યુગચેતનાની યુગભેરી વગાડનાર અને વિશ્વ ઉપર વિશ્વબંધુત્વનો વાવટો ફરકાવનાર સ્વામી વિવેકાનંદજીને હૈયે ભારતના ભવ્ય ભૂતકાળની અસ્મિતા કંડારાઈ ચૂકી હતી. સમગ્ર એશિયાના ફલક ઉપર પથરાયેલ જંબુદ્વીપ, ભરતખંડની પાંખો દુર્દેવે કપાતી રહી. વેદકાલીન વારસો નબળા હાથોમાં સચવાયો નહિ. વિદ્યા, જ્ઞાન અને ઐશ્વર્યના પ્રહરીએ જ ગુલામીની ઝંઝીરો પહેરી. વર્ષો સુધી સોને કી ચિડિયા છટપટાતી રહી. યુગધર્મને ચાતરીને પ્રજા કુબુદ્ધિ, ક્લેશ અને કુછંદે ચડીને સામૂહિક વિનિપાતના આરે આવીને ઊભી રહી. ભગવાન રામ અને કૃષ્ણના વારસદારો અંધશ્રદ્ધા, અજ્ઞાન અને અછતની પછડાટો ખાઈને જીર્ણશીર્ણ બનતા રહ્યા.

મેધાવી પ્રજ્ઞાના તેજપુંજ સમા વિવેકાનંદજીએ માત્ર વસવસો કે અરણ્યરુદન કરીને વિરમી ન રહેતાં કુરુક્ષેત્રના પંચજન્યમાં ફરી પાછી ફૂંક મારી. આવનાર યુગની સવારનાં તેજિકરણોની ઝલક સ્વામીજીએ નિહાળી હતી. અનેક બલિદાનો ખાતર પૂરીને ઊભી થયેલ ભૂપૃષ્ઠ પર આધ્યાત્મિક માનવીય મૂલ્યોનો મોલ લહેરાવા આ કર્મઠે ભેટ બાંધી હતી. એને જોતા’તા માત્ર સો યુવકો કે જે ફનાગીરીનું કફન અને સમર્પણનું ખાપણ બાંધીને દેશ પર ન્યોછાવર થવા તૈયાર હોય.

ઘટમાં ઘોડા થનગને
ને આતમવીંઝે પાંખ,
આજ અણદીઠેલી ભોમ પર
યૌવન માંડે આંખ.

માત્ર સ્વપ્નો જ નહોતાં વાવવાં પણ પારકી છઠ્ઠીના જાગતલ વ્યક્તિ; સમાજ, રાષ્ટ્ર અને વિશ્વની ખેવના જેને કાળજે કંડારાઈ ગઈ હોય તેવા યુવકો દ્વારા નવચેતના, નવસર્જન દ્વારા ભારતનો કાયાકલ્પ કરવા કટિબદ્ધ હતા. શાબ્દિક તાતાં તીરો દ્વારા એને યુવકોને આહત કર્યા, કુંભકર્ણી મનોદશામાંથી ચૈતન્યની અંજલિ છાંટીને આળસ મરડીને ઊભા થયેલા એક એક યુવાનને કીધું: ‘ઊઠો જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’

ઉપનિષદની ભૂલાયેલી રણભેરીમાં સ્વામીજીએ પ્રાણ ફૂંક્યા. ભારતના યુવાનો પાસે સ્વામીજીએ રાખેલી અપેક્ષાઓ યુવાવર્ગ પૂર્ણ કરી શક્યો છે? આ યક્ષપ્રશ્ન આજે આપણી સામે ઊભો છે.

સ્વામીજીના ભારતભ્રમણ દરમિયાન એક શક્તિસંચાર પ્રસર્યો. અનેક સંસ્થાઓ સ્થપાઈ, સુષુપ્ત જનપદ જાગી ઊઠ્યા. એક અકિંચન પરિવ્રાજક સંન્યાસીમાં ભારતનું ભાવી દેખાયું. ઘર કરી ગયેલી જડતા, યમનિયમના જડબેસલાક ચોકઠામાં ગુંગળાતા વૈશ્વિક ધર્મનાં જકડાયેલાં અંગોમાં સળવળાટ થયો. આઝાદી પૂર્વે અને પછી એની વ્યાપક દૂરગામી અસરો થઈ. દેશ અને દુનિયાના નક્શાઓ બદલાયા. છેલ્લાં સો વર્ષોમાં ન જોયેલ મિડિયાનો પ્રચાર પ્રસરતો થયો. વિદેશી પ્રવાસીઓ અને વ્યાપાર વધ્યા. દિન-પ્રતિદિન કહેવાતી આધુનિકતા અને પ્રગતિની ભ્રામકતાએ ભરડો લીધો. કંઈક મળ્યું તેના કરતાં આપણે ગુમાવ્યું ઘણું. ઉપલકિયા શિક્ષણ, ટકાવારીની રેસ, દેખાદેખીનું આંધળું અનુકરણ, અનેક ખર્ચાઓ કર્યા પછી પ્રાપ્ત થતી ડીગ્રીઓ.

શિક્ષિત અને અશિક્ષિત વચ્ચે અદૃશ્ય ખાઈ પડી ગઈ. ભ્રામક અને દિશાવિહીન અવસ્થાનો ભોગ યુવક બન્યો. વ્યવહારુ શિક્ષણના બદલે પુસ્તકિયા જ્ઞાનનો વ્યાપ વધ્યો. બેકારી વધી, આવકનાં સાધનો ઘટ્યાં. હતાશા અને હાર ખાધેલો યુવાન વ્યસનોના રવાડે ચડ્યો. ગરીબી, રહેઠાણોની સંકડાશ અને અસ્વચ્છતા પહેલેથી જ હાજર હતાં. આઝાદી પછી સેવેલાં સમણાંઓ માત્ર સમણાંઓ જ રહ્યાં. માંયકાંગલા અને શરીર મનથી દુર્બલ યુવાનો સાંસ્કૃતિક આક્રમણોનો ભોગ બન્યા. સીલસીલો ચાલુ રહ્યો, ચાલુ જ રહેશે?

ના, દિશાઓમાં પડઘાતા પડકારા હજુ સંભળાય છે. સ્વામીજીની ચેતના એક યુગપ્રવર્તક હતી. ભૂલા ભટકેલા યુવાનોને આજે પણ આહ્‌વાન આપે છે. આ જુઓ, સાંભળો એ પ્રાણતત્ત્વની ગળથૂથી પાનારા શબ્દો:

મારા નવયુવાન મિત્રો! બળવાન બનો. હું પ્રત્યેક વ્યક્તિને આ એક પ્રશ્ન પૂછું છું. તમે બળવાન છો? તમને બળની અનુભૂતિ થાય છે. હું જાણું છું કે કેવળ સત્ય જ મનુષ્યને બળવાન બનાવે છે. બળ એ દુનિયાના રોગનું ખરું ઔષધ છે. બળ એટલે જીવન નિર્બળતા એટલે મૃત્યુ. બળ એટલે સુખ, શાશ્વત, અમર જીવન. નિર્બળતા એટલે સતત તાણ, યાતના, નિર્બળતા એટલે જીવનનો ક્ષય.

સ્વામીજીએ આપેલ અભય વચનો દ્વારા આવો આપણે ફરી પાછા ઊભા થઈએ. બદલાતા પ્રવાહ, પરિસ્થિતિથી અને પવનની વચ્ચે અડીખમ ઊભા રહીને, આત્મસન્માનથી, આત્મગૌરવથી ખુલ્લા આકાશ નીચે આપણે ઉદ્ઘોષ કરીએ કે અમે અમૃતનાં સંતાન છીએ, ખાધેલી પછડાટોની ધૂળ ખંખેરીને ખુમારીથી, ખંતથી, ખભ્ભે-ખભ્ભા મિલાવીને લો આ માંડ્યાં કદમ વિજય પથ પર અમે.

સ્થૂળ શરીરે નહિ પરંતુ અક્ષરદેહે સ્વામીજી આપણી વચ્ચે જ છે. સામૂહિક ઉત્થાનના આ પર્વે આપણે સાબિત કરીશું આપણી જાતને. યુવાનો એકી અવાજે પ્રતિજ્ઞાથી પ્રતિબદ્ધ બનીને કહેશે કે સ્વામીજી આપની અપેક્ષા અને આશાઓ પૂરી કરીશું પ્રાણના ભોગે.

નવભારતના યુવાનોને નિર્દેશ કરતા માર્ગદર્શક પથ અને પ્રકલ્પો

ધ્યેય: મનુષ્ય બનો. મનુષ્યત્વનું સંવર્ધન કરો. જન્મથી મૃત્યુ સુધીના કાળખંડમાંથી વ્યક્ત થતું આદર્શ જીવન કે જે ચારિત્ર્ય ઘડતર દ્વારા જનની જન્મભૂમિના ગૌરવને વિશ્વકલ્યાણના ભાવ સાથે પ્રતિષ્ઠિત કરતું રહે. વ્યક્તિના વિકાસ દ્વારા જ રાષ્ટ્રવિકાસ કે વિશ્વવિકાસ કરવાનો રહે છે. અને એના માટે જરૂરી છે આવશ્યક ગુણોની. જેમાં પ્રથમ-

આત્મશ્રદ્ધા: આંતરિક શ્રદ્ધા અને ભીતરની દિવ્યતાજવ્યક્તિત્વ વિકાસની આધારશિલા છે. પ્રથમ આત્મશ્રદ્ધા અને પછી ઈશ્વરશ્રદ્ધા સ્થાપિત કરવી રહે. જો કોઈ દૃઢપણે એમ માને કે પોતે આત્મસ્વરૂપ છે, નહિ કે દેહ-મન; તો એ પોતાના દેઢ ચારિત્ર્ય દ્વારા સારી વ્યક્તિ બની જશે.

રચનાત્મક વિચારોનું મનન કરો: દૃઢ ચારિત્ર્ય માટે ભીતરની દિવ્યતા પર આધારિત પૂર્ણ અને વિધેયાત્મક વિચારો આવશ્યક છે. સત્કર્મ કર્યે જ જાઓ, નિરંતર પવિત્ર વિચાર કરો. નબળા સંસ્કારોને દબાવવાનો એક માત્ર ઉપાય એ જ છે..… ચારિત્ર્ય એટલે પુનરાવર્તન પામેલી ટેવો, અનિર્ણાયકતાથી આવેલી નબળાઈઓને સ્વામીજી વખોડતાં કહેતા કે પોતાની જાતને નિર્બળ કે બીજાને દુર્બળ માનવા એ જ એક માત્ર પાપ છે.

નિર્બળતા અને ભૂલો પ્રત્યે આપણું વલણ: હજારવાર નિષ્ફળ જવા છતાં પોતાના આદર્શોને ન છોડવા. આ વાત દેઢતાથી કહેતા કે ક્યારેય જૂઠું ન બોલતી અચેતન દિવાલોની જેમ નિષ્પ્રાણ જીવન જીવવા કરતાં ભૂલો કરીને શીખતો માણસ શ્રેષ્ઠ છે.

સ્વાવલંબન: માણસ પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા છે. સ્વામીજીએ કહ્યું છે, આપણે જે છીએ એને માટે આપણે જ જવાબદાર છીએ. અને જે થવાની ઇચ્છા હોય તે થવાની શક્તિ આપણામાં રહેલી છે.

ત્યાગ, સમર્પણ અને સેવા: ચારિત્ર્ય વિકાસ સાધવા માટે સ્વામીજીએ નિઃસ્વાર્થ સેવાને સર્વોપરિ સાધન ગણ્યું છે. કર્મફળની ઇચ્છાના ત્યાગને અને સ્વાર્થવૃત્તિના ત્યાગને સ્વામીજીએ આપણા રાષ્ટ્રના જોડિયા આદર્શરૂપે માન્યા છે. સ્વામીજી કહે છે: ભારતનો રાષ્ટ્રિય આદર્શ છે ત્યાગ અને સેવા. એ દિશામાં એને પ્રબળ બનાવવો એટલે બીજું બધું એની મેળે ઠીક થઈ રહેશે.

દરેક નાગરિકની નૈતિક ફરજના ભાગરૂપે, નિષ્ઠાપૂર્વક પ્રતિજ્ઞાપત્રની પ્રતિબદ્ધતા હોવી જરૂરી છે.

સ્વદેશ મંત્ર: ભારતવાસી! માત્ર આમ બીજાઓના પડઘા પાડીને, બીજાઓનું આવું અધમ અનુકરણ કરીને, બીજાઓ ઉપર આધાર રાખીને, આ ગુલામને છાજતી નિર્બળતાનું, આ અધમ અને તિરસ્કારપાત્ર ક્રૂરતાનું પાથેય લઈને શું તું સંસ્કૃતિ અને મહત્તાના સર્વોચ્ચ શિખરે પહોંચવાનો છે? તારી આવી શરમભરી કાયરતાથી બહાદુરોને અને શૂરવીરોને જ લાયક એવું સ્વાતંત્ર્ય શું તું મેળવી શકીશ?

ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્યદેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વસ્વ-ત્યાગી ઉમાપતિ શંકર છે; તું ભૂલતો નહિ કે તારું લગ્ન, તારી સંપત્તિ, તારું જીવન ઇંદ્રિયોના ભોગવિલાસને માટે નથી, તારા વ્યક્તિગત અંગત સુખને માટે નથી; તું ભૂલતો નહિ કે તારો જન્મ જગદંબાની વેદી પર બલિદાન થવા માટે થયો છે; તું ભૂલતો નહિ કે તારી સમાજવ્યવસ્થા અનંત વિશ્વવ્યાપી માતૃત્વનું પ્રતિબિંબ માત્ર છે; તું ભૂલતો નહિ કે ભારતનો હલકો વર્ગ, અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, અભણ ભારતવાસી, ભારતનો ચમાર, ભારતનો ઝાડુ મારનારો ભંગી સુદ્ધાં તારા રક્તમાંસનાં સગાંઓ છે, તારા ભાઈઓ છે. હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા, અને અભિમાન લે કે તું ભારતવાસી છે, અને ગર્વપૂર્વક ગર્જના કર, કે હું ભારતવાસી છું, પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે.’ તું પોકારી ઊઠ કે, ‘અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, કંગાલ ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી, અંત્યજ ભારતવાસી, દરેક ભારતવાસી મારો ભાઈ છે!’

તારી કમ્મર પર પહેરવા ભલે માત્ર એક લંગોટી જ રહી હોય, તો પણ ગર્વપૂર્વક ઉચ્ચ સ્વરે તું ઘોષણા કર કે, ‘ભારતવાસી મારો ભાઈ છે, ભારતવાસી મારું જીવન છે, ભારતનાં દેવદેવીઓ મારા ઈશ્વર છે; ભારતનો સમાજ મારીબાલ્યાવસ્થાનું પારણું છે, મારા યૌવનનું આનંદવન છે, મારી વૃદ્ધાવસ્થાની મુક્તિદાયિની વારાણસી છે.’ ભાઈ! પોકારી ઊઠ કે ભારતની ધરતી એ મારું સર્વોચ્ચ સ્વર્ગ છે. ભારતનું કલ્યાણ એ મારું કલ્યાણ છે.’ અને અહોરાત્ર પ્રાર્થના કર કે, ‘હે ગૌરીપતે, હે જગજ્જનની અંબે! તું મને મનુષ્યત્વ આપ! હે સામર્થ્યદાયિની માતા! મારી નિર્બળતાનો નાશ કર, મારી કાયરતાને દૂર હટાવ! મને મર્દ બનાવ!’ (૪ઃ૧૪૧-૧૪૨)

સમગ્ર વિશ્વની નજર આજે પૂર્વ તરફ મંડાયેલી છે. એને આશા છે કે માનવજાતનું કલ્યાણ આ દિશાએથી જ નક્કી થશે. સ્વામી વિવેકાનંદજીનો વિશ્વાસ હંમેશાં અખંડ રહેશે. આવનાર જવાબદારીઓ વેંઢારવા મજબૂત હાડકાંઓની જરૂર પડશે. તેના માટે હજારો યુવાનોની જરૂર પડશે. જરૂર પડશે તેને દિશાસૂચન કરતા માર્ગદર્શકોની, નિયમોની, યોગ્ય આહાર પોષણની, તન અને મનના સ્વાસ્થ્યની, અંદરની ઉદારતાની અને બાહ્ય સજ્જતાની, એક અડીખમ સૈનિકની ગિસ્તની. આવતા અંકે એ અંગેની વિસ્તૃત પથપ્રદર્શક રૂપરેખા રજૂ કરીશું.

Total Views: 216

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.