સ્વામી તુરીયાનંદ

* સ્વામીજી એ સમયે મુંબઈમાં એક બેરિસ્ટરના ઘરે રોકાયા હતા. એમને શોધતાં શોધતાં હું અને મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) ત્યાં જઈ પહોંચ્યા. સ્વામીજી અમને જોતાં જ એક શ્લોક બોલતાં બોલતાં દોડીને આવ્યા.

અહંકારઃ સૂરાપાનં ગૌરવં ઘોર-રૌરવમ્ ।
પ્રતિષ્ઠા શૂકરીવિષ્ઠા ત્રયં ત્યક્ત્વા સુખી ભવ ।।

(અહંકાર મદ્યપાનની જેેમ નુકશાનકારી છે, ગર્વ નરકના ભયાનક ત્રાસ જેવો છે. પ્રતિષ્ઠાને સૂવરની વિષ્ઠા ગણજો. આ ત્રણ દોષથી મુક્ત થઈ સુખી થાઓ.)

શ્લોક સાંભળીને અમને ખાતરી થઈ કે સ્વામીજી આ ત્રણ દુર્ગુણોથી મુક્ત છે.

પછી વિવિધ વાતો કર્યા પછી અમારી સાથે જ તેઓ ત્યાંથી ચાલ્યા આવ્યા, અને કહ્યું, ‘જુઓ, ધર્મ-કર્મ કેટલો થયો છે તેની ખબર નથી, પણ ખૂબ જ લાગણી અનુભવું છું. પ્રાણ બધાંના માટે રડીને વ્યાકુળ થાય છે.’

સ્વામીજીની એ વાત પરથી અમને બુદ્ધદેવની યાદ આવી ગઈ. સ્વામીજીનું શરીર એ સમયે ખૂબજ સ્વસ્થ હતું અને ચહેરો કેવો સુંદર અને જ્યોતિર્મય!
* સ્વામીજીએ કેટલીય વાર કહ્યું છેે, ‘એટલા બધા વિચારો આપી ગયો છું કે જેથી બસો વર્ષ સુધી કોઈએ કશું કરવું પડશે નહિ, માત્ર એમને ઘૂંટતા રહેવાથી જ બધું થશે.’
* સ્વામીજી કેવા વિરાટ, મહાપ્રાણ હતા! એક સમયે ઠાકુરે એક ભક્તના ચરિત્રથી નારાજ થઈને, બધાને એના ઘરે ભોજન કરવાની ના પાડી દીધી. બીજાની પાસેથી આ વાત સાંભળીને સ્વામીજી એક દિવસ બે ગુરુભાઈને સાથે લઈને એ ભક્તના ઘરે ગયા અને આનંદથી ખાઈ-પીને આવ્યા. દક્ષિણેશ્વર આવ્યા અને પછી પૂરેપૂરી વાત ઠાકુરને નિખાલસતાથી બતાવી દીધી. ઠાકુર તો ખૂબ જ ગુસ્સે થયા. એટલે સ્વામીજી ખૂબ રડવા લાગ્યા.

ત્યાર પછી એક દિવસ એ ભક્તને ઠાકુરની પાસે લઈ આવ્યા અને એના વતી અત્યંત દયાભાવ સાથે વિનંતી કરવા લાગ્યા, ‘આની ઉન્નતિ થાય, આ જ જનમમાં એને ધર્મલાભ મળે.’ એમણે ઠાકુર પાસે આ રીતે ઘણો અનુનય-વિનય કર્યો. ઠાકુરે કહ્યું, ‘ના, આ જન્મે નહીં થાય.’ સ્વામીજીએ તો જાણે હઠ લીધી, એમણે ફરીથી કહ્યું, ‘તમે નહીં કરી દો તો આ જશે ક્યાં?’ આમ છતાં પણ ઠાકુરે કહ્યું, ‘હું શું કરું? કહું છું ને કે નહીં થાય!’ ફરીથી અનુરોધ-કાલાવાલા સાથે કહ્યું, ‘તમે છોડી દેશો તો એ ક્યાં જઈને ઊભો રહે?’ અંતે ઠાકુરે કહ્યું, ‘જા, જા, અહીંથી જા.’ પણ તરત જ ઉમેર્યું, ‘જા, મૃત્યુ સમયે મુક્તિલાભ મળશે.’

* ધ્યાન-ધારણાનું ફળ મળતું નથી એ જોઈને સ્વામીજીએ ઠાકુરને પ્રાર્થના કરી, ‘કાંઈ થતું તો નથી, શું કરું?’ પ્રત્યુત્તર આપતાં ઠાકુરે કહ્યું, ‘શું રે, હું તો તને કેટલો ઊંચો માનું છું. જેમ વંશ પરંપરાગત ખેડૂત દુષ્કાળ-પૂરની પરવા ન કરે, એનો સ્વભાવ જ ખેતી કરવાનો – ફળ મળે કે ન મળે, પાક થવાની નિશ્ચિત આશા હોય કે ન હોય, એ ખેતીનું કામ છોડીને બીજું કશું કરી જ ન શકે.’

* વૃંદાવનમાં પરિવ્રાજક અવસ્થામાં સ્વામીજીએ એક વખત વરસાદમાં પલળતાં-પલળતાં એક કુટિરમાં પ્રવેશ કર્યો. અતિશય વરસાદથી ચાલવું અસંભવ બન્યું હતું, એટલે જ ત્યાં આશ્રય લેવો પડ્યો. સ્વામીજીનું મન એ સમયે ખૂબ જ હતાશ થઈ ગયું હતું. કદાચ એ કુટિરમાં કોઈ સાધુ રહેતા હોય. સ્વામીજીએ એકાએક જોયું તો દીવાલ ઉપર કોલસાથી લખેલું છે,

ચાહ ચામારી ચૂહારી અતી નીચન કી નીચ,
મેં તો પરબ્રહ્મ હું, યદી તૂ ન હોતી બીચ

અર્થાત્ હે વાસના (ચાહ) તું ચમારણી (ચૂહારી), તું અત્યંત અધમમાં પણ અધમ છે. મારામાં તું ન આવી પડી હોત તો હું પરમ બ્રહ્મ જ હતો.

આ લખાણ વાંચીને સ્વામીજી ખૂબ ઉત્સાહિત થઈ ગયા.

* સ્વામીજી અમને કહેતા, ‘તમે શું વિચારો છો; હું શું માત્ર ભાષણ જ આપું છું? હું જાણું છું કે હું તમને કોઈક વસ્તુ આપું છું, એ લોકો પણ જાણે છે કે એમણે કોઈક વસ્તુ મેળવી છે.’ ન્યૂયોર્કમાં સ્વામીજી એક દિવસ એક વર્ગ લઈ રહ્યા હતા. ‘કા’ કહેતા કે ધ્યાનના સમયે નીચેની કુલકુંડલિનીની જેમ ઉપરથી કોઈ શક્તિ આકર્ષણ કરે, સ્વામીજીનું ભાષણ સાંભળતાં બરાબર એવો જ અનુભવ થતો હતો.

એક કલાક ભાષણ પછી ‘કા’ એ જણાવ્યું કે હવે પ્રશ્નોત્તર થશે. સ્વામીજીના ભાષણ પછી લગભગ બધાં જ લોકો ભાવસ્થ બની ગયાં હતાં. સ્વામીજી ‘કા’- પર થોડા નારાજ થઈને બોલ્યા, ‘હવે પ્રશ્નોત્તરી શાની? એ લોકોના મનમાં જે ઉચ્ચ ભાવ જાગી ગયો છે, એ એનાથી નષ્ટ થઈ જશે.’

* સ્વામીજી ખૂબ હસી-મજાક પણ કરી શકતા. એક દિવસ હું છરી લઈને કામ કરતો હતો, કામ કરતાં કરતાં એ આગળથી તૂટી ગઈ. એમ થવાથી હું નિરાશ થઈને બેઠો હતો. સ્વામીજીએ એ જોઈને કહ્યું, ‘એ તો એવી રીતે જ જાય ને, એને કાંઈ ઝાડા-ઊલટી, શરદી-ખાંસી ન થાય!’ સાંભળતાં જ હું હસી પડ્યો. કેવી મજાની વાત કરી!

* એક વાર સ્વામીજી કેટલાક સાથીઓ સાથે સાન્ફ્રાન્સિસ્કોથી જહાજમાં બેસીને એક ટાપુ પર જવા નીકળ્યા હતા. સ્વામીજીના સાથીઓ ઉતાવળ કરતા હતા, પણ સ્વામીજી એ જ નવાબી ઢંગથી ધીમે ધીમે ચાલી રહ્યા હતા. એ લોકો બોલી ઊઠ્યા, ‘સ્વામીજી, સ્ટીમર ઉપડી જશે.’ સ્વામીજીએ જવાબ આપ્યો, ‘ફરીથી આવશે.’ એ સાંભળીને તે લોકો બોલી ઊઠ્યા, ‘અરે ભારતવાસી! તમને સમયની કંઈ કિંમત જ નથી.’ સ્વામીજીએ બેપરવાહી સાથે, ફટ દઈને ઉત્તર આપ્યો, ‘તમે આ કાળને અધીન થઈને કાળની અંદર રહો છો, જીવો છો. અમે ભારતવાસી કાલાતીત-કાલથી પર થઈને મહાકાળમાં રહીએ છીએ, એટલે જ અમે કાળની કોઈ પરવા કરતા નથી.’

* સ્વામીજીમાં બધા પ્રકારના લોકો સાથે હળી-મળી જવાની એક અદ્‌ભુત ક્ષમતા હતી. એક સમયે પરિવ્રાજક અવસ્થામાં અમે બંને ટ્રેનમાં એક સાથે યાત્રા કરી રહ્યા હતા. ત્રીજી શ્રેણીના ડબ્બામાં કેટલાક ઘોડાના પાલકો સાથે સ્વામીજી વાતો કરવા માંડ્યા. થોડી વાર પછી મેં પૂછ્યું, ‘શેની એ બધી વાતો થતી હતી?’ સ્વામીજીએ કહ્યું, ‘એમને ઘણી વસ્તુઓની ખબર છે. રેસના ઘોડાઓને કેવી રીતે મસાજ કરવા, ઘોડાઓનું તેજ વધારવા કેવો આહાર આપવો એ બધું જાણી લીધું. મને તો ગમ્યું. બધા પાસે શીખવા જેવું કંઈક ને કંઈક મળે!’

* એક સમયે કલકત્તામાં એક વ્યક્તિને ઘેર અમે બંને ગયા હતા. ટેબલ ઉપર વિદ્યાસાગર મહાશયનું એક પુસ્તક (વિદ્યાર્થીઓ માટે વિદ્યાસાગરે રચેલ પાઠ્યપુસ્તકોમાંનું એક) પડ્યું હતું. ઘણા સમય સુધી સ્વામીજીએ પુસ્તકનાં પાનાં ઉથલાવીને જોયાં, પછી કહ્યું, ‘ખૂબ પ્રેમથી, શિશુમનની સાથે ગંભીર એકાત્મતા અનુભવીનેે ડગલે-ડગલે ભાષા શીખવવાની અદ્‌ભુત વ્યવસ્થા-કળા. વિદ્યાસાગર મહાશય જેવા પાકા શિક્ષકનું ઉત્તમ કામ.’

* એક વખત અમે ઋષિકેશમાં હતા. સ્વામીજી એક અલગ ઝૂંપડીમાં રહેતા. સવારે અમારી સાથે ચા પીવા આવતા. એક પશ્ચિમ ભારતના સાધુ ત્યાં બેસીને હંમેશાં ગીતા પાઠ કરતા. એ બહુ ભણેલા ગણેલા ન હતા. પાઠ કરવામાં અનેક વખત ભૂલ થતી. ‘ગુડાકેશેન’ શબ્દને એ ‘ગુન્ડાકેશેન’ કહેતા. એ સાંભળીને સ્વામીજીએ અત્યંત કાળજી અને લાગણીપૂર્વક સુધારો કરાવ્યો.

અમને કહ્યું, ‘તમે રોજ આવું ભૂલભરેલું સાંભળો અને સુધારો પણ નથી કરાવતા? તમને આ સાધુ ઉપર જરાય સહાનુભૂતિ શું નથી?’ છેલ્લે સ્વામીજીએ એમને એમ પણ કહ્યું, ‘મહારાજ, તમે ગીતા કરતાં વિષ્ણુસહસ્ત્રનામ પાઠ કરશો તો સહજતાથી શુદ્ધ ઉચ્ચારણ કરી શકશો અને ભગવાનનાં નામોચ્ચારથી આનંદ અનુભવશો.’

* અમેરિકામાં એક સ્ત્રીને જોઈ સ્વામીજીને એ સ્ત્રી ખૂબ સુંદર લાગી. એમાં કોઈ અસદ્ ભાવ ન હતો. એમ જ, ફરીથી એક વાર જોવાની એમને ઇચ્છા થઈ. એ વખતે જોયું તો- સુંદરી ક્યાં! એક વાંદરીનું મોઢું હતું!

એકવાર એમણે કહ્યું હતું કે એમણે સ્વપ્નમાં પણ સ્ત્રીઓને જોઈ નથી. આમ છતાં પણ એક દિવસ સ્વપ્નમાં જોયું તો એક સ્ત્રી પોતાના મોઢા પર ઘૂમટો તાણીને બેઠી છે. એ જોઈને જ એ ખૂબ સુંદર હશે, એમ લાગ્યું. ઘૂમટો ખોલીને એને જોવા ગયા; જેવો ઘૂમટો ખોલ્યો કે જોયું તો શ્રીઠાકુર! સ્વામીજી અત્યંત લજ્જિત થઈ ગયા!

 

Total Views: 226

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.