ઉચ્ચ પ્રૌદ્યોગિકી વિકાસ હોવા છતાં આ દેશના ગરીબો અને વંચિતોની સમસ્યાને લીધે ઘણા અર્થશાસ્ત્રીઓ મૂંઝવણમાં પડી ગયા છે. સતત દ્રઢ નિશ્ચયથી આ સમસ્યાને દૂર કરવાના પ્રયત્નોના અભાવને જોઈને આપણને લાગે છે કે આ પ્રાસંગિક પ્રશ્ન ઘણાંના ધ્યાનમાંથી નીકળી ગયો છે.

આપણા રાષ્ટ્રની આ સૌથી વધારે મૂંઝવણ ભરેલી સમસ્યાને ઉકેલવામાં આપણા દેશના સુશિક્ષિત વર્ગનું કેવું પ્રદાન હોઈ શકે છે? શું પીડિત ગરીબોનાં દુ:ખકષ્ટને દૂર કરવામાં પોતાની પણ કોઈ જવાબદારી છે, એવું આપણા ભણેલાગણેલા લોકો અનુભવે છે ખરા? આવા ગરીબ અને વંચિત દેશભાંડુઓ માટે ભણેલાગણેલાના મનમાં જવાબદારીની ભાવના ઊભી કરવા અને આ ગરીબીની સમસ્યાનું સમાધાન શોધવા શું આપણી શિક્ષણપ્રણાલીમાં એના પર ચિંતન-મનનની કોઈ વ્યવસ્થા ઊભી ન કરવી જોઈએ? ૧૮૯૪માં એટલે કે આજથી સવાસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે આપણા ગરીબ ભાઈભાંડુઓ માટે, શિક્ષિત વર્ગની જવાબદારી માટે અંગુલીનિર્દેશ કરતાં આ ચિરસ્મરણીય શબ્દોમાં વાત કરી હતી:

‘ગરીબાઈ અને અજ્ઞાનમાં સદાને માટે ગરક થઈ ગયેલાં વીસ કરોડ જેટલાં નરનારીઓ માટે ત્યાં કોણ લાગણી ધરાવે છે? આમાંથી રસ્તો ક્યાં છે? તેઓ બિચારાં જ્ઞાનનો પ્રકાશ કે કેળવણી પામી શકતાં નથી. તે લોકોને જ્ઞાનનો પ્રકાશ કોણ આપશે? એમને ભણાવવા માટે બારણે બારણે કોણ ભટકશે? આ ગરીબ માનવીઓને જ તમે ઈશ્વર સમજો. તમે એમના વિશે વિચાર કરો, એમને માટે જ કાર્ય કરો, એમને માટે સતત પ્રાર્થના કરો. પરમેશ્વર તમને માર્ગ સૂઝાડશે. ગરીબ લોકો માટે જેનું હૃદય દ્રવે તેને હું ‘મહાત્મા’ કહું છું, નહિ તો એ ‘દુરાત્મા’ છે. એમના ભલા માટે સતત પ્રાર્થના કરવાનો દૃઢ સંકલ્પ આપણે એકસાથે જ કરીએ. કોઈની સહાનુભૂતિ વગર કે પાછળ મુદ્દલ આંસુ સાર્યા વગર, કશી પ્રસિદ્ધિ પામ્યા વગર, તદ્દન અજ્ઞાતપણે કદાચ આપણું મૃત્યુ થાય, તો પણ આપણે વહેતો મૂકેલો એક પણ વિચાર નિષ્ફળ જવાનો નથી. વહેલો કે મોડો એ વિચાર અવશ્ય ફલીભૂત થવાનો છે. મારું હૃદય એટલું બધું ભરાઈ આવ્યું છે કે મારી લાગણીને હું વ્યક્ત કરી શકતો નથી. તમે એ જાણો છો; તમે એની કલ્પના કરી શકશો. જ્યાં સુધી લાખો મનુષ્યો ભૂખમરા અને અજ્ઞાનની દશામાં જીવે છે ત્યાં સુધી એ ગરીબોના ભોગે શિક્ષણ પામીને જે માણસ તેમના પ્રત્યે જરા પણ ધ્યાન આપતો નથી એવા દરેકેદરેકને હું દેશદ્રોહી ગણું છું! ગરીબોને પીસીને પોતાનો તમામ પૈસો કમાનારા, ફૂલફટાક થઈને દમામભેર ફરનારા લોકો જ્યાં સુધી ભૂખ્યા જંગલીઓની કોટિમાં આવી રહેલા આ વીસ કરોડ લોકો માટે કશું કરતા નથી, ત્યાં સુધી એવા લોકોને હું અધમ કહીશ.’ (સ્વા.વિ.ગ્રં.મા.: ૯.૨૪૨)

દુર્ભાગ્યની વાત તો એ છે કે આપણા શિક્ષિતવર્ગના દૃષ્ટિકોણમાં અને જે શિક્ષણ પદ્ધતિએ આ કહેવાતા શિક્ષિતવર્ગને બહાર પાડ્યો છે તેમણે રાષ્ટ્રઘડતરના આપણા સૌથી અગત્યના પાસા તરફ ધ્યાન આપ્યું નથી. જોકે અત્યારે આપણા દેશમાં એન.એસ.એસ, એન.સી.સી. જેવા કેટલાક કાર્યક્રમો પરિશ્રમ અને સેવાભાવના કેળવવા માટે ચાલે છે. આ લેખમાં સૂચવેલ કાર્યક્રમ આપણા દેશની ગરીબીનિર્મૂલન કાર્યક્રમ પ્રત્યે જાગૃત કરે છે એ એક રચનાત્મક પગલું ગણી શકાય. એને લીધે આપણા સામાન્ય જનસમૂહોની સાચી સમસ્યાઓને જાણવા અને તેનો ઉકેલ શોધવા બધા વિદ્યાર્થીઓને એક એવી સાચી કેળવણી અપાશે કે જે તેમને આવાં કાર્યો કરવા માટે પ્રેરશે અને સજ્જ બનાવશે.

ગરીબી નિવારણની સમસ્યાના સાચા સમાધાન માટે વર્ગખંડમાંથી જ ચિંતનાત્મક અને લાગણી સંવેદનાના સ્તરે આનુષંગિક કાર્ય શરૂ થવું જોઈએ. એટલે જ શિક્ષણનાં ભિન્નભિન્ન સ્તરે ગરીબીને લગતી આ વિશ્વસનીય આંકડાકીય માહિતી અને એને દૂર કરવાનાં સાધનોની યાદી ઊભી કરવી જોઈએ.

ભણેલા લોકો દ્વારા ગરીબોની સેવા કરવાની ખાતરી આપવી, અમીરો દ્વારા ગરીબોની સેવા કરાવવી અને વિવિધ દૃષ્ટિકોણવાળા અભિગમ સાથેની આ નૂતન શૈક્ષણિક કાર્યની પાયાની વિચારભૂમિકા છે અને ગરીબોની સેવા કરવાની આવશ્યકતાના આ આદર્શને શાળાકોલેજમાંથી બહાર આવતાં વિદ્યાર્થીઓના મનમાં એ માટેની પૂર્ણ જાગૃતિ ઊભી કરીને એમને એની અનુભૂતિ કરાવવી જોઈએ.

સ્વાતંત્ર્યપ્રાપ્તિનાં પાંસઠ વર્ષો પછી અત્યારે આપણી મૂલ્યલક્ષી કેળવણીમાં ગરીબોની સેવા કરવાના એ વિચારને અભ્યાસક્રમનું એક મહત્ત્વનું અંગ બનાવવા ગંભીરપણે આપણે સૌ વિચારીએ. એવાં પ્રત્યક્ષ નિરીક્ષણ અને અભ્યાસ-અવલોકન દ્વારા દેશમાં સર્વત્ર ફેલાયેલી ગરીબાઈની આ વાસ્તવિકતા આ ઊગતી પેઢીના મનમાં સ્પષ્ટ રીતે અને સાચી રીતે આવી જવી જોઈએ અને એમને બધાને ગરીબો પ્રત્યે સહાનુભૂતિશીલ હૃદય કેળવતા બનાવવા જોઈએ.

પશ્ચાદ્ભૂમિ

આઝાદી પછીનાં છેલ્લાં પાંસઠ વર્ષ દરમિયાન ભારતે વિકાસનાં કેટલાંય ક્ષેત્રોમાં હરણફાળ ભરી છે. વળી ગરીબ હોવું એટલે અભણ હોવાની ઘણી ઊંચી શક્યતા એટલે કે મોટા ભાગના અભણ ગૃહસ્થો ગરીબ રહે છે.

ભારતની પ્રજાના સંદર્ભમાં સૌથી મોટો વિરોધાભાસ એટલે ભણેલા અને અભણ વચ્ચે ઘણું મોટું અંતર. પીડિત ગરીબો પ્રત્યેની કઠણ કાળજાના ભણેલા લોકોની નિષ્ઠુરતાનાં ઊંડાં મૂળિયાં એમણે મેળવેલી કેળવણીમાં રહેલાં છે. આ દેશમાં પ્રાપ્ય કેળવણી દેશની વધતી જતી ગરીબીની સમસ્યાઓ માટે એક પ્રત્યક્ષ બોજો છે, ભણેલા શિક્ષિતમાંથી બહુ જૂજ સંખ્યામાં એવું માને છે. વિશાળ સ્તરે વિસ્તરેલ નિરક્ષરતા, અત્યંત નિમ્ન કક્ષાની આરોગ્ય સુવિધાઓ, અપૂરતી જમીન સુધારણા, લિંગભેદ-સ્ત્રીપુરુષ ભેદ, નારીઓની અવમાનના અને બાળકોની ઉપેક્ષા સાથે ગરીબીને પ્રત્યક્ષ સંબંધ છે.

આ માટે વિચારોના વમળમાં ઘૂમરાતી રહેતી ચીલાચાલુ ચર્ચાઓથી આ કાર્ય થવાનું નથી, એ માટે તો આવશ્યક છે કોઈને કોઈ સ્થળે અને સમયે આ અભિગમનો પ્રારંભ કરવો. ગરીબી જેવી સમસ્યાનું સંપૂર્ણ નિર્મૂલન કરવા માટે આવશ્યકતા છે માનવના મનને, હૃદયને અને ઇચ્છાશક્તિને મક્કમતાથી કાર્ય કરતી કરવી; અને આ બાબતને રાષ્ટ્રભરમાં કેળવણી દ્વારા પ્રોત્સાહિત અને સક્રિય બનાવી શકાય.

એટલે જ ગરીબો અને વંચિતોની સેવાના આદર્શને આજના યુવાનોના મનમાં પૂરેપૂરા આયોજનપૂર્વક આરોપવો જોઈએ અને આ વસ્તુ તો જ શક્ય બને જો એને ભૌતિક, રસાયણ અને જીવવિજ્ઞાન તેમજ બીજા વિષયોની જેમ અભ્યાસક્રમનો એક ભાગ બનાવવામાં આવે. આજની આપણી ગરીબીની સળગતી સમસ્યા અને એની સાથે સંલગ્ન બીજી સમસ્યાઓનો સામનો કરવા અને ઉકેલ શોધવા આપણા વિદ્યાર્થીઓના કોમળ મનમાં આ સદ્ભાવના સાથેની પ્રામાણિક અને સાચી ઇચ્છાશક્તિની જ્યોતને પ્રગટાવવાની આવશ્યકતા છે.

અભિગમ

આપણા વિદ્યાર્થીઓને વિકાસ અને ગરીબી નિવારણ જેવી સમસ્યાઓમાં કેળવવા, એમને નાની વયમાં સહાનુભૂતિશીલ બનાવવા, આપણી ગ્રામ્યસંરચનાને અને ગરીબીની સમસ્યાને તેઓ મોટા થતા જાય તેમ પૂરેપૂરી સમજે તે રીતે તેમને અભિમુખ કરવા જેવી એકાદ બે કાર્યપ્રણાલીને આજના ચાલુ શિક્ષણપ્રવાહના જુદાજુદા તબક્કાઓમાં અનુસરીને આ કાર્ય કરી શકાય. આ સાથે આપણી યુવા પેઢીનું તત્કાલ મનોવલણ પણ ધ્યાનમાં રાખવું જોઈએ – આજે વિદ્યાર્થીઓ, યુવાનો સારી કારકિર્દી આપતા વ્યાવસાયિક અભ્યાસક્રમો તરફ દોડતા રહે છે અને દરેક તબક્કે સમસ્યાઓને કે પ્રશ્નોને પૂરેપૂરી રીતે સમજવાને બદલે વધુને વધુ ઉચ્ચ ગુણાંક મેળવવા પર અત્યંત ધ્યાન આપે છે. એટલે ગરીબી નિવારણની અભિમુખતા અને ગ્રામકલ્યાણનાં કાર્યો માટે અહીં જણાવેલા કેટલાક અભિસ્થાપન કાર્યક્રમો પૂરા પાડવા જોઈએ, એમ અમે સૂચવીએ છીએ.

આ સૂચિત અભિગમ નીચે દર્શાવેલ પાસાને વધુ મહત્ત્વ આપે છે.
* આવી અભિમુખતા કેળવવાનું કાર્ય ધીમે અને ક્રમિક ડગલે તેમજ અસરકારક થવું જોઈએ.
* આવા અભિગમમાં ૪૦% ભાર સૈદ્ધાંતિક પાસાને સમજવામાં ફાળવવો અને બાકીનો ૬૦% પ્રત્યક્ષ કાર્ય કરીને તેમજ જે તે વિસ્તારનું જાત નિરીક્ષણ કરીને શીખવાનું હોય છે.
* ગ્રામકલ્યાણ વિષયને એ આદર્શરૂપે શિક્ષણમાં અહીં આપેલા ત્રણ વિભાગમાં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક રીતે શીખવવો જોઈએ. (૧) ધો. ૬ થી ૮, (૨) ધો. ૯ થી ૧૨ અને (૩) કોલેજકક્ષા.
* આ અભ્યાસક્રમનાં વર્ષો દરમિયાન વર્ગશિક્ષણ અને તેને આનુષંગિક (જેમ જેમ ઉચ્ચતર ધોરણોમાં વિદ્યાર્થીઓ જતા થાય તેમ.) એક કે એકથી વધારે વખત જે તે ગરીબ વિસ્તારની મુલાકાત તેમજ ગામડાની પરિસ્થિતિથી વધારે વાકેફ બને અને અસરકારક સમજણ કેળવે તે માટે ગામડામાં લોકો સાથે રહેવું.
* આ શિક્ષણકાર્યનું સ્તર ક્રમશ: આગળ ધપે, જેથી ધો. ૬ થી ૮માં પાયાની મૂળભૂત બાબતો જાણે અને ધો. ૧૨ તેમજ કોલેજકક્ષાએ વિદ્યાર્થીઓ વાસ્તવિક સમસ્યાઓને સમજતાં અને ઓળખતાં શીખે.
* દરેક કક્ષાએ વર્ગને બે જૂથમાં વહેંચવો. દરેક જૂથમાં ૨૦ જેટલા વિદ્યાર્થીઓ રાખી શકાય. દરેક જૂથ અલગ અલગ ગામડાની મુલાકાતે જાય.
* દરેક જૂથ કેટલાંક વર્ષ સુધી એક જ ગામની મુલાકાત લેતો રહે. વિદ્યાર્થીઓનું એક નાનું જૂથ એ જ ગામડાની મુલાકાત લઈને ગ્રામ્યજનો અને એમની પ્રવૃત્તિઓ વિશે પરસ્પરના આંતર સંબંધો સ્થાપશે.
* દરેક મુલાકાત વખતે વિદ્યાર્થી ગામડાના કુટુંબ સાથે રહે, ભોજન તેમજ અન્ય સુવિધા માટે જરૂર પડે તો તેનું મૂલ્ય પણ ચૂકવે.
* સામાન્ય રીતે ભારતના ગામડામાં આવી સુવિધાઓ વિનામૂલ્યે મળે છે. એને લીધે કુટુંબનું વ્યવસ્થાતંત્ર અને મુશ્કેલી ભરેલી પરિસ્થિતિઓનો આવી ગરીબીમાં કેવી રીતે સામનો કરવો એનો ખ્યાલ આવે છે. આવાં કુટુંબો સાથે રહીને એમની વૈકલ્પિક જીવન વ્યવસ્થા અને ગ્રામ્ય અને ઝૂંપડપટ્ટીની વ્યવસ્થાનો ખ્યાલ આવે છે.
* આમ છતાં પણ સાથે રહેનાર શિક્ષક કે સંવાહકે જે તે જૂથને આરોગ્ય સ્વચ્છતાની દૃષ્ટિએ ઓછામાં ઓછી સુવિધાઓ મળશે એ હકીકતથી વાકેફ કરવા જોઈએ.
* દરરોજ સાંજે વિદ્યાર્થીઓ સાથે એક મિલન યોજવું. આ મિલનમાં એમણે કરેલાં અવલોકનોની પરસ્પર આપલે કરવી અને પોતપોતાનાં દૃષ્ટિબિંદુઓની ચર્ચા કરવી.
* આવી પ્રત્યેક મુલાકાતની નોંધ રોજનીશી કે સંશોધનપત્રમાં વિદ્યાર્થીઓએ અને શિક્ષક કે સંવાહકે અવશ્ય કરતા રહેવું. લાંબા ગાળા પછી આનું યોગ્ય ડોક્યુમેન્ટેશન (દસ્તાવેજીકરણ) અને પછીના તબક્કે કરવાનું અનુકાર્ય તૈયાર કરવામાં આ નોંધ મદદરૂપ થાય છે.

આ દસ્તાવેજીકરણની તેમજ બીજી બાબતોની ચર્ચા હવે પછીના અંકમાં કરીશું.

Total Views: 215

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.