તે દિવસે સાંજ પડવા આવી. પશ્ચિમની ક્ષિતિજમાં સૂર્ય આથમી રહ્યો છે. ચારે બાજુ લીલાંછમ ખેતરો, શિયાળાની સારી એવી ઠંડી છે.
દૂર એક નાનકડી માટીની કુટિર છે. નાની એવી પરસાળ છે. ત્યાં એક નિષ્કંપ મૂર્તિ – તેણે સફેદ ધોતી, શરીરે એક ચાદર લપેટી છે. કાળા અને સફેદ વાળની દાઢી. બંને આંખો મીંચેલી. અચાનક નિસ્તબ્ધતાનો ભંગ કરતો એક શબ્દ સંભળાયો – ‘ઓ ! સાધુબાબા, તમારા તરફ એક સાપ જાય છે.’
પરંતુ સાધુબાબા તરફથી કોઈ પ્રતિક્રિયા થઈ નહિ. જોવા મળ્યું કે એક વિશાળ કાળો ડિબાંગ સાપ કુટિર તરફ જાય છે. પાસે આવીને ફેણ ચઢાવીને થોડો ડોલવા લાગ્યો. ત્યારબાદ માથું નીચું કરી સાપ વળી ખેતર તરફ ચાલ્યો ગયો. દૂર ઊભેલો ખેડૂત હવે ધીરે ધીરે આગળ આવ્યો. તેના હાથમાં એક નાનકડી થાળી, પાંદડાથી બે રોટલી ઢાંકી છે અને લોટામાં દૂધ. ભોજન રાખીને તે પેલા ધ્યાનમગ્ન મૂર્તિને પ્રણામ કરીને ચાલ્યો ગયો.
ચારે તરફ ત્યારે સંધ્યા ઊતરી આવી. આકાશના ખૂણામાં સંધ્યા ખીલી છે. પંખીઓ પોતાના માળા તરફ ઉડતાં ઉડતાં શબ્દોના તરંગ આકાશમાં ગુંજાવે છે. બે- એક કૌંચ પક્ષી આ બાજુ, પેલી બાજુ ખોરાકની શોધમાં ફરે છે. પણ કુટિરનું તો એ જ ચિત્ર. એક વ્યક્તિ મૂર્તિની જેમ બેસી રહી છે.
રાત ક્રમશ: ગાઢ બની છે. પહેલા પહોરમાં શિયાળવાંના સાદ સંભળાય છે. તેઓ રાત્રીના પહેરેદાર છે. ગળામાં જાણે ઘંટ વગાડે – હજુ એક પ્રહર વીત્યો. રાતે બાર વાગે તે માણસનું ધ્યાન ભાંગ્યું. અંધારામાં જાણે કોઈ પ્રશ્ન કરે – કોનું આટલું બધું ધ્યાન કરો છો? તેનો ઉત્તર સૂરિલા ગુરુગંભીર સ્વરમાં મળ્યો – ‘આકાશનું.’
– એ કેવું ? કોઈ દેવતાનું ધ્યાન નહિ ને આકાશનું?
‘આકાશ તો દેવતા – દ્યુલોક.
‘आकाशो वै नामरुपयोर्निर्वहिता
ते यदन्तरा तद् ब्रह्म तदमृतं स आत्मा ।’
આકાશ જ તો નામ-રૂપનું પ્રકાશક, એ નામ રૂપ જેમાં રહેલું છે તે જ બ્રહ્મ છે, તે જ અમૃત છે, તે જ આત્મા છે.’
‘ઓ ! આકાશ વળી દેવતા છે ?’
– ‘જુઓ, જેનું દેવતા કહીને ચિંતન કરીએ તે જ દેવતારૂપે આત્મપ્રકાશ કરે.’
હવે ભોલો આગળ આવ્યો અને બોલ્યો : ‘હવે થોડું ખાઈ લો. દૂધ અને રોટલી ખેડૂભાઈ ડમરુ આપી ગયો છે. ધ્યાનથી ઊઠીને સાધુ હસતો હસતો આવે છે. મનમાં પ્રભુને નિવેદન કરીને ધીમે ધીમે ખાઈ લીધું.
ભોલાએ કહ્યું : હવે હું ઓસરીમાં સૂઈ જાઉં છું. તમે ઓરડામાં સૂઓ.
સાધુ બોલ્યા : ના, ના તમે અંદર સૂઓ – રાતે અતિથિ આવી શકે. તમને જોઈને નારાજ થઈને કંઈક કરી નાખે. તમે અંદર જાઓ, હું બહાર રહીશ.
રાતના ત્રણ વાગ્યા. ભોલાને કંઈક અવાજ સંભળાયો અને બહાર આવ્યો. ચાંદનીના પ્રકાશમાં સાધુની ધ્યાનમૂર્તિ અને તેમની સામે કાળા સાપનું માથું ઝૂલે છે. ભોલો તો અચરજ પામ્યો. બોલાવે તો સાપ ડંશ મારશે. રહેવા દે, કશું નથી કરવું. જોવા દે અંતે શું થાય છે ? ભોલો ચૂપચાપ બેસી રહ્યો. એક વાર તેને એમ લાગ્યું કે જાણે સાપમાંથી એક પ્રકાશ પથરાય છે. તેનાથી સાધકનાં અંગ જ્યોતિર્મય ઉજ્જવળ લાગે છે. છેવટે સાપ કયાં જતો રહ્યો ! સાધુનું અંગ દિવ્ય જ્યોતિથી ઘેરાઈ ગયું. બીજું કંઈ યાદ રહ્યું નહિ. ભોલો સૂઈ ગયો.
સવારે સાધુના સાદથી ભોલાની ઊંઘ ઉડી. જોયું તો સાધુ સ્નાન કરીને આસન પર બેસવાની તૈયારી કરે છે. મુખ બહુ પ્રસન્ન અને ઉજ્જવળ છે. ભોલાએ પૂછયું: ‘સાપનું શું થયું ? કાલે તો તમારી સામે સાપ ઝૂલતો હતો. વળી એમ લાગ્યું કે હમણાં દંશ દેશે. પછી હું ઊંઘી ગયો.’
સાધુ હવે સ્મિત કરતા બોલ્યા : ‘જો અહિંસામાં પ્રતિષ્ઠિત થાય તો કોઈ પ્રાણી હિંસા કરે નહિ અને એ તો શિવનો સાપ; જોયું નહિ, કેવો ઉજ્જવળ પ્રકાશ ફેલાવતો હતો ?’
– અરે, બાબા ! શિવનો આટલો મોટો સાપ ! તો તમારી પાસે શા માટે આવ્યો હતો ?
· આવ્યો હતો, જેથી મારું ધ્યાન-ધ્યાન વધારે સારું થાય. જુઓ ને કેવો સામે ઊભો રહે. એવી ભંગિમાં બેસીએ તો આપણામાં જે સાપ સૂતો છે તે પણ ફેણ ચડાવીને સીધો થઈ ડોલવા લાગે; તે ડોલે તો બધું જ્યોતિર્મય.
– ઓહો, યાદ આવે છે, તમારી ચારે બાજુ પણ પ્રકાશ જોયો.
– એમ ? હા, હોઈ શકે.
ભોલા હવે સાધુ તરફ જુએ છે. તમારી આવી નાની ઉંમરમાં તમે શા માટે બધું છોડીને ચાલી નીકળ્યા છો ? શું મળે ?
– મળે વળી શું ? મળશે એમ માનીને તો આવ્યો છું. તે આશામાં ને આશામાં દિવસ વીતાવું છું.
– તો તો પછી તમને કોઈ શક્તિ પ્રાપ્ત થઈ છે ? રોગ નિવા૨વો, સમસ્યાનું નિરાકરણ કરવું, અથવા પરીક્ષામાં પાસ કરાવી શકો ? જો આ બધું કરી શકો તો ઘણા લોકોને અહીં બોલાવી લાવું. આ ખેતરમાં મોટો આશ્રમ થઈ જશે.
હવે સાધુ હસે છે.
હું આ બધું કંઈ જ કરી શકું નહિ, કશુંય જાણું પણ નહિ. કેવળ આકાશની જેમ વિરાટ થવા ઇચ્છું છું, તેનું જ ધ્યાન કરું છું. જોતો નથી – કેટલા લાખ લાખ તારા, ચંદ્ર, સૂર્ય, આકાશમાં ઊગે છે, અસ્ત પામે છે, ફરી ઊગે છે ! કેવું ચલાયમાન જીવન આકાશ સ્થિર છે, કાળ ચલાયમાન છે. આ જુઓ, સૂર્યોદયથી દિવસનું ચાલવાનું શરૂ થાય, તે પછી અટકે નહિ. સૂર્ય અસ્ત પામે, તો પણ ચાલતો રહે. અંધારું થાય. આ અંધકારમાં કાલ પણ કાળો થઈને ભળી જાય. આ દિવસ રાતનો પ્રકાશ અને કાલની રમત ! કાલ કેવળ ગતિ કરે – કોઈની પણ અટકીને પ્રતીક્ષા ન કરે. આપણે જ સમયની પ્રતીક્ષામાં રહીએ છીએ. જઈએ, સમય થયો.
ભોલો આ સાંભળીને બોલ્યો : હા, તેથી તમે સમય બગાડયા વગર આખો વખત તે કાળની પાછળ દોડયે જાઓ છો.
સાધુને દિવસરાતનો કોઈ ભેદ નથી. કેવળ ભિક્ષાન્ત એક વાર ગ્રહણ કરે અને અંતરના ગહનતમમાં મન લગાડીને બેસી રહે.
સાધુની કુટિર પાસે એક સીતાફળનું ઝાડ છે; કાળાં કાળાં પાંદડાં, મધ્યમ ઊંચાઈ. ત્યાં કેવળ સવાર સાંજ પક્ષીઓ કલ૨વ કરે.
ભોલો કામકાજ માટે જાય, તેનું ઘર બહુ દૂર છે. વચ્ચે વચ્ચે અહીં આવે. સાધુ પાસે રાત વીતાવે. મનમાં ઇચ્છા કે સાધુસંગ કરું. પરંતુ સાધુ બીજું કંઈ વિશેષ બોલે નહિ. આ રીતે ભોલા આવ-જા કરે, છતાંય સાધુના મનનો તાગ પામતો નથી.
એક દિવસ સાંજે ભોલો ખેતરમાં કામ કરીને તેની પગદંડીએથી થાકયો-પાકયો પાછો ફરે છે. સંસારની ઘાણીનો જાણે બળદ. સાધુ તો હંમેશની માફક ધ્યાનમગ્ન. થોડીવાર પછી સાધુએ આંખો ખોલી. તેમણે ભોલાને જોયો અને બોલ્યા : ભોલા, આજ મને કંઈક ખવડાવી શકીશ ? ભોલો તો અવાક્!
– કેમ, ખેડૂભાઈ ભોજન લાવ્યો નથી ?
– ના, લાવવાની ના કહી હતી, ઇચ્છા થઈ કે સ્મશાન ચિત્તાની આગ પર રાંધેલ થોડો ભાત ખાઉં.
– અરે રે બાબા, સ્મશાન તો ક્યાંય છેટું છે ? આટલી મોડી રાતે ત્યાં કોણ જશે ?
– જાઓ ને, હાંડીમાં થોડા ચોખા છે. બાફીને લાવો.
– ઠીક તો જાઉં છું. રામ, રામ, રામ, રામ. વળી ભૂતનો ભય પણ છે.
