પૂર્વના પુણ્યનું ભાથું બાંધીને આવેલ પુનિત આત્માઓ પરોપકારની પરબ બાંધીને અનેકની તરસ છીપાવતા આવ્યા છે. સૌરાષ્ટ્રની સંતપરંપરાની આકાશગંગામાં નક્ષત્ર બનીને ચમકતા એક તેજ લીસોટાનું નામ ગંગાસતી. અનેકનાં પાતક દૂર કરતી ભાગીરથીના નામનું ઓઢણું ઓઢીને અવતરેલી આ રાજપૂત કન્યાએ બચપણથી જ મીરાની જેમ ભક્તિનું ગરથ ગાંઠે બાંધ્યું. સામ્યતા પણ કેટલી, બંનેએ મોસાળમાંથી ભક્તિની ગળથૂથી પીધી. અને બંનેના જીવનમાં પ્રેમલક્ષણાભક્તિનો અમર પ્યાલો અમરત્વ બક્ષી ગયો.

કહેવાતું શિક્ષણ કોઈએ નહોતું લીધું. સેવા, સત્કર્મ અને સમજણની નિશાળે એકડા ઘૂંટનાર આ આર્ષવ્યક્તિત્વો અનેક ને ચેતવી ગયાં. ચિંતન અને ચેતનાની ક્ષણે, પ્રજ્ઞાના ફલક પર સાક્ષાત્કારના ખેંચાતા વીજળીના ચમકારા, થયેલા સ્વઅનુભવને આ મેધાવીઓએ શબ્દોમાં ગૂંથી લીધા. પોતાને આવડે એવી લોકબોલી અને સૌને સમજણ પડે તેવી વાણીમાં આ ભજનો કંઠસ્થ થતાં ગયાં, ગવાતાં ગયાં અને એના અજવાળે જીવતર જીવતાં રહ્યાં.

ભાવનગર જિલ્લાની પરવડી નદીને કાંઠે આવેલ સત્પુરુષના હાડ જેવા ગામ રાજપરામાં ભાઈજીભાઈ સરવૈયા અને મા રૂપાળીબાની કૂંખે આ દિવ્ય દીકરીએ જન્મ લીધો.

જીવતરના ત્રણે પખાં ઊજળાં, સાર્થક કરનાર રાજપૂતાઈ સંસ્કારનો વારસો માતાપિતા અને મોસાળ પક્ષથી મળ્‍યો. ગંગાસતીનું બચપણનું નામ હીરાબા હતું.

હીરાબાનું હીર પારણામાં પરખાયું. આ દેવાંગી દીકરી સૌને વ્હાલાં લાગ્યાં, ભોળા બચપણમાં ઢીંગી પોતિકે રમતી મીરાએ શ્યામને સાંવરિયો ધારી લીધો, કંઈક એવી જ સત્સંગ સંગોષ્ઠિ બચપણની સખી પાનબાઈ સાથે મંડાણી. વ્રત-વરતોળા, તુલસી ને પીપળે પાણી, શિવાલયને ગૌરીપૂજને આ સખીઓ સાથે જ રહેતી. પાનબાઈ પણ રાજપરા ગામના હમીર પઢિયારનાં દીકરી હતાં.

સવંત્ ૧૯૨૦ એટલે કે ઈ.સ. ૧૮૬૪માં ભાવનગર તાબાના ઉમરાળા તાલુકાના સમઢિયાળાં ગામે ગંગાસતીના લગ્ન કહળસંગ સાથે થયાં. કહળસંગ સમઢિયાળા ગામના ખમતીધર ખોરડે જન્મ્યા હતા.

પિતા કલભા અને વસ્તુબાની કૂંખે ઈ.સ. ૧૮૪૩માં આ સાધક પુરુષનો જન્મ થયો હતો. સંતો ભક્તોનો ઉતારો કલભાને આંગણે રહેતો. સંતોની શબદ-વાણી કહળસંગને જીવન પાથેય બંધાવતી રહી.

સંસારમાં પડવાનાં આ મહાપુરૂષને મનસૂબા ક્યાં હતા? પરંતુ વિધિને તો કલ્યાણ યાત્રાના યાત્રીનું સાયુજ્ય સાધવું હતું. ગંગાસતી અને કહળસંગ ઈ.સ. ૧૮૬૪માં લગ્નગ્રંથીએ બંધાયા. લગ્નની ચોરીએ ચડેલા આ પવિત્ર જીવોને કાને સંભળાતો રહ્યો સ્વામી સમર્થ રામદાસજીનો શબ્દ ‘સાવધાન’ અને કતીબશાહનો કલામ – કિયા રે જુગમાં તારા લગન લેવાણાં માલદે.. કિયા રે જુગમાં તારા ફેરા….

જીવતરની જંજીરે આરોપાયેલા આ જીવોનો અન્યોની જેમ જણતરની ઝંઝાળો ક્યાં ઊભી કરવી હતી?

દિવસો વીત્યા… કહળસંગ બાપુની ડેલીએ રામસાગરના રણકારે ઊઠેલી પ્રણવગૂંજ અને અનાહત્ નાદમાં સૂરો સાથ પુરાવતા રહ્યા, કહળસંગજી, ગંગાસતી અને પાનબાઈ. ભવાટ વિનાં ત્રિભેટે ઊભેલા આ ત્રણેય સહયાત્રીઓ એકબીજાના પૂરક બનીને રહ્યા.

તે ’દિ સમઢિયાળા ગામમાં કાળો કે’ર વરતાઈ ગયો. પૂરવના વેરી જેવું જનાવર ગામની ગવતરીને આભડી ગયું. જનાવર (સાપ)ના ઝેરે ગાયનું જીવતર નીચોવી લીધું. ગાયનો નિષ્પ્રાણ દેહ તરફડીને ગામના ચોકમાં શાંત થઈ ગયો. એકબીજાનું મોઢું વકાસીને ઊભેલું લોક અટકી અટકીને કારણો શોધતું રહ્યું.

લ્યો! એ આવ્યા ભગત!

ગામની નદીએથી સ્નાન કરીને આવતા કહળસંગજી તરફ ઈશારો કર્યો.

હા ભાઈ! ભગત, સાચા ભગત!

ભગતની હારે તો ભગવાન વે’ણે વાતુ કરે!

અબઘડી ગાયને બેઠી કરી સમજો.

મશ્કરીએ ચડેલા કૂડા માણસોના વેણે કહળસંગ વેતરાઈ ગયા.

લ્યો ભગત બેઠી કરો આ ગવતરીને!!

આજ તમારી ભગતિનાં માપ ભલે નીકળી જાય.

ભાઈ! મારી વેં’ત એક ભગતિની માલીપા જગતને જીવાડનારો નો મપાય. એને માપનારની ખબરું દેવા પાછા કોઈ નથી આવ્યા. મારા પામરનું શું ગજું !

તો પછી ભગત આ ટીલાં ટપકાં, જગતને આંજવાના ઓરતા અને અરધી રાત સુધી ગાંગરવાનું રે’વા દ્યો. સમઢિયાળાનો રાજપૂત ડાયરો મહરે ચડ્યો હતો.

કહળસંગ સ્વભાવે સાધુ હતા, પણ ધબકતી ધમનીઓમાં રાજપૂતી લોહી વહેતુ હતું. ખાંડા ખેડવતો રાજપૂત આજ ખાંડાની ધાર જેવી ભગતિની ભેખડે ભરાણો હતો.

હાથમાં રહેલી પછેડીને ખંભે નાખીને આકાશ તરફ મીટ માંડી. એ દૃષ્ટિમાં નીગમનાં ઠેકાણા નોંધાઈ ગયા. સૂર્યના તેજનું અલૌકિક આભામંડળ કહળસંગ પર ઊતરી આવ્યું. ઘડી પહેલા ગામના ખાટસવાદિયા ઊંચાનીચા થતા હતા તે બધાનો લવારો કહળસંગના દૃઢ મૌનમાં સીવાઈ ગયો. શિવ ધનુષ્ય તરફ પગ માંડતા રઘુવંશી રામની અડગતા આ રાજપૂતના હૈયે આવીને વસી ગઈ. બીજી એક નજર મૃત ગાયના મોઢા પર માંડી અને એજ દૃષ્ટિ મટકું માર્યા વગર ફરી પાછી આકાશ તરફ મંડાણી. ગુફાઓમાંથી ગળાઈને આવતા કો’જોગંદરની નાભિએથી ઊઠેલા નાદ જેવા શબ્દો ઉપસ્થિતોની નફ્ફટાઈને ચીરતા રહ્યા.

મા! આ મલક મારી, તમારી અને આપણા ગોપાલની મશ્કરી કરે છે. મા! બેઠા થાવ! આમ અધવચ્ચે આપણે સૂઈ જવાય? હાથમાં ચાંગળું એક પાણી લઈને ગાયની આંખ ઉપર અંજિલ છાંટી, અતળમાંથી પાછી આવી હોય એવી ગાયની દૃષ્ટિના મંડાણ કહળસંગની અમીનીતરતી આંખો પર મંડરાયા. દોરંગી દુનિયાનો રંગ ફિક્કો પડી ગયો. ઉપાલંભ આપતી કૂણાં ચામડાની જીભો જય જય કારના પાંચીકા ઉડાડવા લાગી. મેદની ચીરીને કહળસંગ ડેલીએ આવ્યા.

ગામના ગોકીરાથી સતર્ક બનેલા ગંગાસતી ઓસરીની પગથાળે સામા મળ્યાં. આજે ઘરે આવેલા કહળસંગજીના દેવતાઈ રૂપને સતી વંદી રહ્યાં.

સતી! ઝટ કરો, મોડું થાય છે. આંગણે હમણાં મેદની ઊમટશે. નિગમના ભેદ આજ મારાથી જળવાયા નહીં. આ અઢીમણની કાયા ધરતીમાં સમાઈ જાય એવો ખાડો ખોદો, માટી માટીમાં મળી જાવા દ્યો!. એકીશ્વાસે બોલાયેલા કહળસંગજીના વેણ સતીના કાને સંભળાતા રહ્યા.

ઘડીના છઠ્ઠા ભાગમાં પરિસ્થિતિ સંભાળી લેતી રાજપૂતાણીની પરંપરા નિભાવવાના ટાણાને સતીએ પારખી લીધું. ગંગાસતી અને પાનબાઈએ કોદાળી અને પાવડો ઉપાડચાં, ધરતીને વંદન કરીને પહેલો ઘા કર્યો. એક ખાડો ગાળ્યા પછી બીજો ખાડો ગાળવાની શરૂઆત કરી. સતી બીજો ખાડો? કોચવાતા હૈયે કહળસંગજીએ પૂછ્યું. ભગત! હારે લેતા જાવ. ગંગાસતીના અવાજમાં જાનકીજીની કાકલૂદી ભળી ગઈ.

તમારે હજુ વાર છે. ગુરુ પરંપરાએ પ્રબોધેલા જ્ઞાનમાર્ગનો વારસો સુપાત્રને સોંપીને પછી આવજો. આર્દ્રતાભર્યાં અવાજે કહળસંગજીએ હાથ જોડ્યાં.

વાયુવેગે પંથકમાં ખબર પડી ગઈ. હૈયે હૈયું દળાય એમ લોક ઊભરાવા લાગ્યું. ઢોલ, ત્રાસાં, અબીલ- ગુલાલની છોળ ઉડે છે. ઈ.સ. ૧૮૯૪ની ૨૧ જાન્યુઆરી, પૂર્ણિમાના દિવસે કહળસંગજીએ સમાધિ લીધી.

જીવનમાં અચાનક આવેલા વળાંકે ગંગાસતી સહેજપણ વિચલિત થયાં નહિ. પોતે જ ગાયેલી વાણી જીવનમાં ઉતારી લીધી હતી, ‘મેરુ તો ડગે પણ જેના મનડાં ડગે નહિ, ભલે ભાંગી પડે બ્રહ્માંડ….રે જી’

કહળસંગજીના મહાપ્રયાણ બાદ ગંગાસતીએ નિત્ય એક ભજનની રચના કરી. પાનબાઈને પલોટ્યાં, જીવનનાં માહ્યલાં મર્મને આહત કરતા ચોટના ડંકા જેવાં બાવન ભજનોની હારમાળા ગંગાસતિએ ગૂંથીને અલખધણીના ગળે આરોપી.

શક્તિપાત, કુંડલિની શક્તિના જાગરણ પછી થતી સાધકની મનોદશા. ધ્યાન, ષડચક્રો અને સમાધિભાવ, સાદા આસનથી માંડીને આધ્યાત્મિક જગતની પરમ અવસ્થાને તાદૃશ્ય કરતાં ગંગાસતીનાં ભજનો વાંચીએ કે સાંભળીએ છીએ ત્યારે એ વિચાર આવે છે કે એક નાનકડા ગામડામાં જન્મ લઈને અલ્પ શિક્ષિત આ સન્નારીએ કઈ ઊંચાઈ પ્રાપ્ત કરી. પૂર્વના પૂણ્યોદય સિવાય અશક્ય છે.

ગંગાસતીનાં ભજનો સાધકોના માર્ગદર્શક સમા છે. આધ્યાત્મિક જગતના અઘરા અને ગુરુગમ ઉપદેશોને ખૂબ જ સરળ વાણીમાં વર્ણવીને અનેક કલ્યાણમાર્ગીઓ માટે કેડી કંડારી આપી છે. ગંગાસતીનાં ભજનોનાં ઢાળ અને ગેયતા બધાથી જુદા તરી આવે છે. માર્મિક અને સ્પષ્ટ, આળપંપાળથી આઘા રહીને પારદર્શક રીતે તત્ત્વની ઓળખ આપે છે. સૌરાષ્ટ્રના ભક્તમંડળમાં ગંગાસતીનું આસન અલગ તરી આવે છે. ગૃહસ્થાશ્રમની મર્યાદાઓ જાળવીને ઈશ્વરપ્રાપ્તિના પંથે પડનાર આ નારીરત્ન સમગ્રના સન્માનિત રહ્યાં છે. સદ્ગત પતિના પગલે તેમના નિર્વાણ પછી બરાબર બાવનમા દિવસે ગંગાસતીએ પણ આ નશ્વર જગતને ઈ.સ. ૧૮૯૪માં ૧૫મી માર્ચે ત્યજી દીધું. વીજળીના ચમકારા જેવી ક્ષણોને, આયુષ્યને અને ઈશ્વરી માયાનાં મંડળો અને પડળોને વીંધીને પરમપદને પ્રાપ્ત કરનાર ગંગાસતીને પ્રણામ.

Total Views: 216

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.