ભક્તિપથ સહજ અને સ્વાભાવિક છે

શ્રીરામકૃષ્ણ કહે છે : ‘ભક્તિપથ દ્વારા પણ તેઓ મળે છે.’ ઈશ્વરનાં ચરણકમળમાં ભક્તિ થવાથી, એમનાં નામગુણકીર્તન સારાં લાગવાથી પ્રયત્નપૂર્વક ઇંદ્રિય સંયમ કેળવવો પડતો નથી. ભગવાન માટે જે સારું લાગવું એ જ ભક્તિ કે અનુરાગનો પથ છે. એ સંગ્રામનો પથ નથી. ભાગવતમાં આપણને જોવા મળે છે કે ભગવાનને ગોપીઓ કાંત રૂપે, યશોદા સંતાન રૂપે અને ગોવાળિયાઓ બાલસખાના રૂપે મેળવે છે. આ બધા ભક્તિના પથ છે, અનુરાગના માર્ગ છે. આ અનુરાગના ફળ સ્વરૂપે જ્યારે ભગવાનમાં રુચિ આવે છે ત્યારે મનને વિષયોમાંથી હટાવીને ઈશ્વરમાં લગાડવા ષડ્રિપુઓ સાથે યુદ્ધ કરવું પડતું નથી.

શ્રીઠાકુર બીજે સ્થળે પણ વારંવાર કહે છે કે આ ભક્તિ પથ જ સહજ-સ્વાભાવિક પથ છે. એનું કારણ એ છે કે પ્રેમ કરવો એ મનુષ્યનો સ્વભાવ છે અને પ્રેમાસ્પદની પસંદગી કરી લેવી પડે છે. ભગવાનને જ જો પ્રેમાસ્પદ રૂપે ગ્રહણ કરી લેવાય કે ગ્રહણ કરવાનો અભ્યાસ કરાય તો પછી મનની સાથે સંઘર્ષ કરીને તેને ભગવાન તરફ લઈ જવા પ્રયત્ન કરવો પડતો નથી. એમના પર મન લાગી જાય તો તે પોતાની મેળે એકાગ્ર થઈ જાય છે. જેમ મા જ્યારે સંતાનને પ્રેમ કરે છે ત્યારે એનું મન પૂર્ણ રીતે સંતાનમાં જ કેન્દ્રિત રહે છે, વિશેષ કરીને જ્યારે આવું સંતાન નાનું બાળક હોય છે ત્યારે. તો શું મા ત્યાગી કે ધ્યાની છે, એટલે આવું બને છે? ના, એવી વાત નથી. જો કે સંતાન સ્નેહનું પાત્ર છે, માના મનની સ્વાભાવિક ગતિ જ એના તરફની હોય છે. પ્રયત્નપૂર્વક એને એકાગ્રતાનો અભ્યાસ કરવો પડતો નથી. આ જ છે સહજ સરળ સ્વાભાવિક માર્ગ.

એના પર ચાલવાથી ઇંદ્રિય સંયમ આદિ સાધના માટે જે સંગ્રામની નિતાંત આવશ્યકતા છે એ સંગ્રામ કરવો પડતો નથી. એટલે જ શ્રીરામકૃષ્ણ કહે છે કે આ ભક્તિ પથ દ્વારા પણ ઈશ્વર મળે છે. તેઓ એક દૃષ્ટાંત આપે છે. જો કોઈને પુત્રનો શોક હોય તો શું એ દિવસે તે કોઈની સાથે લડાઈ કરી શકે છે કે આમંત્રણ મળતાં ખાવા માટે જઈ શકે ખરો ? અથવા બીજા કોઈ સુખભોગ શું કરી શકે? એમણે એક સરસ મજાનું બીજું દૃષ્ટાંત આપ્યું: ‘આગિયો જો એકવાર અજવાળું જોઈ લે તો પછી તે અંધકારમાં રહી શકે ખરો ?’ પરિણામની ચિંતા છોડીને એ પ્રકાશ તરફ જ જાય છે.

પરિણામની વાત વિચારીને ડોક્ટર સરકાર કહે છે: ‘ભલે, બળીને પણ કેમ ન મરીએ ! એ પણ સ્વીકાર્ય છે.’ એમનો અભિપ્રાય એ હતો કે અપાત્રને પ્રેમ અર્પિત કરવાથી એને પરિણામે અનિષ્ટ સર્જાય છે. શ્રીઠાકુર તરત જ કહે છે : ‘એવું નથી થતું.’ – ‘કેમ એવું નથી થતું ?’ – ‘વસ્તુધર્મને કારણે.’ અહીં પ્રેમાસ્પદ જે વસ્તુ છે તેના ચિંતનમાં મનુષ્યનું ક્યારેય અકલ્યાણ થતું નથી. ભગવાન વિશે એની ધારણા સ્પષ્ટ હોય કે ન હોય, એનો પ્રેમ જ એને ભગવાનના સાંનિધ્યમાં લઈ જશે તથા તેના પ્રયત્નથી પણ ભગવાનનું સ્વરૂપ એની સમક્ષ વ્યક્ત થશે. ગોપીઓએ આવી રીતે ભગવાનના સ્વરૂપને જાણ્યું હતું, પણ સાધના દ્વારા નહિ. એમના પ્રેમના ફળ સ્વરૂપે ભગવાનનું સ્વરૂપ એમની સમક્ષ સ્વત: પ્રગટ્યું. ભાગવત (૧૦.૩૧.૪)માં ગોપીઓ કહે છે :

‘ન ખલુ ગોપિકાનન્દનો ભવાન્
અખિલ દેહિનામ્ અંતરાત્મદેશ્ ॥’

હે પ્રભુ તમે દેવળ ગોપીઓના આનંદદાયક શ્રીકૃષ્ણ નથી. સમસ્ત પ્રાણીઓના તમે અંતરાત્મા છો અને દૃષ્ટા રૂપે બધું જોઈ રહ્યા છો.’ આમ કહેવા પાછળનો આશય એ છે કે તમારા વિરહમાં અમારી આ જે વેદના છે એ શું તમે જોતા નથી ? પણ એ ગોપીઓ બોલે છે કઈ રીતે ? તેઓ કહે છે : ‘બધાં પ્રાણીઓના અંતરમાં રહીને બધાંને જુઓ છો, અમારું પણ જે દુ:ખ છે એને પણ તમે જાણો છો.’ ગોપીઓએ એમને આ રૂપે ઓળખ્યા એ કેવી રીતે ઓળખ્યા હશે ? સાધના દ્વારા ઓળખ્યા ? સાધનાઓ તો એમણે કરી ન હતી. તો શું શાસ્ત્રો વાંચીને ? એમણે તો શાસ્ત્રોય વાંચ્યાં ન હતાં. તો પછી યજ્ઞો વગેરે કરીને ઓળખ્યા હશે? ના. એમણે એવુંય કર્યું નથી. એમનું એક માત્ર અવલંબન હતું, ભગવાન પ્રત્યેનો પ્રાણપણભાવે પ્રેમ. એમની પાસે બીજું તો કંઈ ન હતું. પ્રેમરૂપી સંપત્તિથી સંપન્ન ગોપીઓ સમક્ષ ભગવાન પણ પોતાના સ્વરૂપને પ્રગટ કર્યા વિના રહી ન શક્યા. અત: ગોપીઓનું આ જાણવું એ જ્ઞાની કે યોગીઓના જાણવા જેવું ન હતું. એ હતું આંતરિક પ્રેમ દ્વારા જાણવું. એનો એક માત્ર ઉપાય છે, એમને ચાહવા. વિચારની સહાયતાથી ઇંદ્રિય સંયમ દ્વારા મનને એમાં સ્થાપીને એમના સ્વરૂપને શોધી કાઢવું, એ છેજ્ઞાન કે વિચારનો પથ. ગોપીઓની પ્રણાલી આ ન હતી. એટલે જ એમણે ઉદ્ધવજીને કહ્યું: ‘શું અમે યોગી કે જ્ઞાની છીએ કે જે મનસંયમ કેળવીને ધ્યાન કરીએ ? અને જે મન દ્વારા ધ્યાન કરીએ એને તો અમે પહેલેથી જ શ્રીકૃષ્ણનાં ચરણોમાં સમર્પિત કરી દીધું છે.’

કેટલીયે વાર મનમાં આવો પ્રશ્ન થાય છે કે પોતાના પ્રેમાસ્પદ ભગવાનને જાણ્યા વિના આપણે એમની સાથે કેવી રીતે પ્રેમ કરી શકીએ ? શ્રીઠાકુર પણ કહે છે : ‘જેમને પ્રેમ કરશો, તેમને જાણ્યા વિના કેવી રીતે પ્રેમ કરશો ?’ વાત સાચી છે. પરંતુ આ પણ સાચું છે કે જન્મજન્માંતરની સાધના દ્વારા પણ જેને ન જાણી શકાય એમને જાણીને પ્રેમ કરવાનું વિચારો તો ક્યારેય પ્રેમ કરવાનું બને નહિ. એટલે જ શ્રીઠાકુર કહે છે : ‘આરોપણ કરવું પડે છે. બધાના હૃદયમાં પ્રેમની અનુભૂતિ છે. કોઈને પ્રિયજન સાથે છે, કોઈને ધનસંપત્તિ સાથે હોય છે તો વળી કોઈ માન-યશને પ્રેમ કરતા રહે છે. આ વિષયાભિમુખી પ્રેમની ધારાને વાળીને જો ભગવાન તરફ લગાડી દેવાય તો તે પ્રેમ આપણને બંધનમાં નાખતો નથી અને વસ્તુના ગુણધર્મથી મુક્તિનો ઉપાય બની જાય છે, ત્યારે તેમાં અશુદ્ધિ હે નહિ. ગોપીઓએ જ્યારે ભગવાનને ચાહ્યા ત્યારે એમણે ભગવાનના રૂપમાં નથી ચાહ્યા પણ કાંતના રૂપમાં, પ્રિયતમના રૂપે ચાહ્યા હતા. આ સંબંધ સમાજમાં નિંદનીય છે, છતાં પણ એમને મુક્તિ કેવી રીતે મળી? ભાગવતમાં પણ આ પ્રશ્ન ઉઠાવ્યો છે.

એમાં ભગવાનની ભગવત્તા છે. કોઈપણ ભાવ દ્વારા મન એમના તરફ જવાથી વસ્તુધર્મ પ્રમાણે મન પવિત્ર થઈ જશે. એટલે શ્રીઠાકુર કહે છે : ‘ગમે તે રીતે બને પણ ભગવાનમાં મન લગાડો. મનની દિશા વાળી દો.’ ભક્તિયોગની આ જ પ્રણાલી છે. પણ આ કોઈ સાધારણ પ્રેમ નથી, કોઈ દુકાનદારી નથી. દુકાનદાર કહે કે આ વસ્તુના બદલામાં આટલા પૈસા દેવા પડશે. જે પ્રેમમાં આદાન પ્રદાન નથી એ જ સાચો પ્રેમ છે.

Total Views: 192

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.