દેવતાઓ આત્મવિશ્વાસુ હોય છે, આત્મનિર્ભર હોય છે. તેઓ કોઈના પર આધાર રાખતા નથી. સૂર્યનારાયણ કોઈના પર આધાર રાખતા નથી, કે મને કોઈ અર્ધ્ય ચડાવશે કે નહીં ચડાવે, છતાં પણ યુગોથી સૂર્યાેદય અને સૂર્યાસ્ત થાય છે. હવા કોઈની પાસે આધાર કે અપેક્ષા રાખતી નથી. ચંદ્રમા કોઈની પાસે અપેક્ષા રાખતા નથી. જમીન કોઈની પાસે અપેક્ષા રાખતી નથી. જો આપ પણ આ પ્રકારે આત્મનિર્ભર હશો અથવા આત્મવિશ્વાસુ હશો તો આપને પણ દેવતા કહેવામાં આવશે. આપને લોકો ફૂલના હાર ચડાવશે, આપ પૂજનીય બની જશો. સ્વામી વિવેકાનંદમાં પ્રચંડ આત્મવિશ્વાસ હતો. આપ જે કાંઈ કદમ ઊઠાવો, આપના પોતાના પગ મજબૂત કરીને ઊઠાવો, એવી આશા રાખો કે આ કામ મારે જ કરવાનું છે અને તે હું જ કરીશ. કોઈની પાસે કશી અપેક્ષા રાખશો નહીં, એનો અર્થ એ નથી કે આપ સહકારભર્યું જીવન ન જીવો.

જાપાનના પ્રસિદ્ધ સેનાપતિ નોબુનાગા બિલકુલ અલ્પ સૈનિકો અને માત્ર થોડાં શસ્ત્રોથી જ પોતાનાથી પણ સમર્થ વિરોધી દુશ્મનોના છક્કા છોડાવી દેવા માટે પ્રખ્યાત હતા. તેઓ પોતાના સૈનિકોનો આત્મવિશ્વાસ વધારવાની કલામાં ખૂબ નિપૂણ હતા. એક વખત થોડા સૈનિકોનું મનોબળ વધારવા માટે એમણે એક તરકીબ રચી. સૈનિકોને લઈને દેવતાના મંદિરે ગયા અને સિક્કો ઉછાળીને દેવતાની ઇચ્છા સિદ્ધ કરવા લાગ્યા. સિક્કો ચીત પડે તો જીત અને પટ પડે તો હાર સમજવાની હતી. ત્રણ વખત સિક્કા ઉછાળ્યા, ત્રણેય વખત ચીત પડ્યા. સૌ હર્ષથી નાચવા લાગ્યા. તાળીઓ પાડીને બૂમો મારવા લાગ્યા, જીત, જીત, જીત. લડાઈ લડવામાં આવી. ભયંકર સંઘર્ષ થયો. ચારગણું વધુ સૈન્ય બળ ધરાવતા દુશ્મનોના એ બહાદુર સૈનિકોએ પ્રચંડ આત્મવિશ્વાસથી તોડી-મરોડીને ભુક્કા બોલાવી દીધા, અને વિજયનો ડંકો વગાડતા પાછા ફર્યા. અભિનંદન સમારોહમાં સેનાપતિ નોબુનાગાએ એ વિજયને સૈનિકોનો નહીં, પણ સૈનિકોના મનોબળનો ગણાવ્યો, અને રહસ્ય ખોલતાં તેમણે જણાવ્યું કે જે સિક્કો ઉછાળવામાં આવ્યો હતો તે સિક્કાને એવી રીતે ઢાળવામાં આવ્યો હતો કે બંને બાજુએ એ જ નિશાની હતી જેને ચીત કહેવાતી હતી. પ્રચંડ આત્મવિશ્વાસથી મોટી કોઈ શક્તિ નથી, તે અસંભવને પણ સંભવ બનાવે છે.

આપ કઈ રીતે દેવતા બનશો? મિત્રો, દેવતાઓ ઉદાર હોય છે. દેવતાઓ વિશાળ હૃદયના હોય છે. દેવતાઓ સંકુચિત હોતા નથી. દેવતાઓ જ્યારે-જ્યારે, જ્યાં-જ્યાં પ્રગટ થાય છે ત્યારે કશું આપ્યા વગર પાછા વળતા નથી. દેવતા બનવા માટે સંઘર્ષ કરવો પડશે. માછલીની જેમ ઊલટી દિશામાં ચાલો. જમાનાનું વહેણ ક્યાં છે, કઈ દિશામાં છે, તેના પર ધ્યાન ન આપશો. આપ સંકલ્પ લો અને નિશ્ચય કરો કે અમે ફક્ત આદર્શો  તરફ ચાલીશું, ઊંચાઈઓ ભણી ચાલીશું, તો ધીમે-ધીમે આત્મવિશ્વાસના અંકુર ફૂટવા માંડે છે. આમ શરૂ થયેલો વિશ્વાસ સમય જતાં પ્રચંડ આત્મવિશ્વાસમાં ફેરવાઈ જાય છે. જગત દંગ રહી જાય છે.

હોલેન્ડ, સમુદ્રની સપાટીથી નીચે વસેલો દેશ છે. અંદરના ભાગોમાં પાણી ઘૂસી ન જાય તે માટે આ દેશના કિનારાઓ પર દીવાલો બનાવવામાં આવી છે. ક્યારેક પાણી અંદરના ભાગોમાં આવવા લાગે છે ત્યારે મોટા-મોટા પંપો તેને ઉલેચવા માટે લગાડવા પડે છે.

એક દિવસ રાત પડતાં એક છોકરો પીટર સમુદ્રની દીવાલ પાસેથી પસાર થયો. તેણે જોયું કે દીવાલમાં ગાબડું પડી ગયું છે અને તે ગાબડામાંથી પાણી ઝડપથી નગરમાં પ્રવેશી રહ્યું છે. પીટરે સ્કાઉટિંગ શિક્ષણ મેળવેલ હતું. મિત્રો, આપ જાણો છો કે સ્કાઉટિંગના શિક્ષણમાં અતૂટ આત્મવિશ્વાસની કેટલી જરૂર પડે છે! અનુશાસન પ્રિય આ વિદ્યાર્થીએ બીજો કોઈ ઉપાય ન મળતાં પોતાનો હાથ ગાબડાના વહેણમાં નાખીને પાણીના વહેણને અટકાવ્યું. તે સહાય માટે બૂમો પાડતો રહ્યો. પરંતુ સૂમસામ તે સ્થળે કોઈએ પણ તેની બૂમો સાંભળી નહીં. બાર કલાક ભયંકર ઠંડીમાં અને પાણીમાં ડૂબેલો પીટર બેભાન થઈ ગયો. સવારે જ્યારે લોકો ત્યાંથી પસાર થયા ત્યારે આ છોકરાને આવી સ્થિતિમાં પાણીને અટકાવતો પડેલો જોયો. ત્યાંથી તેને ખસેડતાં મહામુશ્કેલીથી પીટરનો જીવ બચાવી શકાયો. હોલેન્ડને ડૂબવામાંથી બચાવનાર આ વિદ્યાર્થી પીટરનું નામ હોલેન્ડના ઇતિહાસમાં અમર છે.

આત્મબળથી ફક્ત પોતાનું જ કલ્યાણ થાય એ તો ખરું, પરંતુ સમગ્ર રાષ્ટ્રનું પણ કલ્યાણ થઈ શકે છે. જરા વિચાર કરો! ખૂબ ઝડપથી નીકળતા પાણીને કારણે રાતભરમાં નાનું ગાબડું કેટલું મોટું બની જાત! કેટલો વિનાશ સર્જાત! આવા સમયે પ્રચંડ આત્મવિશ્વાસની, આત્મશ્રદ્ધાની જરૂર પડે છે. આત્મબળ માટે જ સ્વામી વિવેકાનંદ કહેતા, ‘જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે.’ પુરાતનકાળમાં ઋષિકુમાર આરુણિએ પણ આખી રાત ખેતરના સેઢા પર સૂઈ રહીને વરસતા વરસાદમાં પલળીને નગર બાજુ તીવ્ર ગતિથી ધસમસતા પાણીના વહેણને અટકાવેલું. તે કથા પણ અત્યંત વિસ્મયકારી અને રોમાંચક છે, સત્યઘટના છે.

થોડો ઘણો આત્મવિશ્વાસ પણ જો હોય તો બગડેલી બાજી સુધરી જાય છે. એક વૃદ્ધ થોડો આત્મવિશ્વાસ કેળવીને રાજાના દરબારમાં પહોંચ્યો અને બોલ્યો, ‘હે રાજન! હું આપનો મસિયાઈ ભાઈ છું. ક્યારેક હું પણ આપના જેવો હતો, ૩૨ નોકર હતા, એ ચાલ્યા ગયા, બે મિત્ર હતા, તેઓ પણ સાથ આપતાં ખચકાવા લાગ્યા. બે ભાઈ છે, તે ખૂબ મુશ્કેલીથી થોડું-ઘણું કામ કરે છે. પત્ની પણ ઊંધા-ચત્તા જવાબ આપે છે. મારી મુસીબત જોતાં જો આપ કંઈક મદદ કરો તો સારું’.

રાજાએ તેને આદર સહિત પૈસાની થેલી આપી. સભાસદોએ આશ્ચર્યથી પૂછ્યું, ‘મહારાજ આ દરિદ્ર આપનો મસિયાઈ ભાઈ કેવી રીતે હોઈ શકે?’

રાજાએ કહ્યું, ‘તેણે મારા કર્તવ્યનું જ્ઞાન કરાવ્યું છે, તેના મોઢામાં મારી જેમ ૩૨ દાંત હતા, જે પડી ગયા. બે પગ મિત્ર હતા, તે ડગમગી ગયા. બે ભાઈ હાથ છે, જે અશક્ત હોવાને કારણે થોડું ઘણું જ કામ કરે છે. બુદ્ધિ તેની પત્ની હતી, જે હવે સાઈઠ વર્ષે નાસી ગઈ છે. કંઈનો કંઈ જવાબ આપે છે. મારી મા અમીરી અને તેની મા ગરીબી છે. આ બન્ને બહેનો છે, એટલે અમે બંને મસિયાઈ ભાઈ છીએ. વૃદ્ધનું કહેવું ખોટું નથી.’

વૃદ્ધના આત્મવિશ્વાસ સભર સંકેતોમાં રાજાએ પોતાના માટે એક સંદેશ વાંચ્યો અને પોતાનો બાકીનો સમય સત્કાર્યોમાં, પ્રજાજનોના કલ્યાણ માટે ફાળવવાનો સંકલ્પ કર્યાે.

પ્રચંડ આત્મવિશ્વાસ કેળવવા માટે વિધેયાત્મક, હકારાત્મક ચિંતન ખૂબ જરૂરી છે. આ એ પ્રકારનું ચિંતન-મનન છે જેનાથી મનુષ્ય દેવતા બની જાય છે. આપ એવું માનીને ચાલો કે આપ કશુંક આપવા માટે સમર્થ છો. જો આપની પાસે આપવાની મનોવૃત્તિ હોય તો આપ ચાર રોટલી ખાતા હો તો ત્રણ રોટલી ખાવ, એક રોટલી ગરીબો માટે બચાવી રાખો. તેમને તેમનો ભાગ વહેંચી આપો. પછી જુઓ, તે રોટલી આપને માટે કેટલું મોટું દેવત્વ લાવે છે! કેટલી ખુશી લઈને આવે છે! કેટલી શાંતિ લઈને આવે છે! જગત માટે કશુંક કરી છૂટવાનો પ્રયાસ કેટલો આત્મવિશ્વાસ લઈને આવે છે! મિત્રો, પ્રચંડ આત્મબળ આ પ્રકારના નાના-નાના સદ્ગુણોથી પ્રગટ થાય છે. જરૂર છે દેવતાઓ જેવા સદ્ગુણોનો આપણી અંદર પ્રાદુર્ભાવ કરવાની.

Total Views: 100
By Published On: April 1, 2012Categories: Dipak Kumar A. Raval0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram