(ગતાંકથી આગળ….)

સ્વામી શુદ્ધાનંદજીની સ્મૃતિશક્તિ અદ્‌ભુત હતી. એમના મનની આ અદ્‌ભુત સ્મરણશક્તિને લીધે ભગવદ્ ગીતા પરનું સ્વામી વિવેકાનંદનું એક વ્યાખ્યાન પ્રસિદ્ધ થઈ શક્યું. એક વખત સ્વામીજીએ બેલુરમઠમાં નજીકના અંતરંગ એક સમૂહને ગીતા પર એક પ્રેરક વ્યાખ્યાન આપ્યું. સ્વામી શુદ્ધાનંદ એ પ્રસંગે હાજર હતા. સ્વામીજી બોલતા ગયા અને દરેકે દરેક શ્રોતા મંત્રમુગ્ધ બની ગયા. થોડા દિવસ પછી સ્વામી પ્રેમાનંદજીની વિનંતીથી સ્વામીજીએ તે દિવસે જે કંઈ કહ્યું હતું તે સ્વામી શુદ્ધાનંદે લખી નાખ્યું. પછીથી ‘ગીતાતત્ત્વ’ના નામે એ વ્યાખ્યાન પ્રસિદ્ધ થયું.

સ્વામીજી જે કંઈ કહેતા અને શુદ્ધાનંદ સાંભળતા તે એમની સ્મૃતિમાં અક્ષરશઃ કોતરાઈ જતું. એમાં સ્વામીજીની ભાષા જ નહિ પણ એમની મુખાકૃતિ પરના વિવિધ હાવભાવ પણ શુદ્ધાનંદના મનનાં પૃષ્ઠો પર અંકિત થઈ જતા. સ્વામીજીના દિવ્ય અને ઓજસપૂર્ણ દેખાવને યાદ કરીને તે હર્ષાેન્મિત થઈ જતા. ભગવદ્ ગીતા વિશેનું પોતાનું વ્યાખ્યાન આપતી વખતે સ્વામીજીની ઉપસ્થિતિનું વર્ણન શુદ્ધાનંદજીએ શ્રેષ્ઠ રીતે પોતાના શબ્દોમાં આ રીતે કર્યું છેઃ

પ્રિય વાચકો,

એ દિવસે જે મહાન વ્યક્તિત્વ મેં જોયું હતું, અને જે ઉપસ્થિતિ હજુ પણ મારી આંખો સામે છે તે જ છાપ મારા આ વિનમ્ર પ્રયાસથી આપનાં મનઃચક્ષુ સમક્ષ ખડી થશે. જ્યારે હું એમના વિશે વિચારું છું ત્યારે જેમનું હૃદય અસીમ પ્રેમથી ભર્યું છે એવા એક મહાન વિદ્વાન, શક્તિના મહાન સ્તંભરૂપે એમને યાદ કરું છું. સ્થળકાળની મર્યાદાઓથી ઉપર ઊઠતું સ્વામીજીનું એ રૂપ નિહાળવાનો તમારે પણ પ્રયત્ન કરવો જોઈએ… એ દિવસે સ્વામીજીએ કહ્યું હતું, ‘જ્યારે તમે એ સર્વાેત્કૃષ્ટ આત્માને બીજામાં નિહાળવાનો પ્રયત્ન કરશો ત્યારે તમે ખરાબમાં ખરાબ પાપીને પણ ધિક્કારવાના નથી જ.’

તમે ખરાબમાં ખરાબ પાપીને પણ ધિક્કારવાના નથી જ, આ શબ્દો ઉચ્ચારતી વખતની એમની અભિવ્યક્તિ મારા મનમાં સદાને માટે કોતરાઈ ગઈ. આ શબ્દો ઉચ્ચારતી વખતે જાણે કે એમનામાંથી પ્રેમ સેંકડો ઝરણાંમાં વહેવા માંડ્યો, અને એમના ચળકતા ચહેરા પર જરાકેય કર્કશતા ન હતી.

સ્વામીજીની નિશ્રા હેઠળ શુદ્ધાનંદજીને શાસ્ત્રોનો અભ્યાસ કરવાની અલભ્ય તક અવારનવાર મળવા લાગી. એટલે જ શુદ્ધાનંદને શાસ્ત્રનું સારભૂત તત્ત્વ સ્પષ્ટપણે સમજાઈ જતું. બીજાએ શાસ્ત્રો પર લખેલી વિવિધ ટીકાઓની મદદ લીધા વિના પોતે જ શાસ્ત્રોને સમજવાનો પ્રયત્ન કરે એમ સ્વામીજી ક્યારેક ક્યારેક તેમને કહેતા. એનાથી પણ વધારે મહત્ત્વની વાત તો એ હતી કે તેમને માત્ર પુસ્તકના વિષયવસ્તુને સમજાવવાથી સંતોષ ન થતો, પણ એેકે એક શબ્દ સાચેસાચો ઉચ્ચારાય છે કે નહિ તેની ખાતરી પણ કરી લેતા.

સ્વામીજી શુદ્ધાનંદને અવારનવાર સંસ્કૃતમાં (પત્ર કે ચિઠ્ઠી) લખતા. આવા મહાન શિક્ષક દ્વારા કેળવાયેલા હોવાથી શાસ્ત્ર વિશેના અભિપ્રાયને શુદ્ધાનંદજી ક્યારેય મતાગ્રહને લીધે નબળો બનવા ન દેતા. સ્વામીજીના વિચારોનું અનુસરણ કરીને બ્રહ્મસૂત્ર વિશે સ્વતંત્ર ટીકા લખવા માટે તેઓ જાણીતા બન્યા હતા. એમાં કોઈ શંકા નથી કે જો બ્રહ્મસૂત્રની આ ટીકા પ્રકાશિત થઈ હોત તો અભ્યાસુ વિદ્યાર્થીઓને અને વિદ્વાનોને ઘણી મદદરૂપ બની હોત. બીજાઓ અને શુદ્ધાનંદ સાથે બ્રહ્મસૂત્રની ચર્ચા કરતાં સ્વામીજીએ કહ્યું હતું, ‘તમને એવું કોેણે કહ્યું છે કે બ્રહ્મસૂત્ર માત્ર અદ્વૈત તત્ત્વજ્ઞાનના દૃષ્ટિકોણ દર્શાવે છે?

શંકરાચાર્ય અદ્વૈતવાદી હતા. એટલે એમણે આ સૂત્રોને અદ્વૈતતત્ત્વજ્ઞાનના પ્રકાશમાં સમજાવવાનો પ્રયત્ન કર્યાે છે. પરંતુ વ્યાસજી ખરેખર શું માનતા હતા એ સમજવાનો તમારે પ્રયત્ન કરવો જોઈએ. ઉદાહરણ તરીકે જુઓ આ સૂત્રની એમની ટીકા – ‘અસ્મિન્નસ્ય ચ તદ્યોગં શાસ્તિ.’ – એ પણ કહે છે કે વ્યક્તિમાં રહેલા આત્માનું પરમાત્મા સાથે સંપૂર્ણ ઐક્ય ધરાવે છે. અહીં મને એવું લાગે છે કે અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત એ બંને દૃષ્ટિકોણને અહીં રજૂ કર્યા છે.’

પોતાના સર્વત્યાગી શિષ્યોની આધ્યાત્મિક ઉન્નતિ વિશે સ્વામીજી ખૂબ કાળજી અને ચિંતા રાખતા. સાથે ને સાથે તેઓ એ પણ જોતા કે એમનાં મન અને દેહ સંપૂર્ણપણે નિર્મળ, પવિત્ર તેમજ આધ્યાત્મિક સત્યોની અનુભૂતિ માટે યોગ્ય બની રહે. એમના શિષ્યો દુનિયાદારીની ભૌતિકતાના નાનામાં નાના પ્રભાવથી પણ મુક્ત રહે એ માટે બધા મહાન ગુરુઓની જેમ તેઓ હંમેશાં જાગૃત રહેતા. આ વિશે એક પ્રસંગ વર્ણવવો યોગ્ય લાગે છેઃ

‘એ દિવસોમાં કોલકાતામાં જાહેર વાહનવ્યવહારની વ્યવસ્થા સારી ન હતી. એક સમાચાર પત્ર મેળવવા માટે પણ કોઈએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. એ વખતે મઠમાં ‘ઈન્ડિયન મિરર’નામનું વર્તમાનપત્ર નિઃશુલ્ક મળતું, પણ મઠથી થોડાક કી.મી. દૂર વિધવાઓ માટેના આશ્રમમાંથી લાવવું પડતું. મઠમાં આ વર્તમાનપત્ર જો સંન્યાસીઓ એની કિંમત ચૂકવે તો પહોંચાડવામાં આવે. અને સંન્યાસીઓને આ પોષાય તેમ ન હતું. દરરોજ આ છાપું લાવવા માટેની જવાબદારી સ્વામી નિર્ભયાનંદજીને સોંપાઈ હતી, પણ એમને બીજી અનેક ફરજો સોંપાઈ હતી અને એટલે જ એમને સમયની મારામારી રહેતી. એક વખત કોઈ બીજો પણ આ સ્થળ જોઈ લે અને ક્યારેક ક્યારેક એ વર્તમાનપત્ર લાવે એવું વિચારીને એમણે સ્વામી શુદ્ધાનંદને પોતાની સાથે આવવા કહ્યું. એક વખત જ્યારે શુદ્ધાનંદ બહાર હતા ત્યારે સ્વામીજીએ એને વેદાંતના વર્ગમાં હાજરી આપવા બોલાવ્યા. મઠમાં પાછા ફર્યા પછી શુદ્ધાનંદને ખ્યાલ આવ્યો કે સ્ત્રીઓની સંસ્થામાં તેમનું જવાનું સ્વામીજીને જરાય પસંદ ન હતું. કોઈ પણ કાર્ય ચોક્કસપણે એને સોંપાયું ન હોય તો યુવાન સંન્યાસીએ કોઈપણ કારણે ત્યાં જવાનું જ નહીં. શુદ્ધાનંદ એ દિવસે એક મહત્ત્વનો બોધપાઠ શીખ્યા. તેમણે નિર્ભયાનંદને જણાવ્યું કે હવે પછીથી તેઓ વર્તમાનપત્ર લેવા ત્યાં નહીં જાય. ત્યાર પછીથી ત્યાગના અવતારસ્વરૂપ સ્વામી વિવેકાનંદનું ઉપદેશ-શિક્ષણ શુદ્ધાનંદના જીવનમાં એક માર્ગદર્શક દીપ બની ગયું અને તેઓ એ પ્રમાણે વર્તતા રહ્યા.’ એ પછી સ્વામી શુદ્ધાનંદે આ પ્રમાણે લખ્યુંઃ

‘જે દિવસે સ્વામીજી આલ્મોડા જવા નીકળવાના હતા ત્યારે એમણે બધા નવા બ્રહ્મચારીઓને પોતાની પાસે બોલાવ્યા. જ્યારે એમણે એ બધાને આત્મસંયમના મહત્ત્વ વિશે જે કહ્યું એ હજી પણ મારા કાનમાં ગૂંજે છેઃ ‘વત્સ, જુઓ બ્રહ્મચર્ય અને સંયમ સિવાય તમને ક્યારેય આધ્યાત્મિક ઉન્નતિ નહીં મળે. આધ્યાત્મિક જીવનમાં આ વિશે કોઈ બાંધછોડ ક્યારેય ન પરવડે. હંમેશાં સ્ત્રીઓથી દૂર રહો. એમને તમારે તિરસ્કારવાં જોઈએ, એમ હું કહેવા માગતો નથી. તેઓ તો મા જગદંબાનાં વિવિધ રૂપો છે. પણ તમારા બચાવ-આરક્ષણ માટે તમે એમનાથી અંતર રાખજો. મેં ક્યારેક કહ્યું છે કે ગૃહસ્થ પણ આધ્યાત્મિકતાની ઉન્નતિ પામી શકે છે, પણ આનો અર્થ અવો નથી કે હું એવું વિચારું છું કે મારી દૃષ્ટિએ બ્રહ્મચર્ય અને સંપૂર્ણ ત્યાગ આવી આધ્યાત્મિક પ્રાપ્તિ માટે પૂર્ણપણે અનિવાર્ય નથી. વાસ્તવિક રીતે આવા પ્રસંગોએ મોટાભાગના મારા શ્રોતાઓ ગૃહસ્થો હતા, એટલે મેં મારા દૃષ્ટિકોણને થોડો વધારે નરમ બનાવ્યો અને એમાં બાંધછોડ કરી કે જેથી એ ગૃહસ્થ ભક્તો ધીમેધીમે સંપૂર્ણ સંયમ અને બ્રહ્મચર્યના પથે વળી શકે. પણ તમને તો હું જે કંઈ વાસ્તવિક રીતે અનુભવું છું એ જ કહું છું. બ્રહ્મચર્ય અને સંયમ સિવાય આધ્યાત્મિક ઉન્નતિ મેળવી ન શકાય. તમે તમારાં દેહ, મન અને વચનથી આ બ્રહ્મચર્યને ચુસ્તપણે જાળવી રાખજો.’’

સ્વામીજીનાં ચરણકમલોમાં બેસીને જેમનું ચારિત્ર્ય જ્ઞાન, કર્મ, ભક્તિ અને યોગનું સંપૂર્ણ સંશ્લેષીકરણ હતું એવા શુદ્ધાનંદે પોતાના જીવનમાં આવા ઉદ્દાત ગુણોનું સંવાદી મિલન કેળવ્યું હતું. પોતાના ગુરુદેવના શુભાશિષ અને અચૂક ઉપદેશોથી પ્રબળ બનીને સ્વામી શુદ્ધાનંદ આધ્યાત્મિક પથના આ ચારેય યોગમાં સરળતાથી આરપાર જઈ શક્યા. (ક્રમશઃ)

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram