(ગતાંકથી આગળ)
શિકાગોની સર્વધર્મ મહાપરિષદમાં પહેલા જ પ્રવચનમાં તેમણે આ જ વિચારને કેન્દ્રમાં રાખ્યો છે, તે ઘણું જ મહત્ત્વનું છે. ધર્મોની સમાનતાને દઢ કરતાં તેમણે કહ્યું: ‘ભાઈઓ! નાનપણથી જ હું જે એક શ્લોકને રોજ રટતો આવ્યો છું અને ભારતના લાખો–કરોડો લોકો જેને સ્મરે છે તે શ્લોક રજૂ કરું છું કે ‘જેવી રીતે જુદે જુદે માર્ગેથી વાંકાંચૂકાં જળનાં ઝરણાં છેવટે સાગરને જ મળે છે તેવી રીતે રુચિના ભેદથી વિવિધ માર્ગ ગ્રહણ કરતા લોકો છેવટે તો પરમેશ્વરને જ પામે છે.’ પછી એમણે ભગવદ્ગીતાના ચોથા અધ્યાયનો અગિયારમો શ્લોક કહ્યો: ‘જે કંઈ વસ્તુ મારા જે કોઈ રૂપને આપવામાં આવે છે, તે છેવટે તો મને જ મળે છે.’
સ્વામી વિવેકાનંદે વિચાર્યું કે ધર્મમહાપરિષદ વિશ્વના ધાર્મિક ઇતિહાસના નવીન યુગની શરૂઆત જ છે. અને એ વિશ્વમાં ચાલી રહેલા ધાર્મિક સંઘર્ષોનો અંત લાવવાની પ્રક્રિયાનો પ્રારંભ કરશે. તેમણે કહ્યું: ‘મને અત્યંત વિશ્વાસ છે કે આ સભાના સન્માનમાં આજે સવારે થયેલો ઘંટનાદ, તમામ પ્રકારના -તલવાર કે કલમથી નિપજાવાતા ધાર્મિક ઝનૂનનો મૃત્યુઘંટ જ છે! અને માનવ-માનવ વચ્ચેની સઘળી દુવૃત્તિઓની પણ એ જ દશા થશે.’ પરંતુ સ્વામી વિવેકાનંદે છે પશ્ચિમમાં અને ભારતમાં જે ઉપદેશ આપ્યો, તે કંઈ કેવળ ધાર્મિક અને સાંપ્રદાયિક સંઘર્ષ અટકાવવા પૂરતો જ ન હતો. એમણે તો એવો જ્ઞાનપ્રકાશ પાથરવાની ઝંખના સેવી હતી કે જે વિશ્વના મહાન ધર્મોની સમજદારી કેળવીને પોતાના આધ્યાત્મિક વારસાને સમૃદ્ધ કરે. કેવળ ધાર્મિક સહિષ્ણુતા કરતાં આ કંઈક વધારે હતું. માનવ આત્માનો ચિતાર તેઓ બાંધતા હતા. અને એ માટે વિશ્વના બધા ધર્મોનો પ્રતિસાદ તેઓ માગતા હતા! તેમણે કહ્યું: ‘હું બધા જ પ્રાચીન ધર્મોને સ્વીકારું છું અને તે બધા સાથે મળીને ઈશ્વરની પ્રાર્થના કરું છું! ભલે તે ગમે તે રૂપે હોય! મુસ્લિમોની મસ્જિદમાં પણ જઈશ. અને ખ્રિસ્તીઓના દેવળમાં પણ જઈશ અને શૂળી પર ચઢેલા ઈશુને ઘૂંટણિયે પણ પડીશ. હું બુદ્ધને મંદિરે પણ જઈશ, હું બુદ્ધને શરણે જઈશ અને તેમના શાસનમાં રહીશ. હું હિન્દુની જેમ જંગલમાં જઈ આસન જમાવીને ધ્યાનમાં પણ બેસીશ અને સર્વના હૃદયને પ્રકાશિત કરતી જ્યોતિને પામવા મથીશ.’ સ્વામી વિવેકાનંદની ધર્મવિભાવના અનન્ય રીતે વિશાળ હતી. સહનશીલતા અને ઉદારતા કરતાંય એ મહાન હતી. તેઓ વિશ્વના મહાન ધર્મોના મર્મમાં પ્રવેશીને એને એક નવું ઊંડાણ અને નવું પરિમાણ આપવા, તેમજ પોતાના આધ્યાત્મિક જીવનને વધુ સમૃદ્ધ બનાવવા માગતા હતા. બધાં ધર્મશાસ્ત્રો તેમને મન ઈશ્વરની પાંડુલિપિ હતાં અને તેના રહસ્યને ખોલવાની સતત ચાલુ પ્રક્રિયા સમાન જ છે. તેમણે પૂછ્યું હતું કે ‘શું ઈશ્વરનો ગ્રંથ ક્યારેય સમાપ્ત થાય ખરો?’ આવો પ્રશ્ન પહેલાં કોઈએ તેમની આગળ પૂછ્યો ન હતો. તેમણે પૂરું કર્યું: ‘કે પછી તે હજુયે સતત પોતાનાં રહસ્યો ખોલતો જ રહે છે? બાઈબલ, વેદો, કુરાન અને બધાં શાસ્ત્રો ઈશ્વરી કિતાબનાં પાનાં જ છે અને હજુ તો કેટલાંય પાનાં ઉઘડવાં બાકી છે.’ તેમનો આ મહાન અને મૌલિક વિચાર છે. એમના આ વિચારમાં આપણે કલ્પી શકીએ કે તેમના મતે પાદરીઓની સભાઓ કે કોઈ નવા પેગમ્બરને લીધે ઈશ્વરી રહસ્યોદ્ઘાટનને કંઈ તાળાં લાગી જતાં નથી! જ્ઞાની નરનારીઓના પ્રકાશિત આત્માઓમાં તે રહસ્યો પ્રગટતાં જ રહે છે. એવાં નરનારીઓને મન ધર્મ એ કોઈ સાંપ્રદાયિક નિષ્ઠા નથી, તેમને મતે ધર્મ તો માનવના આધ્યાત્મિક શાણપણનો સરવાળો છે.
આ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ તો સ્વામીજી પોતે જ છે. હિન્દુ પરિવારમાં તેમનો જન્મ, હિન્દુ હોવાનું તેમને ગૌરવ, અને બૌદ્ધધર્મ વિશે તેમના આગવા વિચારો! બંગાળમાં તો અગિયારમી સદીમાં એની જગ્યા હિન્દુ ધર્મે લઈ લીધી હતી! વિશ્વધર્મ પરિષદમાં સ્વામીજીએ પાંચમા પ્રવચનમાં બૌદ્ધધર્મને હિન્દુ ધર્મની મૂર્તિરૂપે ગણાવ્યો. એવો વિચાર કરવાની તેમની હિંમત અને આઝાદી દાદ માગી લે તેવાં છે! ધર્મવિવેચકોની ભરી સભામાં હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે આમ બોલવું એ સાધારણ માણસનું ગજું નથી! એમણે આગળ ઘોષણા કરી: ‘હિન્દુ ધર્મ બૌદ્ધ ધર્મ વિના જીવી શકે નહિ! અને બૌદ્ધ ધર્મ પણ હિન્દુ ધર્મ સિવાય જીવી શકે નહિ!’ એટલે જ તેમણે હિન્દુધર્મની તીવ્ર બુદ્ધિ પ્રતિભાની સાથે બુદ્ધના ઉમદા અને ઉદાત્ત માનવ્યને—હૃદયને—જોડી દેવાની હાકલ કરી. આવું કહેતી વખતે સ્વામીજીને એવું નહોતું લાગ્યું કે એનાથી હિન્દુ ધર્મ નબળો પડી જશે. ઊલટું તેમને તો એનાથી હિન્દુ ધર્મ વધારે બળવાન બનશે એવું લાગતું હતું. તેમના મનમાં પ્રાચીન ધર્મોનાં નવી-કરણની અવિરત ચાલુ પ્રક્રિયા, અને પોતાના પરંપરાગત ધર્મ કરતાં અન્ય ધર્મોમાં ઉદીયમાન ધાર્મિક ચેતનાની અવિરત રચનાત્મક રીતે થતી પ્રગતિ જ રમ્યા કરતી હતી.
હવે તો છેલ્લાં સંશોધનો દ્વારા એ ઐતિહાસિક સત્ય આપણે જાણી જ શકીએ છીએ કે બૌદ્ધ ધર્મે હિન્દુ ધર્મ સાથે લોહીનો આધ્યાત્મિક સંબંધ જોડ્યો હતો. રાઈસ ડેવિડ કહે છે: ‘ગૌતમ જન્મ્યા, પોષાયા, જીવ્યા અને મર્યા પણ હિન્દુ તરીકે જ, ગૌતમના તત્ત્વજ્ઞાનમાં અને સિદ્ધાંતમાં એવું તો સાવ નહિવત્ જ હતું કે જે રૂઢિવાદી હિન્દુના ધર્મની કોઈને કોઈ શાખામાં ન જ હોય!’ તો વળી આનંદ કે કુમારસ્વામી લખે છે: ‘સાવ ઉપરછલ્લો બૌદ્ધધર્મનો અભ્યાસ કરનારને હિન્દુ ધર્મ અને બૌદ્ધધર્મમાં તફાવત જણાશે, પરંતુ જેમ જેમ ઊંડાણથી અભ્યાસ કરાતો જશે તેમ તેમ હિન્દુ ધર્મ અને બૌદ્ધધર્મ વચ્ચેનો તફાવત શોધવો મુશ્કેલ જ બનશે. કારણ કે હિન્દુ ધર્મમાંથી જ એ જન્મ્યો છે.’ એટલે જ્યારે વિવેકાનંદે શિકાગોમાં બૌદ્ધધર્મને હિન્દુધર્મની મૂર્તિરૂપ ગણાવ્યો ત્યારે તેઓ આપણા આધ્યાત્મિક ઇતિહાસનો દૃષ્ટિકોણ જ રજૂ કરી રહ્યા હતા. એમનાં શિકાગો વ્યાખ્યાનોનું સારતત્ત્વ જ એ હતું કે ‘આપણે કંઈ ફક્ત વૈશ્વિક સહિષ્ણુતામાં જ નથી માનતા. પણ આપણે બધા ધર્મોને સાચા પણ માનીએ છીએ.’
વૈશ્વિક ધર્મનો તેમનો આ વિચાર કંઈ પુસ્તકિયું જ્ઞાન ન હતું, એ તો તેમની અનુભૂતિ હતી. એક સાક્ષાત્કાર હતો. એમના ગુરુએ એ વિચાર તેમનામાં સંક્રમિત કર્યો હતો. ‘મારા ગુરુદેવ’ના અંતભાગમાં સ્વામી વિવેકાનંદ કહે છે: ‘આધુનિક વિશ્વને રામકૃષ્ણનો આ સંદેશ છે: ‘મતવાદોની માથાકૂટમાં ન પડો; સાંપ્રદાયિક પૂર્વગ્રહોથી દૂર જાઓ. સંપ્રદાયો, પૂર્વગ્રહો, મંદિરો—દેવળોની વાડાબંધીની પરવા ન કરો. દરેક મનુષ્યમાં રહેલા સત્ તત્ત્વની સરખામણીમાં એ બધાંની કશી કિંમત નથી. અને એ સત્ તત્ત્વ એટલે જ આધ્યાત્મિકતા!’ આ ઉપદેશ વિવેકાનંદે રજૂ કર્યો. શિકાગોની મહાધર્મસભા મારફત એ સંદેશ વિશ્વમાં ફેલાયો.
જ્યારે વિવેકાનંદે ધર્મના તુલનાત્મક અધ્યયનનો મત દર્શાવ્યો અને તે માટેની કોલેજ અને સામયિકની પણ હિમાયત કરી, ત્યારે તેમણે ખાસ તો એ ઇચ્છું હતું કે ‘જતો મત તતો પથ’ના આદર્શમાં રહેલ શાણપણ—એ પ્રજ્ઞા—એવા અધ્યયન દ્વારા જીવંત રહે—આપણે કેવળ સહિષ્ણુ જ ન બની રહીએ પરંતુ અન્ય ધર્મોના પ્રશંસકો પણ બનીએ. આપણે એની સચ્ચાઈ જાણીએ જ છીએ.
રામકૃષ્ણ જેવી કોઈ મહાવિભૂતિ જ પોતાની રચનાત્મક અંત:પ્રેરણા દ્વારા ધર્મની વૈશ્વિકતાના આદર્શનો સાક્ષાત્કાર કરી શકે છે. આપણા જેવા તુચ્છ મરણધર્મા માનવોએ તો આપણી બુદ્ધિથી તેમની અનુભૂતિ ઉપર શ્રદ્ધા જ રાખવી રહી! ધર્મોનું તુલનાત્મક અધ્યયન, ધર્મોની પરસ્પરની સમાનતાની સમજણ જ આપણા આધ્યાત્મિક જીવનનું પ્રવેશદ્વાર છે. વિદેશથી પાછા આવેલા સ્વામીજીને કહેવામાં આવ્યું હતું કે, ‘ધર્મના તુલનાત્મક અધ્યયન માટે અને આધ્યાત્મિક સત્યની ખોજ માટે એકદમ કલબો અને સોસાયટીઓ ઊભી થઈ રહી છે તે આપના પશ્ચિમમાં કરેલા પરિશ્રમનું જ પરિણામ છે.’
એ વખતે ત્યાં હાજર રહેલાઓને ત્યારે વિવેકાનંદના તુલનાત્મક ધર્મના અધ્યયનના રસમાં તેમની વૈશ્વિક ધર્મસમન્વયની શ્રદ્ધાનાં દર્શન થયાં હશે! ત્યાર પછીથી શ્રીરામકૃષ્ણ મઠ-મિશને વિશ્વના વિવિધ ધર્મોની પરસ્પરની જરૂરી એકતા સમજવા માટેના એક પગથિયા તરીકે, વિવેકાનંદે ધર્મોના તુલનાત્મક અધ્યયનની જે કિંમત આંકી હતી તે સમજવા માટે ઘણું ઘણું કાર્ય કર્યું છે. એવી સમજણથી જ વૈશ્વિક ધર્મના આદર્શનું જતન કરી શકાશે.
રામકૃષ્ણ મઠ-મિશને જ્યારે ૧૯૩૭માં સર્વધર્મમહાસભાનું આયોજન કર્યું ત્યારે આયોજકોએ કાર્યક્રમોમાં કંઈ ખાલી ‘વિશ્વના ધર્મોની પદ્ધતિઓ’ જ વિષય તરીકે ન રાખી, પણ એની સાથોસાથ ધર્મનાં ઐતિહાસિક અને તુલનાત્મક પાસાં પણ એમાં રખાયાં હતાં. વળી, ૧૯૬૩માં વિવેકાનંદની જન્મશતાબ્દીની ઉજવણી વખતે યોજાયેલી ધર્મપરિષદમાં તો તુલનાત્મક ધર્મ જ મુખ્ય વિષય હતો.
૧૯૮૦ની એવી સભામાં ‘ધર્મોની પારસ્પરિક સમજણ’ વિષે આખું એક સત્ર ફાળવાયું હતું ત્યારે સ્વામી લોકેશ્વરાનંદે જણાવ્યું હતું કે ‘હું જ્યારે એક હિન્દુ તરીકે ઈસ્લામ ધર્મ વિશે કશુંક સાંભળું છું, ત્યારે મને હું હિન્દુ ધર્મ વિશે જ સાંભળી રહ્યો છું એવું જ લાગે છે.’ ત્યારે જસ્ટિસ રાવે પણ જણાવ્યું હતું કે ‘રામકૃષ્ણનું જીવન એવું બતાવે છે કે આધ્યાત્મિક અનુભૂતિ એકબીજાને જોડે છે અને સાંપ્રદાયિક સંકુચિતતા એકબીજાને તોડે છે.’
તુલનાત્મક ધર્મના અધ્યયનનું કાર્ય દરેક ધર્મના મર્મ સુધી પહોંચવાનું છે. આ મર્મને જ વિવેકાનંદે વિશ્વધર્મ કહ્યો છે. એ કંઈ જ્યાં ત્યાંથી ભેગા કરેલા ધર્મસિદ્ધાંતોનું કૃત્રિમ રીતે કહેલું નવનામધારી મિશ્રણ નથી. એ કોઈ તાણી તૂસીને ઘડી કાઢેલ ગ્રંથ કે પ્રાર્થના પણ નથી.
આવું કૃત્રિમ એકીકરણ તો અકબરના દીને ઈલાહીમાં થયું હતું અને એવી જ નવી આવૃત્તિ સમા કેશવચંદ્રસેનના બ્રાહ્મોસમાજમાં થયેલું દેખાય છે. પરંતુ વૈશ્વિક ધર્મમાં તો કોઈએ પોતાનો ધર્મ છોડવાનો નથી અને છતાંપણ સર્વ ધર્મોની એકતાનો ખ્યાલ સૌએ રાખવાનો હોય છે. વૈશ્વિક ધર્મ કોઈ નવો ધર્મપંથ કે નવો સંપ્રદાય નથી એ તો મસ્તિષ્કની એક અવસ્થા છે. આત્માનો વિસ્તાર છે. (ક્રમશ:)
Your Content Goes Here