મહાન વ્યક્તિ ભાગ્યે જ જન્મ લે છે. પણ આપણા દેશ માટે એ સૌભાગ્યની વાત છે કે ૧૯મી સદીના એક જ દસકામાં ભારતની ધરતી પર ત્રણ મહાન વ્યક્તિઓ અવતરત થઈ. ૧૨ ન્યુઆરી, ૧૮૬૩ના રોજ સ્વામી વિવેકાનંદ, ૪ મે, ૧૮૦૧ના રોજ રવીન્દ્રનાથ ટાગોર અને ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ મહાત્મા ગાંધી. ભારતીય ઇતિહાસનો આ અદ્‌ભુત સુવર્ણ સંયોગ હતો. આ ત્રણ મહાપુરુષ પોતપોતાના ક્ષેત્રના ઉચ્ચ નાયક બન્યા. સ્વામી વિવેકાનંદ ધર્મ તથા અધ્યાત્મ ક્ષેત્રમાં, ગુરુદેવ ટાગોર સાહિત્યમાં અને ગાંધીજી સ્વાતંત્ર્ય સંગ્રામ તથા સાર્વજનિક જીવનમાં. ત્રણેયમાં સ્વામી વિવેકાનંદ પ્રથમ નાયક હતા, જેમણે પોતાના સમયમાં અને પછીના સમયમાં પણ ભારતીય ચેતનાને સર્વાધિક પ્રભાવિત કરી.

સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમનો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ કોલકાતાના એક હિન્દુ પરિવારમાં થયો હતો. તેઓ માત્ર ૩૯ વર્ષનું અલ્પ આયુ લઈને આવ્યા હતા, પણ આ જ સમયમાં તેમણે હિંદુ ધર્મની સહિષ્ણુતાને નવા રૂપે પરિભાષિત કરી. એટલું જ નહિ, તેમણે દેશવિદેશમાં વેદાંત-દર્શનના સિદ્ધાંતોનો પ્રચાર-પ્રસાર કરવા માટે અને ભારતના ખૂણે ખૂણે ઉત્કૃષ્ટ શિક્ષણ તથા આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે રામકૃષ્ણ મિશન જેવી આદર્શ સંસ્થાની સ્થાપના કરી.

સ્વામી વિવેકાનંદના યોગદાનને પરસ્પર ત્રણ સંયુક્ત આયામોમાં જોવું જોઈએ. પહેલું, તેમણે ધર્મને કેન્દ્ર સ્થાને સ્થાપિત કર્યો અને એને સર્વથા નવી વ્યાખ્યા આપી. બીજું, તેમણે વિભિન્ન સંપ્રદાયોમાં પરસ્પર સદ્ભાવ પર વિશેષ ભાર આપ્યો અને ત્રીજું, એમના ઉપદેશો આજે પણ પ્રસ્તુત અને મહત્ત્વના છે.

જર્મનીના સુપ્રસિદ્ધ વિચારક ફ્રેડરિક નીત્શે (૧૮૪૪ ૧૯૦૦) સ્વામી વિવેકાનંદના સમકાલીન હતા. તેમણે ઘોષણા કરી હતી કે ઈશ્વર મરી ચૂક્યો છે. પછીથી પણ વિદ્વાનો તથા લેખકોએ આ જ વાત દોહરાવતા રહી કહ્યું કે હવે લોકોને પહેલાંની જેમ ઈશ્વરમાં રુચિ રહી નથી. એવું કહેવાયું કે માનવીય પ્રવૃત્તિઓને સંચાલિત કરવામાં ધર્મથી વધારે વિજ્ઞાન અને બૌદ્ધિકતા નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ સ્વામી વિવેકાનંદને સ્વીકાર્ય ન હતું. એટલે તેમણે ધર્મને બિલકુલ નવું સ્વરૂપ આપ્યું.

સ્વામી વિવેકાનંદે એ શિક્ષણ આપ્યું કે ઈશ્વરની સેવાનો વાસ્તવિક અર્થ નિર્ધનો—પીડિતોની સેવા કરવી એ છે. તેમણે સાધુઓ, પંડિતો, મંદિરો-મસ્જિદો અને ગિરજાઘરોના આ પારંપારિક વિચારને પૂરેપૂરા નકારી કાઢ્યા કે ધાર્મિક જીવનનો ઉદ્દેશ માત્ર ઈશ્વર કે મોક્ષ પ્રાપ્ત કરવો. તેને બદલે તેમણે આ પ્રત્યક્ષ સિદ્ધ સત્યને એક નવો શબ્દ આપ્યો— ‘દરિદ્ર-નારાયણ’ એટલે કે ઈશ્વરનો નિવાસ ગરીબો અને પીડિતોમાં હોય છે. આ ‘દરિદ્ર-નારાયણ’ શબ્દ દરેક શ્રદ્ધાળુ સ્ત્રીપુરુષોમાં એક કર્તવ્યની ભાવના જગાવી છે એટલે ઈશ્વરની સેવાનો અર્થ નિર્ધન-અસહાય લોકોની સેવા કરવી એમ પણ થાય છે.

ગૌતમ બુદ્ધની જેમ સ્વામી વિવેકાનંદે પણ માનવના આચરણમાં બૌદ્ધિકતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરી. તેમનો મત હતો કે આપણે જે પણ કામ કરીએ, તે યુક્તિ-સંગત હોય, તર્ક પ્રમાણિત હોય, મનુષ્યએ એક એવા ધર્મ સાથે રહેતાં શીખવું પડશે, જે બૌદ્ધિક ચેતના અને તાર્કિકતામાં આત્માને પ્રથમ સ્થાને રાખે.

ધર્મનો માર્ગ એવો ટકાઉ વિશ્વાસનો માર્ગ હોવો જોઈએ, જે પ્રત્યેક વ્યક્તિને બૌદ્ધિક તેમજ આધ્યાત્મિક વિકાસ પર ભાર આપે, એ પછી ભલે ને કોઈપણ ધર્મ—જે એક મનુષ્યને બીજાથી અલગ કરતા હોય, કે વિશેષાધિકાર કે શોષણ કે યુદ્ધનું સમર્થન કરતા હોય તે પ્રસંશનીય બની શકે નહિ.

અન્ય કોઈ પણ સન્ત-મહાત્માની સરખામણીમાં સ્વામી વિવેકાનંદે એ વાત પણ વધુ ભાર આપ્યો કે પ્રત્યેક ધર્મ ગરીબોની સેવા કરે અને સમાજના પછાત લોકોની અજ્ઞાનતા, ગરીબી અને રોગોથી મુક્ત થાય તેના ઉપાય કરે. આ કાર્ય કરતા સમયે પુરુષ અને સ્ત્રીમાં, એક માન્યતા કે બીજી માન્યતામાં, એક વ્યવસાય કે બીજા વ્યવસાયમાં, કોઈ ભેદભાવ ન કરે. ખરેખર તો તેમણે ગરીબોની સેવાને પૂજાનું સન્માન આપવું. એ ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા પછી વિભિન્ન મતોની વચ્ચે એકબીજા સાથે સદ્ભાવ એ પહેલી શરત બની જાય છે. આ પ્રકારનું વાતાવરણ માનવ- માનવની વચ્ચે સાંમજસ્યની ભાવનાની અપેક્ષા રાખે છે. દુશ્મની કે વૈમનસ્યના શમન માટે આપણે ઘૃણાને ત્યજવી પડશે અને સર્વ માટે પ્રેમ અને સહાનુભૂતિ જગાડવી પડશે.

સ્વામીજીની પ્રાર્થના રહી કે હું વારંવાર જન્મ લઉં અને હજારો દુઃખ-કષ્ટ સહન કરું, જેથી વિભિન્ન જાતિઓ તથા રાષ્ટ્રોમાં વસતા આપણા દરિદ્ર નારાયણની સેવા અને પૂજા કરી શકું.

આજે કોઈ પણ વ્યક્તિ માટે અન્યોથી અલગ રહીને એક ટાપુની જેમ જીવવાનું સંભવ રહ્યું નથી. વિભિન્ન મતો અને વિભિન્ન માર્ગોના લોકો સાથે સાથે એક જ ગામ કે શહેરમાં રહે છે. આથી જરૂરી છે લોકો એક બીજાને સમજે; તેમની જરૂરિયાતો તથા આકાંક્ષાઓની પૂર્તિ કરે અને તેમના ધાર્મિક વિશ્વાસો તથા પદ્ધતિઓને સન્માન આપે.

સ્વામીજીનાં આચાર-વિચારને જો આપણે સમજીએ, તો આપણે જોઈશું કે પોતાના સમય કરતાં ઘણા જ આગળ હતા. તેમનો વિચાર હતો કે વિભિન્ન ધર્મો-સંપ્રદાયો વચ્ચે સંવાદ થાય. તેઓ વિભિન્ન મતો-માર્ગોની અનેકરૂપતાને ઉચિત માનતા હતા. આપણે વિચારી શકીએ કે આજે તમામ વિવાદોથી ગ્રસ્ત અને ત્રસ્ત વિશ્વને માટે સ્વામીજીના વિચાર કેટલા મૂલ્યવાન છે.

સ્વામી વિવેકાનંદે સ્પષ્ટ કર્યું છે કે વેદાંત દર્શન ન તો હિંદુ દર્શન છે, ન બૌદ્ધ, ન ઈસાઈ, ન મુસ્લિમ. એ આ બધાં જ ધર્મોનું સારતત્ત્વ છે. ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના શિકાગોના ધર્મ સંમેલનમાં આપેલા પોતાના ઐતિહાસિક ભાષણમાં સ્વામીજીએ સ્પષ્ટ કર્યું કે ઈસાઈઓએ ન તો હિંદુ કે બૌદ્ધ બનવાની જરૂર છે, ન તો હિંદુઓ કે બૌદ્ધોએ ઈસાઈ બનવાની જરૂર છે. પરંતુ દરેકે બીજાના આત્મા સાથે જોડાવાનું છે અને પોતાની વ્યક્તિગત વિશેષતાઓ કાયમ રાખીને પોતાની વિકાસવિધિ સાથે આગળ વધવાનું છે.

સ્વામીજી આને ભારતીય પરિપ્રેક્ષ્યમાં ઘણું જ આવશ્યક માનતા હતા. ભારતીય જીવન દર્શન એ જ છે કે વ્યક્તિ પોતાનાં મંતવ્યોથી સર્વશ્રેષ્ઠ તત્ત્વોને પ્રાપ્ત કરે અને તેની સાથે પૂરી નિષ્ઠાથી રહે. હિંદુ સમાજની ધાર્મિક માન્યતાઓને શ્રીરામકૃષ્ણ પરમહંસે ઘણા જ સુંદર શબ્દોમાં વ્યક્ત કરી છે: ‘જતો મત તતો પથ’ એટલે કે જેટલા વિચાર, એટલા માર્ગ. સ્વામીજી માનવીય આચાર વિચારમાં અનેકતાને વિશેષ મહત્ત્વ આપતા હતા અને તેનામાં એકરૂપતા લાવવાના પ્રયત્નોના ઘોર વિરોધી હતા. શિકાગોના પોતાના પહેલા ભાષણમાં તેમણે આચાર્ય પુષ્પદંતની આ પંક્તિઓને ઉત્કૃત કરી હતી –

રુચિનાં વૈચિત્ર્યાદેજુકુટિલ નાના પથજુષામ્‌।
નૃણામેકોગમ્યસ્ત્વમસિ પયસામર્ણવઇવ।।

જેવી રીતે નદીઓ આડો અવળો કે સીધો રસ્તો લઈને સમુદ્ર સુધી પહોંચે છે, તેવી જ રીતે મંતવ્યોની વિભિન્નતાને કારણે લોકો સરળ કે કઠિન રસ્તાઓ ભલે પસંદ કરી લે, પણ સર્વનું પહોંચવાનું સ્થળ એક છે.’

સ્વામીજી વિભિન્ન ધાર્મિક મતવાદોમાં સામંજસ્ય સ્થાપિત કરવાના પક્ષના હતા અને બધાને કોઈ એક ધર્મના અનુયાયી બનાવવાના વિરોધમાં હતા.

સ્વામીજી કહેતા કે જો બધા મનુષ્ય એક જ ધર્મને માનવા લાગે, એક જ પૂજાપદ્ધતિને અપનાવી લે અને એક જ નૈતિક વિધિનું પાલન કરવા લાગે, તો આ વિશ્વને માટે સહુથી વધુ દુર્ભાગ્યપૂર્ણ વાત હશે, કેમ કે આ બધી ધાર્મિક તથા આધ્યાત્મિક સ્વાધીનતા અને વિકાસ માટે પ્રાણઘાતક બની રહેશે.

સ્વામીજીના વિચારોના આ બે એવા આયામો છે, જે આજના ભારત અને વિશ્વને માટે બહુ ઉપયોગી છે.

સ્વામી વિવેકાનંદ ભારતમાં રાષ્ટ્રિય સ્વાધીનતા આંદોલનને મૂર્તરૂપ (સૂત્રપાત) પ્રેરિત કરનારાઓ મહાનાયકોમાંના એક હતા. તેમના જીવનકાળમાં અથવા તેના પછી સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેનારાઓ તમામ ભારતીયોને તેમની પ્રેરણા મળી હતી. રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષોએ લોકોને માત્ર આધ્યાત્મિક ઉત્કર્ષનો માર્ગ તો બતાવ્યો, પણ તે ઉપરાંત તેમને સામાજિક જીવન જીવવાના ઉપાયો પણ શીખવ્યા. તેમણે ગરીબોની સેવા કરવા પર તો ઘણો જ ભાર મૂક્યો, જે અપાણા માટે માત્ર સામાજિક જવાબદારી જ નથી, પરંતુ મુક્તિનો માર્ગ પણ છે.

લોકસેવકોને પ્રલોભનોથી દૂર રાખવાની આપણી અશક્તિએ ભારતીય લોકતંત્રની સામે એક મોટો પડકાર ઊભો કરી દીધો છે. સ્વામીજી દ્વારા સ્થાપિત રામકૃષ્ણ મિશન પોતાના સ્થાપના સમયથી જ પોતાના પ્રસંશકો-સભ્યોની કેળવણી એવી રીતે કરતું રહ્યું છે કે તેઓ કર્તવ્યપરાયણતા અને સેવા ભાવનાની જ્યોત બનીને રહ્યા છે. આ કેવી રીતે શક્ય બન્યું? આ મિશન પોતાના પ્રત્યેક સદસ્યોના ભોજન, વસ્ત્ર, નિવાસ તથા આરોગ્ય-ચિકિત્સા સંબંધે આવશ્યકતાઓ પૂરી કરે છે. સર્વ માટે જરૂરી ભોજન, વસ્ત્ર અને ચિકિત્સા-સુવિધાઓમાં ઘણી જ સમાનતા છે. તે પોતાના કર્મચારીઓને પ્રશિક્ષણ અને આદર્શવાદ દ્વારા પ્રેરિત કરે છે. બીજી બાજુ રાજકીય પક્ષો છે, જેમની પાસે પોતાના સક્રિય સભ્યોને માટે યોગ્ય ભરણ-પોષણની કોઈ વ્યવસ્થા નથી. હવે સમય આવી ગયો છે કે રામકૃષ્ણ મિશન પાસે તેઓ કંઈ બોધપાઠ લે.

આજે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ, જ્યાં હિંસા છે, ઘૃણા છે, આતંક છે અને આત્મઘાતી દળો છે. આતંકવાદીઓ તેમની હિંસક પ્રવૃત્તિઓને નીતિસંગત ઠરાવવા માટે ધાર્મિક સૂત્રોના પ્રયોગો કરે છે. દુનિયામાં ઘણા લોકો એ વાતમાં વિશ્વાસ કરે છે કે મારા ભગવાન તમારા ભગવાન કરતાં મોટા છે. જો કોઈ વ્યક્તિ ગરીબોની સેવા કરવાની શ્રદ્ધા ધરાવતો હોય, તો એ આતંકવાદી કેવી રીતે બની શકે? ધાર્મિક વ્યક્તિ કેવી રીતે કોઈ આત્મઘાતી દળમાં જોડાઈ શકે છે?

સ્વામીજીની પાસે આ તમામ સવાલોના જવાબો છે, અને વિભિન્ન ધર્મો અને મતોના સ્વતંત્ર અસ્તિત્વ માટે યોગ્ય તર્ક પણ છે. સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ સંમેલનમાં બિલકુલ સાચું કહ્યું હતું—જો કોઈ વિચારતું હોય કે તેમનો એકનો જ ધર્મ વિકસે અને બીજાઓનો ધર્મનો નાશ થાય, તો આવા લોકોની દુર્બુદ્ધિ પર મને દયા આવે છે. હું તેમને કહી દેવા માગું છું કે બહુ જ જલ્દી તમામ અવરોધો હોવા છતાં, પ્રત્યેક ધર્મના પડદા પર લખાશે કે સંઘર્ષ નહિ સહયોગ; વિનાશ નહિ, સર્જન; દુશ્મનાવટ નહિ, સૌહાર્દ અને શાંતિ.

સ્વામી વિવેકાનંદ જોવામાં, વિચારોમાં અને કાર્યોમાં દરેક દૃષ્ટિએ સુંદર હતા. ભાગ્યે જ કોઈ એક વિરલામાં સૌંદર્યનો આવો સમન્વય જોવા મળે. તેમનું રાઈના દાણા જેટલું અલ્પ જીવન અને તેમનાં પહાડ જેવું વિરાટ કાર્ય—માનવ સભ્યતાના સંપૂર્ણ ઇતિહાસમાં પ્રતિભા અને કર્મઠતાનું એ સભ્યતાના સંપૂર્ણ ઇતિહાસમાં પ્રતિભા અને કર્મઠતાનું એક અદ્‌ભુત ઉદાહરણ છે.

આવો, આપણે સ્વામીજીની ૧૫૦મી જન્મજયંતી મનાવવાની સાથે ભારતને એક સુદૃઢ રાષ્ટ્ર અને દુનિયાને રહેવા યોગ્ય વધુ સારી જગ્યા બનાવવાના હેતુ સાથે સંકલ્પબદ્ધ થઈ આગળ વધીએ.

Total Views: 159

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.