જ્ઞાનની અને અજ્ઞાનની પાર તમે જાઓ ત્યારે જ તમે ઈશ્વરને પામી શકો.
અનેક બાબતો જાણવી એ જ્ઞાન નથી. વિદ્વત્તાનો ગર્વ પણ અજ્ઞાન જ છે. ઈશ્વર જ સર્વ ભૂતોમાં વસે છે એમાં દૃઢશ્રદ્ધા તે જ જ્ઞાન.
એને નિકટતાથી જાણવો તે વિજ્ઞાન. તમારા પગમાં એક કાંટો ખૂંપે તો તેને કાઢવા માટે બીજો કાંટો જોઈએ.
પેલો કાંટો બહાર નીકળી ગયો એટલે બંનેને ફેંકી દેવાના. અજ્ઞાનના શૂળને કાઢવા માટે તમારે જ્ઞાનનું શૂળ વાપરવું પડે; પછી જ્ઞાન-અજ્ઞાન બંનેને ફગાવી દો. ઈશ્વર જ્ઞાન-અજ્ઞાન બેઉથી પર છે.
એકવાર લક્ષ્મણે રામને કહ્યું: ‘ભાઈ, પોતાના પુત્રના મૃત્યુ પ્રસંગે વશિષ્ઠ આટલું રડ્યા તે કેવું નવાઈ જેવું છે !’ રામ બોલ્યા, ‘ભાઈ, જેની પાસે જ્ઞાન છે તેને અજ્ઞાન પણ હોવું જોઈએ. જેની પાસે એક બાબતનું જ્ઞાન હોય તેની પાસે અનેક બાબતોનું જ્ઞાન પણ હોવું જોઈએ. પ્રકાશને ઓળખનાર અંધકારને પણ ઓળખે.’
જ્ઞાન-અજ્ઞાનથી, સદ્ગુણ-દુર્ગુણથી, ગુણ-અવગુણથી, સ્વચ્છ-અસ્વચ્છથી બ્રહ્મ પર છે.
– શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંત કથાઓ – પૃ.૧૮૯
Your Content Goes Here