– ભય કંઈ નથી. તમે થોડા ચોખા પકાવી લાવો.
ભોલો વાસણ લઈને અંધારામાં સ્મશાન તરફ રવાના થયો. આવીને જોયું. ચિતા ધક ધક સળગે છે. શબને સળગાવીને ડાઘુઓ ચાલ્યા ગયા છે. પરંતુ ચિતા હજુ સારી રીતે ઓલવાણી નથી. હવે તેને ફૂંક મારી અને બે ઇંટો મૂકી તેના પર ચોખા મૂકયા. મનમાં ભોલો વિચાર કરે છે કે સાધુબાબાની તે વળી આ કેવી ઇચ્છા! ભાત લગભગ થઈ ગયા છે, તે વખતે એક હુંકાર સંભળાયો. ભોલાએ ડરથી જોયું, એક દીર્ઘ જટાજૂટધારી પુરુષ.
ભોલાને ઈશારાથી બોલાવે છે અને કહ્યું : ‘પુરન્દર, આ ભાત ખાવા ઇચ્છે છે ? આ લે ઘી પણ લે. આ વખતે તેને સિદ્ધિ મળશે – સમય થઈ ગયો છે. – હવે રહેશે નહિ. પ્રાણ છૂટે ત્યારે અહીં લાવજે. તે એકવીસ દિવસ આસન પર બેસશે પછી દેહત્યાગ કરશે, સમજ્યોને ! હવે તે આકાશની જેમ છવાઈ જશે. જા જલ્દી જા, મોડું કરીશ નહિ.
હતભ્રમ ભોલો હાંડી લઈને રવાના થયો. પાછો આવીને કંઈ બોલ્યો નહિ. સાધુને ભોજન કરાવ્યું. સાધુ જમતાં જમતાં ચમકી ગયો અને પૂછ્યું : ભાતમાં થી કોણે આપ્યું ? બરાબર બતાવ. તે કોને જોયા હતા? ભોલાની આંખમાં આંસુ; પછી બોલ્યો : એક : મહાપુરુષ! કેવી અદ્ભુત મૂર્તિ ! તેણે તમારે માટે ઘી આપ્યું અને..
સાધુ : બીજું શું કહ્યું, કહે ?
ભોલા : એકવીસ દિવસમાં તમને સિદ્ધિ લાભ થશે.
સાધુ : ગુરુદેવ, ગુરુદેવ આવ્યા હતા. ભોલા તે કયાં છે ?
ભોલા : અંધારામાં ચાલ્યા ગયા.
ભોજન થઈ ગયું. થોડો વિશ્રામ કર્યો. ત્યારબાદ પ્રગાઢ રાત્રે જ્યારે શિયાળનો અવાજ સંભળાયો ત્યારે ચૂપચાપ પગલે સાધુ ઘરની બહાર નીકળ્યા.
ભોલો જાગે છે. તેણે જોયું કે સાધુ ગોઠણિયે પડીને ધરતી માને પ્રણામ કરીને કહે છે : મા, મને ક્ષમા કરો. તમારા દાનથી આ શરીર પુષ્ટ થયું છે. આજે એ દેહમાં પરમાત્મા સાથે મિલન થશે પછી તે દેહને પાછો આપીશ. પંચભૂતમાં આ સ્થૂળ શરીર ભળી જશે.
વળી ઊઠીને, આસન પાથરીને, કોઈકને ઉદ્દેશીને સાષ્ટાંગ પ્રણામ કરે છે, પછી હસીને ભોલાને કહ્યું : એકવીસ દિવસ પછી તારી છુટ્ટી; ભલે હવે હું જાઉં.
ધીમા પગલે આસન પર બેઠા. ૐકાર ધ્વનિ ગંભીર થઈને ગંભીરતર થયો.
સાધુ અંતરના ગહનમાં ચિરકાલની માફક ડૂબી ગયો. ભોલો અપેક્ષા કરે છે.
Your Content Goes Here