પ્રાચીન કાળમાં કાશીમાં રાજા બ્રહ્મદત્ત રાજ્ય કરે.
એ સમયે બોધિસત્વે એક ઉચ્ચ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લીધો હતો.
મોટો થઈને આ બ્રાહ્મણકુમાર કાશીના એક મોટા પંડિતને ત્યાં ભણવા ગયો. એ પંડિતની પાઠશાળામાં બીજા પાંચસો વિદ્યાર્થીઓ ભણતા હતા.
પંડિતજીને એક ઉંમરલાયક દીકરી હતી. એમણે વિચાર્યું. ‘દીકરી પરણાવવા લાયક થઈ છે. એને બીજા કોઈને દઉં એ કરતાં મારા શિષ્યોમાંથી કોઈ પાત્રને આપું એ શું ખોટું?’
શિષ્યોને બોલાવીને એમણે કહ્યુંઃ
‘મારા વહાલા વિદ્યાર્થીઓ, મારી દીકરી પરણાવવા લાયક થઈ છે એ તો તમે સૌ જાણો છો. મારો વિચાર તમારામાંથી જ કોઈ પાત્ર વિદ્યાર્થી સાથે એને પરણાવવાનો છે. પણ હા, જુઓ એક વાત છે. જે પોતાનાં કુટુંબીજનોથી છાની રીતે આ કન્યા માટે વસ્ત્રો અને ઘરેણાં લાવશે તેની સાથે મારી દીકરી પરણશે. વળી કન્યા માટે જે વસ્ત્ર-ઘરેણાં તમે લાવો તે કોઈની પણ નજરે ન પડેલાં હોવાં જોઈએ.’
‘બધા વિદ્યાર્થીઓએ આચાર્યની આ શરતનો એકી અવાજે સ્વીકાર કર્યાે. તેઓ વારાફરથી પોતાનાં કુટુંબીઓથી છાનાં, ચોરી છૂપીથી વસ્ત્ર-ઘરેણાં લાવવા માંડ્યા. બધા વિદ્યાર્થીઓની આવી રીતે લાવેલી ચીજવસ્તુઓ આચાર્ય અલગઅલગ મૂકવા લાગ્યા. લગભગ બધા વિદ્યાર્થીઓ આવી રીતે ચોરીછૂપીથી કન્યા માટે વસ્ત્રાલંકાર લાવ્યા; માત્ર બાકી રહ્યો પેલો ખાનદાન કુળનો બ્રાહ્મણકુમાર.’
આચાર્યે એને બોલાવીને પૂછ્યુંઃ
‘કેમ ભલા, તું કશું લાવ્યો નથી?’
બ્રાહ્મણકુમારે શાંત સ્વરે જવાબ આપ્યોઃ ‘ગુરુજી, બધાની માફક વસ્ત્રાલંકાર હું પણ લાવત. મારા ઘરમાં એ પુરતા પ્રમાણમાં છે પણ ખરાં! પરંતુ આપની પેલી શરત મને નડી. તે એ કે જે લાવો તે કોઈની નજરે પડેલું ન હોવું જોઈએ. ગુરુજી, એવી કોઈ છાની જગ્યા મને ન જડી, જ્યાં હું ચોરી કે પાપ કરી શકું. કોઈ ના હોય એવી જગાએ મારી પોતાની તો હાજરી હોય જ ને ગુરુજી’.
પંડિતજી પોતાના આ પ્રમાણિક વિદ્યાર્થી પર ખૂબ જ પ્રસન્ન થયા. તેઓ એની પીઠ થાબડતા બોલ્યાઃ ‘બેટા, પ્રભુકૃપાએ મારા ઘરમાં પણ વસ્ત્ર અને અલંકારની કમી નથી. આ તો વિદ્યાર્થીઓના સદાચારની પરીક્ષા લેવાની મારી ઇચ્છા હતી. એ પરીક્ષામાં માત્ર તું જ પાસ થયો છે. મારી દીકરી માટે યોગ્ય વર તું જ છે.’
આચાર્યે સારો એવો કરિયાવર આપી એ સાચા બ્રાહ્મણ કુમારને પોતાની કન્યાનું દાન દીધું. બીજા વિદ્યાર્થીઓને સૌ સૌનાં વસ્ત્રાલંકાર પાછા આપી દીધાં.
(ભગવાન બુદ્ધની વાતો- પુસ્તકમાંથી)
One Comment
Leave A Comment
Your Content Goes Here
પ્રાચીન કાળમાં કાશીમાં રાજા બ્રહ્મદત્ત રાજ્ય કરે.?