(ગતાંકથી આગળ)

૭. સાધનાનાં સોપાન:

વ્યાકુળતા, શ્રદ્ધા અને સમર્પણ, ઈશ્વર માટે તીવ્ર ઝંખના અને અંદરની પીડા – બેચેની ન હોય તો આગળ ન વધાય. ઠાકુરની વાણી ‘દિવ્ય ઝંખના’ કે ‘દિવ્ય બેચેની’ તરફ લઈ જાય છે. તેઓ કહેતા: ‘માથામાં ઘા લાગેલો કૂતરો અનુભવે છે તેવી બેચેની તમે ઈશ્વર માટે અનુભવો છો ખરા?’ ‘ડૂબતો માણસ શ્વાસ માટે ઝાવાં મારે તેમ એ રીતે હૈયું ઈશ્વરને ઝંખે ત્યાર પછી જ ઈશ્વરનાં દર્શન થાય.’ ડો. રામચંદ્રને ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે તે વાતમાં વિશ્વાસ જ નહોતો બેસતો. ઠાકુરે કહેલું ‘ઈશ્વરનો સાચોસાચ સાક્ષાત્કાર થઈ શકે છે અને તે આ જન્મમાં જ કરી શકાય છે. પણ તે માટે શ્રદ્ધા અને વ્યાકુળતા જોઈએ.’ કોઈએ પૂછેલું:: ‘માયાના પાશમાંથી મુક્ત થવા માટે શો ઉપાય કરવો?’ ઠાકુર કહે: ‘અવિરત વ્યાકુળતા જ જરૂરની.’ એક સુંદર દષ્ટાંત ઠાકુર સહજ જ આપે છે: બાળક બોલ્યું: ‘મા, ભૂખ લાગે ત્યારે મને જગાડજે.’ માતા કહે: ‘બેટા, ભૂખ જ તને જગાડશે.’

આ ભીતરી પ્યાસ, ભૂખ જ મહત્ત્વનાં છે. પોતાને ત્યાં દીકરા નથી, પૈસા નથી એ માટે આંસુની નદીઓ વહાવે છે, પણ ઈશ્વર દર્શન નથી થયું એથી પીડાઈને કોણ આંસુ સારે છે?’ ઈશ્વર માટે વ્યાકુળ, પાગલ બનવાનું છે. ‘લોભિયો સોનું ઝંખે તેમ તમારા હૃદયમાં ઈશ્વરની ઝંખના જાગે’ તો તે મળે. વ્યાકુળતા – ઝંખના મનને માંજે છે, મલિન મન વ્યાકુળતાના અગ્નિથી તપીને શુદ્ધ બને છે. વ્યાકુળતા એટલે તીવ્ર પ્રાર્થના, અંદરથી રાંકપણું.

કેટલાક ઈશ્વરને ન માનનાર પણ ઠાકુરને મળવા આવતા. એક ડોકટર મળવા આવેલા, તેમને ઈશ્વર વિશે શ્રદ્ધા જ નહોતી. ઠાકુર કહે: ‘ઈશ્વર અવતાર ધારણ કરી શકે છે એ બાબત એમના સાયન્સમાં નથી આવતી એટલે એ બિચારા શી રીતે માને?’ અને પછી દૃષ્ટાંત આપતાં કહે: ‘એક જણે આવીને લોકોને કહ્યું ભાઈઓ, ત્યાં શેરીમાં પેલા માણસનું ઘર કડડભૂસ કરતાં પડી ગયું હતું. એ સાંભળીને એક માણસ કહે: ‘ઊભા રહો, હું છાપાંમાં જોઈ લઉં. તમે કહો છો તે વાત તેમાં છે કે નહીં? તેણે છાપું ઉઘાડીને જોયું તો તેમાં એ વાત નહોતી લખી!’ ‘દિવસે તારા ન દેખાય તેથી તારા નથી શું?’ એટલે તેમનું કથન હતું: ‘શ્રદ્ધાવાન પાસે જ સઘળું છે.’ ઈશ્વર સાક્ષાત્કાર માટે તમે આતુર હો તો ઊંડી શ્રદ્ધાથી એનું નામ રટો અને સત્ અસત્ વચ્ચેનો વિવેક કરવા કોશિશ કરો.’ વ્યાકુળતા અને શ્રદ્ધાની સાથે ઈશ્વર માટે સમર્પણભાવ હોવો જોઈએ. ‘સરલ શ્રદ્ધા અને નિષ્કપટ પ્રેમપૂર્વક જે જાતને ઈશ્વરને સોંપી દે છે તે ઈશ્વરને તુરત પામે છે.’ બધું ‘એને’ સોંપી નિશ્ચિંત બનવાનું છે. ઈશ્વર પ્રાપ્તિનો આ રાજમાર્ગ છે. ‘તમારે વિશુદ્ધ થવું હોય તો તમે તમારી શક્તિને શાસ્ત્રીય વાદવિવાદમાં વેડફ્યા વિના દૃઢ શ્રદ્ધાપૂર્વક, સમર્પણભાવે ભક્તિ કર્યે જાઓ.’ પંડિતો માટે ઠાકુરનો અભિપ્રાય કંઈ સારો નહોતો. ‘ગીધ ઊંચે ઊડે તો ય તેની નજર તો ઉકરડાનાં શબ તરફ જ રહે.’ એટલે આચરણ એ મહત્ત્વનું છે. બગીચામાં કેરીનાં ઝાડ કેટલાં છે તે નહીં, કેરી મહત્ત્વની છે. દૂધની વાત નહીં, દૂધ પીવું તે મહત્ત્વનું છે.’ તેઓ કહેતા: ‘ઈશ્વરને મન મૂલ્ય છે પ્રેમ અને ભક્તિનું, વિવેક અને વૈરાગ્યનું.’

૮. આચરણ – સેવા

આખરે જીવનમાં જો મૂલ્યો સાકાર ન બને તો તેની કશી કિંમત નથી. શાસ્ત્રમાં મૂર્ત થયેલાં સત્યોનો સાક્ષાત્કાર પોતાના જીવનમાં કરવો જોઈએ. કારણ કે મન, હૃદયને વિશુદ્ધ કરે તે જ સાચું જ્ઞાન. ઠાકુર કહેતા: ‘હજાર વાર ભાંગ ભાંગ બોલવાથી કંઈ નશો ન ચડે. એને ઘૂંટો, એકરસ કરો અને પીઓ. પ્રભુ પ્રભુ બોલવાથી શું વળે? નિયમિત ભક્તિસાધના કરો.’ તેમને દર્દ હતું કે ‘સામાન્યજનો ધર્મસંબંધી પટારા ભરીને વાતો કરે છે, પણ એનો અમલ રતીભાર પણ માંડ કરે છે.’ શાસ્ત્રો, ધર્મગ્રંથો માત્ર ઈશ્વરનો રાહ ચીંધે છે. ‘એકવાર રસ્તો જાણ્યા પછી થોથાંનું શું કામ?’ ‘શાસ્ત્રો વાંચી ઈશ્વર વિશે સમજાવવા નીકળવું એ નકશો જોઈને વારાણસી વર્ણવવા બરાબર છે’ તેમ ઠાકુરે કહેલું. તેઓ વેધકતાથી સમજાવતા કે પંચાંગમાં લખ્યું હોય કે અમુક દિવસે વરસાદ આવશે, પણ પંચાંગ નીચોવો તો ટીપુંય ન પડે.’ કોઈએ કહ્યું છે તેવું આજે છે ‘જ્ઞાન બહુત હૈ, કુછ આચરણ ભી હોના થા!’ ઠાકુરે વાચન કરતાં શ્રવણને અને શ્રવણ કરતાં અનુભવને ચડિયાતું માન્યું છે. અને જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી જ વાદવિવાદ, બડબડાટ ચાલે છે. પછી તો ‘મધમાખી ફૂલ પર બેસે ત્યાં સુધી જ ગણગણાટ કરે. ફૂલ પર બેસી ગયા પછી મધ ચૂસવા માંડે કે એકદમ ચૂપચાપ.’ ઠાકુર અનેક દૃષ્ટાંતો દ્વારા સમજાવતા કે વ્યક્તિ આચરણ દ્વારા અહંમુક્ત બને પછી ચૂપ થઈ જાય અથવા લોકસંગ્રહ માટે વાતો કરે. ‘ઘીમાં છાસનો ભાગ રહી ગયો હોય ત્યાં સુધી જ તે કડકડ કરે. પાકી ગયા પછી જરાય અવાજ આવતો નથી.’

ઠાકુરે આચરણ- આચાર, વ્યવહાર પર ભારે મૂકતા. કારણ કે: ‘મલિન સ્થાનમાં ઈશ્વરની મૂર્તિની પ્રતિષ્ઠા કરી શકાય નહીં.’ ‘જો તમે તમારા હૃદયમંદિરમાં ઈશ્વરની પવિત્ર મૂર્તિને સ્થાપવા માગતા હો, તો મન શુદ્ધ થતાં ઈશ્વર પોતે જ આવી ત્યાં આસન લેશે.’ જીવનમાં આચરણ, ધર્મ, સત્ય, ઈશ્વરની પ્રતિષ્ઠા થયા પછી જ સમાજસેવા કે સમાજ સુધારણા માટે કામ કરવાનું છે. ઠાકુરનો સેવાનો મંત્ર સ્વામી વિવેકાનંદે ઝીલેલો અને રામકૃષ્ણ મિશનની સ્થાપના વખતે ‘શિવજ્ઞાને જીવસેવા’ને ચરિતાર્થ કરવાનો સંકલ્પ થયો તેમ ‘આત્મનો મોક્ષાર્થ, જગત્ હિતાય ચ’નો પણ સંકલ્પ થયો. વૈરાગ્ય અને સેવા ઉભયનો સંસ્કાર રામકૃષ્ણ મિશને પૂરો પાડયો. સાચી સાધુતા સેવામાં શ્રેષ્ઠતા પામે છે. નરેને ઇચ્છેલું ‘મને તો ક્યાંક એકાંતમાં જઈ નિર્વિકલ્પ સમાધિમાં પડયા રહેવાની અનુજ્ઞા આપો.’ ત્યારે ઠાકુરે કહેલું: ‘તું તો કેવો સ્વાર્થી છો? પછી આ બધાંનું કોણ?’ અને સ્વામી વિવેકાનંદની અદ્‌ભુત વાણીમાં અને કર્મમાં સેવાની સરવાણી ફૂટી અને તેમણે તો ત્યાં સુધી કહ્યું: ‘દેશમાં કરોડો મનુષ્યો તમોગુણમાં ડૂબી ગયા છે. તેમને જાગૃત કરવા, તેમને સ્વાશ્રયી બનાવવા, તેમને ખરેખરું મનુષ્યત્વ અપાવવા જો મારે એક હજાર વાર નરકમાં જવું પડશે તો પણ હું ખુશીથી જઈશ.’

ઠાકુરના જીવનમાં પણ આવી ઘટનાઓ છે. તેમણે માને વિનંતી પણ કરેલી: ‘મા, મને આ આનંદ(સમાધિ) લૂંટતો રોક અને બીજા સૌની જેમ જાગૃત દશામાં રાખ, કે જેથી થોડોક હું આ દુનિયાના ખપમાં આવી શકું.’ વિવેકાનંદે તો ‘દરિદ્ર નારાયણ’ જેવો શબ્દ આપ્યો. કારણ કે આખરે તો જે જગતની સેવા કરે છે તે પોતાની જાતની જ સેવા કરે છે. સેવા એ પ્રેમનો, કરુણાનો પ્રકર્ષ છે અને પ્રેમ જ મુક્ત કરે છે. કવિ ઑડેને કહેલું ‘Let us love one another or perish.’ સેવામાં અહં ન હોય તો જ તે ખરી સેવા બને. કોઈએ કહેલું: હું પણું ખસે તો ભગવાન વસે! પરથી ખસ, સ્વમાં વસ, આટલું કરે તો બસ!

૯. ઉપસંહાર

ઠાકુર આત્મનિમગ્ન, ભાવદશામાં રહેનાર પુરુષ હતા છતાં જીવનરસથી છલોછલ હતા. આવા પુરુષો આવે છે આપણને જગાડવા, આગળ લઈ જવા, મુક્ત કરવા. ઠાકુરની અંદર કરુણાનો અસ્ખલિત પ્રવાહ વહેતો. સ્વામી વિવેકાનંદે કહેલું: ‘મારા ગુરુદેવના જીવનનું મહાન તત્ત્વ એ બીજાઓ પ્રત્યેનો અગાધ પ્રેમ હતું.’ એટલે જ તેમની વાણી અસર કરે છે. તેમની આવી પ્રેમપરિપૂર્ણ સ્વાનુભૂતિથી રચાયેલી વાણી આપણને સધિયારો આપે છે. તેમની વાણીમાં દર્શન કે જ્ઞાનનો ભાર નથી. આંખે જાયેલ અનુભૂતિ જેવી સીધી – સહજ વાત છે. સાચી વ્યક્તિ સાથે તેમને જાણે મહોબ્બત છે, નિષ્ઠા છે, નિસબત છે.

આખરે તો વ્યક્તિએ જ ઉત્કર્ષ સાધવાનો છે. કિર્કેગાર્ડે કહેલું: ‘માણસ સાચો છે, માણસનું ટોળું ખોટું છે.’ ઠાકુર અને સ્વામી વિવેકાનંદની ભાવધારા વ્યક્તિની ચેતના અને ચારિત્ર્ય પર પ્રભાવ પાડે છે. કૃષ્ણમૂર્તિએ કહ્યું છે: ‘આંતર પરિવર્તન વિનાનું બાહ્ય પરિવર્તન મિથ્યા છે.’ સંતો જીવનની ગૂંચો ઉકેલવાનો રસ્તો દર્શાવે છે. વ્યક્તિ યાત્રા આરંભે છે પછી મહાશક્તિઓ તેને મદદ કરે છે. પણ ખોજ તો જાતે જ કરવાની. જો વ્યાકુળતાથી, રસ અને તીવ્રતાથી ખોજ થશે તો અનિત્યમાંથી નિત્ય પ્રતિ પહોંચાશે તેવો વિશ્વાસ અને પ્રતીતિ ઠાકુર આપે છે.

Total Views: 197

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.