(ગતાંકથી આગળ….)

સુધીર પણ ઘરે ન રહી શક્યા. આટઆટલા દિવસોથી જેમની તેઓ રાહ જોતા હતા એમને મળવા તેઓ ખૂબ આતુર બન્યા. વહેલી સવારે તેઓ શિયાલદા રેલવે સ્ટેશન જવા ઉપડયા. અંતે સ્વામીજીને લઈ આવતી ગાડી પ્લેટફોર્મ પર આવી પહોંચી. સદ્ભાગ્યે ઘણી અપેક્ષાઓ સાથે રાહ જોતા સુધીર સામે જ સ્વામીજીનો ડબ્બો આવીને ઊભો રહ્યો. બંનેની નજર મળી અને એજ પળ સુધીરના જીવનની પરિવર્તનની પળ બની ગઈ. સ્વામીજીએ બંને હાથ જોડીને ત્યાં એકત્રિત વિશાળ જનમેદનીના અભિનંદનનો પ્રતિભાવ આપ્યો. સાથેને સાથે એમણે એક અજાણ્યા યુવાન સુધીરચંદ્રના હૃદયને વિશેષ આકર્ષી લીધું. ‘જય હો સ્વામીજીનો! શ્રી રામકૃષ્ણનો જય હો!’ ના સ્વયંભૂ જયનાદ દર્શનાતુર માનવ મેદનીમાંથી ગુંજી ઊઠયા. સુધીર પણ પૂર્ણ હૃદયે એ લોકજયનાદમાં જોડાયા.

સ્વામીજી ગાડીમાંથી નીચે ઊતર્યા અને એમને માટે તૈયાર રાખેલી શણગારેલી ઘોડાગાડી સુધી એમને લઈ ગયા. ત્યારપછી કેટલાક ઉત્સાહી યુવાનોએ ઘોડાઓને છોડીને તેઓ પોતે ઘોડાગાડી ખેંચવા લાગ્યા. સુધીરે પણ એમાં જોડાવાનો પ્રયત્ન કર્યો પણ લોકોની ઘણી ભીડને કારણે એને પોતાનો પ્રયત્ન છોડી દેવો પડ્યો. તેમણે તો સ્વામીજીની ઘોડાગાડીની પડખે પડખે ચાલીને સંતોષ માનવો પડયો. આ વિશાળ સરઘસ ધીમે ધીમે રીપન કોલેજ (હાલની સુરેન્દ્રનાથ કોલેજ ) સુધી પહોંચ્યું. અનેક સ્થળે વિજય કમાનો રચવામાં આવી હતી અને એ બધાની ઉપર રચાયેલા મંચ પર બેસીને સંગીતકારો ભારતીય સંગીતની મધુર ધૂનો બજાવતા હતા. સ્ટેશનથી માંડીને રીપન કોલેજ સુધીનો માર્ગ પુષ્પહાર અને તોરણથી શણગારવામાં આવ્યો હતો. આ શોભાયાત્રા રીપન કોલેજની નજીક ઊભી રહી. અને જ્યારે સ્વામીજી ઘોડાગાડીમાંથી ઊતર્યા અને ત્યાં એકત્રિત લોકોને થોડા શબ્દો અંગ્રેજીમાં કહ્યા, એ વખતે સુધીરને એમને નજીકથી નીરખવાની તક મળી ગઈ. સ્વામીજીનો ઓજસ્વી દેખાવ તેના હૃદયમાં અંકિત થઈ ગયો. આ પ્રસંગનું વર્ણન તેઓ આ શબ્દોમાં કરે છે: ‘જાણે કે કોઈ ઓજસ્વી પ્રકાશપૂંજમાંથી કિરણો વહેતાં હોય એવી એના ચહેરા પર સોનેરી આભા હતી. માત્ર થકાવી દેતી યાત્રાનો થાક થોડો ઘણો દેખાતો હતો.’

એ જ દિવસે સાંજે સુધીર અને એમનો મિત્ર સ્વામીજીને પ્રણામ કરવા ગયા. એ વખતે સ્વામીજી પ્રિયનાથ મુખર્જીના ઘરે રોકાયા હતા. સ્વામી શિવાનંદજી આ બંને યુવાનોને સ્વામીજીના ખંડમાં લઈ ગયા અને આ શબ્દો સાથે એમની ઓળખાણ કરાવી, ‘આ બંને યુવાનો તમારા અત્યંત પ્રશંસક-ચાહક છે.’ જો કે આ વખતે સ્વામીજી પોતાના ગુરુબંધુઓ સાથે વાતચીત કરતા હતા એટલે એમની સાથે વાતચીત કરવાની તક સુધીરને મળી નહીં. સ્વામીજી પોતાના ગુરુબંધુ સ્વામી યોગાનંદને કહેતા હતા, ‘વારુ યોગિન, મેં પશ્ચિમમાં શું જોયું એની તમને ખબર છે? એ સમગ્ર દુનિયામાં એ જ મહાન દિવ્ય ઊર્જાનો ખેલ હું જોતો હતો. આપણા પૂર્વજોએ આ દિવ્ય ઊર્જાને ધર્મ અને દર્શનશાસ્ત્રમાં પ્રગટ કરી છે. જ્યારે પશ્ચિમમાં એ જ સ્વઊર્જા આજના આધુનિક યુગમાં ક્રિયાશીલતાવાળી પ્રવૃત્તિમાં પ્રગટ થાય છે. ખરેખર સમગ્ર વિશ્વમાં એ મહાન દિવ્ય ઊર્જાની આ બંને જુદી જુદી અભિવ્યક્તિઓ છે.’ થોડી વાર પછી સ્વામીજીને પ્રણામ કરીને સુધીર અને તેનો મિત્ર ત્યાંથી નીકળી ગયા.

ત્યારપછી તરત જ સ્વામીજી થોડા સમય માટે કાશીપુરમાં ગોપાલલાલ સીલના ઉદ્યાનગૃહમાં રહ્યા. અહીં જ સુધીર સ્વામીજી સાથે પ્રથમ વખત વાતચીત કરી શક્યા. એ વખતે સ્વામીજી પોતાના ખંડમાં બેઠા હતા. સુધીર ત્યાં ગયા અને સ્વામીજીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. એ વખતે ત્યાં બીજું કોઈ હતું નહીં. એકાએક સ્વામીજીએ પૂછ્યું, ‘તું ધૂમ્રપાન કરે છે ?’ થોડી વાર તો સુધીર મૂંઝાઈ ગયા અને પછી કહ્યું: ‘ના.’ આ સાંભળીને સ્વામીજીએ કહ્યું, ‘ઘણું સારું, ધૂમ્રપાન કરવું સારું નથી. હું પણ એને છોડી દેવા પ્રયત્ન કરું છું.’

બીજે દિવસે જ્યારે તે સ્વામીજીના ખંડમાં પ્રવેશ્યા ત્યારે તેમણે જોયું તો સ્વામીજી કોઈ પાંજરામાં પૂરાયેલા સિંહની જેમ ઓરડામાં આમ તેમ ફરતા હતા અને શરતચંદ્ર ચક્રવર્તી સાથે વિવિધ વિષયો પર વાતચીત કરતા હતા. સુધીર અને તેના મિત્રો સ્વામીજીને પ્રશ્નો પૂછવા ઈચ્છતા હતા પણ કોણ જાણે કેમ તેમની હિંમત ન ચાલી એટલે એમણે તેમના વતી શરતચંદ્રને એ પ્રશ્ન પૂછવા વિનંતી કરી. તેમનો પ્રશ્ન આવો હતો, ‘ઈશ્વરના અવતાર અને સ્વપ્રયત્ને મુક્તિ પ્રાપ્ત કરી હોય એવી વ્યક્તિ વચ્ચે શો ભેદ છે?’ સુધીરે આ પ્રશ્નનો ઉત્તર સાંભળવા આતુરતાપૂર્વક રાહ જોઈ. સ્વામીનો ઉત્તર સુધીરના મનમાં સઘન-ગહન રીતે અંકિત થઈ ગયો.

સીધો પ્રત્યુત્તર આપવાને બદલે સ્વામીજીએ કહ્યું, ‘મને આ બધી અવસ્થામાં દઢ શ્રદ્ધા છે, વિદેહમુક્તિ એ સર્વોત્કૃષ્ટ છે. મારા સાધના કાળમાં હું ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશમાં પરિભ્રમણ કરતો હતો. મેં કેટલાય દિવસો એકાંત ગુફામાં કાઢ્યા અને જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી કેટલીય વાર મેં આ દેહને ત્યજી દેવાનું પણ વિચાર્યુ હતું, મેં કેટકેટલી કઠોર સાધનાઓ કરી છે! પણ અત્યારે મને મોક્ષ માટેની એવી આતુરતા જણાતી નથી. અત્યારનું મારું વલણ એવું છે કે જ્યાં સુધી એક વ્યક્તિ પણ ગુલામીમાં રહે ત્યાં સુધી હું મારી મુક્તિ ઈચ્છતો નથી.’

સ્વામીજીએ આ શબ્દો અત્યંત સંનિષ્ઠા અને હૃદયની લાગણી સાથે ઉચ્ચાર્યા હતા. આ સાંભળીને સુધીરને આશ્ચર્ય થયું, ‘શું કોઈ માનવ હૃદય આવી કરુણા, આવી ભલમનસાઈ ધરાવી શકે? શું સ્વામીજી પોતાના મનોવલણની આવી અભિવ્યક્તિ કરીને ઈશ્વરના અવતારનાં લક્ષણોનું વર્ણન કરે છે?’

સુધીર હવે સ્વામીજી પ્રત્યે વધારેને વધારે આકર્ષાવા લાગ્યા અને અવારનવાર એમની મુલાકાત લેવા લાગ્યા. એક સાંજે સુધીર અને ખગેન ગોપાલલાલ સીલના ઉદ્યાનગૃહમાં ગયા. સ્વામીજી એ બંને વિષે કંઈ જાણી શકે તે માટે શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ ભક્ત હરમોહન મિત્રે આમ કહીને એમની ઓળખાણ કરાવીઃ ‘સ્વામીજી, આ બંને તમારા ઘણા મોટા પ્રશંસક છે અને તેઓ ખંતથી વેદાંતનો અભ્યાસ કરે છે.’ આ સાંભળીને સ્વામીજીએ કહ્યું, ‘તમે ઉપનિષદો વાંચ્યાં છે?’ સુધીરે ખચકાટ સાથે કહ્યું, ‘કઠોપનિષદ.’ સ્વામીજી ખૂબ રાજી થયા અને કહ્યું, ‘સારું, તેમાંથી થોડી શ્લોકપંક્તિઓ બોલ.’ કઠોપનિષદ તો ભવ્ય અને કાવ્યમય ઉપનિષદ છે. હવે સુધીર મૂંઝવણમાં મુકાઈ ગયા. જો કે તેમને ભગવદ્ગીતા પૂરેપૂરી કંઠસ્થ હતી પણ કઠોપનિષદને કંઠસ્થ કર્યું ન હતું. એમણે વિનમ્રતાથી કહ્યું, ‘મેં કઠોપનિષદ કંઠસ્થ કર્યું નથી પણ ગીતામાંથી ઘોડા શ્લોક બોલી શકું છું.’ સ્વામીજીએ કહ્યું,‘સારું, એમાંથી બોલ.’ પછી સુધીરે સંપૂર્ણ ઉચ્ચારશુદ્ધિ સાથે ગીતાના અગિયારમા અધ્યાયના છેલ્લા અંશનું પઠન કર્યું. આ અંશમાં અર્જુન ભગવાન કૃષ્ણની પ્રશંસા કરે છે. આ સાંભળીને સ્વામીજી ખૂબ ખુશ થયા અને કહ્યું, ‘ઘણું સરસ!’

બીજે જ દિવસે પોતાના બાળપણના ગોઠિયા અને ઘણાં વર્ષના મિત્ર રાજેન્દ્રનાથ ઘોષ (વેદાંતના પ્રસિદ્ધ વિદ્વાન જેમણે પછીથી સ્વામી વિરજાનંદ પાસેથી સંન્યાસ લીધો હતો અને રામકૃષ્ણ સંઘમાં સ્વામી ચિદ્ઘનાનંદના નામે જાણીતા બન્યા હતા.)સાથે સુધીર સ્વામીજીને મળવા ગયા. સ્વામીજી કદાચ ઉપનિષદમાંથી કંઈક પઠન કરવાનું કહે એવું ધારીને તેઓ ખિસ્સામાં એક નાની નકલ લઈ ગયા હતા. ઓરડો મુલાકાતીઓથી ભરેલો હતો પણ સુધીરે જે અપેક્ષા કરી હતી તે આવીને ઊભી રહી. વળી પાછી કઠોપનિષદ તરફ ચર્ચાનો વળાંક આવ્યો. સુધીરે પોતાના ખિસ્સામાંથી પુસ્તક કાઢચું અને આરંભથી જ ઉપનિષદનું પઠન શરૂ કર્યુ. જેમણે ઉપનિષદના આત્માને મૂર્તિમંત કર્યો હતો એમની સમક્ષ બેસીને સુધીરે પઠન ચાલુ રાખ્યું અને સ્વામીજી પોતાના બળુકા અવાજે એવી તો સુંદર મજાની રીતે એકે એક શ્લોકને સમજાવવા માંડ્યા કે ત્યાં ઉપસ્થિત સૌ કોઈને લાગ્યું કે જાણે તેઓ આધ્યાત્મિક રીતે ઉન્નત થઈ ગયા છે. ઉપનિષદ પ્રત્યેનો આ અનન્ય પ્રેમ સ્વામીજીએ સુધીરમાં ભરી દીધો અને એ એમના લોહીમાં ભળી ગયો. ઉપનિષદો પ્રત્યેની આ ચાહના એના બાકીના શેષ જીવન પર્યંત રહી. સ્વામીજીની ઉપનિષદો વિશેની અમીટ વ્યાખ્યા સૂચિતાર્થની સ્મૃતિ સુધીરના હૃદયમાં ઊંડાણપૂર્વકપ્રતિધ્વનિત થવા લાગી. તેમણે પછીથી લખ્યું હતું

ભિન્ન ભિન્ન સમયે સ્વામીજીએ ઉચ્ચારેલ પોતાની રીતે અલગ પડી જતો, ચેતનવંતો, સ્પષ્ટ અને ગુંજતો ઉપનિષદના શ્લોકનો ધ્વનિ મને આજે પણ સંભળાતો હોય એવું લાગે છે. જ્યારે જ્યારે બીજાનાં નિંદા ન્યાયથી દોરવાઈ જતો ત્યારે સ્વામીજીની ઉપનિષદની પોતાના મધુર અને ઊર્મિલ અવાજે કરેલ વાત : ‘એ એક જ આત્માને જાણો અને બીજી બધી વાતો કોરાણે મૂકી દો. તે જ અમરત્વનો સેતુ છે.’

એ સ્મૃતિ મને પાછી ત્યાં લઈ જાય છે. એક દિવસે જ્યારે આકાશમાં ઘનઘોર અંધકાર હતો અને ગાઢ વાદળોમાં વીજળીના ચમકારા થતા હતા ત્યારે આકાશની વીજળીના ચમકારા તરફ આંગળી ચીંધતી અને આ સુખ્યાત પંક્તિઓ ઉચ્ચારતી એમની સુપરિચિત દેહાકૃતિને યાદ કરું છું: ‘ત્યાં સૂર્ય પ્રકાશતો નથી, તેમ નથી ચંદ્ર પ્રકાશતો; તારા કે વિદ્યુતનો ચમકાર ત્યાં પ્રકાશી શકતો નથી; તો પછી આ અગ્નિની તો વાત જ શી? તે આત્મા પ્રકાશે છે. એટલે બીજું બધું પ્રકાશે છે. તેમનામાં જે પ્રકાશ છે તે આત્મામાંથી આવેલો છે, અને તેમના દ્વારા આત્મા જ પ્રકાશી રહ્યો છે.’ અને વળી જ્યારે જ્યારે સર્વોચ્ચ સત્ય કે અનુભૂતિ હજુ મારાથી ઘણી દૂર છે એવું વિચારીને મારું હૃદય હતાશામાં ડૂબી જતું ત્યારે ત્યારે હું પોતાની અમીકૃપાથી ભરેલા ચહેરા સાથે ઉપનિષદોમાંથી આશાના સંદેશ સાથેના ઘોરગંભીર અવાજે એમના દ્વારા પુન: થતાં આ પઠન હું સાંભળતો હોઉં એવું મને લાગે છેઃ

‘ઓ શાશ્વત સુખના વારસદારો, ઓ દિવ્ય ધામના નિવાસીઓ ! સાંભળો ! મેં પુરાતન પુરુષને પ્રાપ્ત કર્યા છે – જે સર્વ તમસથી પર છે. જે સર્વ ભ્રમથી પર છે અને જેને જાણવા માત્રથી મૃત્યુને પાર જઈ શકાય છે.’ (ક્રમશ:)

Total Views: 58

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram