કહે છે કે ક્યારેક અહીં ઋષિ સરભંગના બેસણાં હતાં. ચેતનાના ચેતવેલ ધૂણા ઉપર સમયની રાખના ઓથાર ઊતરી આવ્યા. ચૈતન્યની ચિનગારીનો ભારેલો પાવક અગ્નિ પ્રજ્વલિત રહ્યો યુગો સુધી; ઋષિએ ચીંધેલા સેવા, સત્સંગ અને સમર્પણના માર્ગ પર ચાલનારની કાળ રાહ જોતો હતો.
પચ્છમની દિશાએથી ઊઠેલો, ઘૂંટાયેલો ‘જી નામ’નો ઘોષ દિશાઓને ચીરતો ગરવા ગિરનારના ખોપડા સાથે અથડાયો. ભાટી રાજપૂતે ભેખ લીધો અને મેકરણ નામ ધર્યું. ખભે સેવાની કાવડ લઈને ગરવા દત્ત મા’રાજના થડે આવવા નીકળ્યો હતો. જેતપુર વળોટીને ભેંસાણના સીમાડે પુગતા સુધીમાં તેના પગ પરબની ધરતીએ ખોડાઈ ગયા. ખડકાયેલી કાળની છિપરોની નીચે લબકારા લેતી ધૂણાની આશકાએ મહાયોગી મેકરણને રોકી લીધો. વિસરાયેલી જગ્યામાં પ્રાણ પૂરાયા. નવનાથના બેસણાની દૃશ્યે હાથ જોડીને અઠે દ્વારકા કરી. લોબાન અને ગુગળની ધૂમ્રસેરોની સાથે રોટલા અને ઓટલાના સેવા ધર્મનો રંગ દેદીપ્ય બની રહ્યો. કાળ મા’રાજની ભઠ્ઠીમાં સમય ઓરાતો રહ્યો.
મુંજિયાસરના જીવા રબારી અને સાજણબાઈની કૂખે ઈ.સ. ૧૭૨૫ના ઉત્તરાર્ધે દૂધે ઝબોળેલ એક દૈવતવાળા દીકરાનો જનમ થયો. દેવે દીધો હતો, બાપે એનું નામ દેવો પાડ્યું. જોત જોતામાં તો દેવો કિશોર અવસ્થાએ પહોંચ્યો. પરંપરાના સંન્યાસીઓ કે આચાર્યો જેમ શિષ્યને દીક્ષાદંડ ગ્રહણ કરાવે, બસ એમ જ ગોલોકમાંથી ઉતરી આવેલ ગોપાલકો પોતાના સંતાનને લાકડી અને કામળી આપતાં રહ્યાં છે. લાકડી તો ગવતરીને કોઈ કનડે નહીં એના માટે હતી; પણ કામળી પાંભરી કે પછેડીના પાલવથી ગાયોને વગડો ચરાવતા રહ્યા. આકાશના અગમના ભેદને ઊકેલવા મથતી દેવાની સજળ આંખોમાંથી જીવનની અધૂરપનાં આંસુ સરી પડતાં. પો’રો ખાવા બેઠેલી ગાયો સાથે એ ગોઠડી માંડતો.
એ માવડીઓ! મું રાંકને કંઈક મારગ તો ચીંધો! મનખા દેહ ધરીને મારા આંટાને સાર્થક થાય એવા આશિષ આપો. ફોગટના ફેરા ક્યાં સુધી? અને આવી કંઈક કાલીઘેલી ભાષામાં નિર્વાણ કે મોક્ષમાર્ગના માપ નીકળી જતા.
એવામાં એક ઘટના બની, ગામના એક સુખી પરિવારના એક આદમીને રક્તપિત્ત થયો. હજુ ગઈ કાલ સુધી જેનો બોલ કોઈ ઉથાપતું નહીં, લોક જેની હા જી હા કરતું, કુટુંબનો આંબો જેની પર ઊભો સૂકાતો એવા જાજરમાન ખોરડે એને જાકારો દીધો. રક્તપિત્ત થાય એને અભિશાપ માનવામાં આવતો, કોઈ દવા નહોતી, કોઈ આરોવારો નહીં, કુટુંબકબીલો એને ત્યજી દેતું, કાં દરિયાદેવના ખોળે જળચરોને હવાલે કે પછી રણની કાંધીએ ઝાખી જનાવરોને ભરોસે એને રેઢાં મૂકી દેતા. મમતાના બંધને ક્યારેક કોઈ પ્રિયજન એને સાચવવા હળુંબા કરતું ત્યારે નાત પટેલ અને નાત એને દબાણ કરતી અને એને ગામ બહાર કાઢી મૂકતી. આવી વહમી વેળાએ ઉપર આભ અને નીચે ધરતી, રક્તપિત્તિયાને માંકારા ભણતી. ભગવાન ઉપગુપ્ત અને અભિસારિકાની અકથ્ય વેદના ૧૯મી સદીના આરંભ સુધી સળવળતી હતી.
માનવીઓના આ દંભી દેખાડાએ દેવા રબારીને ત્રોફી નાખ્યો. ક્યાં ગયાં એ હેતપ્રીત? એ માંહ્યલા નાતા? એ લોહીના સંબંધો? સપ્તપદીના ફેરાનાં વેણ? માની મમતા અને બાપના હેતના ગજ કુદરતની વિરાટ વાંભે ટૂંકા પડ્યા. દેવા રબારીના અંતરમન સાથે તથાગતના કાળજેથી નીકળેલી કરુણાની સરવાણીએ અનુસંધાન સાધી લીધું, રાજા રંતિદેવની રોમ રોમ પીડા આ પીરાઈ માનવીએ પામી લીધી, એ લવે ચડ્યોઃ
‘દેવા! આભ ફાટે ત્યાં થીગડાં દેવાની વાત ભૂલી જા. ઊઠ ઊભો થા! કોઈના ફાટેલ કરમની પછેડી તો સાંધી શકીશ ને? મલકને માગી ખાજે. અઢારભાર વનસ્પતિ ગિરમાં વળુંભે છે, જા ગોત, ગોત એના માલમીને, ક્યાંકથી તો કંઈક છેડા મળશે, એવી આશાએ રબના ભરોસે આ રબારી નીકળી પડ્યો. ઋષિ સરભંગે સ્વામી આત્મકૃષ્ણે ચેતવેલી ચિનગારીની પાવક જ્વાળાનો પ્રકાશ ફરી પાછો પ્રગટ થયો—સેવાના સ્વરૂપે.
દોરંગી દુનિયાના ત્રાજવે ક્યાં કોઈ દેવતાઈઓના સાચૂકલા જોખ થયા છે? કોઈ રોખાધોખા નથી, જંગલના ઝીપટાના બોથડ સાવરણાઓએ પરબનું આંગણું ચોખ્ખું ચણાક કરી દીધું. સંતોના કાળજા જેવા ટાઢાબોળ માટીના ગોળા મંડાણા, દેવા રબારીના મજબૂત ખભે મેકરણની કાવડ ‘જી નામ’ બોલતાં ચડી તે ચડી. સેવાનાં રુખડાં રોપાયાં, સત્કર્મની કાવડ પાણી સીંચતી રહી. ક્યારેક હળહળતી ઉપેક્ષાઓ, ઊનાં અપમાનો, વસમી મશ્કરીઓ, પણ એક રુંવાડું ફરકે તો રબારી શેનો!
તરછોડાયેલા, વછૂટેલા અને ભવે ભેળા નહીં થનારા રક્તપિત્તિયા આશરો લેતા રહ્યા. એક, બે, ત્રણ, ચાર, વીસ પચ્ચીસનું ઝૂંડ કયારે થઈ ગયું એ દેવીદાસને ખબર ન પડી.
જીવતા દોઝખ જેવા કાળની કરવતે વેતરાયેલા આ અભાગી જીવો પાચ, પરુ, અને જીવાતે ખદબદતા હતા. મીઠાબોલા દેવીદાસના બોલના મલમપટ્ટા થતા રહ્યા. જંગલી વનસ્પતિઓ, લીમડા નાખેલ ગરમ પાણીના રંગાળાઓ ઊકળતા રહ્યા ચૂલા ઉપર અને સાથે ઊકળતી રહી દુન્યવી સંબંધોની ઉતરડાયેલી લાગણીઓ. પારકાને પોતીકા કરીને રૂના પોમની પથારી પાથરતો એક દેવદૂત દેવીદાસ સેવાનો પર્યાય બની રહ્યો.
પ્રાગડના દોર ફૂટે, સૂરજનો ગરમાવો આવે, ત્યાં સુધીમાં દૂધના ઉકાળાઓ દર્દીઓની પથારીએ ફરી વળ્યા હોય. જનેતા જેમ જાયાને નવડાવે એવા હેતથી દેવીદાસ રક્તપિત્તિયાઓને નવડાવતા રહ્યા. લિંગભેદથી પર માત્ર ને માત્ર આત્મસ્વરૂપને વંદી રહેતા આ અલખ પુરુષને દેવતાઓ વંદી રહેતા હશે! કામ વધતું જતું હતું, મલક કંઈક મોળો અને કૂણો પડ્યો હતો પણ ભાવ વગરની હડસેલા દેતી સહાયનો આ અટંકી ઇન્કાર કરતો રહ્યો. મધ્યાહ્ન માથે છે, જેતપુરની દશ્યથી આવેલ એ ગાડું પરબની આંબલીના છાંયે છૂટ્યું. ગાડાખેડુ અને ગાડામાં બેઠેલી એક પ્રૌઢા અને એક આણ્ણાત બાઈ ગાડેથી હેઠે ઊતર્યાં. પહેરવેશ અને વળોટ ઉપરથી આહિર લાગ્યાં. હા, મચ્છોયા આહિરની દીકરી હતી, એ પીઠડિયાના ડવ શાખાનાં એ દીકરી હતાં—અમરબાઈ એનું નામ. ફૂઈ (સાસુ) તેડવા આવ્યાં હતાં. બપોરા કરવા બેઠાં હતાં.
ક્યાં, ક્યારે, કોનો પૂર્વાનુસંબંધ જાગે તે કોઈ કહી શકતું નથી. ઊજળી દેગે જનમેલ આ દીકરી અમરબાઈની નજર દૂર દેવીદાસ બાપુના કબીલા પર પડી. ગૌર ઊજળો વાન, આંખમાં ઝરતી કરુણા, રકતપિત્તિયાની આળપંપાળ કરતા આ યુગપુરુષમાં અમરબાઈને વિખૂટા પડેલ પિતાતુલ્ય ગુરુનું દર્શન થયું. તે દિશા તરફ નજર નોંધાણી, સંસારની સુંદરતાના પાછલા પડળની પરખ થઈ, કુરુપતા, બૂચા, ખવાઈ ગયેલાં અંગો અને તાળવાં ફાડતી દુર્ગંધોની આંગળી પકડી અમરબાઈ ઊભી થઈ. ધીરા, ગંભીર, મહાભિનિષ્ક્રમણનાં પગલાં મંડાતાં રહ્યાં અને અજ્ઞાતના બળે ખેંચાતી રહી અમરબાઈ.
‘એ અમર! ઊભી રહે માડી! એ બાજુ ન જઈશ માડી, ર’વા દે, ઈ કામણ-ટુમણિયા હોય, એ સાંભળશ?’ આહિરાણી ફૂઈ (સાસુ)ના બોલ અમરબાઈના બહેરા કાનેથી અફડાઈને પાછા વળ્યા. સાસુએ દોટ દીધી, બાવડું પકડ્યું, ઝઝકોળી.
યુગોની ગાઢ નિદ્રામાંથી જાગતલની જિજ્ઞાસાથી સાસુ તરફ જોયું અને સાથે સાથે સાંસારિક સભ્યતાનાં આભરણો ઊતરતાં રહ્યાં, હાથમાં પહેરેલાં સરલ, ચૂડા, બાજુબંધ, ટીલડી, ઝૂમણું, કાંબી, કડલા નિર્જીવ હાથોથી ઊતરતાં રહ્યાં. આહિરાણી સાસુના કાળા મલિરના છેડામાં એ સમાતુ રહ્યું. મેવાડને જાકારો દેનાર મીરાંની અણસાર અમરબાઈમાં ઉતરી આવી.
એ અમરબાઈ માડી પાછી વળ તને પગે લાગું બાઈ, કુટુંબ શું કહેશે? નાત શું કહેશે? તને સનેપાત થયો છે! એ બાઈ પાછી વળ.
પ્રૌઢ આહિરાણીને ગળે ડૂમો ભરાયો. દીકરાની પરણેતર આમ અધવચ્ચે ઊતરીને સાધુડી બને એ વાત પચાવવી કે સ્વીકારવી કેટલી દોહ્યલી હતી? અમરબાઈના ભીડેલા હોઠમાંથી શબ્દો સરી પડ્યાઃ
‘કોણ રે જાણે રે બીજું કોણ રે જાણે
મારી આ હાલ રે ફકીરી દેવાંગી વિના બીજું કોણ રે જાણે …’
ફુઈ! ત્યાં આવીને મારે જણતરની ઝંઝાળ જ ઊભી કરવી હતી કે બીજું કંઈ? રૂપાળા ચામડા નીચે ઢબુરાયેલા નરકને મેં નીરખી લીધાં. આજ મારા હૃદયે દેવીદાસ બાપુએ દીવા પ્રગટાવ્યા, મારાં આગુનાં અંધારાં ઊલેચાયાં. જાઓ, મા, હરખ શોકની હેડકી ગળી જઈને તમારા દીકરાને બીજે પરણાવજો. રહી વાત લોકલાજની, તો સાંભળો, એના જવાબ મેવાડનાં મીરાંબાઈ આપી ગયાં છે. એનો વસવસો કરતાં નહીં.
સાંજના રતુમડા પ્રકાશમાં આંસુઓથી રતૂમડી બનેલ આંખોની લાલાશ ભળી ગઈ.
દેવીદાસ બાપુએ અમરબાઈને તાગી જોયાં. પણ ગજવેલનો રણકો આ યદુવંશી નારીમાં રણકતો હતો અને એનાં હાડમાંથી ગળાઈને એક અવાજ ઊઠ્યો – સત્ દેવીદાસ!
વળતા દી’એ દેવીદાસ બાપુના ખભેથી કાવડ ઊતરીને અમરબાઈના ખભે બેસી ગઈ. બે પાંચ ગામમાંથી રોટલાના ટુકડાઓની માધુકરી પરબના પાટલે પીરસાતી રહી. અન્નપૂર્ણા સમી આ નારી કંઈક ભૂખ્યાઓની આંતરડી ઠારતી રહી. માટીના મોરિયા અને માણનાં પાણી સીંચીને સેવાની અમરવેલ સીંચાતી રહી. તૃષાતુરોને કોઠે શાતા વળતી રહી.
સેવાયજ્ઞનો આ ધૂણો ધખતો રહ્યો. અનેકવાર અટાટની આવી પડતી. બાપુના સધિયારે દીકરીનાં મનોબળ મજબૂત થતાં રહ્યાં. સમાજસેવાના પાયા ધરબાઈ ધરબાઈને પૂરાતા રહ્યા. દધીચિ ઋષિનાં હાડકાંની જેમ ઈ.સ. ૧૮૦૦ના પ્રારંભે આ મહાપંથના પરમ ઉપાસકોએ જીવતાં હાડ ગાળીને સમાધિ લીધી. સત્ દેવીદાસ! અમર દેવીદાસ!
Your Content Goes Here