(ગતાંકથી આગળ)

સુધીર હવે અવર્ણનીય અમીકૃપાથી ભર્યા ભર્યા હતા. ધીમે ધીમે એમના વિચારો સ્વામી વિવેકાનંદથી વ્યાપવા લાગ્યા. સ્વામીજી હવે એમના સમગ્ર અસ્તિત્વમાં પ્રવેશી ચૂક્યા હતા. એક વખત મઠમાં કેટલાક પંડિતો સ્વામીજી સાથે ધર્મશાસ્ત્રો વિશે ચર્ચા કરવા આવ્યા હતા. ક્ષુદ્ર પંડિતોએ સ્વામીજી સાથેની ચર્ચામાં મહાત થયા પછી આવી ટીકા કરી, ‘સ્વામીજી કોઈ મહાન વિદ્વાન નથી. તેમની આંખોમાં અદ્‌ભુત મોહિની શક્તિ છે અને એ શક્તિના ગુણને કારણે તેઓ હંમેશા વિજયી નીવડે છે.’ સ્વામીજી વિશેની આવી ટીકા સાંભળીને સુધીરે વિચાર્યું, ‘જો તેઓ આ મોહિની શક્તિના સ્ત્રોતને જાણવા ઈચ્છતા હોય તો એમણે મારા ગુરુદેવ (સ્વામીજી) સાથે દિવ્ય સંબંધ સાધવો જોઈએ અને બધી વિનમ્રતા સાથેની એમની વિલક્ષણ આધ્યાત્મિક સાધનાઓની વિગતોને શીખવા પ્રયત્ન કરવો જોઈએ.’

સુધીર સ્વામીજીને મળ્યા તેને બે માસ પસાર થઈ ગયા. હવે એમને માટે સ્વામીજીના આકર્ષણનો સામનો કરવો અને પોતાના ઘરે બેસી રહેવું અશકય બની ગયું. બી.એ.ની પરીક્ષા આપવી એ પણ એમના માટે અશક્ય બન્યું, અને આ રીતે એના અભ્યાસમાં એક વિરામ આવ્યો એમનું ઘર એમના માટે ઊંડો કૂવો લાગવા માંડ્યો. અહીં એક કહેવું જોઈએ કે સુધીરનો નાનો ભાઈ સુશીલ ગૃહત્યાગ કરીને આલમબજાર મઠમાં જોડાયો હતો. આને લીધે સુધીરના હૃદયમાં ત્યાગની ઉત્કટ ઇચ્છાનો અગ્નિ જરાય ઓછો ન થયો. ઊલટાનો એ અગ્નિ તો વધુ સળગી ઊઠ્યો અને તેણે સુધીરને અધીર બેચેન બનાવી દીધા. એ વખતની પોતાની

મનોદશાની વાત તેમણે આ રીતે વર્ણવી છે :

‘મારો નાનો ભાઈ મારી પહેલાં સંઘમાં જોડાયો. તેમના ગૃહત્યાગ પછી મારી મનોદશાનું વર્ણન કરવું અશક્ય છે. કર્યો અભ્યાસ પથ મારી આધ્યાત્મિક ઉન્નતિ માટે દિશાસૂચક બનશે? શું મારે સંસાર ત્યાગ કરીને સંન્યાસી નવું જોઈએ? કે પછી ઘરે રહીને સદાચાર અને સદ્ગુણોભર્યું જીવન જીવવું જોઈએ? મારા મનમાં આ સંઘર્ષ મહિનાઓ સુધી મને મૂંઝવતો રહ્યો. હું કોઈ નિર્ણય લઈ શકતો ન હતો તેથી મને શાંતિ પણ વળતી ન હતી. આ દરમિયાન મેં ન આલમબઝાર મઠની નિયમિત મુલાકાત લેવાનું ચાલું રાખ્યું. એક વખત હું ત્યાં હતો ત્યારે એક સંન્યાસીને મેં આવું કહેતાં સાંભળ્યા, ‘જુઓ, આ લોકો એક મહિના માટે જ સાધુ બન્યા છે.(બંગાળમાં એવી પ્રણાલી છે કે ક્યારેક વર્ષમાં ચોક્કસ સમયે એકાદ મહિના માટે ગૃહસ્થો સાધુ જીવન જીવે છે. એ સમય પૂરો થતાં તેઓ પોતાના ગૃહસ્થાશ્રમમાં પાછા ફરે છે.) વારુ, આમ છતાં પણ જો તેઓ પોતાની પ્રતિજ્ઞાને આ થોડા સમય માટે પણ વળગી રહે તો ગૃહસ્થો કરતાં તો તેઓ વધારે ચડિયાતા ગણાવા જોઈએ.’ આ શબ્દો સાંભળીને મારી ભીતર શક્તિનો એવો પ્રવાહ મેં અનુભવ્યો કે એજ દિવસે મેં સંન્યાસી બનવાનો નિર્ણય કર્યો.’

૧૮૯૭ના એપ્રિલમાં સુધીરે ગૃહત્યાગ કર્યો અને આલમબઝાર મઠમાં જોડાયા. એ વખતે સ્વામીજી દાર્જિલિંગમાં હતા. પરંતુ થોડા દિવસો પછી તેઓ સ્વામી બ્રહ્માનંદ, સ્વામી યોગાનંદ અને પોતાના ગૃહસ્થ શિષ્યો સાથે પાછા આવ્યા. સુધીરને જોઈને સ્વામીજી ખૂબ ખુશ થયા અને એમણે પ્રેમથી ‘ખોકા’ (છોકરો) કહીને સંબોધ્યો.સ્વામીજીનાં ચરણોમાં શરણું મેળવીને સુધીરે પણ અનુભવ્યું કે અંતે તે ખરેખર જેમનો હતો ત્યાં જ આવ્યો છે.

ઘણા નવા છોકરાઓ ત્યાગીનું જીવન જીવવા આવતા હતા તેથી મઠમાં સંન્યાસીઓની સંખ્યા ધીમે ધીમે વધવા લાગી. વિશેષ કરીને નવા આવનાર માટે સંન્યાસીઓની પદ્ધતિસરની તાલીમની આવશ્યકતા તરત જ જણાવા લાગી. સંન્યાસીઓ માટે આવી તાલીમની આવશ્યકતા અને એમના માટે વર્તનના કેટલાક ચોક્કસ નીતિનિયમોની આવશ્યકતા વિશે એક દિવસ સ્વામીજીના શિષ્ય સ્વામી નિત્યાનંદ તેમને કહ્યું. આ સૂચન સાંભળીને સ્વામીજી રાજી થયા અને મઠના બધા સભ્યોને બોલાવ્યા. જ્યારે બધા આવી ગયા અને સ્વામીજીની સામે બેઠા ત્યારે તેમણે કહ્યું, ‘હું લખાવું તેમ તમારામાંનો એક લખતો જાય.’ પણ સ્વામીજીના શ્રુતલેખનની નોંધ કરવાની કોઈ હિંમત કરી શક્યું નહિ. યુવાન સુધીર વધારે હિંમતવાન અને ખચકાટવિહોણા હતા. જો કે તેઓ થોડા દિવસો પહેલાં જ જોડાયા હતા, છતાં સ્વામીજી જે બોલે તે લખી લેવાની વાત સ્વીકારી લીધી. નિયમો મોઢે લખાવતાં પહેલાં સ્વામીજીએ અભિપ્રાય આપતાં આ પ્રમાણે કહ્યું, ‘જુઓ, આપણે નિયમો રચવાના છીએ, એ વાત નિ:શંક છે; પણ આપણે એનો મુખ્ય હેતુ બરાબર યાદ રાખવો જોઈએ. આપણો મુખ્ય હેતુ એ બધા નીતિનિયમોથી ઉપર જવાનું છે.’ સ્વાભાવિક રીતે આપણામાં કેટલાંક ખરાબ વલણો હોય છે જેને આ નીતિનિયમોનું પાલન કરીને બદલવાં પડે; જેમ બીજા કાંટાથી એક કાંટો કાઢીએ અને પછી બંનેને આપણે ફેંકી દઈએ તેમ અંતે આ બધાથી પર આપણે જવું જોઈએ.’ ત્યારપછી એમણે નીતિનિયમો લખાવ્યા અને સુધીરે કાળજીપૂર્વક એ નોંધી લીધા. ત્યારપછી સ્વામીજીએ સુધીરને કહ્યું, ‘પૂરતી કાળજી સાથે એની સારી નકલ કરી લે. જો કોઈ નિયમ નકારાત્મક સ્વરૂપનો હોય તો એને હકરાત્મક બનાવી દે’. જે નિયમો સ્વામીજીએ બનાવ્યા હતા અને સુધીરે નોંધ્યા હતા તે આજે ‘રામકૃષ્ણ સંઘના સંન્યાસી સભ્યો માટેના નીતિનિયમો’ના રૂપે છે.

પવિત્ર અને તટસ્થ બુદ્ધિવાળા સુધીરને સંઘમાં પ્રવેશ અપાયો અને એને શુદ્ધાનંદ એવું નામ આપ્યું. સ્વામીજીએ એમને મે, ૧૮૯૭માં મંત્રદીક્ષા આપી. પવિત્રમંત્ર આપતાં પહેલાં સ્વામીજીએ શુદ્ધાનંદને પૂછ્યું, ‘તને સાકાર ઈશ્વર ગમે કે નિરાકાર?’ શુદ્ધાનંદે જવાબ આપ્યો, ‘મને તો ક્યારેક એમને સાકારરૂપે વિચારવાનું અને વળી કયારેક નિરાકારરૂપે વિચારવાનું ગમે.’ આ સાંભળીને સ્વામીજીએ કહ્યું, ‘એવું ન હોવું જોઈએ. શિષ્ય માટે શ્રેષ્ઠ પથ કર્યો છે એ ગુરુ જાણે છે. મને તારો હાથ જોવા દે.’ તેમણે શુદ્ધાનંદનો જમણો હાથ પકડ્યો અને થોડી વાર ધ્યાનમાં લીન થઈ ગયા. પછી તેમણે કહ્યું, ‘આ મંત્ર તને સહાયક બનશે,’ અને પછી એમણે પવિત્ર નામમંત્ર આપ્યો. ૧૮૯૮માં સ્વામી સ્વામી નિરંજનાનંદ પાસેથી શુદ્ધાનંદ ઔપચારિક સંન્યાસદીક્ષા લીધી. અને તેઓ સ્વામી શુદ્ધાનંદના નામે જાણીતા થયા.

એક વખત જ્યારે સ્વામીજી મંદિરમાં બેઠા હતા ત્યારે તેમણે શુદ્ધાનંદ અને બીજા શિષ્યોને આધ્યાત્મિક અભ્યાસ, યોગાસનો, પ્રાણાયામ, ધ્યાન વગેરે શીખવ્યાં. સ્વામીજીની વિનંતીથી સ્વામી તુરીયાનંદે પણ લાંબા સમય સુધી ધ્યાનના વ્યવહારુ અભ્યાસ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.

એક વખત મઠના વિશાળ ખંડમાં કેટલાય ભકતો અને સંન્યાસીઓ સ્વામીજીની આજુબાજુ એકઠા થયા અને વિવિધ વિષયોની ચર્ચા પણ થઈ હતી. થોડા સમય પછી સ્વામીજીએ સર્વોચ્ચ તત્ત્વના સ્વરૂપ વિશે થોડા શબ્દોમાં વર્ણન કરવા કહ્યું. શુદ્ધાનંદ ઊભા થયા અને પોતાના ગુરુનાં આજ્ઞા અને આદેશ સાથે અર્ધો કલાક સર્વોચ્ચ તત્ત્વના સ્વરૂપની વાત બૃહદારણ્યક ઉપનિષદના ઉપદેશો સાથે કરી.

સ્વામીજીએ પોતાના શિષ્યની હૃદયપૂર્વક પ્રશંસા કરી. એ દિવસને યાદ કરીને સ્વામી શુદ્ધાનંદે પાછળથી આમ લખ્યું હતું: ‘આટલાં ઉત્કટ ઉત્સાહ, હિંમત અને આશાને અમારામાં ભરી દેનાર બીજો માનવ અમને ક્યાં મળી શકે તેમ હતો ?’ વળી, ‘હું મારા દરેક શિષ્યસંતાનને મારા કરતાં સોગણા મહાન બનાવવા ઈચ્છું છું. તમારામાંનો દરેકે દરેક વિરાટ બનવો જોઈએ, આ મારા શબ્દો છે.- પોતાના શિષ્યોને માટે આવું લખનાર અમે બીજે ક્યાંથી મેળવી શકવાના હતા ?’

એ વખતે શ્રીયુત્ સ્ટર્ડી ઈંગ્લેન્ડમાં જ્ઞાનયોગ વિશે આપેલાં ભાષણોને નાની પુસ્તિકાઓના રૂપે પ્રકાશિત કરી રહ્યા હતા. મઠની દરેકે દરેક વ્યક્તિ ઘણા રસપૂર્વક ઉન્નત કરતાં આ વ્યાખ્યાનો વાંચતા. શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી અદ્વૈતાનંદ અંગ્રેજી સારું જાણતા ન હતા. પરંતુ ‘નરેને’ વેદાંત વિશે વિદેશીઓને શું કહ્યું હતું એ સાંભળવાની એમની ઘણી ઇચ્છા હતી. એમની વિનંતીથી મઠના નવા સાધુઓ એ વ્યાખ્યાનો વાંચે અને એનો સાર સંક્ષેપ બંગાળીમાં સમજાવે એવું નક્કી થયું. સ્વામી અદ્વૈતાનંદ માટે આ વક્તવ્યોનો અનુવાદ સ્વામી શુદ્ધાનંદ કરતા. એમના આ પ્રયાસથી ખુશ થઈને એક દિવસ સ્વામી પ્રેમાનંદ સૂચવ્યું, ‘તમે શા માટે આ બધાં સંભાષણોનો બંગાળીમાં અનુવાદ કરતા નથી?’ આ સૂચનથી બધા રાજી થયા અને દરેકે પોતપોતાની સમજણ પ્રમાણે અનુવાદ કરવાનું શરૂ કર્યું. જ્યારે સ્વામીજી દાર્જિલિંગથી પાછા ફર્યા ત્યારે સ્વામી પ્રેમાનંદે તેમને વાત કરી અને બ્રહ્મચારીઓને પોતપોતાના અનુવાદ સ્વામીજીને વાંચી સંભળાવવા કહ્યું. સ્વામીજીએ આ અનુવાદો સાંભળ્યા અને ખૂબ રાજી થયા. એક દિવસ જ્યારે શુદ્ધાનંદ સ્વામીજી સાથે એકલા હતા ત્યારે તેમણે એકાએક શુદ્ધાનંદને કહ્યું, ‘મારા રાજયોગનો અનુવાદ તું કેમ કરતો નથી ?’

પોતાના ગુરુદેવની આજ્ઞાથી શિષ્યને નવી શક્તિ મળી. તરત જ એમણે પોતાનાં મનપ્રાણ એ કામમાં પરોવી દીધાં. અહીં એ વર્ણવવું જોઈએ કે બંગાળમાં રાજયોગનો અભ્યાસ લોકપ્રિય ન હતો. એ વાતનું સ્વામીજીને દુ:ખ હતું. તેમની એવી એક ઇચ્છા હતી કે પોતાના પ્રદેશના લોકોએ યોગ વિશે વધારે જાણવું જોઈએ. કદાચ એટલા જ માટે સ્વામી શુદ્ધાનંદને આ કાર્ય કરવા કહ્યું હશે. શુદ્ધાનંદે પોતે એ વિશે લખ્યું છે: ‘સ્વામીજીએ મારા જેવા અયોગ્ય વ્યક્તિને આવું કામ કરવા શા માટે આદેશ આપ્યો, એ વિશે મને નવાઈ લાગી. ઘણા વખત પહેલાં મેં રાજયોગનું અનુશીલન કરવા પ્રયત્ન કર્યો હતો. મને પોતાના આ પુસ્તકનો અનુવાદ કરવા કહ્યું એ શું મારા આધ્યાત્મિક વિકાસ માટેની એક સહાય હશે? કે પછી રાજયોગનો અભ્યાસ કે અનુશીલન બંગાળમાં પૂરતા પ્રમાણમાં નહોતાં અને એમની એવી ઇચ્છા હતી કે આ યોગ વિશેનાં સત્યો સામાન્ય માનવ સુધી પહોંચે, એવું હશે ? કારણ ગમે તે હોય પણ મારી પોતાની મર્યાદાઓને કોરાણે મૂકીને સ્વામીજીના આદેશનું પાલન કરવાના કાર્યમાં હું તરત જ લાગી ગયો.’ સ્વામી શુદ્ધાનંદે આ પુસ્તકનો અનુવાદ ઘણી ભક્તિ અને નિષ્ઠા-કુશળતાથી કર્યો. ત્યારપછી એમણે સ્વામીજીનાં બીજા ઘણાં લખાણોનો અનુવાદ કર્યો, જેમાં કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગનો સમાવેશ થાય છે. એમણે પોતાના ગુરુદેવના જુસ્સાને અનુવાદમાં એટલો અખંડ રીતે પ્રતિબિંબિત કર્યો કે તે અનુવાદો સ્વામીજીની મૂળભૂત કૃતિરૂપે લેખાય છે. ‘ધ સોંગ ઑફ સંન્યાસી’ નામના સ્વામીજીના સુખ્યાત કાવ્યનું બંગાળીમાં અનુસર્જન તેમની અનુવાદકળાનું દેખીતું ઉદાહરણ છે. બંગાળી સાહિત્યમાં આવાં થોડાં કાવ્યો હશે કે જેને આની સાથે સરખાવી શકાય. એમણે બંગાળીઓના ઘરેઘરે શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદના સંદેશ અને તત્ત્વજ્ઞાનને પહોંચાડી દીધાં, એ માટે સ્વામી શુદ્ધાનંદ સદૈવ સૌની સ્મૃતિમાં રહેશે. (ક્રમશ:)

 

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram