‘હું જ્યારે લખાવું ત્યારે તમારામાંના એક એ લખી લે. ૧૮૯૭ના એપ્રિલનો અંત હતો. સ્વામી વિવેકાનંદ આલમબજાર મઠના એક મોટા ખંડમાં બેઠા હતા. રામકૃષ્ણ સંઘના આદર્શો, જે સિદ્ધાંતો અને આદર્શો સાથે સંઘનું કાર્ય ચાલતું રહેવાનું છે અને સંન્યાસીઓએ પાળવાના નિયમોની નોંધ તેઓ ત્યાં એકઠા થયેલા સંન્યાસી- બ્રહ્મચારીઓમાંથી એકને અક્ષરશઃ લખી લેવા માટે કહ્યું.

એમની સામે જ બેઠેલા હૃદયમાં ખળભળાટ મચાવી મૂકનારા એક મહાન વિભૂતિના શબ્દોનું અક્ષરશઃ અંગ્રેજીમાં અનુસર્જન કરવાની હિંમત કોઈ દાખવી શક્યું નહિ. ત્યાં બેઠેલાએ એકબીજાને કોણીનો ઘોદો માર્યો પણ કોઈ આ કાર્ય માટે આગળ ન આવ્યું. અંતે એક છોકરો હાથમાં પેન અને કાગળ લઈને ગણેશનું આસન ગ્રહણ કરવા આગળ આવ્યો. (ગણેશજી વિદ્યાના અને લેખનના દેવ ગણાય છે. તેમણે વ્યાસને મુખેથી વર્ણવાયેલ મહાભારત લખ્યું હતું.) જો કે તે હજી યુવાનીના ઉંબરે હતો અને થોડા દિવસો પહેલાં જ રામકૃષ્ણ સંઘમાં જોડાયો હતો. આ છોકરામાં સ્વામીજીના શક્તિસંચારક સંદેશને જગતમાં પ્રસારિત કરવાનો અજબનો જુસ્સો હતો.
ભવિષ્યના દિવસોમાં આ છોકરો કે જે એ સમયે સ્વામીજીનાં ચરણોમાં વિનમ્રતાપૂર્વક બેઠો હતો તે સ્વામી શુદ્ધાનંદના નામે સૌને માટે પૂજ્ય બનવાનો, સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશનો જીવતો જાગતો અહેવાલ આપનાર તેમજ વ્યવહારુ વેદાંતની પ્રતિમૂર્તિ બનવાનો હતો.

પ્રતિભાવાન પાંડિત્યવાળા આ સંન્યાસીએ બહારથી દેખાતા સંઘર્ષ ઉપજાવતા આદર્શોનું અદ્‌ભુત રીતે સંશ્લેષણ કરીને પોતાના ગુરુદેવ સ્વામી વિવેકાનંદ પ્રત્યેની અટલ ભક્તિ અને રામકૃષ્ણ સંઘની નિર્ભય ઇચ્છાશક્તિથી સેવા કરી હતી. રામકૃષ્ણ સંઘના ઇતિહાસમાં સ્વામીજીના આ ભક્તહૃદયના માનસપુત્રનું પ્રદાન એક ભવ્ય પ્રકરણ બની રહ્યું છે. સ્વામીજીના વિચારો અને આદર્શોના એક સર્વશ્રેષ્ઠ દર્શક અને સ્વામીજીનાં મોટા ભાગનાં લખાણોનું બંગાળી ભાષામાં અનુસર્જન કરનાર તરીકે સાહિત્ય અને સાંસ્કૃતિક જગતમાં સ્વામી શુદ્ધાનંદજીનું નામ છે. એમનાં આ અનુસર્જનોએ સ્વામીજીના આદર્શોને બંગાળમાં પ્રસરાવવા માટેનું મહત્ત્વનું અને સૌથી મોટું કાર્ય કર્યું છે.

સંન્યાસી બન્યા પહેલાંનું સ્વામી શુદ્ધાનંદજીનું નામ સુધીરચંદ્ર ચક્રવર્તી હતું. તેમનો જન્મ ૧૮૭૨માં થયો હતો. એમનું નિવાસસ્થાન કોલકાતામાં સર્પેન્ટાઈન લેઈન (સાપ ગલી)માં હતું. એમના પિતા આશુતોષ ચક્રવર્તી એક પવિત્ર અને ઉદાત્ત બ્રાહ્મણ હતા. તેમના નાના ભાઈ સુશિલચંદ્ર પણ સ્વામીજીના શિષ્ય બન્યા હતા અને પછીથી સ્વામી પ્રકાશાનંદના નામે જાણીતા બન્યા

યુવાન વયના સુધીરચંદ્રને ધર્મ પ્રત્યે મોટું આકર્ષણ હતું. પડોશમાં કોઈ તપસ્વી કે પવિત્ર સાધુપુરુષ આવ્યા છે એવું સાંભળીને એમને મળવા દોડી જતા. મિત્રો સાથે તેઓ નિયમિતપણે ધર્મગ્રંથોનું વાચન કરતા અને એ વિશે ચર્ચા પણ કરતા. તેઓ મેધાવી વિદ્યાર્થી તરીકે સુખ્યાત હતા. શિષ્યવૃત્તિ સાથે મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી તેઓ આગળ અભ્યાસ માટે સીટી કોલેજમાં જોડાયા. આ જ સમય દરમિયાન એમનુ આધ્યાત્મિક જીવન પ્રબળ બન્યું અને તેમણે ચોક્કસ પથની શોધ આતુરતાપૂર્વક આદરી દીધી. તેમના મિત્રોના સંગાથે એમની આધ્યાત્મિક ભૂખને વધુ ઘનિષ્ઠ બનાવી. એમના મિત્રોમાંથી કેટલાકને અહીં યાદ કરવા યોગ્ય ગણાશે. એમના મિત્રોમાં ખગેન, કાલીકૃષ્ણ, હરિપદ અને ગોવિંદ (શુકુલ) હતા. તેઓ બધા શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના સંદેશને ધારણ કરનારાઓ હતા. ૧૮૯૧-૯૨માં શિક્ષિત યુવાનો અવારનવાર વરાહનગર મઠની મુલાકાતે જતા અને આ વૃંદ સ્વામી વિવેકાનંદના શિષ્ય બન્યા અને રામકૃષ્ણ સંઘના અગ્રણીઓ પણ બન્યા, એ હતા સુધીરચંદ્ર ચક્રવર્તી, કાલીકૃષ્ણ બોસ, ખગેન્દ્રનાથ ચેટર્જી, ગોવિંદચંદ્ર શુકુલ, હરિપદ ચેટર્જી અને સુશીલચંદ્ર ચક્રવર્તી. એમણે સંન્યાસની દીક્ષા લીધી અને અનુક્રમે શુદ્ધાનંદ, સ્વામી વિરજાનંદ, સ્વામી વિમલાનંદ, સ્વામી આત્માનંદ, સ્વામી બોધાનંદ અને સ્વામી પ્રકાશાનંદ બન્યા. પોતાના મિત્રોની સંગાથે સુધીર પોતાનો મોટા ભાગનો સમય ધર્મગ્રંથોનાં વાચન અને ચર્ચા તેમજ ભક્તિભર્યાં ગીતો ગાઈને પસાર કરતા. મોટા ભાગનાં આવાં મિલનો સુધીરના મિત્ર ખગેનને ઘરે થતાં. તેમણે એક ચર્ચાસભાની સ્થાપના કરી કે જ્યાં ધર્મ વિષયક વ્યાખ્યાનોનો મહાવરો અંગ્રેજી અને બંગાળી ભાષામાં થતો રહેતો.

આજ સમય દરમિયાન સુધીરને યોગાભ્યાસમાં રુચિ જાગી. તેઓ જાણીતા યોગી શ્યામાચરણ લાહિરીના શિષ્ય અને આર્યમિશનના પંચાનન ભટ્ટાચાર્યના સંપર્કમાં આવ્યા. સુધીરે એમને યોગ શિખવવા વિનંતી કરી. સુધીરના વ્યક્તિત્વનું આ એક મહત્ત્વનું લક્ષણ હતું અને તેઓ માનતા કે દરેક વસ્તુ કે કાર્ય પૂર્ણતાથી કરવું અને સમર્પિત ભાવે પૂર્ણ કરવું.

એટલે યોગાભ્યાસ કરતી વખતે તેઓ એ માટેનાં બધાં તપનું પાલન કરતા. ઉદાહરણ તરીકે તેઓ સીવેલ કપડાં પહેરતા નહિ અને ધોતી-ચાદર જેવાં વસ્ત્રો ધા૨ણ ક૨તા. તેઓ ખુલ્લે પગે રહેતા. આવા જ પોશાકમાં તેઓ કોલેજે જતા. સીટી કોલેજમાં અગત્યના સ્થાને રહેલ બ્રાહ્મોસમાજના લોકોને આ ઘણું અણછાજતું લાગતું. એમના એક અધ્યાપકે પણ એક હિતેચ્છુ તરીકે ચેતવ્યા હતા.

એક દિવસ પોતાના મિત્ર ખગેન અને કાલીકૃષ્ણ સાથે દક્ષિણેશ્વર એક નાવમાં બેસીને ગયા. અહીં તેમણે રાતવાસો કરવાનું નક્કી કર્યું. પંચવટીમાં તેમણે આનંદમય ધ્યાનમાં રાત્રી પસાર કરી અને મંદિરના ભંડારીએ આપેલ ચીજવસ્તુઓ દ્વારા બનાવેલ સાદું ભોજન માણ્યુ. સુધીરની દક્ષિણેશ્વરની આ પ્રથમ મુલાકાત હતી. બીજે દિવસે સાંજે તેઓ કોલકાતા પાછા ફર્યા.

હવે સુધી૨ચંદ્રને આ સંસારી જીવન પ્રત્યે અણગમો ઊભો થયો અને એમને લાગ્યું કે આ ઘર તો એક કેદખાનું છે. પોતે એ જાણતા ન હતા એવી કોઈ અગમ્ય વસ્તુ માટે તેઓ ઝંખના કરતા રહેતા અને અધીર બની જતા. પોતાના આ અંતરની આરતના પદાર્થને પામવા માટે એમના મનની નિરાસક્તિની પ્રબળ ભાવનાએ બે વખત ઘર છોડવા પ્રેર્યા હતા. એક વખત તો તેઓ દેવઘર સુધી ૩૨૦ કિ.મી. ચાલતા નીકળી પડ્યા. જો કે હજી સમય પાક્યો ન હતો એટલે કેટલાંક અજાણ્યાં બંધનોથી આકર્ષાઈને સુધીરે ઘરે પાછા આવવું પડ્યું . એમને વાચનનો ઘણો શોખ હતો અને હવે તેઓ સંપૂર્ણપણે ધર્મગ્રંથોના અભ્યાસમાં રત રહેતા. ૧૮૯૦માં તેઓ પ્રથમવખત વરાહનગર મઠ અને કાંકુડગાચ્છી યોગોઘાનમાં શ્રીરામકૃષ્ણના ભક્તોના સંપર્કમાં આવ્યા. વરાહનગરમાં સુધીર અને એના મિત્રો સ્વામી યોગાનંદના આધ્યાત્મિક જીવનની દીર્ઘચર્ચા કરતા રહેતા. તેઓ શ્રીરામકૃષ્ણના બીજા શિષ્યો સાથે પણ સારી રીતે સંલગ્ન રહેતા. સ્વામી શુદ્ધાનંદજીએ પોતાનાં સંસ્મરણોમાં પછીથી આ પ્રમાણે લખ્યું છે :

૧૮૯૦માં પ્રથમ વખત મેં વાહનગર મઠની મુલાકાત લીધી ત્યારે મેં સ્વામી અદ્વૈતાનંદજીને જોયા હતા, એ યાદ છે. હું ત્યારે પ્રાવેશિક પરીક્ષાના વર્ગમાં ભણતો હતો. ગિરીશઘોષ અને સ્વામી અભેદાનંદ તત્ત્વદર્શનની ચર્ચા કરતા હતા અને બીજા કોઈ સામાન્ય મુલાકાતીની જેમ હું ત્યાં ગયો અને એમની નજીક બેઠો. એ કહેવાની જરૂર નથી કે એમની ચર્ચાનો મહદંશ હું સમજી શક્યો ન હતો. જ્યારે હું જવા માટે ઊભો થયો ત્યારે સ્વામી અદ્વૈતાનંદજીએ ‘શ્રીરામકૃષ્ણ ઉપદેશ’નો પહેલો ભાગ મને આપ્યો. આ નાના પુસ્તકનું સંપાદન સુરેશચંદ્ર દત્તે કર્યું હતું. તેમણે એ પણ કહ્યું: ‘આજે તો તું દર્શનશાસ્ત્રની ચર્ચા જ સાંભળી શક્યો. આ પુસ્તક વાંચજે અને બીજા કોઈ દિવસે પાછો આવજે.’

સાગર પાર કરીને પશ્ચિમમાં પ્રવાસ કરનાર સ્વામીજીએ ૧૮૯૩ના અંતમાં ‘વેદાંત’ વિશેનાં પોતાનાં વ્યાખ્યાનોથી ખળભળાટ મચાવી દીધો અને પૂર્વમાં એના પડઘા પડવા શરૂ થઈ ગયા. પશ્ચિમમાં સ્વામીજીએ સૌને જાગ્રત કરતા ઉચ્ચારેલ શબ્દો ભારતના ચારેય ખૂણામાં પડઘાવા લાગ્યા. અંતે સ્વામીજીના દેશબંધુઓ પોતાની સુદીર્ઘકાળની ગાઢ નિદ્રામાંથી જાગ્રત થવા લાગ્યા. ભારતનાં લગભગ બધાં વર્તમાન પત્રોએ પશ્ચિમમાં સ્વામીજીના કાર્ય વિશે લખ્યું અને સુધીરચંદ્ર અત્યંત ઉત્તેજના સાથે આ બધા અહેવાલો વાંચતા.

અગ્રણી સામયિક ‘ઇંડિયન મિ૨૨’નું કાર્યાલય કોલકાતાના મધ્યમાં હતું. તેના કાર્યાલયના ભવનની બહાર દીવાલ પર દરરોજનું સમાચાર પત્ર ટીંગાળવામાં આવતું. કોલેજમાં જવાને બદલે સુધીરચંદ્ર સ્વામીજી વિશેના છેલ્લામાં છેલ્લા સમાચાર મેળવવા અવારનવાર આ કાર્યાલયે જતા. આવા સમાચાર વાંચીને એમનું હૃદય આનંદથી ઊછળતું અને જેમને પોતે પોતાના ગુરુ અને ત્રાતા તરીકે મનથી માની લીધા છે એમને મળવા અત્યંત અધીર બન્યા.

સુધીરચંદ્રના કેટલાક મિત્રો રામકૃષ્ણ મઠથી (પહેલાં વરાહનગર અને ત્યાર પછી આલમબજારમાં આવ્યો) સારી રીતે પરિચિત બની ગયા હતા. તેઓ પોતે પણ શ્રીરામકૃષ્ણના પ્રત્યક્ષ સંન્યાસી શિષ્યોના નિકટના સંબંધમાં હતા. આ બધા પવિત્રતાના અવતારસમા હતા. સુધીર શ્રીરામકૃષ્ણના આદર્શો અને ઉપદેશો પ્રત્યે જબરું આકર્ષણ અનુભવવા લાગ્યા. ક્યારેક ક્યારેક આલમ- બજાર મઠના સંન્યાસીઓ, એમાંય વિશેષ કરીને સ્વામી અદ્‌ભુતાનંદજી આ છોકરાઓ સાથે નજીકના ખંડમાં જોડાતા. આવા પ્રસંગોએ આ છોકરાઓના આનંદની કોઈ સીમા ન હતી. સાંજની પ્રાર્થના પછી ભક્તિભર્યાં ભજનગીતો ગવાતાં અને ત્યાર પછી શ્રીરામકૃષ્ણના જીવન વિશે ચર્ચાઓ થતી. ક્યારેક શાસ્ત્રગ્રંથો અને ધર્મગ્રંથો પણ વંચાતા. સામાન્ય રીતે સુધીર જ આ ગ્રંથોનું વાચન કરતા અને સમજાવતા. બે વર્ષ પહેલાં તેના મિત્ર કાલીકૃષ્ણ વાહનગર મઠમાં જોડાયા હતા. પોતાની તબિયત લથડતાં શ્રીમા સારદાદેવીના આદેશથી તેને ઘરે પાછા જવું પડ્યું. જો કે ઘરમાં રહેવા છતાં કાલીકૃષ્ણનું અંતર્મુખી મન આ સંસારી કે દુન્યવી બાબતો તરફ ખેંચાયું ન હતું. તેઓ બંધ ઓરડામાં રહેતા અને મોટા ભાગનો સમય આધ્યાત્મિક સાધનામાં ગાળતા. સુધીર દરોજ સાંજે એમને મળતા અને આધ્યાત્મિક વિષયો પરની ચર્ચામાં પોતાનો સમય ગાળતા. જ્યારે કાલીકૃષ્ણ પોતાના વરાહનગર મઠ અને આલમબજાર મઠના જીવન વિશે વાતો કરતા ત્યારે સુધીર મંત્રમુગ્ધ બનીને સાંભળતા. ૧૮૯૬માં સુધીરે વારાણસીની મુલાકાત લીધી. એ વખતે ત્યાં સ્વામી અદ્વૈતાનંદ આધ્યાત્મિક સાધના કરતા હતા. એમના પવિત્ર સંગાથે સુધીરે ત્યાં કેટલાક દિવસો આનંદપૂર્વક ગાળ્યા. પોતે એકાએક બિમાર પડી જતાં સુધીરને કોલકાતા પાછું ફરવું પડ્યું. કેટલાંક વર્ષો સુધી પશ્ચિમમાં વેદાંતનો ઉપદેશ કરીને સ્વામીજી ૧૮૯૭ના ફેબ્રુઆરીમાં કોલકાતા પાછા ફર્યા. પોતાની જન્મભૂમિમાં સ્વામીજી આવવાના હતા ત્યારે શિયાલદાહના સ્ટેશને હજારો લોકો ઊમટી પડ્યા હતા. (ક્રમશઃ)

Total Views: 55

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram