પ્રભાતે સાત મહાન નારીઓ – સપ્તકન્યાને આપણે યાદ કરીએ છીએ. આમાંનાં એક છે સતી અનસૂયા. પોતાની પતિપરાયણતા અને તપશ્ચર્યા તેમજ આત્મસંયમ માટેનું તેઓ જીવતું જાગતું ઉદાહરણ છે. તેઓ ઋષિ અત્રિનાં પત્ની હતાં અને અત્યંત પ્રતિભક્ત નારી હતાં. તેમણે આકરાં તપ કર્યાં હતાં અને એનું ફળ સર્વજન કલ્યાણ માટે અર્પી દીધું હતું. એક વખત લોકો એક દસકા સુધી દુષ્કાળના ત્રાસથી ત્રસ્ત બની ગયા હતા. અરે ! સર્વના શરણરૂપ ગંગા ય જાણે સૂકાઈ ગઈ. પોતાના તપના પ્રભાવે અનસૂયાએ વૃક્ષોને ફળફૂલ આપતાં કરી દીધાં અને ગંગાનો પ્રવાહ ફરીથી વહેવા લાગ્યો.
રામના વનવાસ વખતે રામ અને સીતાએ અગ્નિ ઋષિના આશ્રમની મુલાકાત લીધી. અનસૂયાએ સીતાને સંપૂર્ણપણે પતિસેવામાં રત રહેવું એ જ નારીનું મોટું તપ છે, એમ કહ્યું. એમણે સીતાને પવિત્ર અને કદીયે ન કરમાતાં ફૂલોની માળા, રત્નજડિત અલંકારો અને કીમતી ચંદન આપ્યાં. તેમણે સીતાને કહ્યું: ‘આ વસ્ત્રો અને અલંકારો પહેરજો અને શ્રીરામ પાસે જજો.’ સીતાને આપેલ માન-આદરથી રામ અને લક્ષ્મણ ઘણા ખુશ થયા. પછી રામ અને સીતા અત્રિના આશ્રમેથી વનવાસમાં ચાલ્યાં ગયાં.
માંડવ્ય ઋષિએ એક ઉમદા માણસને અભિશાપ આપ્યો હતો કે તે સૂર્યોદય પહેલાં મૃત્યુ પામશે. આ સગૃહસ્થની પતિવ્રતા નારીએ ઘોષણા કરી કે જો સૂર્ય જ ન ઊગે તો મારો પતિ મૃત્યુ ન પામે. સૂર્ય ન ઊગ્યો અને વિશ્વમાં અંધારું છવાઈ ગયું. સતી અનસૂયાના તપની શક્તિ જોઈ જાણીને બધાએ એમની મદદ માગી. સતી અનસૂયા પેલી પતિભક્ત નારી પાસે ગયાં અને કહ્યું: ‘બહેન, તારા પતિપરાયણ ભાવને હું જાણું છું અને એની પ્રશંસા પણ કરું છું. તું હવે આ સૂર્યદેવને ઊગવાની રજા આપ. જો એ નહિ ઊગે તો આ ધરતી પરનાં બધાંએ ખૂબ દુઃખકષ્ટ ભોગવવાં પડશે. જો તું તારી પ્રતિજ્ઞા પાછી ખેંચી લે તો હું તારા પતિને જીવિત કરીશ.’
પેલી સન્નારીએ સતી અનસૂયાની વિનંતી ગ્રાહ્ય રાખી. પોતાની પ્રતિજ્ઞા પાછી ખેંચી. સૂર્યોદય થયો. પણ માંડવ્ય ઋષિના અભિશાપને લીધે તેનો પતિ મૃત્યુ પામ્યો. સતી અનસૂયાએ પોતાની પવિત્રતા અને તપથી પ્રભુને પ્રાર્થના કરી અને પેલા સદ્ગૃહસ્થને ફરીથી જીવતો કર્યો. સમગ્ર વિશ્વ ખુશખુશાલ ! દેવોએ સતી અનસૂયાને વરદાન માગવા કહ્યું. એમણે માગેલું વરદાન પણ એમનાં મનહૃદય જેટલું મહાન અને વિશાળ હતું. તેમણે પ્રાર્થના કરી કે જો તેઓ ખરેખર પ્રસન્ન થયા હોય તો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એમનાં બાળ સંતાનો બને. દેવોએ આ વરદાન આપ્યું. એના પરિણામે આ ત્રણેય દેવના અવતારરૂપે ભગવાન દત્તાત્રેય અવતર્યા.
Your Content Goes Here