(ગતાંકથી આગળ)
પછીનો શ્લોક કહે છે:
यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ।
समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते।।2.15।।
‘આ (સુખદુ:ખના, શીતોષ્ણના) અનુભવોથી જે વ્યથા પામતો નથી, समदुःखसुखं धीरं ‘જે ધીર પુરુષ દુ:ખમાં અને સુખમાં સમ છે.’ सोऽमृतत्वाय कल्पते ‘માત્ર તે મનુષ્ય જ અમરત્વ પ્રાપ્ત કરી શકે; એવો માનવી જ અમર આત્માને પામી શકે. આ પ્રચંડ શક્તિ છે; આઝાદી માટેના આપણા રાજકીય સંગ્રામમાં પણ, બહારનાં દબાણો સામે ટકી શકવાનું સામર્થ્ય આપણા કેટલાક નેતાઓમાં હતું. એ લોકો ભાંગી પડ્યા નહીં. એ મક્કમ ખડા રહ્યા હતા. એ શક્તિ આપણે ગુમાવી રહ્યા છીએ એ ખેદજનક છે; આપણે એ પુન: પ્રાપ્ત કરવાની જરૂર છે. સરદાર વલ્લભભાઈનો એક કિસ્સો વર્તમાનપત્રોમાં વાંચ્યાનું મને યાદ છે; કોર્ટમાં કોઈ દાવા બાબત એ દલીલ કરી રહ્યા હતા ત્યારે, એમના હાથમાં કોઈએ એક તાર આપ્યો. એ વાંચીને એમણે એને ખિસ્સામાં મૂકી દીધો અને, દલીલો ચાલુ રાખી. ને પછી, એ પોતાનાં મૃત પત્ની પાસે ઘેર ગયા. તાર એમના મૃત્યુનો હતો. આવા ઘાને આપણામાંથી શાંતિપૂર્વક કેટલા ઝીલી શકીશું? પ્રેમના અભાવને કારણે એમ ન હતું; પ્રેમ હતો જ. પણ એથી કશું વિશેષ હતું; જિંદગીના ચડાવઉતારને પચાવવાની શક્તિ. શરીરતંત્ર, જ્ઞાનતંતુ તંત્ર અને ચિત્તતંત્રની તાણોની પાર જવા માટે ખૂબ હિમ્મત જોઈએ છે, ત્યારે જ, એ સર્વની પાર રહેલા આત્માનો સાક્ષાત્કાર થાય છે. આજ દિ’ થી આપણે આ સામર્થ્ય ખિલવવાનું છે. માટે તો, આધ્યાત્મિક ઉન્નતિ માટે ઉચ્ચ ચારિત્ર્યબળની આવશ્યકતા રહે છે. મનુષ્ય પાસે જે બળ છે તેને જાતે જ વિકસાવવાનું છે. એ પૈસાથી ખરીદી શકાતું નથી. આપણી અંદર આપણે જાતે જ એ કેળવવું પડે છે; બીજા લોકો તમને મદદ કરી શકે, માર્ગદર્શન આપી શકે પણ, એ આપણી જાતનું જ કામ છે. આ મનુષ્યજીવન, મનોદૈહિક શક્તિનું આ પડીકું, સાચે માર્ગે ખીલે તે મારે જાતે જ જોવાનું છે જેથી એમાંથી ઉત્તમ પાક આવે. અને પોતાના સત્ય સ્વરૂપનો, અમર આત્મા તરીકેનો, સાક્ષાત્કાર સૌથી ઉત્કૃષ્ટ પાક છે. ‘રે મન, તું કૃષિકાર્ય જાણતું નથી.’ – આ શબ્દોથી શરૂ થતું રામપ્રસાદનું એક બંગાળી ભજન શ્રીરામકૃષ્ણ ગાતા: ‘રે મન, તુમિ કૃષિ કાજ જાનોના, એમોન માનવ જમી રોઈલો પતિત, આબાદ કોરિલે ફલતો સોના’ ‘માનવજીવનનું આવું સમૃદ્ધ ખેતર વણખેડયું પડયું છે; એ ખેડાય તો સોના જેવો પાક ઊતરશે.’
પછીનો શ્લોક ઊંડા અધ્યાત્મથી ભરેલો છે.
नासतो विद्यते भावो नाभावो विद्यते सतः।
उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदशिर्भिः।।2.16।।
અસત્ અને સત્ – આ બે શબ્દો વપરાયા છે. ભિન્ન ભિન્ન સંદર્ભોમાં એમના અર્થ જુદા જુદા થાય છે. વિશુદ્ધ દાર્શનિક સંદર્ભમાં એમનો અર્થ અસત્ય અને સત્ય થાય છે. પણ સાંખ્યની પરિભાષામાં એમના અર્થ જુદા થાય છે: એક કારણ કહેવાય છે અને બીજું (કાર્ય) પરિણામ કહેવાય છે. સત્ પરિણામ (કાર્ય) છે અને અસત્ કારણ છે. કારણ કે, સત્ આપણે જોઈ શકીએ છીએ. ને સાંખ્ય પ્રમાણે કારણકાર્ય અભિન્ન છે. કારણ, તેવું કાર્ય. યંત્રમાં તમે જેટલી ઊર્જા પૂરો તેટલું કામ એ આપે, જરાય વધારે નહીં. કારણકાર્યની અભિન્નતા એને કહેવાય છે. પણ આ સંદર્ભમાં સત્ એટલે સત્ય છે. અને, અસત્ એટલે અસત્ય છે. એટલે શ્લોક કહે છે न असतो विद्यते भावो, ‘અસત્યનું કદી અસ્તિત્વ જ હોતું નથી.’; એ જ રીતે, ना भावो विद्यते सतः, ‘સત્યને ‘અનસ્તિત્વ’ શબ્દ કદી લાગુ કરી શકાતો નથી: સત્ સત્ય છે; એનું અનસ્તિત્વ કદાપિ સંભવી શકે નહીં. આપણા ચિંતકોએ જગતનો અભ્યાસ કર્યો ત્યારે, તેનાં બે પાસાં એમને જણાયાં, એક પરિવર્તનશીલ અને બીજું અપરિવર્તનશીલ. જગતના સર્વ પદાર્થો પરિવર્તનશીલ છે; પળેપળે બધું બદલાય છે. કઠોપનિષદ પરની પોતાની ટીકામાં શંકરાચાર્ય કહે છે: प्रतिक्षणं अन्यथा स्वभावो, ‘દર ક્ષણે એ કંઈક બીજું હોય છે.’ આ બહારના અને, અંદરના મોટાભાગના જગતનું લક્ષણ પરિવર્તન છે. અને જે પ્રતિક્ષણ પરિવર્તન પામે છે તેને વેદાંત અસત્ય કહે છે. અસત્ય શબ્દ એ અર્થમાં વપરાય છે; એ છે, પણ અસત્ય છે. એ દેખાય છે પણ અસત્ય છે, પ્રાચીન કાળમાં ભારતના દાર્શનિકો તેમજ, ચીનના તથા ગ્રીસના દાર્શનિકો આ તારણ ઉપર આવ્યા હતા. જે પ્રકટ વિશ્વનો અનુભવ આપણી પાંચ ઇન્દ્રિયો વડે આપણે કરીએ છીએ તે હંમેશાં પરિવર્તનશીલ છે ને તેથી અસત્ છે. જે કંઈ વિકારી છે તે અસત્ છે. તો સત્ય કયાં છે? વેદાંત કહે છે, હા, ઇન્દ્રિયકક્ષાની પાર અવિકારી સત્ય છે, એ અપરિવર્તનશીલ, અનંત અને સનાતન છે. આપણા દર્શનશાસ્ત્રમાં આ શોધ ઘણી વહેલી થઈ હતી; ગ્રીસ દાર્શનિકોમાં બે શાખાઓ હતી, એક સનાતન, અવિકારી સત્યને માનનારી અને બીજી પરિવર્તનશીલ જગતને માનનારી. ‘એક નદીમાં તમે બે વાર પગ મૂકતા નથી’ એ કથનમાં ગ્રીક ફિલસૂફોએ જગતની પરિવર્તનશીલતા આકર્ષકરૂપે વ્યક્ત કરી છે. નદીની માફક જગત સતત પરિવર્તન પામતું રહે છે. ભૌતિક પદાર્થો સાથે કામ પાડતા અર્વાચીન ભૌતિકશાસ્ત્રનું અને સજીવ તંત્રો સાથે કામ પાડતા અર્વાચીન જીવશાસ્ત્રનું અધ્યયન આ વાતને વધારે ને વધારે સુદૃઢ કરે છે. ઉદાહરણ તરીકે થોડાં વર્ષોમાં તમારું શરીર બદલાઈ જાય છે. દેહમાંનો પ્રત્યેક પદાર્થ બદલાઈ ગયો છે. આપણે કહીએ છીએ, ‘હું એ જ વ્યક્તિ છું.’ આ પરિવર્તનશીલ જગતમાં કયાંક કોઈક પ્રકારની એકતા છે. પણ માનવીને જ એ પ્રાપ્ત છે. પ્રાણીઓ પરિવર્તન પામે છે પરંતુ એ, પરિવર્તન પાછળની એકતા એમને પ્રાપ્ય નથી. પણ આ બધું પરિવર્તન જ્યાં કેન્દ્રિત છે ત્યાં મનુષ્યને એકતા લાગે છે. ફિલ્મનાં બધાં ચિત્રો બદલાતાં જઈને ફિલ્મની એકતા સર્જે છે. તે ફિલ્મ પાછળના પડદાને એ આભારી છે. એકતા એથી સધાય છે. એ જ રીતે વિશ્વની અનેકતા પાછળની એકતાની ખોજ આપણે કરીએ છીએ. પરિવર્તન પહેલું સત્ય છે અને આપણે જોઈએ છીએ કે, પરિવર્તનશીલ છે તે સઘળું અસત્ય છે.
ગૌડપાદની માણ્ડૂકય ઉપનિષદકારિકા (૨.૬)માં આપણને સત્યની વ્યાખ્યા સાંપડે છે: आदौ अन्ते च यन्नास्ति वर्तमानेऽपि तत् तथा; विततैः साद्दशः सन्तो अवितथा इव लक्षिताः – ‘આદિમાં અને અંતે જે નથી તે વર્તમાનમાં પણ નથી; એ સત્ય ભાસતું હોવા છતાં એનું લક્ષણ અસત્યનું છે.’ શ્લોકમાં કહે છે કે, આરંભમાં અને અંતમાં જેનું અસ્તિત્વ નથી તેમને, જે મધ્યમાં દૃશ્યમાન છે તે અસત્ય કહેવાય. તો સત્ય શું છે? જે ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં અસ્તિત્વ ધરાવે છે તે સત્ય કહેવાય છે. એ નિત્ય છે. આવું સત્ય છે ખરું? વેદાંત કહે છે, હા અને, જગત સમસ્તની ફિલસૂફી એની ખોજ કરે છે. આ પરિવર્તનશીલ વિશ્વની પાછળના સત્યની ખોજ ભૌતિક વિજ્ઞાન પણ કરી રહ્યું છે. વેદાંતમાં આપણે જે ગાંભીર્યથી અને પૂર્ણતાથી આ કાર્ય હાથ ધરેલું છે તેનો જગતમાં જોટો નથી. અહીં સત્ અને અસત્ શબ્દો વાપરવામાં આવ્યા છે. नासतो विद्यते भावो नाभावो विद्यते सतः આ બાહ્ય જગત અસત્ હોય તો, સત્ શું છે? વિશુદ્ધ ચૈતન્યના સ્વરૂપનો, એક અને અખંડ, ‘જેનામાંથી આ સમગ્ર વિશ્વ આવ્યું છે, જેનામાં એ સ્થિત છે અને, યુગાન્તે એ જેનામાં પાછું લય પામવાનું છે’ તે, અવિનાશી, અનંત આત્મા. આ પછીના શ્લોકનું એ વસ્તુ છે.
તો, અવિનાશી, અનંત સત્ય માટે આપણે સત્ શબ્દ પ્રયોજીએ છીએ; અસત્ આ નાશવંત જગત માટે. આ ઇન્દ્રિયસંવેદનાનું જગત જ સત્ય છે, એ માન્યતા ભૌતિકવાદને નામે ઓળખાય છે અને, આજે એ ભૌતિકવાદ જોરદાર ફિલસૂફી છે. જગતમાં અગાઉ પણ એમ હતું. ગહન અને વેધક ચિંતન નહીં આવે ત્યાં સુધી એ હંમેશાં રહેશે. અર્વાચીન વિજ્ઞાનમાંથી ભૌતિકવાદને દૂર કરવાનો પ્રયત્ન આજના કેટલાક વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. ઓગણીસમી સદીમાં પણ, ડાર્વિનના સાથી ટોમસ હકસ્લી નામના મહાન ચિંતકે ભૌતિકવાદને વિજ્ઞાનમાં ઘૂસણખોર કહ્યો હતો. પદાર્થ (ભૂત) ઉપયોગી ખ્યાલ છે. કોઈએ પદાર્થને જોયો નથી છતાં, બીજગણિતના કોયડા ઉકેલવા માટે વપરાતા X, Y, Z ની માફક, એ ઉપયોગી ખ્યાલ છે. પણ એ કેવળ સંજ્ઞા છે તે ભૂલી જઈ તેને સત્ય માની લેનાર માનવજાતને ઘોર અન્યાય કરે છે, માનવજીવનના સૌંદર્યને એ લોકો હણી નાખશે. ઓગણીસમા સૈકામાં ટોમસ હકસ્લીએ આ ચેતવણી આપી હતી. વીસમી સદીમાં ભૌતિકશાસ્ત્રી મિલિકને પણ કહ્યું છે: ‘‘ભૌતિકવાદી ફિલસૂફી મારે મન અબુદ્ધિનું શિખર છે!’’ અને આજના સમયમાં આ સત્યનો સાક્ષાત્કાર બીજા અનેકો કરી રહ્યા છે. એટલે, પદાર્થ તો કેવળ સંજ્ઞા છે. પદાર્થનું દર્શન કોઈએ કર્યું નથી. ભારતીય દૃષ્ટિબિંદુએથી, બહાર પદાર્થ તરીકે દેખાતા અને, આપણી અંદર આત્મા તરીકે દેખાતા, અનંત સત્યને આપણે નિહાળીએ છીએ. વિશ્વમાં સત્ય એક જ છે. આપણે તેને વિશુદ્ધ ચૈતન્યશીલ બ્રહ્મ કે આત્મા કહીએ છીએ. આ ભાષા વેદાંત પ્રયોજે છે અને કેટલાક પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો એની પ્રશંસા કરે છે કે, પદાર્થ ચૈતન્યનું ઘનીભૂત સ્વરૂપ છે, જે માનવીના ઇન્દ્રિયતંત્રને ગમ્ય થાય છે. ઘણો સુંદર વિચાર! પદાર્થની અનેક કક્ષાઓ હોઈ શકે: સ્થૂલ પદાર્થ, સૂક્ષ્મ પદાર્થ, સૂક્ષ્મતર પદાર્થ; મનુષ્યદેહમાં પણ આપણને આ જોવા મળે છે. સૂક્ષ્મતાની વિવિધ કક્ષાએ આપણને ભૌતિક પદાર્થ સાંપડે છે, કઠણ હાડકાથી પારદર્શક ડોળા સુધી – વૃક્ષમાં સાદો રસ બને છે. કઠણ લાકડું, પાંદડાં, ફૂલો અને ફળો; આમ, ભૌતિક પદાર્થ અનેક કક્ષાઓએ જોવા મળે છે, સ્થૂલ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને પદાર્થ શું છે તે આપણે જાણતા નથી. (ક્રમશ:)
Your Content Goes Here