(ગતાંકથી આગળ)
તુલના એટલે સરખામણી અથવા તો બે સમાન વસ્તુઓને ભેગી કરવી એવો અર્થ થાય છે અર્થાત્ જોડવું, ભેગું કરવું, સરખું ગોઠવવું – વગેરે અર્થ કરી શકાય છે. એટલે તુલાનાત્મક ધર્મમાં તો બધા ધર્મોની સમાનતા અપેક્ષિત જ છે કારણ કે તે બધાનું મૂળ એક જ છે એમ માનવું જોઈએ. પણ મુદ્દાની વાત તો એ છે કે ઓકસફર્ડ ડિક્ષનેરીમાં ‘કમ્પેરેટિવ રિલિજયન’ જેવો કોઈ શબ્દ જ નથી ! એન્સાઈકલોપીડિઆ બ્રિટાનિકામાં પણ એ શબ્દ સમાવાયો નથી ! મેક્સમૂલર પોતે પણ ઉદાર સ્વભાવના હોવા છતાં ખ્રિસ્તી ધર્મ એ એક જ ધર્મ છે એમ માનતા અને સાચા ખ્રિસ્તી ધર્મની અન્ય કોઈ પણ ધર્મ સાથે તુલના થઈ જ ન શકે એમ માનતા. બ્રાહ્મોસમાજના કેશવચંદ્ર સેનના અનુગામી પ્રતાપચંદ્ર મઝમુદારને એક પત્રમાં તેમણે જણાવ્યું હતું કે ‘નવો કરાર’ વાંચીને તમે પોતે જ નિર્ણય કરો કે ઈશુનાં વચનો તમને સંતોષ આપે છે ?’ તો એક બીજા પત્રમાં તેમણે મઝમુદારને લખ્યું : ‘હું તમને મારા સંપ્રદાયમાં ઘસડવા માગતો નથી. હું તો તમને ફકત ઈશુને માન આપવાનું કહું છું, તમારા ધર્મનું જે કંઈ શ્રેષ્ઠ છે, તે બધું તમને ઈશુમાંથી મળે છે.’ મરતી વખતે મેક્સમૂલરને એ આશા હતી કે એક દિવસ ભારતીય ખ્રિસ્તી ચર્ચનો ઉદય કેશવચંદ્રના બ્રાહ્મોસમાજમાંથી થશે. એટલે ઓર્ડે તો એના અગ્રદૂત મેક્સમૂલરની રીતે જ વિચાર કરવાનો હતો. એને તો કંઈ શ્રીરામકૃષ્ણ અને એમના શિષ્યપ્રવર સ્વામી વિવેકાનંદે વિશ્વ સમક્ષ રજૂ કરેલા વિચારો – આદર્શોની કશી સમજણ જ ન હતી રામકૃષ્ણ-વિવેકાનંદે પ્રબોધેલી વિશ્વધર્મ અને ધર્મની વૈશ્વિકતા અને સમાનતાનાં ઘણાં વાક્યો પોતાનાં લખાણોમાં ઉત્કૃત કર્યાં હોવા છતાં પણ તેઓ ખ્રિસ્તી ધર્મની સર્વશ્રેષ્ઠતા અને અતુલનીયતાને ખંખેરી શક્યા નહિ. એમને ખબર હતી કે સરખામણીની વાત કરવાથી ખ્રિસ્તી ધર્મ પરનો તેમનો વિશ્વાસ હલી જશે! પણ જે કામ મેક્સમૂલરે પોતાની હયાતીમાં ન કર્યું તે એના અનુગામીઓએ પણ સો વરસ વીતવા છતાં ક્યારેય કર્યું નથી, એનો વિચાર સુધ્ધાં કર્યો નથી.
આમ છતાં પણ વિદ્યાશાખાની બહાર રહેલા અને સ્થાપિત ધર્મસંપ્રદાયોથી ઉપર ઊઠેલા કેટલાક રોમાં રોલાં, આર્નોલ્ડ ટોયમ્બી, અને ક્રિસ્ટોફર ઈશરવુડ જેવા અનેકાનેકોએ શ્રીરામકૃષ્ણના ‘જેટલા મત તેટલા પથ’ના સંદેશની સચ્ચાઈ અનુભવી અને એ મહાન આદર્શની ઉદ્ઘોષણા સ્વામી વિવેકાનંદે શિકાગોની મહાધર્મ પરિષદમાં કરી અને યુરોપમાંનાં અને ભારતનાં પોતાનાં પ્રવચનોનો એને મુખ્ય વિષય બનાવ્યો. જ્યારે તેઓ તુલનાત્મક ધર્મ વિશે બોલતા, ત્યારે તેઓ પોતાને આ આદર્શના ચાહક જ માનતા. તેમણે કહ્યું ‘મેં કહ્યું તે પ્રમાણે તુલનાત્મક ધર્મ મનુષ્યની ધાર્મિક લાગણીને ઓપ આપશે અને તેથી વિશ્વનું ધાર્મિક ઐક્ય વધશે.’ વિવેકાનંદ માટે તુલનાત્મક ધર્મ વૈશ્વિક ધર્મ તરફ જવાનું પગથિયું છે. આ માટે તેઓ એટલા આતુર હતા કે કોલેજ પૂરી કર્યા પછી તરત જ આ વિચારના પ્રચાર માટે એક સામયિક શરૂ કરવાનું તેમણે સૂચવ્યું હતું.
શિકાગો મહાધર્મસભાને સો વરસ વીત્યા છતાં હજુ પણ આ મહાન સંદેશ માટે કશું જ ત્યાં થયું નથી તે આપણી તે તરફની બેદરકારી જ સૂચવે છે. પરંતુ ભારતમાં રામકૃષ્ણ – વિવેકાનંદ ભાવધારા મક્કમ પગલે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા સબળ થતી જોવામાં આવે છે. અને રામકૃષ્ણ પ્રેરિત થઈને તે ઉદાર-ઉદાત્ત સમાજાભિમુખી કાર્યો કરી રહી છે. મઠ મિશનનાં કેટલાંય કેન્દ્રો વિશ્વમાં પથરાયેલાં છે. વિશ્વમાં વૈશ્વિક ધર્મનો આ મહાન આદર્શ ફેલાવવા માટે એણે ઘણું બધું કર્યું છે. ખેદની વાત તો એટલી જ કે આપણી યુનિવર્સિટીઓમાં તુલનાત્મક ધર્મના શિક્ષણ – અનુસંધાન વગેરે માટે યુવાન પેઢીને ઉત્સાહિત કરવા માટે તેની વિદ્યાશાખાઓએ ઘણું બધું કરવાનું બાકી છે. મને લાગે છે કે આપણી ધર્મનિરપેક્ષતાની વિભાવનાને એક નવું જ દર્શન સાંપડશે. અને તે એ કે બધા જ ધર્મો તુલના કરવા યોગ્ય છે અને એટલા માટે સર્વ ધર્મોનો એક જ સાર છે. આમ થવાથી સામાજિક જીવનમાંની જ્ઞાતિની ઉચ્ચતા નબળી પડી જશે.
હવે રામકૃષ્ણના ધર્મની સમાનતાના આદર્શને આપણે ટૂંકમાં અવલોકીશું. વિશ્વ સાહિત્યમાં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એ સર્વધર્મ સમન્વયનો મહત્ત્વનો અને મોટો દસ્તાવેજ છે. ઘણાં રૂપકો અને કથાઓથી આ આદર્શ સિદ્ધ કરવામાં આવ્યો છે. વારંવાર વાચ્યાર્થમાં પણ કહેવાયો છે અને વિશ્વના ઘણા ધર્મોની રામકૃષ્ણે કરેલી સાધના વિશે તો આપણે જાણીએ જ છીએ. એમાંય ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મની તેમણે કરેલી સાધના સૌનું ધ્યાન ખેંચે છે. કહેવાય છે કે રામકૃષ્ણના આદર્શોને કોઈ એક ખાસ ધર્મસંપ્રદાય સાથે જોડી શકાય તેમ નથી. કારણ કે બધા જ સંપ્રદાયો તેમના પોતાના જ સંપ્રદાયો હતા. હજુ સુધી કોઈ એવા સંતમહાત્મા ઇતિહાસમાં જન્મ્યા નથી કે જેમણે પોતાના ધાર્મિક જીવનમાં બધા જ ધર્મના મર્મને સમન્વિત કરી દીધો હોય ! પ્રતાપચંદ્રે લખ્યું છે: ‘રામકૃષ્ણ કોઈ ખાસ હિન્દુ દેવના ઉપાસક નથી, તે શૈવ પણ નથી અને શાક્ત પણ નથી, તે વૈષ્ણવ પણ નથી અને વેદાંતી પણ નથી અને છતાંય એ બધું જ છે.’ (Theotic quarterly Review, Oct. 1879)
ચાલો આ વિશે ઠાકુરની પોતાની વાણી જ સાંભળીએ: ‘ઈશ્વરે વિવિધ સાધકો માટે વિવિધ ધર્મો સર્જ્યો છે, કે જેથી એ જુદા જુદા સાધકો, જુદા જુદા સમયો અને જુદા જુદા દેશો માટે બંધબેસતા બની રહે. બધા ધર્મો તો બધા માર્ગો જ છે. પણ માર્ગ એ કોઈ પણ રીતે ઈશ્વર પોતે તો નથી જ. એટલું ખરું કે કોઈ પણ માર્ગે પૂરી નિષ્ઠાથી ચાલવાથી ઈશ્વર સુધી પહોંચી તો શકાય જ છે.’ એક બીજે વખતે તેઓ બોલ્યા હતા : ‘મારો જ માર્ગ સારો સાચો છે, અને બીજાના માર્ગો ખોટા છે’, એવું કદીય ક્યારેય માનશો નહિ. હિન્દુ – મુસલમાન – ખ્રિસ્તીઓ પણ જુદા જુદા માર્ગે થઈને એક જ લક્ષ્ય – ઈશ્વર તરફ જ જઈ રહ્યા છે.’ વળી એકવાર વાતચીતના પ્રસંગે તેમણે કહ્યું હતું : ‘કોઈ મનુષ્ય કે કોઈ અભિપ્રાય તરફ તિરસ્કાર ન દાખવવો, ભલે તે નિર્ગુણોપાસના હોય કે સગુણોપાસના ! બંને ઈશ્વરાભિમુખ જ છે !’… વગેરે. આ ઠાકુરવાણી ઉદાર-ઉદાત્ત અને મૌલિક છે. છતાં પણ સર્વધર્મસમન્વયના રામકૃષ્ણના તત્ત્વજ્ઞાનને સંપૂર્ણ રીતે પૂરાં પડી શકે તેમ નથી. વિવેકાનંદે એને ‘વૈશ્વિક ધર્મનું તત્ત્વજ્ઞાન’ કહ્યું છે. રામકૃષ્ણનું સમગ્ર જીવન, એમના શબ્દો, એમની શાંતિ, એમનું હાસ્ય, એમનાં આંસુ, તેમની સમાધિઓ, એમના આનંદો, આ બધું જ સાચા ધર્મની વૈશ્વિકતાના જીવતા – જાગતા ઉદાહરણ સમું છે. સર્વ ધર્મોના મહાસંમેલન સમાન તેમનું જીવન જ ખરેખર તો તુલનાત્મક ધર્મનો ઘણો અગત્યનો પાઠ હતું.
શ્રીરામકૃષ્ણના સર્વધર્મસમન્વય અને સર્વધર્મોની એકતાના આદર્શને દુનિયા કઈ રીતે સમજતી હતી, તે હવે જોઈએ. કદાચ યુરોપિયનોમાં સૌથી પહેલા મેક્સમૂલર એવા હતા કે જેમણે રામકૃષ્ણના એ ઉપદેશની નોંધ લીધી કે ‘ઉપાસનાનો દરેક માર્ગ શ્રીરામકૃષ્ણને મતે વ્યક્તિગત ધાર્મિક જીવનનો જીવતો અને ઉત્સાહવર્ધક સિદ્ધાંત હતો… દરેક ધર્મના સારા અંશોને જ નિહાળીને વિશ્વના બધા જ ધર્મોનું જોડાણ કેવું શક્ય છે, તે તેમણે બતાવ્યું છે.’ ત્યાર પછી રોમાં રોલાંના અંત:કરણે શ્રીરામકૃષ્ણના આત્મામાં ડૂબકી મારી અને કહ્યું ‘એ ચોક્કસ દેખાડી શકાય તેમ છે કે આ સિમ્ફની – સૂરાવલિ – ભૂતકાળમાં જન્મેલાં સેંકડો સાંગેતિક તત્ત્વોથી રચાયેલી છે ! છતાં પણ તેમનામાં તત્ત્વોની આ વિવિધતા કેન્દ્રીભૂત થઈને એક સાર્વભૌમ વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. અને એ બધાં જ તત્ત્વોનો એક ભવ્યાતિભવ્ય સંવાદ રચે છે. આ વિજયીચિહ્નથી તે એક નવો યુગ શરૂ કરે છે.’ ત્યાર પછી સુવિખ્યાત મહાન ઇતિહાસકાર ટોયમ્બી આવે છે. તેઓ તો ઇતિહાસના તત્ત્વજ્ઞાની છે. એમણે કહ્યું : ‘હિન્દુ દૃષ્ટિકોણથી દરેક મહાન ધર્મ સાચો છે. બધા જ ધર્મો માનવજાતિ માટે અનિવાર્ય છે કારણ કે દરેક ધર્મ એક જ સત્યનાં જુદાં જુદાં પાસાં બતાવે છે, દરેક ધર્મ જુદે જુદે માર્ગેથી એક જ લક્ષ્ય પર પહોંચે છે.’ ટોયમ્બી વધુ ઉમેરે છે કે ‘શ્રીરામકૃષ્ણનો ધાર્મિક કાર્યકલાપ અને તેમની અનુભૂતિઓ એટલી તો વિશાળ છે કે એમની પહેલાંના કોઈએ પણ આટલી ધર્મસંપદા હાંસલ કરી હોય એવું ઇતિહાસમાં ક્યાંય પણ જોયું – જાણ્યું નથી!! ત્યાર પછી રવીન્દ્રનાથ ટાગોર આવે છે. એમણે રામકૃષ્ણની જન્મ શતાબ્દિ વખતે રામકૃષ્ણ ધર્મ વિશે એક પ્રશસ્તિપૂર્ણ કાવ્ય લખ્યું. કાવ્યનો સાર કંઈક આવો છે ‘વિવિધ ઝરણાંમાંથી ફૂટતી વિવિધ સિદ્ધિઓનું સંમિલન આપના ધ્યાનમાં થાય છે. અનંતના આનંદ ફુવારાઓનાં બહુવિધ ઉદ્ઘાટનોએ આપના જીવનમાં એકતાના મંદિરનું નિર્માણ કર્યું છે ત્યાં તો દૂર અને નજીકના સૌના નમસ્કાર પહોંચી જાય છે. હું ત્યાં મારા નમસ્કાર મોકલું છું.’ કવિએ આ જ વાત રામકૃષ્ણ શતાબ્દિને અવસરે ભરાયેલી ધર્મપરિષદમાં પણ કહી હતી કે ‘દરેક ધર્મ મુક્તિ આપવાના દાવા સાથે શરૂ થઈને છેવટે એક વિશાળ જેલખાનામાં જ પલટાઈ જાય છે. તેના સ્થાપકના ત્યાગ પર ઊભો થયેલો ધર્મ છેવટે તેના પુરોહિતોના હાથની મિલકત બની જાય છે ! અને પોતાને ‘વૈશ્વિક’ ગણવાનો દાવો કરે છે !’ આવી ચેતવણી ઉચ્ચારીને કવિએ શ્રીરામકૃષ્ણના ધર્મસમન્વયની હિમાયત કરી હતી.
શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછીની અરધી સદીમાં જ રામકૃષ્ણનો સર્વધર્મસમન્વયનો આદર્શ બધા જ ધર્મમાં ભારે પ્રભાવક નીવડ્યો હોવાના પુરાવાઓ છે. ૧૯૩૦ની ધર્મ પરિષદમાં ભારતીય તેમજ અન્યદેશીય સુપ્રસિદ્ધ ચિંતકોનાં ભાષણો થયાં, તેમાં ઇંગ્લેન્ડના પ્રોફેસર હાર્બર્ટે કહ્યું હતું : ‘મેક્સમૂલરનો રામકૃષ્ણ ઉ૫૨નો ૧૮૯૬માં પ્રગટ થયેલો લેખ ભારતીય ધર્મવિચારની અને તુલનાત્મક ધર્મોની ભૂમિકા જેવો છે.’ તો વળી બ્રિજેન્દ્રનાથ સીલે : ‘ધર્મમાં વૈશ્વિક માનવ્ય’ તરીકે રામકૃષ્ણને બિરદાવ્યા. વિનયકુમાર સરકારે કહ્યું કે ‘આપણા જમાનામાં રામકૃષ્ણનું ‘જતો મત તતો પથ’નું સૂત્ર એ માનવજાતિની વૈશ્વિક અભિવ્યક્તિ છે.’ (ક્રમશ:)
Your Content Goes Here