(ગતાંકથી આગળ)
તુલનાત્મક ધર્મના અધ્યયનનું કાર્ય દરેક ધર્મના મર્મ સુધી પહોંચવાનું છે. આ મર્મને જ વિવેકાનંદે વિશ્વધર્મ કહ્યો છે. એ કંઈ જ્યાં ત્યાંથી ભેગા કરેલા ધર્મસિદ્ધાંતોનું કૃત્રિમ રીતે કહેલું નવનામધારી મિશ્રણ નથી. એ કોઈ તાણી તૂસીને ઘડી કાઢેલ ગ્રંથ કે પ્રાર્થના પણ નથી.

આવું કૃત્રિમ એકીકરણ તો અકબરના દીને-ઈલાહીમાં થયું હતું અને એવી જ નવી આવૃત્તિ સમા કેશવચંદ્ર સેનના બ્રાહ્મોસમાજમાં થયેલું દેખાય છે. પરંતુ વૈશ્વિક ધર્મમાં તો કોઈએ પોતાનો ધર્મ છોડવાનો નથી અને છતાંપણ સર્વ ધર્માેની એકતાનો ખ્યાલ સૌએ રાખવાનો હોય છે. વૈશ્વિક ધર્મ કોઈ નવો ધર્મપંથ કે નવો સંપ્રદાય નથી એ તો મસ્તિષ્કની એક અવસ્થા છે. આત્માનો વિસ્તાર છે.

એ સર્વસંપ્રદાયનું ભવ્ય પ્રજાસત્તાક રાજ્ય છે, દરેક ધર્મના વ્યક્તિનું એ જતન કરે છે અને છતાં બધા ધર્માેનું એની સાથે જોડાણ થયેલું હોય છે. આધ્યાત્મિકતાનું એ અખૂટ બંધન છે. સારા-નરસાનો નીરક્ષીર વિવેક કરીને માનવના ધાર્મિક જીવનમાં વિવિધતામાં રહેલી એકતાનો આદર્શ ઉત્પન્ન કરવામાં તેમજ તેની જાળવણી કરવામાં ધર્માેનું તુલનાત્મક અધ્યયન જ સાધન છે. ધર્માેના તુલનાત્મક અધ્યયનનો ડાે. રાધાકૃષ્ણન્નો વિચાર, સ્વામી વિવેકાનંદના વૈશ્વિક ધર્મના વિચારના પાયા પર ચણાયેલો લાગે છે. રાધાકૃષ્ણન્ પોતાના ‘મારી સત્યની શોધ’ નામના નિબંધમાં કહે છેઃ ‘મારું હિંદુ હોવાનું ગૌરવ સ્વામી વિવેકાનંદનાં ઉત્સાહભર્યાં વક્તવ્યોએ જગાડ્યું છે.’ પણ રાધાકૃષ્ણન્ના તત્ત્વજ્ઞાનના વિકાસમાં આ વાત તો માત્ર એક પ્રારંભિક પગથિયા જેવી જ છે. પછીથી તો રાધાકૃષ્ણને વિવેકાનંદનું મૂલ્ય ફક્ત હિંદુધર્મના જ ધ્વજધારી તરીકે આંક્યું નથી પરંતુ પોતાના ‘રામકૃષ્ણ અને વિવેકાનંદ’ નામના લેખમાં રાધાકૃષ્ણન્ લખે છે કે ‘રામકૃષ્ણ અને વિવેકાનંદની ચેતના વૈશ્વિક ધર્મની હતી! એ ધર્મ કોઈ સાંપ્રદાયિક ધર્મ પંથ નહિ, પણ તેમણે આપણને એક સાચા આધ્યાત્મિક જીવનનો સિદ્ધાંત આપ્યો.’ સાચા આધ્યાત્મિક જીવનના સ્વરૂપને સમજવા માટે આગળ વધવાના એક પગથિયા તરીકે જ રાધાકૃષ્ણને ધર્માેના તુલનાત્મક અધ્યયનની હિમાયત કરી છે. તેઓ કહે છેઃ ‘ધર્માેનું તુલનાત્મક અધ્યયન આપણને વિવિધ ધર્માેનું મૂલ્યાંકન કરવાની દૃષ્ટિ આપે છે અને એવી દૃષ્ટિ તે તે ધર્માેનાં વિશિષ્ટ પ્રતીકો અને સાંપ્રદાયિકતાને અતિક્રમી જાય છે; તેમજ એના આધ્યાત્મિક ઊંડાણને ભેદી નાખે છે. પછી ત્યાં પ્રતીકો અને વિશિષ્ટ પ્રાર્થના પદ્ધતિઓનું કશું મહવ રહેતું નથી.’

પોતાના ‘Eastern Religion and Western thought’ નામના પુસ્તકમાં રાધાકૃષ્ણન્ લખે છે ઃ ‘રામકૃષ્ણે વિવિધ ધર્માેની અનુભૂતિ કરી, તેમને પોતે સ્વયં જ નાણ્યા પણ ખરા અને તે બધામાંથી સંગ્રહણીય સારનું તારણ પણ કાઢ્યું.’ પણ ફક્ત રામકૃષ્ણ એકલા જ આવા પ્રયોગો કરવા સમર્થ છે. બાકી આપણા જેવા સામાન્ય માણસો તો આવા ધર્માેના તુલનાત્મક અધ્યયન દ્વારા મુખ્ય મુખ્ય ધર્માેનો મર્મ પામવા મથી રહ્યા છીએ. અહીં ખાસ યાદ રાખવાની જરૂર છે કે ધર્માેનું તુલનાત્મક અધ્યયન એ ધર્માેના વૈશ્વિક સિદ્ધાંતોને શોધવા મથતા તીવ્ર જિજ્ઞાસુઓએ સ્વીકારેલ કર્તવ્ય છે. કારણ કે એલ.એચ.જોર્ડનના તે વિષયના અતિપ્રસિદ્ધ ‘તુલનાત્મક ધર્મ’ નામના પુસ્તકમાં લખ્યું છેઃ ‘એમાં વિશ્વના અનેક ધર્માેને અડખેપડખે રાખવામાં આવે છે અને એનો હેતુ એમની પરસ્પર સરખામણી અને પરસ્પર જુદાપણું તારવવાનો હોય છે. પણ ધર્માેના તુલનાત્મક અધ્યયનનું લક્ષ્ય તો સ્વામીજી અને રાધાકૃષ્ણન્ – બંનેને મતે કંઈ એવું તારણ જ મુખ્ય નથી, પણ દરેક ધર્મમાં રહેલ શ્રેષ્ઠ અંશનો નિશ્ચય, એની મુખ્યતા કે ગૌણતા બતાવવાનું હોય છે.

તુલનાત્મક ધર્મ કંઈ વિરોધોનો વ્યાયામ નથી, એ તો સરખામણીની જ કવાયત છે. એ વિષયના આપણા અધ્યયનકાળમાં એવું પણ જોવા મળે છે કે કોઈ ખાસ ધર્માેમાં જ અમુક ખાસ પ્રકારની બાબતો હોય છે અને છતાં એના આધ્યાત્મિક મૂલ્યની શ્રેષ્ઠતાને કારણે તે ઉવેખી શકાતી નથી. અને સમસ્ત આધ્યાત્મિકતાના વારસાને સમૃદ્ધ કરતી એવી બાબતો સ્વીકારવી જ પડે છે અને આ તુલનાત્મક ધર્મમાં એ તો વૈશ્વિક ધર્મના આદર્શને પામવાની પૂર્વતૈયારીરૂપ છે.

જ્યારે વિવેકાનંદે ધર્મની વૈશ્વિકતાના સાક્ષાત્કારની પૂર્વતૈયારીરૂપે તુલનાત્મક ધર્મના અધ્યયનની હિમાયત કરી ત્યારે તેમને તો એ આદર્શનો સાક્ષાત્કાર થઈ જ ચૂક્યો હતો. આવી અનુભૂતિનું સંક્રમણ તેમનામાં શ્રીરામકૃષ્ણે કરી દીધું હતું. છતાં તેમણે પોતે જ જે કંઈ તે વિશે કહ્યું છે તે જ યાદ રાખવું ઘટે. તેમણે પોતાના પરંપરાગત ધર્મ ઉપરાંત અન્ય ધર્માેનાં પુસ્તકો પણ વાંચ્યાં હતાં. વળી તેમને વિવિધ સંપ્રદાયોમાં વિભક્ત હિંદુધર્મની એકતાનો ખ્યાલ પણ હતો. તેમને મતે વેદાંત અને બધી પદ્ધતિઓને સમાવતું-સમાધાન કરતું, સમન્વયકારી એક અખંડ તત્ત્વજ્ઞાન છે – એ અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, દ્વૈત વગેરે બધાનો સુયોગ્ય સમન્વય કરે છે. એ જ રીતે તેમણે વિચાર્યું કે હિંદુધર્મના વિવિધ સંપ્રદાયો – શૈવો, શાક્તો અને વૈષ્ણવો – એક જ દેવની વિવિધ પૂજાપદ્ધતિ જ બતાવે છે. આપણાં મધ્યકાલીન ભજનોમાં – અલ્વારો, નયનારો, શીખ (ગુરુનાનક આદિ), કબીર, બંગાળી શાક્તો, વૈષ્ણવો વગેરેમાં ઉપનિષદનો પાયો જ તેમને દેખાયો. તુલનાત્મક ધર્મના અભ્યાસથી તેઓ આપણને ધર્માેની એકતા બતાવવા માગતા હતા. સમગ્ર વિશ્વના સર્વ ધર્માેમાં આવી આધ્યાત્મિક એકતા રહેલી છે.

ધર્મના તુલનાત્મક અધ્યયનનનો એકપક્ષી દૃષ્ટિકોણ છેલ્લાં સો વરસથી પશ્ચિમમાં ઊભો થયો છે. એનાથી ચેતવા જેવું છે. હજુ તો આવા અધ્યયને પશ્ચિમમાં વ્યવસ્થિત અધ્યયન પદ્ધતિનો પાયો પણ નાખ્યો નથી ત્યાં તો ત્યાંની ઘણી યુનિવર્સિટીઓમાં તુલનાત્મક ધર્મ સાહિત્ય ભણાવવામાં પણ આવી રહ્યું છે ! યુરોપ અને અમેરિકામાં એ ઉચ્ચતર સ્તરે ભણાવાઈ રહ્યું છે ! દુર્ભાગ્યે પશ્ચિમનું તુલનાત્મક ધર્મ સાહિત્ય ફક્ત પશ્ચિમી ધર્માેને જ એમાં સમાવે છે. એટલે ત્યાંની યુનિવર્સિટીમાં બબ્બે વરસ આ વિષયનું અધ્યયન કરનારને પૂર્વના એવા તુલનાત્મક ધર્મ સાહિત્યની જાણકારી નહિ જેવી જ હોય છે અને છતાંય એ પશ્ચિમી અભ્યાસીઓ એવું માની બેઠા છે કે તુલનાત્મક ધર્મ સાહિત્યના અધ્યયનનો છેડો બસ, આટલામાં જ આવી જાય છે ! હજુયે તેઓ ગોથેનું રટણ કર્યા કરે છેઃ ‘હવે રાષ્ટ્રિય સાહિત્યનો કશો અર્થ નથી, હવે વિશ્વ સાહિત્ય હાથવગું છે. દરેકે ત્યાં પહોંચવા ઉતાવળ કરવી જોઈએ.’ આમ તો આ એક ઉમદા આદર્શ છે. અને સાહિત્યની આવા વિશ્વાત્મક માનવસૌહાર્દ માટે એક વિશાળ છલાંગ છે, પણ દુર્ભાગ્યની વાત એ છે કે હજુ પણ પશ્ચિમમાં પૂર્વનું તુલનાત્મક ધર્મ સાહિત્ય ગૂંચવાતું કોણ જાણે કેમ બાકી રહી ગયું છે ! જાદવપુર યુનિવર્સિટીમાં ૧૯૫૬માં ધર્માેના તુલનાત્મક અધ્યયનનો વિભાગ શરૂ કરાયો. આંતર રાષ્ટ્રિય સ્તર પર આ અભ્યાસ આગળ વધ્યો. આ અભ્યાસને આંતરરાષ્ટ્રિય પરિમાણ આપવા માટે ‘ઇન્ડિયન એસોસિયેશન ઓફ કમ્પેરેટિવ રિલિજિયન’ ઘણા ઘણા પ્રયત્ન કરી રહ્યું છે. આપણા દેશમાં જો આવું ધર્માેના તુલનાત્મક અધ્યયનનું કેન્દ્ર સ્થપાય તો એ દેખીતી રીતે જ બધા ધર્માે ઉપર સરખું ધ્યાન આપી શકે.

વળી વિશ્વના બધા જ મુખ્ય ધર્માેનું જન્મસ્થાન એશિયા છે. એવો લાભ પણ આ સંસ્થાને મળે તેમ છે. અત્યારે પશ્ચિમનો ધર્મ ગણાતો હોવા છતાં ખ્રિસ્તી ધર્મ પણ એશિયાનું જ સંતાન છે ! સ્વામી વિવેકાનંદે આવા તુલનાત્મક ધર્માધ્યયનને માનવીય સંસ્થામાં પ્રતિબિંબિત માનવીય ચેતનાના અધ્યયન તરીકે માન્યું હતું. અને આવા અધ્યયનનું પ્રયોજન, સંપ્રદાયો અને સંકુચિતતાઓથી ટુકડે ટુકડા થયેલી માનવોની બંધુતાને પુનઃ સુદૃઢ કરવાનો આદર્શ જ તેને મન હતો.

સંદર્ભગ્રંથો :

(1) Swami Vivekananda on Indian Philosophy and Literature, by R. K. Das Gupta
(2) Meeting of Religions by Dr. Radhakrishnan
(3) Recovery of F>aith by Dr. Radhakrishnan

Total Views: 34
By Published On: April 1, 2012Categories: Keshavlal V Shastri0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram