એ એક ઘણા દુર્ભાગ્યની વાત હતી. એના પતિએ જ એને ઓળખવાનો ઈન્કાર કરી દીધો. અંતે ‘સત્યમેવ જયતે’ની જેમ એને ન્યાય મળ્યો ખરો. આ મહાન નારી હતાં શકુંતલા.

આપણા બધાના મનમાં શંકાઓ હોય છે. સાથેને સાથે આપણે અપ્રામાણિક અને ખોટા લોકોને મહેલો જેવી સુખ-સુવિધાઓમાં જીવન જીવતા જોઈએ છીએ. અને પ્રામાણિક નિષ્ઠાવાન લોકો બિચારા ઝૂંપડીઓમાં દુ:ખ, કષ્ટમય જીવન જીવે છે. આવે વખતે આપણા મનમાં આવી શંકાઓ ઊઠે છે- આ શું ન્યાયસંગત છે? આપણે સત્યનિષ્ઠ, પ્રામાણિક અને કાર્યનિષ્ઠાવાળા હોઈએ અને આપણે સહન જ કરવું પડે તો પછી આપણે શા માટે અહીં જીવવું-રહેવું જોઈએ?

આપણાં શાસ્ત્રો વારંવાર આવું ખાતરીપૂર્વક કહે છે કે સનાતન નિયમ પર આધારિત કોઈ પણ જીવનપ્રણાલીમાં અન્યાય જેવું હોતું નથી. એમાં તો બધું કર્મના નિયમ પ્રમાણે-આઘાત પ્રત્યાઘાતની રીતે ચાલતું રહે છે. આપણે તો માત્ર અસર કે પરિણામને જોઈ શકીએ છીએ પણ એના કારણ માટે કંઈ જાણતા નથી. એટલે જ આવી બાબતોને સમજવામાં આપણે ભૂલ કરી બેસીએ છીએ. સ્વામી વિવેકાનંદે કહ્યું છે

‘જે જે વિચારો, જે જે કર્મો આપણે કરીએ, તે બધાં અમુક સમય પછી સૂક્ષ્મ બને છે, જાણે કે બીજરૂપ થાય છે, સૂક્ષ્મ શરીરમાં સુમરૂપે રહે છે, અમુક સમય પછી પાછાં બહાર આવે છે અને પોતાનાં ફળ કે પરિણામ ઉત્પન્ન કરે છે. આ પરિણામો માણસના જીવનને નિયંત્રિત કરે છે. આ રીતે તે પોતે જ પોતાનું જીવન ઘડે છે. માણસ પોતે પોતાને માટે ઘડે તે સિવાયના બીજા કોઈ નિયમોથી તે બંધાયેલો નથી.’(૫.૩૨૯-૩૦) વળી આપણે પસંદ કરેલા પથ માટે આપણને શ્રદ્ધા છે કે નહીં એના પર એનું સાચું રહસ્ય રહેલું છે, દુષ્ટને પોતાની દુષ્ટતામાં શ્રદ્ધા હોય છે, પણ આપણને પોતાના ભલાઈમાં પૂરતી શ્રદ્ધા હોતી નથી. સ્વામી વિવેકાનંદ કહે છે: ‘તમે અસીમ ધૈર્ય રાખો અને સફળતા તમારી જ હશે.’ ગુણવાન નારી શકુંતલામાં આવું અસીમ ધૈર્ય હતું અને એટલે જ તેઓ જીવનમાં સફળ નીવડયાં.

સંસ્કૃત સાહિત્યના સુખ્યાત કવિ કાલિદાસે પોતાના સંસ્કૃત નાટક‘શાકુંતલમ્’ દ્વારા શકુંતલાની વાર્તાને જગવિખ્યાત બનાવી દીધી. અલબત્ત શકુંતલાની વાર્તા આપણા મહાકાવ્ય મહાભારતમાં આવે છે. એમાં તો એક સીધી સાદી વાર્તા આમ છે:

શકુંતલાનો પ્રારંભકાળ ઘણો દુ:ખદ હતો. તેનાં માતપિતાએ તેને બાળપણથી જ જંગલમાં ત્યજી દીધી. હતી. એની સારસંભાળ લેનાર તો કોઈ હતું નહીં. એના સદ્ભાગ્યે મહર્ષિ કણ્વને એના પ્રત્યે કરુણા ઉપજી અને તેઓ એ બાળકીને પોતાની પર્ણકુટિમાં લઈ ગયા. ત્યાં કેટલાય તપસ્વીઓ પરિવાર સાથે રહેતા કે જેઓએ સત્યની આરાધના માટે પોતાનાં જીવન અર્પી દીધાં હતાં. શકુંતલા પણ તેઓની સાથે રહેવા લાગી અને એમણે એ બધાને પોતાના પિતા માની લીધા. આમ જોઈએ તો એ રાજવી કુળમાંથી આવી હતી પણ નસીબે એને આપી દીધું વનનું સાદું સીધું જીવન ! આ નાની શકુંતલા પક્ષીઓ, હરણાં, ખિસકોલીઓ, સસલાં, ગાય જેવાં પશુપક્ષીઓ વચ્ચે ઊછરતી રહી. વૃક્ષો, નદીઓ, ઝરણાં અને પર્વત-ટેકરીઓએ એને ધીરસ્થિર અને નિર્મળ બનાવી. બીજા ઋષિઓની પુત્રીઓ અલબત્ત એની સખીઓ હતી. એનું એ જીવન નિર્દોષ અને નિર્મળ હતું.

એક વખત કણ્વ ઋષિ પોતાના આશ્રમની બહાર હતા. ત્યારે નગરમાંથી એક રાજા ત્યાં આવ્યા. એ રાજાનું નામ દુષ્યંત હતું. તે મૃગયા કરવા નીકળ્યા હતા. તે તેમણે આ શકુંતલાને જોઈ અને તરત જ એને પરણવાની ઇચ્છા થઈ. શકુંતલાને વાત કરી એટલે તેણે રાજાને કહ્યું કે તેના પાલક પિતા કણ્વ બહાર ગયા છે અને એમને પૂછ્યા વગર તે પરણી ન શકે. ઋષિજીને આશ્રમમાં આવવા દો પછી બધી વાત કરીશું. પણ રાજા દુષ્યંતે ઉતાવળે લગ્ન કરવા હઠ કરી. એને તો પોતાના પાટનગરમાં અને રાજ્યમાં પાછા જવું હતું. ગમે તેમ કરીને રાજા દુષ્યંતે શકુંતલાને મનાવી લીધી અને શકુંતલાએ ગાંધર્વ લગ્ન કરી લીધાં. રાજાએ પણ શકુંતલાને વચન આપ્યું કે મારા મિત્રમંડળ સાથે રાજ્યનું તેડું આવશે અને તમને રાજમહેલમાં લઈ આવશે.

પાલક પિતા કણ્વ આશ્રમમાં પાછા ફર્યા અને આ વાત એમના કાને પડી. શરૂઆતમાં તો એમને ઘણો અચંબો થયો પણ અંતે એમણે પોતાની પાલક પુત્રી શકુંતલાને અંતરથી આશીર્વાદ આપ્યા. પછી તો રાજાના તેડાની રાહ જોવામાં ઘણો લાંબો સમય વીતી ગયો. આમ સાત વર્ષો વીત્યા શકુંતલાએ પુત્રને જન્મ આપ્યો. પુત્ર ભરત મોટો થવા લાગ્યો પણ રાજા દુષ્યંતના કંઈ સંદેશ કે ખબરઅંતર ન આવ્યા. પાલક પિતા કણ્વ ઋષિએ કહ્યું: ‘પુત્રી, કંઈક ખોટું થયું છે, એટલે તું પોતે જ હવે રાજા દુષ્યંત પાસે જા, હવે તો તું એમની જ છો, તારો પુત્ર પણ મોટો થયો છે, એને જ પણ તારી સાથે લઈ જા.’

જ્યારે માતા અને પુત્ર કણ્વના શિષ્યો સાથે દુષ્કૃત રાજાના મહેલમાં આવ્યા ત્યારે તેમને એક વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. રાજા દુષ્યંતે તો શકુંતલાને જાણતો હોવાનો પણ ઈન્કાર કરી દીધો. ખુલ્લા રાજદરબારમાં સૌની સમક્ષ રાજાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પોતે આ સ્ત્રી વિષે કંઈ જાણતા જ નથી. રાજાના મહેલમાં આ જંગલની નારીને ધકેલી મૂકવાનું એક કાવતરું લાગે છે. આ શકુંતલા એક ઢોંગી નારી છે એમ કહીને એનું હડહડતું અપમાન કર્યું. શકુંતલાનાં ભય અને આશ્ચર્ય વચ્ચે તેમની સાથે આવેલા સાથીઓએ પણ શકુંતલાને ત્યાં જ છોડી જવાનું નક્કી કર્યું અને તેઓ આશ્રમે જવા નીકળી પડ્યા. તેમણે અસહાય શકુંતલા અને તેના નાના પુત્રની રજા લઈને આશ્રમ ભણી પગલાં ભર્યાં. આ દુનિયામાં આનાથી વધારે માઠી અવદશા બીજી કઈ હોઈ શકે? બિચારી બાપડી શકુંતલા માટે જવાનું હવે કોઈ બીજું ઠામઠેકાણું ન હતું. હવે તો એક જ માર્ગ બાકી હતો અને તે હતો વનમાં પાછા ફરવાનો. એને પૂરેપૂરી ખાતરી હતી કે એના પાલક પિતા કણ્વ એને હવે સ્વીકારી શકે તેમ નહોતા, કારણ કે પોતાના પતિએ જ એને ત્યજી દીધી હતી.

હવે જવું ક્યાં એના વિચારમાં શકુંતલા મગ્ન હતાં ત્યાંજ એમને આકાશમાંથી દિવ્યવાણી સંભળાઈ,‘ હે રાજા! આ તો તમારાં પત્ની શકુંતલા છે અને પેલો તમારો પુત્ર ભરત છે, એમનો સ્વીકાર કરો.’ મહાન નારી શકુંતલાનાં પવિત્ર અને સમર્પણ ભાવ જેવા ગુણોએ એમને સફળ બનાવ્યાં. આ છે મહાભારતની એ વાર્તાનું સંક્ષિપ્ત વર્ણન.

આ વાતનું બીજું વર્ણન થોડું સુસંસ્કૃત છે. આવી વિષમ પરિસ્થિતિમાં શકુંતલા પોતાના સંતાન સાથે ત્યાં જ ઊભી રહી. પોતાને હવે ક્યાંય જવાનું સ્થાન નથી એમ માનતી શકુંતલાને મનમાં લાગણી થઈ કે આ ધરતીમાતા જ જગ્યા આપીને પોતાને એમાં સમાવી લે. નિર્મળ અને પવિત્ર ચારિત્ર્યવાળી નિર્દોષ નારીને ભર્યા રાજદરબારમાં આવી ભયંકર કસોટીએ મૂકી દીધી. હવે એણે શું કરવું એ કોઈ કહી શકે એમ નહોતું. એમની સાથે આવેલા આશ્રમવાસી મિત્રો પણ આંસુભરી આંખે વનમાં પાછા ફર્યા. આવી બધી ઘટનાઓથી શકુંતલા તો ભયમિશ્રિત આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. હવે પોતે જશે ક્યાં? એને નગરની કશીય ખબર નહતી. એટલે એમણે વનમાં જવાનું અને ત્યાં પોતાના પુત્ર સાથે રહેવાનું નક્કી કર્યું. તેમણે વનમાં પર્ણકુટિ બાંધી અને પોતાના પુત્ર સાથે પોતાની પ્રભુપ્રાર્થનાઓ અને જપતપ કરવા માંડયાં. બાળભરતમાં પણ રાજપુત્રના બધા ગુણ હતા. તે સિંહબાળો સાથે અને બીજાં જંગલી પશુઓ સાથે નિર્ભયતાથી રમતો. શકુંતલા ઉપર જાણે કે આભ તૂટી પડ્યું પણ એમણે પોતાના પતિને શાપ્યા નહીં કે એમની નિંદા પણ ન કરી. તેઓ તો પવિત્ર નિર્મળ અને ભારતની સાચી પ્રણાલીનાં સનાતન મૂલ્યોને વરેલાં હતાં. પોતાના પતિને તન અને મનથી માનની નજરે જોતાં. એમનામાં કોઈ દુર્ભાવના હતી નહીં. રાજાના મહેલની બધી સુખસુવિધાઓ ભોગવવાનો એમનો ઈરાદોય નહતો. તેઓ તો પોતાના પતિ સુધી પહોંચવા ઇચ્છતાં હતાં પણ, નસીબે તો કંઈક જુદો જ ખેલ માંડયો. એમણે પોતાની આ વિષમ પરિસ્થિતિને પણ તનમનથી સ્વીકારી લીધી અને શાન્ત સ્થિર બનીને જંગલમાં રહેવા લાગ્યાં. ક્યાંય આશાનું કિરણ દેખાતું નહતું.

પણ પ્રભુ ક્યારેય પવિત્ર, નિર્મળ અને સમર્પિત સંતાનોને ભૂલતા નથી. જ્યારે દુષ્યંત રાજા શકુંતલાને વનમાં પરણ્યા હતા ત્યારે એમણે શકુંતલાને એક રાજમુદ્રા આપી હતી. દુષ્યંત સાથેના પોતાના લગ્ન વિષેની સાબિતીરૂપ આ રાજમુદ્રા શકુંતલા પાસે હતી. કમનસીબે જ્યારે નાવમાં બેસીને રાજમહેલમાં આવતાં હતાં ત્યારે એ વીંટી એમના હાથમાંથી નદીમાં સરી પડી, એનો એમને ખ્યાલેય ન આવ્યો.

કોઈક ચમત્કારિક રીતે શકુંતલાને રાજમહેલમાંથી હડસેલી મૂક્યા પછી રાજદરબારના દરવાજે એક માછીમાર આવી ચડ્યો. એણે આ વીંટી ચોકીદારોને બતાવી અને ચોકીદારોએ એને અંદર જવા દીધો. રાજાએ આ વીંટી જોઈ અને એમની નજર સમક્ષ બધું તરી આવ્યું, બધું યાદ આવ્યું. તેને એ પણ યાદ આવ્યું કે શકુંતલા સાથે તેમના ગાંધર્વ વિવાહ થયા હતા, તેમણે તેડું મોકલવા આપેલું વચન યાદ આવ્યું. આ બધું યાદ કરીને રાજાને ઘણો આઘાત લાગ્યો અને પોતાના વર્તન બદલ શરમ અનુભવવા લાગ્યા. આ વીંટી માછીમારના હાથમાં કેવી રીતે આવી ચડી ? પકડેલી માછલીઓમાંથી એક માછલીને કાપતાં એના પેટમાંથી આ વીંટી નીકળી પડી. અને આ તો રાજા દુષ્યંતે આપેલી પોતાની ઓળખાણની શકુંતલાની વીંટી હતી. રાજા દુષ્યંત તરત જ શકુંતલાની શોધમાં નીકળી પડચા અને ગહન વનમાં એમને શોધી કાઢ્યાં. આમ રાજા દુષ્યંત અને શકુંતલાનું પુનઃ મિલન થયું. આ મહાન નારી શકુંતલાની વાર્તા એક અમર વાર્તા છે.

Total Views: 113
By Published On: February 1, 2012Categories: Uncategorized0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram