માનવી એ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે. બીજા બધાં જીવો તેનાથી નિમ્નકક્ષાના છે. આ માન્યતાને ખોટી પુરવાર કરી; પશુ-પંખીમાં કેટલીક અજાયબી ભરેલી છે તેવું અનેક વાર સાબિત થઈ ચૂક્યું છે. અશ્વો અને તેની વફાદારી પર તેના માલિકો ઓળઘોળ થઈ ગયા હોય એવાં અનેક ઉદાહરણો છે. માનવી કરતાં પણ પશુ-પક્ષી પર વધારે ભરોસો કરનાર જ્યારે કોઈ માણસ મળે અને એ પણ એટલી હદે કે તેના જીવનમાં માણસ માટે બહુ ઓછો અવકાશ હોય ત્યારે ખરેખર આશ્ચર્ય થાય!

પૂનામાં મારી એક સહેલીને ત્યાં હું ગયેલી. તેમનું પાળેલું કૂતરું આલ્શેસિયન બીમાર પડ્યું. બેક દિવસના ઘરગથ્થુ ઈલાજ પછી પણ તે કંઈ ખાતું નહોતું. મારી બહેનપણી, તેનો ભાઈ અને હું મોટરમાં તેને લઈ બાજુના ગામમાં ડાૅક્ટરને બતાવવા ગયા. રસ્તામાં મારી બહેનપણીએ મને આ ડાૅકટર ‘ઉજ્જ્વલાતાઈ’ વિશે કહ્યું કે તેઓ કોઈ ડિગ્રી ધરાવતા નથી, પરંતુ તેમને પશુ-પંખી વિશે ખૂબ જ ઊંડો અભ્યાસ અને અનુભવ છે. આસપાસના બધા જ લોકો તેમનાં પશુ-પંખી બીમાર પડે ત્યારે તેમની પાસે લઈ જાય છે. આ ઉજ્જ્વલાતાઈ વિશે મારા મનમાં ઘણી ઉત્સુકતા ઉદ્ભવી.

ગાય, બકરી વગેરે લીલોતરી ચરી રહ્યા હતા અને ગીચોગીચ વૃક્ષોની વચ્ચે પક્ષીઓના કલરવમાં એક નાનું એવું મકાન હતું ત્યાં અમારી મોટર ઊભી રહી. દરવાજામાં જ સુરતી સાડી પહેરેલી સફેદ વાળવાળી મધ્યમ કદની એક સ્ત્રી ઊભી હતી. ઉજ્જ્વલાતાઈ સાથે મરાઠીમાં મારી સાથે આવેલા બંધુઓએ વાત કરી. અમારા કૂતરાને લઈને તેઓ અંદર ગયા. અમે આગલા રૂમમાં બેઠા. એક નાનું કૂતરું ત્યાં આવ્યું. એણે બે પગે થઈ ફ્રીજ ખોલ્યું. બે ઠંડા પીણાની બોટલ કાઢી, ધીમે ધીમે ચાલીને આવ્યું. બે આગલા પગમાં બાટલી પકડી બે પાછલા પગ પર ચાલીને આવ્યું. અમારી સામે ટેબલ પર બાટલી મૂકી. તેવી જ રીતે અંદરથી બોટલ ખોલવા માટે ઓપનર લાવ્યું! તેઓ રસોડામાં ગયાં એટલે કૂતરાએ તેમની પાસે તપેલી, ચમચો બધું જ મૂક્યું, તેમણે બારીમાંથી ઝાડ પર બે પોપટ બેઠા હતા તેમને કંઈ કહ્યું, થોડી વાર થઈ એટલે ઘણા પોપટ ભેગા થઈ, ઓશરીમાં એક કપડા પર થોડા ચોખા સુકવ્યા હતા તે કપડું ચાંચમાં પકડી રસોડા સુધી ઢસડી લાવ્યા! તેઓ રસોડામાં આવ્યા એટલે તાઈએ થોડા લાલ મરચાં ફેંક્યાં એ એક પછી એક એમ શિસ્તબદ્ધ રીતે પોપટે લીધા! આવી તો અનેક અજાયબીઓ અમે જોઈ!

અમે પાછા ફરતા હતા ત્યારે મારી બહેનપણીએ કહ્યું, લગભગ દસેક વર્ષથી ઉજ્જ્વલાતાઈ આ ગામમાં રહે છે. તેમના વિશે કોઈ કંઈ જાણતું નથી. તેમને માનવ સંપર્ક બહુ ઓછો છે. તેઓ પશુ-પંખી સાથે જ વાતચીત કરે છે અને આ જંગલમાં એકલાં જ રહે છે. તેમના વિશે જાણવાની મારી ઉત્સુકતા વધી ગઈ.

પૂનાથી મારે મુંબઈ પાછું ફરવાનું હતું. હું આગલે દિવસે નીકળી ગઈ. ઉજ્જ્વલાતાઈને ત્યાં હું ગઈ ત્યારે તેમણે મને મરાઠીમાં પૂછ્યું, ‘હવે તમારા આલ્શેસિયનને કેમ છે?’ મેં હિન્દીમાં કહ્યુંં, તેને સારું છે પરંતુ મારા મનમાં થોડી બેચેની છે! તેમણે શરૂમાં તો મારી વાત પર બહુ લક્ષ ન આપ્યું. હું તેમનાં પશુ-પંખીના કાફલા માટે થોડું ખાવાનું લઈ ગઈ હતી તે આપ્યું. સૌરાષ્ટ્રમાં અમારી જ્ઞાતિમાં અશ્વોની પરંપરા અને તેના મહત્ત્વ વિશે વાત કરી. એમને મજા આવી. તેઓ થોડું હિન્દી સમજતા હતા. પછી ધીમેધીમે તેઓ ખુલ્યા અને મારી સાથે તેમની જિંદગી વિશે વાત કરી. તેઓ રુઢિચુસ્ત કુટુંબના હતા. શાળાના પ્રવાસમાં એક યુવક સાથે પરિચય થતાં તેની સાથે તેઓ ઘર છોડી જતાં રહ્યાં. તેમના પિયરવાળાએ તેમને મૃત થયેલા જાહેર કર્યાં. માતા-પિતાના કહેવાથી પેલો યુવક બીજે પરણી ગયો. સાસરી અને પિયર બંને પક્ષેથી તરછોડાયેલી આ યુવતી આખી રાત ઘરની બહાર બેઠી રહી. તેની સાથે એક કૂતરું પણ બેઠું રહ્યું. સવારે સાડી ખેંચી કૂતરું સામેની ડેલીમાં તેને લઈ ગયું. ત્યાંના વેટરનરી સર્જને આ યુવતીને પશુનું ધ્યાન રાખવા માટે રાખી લીધી. ઉજ્જ્વલાતાઈને પશુઓ સાથે એવી પ્રીત થઈ ગઈ કે તેઓ પશુની ભાષા અને સંવેદનાઓ સમજવા લાગ્યાં. તેમની લગનથી ડાૅક્ટરનું કાર્ય પણ દીપી ઊઠ્યું. પશુઓ જલદી સાજા થવા લાગ્યાં. પશુઓને તાલીમ આપી પોતે જુદું ઘર આ ગામમાં વસાવ્યું. આમ તેમનો પશુઓ સાથેનો સંસાર ચાલવા માંડ્યો. વેટરનરી સર્જન મૃત્યુ પામ્યા એટલે ત્યાંનાં બધાં પશુઓને પણ પોતે અહીં લાવ્યાં. ડાૅક્ટરનું એ દવાખાનું વેચ્યું, તેની રકમ આવી અને પોતે સારી ખ્યાતિ પ્રાપ્ત કરેલી એટલે પૂનાની આસપાસનો વિસ્તાર તેમની પાસે ચિકિત્સા માટે આવતો. આમ તેમને આર્થિક રીતે પણ મૂંઝવણ ન હતી. જેમ માણસ સ્વજનો વચ્ચે રહે તેમ આ બાઈ પશુઓ સાથે રહેતી હતી. તેના મુખમંડળ પર અપાર સુખ-શાંતિ હતા.

પોતાના જ માણસો દ્વારા તરછોડાયેલી આ બાઈએ પશુઓ સાથે કેટલું ઐક્ય કેળવ્યું અને સમગ્ર જીવન પશુઓ સાથે વીતાવ્યું. ઉજ્જ્વલાતાઈની યાદ આવે છે ત્યારે ઉપરવાળાને પ્રશ્ન પુછાઈ જાય છે ‘હે પ્રભુ, તારું કયું સર્જન શ્રેષ્ઠ?’

Total Views: 139
By Published On: May 1, 2012Categories: Gitaben Gida, Dr.0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram