(ગતાંકથી આગળ)

અમરકંટકના પાવનતમ ક્ષેત્રમાં ચાતુર્માસ વીતાવી હવે દક્ષિણ તટની યાત્રા આરંભી. આરંભના લગભગ સો કિ.મી. સુધીની યાત્રા ઉપરના રસ્તે કરવાની હોવાથી નર્મદાદર્શન-સ્નાન આદિ થતાં નથી. કપિલધારા પછી ઘોર જંગલો તથા તટે યાત્રા માર્ગ ન હોવાથી કિનારે કિનારે ચાલવાનું ઘણું મુશ્કેલ છે. વળી પ્રવાહ પણ એટલો સંકીર્ણ હોય છે કે ભૂલમાં ઓળંગી જવાય. તેથી ઉપરના માર્ગે જ આગળ વધવાનું છે. કોઈ કોઈ સાહસી નર્મદાપુત્ર એકલ દોકલ કિનારે કિનારે પણ જાય છે ખરા! ડીંડોરી નગર આવતાં ‘મા’નું દર્શન પુનઃ થવા લાગે છે. પાસેના ઈમલય ગામે નર્મદાતટે રહેતા વૃદ્ધ સાધુનું આતિથ્ય અને પ્રેમ આશ્ચર્યકારક હતાં. જીવનનો મોટો ભાગ દક્ષિણ ભારતમાં ડૉક્ટર તરીકે રહ્યા હોવાથી તેમણે દક્ષિણ ભારતીય વાનગીઓ જાતે બનાવીને અમને સાગ્રહ જમાડી. અહા! મા નર્મદા વ્યક્તિને કેવી ઉદાર અને પ્રેમાળ બનાવી દે છે! લગભગ એંસી વર્ષની ઉંમરે પણ તેમનો આ ઉત્સાહ સાથે જ પ્રેક્ષણીય-અનુકરણીય હતો.

નર્મદાતટનો માર્ગ કઠિન હોવા છતાં અમે તે માર્ગે આગળ વધ્યા. સંગમસ્થાનોની દિવ્યતા અને રમણીયતાનો આનંદ અનેરો હોય છે. વળી ઉપરનો માર્ગ પકડી કિનારાથી પાંચેક કિ.મી. દૂર આવેલા ‘દેવનાલા’નામે દેવદુર્લભ સ્થાને પહોંચતાં મન મુગ્ધ થયું. વિચિત્રતા પણ જોઈ. વહેતા નાળા પરના પુલ પર થઈને પસાર થવું સામાન્ય છે, પણ અહીં વહેતા નાળા નીચેથી પસાર થયા! ઉપરથી ધમધમ કરતો પ્રવાહ લગભગ સાઠ ફૂટ ઊંચેથી જલકુંડમાં પડે છે, ત્યાં લાંબી-પહોળી ગુફા પ્રાકૃતિક રીતે બનેલી છે. તેની છત મસ્તકને હમણાં સ્પર્શશે એમ લાગે, છતાંય સ્વાભાવિક રીતે ટટ્ટાર ચાલવા છતાં સ્પર્શતી નથી! સાધુ, પરિક્રમાવાસી માટે સદ્ભાવ ધરાવતા વૃદ્ધસાધુની અહીં કુટી છે તેમાં નિવાસ કર્યો.

મધ્યપ્રદેશના બરગીગામ પાસે નર્મદા પર ૪૨૨ ફૂટ ઊંચો બંધ બંધાયો છે. મહારાજપુર-મંડલાથી ઉપરનો જંગલનો માર્ગ પકડવાનો રહે છે. કિનારાનાં ગામો ઉઠાવી લેવાયાં તથા સરોવરનાં પાણીમાં વધ-ઘટ થતી હોવાથી કિનારે ચીકણા કાદવમાં જવાનું મૃત્યુને નોતરવા બરાબર છે. ઉત્તરતટનું પુરાણું નંદિકેશ્ર્વરનું શિવાલય ડૂબી જતાં તેની પુનઃ સ્થાપના તથા નવનિર્માણ આ દક્ષિણતટે ઉંચા ટેકરા પર ડેમના સરોવર પાસે જ કરેલું છે. સમગ્ર સરોવરનો લીલો ભૂરો વિશાળ જળરાશિ અને આજુબાજુના પહાડી જંગલ વિસ્તારનું પ્રાકૃતિક સૌંદર્ય દૂર સુધી નિહાળી શકાય તેવી ઉન્નતભૂમિ પર મંદિરનું નિર્માણ તેના કર્તાની સૌંદર્ય દિષ્ટને છતી કરે છે. આ ભવ્ય મંદિરમાં પુરાણા મંદિરના જ નંદી તથા શિવજીને પ્રતિષ્ઠિત કર્યા છે. આ સ્થાન ખરેખર દર્શનીય છે. મંડલા પાસેનું ‘સહસધારા’નું દશ્ય એટલું આકર્ષક નથી. પૃથ્વી પરથી તો નથી જ નથી! કદાચ આકાશમાંથી વિહંગમદિષ્ટએ અવલોકન કરી શકાય તો કદાચ એનું સૌંદર્ય જોઈ શકાય! ઋતુ અનુસાર તેની રમણીયતા પણ બદલાતી હોઈ શકે! ભેડાઘાટનું સૌંદર્ય આ તટેથી પ્રેક્ષણીય છે. શ્વેત, લીલા, ગુલાબી-રંગના આરસની ઊંડી ખીણમાંથી મા નર્મદા મંદગતિએ વહે છે. અહીંની ભૂમિ આરસમયી છે. અનેક સ્થળે આરસની ખાણો જોવા મળી.

નર્મદાતટના સુંદર શહેર હોશંગાબાદ (નર્મદાપુર)માં નિવાસ સુખદ રહ્યો. તટે સુંદર અને મોટા પાકા ઘાટ, સંધ્યા આરતી દર્શન, અનેક મંદિરો, આશ્રમો પરિક્રમાવાસીને આહ્લાદિત કરી દે છે. ઘાટ પર રાત્રે થતી રોશની તો સ્વર્ગલોકની ઝાંખી કરાવે! યાત્રાપથે કેવલારી નદીના સંગમ સ્થળે ટેકરા પર કોકસર ગામે મા નર્મદાજીની પરિક્રમાનો મહિમા પુન:પ્રતિષ્ઠિત કરનારા આજીવન પરિક્રમાવાસી મહાન સંત શ્રી ગૌરીશંકર મહારાજની જીવંત સમાધિ તથા નર્મદામંદિર છે. પ્રત્યેક પરિક્રમાવાસીએ એમનાં શ્રીચરણોમાં અર્ધ્ય આપવો જ રહ્યો. નાભિવસ્થાન નેમાવરના સિદ્ધનાથની બરાબર સામે આ તટે ઋદ્ધિનાથ બિરાજે છે. આ હંડિયાગામે તટ પર જ અનેક મંદિરો આશ્રમો છે.

અનેક રમ્ય સ્થાનો તથા સુસાધકોનાં દર્શન કરતાં ઓમકારેશ્વર નગરના દક્ષિણતટે આવેલા માર્કંડેય આશ્રમમાં પ્રવેશ કર્યો. સાધુ-સંન્યાસી પરિક્રમાવાસી માટે આ આદર્શસ્થાન છે. મા નર્મદાના સાન્નિધ્યમાં સર્વ સુવિધાસંપન્ન આશ્રમ વિશાળ છે. શ્રીરામાનંદ સરસ્વતી જેવા પ્રતિષ્ઠિત અને વિદ્વાન તેના અધ્યક્ષ છે. અહીંની વિશેષતા છે નિત્ય સ્વાધ્યાય. સ્વામી જી જ્યારે આશ્રમમાં હોય ત્યારે પ્રાચીન આર્યગ્રંથોનો નિત્ય છ કલાક સાધુ-બ્રહ્મચારી સંન્યાસીઓને સ્વાધ્યાય કરાવતા; જે માટે દૂર-દૂરથી જિજ્ઞાસુઓ આવતા. છાંદોગ્ય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, વિવેક ચૂડામણિ તથા યોગવાસિષ્ઠ રામાયણનો સ્વાધ્યાય સમય પ્રમાણે થાય છે. મારી પરિક્રમા દરમિયાન અન્ય કોઈ સ્થળે આવો સ્વાધ્યાય થતો જોયો નથી. ગંગાતટના હરિદ્વારનું સ્મરણ કરાવતા ઓમકારેશ્વરનું સ્થાન અત્યંત પવિત્ર અને રમણીય છે. અનેક આશ્રમો, મંદિરો, સંત-મહાત્માઓ, યાત્રિકો અહીં દષ્ટિગોચર થાય છે. આ દક્ષિણ તટે શ્રી મમલેશ્વરનું જ્યોતિર્લિંગ છે. ઓમકારેશ્વરનું મંદિર બેટમાં હોવાથી પરિક્રમાવાસી ત્યાં જઈ શકે નહિ. પરિક્રમા સમાપ્તિ પછી જ તેમનાં દર્શન થાય છે.

મધ્યપ્રદેશનાં ગામોમાં મહાસુદ સપ્તમીનો ‘નર્મદાજયંતી’ મહોત્સવ ખૂબ જ શ્રદ્ધાભક્તિ અને ધામધૂમથી થાય છે. નેમાવરમાં તો મુખ્ય મહોત્સવ જ તે છે. ઓમકારેશ્વરમાં સાત દિવસનો મહોત્સવ, એક લાખ દીપજ્યોતિ, ગાયન-વાદન, ભંડારો વગેરે થાય છે. ઠેર ઠેર નર્મદાપુરાણની સમાહ કથાઓ યોજાય છે. સાથે જ, ગુજરાત કરતાં મધ્યપ્રદેશના લોકોની નર્મદાભક્તિ પ્રબળ છે. અનેક સ્થળે નર્મદામંદિરો તથા સદાવ્રતો છે. નર્મદા પરિક્રમાવાસી સાધુ-સંન્યાસી હોય તો અત્યંત આદર આપે, ચરણપ્રક્ષાલન કરી પાવન થયાનું અનુભવે.

ઉત્તરતટની તુલનામાં દક્ષિણતટનો માર્ગ ઉતરાણનો હોવાથી સરળ છે. ઉત્તરતટની યાત્રામાં પહાડો ચઢીને ટોચે પહોંચવાનું છે. આ બાજુનાં જંગલ પ્રદેશ ગાઢ નથી. સર્વત્ર વસતિ જોવા મળે છે. નાનાં ગામો વસેલાં છે. ક્યાંક સાગ-પૂર્વનો છેલ્લો મુકામ છે. અહીં વાણિયા-દંપતી સેવા કરે સીસમનાં ગીચ જંગલો છે. તેમાંથી પસાર થવું એ સૌભાગ્ય છે. એકાંત શાંત વાતાવરણમાં પવનના સહેજ સ્પંદનમાત્રથી સાગનાં મોટાં-મોટાં પાંદડાંઓમાં સર૨૨-સરરર ધ્વનિ પેદા થતો હોય છે. વૃક્ષોની ઘટાઓમાં છૂપાયેલાં પક્ષીઓના ચિત્ર-વિચિત્ર છતાં મધુરવર પ્રકૃતિપ્રેમી જનોને આનંદવિભોર કરવા પર્યાપ્ત છે. જંગલોમાં પણ ગાડાવાટ હોવાથી માર્ગ સુગમ રહ્યો.

દક્ષિણતટે શૂલપાણિની ઝાડી ઘણી વિકટ છે. રાજઘાટથી નર્મદાડેમ સુધી ૧૨૦ કિ.મી. જંગલમાર્ગે- તટમાર્ગે ચાલવાનું છે. કેટલાક યાત્રીઓ ઝાડીમાં થતી લૂંટના ભયને કારણે રાજઘાટ અથવા તે પૂર્વેથી ઉપરના માર્ગે સીધા રાજપીપલા કે અંકલેશ્વર ચાલીને ય બસ કે રેલવે દ્વારા પહોંચી જાય છે. અતિ અલ્પ પ્રમાણમાં, તેમાંયે મોટા ભાગે સાધુઓ જ ઝાડીમાં પ્રવેશે છે. મારી ઇચ્છા નર્મદાતટ છોડવાની ન હતી. માની કૃપાનો તરત પરચો મળ્યો! પૂર્વે એકવાર ઝાડીની યાત્રા કરી ચૂકેલા કર્ણાટકના એક બ્રહ્મચારી સાધુનો સાથ મળી ગયો. અમરકંટકથી એક ઉદાસી સંપ્રદાયના પ્રૌઢ સાધુ મારી સાથે હતા જ. આરંભના ભેલખેડી ગામમાં એક પટેલ સાધુ પરિક્રમાવાસીનો સામાન અમાનત તરીકે રાખે છે અને સામા તટે યાત્રી આવી મંગાવે એટલે મોકલી આપે છે. આ સેવા વિનામૂલ્યે થાય છે.

બોરખેડી ગામની દુકાન ઝાડી ખરેખર શરૂ થાય તે છે. ધીમે-ધીમે અમારી સંખ્યા સાતની થઈ. અહીંથી આગળ જતાં પ્રથમ જ લૂંટારાઓનો પ્રદેશ છે. અમે અહીં મુકામ કર્યો ત્યારથી જ આજુબાજુના રહેવાસીઓએ અમારું નિરીક્ષણ કરવા માંડ્યું હતું. અમે પણ અમારી પાસે હતું તેનો ઉપયોગ કરી ‘શાનદાર’ ભોજન બનાવી જલસો કર્યો અમારી પાસેની વસ્તુઓની અદલા-બદલી પણ કરી. દા.ત. મારો સ્ટીલનો પ્યાલો આપીને મેં વળાંકવાળી લાકડી લીધી! બીજાએ તપેલી આપી તુંબડી લીધી! બપોરે વિશ્રામ કર્યા પછી આગળ વધવા અમે સજ્જ થયા- લૂંટાવા માટે પણ!

એક ગામ વટાવી ફુલીગામ પાસે આવતાં, માર્ગમાં કુહાડીધારી એક ભીલે અમને રોક્યા તથા બેસી જવા કહ્યું. સામે બેઠેલા તેણે અમારું નિરીક્ષણ કરતાં ચૂનો તમાકુ તૈયાર કરી અમારી સામે ધરી લેવા માટે કહ્યું! આશ્ચર્ય! લૂંટારો અમારું સ્વાગત કરે છે! અમે પણ સ્વસ્થ રહી તેની સાથે વાત ચલાવી. થોડી ક્ષણો પછી તેણે બ્રહ્મચારીની શાલ ઊતરાવી લૂંટારંભ કર્યો! અમારા થેલાઓ ઝડપથી ફેંદી નાખી તેમાંની વસ્તુઓ કબજે કરી. મારો કંબલ તથા સ્વેટર લઈને તે રાજી થતો દેખાયો! એટલામાં બીજા લૂંટારાઓએ આવી બાકી રહેલી વસ્તુઓ ઝડપવા માંડી. મારાં તથા ઉદાસી સાધુનાં કપડાં ભગવા રંગનાં હોવાથી તેણે ઊતરાવ્યાં નહીં. બીજા બે જણનાં સફેદ વસ્ત્રો લઈ લીધાં. તેઓની પાસે માત્ર કંતાન જ રહ્યાં- પહેરી શકાય કે ઓઢી શકાય ખરાં! ‘લૂંટ થવાની છે’ એ જાણતા હોવાથી કોઈને કશો ભય લાગ્યો નહીં. લૂંટારાઓ ગયા એટલે અમે હસતાં-હસતાં ઊભા થઈ કુલીગામમાં થઈને કિનારે આવી ગયા. થોડું ચાલ્યા ને સામા કિનારેથી ડોંગીમાં આવેલા બે યુવકોએ અમને રોકી વધ્યું-ઘટયું ખૂંચવી લીધું! મારી સાથેના બે જણ તો હવે ‘કૌપીનવંતઃ ખલુ ભાગ્યવંતઃ’ ઉક્તિ પ્રમાણે ભાગ્યશાળી થયા! પાત્રોમાં અગાઉથી જ તુંબડી ને ડબલાં રાખ્યાં હતાં જે કોઈ લેવાનું ન હતું! મા નર્મદાને મનોમન વંદન કરી પ્રાર્થના કરી- હે મા! અમને ભૌતિક રીતે તેં નિર્ભાર કર્યા છે તે જ રીતે અમારા જન્મજન્માંતરનો સર્વભાર કૃપા કરીને હરી લો! અમને માત્ર આપનાં શ્રીચરણોની નિર્ભરાભક્તિ પ્રદાન કરો! લૂંટારાઓથી ડરવાની જરૂર નથી. માત્ર તેમની સાથે બોલાચાલી, ખેંચાખેંચી, મારામારી કે નાસભાગ કરવાં નહિ. તેમના પ્રદેશમાં તમારો પરાજય નિશ્ચિત છે- ઈતિ લૂંટપ્રકરણમ્ ॥

મા નર્મદાના કિનારે ચાલવાનો આનંદ કાંઈ ઓર જ બન્ને તટે બસ પહાડો જ પહાડો. એકની પાછળ બીજા ડોકિયું કરતા ઊભા જ છે. જેમ આગળ વધો તેમ નવાં ને નવાં શિખરો દેખાય. જાણે કે પર્વતોની અનંત શૃંખલા! સ્વાભાવિક રીતે જ નગાધિરાજ હિમાલયની અનંત અસંખ્ય ગિરિમાળાઓનું સ્મરણ થાય. પથ્થરો ને ખડકોમાંથી વહેતાં ભૂરાં-નીલાં જળ તો અતિ આકર્ષક. ક્યાંક તદ્દન શાંત અને ગંભીર, તરંગ પણ નહીં- જાણે કે ચકચકિત દર્પણ! સામા તટનાં વૃક્ષોની તેમાં દેખાતી છાયાની ઝલક મનને મુગ્ધ કરી દે! ક્યાંક ખળખળ અવાજ કરી શ્રવણને નિનાદથી ભરી દે! સ્થળે સ્થળે ઊભા રહી જઈને પ્રકૃતિની વિધવિધ છટાઓ માણવાની અદમ્ય ઇચ્છા થયા કરે. શૂલપાણિની ઝાડીમાં પ્રવેશો નહીં તો આ બધું કુદરતી સૌંદર્ય પામી ન શકો. અલબત્ત, હવે જંગલો બચ્યાં નથી, ઝાડી યે નથી, માત્ર પહાડી છે! માર્ગ અત્યંત દુર્ગમ જરૂર છે. અનેક નાના-મોટા, ગોળ, ધારદાર પથ્થરોમાં વારંવાર છે. પસાર થવાનું આવે-પહાડ પર ચઢવા- યા–ઊતરવાનું પણ ખરું જ!

(ક્રમશ:)

Total Views: 221

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.