શ્રદ્ધાનો દીપ
તે એક સાધારણ નારી હતી પરંતુ તેની શ્રદ્ધા પૂર્ણ હતી અને તે શ્રદ્ધાના બળે તેના જીવનમાં અશક્ય જણાતી ઘટના વાસ્તવિક બની.
શબરી! ભારતીય પ્રજા શબરીની કથા જાણે છે. જંગલમાં નાની શી ઝૂંપડીમાં પ્રભુ રામની પ્રતીક્ષા કરતી એક ઘરડી સ્ત્રીના રૂપે તે આલેખાયેલી છે.
શબરી એક સરળ બાળા હતી. તેને વાંચતાં લખતાં આવડતું નહિ, તે એક ભીલ કન્યા હતી. ભક્તિ અને સેવા તેનાં કવચ હતાં. બાલ્યાવસ્થાથી તેણે પોતાનું જીવન વૃક્ષો, પક્ષીઓ અને પ્રાણીઓ વચ્ચે વીતાવ્યું હતું. ગુફાઓમાં કે નાની ઝૂંપડીઓમાં તપ કરતા ઋષિ મુનિઓની તેણે ઘણાં વર્ષો સુધી સેવા કરી. તે તેમના માટે લાકડાં, ફળ, પાણી લાવતી. શબરી આવા પવિત્ર લોકોની સેવાના કાર્યો કરતાં મોટી થઈ. તેની પોતાની કોઈ મહત્ત્વાકાંક્ષા કે ઇચ્છા ન હતી. જંગલના એક પંખીની પેઠે તે જીવતી હતી. તે એનાથી સંતુષ્ટ હતી.
શબરીના અનન્ય સેવાભાવથી ઋષિઓ તેના ઉપર પ્રસન્ન રહેતા. તેઓમાંના એકે તેને આશીર્વાદ આપતાં કહેલું, ‘બેટા શબરી, તું એક વિશુદ્ધ આત્મા છો. તારું સમર્પણ અનન્ય છે. એક દિવસે શ્રીરામ અહીં આવશે અને તને આશીર્વાદ આપશે.’ આ શબ્દો હતા એક ષિના અને શબરીને એમાં પૂરેપૂરી શ્રદ્ધા હતી.
શબરીનું મન નાના બાળક જેવું પવિત્ર હતું. તેને નહોતી કોઈ શંકા કે નહોતા કોઈ પ્રશ્નો, હતી કેવળ બાળક જેવી આસ્થા. એકવાર ઋષિએ કહ્યું કે શ્રીરામ આવશે તો તેઓ આવશે જ તેવી તેને પૂર્ણ ખાતરી હતી. શ્રીરામ ક્યારે
આવશે તે વિશે તેને ખબર ન હતી. આમ તે જાણતી ન હતી કે એ મંગલ દિવસ ક્યારે ઊગશે, પણ તેણે તૈયારીઓ આદરી દીધી. શ્રી રામ અચાનક આવે અને તેઓને અર્પણ કરવા જેવું કંઈ ઘરમાં ન હોય એમ તો કેમ બને? એટલે શબરી કામે નીકળી પડતી.
તે પોતાની નાની શી ફિટર સાફસૂથરી રાખતી. દરરોજ વહેતાં ઝરણાંનું પાણી ભરી લાવતી. તે પોતાના ઘરની વસ્તુઓ- કપ, બરણી વગેરે સ્વચ્છ રાખતી. શ્રીરામ પધારે તો બેસાડીશ ક્યાં? ઓહ, એમને સખત પથ્થર ઉપર કે જમીન ઉપર નહિ બેસાડાય. તેથી તે નરમ ઘાસ લઈ આવતી અને તેના આસન બિછાવતી. એમને હું શું ખવડાવીશ? આહ ! જંગલનાં તાજામાજા ફળ. એથી તે જંગલમાં ફરી ફરીને ઋતુઋતુનાં ઉત્તમ ફળો એકઠા કરી પોતાની ઝૂંપડીમાં લાવતી. શબરી પરમાત્માને સમર્પિત તપસ્વિની બની ગઈ હતી.
દિવસોદિવસ તાજા ફ્લફળ વીણતી, તાજા ઘાસપાન તોડતી આમતેમ ફરતી શબરીનાં સુંદર ગીતો જંગલમાં બધે પડઘાયા કરતાં. પંપા સરોવર જે બાજુમાં જ વહેતું હતું જાણે કે તે તેના ગીતોનો પ્રતિઘોષ પાડતું રહેતું. ફળો એકઠાં કરતાં તે વિચારતી ફળમાંથી કોઈ ખાટાં નીકળશે તો? મારા રામના ખાવામાં આવાં કોઈ ફળ આવી જાય તો તેમને કેટલું કષ્ટ થાય? તેથી તે દરેક ફળ ચાખતી. આ તેનો નિત્ય ક્રમ હતો. તેના નિર્દોષ હૃદયમાં શંકાને કોઈ સ્થાન નહોતું. એકમાત્ર વિચાર હતો. શ્રીરામનો અને જો તેમનું અચાનક આગમન થાય તો તેમને કઈ રીતે પ્રસન્ન કરવા. તેથી તેનો પ્રત્યેક દિવસ રામની સેવા માટેની તૈયારી કરવા માટે શરૂ થતો. કોઈ પણ ક્ષણે રામ પધારે તો તે તૈયાર જ હતી. અને તે ઝૂંપડીના દ્વારે બેસીને તેમની રાહ જોયા કરતી. આ અવાજ શાનો છે? શું કોઈ પાન પર ચાલીને આવી રહ્યું છે? ઓહ, શું મારા રામ આવી રહ્યા છે? શબરી જોવા માટે ઊભી થતી. ના, ના, એ રામ નથી. દિવસોના દિવસો આ રીતે વિચારોમાં વ્યતીત થયા. તેનું જીવન રામમય હતું, તેનું ધ્યાન રામમય હતું, તેનો શ્વાસ રામમય હતો.
વર્ષોનાં વહાણાં વીત્યાં અને શબરી હવે ઘરડી સ્ત્રી બની ગઈ. છતાં એક પણ દિવસ રામના સ્વાગતની તૈયારી કરવાનું ચૂકી નહિ. કયારેક એક પણ દિવસ તેને વિચાર માત્ર આવ્યો નહિ કે ઋષિના શબ્દો ખોટા હોય શ્રદ્ધા પહાડોને પણ ખેસવી શકે છે. જેટલું સરળ હૃદય, જેટલી અટલ શ્રદ્ધા એટલી અનહદ ઈશ્વરકૃપા.
આખરે એની જીવનભરની તપશ્ચર્યા ફળી. શબરીની આંખો જેની પ્રતીક્ષામાં મંડાયેલી રહેતી એણે જોયું કે બે દેદીપ્યમાન સૂર્ય ચાલતાંચાલતાં એની ઝૂંપડીની દિશામાં પગ માંડી રહ્યા હતા. બધું જ તેજમય પ્રકાશિત થઈ : રહ્યું. શું ખરેખર જે જોઈ રહી હતી તે સત્ય હતું? તે વિસ્મિત થઈ રહી. એક ક્ષણ તે ગૂંચવાઈ ગઈ પરંતુ તરત જ તે પામી ગઈ કે વર્ષોની પ્રતીક્ષા હવે ફળીભૂત થઈ હતી. તેના હૃદયે સાક્ષી પૂરી કે તેની ઝૂંપડી તરફ આવતા હતા તે શ્રી લક્ષ્મણની સાથે પધારતા બીજા કોઈ નહિ પરંતુ પોતે શ્રીરામ હતા. શબરીના આનંદની કોઈ કલ્પના પણ કરી શકે નહિ.
પ્રકાશવંત અને કરુણાવતાર એવા સાક્ષાત્ રામ અને લક્ષ્મણ ત્યાં હાજરાહજૂર હતા. અને કેવો અપાર વાત્સલ્યનો ધોધ વહાવ્યો કૃપામૂર્તિ શ્રીરામે તેની આ સમર્પિત ભક્ત નારી ઉપર ! તે જે કંઈ પીરસતી હતી તે આરોગવામાં રામ ધરાતા ન હતા, અને શબરી પણ તેઓને પીરસવામાં ધરાતી ન હતી ! દરેક ફળ ચાખતી જાય, અને મીઠા ફળ રામ અને લક્ષ્મણને પીરસતી જાય. પૂર્ણ આનંદથી તેઓએ શબરીએ ધરેલું ભોજન આરોગ્યું. શ્રેષ્ઠ ફ્લો તેઓના ચરણકમળમાં અર્પણ કર્યાં, ઉત્તમ ફૂલહાર પહેરાવ્યો, અને તેઓની સેવા કરતાં ધરાઈ જ નહિ.
રામે શબરીને દિવ્ય જ્ઞાન અને અમરતાના આશીર્વાદ આપ્યા. શ્રદ્ધા અને સેવાથી શબરીને ઈશ્વરકૃપા પ્રાપ્ત થઈ. અનન્ય ભક્તિભાવના ઉત્તમ ઉદાહરણોમાં આજે પણ તેનું સ્મરણ કરવામાં આવે છે.
Your Content Goes Here