજીએ શોપનહોરના આ શબ્દો અને જર્મન ફિલોસોફરની અગમવાણીને ટાંકીને કહ્યું છે કે ભવિષ્યમાં પશ્ચિમ સંસ્કૃત સાહિત્યનું મૂલ્યાંકન કરશે, પંદરમી સદીમાં ગ્રીકનું કર્યું હતું તેવું જ!

સને ૧૮૩૬માં ઓકસ્ફર્ડમાં ‘બોડન ચેર ઓફ સંસ્કૃત’ સ્થપાઈ અને ધીરે ધીરે ભારતીય વિદ્યા મહત્ત્વની વિદ્યાશાખા તરીકે યુ૨ો૫માં ગણાવા લાગી. સ્વામીજીએ ‘પૂર્ણ વેદાંતી’ ગણાવેલા મેક્સ મૂલરે રામકૃષ્ણ વિષે ‘સાચા મહાત્મા’ શીર્ષક લેખ લખ્યો, એટલું જ નહિ, પણ ‘Life and saying of Ramakrishna’ નામની જીવની પણ લખી ! મેક્સમૂલરના પોતાના જ કહેવા પ્રમાણે એ માહિતી સ્વામી વિવેકાનંદ પાસેથી ભેગી કરી હતી. ઉપનિષદોના તત્ત્વજ્ઞાન વિશેનાં મેક્સમૂલરનાં લખાણો પણ તેની પ્રવાહિતા અને વેદાંત પોષકતાને લીધે વખાણાયાં છે. એને મતે ઉપનિષદો કંઈ અગમ્ય રહસ્યવાદી ગ્રંથો નથી. તત્ત્વજ્ઞાન ઉપરનાં પોતાનાં ત્રણ ભાષણોમાં એ કહે છે : ‘સાચી રહસ્યવાદી ફિલસૂફીવાળા એ તો ઉનાળાના આકાશ જેવી ચોખ્ખી જ છે, એમાં પૂર્ણ પ્રકાશ અને પૂર્ણ ઉષ્મા છે !’ છતાંય આજે સ્વામી વિવેકાનંદ કહે છે તેમ પ્રશ્ન તો તુલનાત્મક ધર્મોના અધ્યયનનો ખડો જ છે ! મેક્સમૂલર તે કાળના ભારતીય વિદ્યાના સુવિખ્યાત વિદ્વાન હોય, એમણે આઓક્‌સફર્ડમાં ભારતીય વિદ્યા અને વેદાંતને ઉત્તેજન પણ ભલે આપ્યું હોય, છતાંય આ ઘણો જ મહત્ત્વનો સવાલ છે. કારણ કે ઇંગ્લેન્ડની બે જૂની યુનિવર્સિટીઓએ આ બાબતમાં કેટલો રસ લીધો છે તેની જાણકારી હજુ આપણને નથી એમ સ્વામીજી કહેતા. અરે, ૧૯૩૬માં ‘પૂર્વના ધર્મો અને નીતિશાસ્ત્ર’ની ‘સ્પાલ્ડીંગ ચેર’ની સ્થાપના પછી પણ, તે યુનિવર્સિટીમાં જ પેલી ‘સંસ્કૃત ચે૨’ સ્થપાયાનાં સો વરસો પછી પણ – પૂર્વના ધર્મોનો કોઈ જ પાઠ્યક્રમ યોજાયો નથી ! અરે, ત્યાં ભાષણ યોજાય તો સાંભળનાર એકાદ-બે માંડ માંડ જ હોય છે ! અને ભણનાર તો એકાદ જ સમ ખાવા પૂરતો હોય કે ન પણ હોય ! ઈશ્વર-માનવના સંબંધોને સ્પર્શતા એક શાંકર વેદાંતના અદ્વૈત નિરૂપણના ભાષણમાં શાંકર અદ્વૈતને બૂરી રીતે વખોડવામાં આવ્યું, એમ સાંભળવા મળ્યું છે. જો એ સાચું હોય તો બાવન વરસો સુધી મેક્સમૂલરે ત્યાં જ શાંકર વેદાંતને વિધાયક રૂપે પ્રતિપાદન કર્યું એનું શું ? તુલનાત્મક ધર્મનું તો ત્યાં નામનિશાન જ નથી ! આપણે અહીં મેક્સમૂલરને યાદ કરીએ. આ જ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એમણે આખા ઋગ્વેદનું અને બાર ઉપનિષદનું એમણે ભાષાન્તર કર્યું હતું ! અહીં રહીને જ એમણે કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં યાદગાર વ્યાખ્યાનમાળા પણ યોજી હતી ! તદુપરાંત, એમને ધર્મના ઇતિહાસમાં પણ ભારે રસ હતો. એમનાં ‘હિબર્ટ લેક્ચર્સ’ ધર્મોના ઇતિહાસમાં મહત્ત્વનું પ્રદાન છે. પણ તુલનાત્મક ભાષાવિજ્ઞાન અને તુલનાત્મક પુરાકલ્પનોમાં એને વધારે રસ હોવાને લીધે તેઓ તુલનાત્મક ધર્મસંબંધમાં કશું ઝાઝું કરી શકયા નહિ. વળી તેઓ એક ચુસ્ત ખ્રિસ્તી હોવાને કારણે ધર્મની તુલનીયતામાં માનતા પણ ન હતા !

Total Views: 35
By Published On: January 1, 2012Categories: Keshavlal V Shastri0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram